Thursday, July 3, 2014

થોડીક ડાહી ડાહી શિખામણો- ભાગ 2

આજનો ઈંડાચોર આવતી કાલનો મરઘીચોર બની શકે છે
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ


અતિરેક કોઈ પણ વાતનો હોય, નકામો. સારપનો પણ અતિરેક ન જોઈએ. 

(પણ અહીં અપવાદ કરીને ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રક્શન બુક’ના બીજા ભાગમાં વાંચેલી વધુ થોડીક શિખામણો જોઈ લઈએ. )

આ લો:

પ્રથમ દૃષ્ટિએ સાચો પ્રેમ હોઈ શકે છે એ બાબતમાં શ્રદ્ધા રાખો. 
કોઈનાંય સપનાંને હસી ન કાઢો. 
કોઈનેય પ્રેમ કરો ત્યારે ખૂબ હૃદયપૂર્વક, આવેશથી કરો, નીચોવાઈ જાઓ, શકય છે કે ભવિષ્યમાં તમારે આ જ કારણસર પસ્તાવું પણ પડે, પરંતુ જિંદગીને સંપૂર્ણપણે જીવવાનો આ જ એકમાત્ર ઉપાય છે. 
મળવાના સમય કરતાં વહેલા પહોંચી જવાય તો માફી માગવાની જરૂર નથી. 
મનની શાંતિ માટે તમે તમારા માટે નક્કી કરેલા નીતિનિયમો અનુસાર જ નિર્ણયો લેજો. 
જે વાત સમજી શક્યા નથી એ વિશે નિર્ણયો કે અભિપ્રાયો આપવાની કોશિશ કરતા નહીં. 
દરજીને ત્યાં નવા પેન્ટની ટ્રાયલ આપવા જાઓ ત્યારે ખિસ્સામાં રૂમાલ, પાકીટ, ક્રેડિટ કાર્ડ-પાસ, સિગારેટ પીતા હો તો એનું ખોખું બધું જ રાખીને ટ્રાયલ આપજો. 
ખાલી જગ્યાઓ હોય એવા કૉન્ટ્રાકટ કે કોઈ પણ ડૉક્યુમેન્ટ કે સાદા કાગળ પર પણ સહી કરતા નહીં
કોઈના સાથે અસહમત થતા હો ત્યારે ઈવન વાજબી દલીલો કરીનેય, બોલીને બગાડવાની જરૂર નથી. 
નમ્રતાથી દરેક જણ પ્રભાવિત થતું હોય છે. 
કોઈ પણ વ્યક્તિ વિશેનો અભિપ્રાય એનાં સગાંવહાલાં પરથી બાંધી લેવાની ઉતાવળ ન કરાય. 
યાદ રાખો કે તમે જેને જેને મળો છો એ દરેક વ્યક્તિને કશાકનો ડર છે, એ કશાકને ચાહે છે, એણે કશુંક ગુમાવ્યું છે. 
બોલો ધીમેથી પણ વિચારો ઝડપથી. 
કોઈ તમને એવો સવાલ પૂછે જેનો જવાબ આપવાની તમને ઈચ્છા ન હોય તો સ્મિત કરીને તમારે કહેવાનું: ‘તમારે શા માટે એ જાણવું છે?’
કોઈનીય શ્રીમંતાઈના વખાણ નહીં કરવાના, પરંતુ એ માણસે પોતાના પૈસાનો કેટલો સર્જનાત્મક કે ઉદારતાપૂર્વક ઉપયોગ કર્યો છે એ બાબત બિરદાવવાની. 
કોઈનોય વિશ્ર્વાસનો ભંગ નહીં કરવાનો. 
ક્યારેક અધકચરી જીત અંગે કવેળાની જાહેરાત નહીં કરી દેવાની. 
ગૅસ પર કશુંક ઉકાળવા મૂકયું હોય ત્યારે રસોડાની બહાર નીકળાય જ નહીં.
એક વસ્તુ યાદ રાખજો કે જે ક્ષણે તમે બોલશો કે, ‘હવે હું હારી ગયો છું, વધુ કોઈ પ્રયત્ન કરવા નથી, માગતો’ તે જ ક્ષણે આવી જ પરિસ્થિતિ અનુભવી રહેલી કોઈક વ્યક્તિ બોલી ઊઠશે, ‘વાહ, શું તક મળી ગઈ તને!’ 
સારાં પિક્ચરોનો કે સારાં નાટકોનો કે સારાં પુસ્તકોનો અંત કહીને બીજા કોઈની મઝા બગાડતા નહીં.
કોઈને ત્યાં જમવા જાઓ તો એમના માટે નાનકડી સુંદર ભેટ લઈ જવાનું ભૂલતા નહીં: પુસ્તકો ભેટ તરીકે ઉત્તમ ગણાય.
કૉકટેલ પાર્ટીમાં ક્યારેય હાથમાં ગ્લાસ પકડીને ફોટો પડાવતા નહીં.
નાનીસરખી ગેરસમજણથી કે ક્ષુલ્લક ઝઘડાઓ કરીને ઉત્તમ મૈત્રીને ઉઝરડાઓ નહીં પાડયા કરવાના.
પ્રતિસ્પર્ધીઓને ક્યારેય ઉતારી નહીં પાડવાના. 
ક્યારેક ક્યારેક લાંબી લાઈનમાં તમારા પછી જેનો વારો હોય એને તમારાથી આગળ જવાનું આમંત્રણ આપતા રહો. 
યાદ રાખો કે આજનો ઈંડાચોર આવતી કાલનો મરઘીચોર બની શકે છે. 
તમારા કરતાં તદ્દન વિરુદ્ધ મત ધરાવતા લોકોને નિયમિતપણે મળતા રહો. 
બાળકો સાથે વિતાવેલો સમય ક્યારેય વેડફાતો નથી. 
કોઈનીય પત્ની તથા કૂતરાં વિશે ખરાબ નહીં બોલવાનું. 
કોઈ ચીજ કે કોઈ કામની બાબતમાં સૌથી ઓછી કિંમતની ઑફર સ્વીકારતાં પહેલાં બે વાર વિચાર કરો. 
સુંદર રીતે ગિફ્ટરૅપ ન કરી હોય એવી ભેટ ક્યારેય આપવાની નહીં.
તમને જે ન આવડતી હોય એવી ત્રણ ભાષાઓમાં ‘આઈ લવ યુ’ બોલતાં શીખી લેજો. 
જિંદગીમાં એકાદ સુંદર કાવ્ય આખેઆખું મોઢે હોય તો ઉત્તમ.
 સ્ત્રી સાથે શેકહૅન્ડ કરો ત્યારે એ તમારો હાથ જેટલો દબાવે એનાથી વધુ તમારે એનો હાથ દબાવવાનો નહીં. 
માફ કરવામાં હંમેશાં પ્રથમ રહેવાનું. 
જો તમને કશુંક કામ કરવાની અંત:સ્ફુરણા, ઈન્ટ્યુઈશન, થયા કરતી હોય તો એ કામ કરવાનું જ. 
મૌલિક બનો, બીજાના કરતાં જરા જુદા બનો, આવા બનવામાં કોઈક તમને જરા ચસકેલા મગજના સમજે તો ભલે.’ 
બર્થડેની ઉજવણીમાં કેક તો હોવી જ જોઈએ. 
બીજા તમામ પ્રકારનાં પરિવર્તન માટે ખુલ્લા રહો, પણ નીતિમૂલ્યો બદલવા નહીં.
કારમાં લાંબી મુસાફરીની શરૂઆત કરતા હો ત્યારે એક ટાંકી છલોછલ ભરી લેવાનું અને ‘બીજી’ ટાંકી ખાલીખમ કરી નાખવાનું ભૂલતા નહીં. 
ક્યારેક શ્રેષ્ઠ ઉત્ત૨ મૌન હોય છે. 
જેટલું સાંભળો એ બધું જ માનો નહીં, 
જેટલું હોય એ બધું જ વાપરો નહીં અને જેટલું ઊંઘવું હોય એટલું ઊંઘો નહીં. 
જીત્યા પછી વટ મારવો નહીં, 
હાર્યા પછી બહાનાં બતાવવા નહીં. 
તક જ્યારે બારણે ટકોરા મારે ત્યારે તરત જ એને જમવા માટે ઘરમાં બોલાવી લેવાની. 
જબરદસ્ત પ્રેમ કરવામાં અને જબરદસ્ત સિદ્ધિઓ મેળવવામાં જબરદસ્ત જોખમ રહેલું હોય છે. 
દરેક નિયમ જાણી લો, પછી એમાંના થોડાકને તોડતાં શીખી લો.

No comments:

Post a Comment