| તમારા ફૅમિલી-સ્વામી પસંદ કરો |
અમેરિકામાં ફૅમિલી સાઈકિયાટ્રિસ્ટ અથવા માનવશાસ્ત્રી હોય છે એમ ભારતમાં ફૅમિલી સ્વામીઓ આવી ગયા છે. મોટા શામિયાના બંધાય છે, લાખો રૂપિયા ખર્ચાય છે, બહાર સેંકડો ગાડીઓ ઊભી રહે છે, મેળા જેવું વાતાવરણ જામે છે
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
એક જમાનો હતો જ્યારે ગાંધીજી છેલ્લા મહાત્મા હતા! પછી દેશ સમૃદ્ધ થયો. કાળું નાણું વધ્યું, હિંસા ફૅશનેબલ બની અને હિંદુસ્તાનમાં ‘ગૉડમેન’ વધ્યા. ગૉડમેન શબ્દ કદાચ ખુશવંતસિંહે આપ્યો છે. ગૉડમેન એટલે મહાત્મા. મહાઋષિ, ભગવાન, મહારાજ, સ્વામી, બાપુ, યોગી અથવા એવા માણસો જેમને સાંભળવા ભક્તજનો, ભાવકો, ચાહકો, શ્રોતાઓ (અને દર્શકો પણ) લાખોની સંખ્યામાં જમા થઈ જાય, ભાવવિભોર થઈને સાંભળે! હવે આધુનિક અને ધનિક પરિવારોની સુખી શેઠાણીઓને ફૅમિલી ડૉક્ટર અને હેર ડ્રેસરની જેમ ફૅમિલી સ્વામીઓ હોય છે, અમેરિકામાં ફૅમિલી સાઈકિયાટ્રિસ્ટ અથવા માનવશાસ્ત્રી હોય છે એમ ભારતમાં ફૅમિલી સ્વામીઓ આવી ગયા છે. મોટા શામિયાના બંધાય છે, લાખો રૂપિયા ખર્ચાય છે, બહાર સેંકડો ગાડીઓ ઊભી રહે છે, મેળા જેવું વાતાવરણ જામે છે. ગીતા, રામાયણ, ઉપનિષદ, બ્રહ્મ, આત્મા, સકામ અને નિષ્કામ કર્મની વાતો થાય છે! મહાત્મા મોહનદાસ ગાંધી પ્રાર્થનાસભાઓ કરતા હતા. આજના મહાત્માઓ મોટી સભાઓ ભરે છે, સમાજ કલ્યાણની નહીં પણ આત્માના કલ્યાણની વાતો કરે છે. સ્વામી-સાધુઓનાં વ્યાખ્યાનોનાં પુસ્તકો છપાય છે, ઈન્ટર્વ્યૂ આવે છે, એમના જ અવાજમાં એમની કૅસેટો વેચાય છે. ધર્મની વાતો વધારેમાં વધારે ફેલાય એ માટે વિજ્ઞાનનો ભરપૂર સહારો લેવામાં આવે છે. મેક-અપ કરીને આ સંતો ટી.વી. પર પણ નિયમિત દેખા દે છે! ધેર્સ નો બિઝનેસ લાઈક ગૉડમેન્સ બિઝનેસ!
આ ગૉડમેનને ગુજરાતીમાં શું કહીશું? ભગવાનદાસ? કે ધર્મવીર? મને ધાર્મિક વ્યાખ્યાનો કે પ્રવચનોમાં બહુ આસ્થા નથી પણ આ ભગવાનદાસો કે ધર્મવીરો કે ગૉડમેનમાં બહુ રસ છે, અને વર્ષોથી એમને સાંભળતો રહ્યો છું. લોકપ્રિયતામાં એ ફિલ્મ-સ્ટારો અને રમતવીરોથી જરાક જ પાછળ છે! રાજનેતાઓને આપણે લોકપ્રિયતામાં ગણતા નથી. કારણ કે એમની સુલતાની અને મુફલિસી થોડા જ દિવસોની હોય છે. ધર્મવીરોને પ્રજા પગથી વોટ આપે છે, કાનથી વિશ્ર્વાસ કરે છે. એ શબ્દના અને અવાજના જાદુગરો છે. એમની આંખોમાં મેસ્મેરિઝમ હોય છે, એમના ભક્તો અને ભાવકો માટે એ દેવતાસ્વરૂપ છે. જે. કૃષ્ણમૂર્તિને વર્ષો પૂર્વે જવાનીમાં સાંભળ્યા હતા. એમના અવાજમાં માધુર્ય હતું. આજે કૃષ્ણમૂર્તિ થાકી ગયા છે પણ જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના પટાંગણમાં દરેક શિયાળે એમનાં પ્રવચનો ગોઠવાય છે. એમની બોલવાની રીત સંવાદની છે. મદારી બીન વગાડતો અટકી જાય અને સર્પ હાલી જાય એમ એ વાત કરતાં કરતાં હલાવી નાખે છે. એમની ભાષા ઉચ્ચસ્તરીય છે, એ એક શિક્ષિત વર્ગ માટે છે અને એમનાં પ્રવચનો અંગ્રેજીમાં હોય છે એ અત્યંત ખૂબસૂરત હતા. આજે પણ ખૂબસૂરત લાગે છે. શ્રીમતી ઍની બેસન્ટે બે ભારતીયોને પોતાના પુત્રો ગણ્યા હતા - એક જે. કૃષ્ણમૂર્તિ, અને બીજા કૃષ્ણમેનન! બંને વિશ્ર્વવિખ્યાત બની ગયા. ચિણ્મયાનંદને સાંભળ્યા ત્યારે એ એટલા મશહૂર ન હતા. એક સિનેમા થિયેટરમાં એ વચ્ચેના માર્ગથી પ્રવેશ્યા, જેવી રીતે મલ્લ-કુસ્તીઓમાં મલ્લો પ્રવેશે છે એમ! સ્ટેજ પર ગયા અને વચ્ચે બેસી ગયા. એમણે એક રંગીન ઉપવસ્ત્ર લપેટેલું હતું, પાછળ બે બ્લૅક બોર્ડ હતા. એ દક્ષિણ ભારતીય લઢણવાળું અંગ્રેજી બોલતા હતા. નાટકીય રીતે બંને બોર્ડો પર લખેલી માહિતી એક લાંબી લાકડીથી બતાવતા ગયા અને બોલતા ગયા. પ્રવચનની મધ્યમાં નાટકીય રીતે એમનું ઉપવસ્ત્ર નીકળી પડ્યું, અને એમનો લાંબો દેહ ચમકતો રહ્યો કદાચ આ બધું જ એમની નાટકીય શૈલીનો ભાગ હશે. કોલકાતામાં મહાઋષિ મહેશ યોગીને સાંભળ્યા ત્યારે એ આટલા વિશ્ર્વવિખ્યાત થયા ન હતા. એમની કાળી દાઢીમાં એક સફેદ ટુકડો હતો. ઊંચાઈમાં ધાર્યા કરતાં નીચા હતા. કેસરી ઉપવસ્ત્ર હતું. એમનું શાંત, સૌમ્ય સ્મિત હંમેશાં યાદ રહેશે. કારણ કે એ સતત સસ્મિત રહેતા હતા! હૃષીકેશમાં કહેવાય છે કે એમની એરકન્ડિશન્ડ ગુફાઓ છે જ્યાં અભ્યાસીઓ બેસીને મનન કરી શકે છે. હૃષીકેશ ગયો ત્યારે એક માણસે કહ્યું હતું કે આ માર્ગ પર ઉપર ગુફાઓ છે, પણ જવાના સંયોગ ન હતા, કારણ કે હૃષીકેશ-હરદ્વારની બસ હડતાલ પડી ગઈ હતી અને પાછા જવાની ઉતાવળ હતી. એ એમના ‘ટ્રાન્સન્ડૅન્ટલ મૅડિટેશન’ માટે સુખ્યાત છે. ભગવાન રજનીશ જ્યારે આચાર્ય રજનીશ હતા ત્યારે મેટ્રો સિનેમાની પાસે મેદાનમાં એમને ઘણી વાર સાંભળ્યા છે! પછી તો ભગવાન બહુ મોંઘા થઈ ગયા અને સાંભળવાનું ગજુ કે ભક્તિ રહ્યાં નહીં! રજનીશે બધા જ સ્વામીઓને ટેપ અને કૅસેટનું મહત્ત્વ સમજાવ્યું, કદાચ ફોટા, માસિક, કૅસેટ, મેડલોનો સૌથી વિશેષ ઉપયોગ રજનીશે કર્યો. એટલા વૈજ્ઞાનિકો અને વ્યવસ્થિત કોઈ સ્વામી ન હતા. પાછળથી એમના હિન્દી ઉચ્ચાર ખરાબ થઈ ગયા પણ શરૂમાં એ બહુ સરસ ઉચ્ચારણ કરતા હતા: એમની ધૂન, સ્ત્રીઓ અને ખાસ કરીને વિદેશી સ્ત્રીઓનું નાચવું, પ્રવચન આપતી વખતે ઘૂંટાયેલા અવાજે બોલવું અને વચ્ચે વચ્ચે અટકી જવું - આ એમના સાંનિધ્યની લાક્ષણિકતાઓ! ભારતમાં રજનીશની કક્ષાના વક્તાઓ બહુ ઓછા હતા. એમની વક્તૃત્વશક્તિની વિશેષતા એમની ચૂપકીદી અથવા ખામોશી! એ બોલતા હોય અને વચ્ચે સેકંડો સુધી સન્નાટો છવાઈ જાય! શબ્દોની પસંદગી શ્રેષ્ઠ અને અભ્યાસપ્રકાંડ પંડિતનો... અને શ્રોતાઓને પોતે બુદ્ધિજીવી હોવાનો આભાસ થાય! ડોંગરે મહારાજને અંબાજીમાં સાંભળ્યા હતા. આ મહારાજોની યાદશક્તિ જબરી હોય છે. વાર્તાની જેમ રસતરબોળ કરે. વિચારવાનું ભુલાવી દે, પણ એમનો શ્રોતાવર્ગ નિમ્ન મધ્યમવર્ગમાંથી આવે છે એટલે ઉદાહરણો વધારે રહે. ભાષા અત્યંત સીધી સાદી અને સમજાય એવી, બહુ જ મોટો વર્ગ એમને સાંભળવા આવે. પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયના ઘણા શિક્ષિતો પણ ભક્ત છે. એ તર્કશુદ્ધ લાગ્યા હતા. ઉચ્ચારણ સ્પષ્ટ મહારાષ્ટ્રીય, અને વાતમાં રોજિંદા જીવનની રમૂજ પણ આવે. અવાજ ઊંચો જાય, કથા, ઉદાહરણ, કટાક્ષની વચ્ચે વચ્ચે ગંભીર વાત આવી જાય. એમની શૈલી બહુ સફળ રહી છે, એમનો પણ એક ખાસ વર્ગ છે. હમણાં હમણાં મુરારિબાપુ પ્રચલિત થઈ ગયા છે. એ ગાઈ શકે છે અને વાસ્તવથી દૂર એવી આદર્શની વાતો બહુ સામાન્ય ભાષામાં કહી શકે છે. એ થોડાં જ વર્ષોમાં બહાર આવ્યા છે પણ એમનો અવાજ ઊંચોનીચો થઈ જાય છે. જેમને બહુ બોલ્યા કરવું પડતું હોય એમના અવાજની આટલી બધી વધઘટ ભવિષ્યમાં ગળાને ખરાબ કરી નાખે એવો ભય રહે છે! આમાં એક વાત સૂચક છે: મુરારિબાપુ સ્કૂલશિક્ષક હતા. મહાઋષિ મહેશ યોગી અને રજનીશ વર્ષો સુધી કૉલેજોમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસરો હતા: પ્રોફેસરોને ધર્મવીરો થવાનું સહેલું પડતું હશે? |
Showing posts with label ચંદ્રકાંત બક્ષી. Show all posts
Showing posts with label ચંદ્રકાંત બક્ષી. Show all posts
Saturday, August 27, 2016
સંતો-સ્વામીઓ -ગુરુઓ - ચંદ્રકાંત બક્ષી
Friday, July 15, 2016
પ્રામાણિક માણસની લાચારી-ચંદ્રકાંત બક્ષી
| નથી ગમતું એ કામ પ્રામાણિક માણસને લાચાર થઇને કરવું પડે છે...! |
કોઇ પણ સામાન્ય પ્રશ્ર્નને આપણે ગહન સમસ્યા બનાવી દીધી છે. બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવવો છે. ફરીથી લાચારી. માત્ર બાળકનો જ નહીં પણ પિતા તરીકે મારો પણ ઇન્ટરવ્યૂ લેવાય છે- ત્રીસેક વર્ષની જરા જરા મૂછવાળી કોઇ અધકચરા શિક્ષણવાળી મિજાજી સ્ત્રીને મારે મારી બુદ્ધિ અને સંસ્કારિત્વનાં સર્ટિફિકેટ આપવાં પડે છે! મારા સંતાનને પ્રવેશ મળે એ માટે!
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
મિસ્ટર કુકરેજાએ એરકન્ડિશન્ડ સેકંડ ક્લાસ પડદો ખેંચતાં કહ્યું : પહેલાં હું અજમેરમાં હતો. પછી મુંબઇમાં આવીને મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડમાં નોકરી કરી...છ વર્ષ નોકરી કરી. પછી છોડી દીધી. હવે મારું ક્ધસ્ટ્રક્શનનું કામ છે. મિસ્ટર કુકરેજા અને એમના સમૃદ્ધ કુટુંબમાં ત્રણ સભ્યોને જોઇને અનુમાન થઇ શકતું કે મિસ્ટર કુકરેજાએ સારા પૈસા બનાવ્યા હતા...
આ વાર્તા હિંદુસ્તાનમાં ઘણા ધનપતિઓ પાસેથી મળે છે. નોકરી કરી, પછી પોતાનો ધંધો શરૂ કર્યો. પહેલાં ભાગીદારીમાં, પછી પોતાનો. પહેલાં આણંદમાં હતો, હવે મુંબઇમાં છું. અથવા આઠ વર્ષ બેંગલોર હતા, હવે છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં છીએ. કદાચ આ પ્રકારની સફળતાની વાતો ધીરે ધીરે ઓછી થતી જશે. જેમ જેમ મ્યુનિસિપાલિટીઓ અને સરકારો સમાજકારણ કરતાં રાજકારણમાં વધારે રુચિ લઇ રહી છે. જેમ જેમ ઇમાનદાર નોકરિયાત કે બૌદ્ધિક વર્ગ મહાનગરોમાં દૂરનાં ઉપનગરો કે નાનાં ટાઉનોમાં ફેંકાતો જાય છે અને ઉપરની કમાણીવાળા ‘સાહસિક’લોકો મહાનગરના મધ્યબિંદુ તરફ ભેગા થતા જાય છે એમ એમ એક સામાજિક ઘટનાનો પણ લોપ થતો જાય છે. માણસ નોકરી છોડે, અને બીજા શહેરમાં બીજી પ્રવૃત્તિ શરૂ કરે - નોકરી નહીં પણ ધંધો, અને વધારે સંપન્ન થાય! હિંદુસ્તાનમાં બાપના ધંધામાં જ ઊતરનારાઓની સંખ્યા બહુ મોટી છે - ગુજરાતમાં કદાચ ઘણી વધારે હશે. ત્રણ પુત્રો ત્રણ અલગ લાઇનોમાં હોય એવું ઓછું જોવા મળે છે! બાપની લાઇનમાં જે ગુજરાતી બેટો જતો નથી એ મારી આંખોમાં મર્દ છે - પણ એ મર્દાઇ ને ફૂલો આવતાં વીસ વર્ષની જવાની શહીદ થઇ જાય છે. હવે આદર્શ મર્દાઇ પોષાય એ સ્થિતિ પણ રહી નથી. આ હિંદુસ્તાનમાં છે. બ્લૅકમાં સિનેમાની ટિકિટ લીધા વિના તમે પાછા ફરી શકો પણ આવતી કાલે લગ્ન પર કે વડોદરા કે મોત પર અમદાવાદ પહોંચવું હોય તો લુખ્ખાને દસની નોટ કે માસ્તરસાહેબને મિન્નત કરીને અંદર ઘૂસીને પછી ચા-પાણી આપીને જવું પડે છે. નથી ગમતું એ કામ પ્રામાણિક માણસને લાચાર થઇને કરવું પડે છે! તદ્દન નાનાં અને નકામાં કામો માટે આટલી બધી બેઇમાની કરવાની ફરજ પડે છે એ સ્વીકારી લો તો જ હિંદુસ્તાનમાં જીવી શકાય. આ સત્ય છે અને સત્યમેવ જયતે! ધંધાદારી દેશસેવકોએ કેવી સ્થિતિ સર્જી છે? એક ઔદ્યોગિક લાઇસન્સ લેવું હોય તો અફસરો ઝીણી આંખો કરીને ડઝનબંધ સવાલો કરી નાખે છે એવો વેપારીઓનો અનુભવ છે. સેલ્સ-ટૅક્ષ કે ઇન્કમટૅક્ષ કે મ્યુનિસિપલ લાઇસન્સ કેસમાં એવું હવામાન છે કે નિર્દોષતા તમારે સાબિત કરવાની છે!- દુનિયાના સંસ્કારી કાયદાઓનો નિયમ છે: જ્યાં સુધી ગુનો સાબિત થયો નથી ત્યાં સુધી તમે નિર્દોષ છો. અહીં જરા વિચિત્ર અનુભવ થાય છે. સામાન્ય મધ્યમવર્ગીય અને ગરીબ માણસ પોલીસ સ્ટેશન કે સેલ્સ ટૅક્ષ ઑફિસ કે એવા કોઇ પ્રતિષ્ઠાનમાં બેઠો હોય ત્યારે એ ગુનેગાર લાગે છે જ્યાં સુધી પોતાની નિર્દોષતા સાબિત કરતો નથી! તમારે મુંબઇમાં ટેલિફોન જોઇએ છે? અગિયાર વર્ષ રાહ જુઓ પછી મળશે. ટેલિફોન સલાહકાર સમિતિમાં મિત્રો હતા પણ ઇમાનદારીની પરીક્ષા કરવી હતી માટે અગિયાર વર્ષ લાગ્યાં! ટેલિફોનવાળા કદાચ માને છે કે મુંબઇવાળા બસો વર્ષ જીવે છે! ઇંગ્લેન્ડ-અમેરિકામાં તો આ કોઇ સમસ્યા જ નથી. ગૅસનું સિલિન્ડર જોઇએ છે? છોકરી છેલ્લા વર્ષમાં આવે ત્યારે નોંધાવી રાખે...પરણશે ત્યારે દહેજમાં આપવા કામ આવશે! ટેલેક્ષ? એ લાખ્ખો-પતિઓની વસ્તુ છે. જનતાને એની સાથે કોઇ સંબંધ નથી. સીધું ન ચાલતું હોય તો પૈસા ફેંકો, ટેલેક્ષ ચાલવા માંડશે. પોસ્ટ ઑફિસમાં તમારા સેવિંગ્સના રૂપિયા લેવા ગયા છો? હિટલર-કટ મૂછ વાળતો કલાર્ક તમારી સામે એ રીતે જોશે કે તમે ભીખ માગવા ઊભા છો! અંદર જશો ત્યારે હુકમ કરશે, જાઓ, બહાર ખડા રહો! અંદર મત આઓ!... મહાનગરમાં મધ્યમવર્ગ વૃક્ષની જેમ એના ફ્લેટમાં ચોટી ગયો છે. નવી જગ્યા ખરીદવા જેટલા પૈસા આ જિંદગીમાં કમાઇ શકવાના નથી. એક જમાનો હતો. જગ્યા લેવાઇ ગઇ અથવા વારસામાં મળી ગઇ. બાળક જન્મે છે, જવાન થાય છે, પરણે છે, જીવે છે, મરે છે...એ જ ફલૅટમાં! કારણ કે મુંબઇમાં મધ્યમવર્ગનો માણસ હાલતુંચાલતું વૃક્ષ છે. ફલૅટ એની માતૃભૂમિ છે અને પિતૃભૂમિ છે...એની ધરતી છે. કોઇ પણ સામાન્ય પ્રશ્ર્નને આપણે ગહન સમસ્યા બનાવી દીધી છે. બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવવો છે. ફરીથી લાચારી. માત્ર બાળકનો જ નહીં પણ પિતા તરીકે મારો પણ ઇન્ટરવ્યૂ લેવાય છે- ત્રીસેક વર્ષની જરા જરા મૂછવાળી કોઇ અધકચરા શિક્ષણવાળી મિજાજી સ્ત્રીને મારે મારી બુદ્ધિ અને સંસ્કારિત્વનાં સર્ટિફિકેટ આપવાં પડે છે! મારાં સંતાનને પ્રવેશ મળે એ માટે! એને દૂધનું કાર્ડ કે રેશનનું કાર્ડ કાઢવાનાં ભગીરથ કાર્યો તો હજી બાકી છે? આ શહેરી મધ્યમવર્ગીય સ્વર્ણભૂમિનું દૃશ્ય છે. ટેલિફોન, રેલવેની ટિકિટ, બાળકનો સ્કૂલ-પ્રવેશ, ગૅસનું સિલિન્ડર, દૂધનું કાર્ડ, રેશનિંગ ઑફિસ, ફલૅટ, બસ કે ટ્રેનમાં ઑફિસ જવાનું દૈનિક પરાક્રમ...! અંત નથી, તદ્દન નાના પ્રશ્ર્નો જેને મોટી સમસ્યાઓ બનાવી મૂકવામાં આવી છે. રેલવે સ્ટેશન પર કમ્પ્યુટર દ્વારા બુકિંગ થઇ શકે- મુંબઇથી રોજ માત્ર બૉમ્બે સેન્ટ્રલથી ટ્રેનો દોડે છે! જે આઠ-દસ ટ્રેનો જતી હોય એનો ચાર્ટ આંખની સામે રાખીને આ ન કરી શકાય? મુંબઇમાં બેઠા બેઠા આખી દુનિયામાં ક્મ્ફર્ટ બુકિંગ થઇ શકે છે પણ મુંબઇથી અમદાવાદ જવું હોય તો પંદર દિવસ પહેલાનું વેઇટિંગ-લિસ્ટ પરનું નામ જવાના દિવસે સાંજે ચાર વાગ્યા સુધી ક્ધફર્મ થતું નથી...અને રાત્રે ટ્રેન ઉપડે છે ત્યારે ખબર પડે છે કે અડધો ડબ્બો ખાલી છે! મિસ્ટર કુકરેજાએ શહેરો બદલ્યાં. નોકરીઓ બદલી. આજે એ જરા કઠિન બની ગયું છે. તદ્દન સામાન્ય નાની વાતો પહાડ જેવી દુર્ગમ બનાવી દીધી છે! પ્રમાણિકતાનો એકેય શુદ્ધ શ્ર્વેત રંગ રહ્યો નથી. હવે પ્રમાણિકતા ઘણાં રંગોમાં મળે છે. બુદ્ધિ ચાલતી રહે, શહેરો બદલતી રહે, વ્યવસાયો ફેરવતી રહે તો જ અર્થતંત્ર પ્રગતિ કરે...આજના હિંદુસ્તાનમાં ગતિ ધીમી પડી ગઇ છે, સ્થિતિમાં ટકી શકાય તો પણ ઘણું! આર્થિક રીતે ઘાયલ થયેલા બૌદ્ધિક અથવા પ્રોફેશનલની કદાચ આ માનસિક હાલત છે. ***************************************************************** નોંધ : બક્ષીસાહેબ 2006માં સ્વર્ગવાસ પામ્યા છે પરંતુ તેમનું લખાણ આજે પણ આપણને લાગુ પડે છે ***************************************************************** |
Friday, June 10, 2016
રાજ કર્યું, પીધું અને ખાધું?- ચંદ્રકાંત બક્ષી
| રાજ કર્યું, પીધું અને ખાધું? |
ભારતનો સમાજવાદ દાંત અને નહોર વિનાનો સાબિત થયો છે. જગતના રાજનીતિશાસ્ત્રમાં આપણે ગાંધીવાદ, લોહિયાવાદ, ભાવેવાદ, નક્ષલવાદ જેવા વાદો તો આપ્યા છે પણ કદાચ આપણું સૌથી મૌલિક ભારતીય યોગદાન જુદું છે : ભ્રષ્ટવાદ! દરેક માણસ ખરીદાઇ શકે છે, દરેક માણસની એક કિંમત છે
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
‘કાળાબજારિયાઓને નજીકમાં નજીક લૅમ્પ-પોસ્ટ પર ફાંસી મારી દેવી જોઇએ.’
જમાનો આઝાદી પહેલાંનો હતો...કદાચ ૧૯૪૫ આસપાસ હશે. રાષ્ટ્રના નેતાઓ ૧૯૪૨માં ‘ભારત છોડો’આંદોલનમાં ગિરફતાર થયા પછી લગભગ ત્રણ-સાડાત્રણ વર્ષે છૂટ્યા હતા. એ જમાનામાં પંડિત જવાહરલાલ નહેરુ, હિંદુસ્તાનના દિલની ધડકન હતા, આગની જેમ ભડકતા હતા, કરોડોના દિમાગમાં વિપ્લવની આંધી ફૂંકતા હતા. જ્યારે બીજા કેટલાક દેશનેતાઓ વાણિયાવેડા કરવા માંડ્યાં-અમે તો જનતાને અહિંસા રાખવાનું કહ્યું હતું...પણ જનતાએ હિંસા કરી નાખી...ત્યારે કલકત્તાના હાવડા સ્ટેશન પર ઊતરીને પંડિત નહેરુએ પહેલું વાક્ય કહ્યું હતું : જનતાએ જે કંઇ કર્યું છે એ માટે હું પોતે જવાબદાર છું. શહીદોને પ્રણામ કરું છું...અને બ્રિટિશ સરકારને મારા પર કામ ચલાવવાની હું ચૅલેન્જ આપું છું... લોકો પાગલ થઇ ગયા હતા. નહેરુ એ વખતે કલકત્તામાં ડૉ.બિધાનચંદ્ર રાયના નિવાસસ્થાન પર ઊતરતા હતા. એ વખતે એરોપ્લેનો, હૅલિકોપ્ટરો, મર્સીડીઝ કે ઇમ્પાલા ગાડીઓ ન હતી. નેતાઓ ટ્રેનમાં આવતા, લાખ્ખો, માણસો સ્ટેશનો પર પોતાને ખર્ચે જમા થતા. નહેરુ ત્રણ વર્ષે છૂટ્યા હતા, બધા નેતાઓમાં એ સૌથી મોડા છૂટ્યા હતા. અને એ પ્રજાના હિરો હતા! એમને એમની ગાડી સુધી પણ જવા દીધા નહીં. નહેરુ એક ટૅક્ષીમાં બેસી ગયા. ટૅક્ષી-ડ્રાઇવર એમને બી.સી.રાયને ઘેર લઇ ગયો. ટેક્ષી-ડ્રાઇવર ગદ્ગદ થઇ ગયો, નહેરુ પૈસા આપવા માંડ્યા, એણે ન જ લીધા...આ તો સૌભાગ્યનો દિવસ હતો! અને કદાચ એ જ અરસામાં એક સભામાં નહેરુ ભડકેલા : કાળાબજારિયાઓને નજીકમાં નજીક લૅમ્પ-પોસ્ટ પર લટકાવી દેવા જોઇએ... એ પછી એક લેખક- ઇતિહાસકાર ડૉ.ભગવત શરણ ઉપાધ્યાયે એક પુસ્તક લખ્યું. હિન્દીમાં આ પુસ્તક બહાર પડ્યું, નામ હતું : ‘ખૂન કે છિંટે, ઇતિહાસ કે પન્નોં પર !’ એમાં ડૉ.ઉપાધ્યાયે આ વાક્ય વિશે આલોચના કરી અને કંઇક આવા મતલબનું લખ્યું હતું : લીડર કહે કે કાળાબજારિયાઓને નજીકના નજીક લૅમ્પ-પોસ્ટ પર ફાંસી મારી દો!પણ જ્યારે લીડર પાસે ફાંસી મારવાની સત્તા આવશે ત્યારે એ ક્યાં હશે? લેખકે કાળાબજારિયા પાસે સંવાદ બોલાવ્યો છે કે...ત્યારે તો તું અમારા ખિસ્સામાં હશે!... ભારતની ક્રાન્તિની દેવી અમેરિકા અને ઇંગ્લેન્ડ તરફ મોઢું કરીને ઊભી હતી. ભગવત શરણ ઉપાધ્યાયની વાત કંઇક અંશે બહુ કરુણ રીતે સાચી પડી છે. કાળાબજારિયાઓ લૅમ્પ-પોસ્ટ પર લટક્યા નથી પણ ખીસાં વધ્યાં છે અને ખીસાંની સાઇઝો મોટી થઇ છે. કેટલાક કેસોમાં ભ્રષ્ટાચાર અને ખાયકી સાબિત થઇ ગયા પછી પણ આ ૩૬ વર્ષોમાં કદાચ એક પણ મંત્રીને ફાંસી અપાઇ નથી. અને કોઇ પણ ભ્રષ્ટ નેતાની પૂરી સંપત્તિ જપ્ત થઇ હોય એવું સાંભળ્યું નથી. ભારતનો સમાજવાદ દાંત અને નહોર વિનાનો સાબિત થયો છે. જગતના રાજનીતિશાસ્ત્રમાં આપણે ગાંધીવાદ, લોહિયાવાદ, ભાવેવાદ, નક્ષલવાદ જેવા વાદો તો આપ્યા છે પણ કદાચ આપણું સૌથી મૌલિક ભારતીય યોગદાન જુદું છે : ભ્રષ્ટવાદ! દરેક માણસ ખરીદાઇ શકે છે, દરેક માણસની એક કિંમત છે. આ ભ્રષ્ટવાદ માટે છાંપાઓ અને ઇમાનદાર વિચારકો ઘણાં નામો વાપરે છે: ભાઇભત્રીજાવાદ, ખચ્ચરવાદ, ચમચાવાદ...પણ હકીકતમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે. બધા જ પક્ષોમાં છે. પૂર્ણત: ભારતીય છે, સમાજસ્વીકૃત છે અને એનું શું કરવું એ વિશે કાયદાથી માંડીને સમાજ સુધી બધાં જ બળો અસહાય થઇ જવાય એટલા ચિંતિત છે. આનો જવાબ દસ હજાર માઇલ દૂર અમેરિકામાં નહીં મળે, પણ આપણા પાડોશના ચીન કે રશિયામાં મળી જશે. આપણો સમાજ રશિયન કે ચીની સમાજથી વધુ નિકટ છે. અમેરિકા જેવા અત્યંત ધનિક કે યુરોપના દેશો જેવા અત્યંત વિકાસશીલ નાના દેશોની સમસ્યાઓ અને નિદાનો આપણા મહાકાય વિરાટ ભારતની અરાજક અર્થવ્યવસ્થા, સામંતશાહી સમાજ-વ્યવસ્થા કે ભાઇભત્રીજાવાદી રાજ્ય-વ્યવસ્થા માટે અનુકૂળ નથી. ચીન સાથે આપણે બિરાદરી હતી,ભૂખની, દુકાળની, કુરિવાજોની, સ્ત્રી પરના જુલ્મની, સામંતશાહી અને તાનાશાહી અને તુમારશાહીની, કૃષક અને શ્રમિકના શોષણની, ગરીબીની, વિદેશી અને ફિરંગીની ગુલામીની, ઉપસંસ્થાનવાદની, સાથે જીવેલા ઇતિહાસની!ચીન આગળ વધી ગયું છે, રશિયા સાથે તુલના કરવાનો પ્રશ્ર્ન જ નથી. પણ ચીન આપણાથી બે વર્ષ પછી આઝાદ થયું અને આજે વિશ્ર્વસત્તા બની ગયું છે. આપણે ઘાયલ હાથીની જેમ દિશાશૂન્ય બની રહ્યા છીએ. ભ્રષ્ટાચારની ઊધઇનો શું ઇલાજ? ચીને હમણાં ચુ-તેહના પૌત્રને ભ્રષ્ટાચાર માટે ફાંસી મારી દીધી! ચુ-તેહ ચીની સરસેનાપતિ હતા અને માઓ તથા ચાઉની સાથે એ ત્રિમૂર્તિએ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો. ભારતના ગાંધી-નહેરુ-પટેલ જેવા ચીનમાં માઓ-ચાઉ-ચુ-તેહ હતા! ભારતમાં પટેલ કે રાજેન્દ્રપ્રસાદ કે રાજાજીના પૌત્ર કે પ્રપૌત્રને ફાંસી મારવા જેવી આ ઘટના કહી શકાય ! ભારતમાં આ શક્ય નથી. આપણે ત્યાં લોકશાહી છે. વાન્ગ ઝોંગ એક કમ્યુનિસ્ટ નેતા હતો. કેન્ટોન પ્રાંતમાં ખુલ્લામાં લોકોથી ઘેરાયેલો અને ટી.વી. પર બતાવવામાં આવ્યો - એના મૃત્યુથી થોડી જ મિનિટો પહેલાં! વાંગ ૫૬ વર્ષનો હતો. એણે ૨૬૩ ઘડિયાળો, ૧૭ કૅસેટ રેકોર્ડર, ટી.વી. સેટ વગેરે સરકારી ગોડાઉનમાંથી ચોર્યાં હતાં. ગળામાં ગોળી મારીને જનતાની હાજરીમાં એને મારી નાખવામાં આવ્યો! આરોપ : ભ્રષ્ટાચાર . લીજિંગ ફેંગ બૅંકનો ઑફિસર હતો. વાંગના મૃત્યુ પછી બીજે દિવસે લીને મારવામાં આવ્યો. એણે દાણચોરો પાસેથી પકડાયેલા સામાનમાંથી ૨,૯૦,૦૦૦ રૂપિયાનો સામાન પોતાની પાસે રાખી લીધો હતો. એને પણ ખતમ કરવામાં આવ્યો. હમણાં એક ચીની ખેડૂતે એક પંડા પશુને મારીને ભક્ષણ કર્યું હતું. પંડા જાનવરો ચીનમાં આરક્ષિત પ્રાણીઓ છે. એમને મારવાં એ ગુનો છે. પૂરા ચીનમાં ફક્ત ૧૦૦૦ પાંડા કે હયાત છે. આને મારીને ખાઇ જવા માટે ચીની ખેડૂતને બે વર્ષની સખ્ત સજા થઇ હતી! આ કેટલાંક દૃષ્ટાંતો છે. આપણી અને ચીનની રાજ્યવ્યવસ્થાઓ જુદી છે. પણ સમાજ-વ્યવસ્થાઓ લગભગ સમાંતર છે. કદાચ કાળાબજારિયાઓને લટકાવવા માટે આપણી પાસે એટલા લૅમ્પ-પોસ્ટ પણ નથી! આપણા અને ચીનના રાજકર્તાઓ જુદા છે. આપણા બંને દેશોની વાર્તાઓ જુદી છે. જૂના જમાનામાં વાર્તાઓનો જે રીતે અંત આવતો હતો એ ભાષામાં વાત કરીએ તો ચીન કદાચ ‘ખાધું, પીધું અને રાજ કર્યું!ની સ્થિતિમાં છે- અને આપણે ? આપણે ઊંધે પાટે ચડી ગયા છીએ? રાજ કર્યું, પીધું અને ખાધું? |
Friday, June 3, 2016
જ્યારે રાજ્ય સ્વયં મહાભ્રષ્ટાચાર કરવા માંડે ત્યારે-- ચંદ્રકાંત બક્ષી
| એકના પૈસા લઈને બીજાને વોટ આપવો: નીતિની રાજનીતિ |
ભારતમાં
જ નહીં, અન્યત્ર પણ કમજોર અને ક્રૂર શાસકોએ મતદાતાઓને પૈસા આપીને ખરીદવાની
કુચેષ્ટા કરી છે. ભારતમાં હજી એટલી મુફલિસી, નિરક્ષરતા, મૂર્ખતા, ડોબાપણું
છે કે ભૂખે મરતા લોકો પણ દર
પાંચ વર્ષે ફરી એના એ જ ગઠિયાઓ પાસેથી થોડા રૂપિયા લઈને એમને વોટ પહેરાવી
આવે છે
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
ટેરરિઝમ
માટે ત્રાસવાદ શબ્દ વપરાય છે. આ સિવાયના શબ્દો છે: આતંકવાદ અને ઉગ્રવાદ (એનાર્કી અને એક્ષ્ટ્રિમિઝમ) પંજાબમાં ટેરરિસ્ટ છે, પણ શ્રીલંકામાં મિલિટન્ટ
છે, એક ત્રાસવાદી છે, એક બાગી છે. આપણા સંદર્ભમાં આ બધા શબ્દો નવા છે એટલે
અર્થરેખાઓ સ્પષ્ટ દોરાઈ નથી. એટલે એકને બદલે બીજો શબ્દ વપરાતો રહે છે.
નાગરિક સામાન્ય રીતે અન્યાય અથવા ન્યાય મળવામાં અસહ્ય વિલંબ સહન કરતો રહે
છે. પણ દુ:ખી નાગરિક, વસ્તુહારા નાગરિક, શોષિત-પીડિત નાગરિક બગાવત કરે છે.
ત્રાસવાદી કે આતંકવાદી બની જાય છે-પંજાબ-મિઝોરમ-ત્રિપુરા, બિહારના આદિવાસી
અંચલો, ઉત્તર અને પૂર્વ શ્રીલંકા, આંખની સામે આપણે ટેરર કે ત્રાસનો નકશો
જોઈ રહ્યા છીએ અને રાષ્ટ્રવિજ્ઞાનીઓએ હવે એક નવી વિચારધારા વિશે જનધ્યાન
કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. જેમ લોકોનો એક ત્રાસવાદ છે એમ વીસમી
સદીમાં ઊભરતા સમાજોમાં એક રાજ્ય-ત્રાસવાદ (સ્ટેટ-ટેરેરિઝમ) પણ આવ્યો છે.
રાજ્યનો, શાસનનો, શાસનની શસ્ત્રશક્તિનો, પોલીસનો, પરા-સૈનિક શક્તિનો. લૅટિન
અમેરિકા અને આફ્રિકાના દેશોમાં આ રાજ્ય-ત્રાસવાદ ઘણાં વર્ષોથી છે. પણ
એશિયાના દેશોમાં આ એક નવી સ્થિતિ છે એમ ચિંતકો કહે છે.
ભારતમાં રાજ્ય-ત્રાસવાદનું પ્રમાણ ઓછું છે. ભારતનો રાજ્યત્રાસવાદ હજી એટલો બેશરમ અને નગ્ન નથી અને આંચલિક છે, કારણ કે પ્રજાનાં બે ઘટકો-છાપાં અને ન્યાયાલયો હજી વિરોધ કરી શકે છે. પર્દાફાશ કરી શકે છે. બેનકાબ કરી શકે છે. ત્રીજું ઘટક સંસદ છે પણ એમાં જો ચર્ચા જ ન થવા દે તો એ વિકલાંગ બની જાય છે. જનમાધ્યમો રેડિયો તથા ટીવી શાસનના તાબેદાર સરકારી માધ્યમો છે. એટલે રાજ્ય-ત્રાસવાદની સામે બોલવું, લખવું કે વિરોધ કરવો ભારતમાં સરળ નથી. આલ્બેર કામ્યુએ રાજ્ય-ત્રાસવાદ વિશે લખતાં એક ઐતિહાસિક પ્રશ્ર્ન ઉઠાવ્યો છે: ૧૭૮૯ની ફ્રેન્ચ ક્રાંન્તિએ નેપોલિયન ત્રીજાને જન્મ આપ્યો. ૧૯૪૭ની રશિયન બોલ્શેવિક ક્રાન્તિએ સ્તાલિનને જન્મ આપ્યો. ૧૯૨૦નાં ઈટાલિયન આંદોલનોએ મુસોલિનીને જન્મ આપ્યો, ૧૯૩૦ના વાઈમાર ગણતંત્રે હિટલરને જન્મ આપ્યો. સરમુખત્યારશાહી સામેની જનક્રાન્તિઓને અંતે ફરીથી વધારે ભયાનક સરમુખત્યારો શા માટે આવ્યા? ભારતમાં આ તુલના જરા જુદી રીતે કરવી પડશે કારણ કે ભારતમાં સરમુખત્યારશાહીની ફૅશન જુદી છે. બ્રિટિશ એકહથ્થુશાહીની વિરુદ્ધ વિપ્લવ ભડકાવનારા મહાત્મા ગાંધીના સફળ આંદોલનોએ જ રાજીવ ગાંધીની તુઘલખી સુલતાનીને જન્મ આપ્યો છે? ચિંતકોએ આ વિશે ચિંતા કરવી પડશે. ભારતમાં ગોલા-ગરાસિયા-સામંતશાહીને પાછી લાવવામાં રાજીવ ગાંધીના રાજ્યકાળને ઈતિહાસમાં જરૂર સ્થાન મળશે. રાજીવ ગાંધીએ વીસમી સદીમાં ભારતીય શાસનને અઢારમી સદીની ગરાસો લૂંટાવવાની અને શિરપાવ (શિર-ઓ-પા) આપવાની અને વંશવારસોને જાગીરો આપવાની બધી જ એબોની કક્ષાએ મૂકી દીધું છે. ગરાસોની જેમ મોટાં મોટાં સરકારી બોર્ડોમાં નિયુક્તિઓ થાય છે, ભારતરત્નથી નાનામાં નાનાં ઈનામો સુધી હજારો શિરપાવ અપાય છે અને સંસદ વિધાનસભાઓમાં મૃત સંસદસભ્ય કે વિધાનસભ્યના વંશવારસોને માટે એ વિસ્તારો જાગીરોની જેમ રિઝર્વ કરી આપવામાં આવ્યા છે. રાજીવ ગાંધીએ આપણને ખરેખર ૧૮મી સદીમાં મૂકી દીધા છે. એક ફારસી ઉક્તિ હતી જે ૧૮મી સદીના દરબારોને લાગુ પડતી હતી. રાજા કહે કે જુઓ, કેવો સૂર્ય ઊગ્યો છે! ત્યારે દરબારીઓએ આકાશમાં ચંદ્ર સામે જોઈને કહેવું જોઈએ: પ્રભુ! કેવી સખત ગરમી લાગી રહી છે!.. રાગ દરબારી ગાઓ ત્યારે ચાંદની રૌદ્ર ધૂપ બની જાય છે. જો ચાંદનીમાં પસીનો થઈ શકે તો તમે રાજાની પાસે ઊભા રહેવા લાયક બનો છો! બધા રાગોમાં રાગ દરબારી શ્રેષ્ઠ રાગ છે, એ ગમે તે સમયે ગાઈ શકાય છે. એમાં ફક્ત આલાપ હોય છે, અને એક જ તાલ હોય છે. જગતમાં રાજ્ય-ત્રાસવાદ સમસ્યા છે એમ ભારતવર્ષમાં રાજ્ય-ભષ્ટ્રાચાર સૌથી જીવંત સમસ્યા છે. આચાર્ય કૃપલાણીએ લોકસભામાં જવાહરલાલ નહેરુને એક ફારસી નીતિકથા કહી હતી. એક બાદશાહ એના વજીર, સેનાપતિ, અફસરાન સાથે શિકાર પર ગયો. શિકાર કરીને, પકાવી જમવા બેઠા ત્યારે ખબર પડી કે મીઠું નખાયું નથી. એક ખાસદારે કહ્યું: જહાંપનાહ! હું હમણાં નિમક લઈ આવું છું. એ કથાના બાદશાહે ખાસદારને નિમક લાવવા માટે અશરફીઓ આપવા માંડી ત્યારે વઝીરે કહ્યું: અન્નદાતા! આ પૂરું સામ્રાજ્ય આપનું છે! આપને નિમકના પૈસા આપવાના હોય! બાદશાહે ખાસદારના હાથમાં અશરફીઓ થમાવતાં વજીરને કહ્યું: જે દિવસે બાદશાહ પ્રજાનું નિમક મફત લેવા માંડશે એ દિવસે એની નીચેવાળા અફસરો પ્રજાની મુર્ગીઓ મફત લઈ જશે... અને સમજશે કે પૂરું સામ્રાજ્ય એમનું જ છે! વઝીર સમજી ગયો. સાર: જે રાજા મફતની એક કટકી લેશે એની નીચેના હાકેમો, અફસરો, સરકારી કર્મચારીઓ આખો દેશ લૂંટી જશે. આજના ભારતમાં એક વિચિત્ર નઝારો જોવા મળે છે. લૂંટાલૂંટ ચાલી રહી છે. એક પ્રધાન બૅંકમેળાઓ ભરે છે, ગરીબોને પૈસા લૂંટાવે છે. મિઝોરમ ત્રિપુરામાં રૂપિયા લૂંટાવીને નિર્વાચનો જિતાયાં. આ સુલતાની, બેજવાબદાર રાજીવશાહી આ રીતે લાંબી ચાલી શકે નહીં. મુખ્ય પ્રધાન ગરીબોને માટે જ રાજ્ય ચલાવે છે. ચાવલ, કપડાં, ચંપલો, સાડીઓ, ઘરો, ઢોર, જમીનો, બૅંકના રૂપિયા બધું જ ગરીબોના મેળા ભરીને ખેરાત કરી દેવામાં આવે છે. કે જેથી ગરીબો શાસક પક્ષને જ વોટ આપતા રહે. પૈસા લો, વોટ આપો. નીતિ-અનીતિ મોહનદાસ ગાંધી સાથે ગઈ. સમીકરણ સ્પષ્ટ છે-ઉઠાવો પૈસો, લાવો વોટ, લગભગ બધી જ ગરીબપ્રેમવાળી સરકારો ખેરાતો-સખાવતો પ્રજાના પૈસે નિર્વાચન પહેલાં મતદાતાઓને વહેંચી દેવામાં આવે છે. આ ભારતીય રાજીવબ્રાન્ડ લોકશાહી છે. રાજ્ય-ત્રાસવાદ જેવી જ આ એક સમસ્યા છે: રાજ્ય-ભ્રષ્ટાચાર. ભારતમાં જ નહીં, અન્યત્ર પણ કમજોર અને ક્રૂર (આ બે વિશેષણો સાથે જ જાય છે, એકબીજાનાં પૂરક છે) શાસકોએ મતદાતાઓને પૈસા આપીને ખરીદવાની કુચેષ્ટા કરી છે. ભારતમાં હજી એટલી મુફલિસી, નિરક્ષરતા, મૂર્ખતા, ડોબાપણું છે કે ભૂખે મરતા લોકો પણ દર પાંચ વર્ષે ફરી એના એ જ ગઠિયાઓ પાસેથી થોડા રૂપિયા લઈને એમને વોટ પહેરાવી આવે છે. અને એમના ઉમેદવાર ચૂંટાઈ ગયા પછી મતદાતા પંદર જ દિવસમાં કકળાટ શરૂ કરી દે છે. મતદાનથી સરકાર બદલી શકાય છે અને પાંચ વર્ષે મળતો મતાધિકાર પરિપકવ થઈને વાપરવાનું શસ્ત્ર છે એ ચાળીસ વર્ષ પછી પણ એક વિશાળ વર્ગને સમજાતું નથી. પ્રશ્ર્ન છે કે જો સત્તાધીશ પક્ષ સિંહાસન પરથી ભ્રષ્ટાચાર કરે તો પ્રજાએ કેટલા નૈતિક રહેવું? અથવા વધારે આસાન રીતે મૂકીએ તો: તમને વોટ આપવા માટે પૈસા મળ્યા છે. તમારી એને જ વોટ આપવાની નૈતિક જવાબદારી છે. તમે પૈસા એકના લઈને બીજાને વોટ આપો એ જ નૈતિક છે. અનીતિનાં ધંધામાં એકપક્ષી નીતિ ચાલે નહીં. શત્રુને એનાં જ શસ્ત્રોથી પરાસ્ત કરવો પડશે. જે તમને ભ્રષ્ટ કરવાની ઝુર્રત કરી રહ્યો છે એને તમારે ભ્રષ્ટ થઈને શેષ કરવો પડશે. કેનિયાના ગાંધી જોમો કેન્યાટાએ એની પ્રજાને ચૂંટણી પહેલાં સ્પષ્ટ કહ્યું હતું: વિરોધ પક્ષના પૈસા, ઘૂસ, રિશવત બધું જ લઈ લેજો અને ચૂંટણીને દિવસે વોટ આપણા ડબ્બામાં નાખજો...! અને એમ જ થયું હતું. ઈટાલીના કમ્યુનિસ્ટ નેતા પાલ્મીરો ટોગ્લીઆટ્ટીના કાળમાં ઈટાલીમાં કમ્યુનિસ્ટ પાર્ટી બહુમતી સીટો જીતી ગઈ હતી. કોમેરેડ ટોગ્લીઆટ્ટીને આ સફળતાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું: અમે મૂડીવાદને એના જ સાધનોથી પીટીએ છીએ! તમારે મૂડીવાદને એના જ હથિયારથી ઝબ્બે કરવો પડશે! અને ટોગ્લીઆટ્ટી પ્રોફેસર હતો, રેસમાં એના ઘોડા દોડતા હતા, એને રખાતો કે મિસ્ટ્રેસ હતી! એ અત્યંત ધનાઢ્ય હતો... ફિલિપિન્સમાં ધર્મગુરુ કાર્ડિનલ સીને માર્કોસની સામે એક ફતવો બહાર પાડ્યો હતો કે માર્કોસને વોટ આપવો અધર્મ ગણાશે અને એમ પણ કહ્યું હતું કે માર્કોસ તરફથી જે પૈસા મળશે એ સ્વીકારવા અધર્મ નથી. પૈસા માર્કોસના લઈ શકો છો, પણ વોટ કોરી ઍક્વિનોને આપવાનો છે. રિશવત લેવાની પણ એક નીતિ છે! ઈજિપ્તમાં જ્યારે રાષ્ટ્રપતિ નાસર સત્તા પર હતા ત્યારે અમેરિકન ગુપ્તચર તંત્રી સી.આઈ. દ્વારા નાસેરને ૩૦ લાખ ડૉલરની રિશવતની ઑફર થઈ હતી. આ વાત સી.આઈ.એ.ના એક ઉચ્ચાધિકારી માઈલ્સ કોપલેન્ડે એમના પુસ્તક ‘ધ ગેમ ઑફ નેશન્સ’માં લખી છે. રાષ્ટ્રપતિ નાસરે ૩૦ લાખ ડૉલર લઈ લીધા પછી રાષ્ટ્ર સમક્ષ જાહેર કર્યું કે એમને આ રીતે રિશવત આપવામાં આવી હતી જે એમણે લઈ લીધી છે અને એ ધનમાંથી એક ટેલિવિઝન ટાવર બનાવવામાં આવશે જોકે જાહેરાત પછી એમણે કેરોમાંથી બધા જ અમેરિકન સરકારી અફસરોને કાઢી મૂક્યા. આ ફેંકાઈ ગયેલા અફસરોમાંથી એકનું નામ: મિ. માઈલ્સ કોપલેન્ડ! બદમાશની સાથે બદમાશી કરવી એ નીતિ છે, એવું આજની રાજનીતિમાં ઘણા માને છે. યુનોમાં નિકારાગુઆની રાજદૂત કુમારી નોરા એસ્ટોર્ગા જ્યારે ૩૮ વર્ષની હતી ત્યારે એની સાથેનો એક પ્રસંગ જગજાહેર થઈ ગયો હતો. કુમારી નોરાએ ક્રૂર જુલ્મગાર સોમોઝાના એક વરિષ્ઠ સેનાપતિને એના બેડરૂમમાં બોલાવ્યો હતો. ૮મી માર્ચે ૧૯૭૮ને દિવસે આ જુલમી સેનાપતિ નોરાના બેડરૂમમાં પ્રવેશ્યો અને કપડાં કાઢીને નગ્ન થઈ ગયો પછી નોરાએ સંકેત કર્યો... અને ત્યાં છુપાયેલા ત્રણ સાંડિનિસ્ટા બળવાખોરો બહાર નીકળ્યા અને આ જુલમીને ગોળીઓથી વીંધી નાખ્યો. હમણાં નોરા એસ્ટોર્ગાનું કૅન્સરમાં અવસાન થયું ત્યારે રાષ્ટ્રપતિ ઓર્તેર્ગાએ કહ્યું કે તે વીરાંગના હતી. દેશની અને ક્રાન્તિની નેતા હતી. એની દફનવિધિ પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે થશે... જ્યારે રાજ્ય સ્વયં વિશાળ પાયે મહાભ્રષ્ટાચાર કરવા માંડે ત્યારે નાના પક્ષો અને નાના માણસો તેમ જ નાના દેશભક્તોએ એનો પ્રતિકાર કઈ રીતે કરવો? પ્રતિ-મહાભ્રષ્ટાચારથી! જોમો કેન્યાટા, પાલ્મીરો ટોગ્લીઆટ્ટી, કાર્ડિનલ સીન, રાષ્ટ્રપતિ જમાલ, અબ્દ-અલ નાસર અને નોરા એસ્ટોર્ગાનો માર્ગ સાચો છે. શરીરમાં અસાધ્ય ગૂમડાં થાય છે ત્યારે જ એના મવાદની રસીનાં ઇંજેક્સન આપવાં પડે છે. લોઢું લોઢાને કાપે છે, હીરો હીરાને કાપે છે. ગરમી ગરમીને મારે છે. એકના પૈસા લઈનીને બીાને વોટ આપવાથી દેશનું ભાવિ સુધરે છે. અસ્તુ. ઉ |
Sunday, May 22, 2016
ભારતે ગ્રીન-કાર્ડ શરૂ કરવાં જોઈએ! - ચંદ્રકાંત બક્ષી
ભારતમાં
પણ દરેક વિદેશી માટે સખત કાયદા હોવા જોઈએ. જે ગેરકાયદેસર ઘૂસ્યો છે એને
સીમાની બીજી તરફ ફેંકી દેવો પડે જ! જેને કાયદેસર આવવું છે એને માટે ‘વર્ક
પરમિટ’ અને ‘ગ્રીન-કાર્ડ’ જેવી વ્યવસ્થા હોવી જોઈએ
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
ભારતમાં
એક જ પ્રકારના નાગરિક છે અને એ ભારતીય છે. તમે ભારતીય નાગરિકો હો ત્યારે
બીજા દેશના નાગરિક બની શકતા નથી. જે ક્ષણે તમે અન્ય દેશના નાગરિક બનો છો,
તેમ એ જ ક્ષણે ભારતીય નાગરિક મટી જાઓ છો. ભારતનું સંવિધાન આ વિશે સ્પષ્ટ
છે.
જ્યારે સંવિધાન ઘડાયું એ ૧૯૪૮-૧૯૪૯નાં વર્ષોમાં ઘણી સમસ્યાઓનું બિલકુલ અસ્તિત્વ ન હતું. આજે કેટલીક સમસ્યાઓ ભયાનક રૂપ ધારણ કરી ચૂકી છે. એ દિવસોમાં એવી કલ્પના ન હતી કે ૧૯૭૧માં પાકિસ્તાન તૂટીને બે ટુકડા થઈ જશે! એ દિવસોમાં એવી કલ્પના પણ ન હતી કે બાંગલાદેશના બંગાળી મુસ્લિમો આસામમાં ઘૂસી જશે અને ભ્રષ્ટ અફસરો, વિદ્યાનસભ્યો અને ક્યારેક મંત્રીઓ પણ એમને ભારતની ભૂમિમાં ગેરકાયદે વસાવી દેશે! આસામની આખી સમસ્યા ગેરકાયદે ઘૂસી ગયેલા બાંગલાદેશી મુસ્લિમ ઘૂસણખોરોની છે, જે આ દેશમાં વિદેશી છે. ગેરકાયદેસર ઘૂસપેઠિયાનું આ દેશની ધરતી પર કોઈ સ્થાન નથી. આજે એવી સ્થિતિ છે કે બાંગલાદેશી મુસ્લિમ ગેરકાયદેસર આસામ કે બંગાળમાં ઘૂસી જાય છે અને પાછો જતો નથી. સ્થાનિક નેતાઓ કે ગુંડાઓ મળી રહે છે. બનાવટી પાસપોર્ટ પણ વિદ્યાનસભ્યોની સિફારશથી બની શકે છે અને પાસપોર્ટ બની જાય છે એટલે એ ભારતના નાગરિક બની જાય છે? આઝાદી પછી આ પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે આસામમાં લગભગ પચીસ ટકા વસ્તી આજે મુસ્લિમ છે. આસામ ગણ પરિષદને જે અભૂતપૂર્વ સહયોગ મળ્યો એનું મુખ્ય કારણ આ બાંગલાદેશી મુસ્લિમોની અમર્યાદ ઘૂસણખોરી સામે આસામી હિંદુ પ્રજા સંગઠિત થઈ. આજે ધીરે ધીરે સીમાન્ત વિસ્તારોમાં રાજસ્થાન અને ગુજરાતમાં પણ પાકિસ્તાની મુસ્લિમોની ઘૂસણખોરી એક સમસ્યા બની રહી છે. ભારતનું સંવિધાન ૧૯૫૦ની ર૬મી જાન્યુઆરીએ લાગુ પડ્યું અને ૩૫ વર્ષ પછી હવે એની કેટલીક કમીઓ આપણી આંખો સામે ઊભરી રહી છે. ઘૂસપેઠ કરનારાઓ વિદેશીઓ કે દુશ્મનોને રોકવા પડશે અને પકડાય ત્યારે બહાર ફેંકવા પડશે. એ વિશે સંવિધાન તદ્દન શાંત છે કારણ કે એ સમયે આ પ્રકારની દુ:સ્થિતિની કલ્પના જ ન હતી! ભારતમાં સંવિધાન પણ કોઈ ધર્મગ્રંથ જેવું અક્ષુણ્ણ અને અસ્પર્શ હોય એવી માન્યતા કેટલાંક વર્તુળોમાં છે, જે બરાબર નથી. દેશ અને પ્રજા સર્વોપરી છે, સંવિધાન એ પછી આવે છે. પ્રજા એટલે ૧૯૪૭ની નહીં પણ ૧૯૮૬ની પ્રજા. આજનો ભારતીય ચૌદ વર્ષ પછી એકવીસમી સદીમાં પ્રવેશશે. સંવિધાન આજની પેઢીને આવતી કાલની પેઢીઓને લક્ષમાં રાખીને બદલાતું રહેવું જોઈએ. હા, સંવિધાને પણ જીવતા રહેવું હોય તો સર્પની જેમ કાંચળી ઉતારી નાખવી જોઈએ... રશિયામાં પ્રથમ સંવિધાન ૧૯૧૭ની ક્રાંતિ પછી લાગુ કર્યું. એ પછી ૧૯૩૬માં બીજું સંવિધાન આવ્યું. હમણાં લિયોનીદ બ્રેઝનેવના જમાનામાં ૧૯૮૦ના દશકમાં ત્રીજું સંવિધાન પસાર કરવામાં આવ્યું. દરેક સંવિધાન નવી ઊભરતી સ્થિતિઓને ધ્યાનમાં રાખીને નવા નવા ફેરફારો અપનાવતું જાય છે. આપણા પાડોશના લગભગ આપણી સાથે જ સ્વતંત્ર થયેલા ચીનમાં પણ સંવિધાન બદલાતાં રહ્યાં છે. ભારત ૧૯૪૭માં આઝાદ થયું. જ્યારે ચીન ૧૯૪૯માં સ્વતંત્ર થયું. ભારતમાં હજી એ જ સંવિધાન ચાલે છે. (જે કદાચ બ્રિટિશ અસર હશે!) જ્યારે ચીનમાં, ફ્રાન્સની જેમ, સંવિધાનો બદલાતાં રહ્યાં છે. ૧૯૫૪માં ચીને પ્રથમ સંવિધાન પસાર કર્યું. ૧૯૬૯માં બીજું સંવિધાન લખાઈ ચૂક્યું હતું પણ એ સ્વીકારાયું નહીં. ૧૯૭૫માં વાસ્તવમાં બીજું સંવિધાન પસાર થયું, જેના પર ‘ગૅંગ ઑફ ફોર’ની અસર હતી. ૧૯૭૮માં ત્રીજું સંવિધાન પસાર થયું જે નવી વિચારધારા પર આધારિત હતું. એટલે જનજાગૃતિ અને જનજરૂરિયાતો પ્રમાણે સંવિધાનો રશિયા અને ચીન બંને બદલતાં રહ્યાં છે. ભારતે પણ હવે સંવૈધાનિક ફેરફારો કરવાનો સમય આવી ગયો છે. ગમે તે દુશ્મન કે વિદેશી ભારતમાં આવીને નાગરિક બની શકે નહીં. એ રોકવા માટે સંવિધાનમાં ફેરફાર તદ્દન આવશ્યક છે અને આ બાબતમાં ભારતે અમેરિકાના નાગરિકત્વના કાયદાઓ અપનાવવા જોઈએ. અમેરિકામાં બે પ્રકારના નાગરિકો છે. એક નાગરિક અથવા સિટીઝન છે અને બીજા પ્રવેશક અથવા ઈમિગ્રન્ટ છે! સિટીઝનને રાજકીય અધિકાર છે જ્યારે ઈમિગ્રન્ટને એ અધિકાર નથી. ભારતમાં પ્રવેશી ગયેલા ઈમિગ્રન્ટને સરકાર માત્ર આર્થિક અધિકાર આપે. એની જરૂર છે માટે એ આવે, કામ કરે (એવું કામ જેને માટે આપણે ત્યાં માણસો ન હોય અથવા આપણા નાગરિકોની એવા કામ માટે અરુચિ હોય), પૈસા કમાય અને પાછો ચાલ્યો જાય. અથવા મુદત પૂરી થાય ત્યારે એને પાછો કાઢી મૂકી શકાય. મધ્યપૂર્વના અને ખાડીના બધા જ આરબ દેશોમાં બહારથી જનારાઓને ફક્ત આ આર્થિક અધિકાર છે. (ત્યાં તો ગૈર-મુસ્લિમને ધાર્મિક અધિકાર પણ નથી!), પણ ત્યાં રાજકીય અધિકાર બિલકુલ નથી. ભારતમાં પણ અમેરિકા અને ગલ્ફના દેશોની જેમ આ પ્રકારના પાકિસ્તાની કે બાંગલાદેશી મુસ્લિમોને કામચલાઉ કે ટેમ્પરરી વર્ક-પરમિટ અપાવી જોઈએ. એમના નાગરિક થવાનો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી. પણ જો કોઈને નાગરિક થવું હોય તો એની અમેરિકા જેવી ‘નેચરલાઈઝેશન’ની આખી પ્રક્રિયા છે. એમાંથી પસાર થયા પછી એ બહારી વ્યક્તિ ભારતીય નાગરિક બની શકે! આજે ગમે તે વિદેશી મુસ્લિમ પાડોશી દેશમાંથી ભારતમાં ઘૂસી આવીને પાસપોર્ટ કઢાવીને ઝડપથી નાગરિક બની જાય છે... આજે સામાન્ય ભારતીયને અમેરિકામાં ઊતર્યા પછી પાંચ વર્ષે ગ્રીનકાર્ડ મળે છે. એ પછી બે વર્ષે નાગરિકતા મળે છે. તમે તમારા ભાઈ કે અન્ય સ્વજનને સ્પોન્સર કરો તો સાત વર્ષ લાગી જાય છે. એક ભાઈ અમેરિકાની ધરતી પર ઊતરે ત્યાંથી શરૂ કરીને એ અમેરિકન સિટીઝન થાય અને પોતાના ભાઈને બોલાવીને એને પણ અમેરિકન સિટીઝન બનાવે ત્યાં સુધીની પૂરી પ્રવૃત્તિને કાનૂન પ્રમાણે પંદરેક વર્ષ લાગે છે એવો અંદાજ છે. અમેરિકાના કાયદા પ્રમાણે ‘એલિયન’ અથવા વિદેશી માણસ અમેરિકન નાગરિક બની શકે છે પણ એને એ પૂરા કાળ દરમિયાન વોટ આપવાનો અધિકાર મળતો નથી. અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં તો વકીલ કે ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરવી હોય તો પણ અમેરિકન નાગરિકત્વ જોઈએ છે! પણ અમેરિકાના નાગરિક થવા માટે તમે કાયદેસર પ્રવેશ્યા હો એ પહેલી શર્ત છે! એ દેશમાં તમે પાંચ વર્ષથી રહ્યા છો એ જરૂરી છે! અને જે રાજ્યમાંથી તમે નાગરિક થવા માટે અરજી કરી હોય ત્યાં ઓછામાં ઓછા છ મહિના તમે રહ્યા હો એ પણ જરૂરી છે! તમારી અરજીને બે અમેરિકન નાગરિકો (‘નૉન ટુ બી ટ્રૂથફુલ’ એટલે કે જે સત્યવાદી તરીકે જાણીતા છે!) એ ટેકો આપવો જોઈએ. એ પછી અરજદાર અને એના સાક્ષીઓની ઈમિગ્રેશન ઍન્ડ નેચરલાઈઝેશન સર્વિસ પરીક્ષક લે છે! આ પરીક્ષાનું તાત્પર્ય એ છે કે અરજદાર કાયદાની દૃષ્ટિએ યોગ્ય છે કે નહીં... અંતે અમેરિકા માટે વફાદારીના શપથ લેવા પડે છે. એ પછી ‘નેચરલાઈઝડ સિટીઝનશિપ’ના આદેશ પર ન્યાયાધીશ સહી કરે છે અને અરજદારને સર્ટિફિકેટ આપવામાં આવે છે. અમેરિકાના નવા નાગરિકને હવે વોટ આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ભારતમાં પણ દરેક વિદેશી માટે સખત કાયદા હોવા જોઈએ. જે ગેરકાયદેસર ઘૂસ્યો છે એને સીમાની બીજી તરફ ફેંકી દેવો પડે જ! જેને કાયદેસર આવવું છે એને માટે ‘વર્ક પરમિટ’ અને ‘ગ્રીન-કાર્ડ’ જેવી વ્યવસ્થા હોવી જોઈએ. વિદેશીને આવો અધિકાર આપી શકાય, એને રાજકીય અધિકાર એટલે મતદાન! ગમે તે વિદેશી અહીં તરત જ પાસપોર્ટનો અધિકાર અપાય નહીં અને પ્રથમ રાજકીય અધિકાર બની જાય છે અને ગમે તે વિધાનસભ્ય કે સંસદસભ્ય એને ‘રેકમન્ડ’ કરીને પાસપોર્ટ મેળવી આપે છે એ તરત જ બંધ થવું જોઈએ. અમેરિકામાં જ્યાં સુધી પાંચ વર્ષનો વસવાટ થતો નથી ત્યાં સુધી ગ્રીનકાર્ડ મળતું નથી! ભારતમાં પણ ગ્રીનકાર્ડ દ્વારા નાગરિક અને વિદેશી પ્રવેશકનો ભેદ સ્પષ્ટ થવો જોઈએ. વોટ લેવા માટે ગમે તેને નાગરિક બનાવી દેવાની રાજનીતિ ભયાનક સ્ફોટક છે. ભવિષ્યની પેઢીઓ માટે ટાઈમ-બૉમ્બ મૂકી જવા જેવી એ એક અક્ષમ્ય મૂર્ખતા છે... |
Monday, May 2, 2016
રહસ્યમય બંદૂકધારીઓ! - ચંદ્રકાંત બક્ષી
| સ્વાગતમ્ રહસ્યમય બંદૂકધારીઓ! |
હિંદુસ્તાનમાં
પણ ઈન્ડોનેશિયાની જેમ રહસ્યમય બંદૂકધારીઓ જો ગુનેગારોને પતાવી નાખે તો?
કદાચ ત્યાંની પ્રજાની જેમ અહીંની પ્રજા પણ ખુશ થાય! પણ આપણે અતિકાયદાબાજી,
અતિલોકશાહી, અતિસ્વાતંત્રના પુરસ્કર્તા છીએ
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
હમણાં
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ એક ખાનગી પ્રવચનમાં એક વાત કહી: દરેક વ્યવસાયની
જેમ પોલીસમાં પણ હવે મધ્યવર્ગીય, શિક્ષિત, બુદ્ધિમાન જવાનો યુવા ઑફિસરો
તરીકે આવી ગયા છે. એ લોકો ઘણી વાર પૂછે છે: સર, આવા તદ્દન ક્રિમિનલ, ખૂની,
બદમાશ, બળાત્કાર કરનારા, ડાકુઓ, દાણચોરોને શા માટે આપણે બચાવતા રહીએ છીએ?
એમને નાગરિક તરીકેના બુનિયાદી હક્કો પણ શા માટે? એ લોકો જેમને મારી નાંખે
છે, રેઈપ કરે છે, લૂંટી લે છે એ કમનસીબ વ્યક્તિઓના અધિકારોની એમણે કોઈ દિવસ
ચિંતા કરી છે? જેમણે અસહાય માણસો માટે કોઈ દયા બતાવી નથી અને જે સરાસર
દેશદ્રોહીઓ છે એમને રાષ્ટ્રપતિ પાસે જીવતદાનની ભીખ માગવાનો કયો હક્ક છે અને
આવા ગુનેગારો જે વારંવાર એ જ ગુના કરતા રહે છે એમને જીવતા રાખવાની જરૂર
શું છે? સમાજને એ કઈ રીતે ઉપયોગી થવાના છે? અને સમાજને ખર્ચે એમને એક દિવસ
પણ શા માટે જીવતા રાખવા જોઈએ?
આ પ્રશ્ન કદાચ ઘણા સામાન્ય માણસોને પણ થાય છે... અને મારા જેવા સામાન્ય નાગરિકને પણ થાય છે! ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા સદીઓથી સ્વતંત્ર, શિક્ષિત, વિકસિત દેશોના કાયદાઓ આપણા જેવા વિકાસશીલ, રૂઢિચુસ્ત, અંશત: અશિક્ષિત દેશ માટે કેટલી હદ સુધી સંગત છે? ત્રીજા વિશ્વનો સમાજ અભાવ, ગરીબી, કુરિવાજોમાં પીડાતો હોય છે. અહીં ધનિક જ ગરીબનું શોષણ કરે છે એવો રોમૅન્ટિક વિચાર રાખવાની જરૂર નથી. અહીં એક પગથિયું ઉપર બેઠેલો ગરીબ પણ એક પગથિયું નીચે બેઠેલા ગરીબોનું શોષણ કરે છે! ગુનેગારને રોકવામાં કાયદો અને ન્યાયાલય કેટલાં સફળ થયાં છે? એક એવો વિચાર પણ બૌદ્ધિકોમાં પ્રવર્તી રહ્યો છે કે આ દેશમાં ક્રિમિનલ લૉ (ફોજદારી કાયદો) નિષ્ફળ ગયો છે... ઈન્ડોનેશિયામાં થોડી વિચિત્ર ઘટનાઓ બની. ૨૧ મે, ૧૯૮૩ની સવારે રાજધાની જાકાર્તામાં કુખ્યાત ગુનેગારોના ગોળીબારથી વીંધાયેલાં શરીરો મળ્યાં. દરેક શરીર પર વીંછીની આકૃતિ કોતરેલી હતી. આ વીંછી ગૅંગના ભયાનક ગુનેગારનાં શરીરોના ફોટા છાપાંઓમાં છપાયા - નીચે લખ્યું કે "રહસ્યમય બંદૂકધારીઓ એ એમનો નિકાલ કરી નાખ્યો છે. જુલાઈની ૨૭મીએ માહિતીમંત્રી અલી મર્તોપોએ ઘટસ્ફોટ કર્યો - આ વ્યવસ્થિત ગૅંગનો સરકારે નિકાલ કર્યો છે! સુરક્ષા અને સલામતી મંત્રાલયે આ ભયાનક ગુનેગારોને ખતમ કર્યા છે. દેશમાં સ્વાભાવિક રીતે જ અસ્થિરતા આવી ગઈ સરકારે હુકમ બહાર પાડ્યો કે આ જાતની વ્યવસ્થા વિશે કે શરીરો વિશે કોઈ છાપું કંઈ જ છાપી શકશે નહીં. એક અફસરે કહ્યું: "ગુનેગારોથી નાગરિકોને બચાવવા એ અમારી જવાબદારી છે...! પોલીસ અને સૈન્યની આવી મૃત્યુટોળીઓ માટે જનતાની હમદર્દી અને તરફદારી હતી. ત્યાંની લોકસભાના સ્પીકર અમીર મહમૂદે કહ્યું: ‘ઈન્ડોનેશિયાની જનતાની સુરક્ષા માટે જો સેંકડો ક્રિમિનલોને મારી નાખવામાં આવે તો કોઈ વાંધો નથી.’ અને રાષ્ટ્રીય ઈન્ટેલિજન્સના અધ્યક્ષ યોગ સુગામાએ ઉમેર્યું: ‘મહત્ત્વની વાત એ છે કે લોકો રાત્રે નિર્ભયતાથી ફરી શકે છે અને સુરક્ષા-સલામતી પાછાં આવ્યાં છે.’ ઈન્ડોનેશિયાની શિક્ષિત પ્રજા સરકારની પક્ષધર બની ગઈ. મોટરો અને દુકાનો પર સ્ટિકરો અને બેનરો આવી ગયાં: "સ્વાગતમ્ રહસ્યમય બંદૂકધારીઓ! બેરીટા બુઆના નામના પત્રમાં હેડલાઈન મૂકી: ‘ખતમ કરી નાખો!’ એક વિદેશી કૂટનીતિજ્ઞે કહ્યું: ‘અહીંનો કાયદો એટલો ધીમો અને ભ્રષ્ટ છે કે લોકો આ ખૂનોને માફ કરી દે છે.’ લોકોનો પૂરો ટેકો હતો. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ આદમ માલિકે કહ્યું: ‘આ રહસ્યમય ખૂનો સાથે હું સંમત નથી. આપણી પાસે ન્યાયાલયો છે. જરૂર હોય તો ગુનેગારોને સવારે પકડો, બપોરે ફાંસીનો હુકમ કરો અને સાંજે ફાંસી આપી દો. તો એનું મૃત્યુ કાયદેસર થશે. અત્યારે જે થઈ રહ્યું છે એ કાયદાની બહાર થઈ રહ્યું છે.’ એક પરિણામ એ આવ્યું કે ગુનાનો ગ્રાફ તદ્દન નીચે બેસી ગયો! હમણાં અમેરિકામાં એક વિચિત્ર કેસ થયો. એક છોકરીને રેઈપ કરીને સખ્ત મારવા માટે ત્રણ બળાત્કાર કરનાર જવાનોને જજ વિક્ટર પાયલે સજા સંભળાવી: ત્રીસ વર્ષની જેલ! અને જો આ ત્રણે ગુનેગારો એમનાં શિશ્નો કપાવી નાખવાની હા પાડે તો એમની ત્રીસ વર્ષની જેલ માફ! અમેરિકામાં આંતરયુદ્ધ અથવા સિવિલ વૉર થઈ એ પહેલાં કોઈ પણ કાળો ગુલામ ગોરી સ્ત્રી પર બળાત્કાર કરવાના જુર્મમાં પકડાતો તો એની ઈંદ્રિય કાપી નાખવામાં આવતી. આ સજાએ અમેરિકામાં ઘણાને ચમકાવી મૂક્યા છે! તેર બાળકોમાં ત્રીજો જન્મેલો હેનરી બ્રિસ્બન કાળો નિગ્રો મુસ્લિમ છે. એણે છોકરીને પકડીને નગ્ન કરી. પછી? એની યોનિમાં બંદૂક નાખીને બંદૂકનો ઘોડો દબાવી દીધો! અસહ્ય યાતનામાં તરફડતી છોકરીને એણે જોયા કરી! પછી થોડી મિનિટો બાદ એને ગોળીએ મારીને ખતમ કરી. જજે એને ૧૦૦૦થી ૩૦૦૦ વર્ષની જેલ કરી! એક જ વર્ષમાં જેલમાં સૂપ હલાવવાના લાકડાના ચમચાની ધાર કાઢીને એણે એક કેદીનું ખૂન કર્યું. એ કેસ વખતે વકીલે કહ્યું: ફાંસીના ન્યાય માટે આ જીવતોજાગતો કેસ છે! આવા માણસોનું શું કરીશું? અમેરિકામાં ઈલેક્ટ્રિક ખુરશીમાં બેસાડે છે. જલ્લાદ ચાર વખત શરીરમાંથી ઈલેક્ટ્રિક કરંટ પસાર કરાવે છે. આ વિદ્યુત ૨૦૦૦ વૉલ્ટ શક્તિની હોય છે. આંચકા સાથે બંધાયેલું શરીર ફાટતું હોય એમ ઊછળે છે. આંખોના ડોળા બહાર આવી જાય છે, પછી ફાટે છે, પછી મગજ શેકાઈ જાય છે... હિંદુસ્તાનમાં પણ ઈન્ડોનેશિયાની જેમ રહસ્યમય બંદૂકધારીઓ જો ગુનેગારોને પતાવી નાખે તો? કદાચ ત્યાંની પ્રજાની જેમ અહીંની પ્રજા પણ ખુશ થાય! પણ આપણે અતિકાયદાબાજી, અતિલોકશાહી, અતિસ્વાતંત્રના પુરસ્કર્તા છીએ. પણ નવી પેઢીના પોલીસ અફસરો પણ આવી ગયા છે, જે જાનના જોખમે ક્રિમિનલને પકડે છે અને જુએ છે કે એ ક્રિમિનલ જામીન પર છૂટી જાય છે, સજા થયા વિના છૂટી જાય છે, ફરીથી એ જ જૂનું કામ કરવા માંડે છે અને એ પોલીસ અફસરને ખતરામાં મૂકી શકે છે! ભારતમાં ‘એન્કાઉન્ટર’ કે ઝપાઝપી કે અથડામણમાં મરનારા ગુંડા ડાકુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કદાચ આપણા દેશમાં પણ ઈન્ડોનેશિયાની જેમ રહસ્યમય બંદૂકધારીઓને સ્વાગતમ્ કહેવાના દિવસો આવી રહ્યા છે? સો ગુનેગારો ભલે છટકી જાય પણ એક નિર્દોષ ફાંસીને માંચડે ન ચઢવો જોઈએ. એંગ્લો સેક્શન ન્યાયસિદ્ધાંત આજના હિંદુસ્તાનમાં કેટલે અંશે ઉચિત છે? કદાચ ૧૯૮૪માં સો ગુનેગારો એક આખી સરકાર કે આખો સમાજ કે એક આખું અર્થતંત્ર હલાવી શકે છે... અને એક નિર્દોષની જિંદગી એટલી કીમતી રહી નથી! |
Saturday, April 16, 2016
નીતિકથાઓ- ચંદ્રકાંત બક્ષી,
| મહાસાર: નીતિકથાઓથી રાજાઓમાં પણ અક્કલ આવી જાય છે |
નીતિકથા
અથવા ઉદાહરણથી સત્યને સમજવું સરળ પડે છે. સત્ય વિકટ છે, સૂર્યના પ્રકાશની
જેમ એની છાયાઓ બદલાતી રહે છે, માટે જ સત્યના સાધકે અહર્નિશ સતર્ક રહેવું
પડે છે. આ સાધના માટેનાં ઉપકરણો કે સાધનો પર અંધવિશ્ર્વાસ રાખી શકાતો નથી
ચંદ્રકાંત બક્ષી - બક્ષી સદાબહાર
એક
જૈન નીતિકથા છે. છ આંધળા માણસો હાથીને સ્પર્શ કરીને પોતપોતાના પ્રતિભાવ
આપે છે. એકને હાથીના કાન પંખા જેવા લાગે છે અને એ કહે છે કે હાથી પંખો છે.
પગને પકડનાર માને છે કે હાથી એક થાંભલો છે. દરેકનું સત્ય સત્ય જરૂર છે પણ
અનુભવસિદ્ધ સત્ય છે અને અહીં સિદ્ધનો અર્થ આધારિત છે, પ્રમાણિત નથી. અહીં
સત્યની આંતર-વિરોધતાઓ નથી પણ મેઘધનુષ્યના બે રંગોની પૂરક વિરોધિતાઓ છે. બે
વિરોધિતાઓ એક જ સત્યના ઘટક અંશો હોઈ શકે.
નીતિકથા અથવા ઉદાહરણથી સત્યને સમજવું સરળ પડે છે. સત્ય વિકટ છે, સૂર્યના પ્રકાશની જેમ એની છાયાઓ બદલાતી રહે છે, માટે જ સત્યના સાધકે અહર્નિશ સતર્ક રહેવું પડે છે. આ સાધના માટેનાં ઉપકરણો કે સાધનો પર અંધવિશ્ર્વાસ રાખી શકાતો નથી. કારણ કે દરેક સાધન સાધ્યને લક્ષ્યમાં રાખીને જ વાપરી શકાય છે. આ ગહન વાત ઉદાહરણથી સમજવી પડશે. જે ઉપકારક છે એ જ અપકારક બની શકે છે, માર્ગદર્શક છે એ માર્ગભક્ષક બની શકે છે. સનાતન શબ્દના રંગ બદલાતા જાય છે. જે આજે, અત્યારે કામનું છે એ આ પછીની ક્ષણે અને બદલાયેલી જરૂરિયાતના પ્રકાશમાં માત્ર નકામું નહીં પણ નુકસાનકારક પણ બની શકે છે. આ વાત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને એક બૌદ્ધ જાતકકથા દ્વારા સરસ રીતે સમજાવી છે. સત્ય સમજાવવા માટે ભગવાન બુદ્ધે નૌકાનું દૃષ્ટાંત આપ્યું હતું. એક માણસ એક નદી પાસે આવ્યો. નદીમાં રેલ આવી હતી. માણસે કિનારે પડેલી હોડી છોડી અને હોડીની સહાયથી એ નદી પાર કરી ગયો. એ બુદ્ધિમાન માણસ નદી ઓળંગીને કિનારે ઊતર્યો પછી એણે વિચાર કર્યો કે આ હોડી કામની વસ્તુ છે માટે એણે હોડીને ખભે ઉપાડીને વનમાર્ગ પર ચાલવા માંડ્યું. જે હોડી પાણીમાં સહાયક હતી એ હોડી જમીન પર અવરોધક હતી. માણસ થાકી ગયો. સાર એ છે કે બુદ્ધિમાન માણસ વસ્તુ જ્યારે અનુપયોગી થાય છે ત્યારે એનો ત્યાગ કરી નાખે છે. ક્યારેક બુદ્ધિ સ્વયં ભારરૂપ બની જાય છે. ડૉ. રાધાકૃષ્ણને મજ્ઝિમ-નિકાયમાંથી એક શ્ર્લોક પણ ટાંક્યો છે: શાસ્ત્રાણિ અભ્યાસ્ય મેધાવી જ્ઞાનવિજ્ઞાન તત્પરા:/ પલાલમ ઈવ ધ્યાન્યાર્થી ત્યજેત ગ્રંથાન અશેષત:...! આ શ્ર્લોકનો ભાવાર્થ: જ્ઞાની માણસ શાસ્ત્રોનો અભ્યાસ એનો તત્ત્વાર્થ સમજવા માટે કરે છે, (અને એ પ્રાપ્ત કર્યા પછી) એ પુસ્તકો ફેંકી દે છે, જેવી રીતે ધાન્ય શોધનારો કાંકરા ફેંકી દે છે...! એટલે મહત્ત્વની વસ્તુ પુસ્તકો નથી, પણ એ પુસ્તકોમાં સંચિત જ્ઞાન છે. ઉદાહરણોમાં એ કમાલ છે કે ગહનમાં ગહન વાતને એ સરળતાથી પ્રસ્તુત કરી શકે છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મકથાઓમાં અનેકાનેક ઉદાહરણો પડ્યાં છે, જે ભારતવર્ષની સામૂહિક પરંપરા છે. ઘણાં ખરાં પ્રાચીન ઉદાહરણો મનુષ્યલક્ષી અને જીવનલક્ષી છે. જે વાત એક વાક્યમાં સમજાતી નથી એ વાર્તા દ્વારા કહેવાય છે. ઘણી વાર જંતુઓ કે પ્રાણીઓનાં દૃષ્ટાંતો આપીને મનુષ્ય સ્વભાવની ક્ષતિઓ તરફ નિર્દેશ કરવામાં આવે છે. એક પ્રખ્યાત પ્રસંગ છે. એક મધુમાખી ખીલેલા કમળમાં બેસીને મધ ચૂસી રહી હતી, એ પ્રવૃત્તિમાં એ એટલી મગ્ન થઈ ગઈ હતી કે એ ધ્યાન રહ્યું નહીં કે કમળની પાંદડીઓ રાત્રે બંધ થઈ જશે અને એ અંદર બંધ થઈ જશે. અંતે હાથીઓનું એક ટોળું આવ્યું અને એક હાથી સૂંઢથી કમળ તોડીને ગળી ગયો. મધમાખી આશા રાખતી હતી કે પ્રાત: થશે અને કમળ ખૂલશે એટલે હું ઊડી જઈશ. એક ધર્મિષ્ઠ માણસ પાણીમાં સ્નાન કરતો હતો અને એણે પાણીની સપાટી પર એક તરફડતો વીંછી જોયો. ધર્માત્માએ હાથથી વીંછીને ઉછાળીને કાંઠા પર ફેંક્યો પણ એટલી વારમાં વીંછી એને કરડી ગયો. જ્યારે કોઈએ ધર્માત્માને પ્રશ્ર્ન કર્યો ત્યારે એણે ઉત્તર આપ્યો: બંનેએ પોતપોતાનો ‘સ્વધર્મ’ કર્યો છે! એક સ્થળે ઈશ્ર્વરને કરોળિયા સાથે સરખાવવામાં આવે છે. ઈશ્ર્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે. કરોળિયો અત્યંત સૂક્ષ્મ તારોથી એના વિશ્ર્વનું સર્જન કરે છે અને એ તાર એની પોતાની નાભિમાંથી ખેંચીને કાઢે છે. વરસાદની હેલી થાય છે અને એકાએક કરા પડે છે. ગરમીથી ત્રાસેલો સર્પ બહાર નીકળે છે અને નાના નાના કરાઓ ગળતો જાય છે. આ આનંદનું રહસ્ય સમજવા એ અસમર્થ છે. કરા શરીરમાં ભરાઈ જવાથી થોડી જ મિનિટોમાં સર્પનું મૃત્યુ થાય છે. ઈશ્ર્વરી સુખ દ્વારા મૃત્યુ આકાશમાંથી વરસાવી શકે છે. સ્ત્રી વિશે એક નાની વાર્તા છે. એક રાજા જંતુઓની ભાષા સમજતો હતો. રાજારાણી બેઠાં હતાં અને બે કીડીઓ વાતો કરતી હતી. કીડીઓની વાતો સાંભળીને રાજા હસી પડ્યો. રાણીએ વાત જાણવા માટે હઠ પકડી. રાજા પર અભિશાપ હતો કે જો એ આ ભાષાની જાણેલી વાત બીજાને કહેશે તો એનું માથું ફાટી જશે. આ વાત સમજાવવા છતાં રાણીની જીદ ચાલુ રહી ત્યારે રાજાના સલાહકારોની સલાહથી રાજાએ રાણીનો ત્યાગ કર્યો. આ નીતિવાર્તાને અંતે કહેવામાં આવ્યું છે કે લીમડાના વૃક્ષને ગોળનું ખાતર નાખો અને રોજ બાટલીઓ ભરીને મધ પાઓ તો પણ એ મીઠું ફળ આપશે નહીં. મનુષ્યજીવન કેવું છે? મનુષ્યજીવન વિશે ઘણા પ્રકારનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે. મનુષ્ય ગીચ વનમાં ઘેરાયેલા હરણ જેવો છે. પાણી માટે પ્યાસો છે. જમણી તરફ જુએ છે તો એક પારધી (શિકારી) શરસંધાન કરી ઊભો છે. ડાબી તરફ એવા વાઘ એના પર છલાંગ મારવા તૈયાર છે. સામે બળતા વનનો દાવાનળ પાસે આવી રહ્યો છે. પણ એકાએક વીજળીના ચમકારા, આકાશમાં ગડગડાટ અને જોરથી વૃષ્ટિ થાય છે. પારધી એનું નિશાન ચૂકી જાય છે, વાઘ ભયથી ભાગી જાય છે, આગ ઠરી જાય છે - અને હરણને પીવાનું પાણી મળી જાય છે! મનુષ્યજીવન પણ સર્જનહારની લીલા છે. મનુષ્યશરીર એક નગર છે અને એનાં ૧૧ દ્વારો છે. ગીતામાં શરીરનાં ૯ દ્વારો વિશે ઉલ્લેખ થયો છે. નીચ આત્માઓ શરીરના નિમ્ન ભાગોમાંથી દેહત્યાગ કરે છે અને ઉચ્ચ આત્માઓ શરીરના ઉપરી ભાગોમાંથી દેહત્યાગ કરે છે. પણ મનુષ્યને બંને તરફથી બળતા લાકડાના પાટડાની વચ્ચે દોડી રહેલી કીડી સાથે સરખાવવામાં આવ્યો છે. મનુષ્યને રેલ આવેલી નદીમાં તણાઈ રહેલા શિયાળ સાથે સરખાવ્યો છે. બીજું એક દૃષ્ટાંત એવું છે કે સુખનો એક મહેલ છે, એમાં એક કક્ષ છે અને એ કક્ષમાં મનુષ્ય નિવાસ કરવાનો છે. અહીં બધું જ છે અને કક્ષમાં એક ફણીધર નાગ પણ રહે છે! એક સૂચક ઉદાહરણ સોબત વિશે છે. વરસાદનું ટીપું લાલઘૂમ લોખંડ પર પડે છે અને એક ક્ષણમાં વરાળ બનીને ઊડી જાય છે. વરસાદનું ટીપું કમળના પાંદડા પર પડે છે અને એ જ રીતે પડ્યું રહે છે. વરસાદનું ટીપું જો છીપના પેટમાં પ્રવેશ કરે છે તો એમાંથી મોતી બને છે. એક જ ટીપું છે પણ પરિણામ, ભિન્ન ભિન્ન છે. વ્યક્તિ જેની સાથે સંબંધ રાખે છે એવું એનું સ્વરૂપ થાય છે, સોબત તેવી અસર કહેવત સાથે આ દૃષ્ટાંતને સંબંધ છે. ભજગોવિન્દમ્ આદ્ય શંકરાચાર્યે પણ ઉચ્ચ આત્માઓ સાથે સંબંધ પર ભાર મૂક્યો છે. જ્ઞાન અને વ્યવહાર વિશે થોડાં ઉદાહરણો છે. ત્રણ પંડિતો વનમાંથી આવી રહ્યા હતા અને એમની સાથે એક અશિક્ષિત માણસ હતો. માર્ગમાં એમણે એક મરેલો વાઘ જોયો. પંડિતોએ કહ્યું કે અમે મંત્રોચ્ચારથી આ મૃત પ્રાણીને જીવિત કરી શકીએ છીએ! મંત્રો ઉચ્ચારીને પંડિતોએ વાઘને પુનર્જીવન આપવાનું શરૂ કર્યું ત્યારે અશિક્ષિત માણસ ઝાડ પર ચડી ગયો. વાઘ જીવતો થયો અને પંડિતોને ખાઈ ગયો. વ્યવહારશૂન્ય જ્ઞાન અને વ્યવહારકુશળ જ્ઞાનમાં ભેદ છે. એક વાર એક નૌકામાં એક વિદ્વાન નદી ઓળંગી રહ્યો હતો. એણે નૌકાના ચાલક નાવિકને પૂછ્યું: તું શાસ્ત્ર ભણ્યો છે? ગ્રામીણ નાવિકે ના પાડતાં વિદ્વાને કહ્યું: તારું જીવન વ્યર્થ ગયું! મધ્ય નદીમાં તોફાન ઊઠ્યું. નાવ ડોલંડોલ થઈ ગઈ અને બંને પાણીમાં પડ્યા. નાવિકે વિદ્વાનને પૂછ્યું: આપને તરતાં આવડે છે? તરફડિયાં મારતાં વિદ્વાને ઉત્તર આપ્યો: ના! અને ગ્રામીણ નાવિકે કિનારા તરફ તરતાં તરતાં કહ્યું: આપનું જીવન વ્યર્થ ગયું! કથાસાર દ્વારા ઘણી વસ્તુઓ બહુ સચોટ રીતે કહી શકાય છે. ધર્મગુરુઓનું આ એક અમોઘ શસ્ત્ર છે. એક સાપને કરંડિયામાં પૂરીને કરંડિયો બંધ કરી દેવામાં આવ્યો. એટલામાં એક ઉંદર આવ્યો. કરંડિયામાં કંઈક હશે એમ સમજીને એણે કાણું પાડ્યું અને અંદર પ્રવેશવા ગયો. સાપ ઉંદરનો ભક્ષ કરી ગયો અને એને કરંડિયામાંથી બહાર નીકળી જવાનો માર્ગ પણ મળી ગયો. ઈશ્ર્વર જ્યારે ધ્યાન રાખે છે ત્યારે મનુષ્યનું ભાગ્ય પણ આ રીતે ચાલે છે. સ્ત્રી-સહવાસ વિશે એક બોધકથા છે. એક સુચ્ચરિત્રા સ્ત્રી હતી અને એનો પતિ વિદેશ ગયો હતો. રાજા આ સ્ત્રીના મોહમાં પડ્યો અને એના ઘરમાં આવી ગયો. સ્ત્રી પરિસ્થિતિનું ગાંભીર્ય સમજી ગઈ. એણે રાજાનો આદર કર્યો અને એક કપમાં વ્યંજન ખાવા આપ્યું. પછી ફરીથી એવા જ બીજા કપમાં એ જ વ્યંજન આપ્યું, આ રીતે એક પ્રકારના કપો બદલાતા ગયા પણ વ્યંજન એ જ રહ્યું. રાજાને પહેલી વાર ભાવ્યું પણ પછી એની એ જ વાનગી આવતી થઈ એટલે અરુચિ થઈ ગઈ. રાજાએ જ્યારે સુચ્ચરિત્રા સ્ત્રીને આ અરુચિનું કારણ પૂછ્યું ત્યારે સ્ત્રીએ ઉત્તર આપ્યો કે ઈંદ્રિયસુખની એક જ પ્રકૃતિ છે, ફક્ત વાસણો બદલાય છે. માટે સુખ ઝડપથી ક્રમશ: ઓછું થતું જાય છે અને તરત અરુચિ થઈ જાય છે...! સાર: રાજા સમજી ગયો..! મહાસાર: નીતિકથાઓથી રાજાઓમાં પણ અક્કલ આવી જાય છે! |
Friday, March 11, 2016
નેહરૂ -ગાંધી કુટુંબની રાજકારણીઓ પર પક્કડ - ચંદ્રકાંત બક્ષી
| એક દેવતા હોય, ત્રિમૂર્તિ હોય, મંદિર હોય, નમોનમ: હોય |
હિંદુસ્તાનમાં
જો રાજકારણી બનવું હોય તો નહેરુ ગાંધી-પરિવારથી દૂર રહીને બની શકાય નહીં.
એક ત્રિમુખ મૂર્તિની સ્થાપના કરીને મંદિર બાંધવું જોઈએ. આ
ત્રિમૂર્તિ માત્ર મનુષ્યો નથી. એમની પ્રસ્થાપના થવી જોઈએ. આરાધના થવી જોઈએ
અને નહેરુણાં, ઈંદિરાણાં, રાજીવાણાં નમોનમ: જેવા કંઈક ષ્લોકો રચાવા જોઈએ
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
હિંદુસ્તાનમાં
દેવીદેવતાઓ ચતુર્ભુજ અને અષ્ટભુજા હોય છે. બેથી વધારે હાથવાળી દેવીઓ છે,
દસ મોઢાંવાળા રાક્ષસો છે. એક હાથમાં શસ્ત્ર હોય છે, બીજા હાથમાં શાસ્ત્ર
હોય છે. પણ આ ભારતવર્ષમાં નેતાઓને કોઈ દેવતા નથી. હોવો જોઈએ અને જો હોય તો
એની દસ જીભો હશે, કારણ કે નેતા જેટલી ભાષામાં બોલે છે એ બધી ભાષાઓના જુદા
જુદા અર્થો નીકળે છે. ડાહ્યા નેતાઓ પણ એવું બોલી નાખતા હોય છે કે આપણને
આશ્ચર્ય થવા લાગે છે. ૧૯૮૨ના જાન્યુઆરીમાં અમદાવાદમાં કૉંગ્રેસી કાર્યકરો
સમક્ષ બોલતાં કેન્દ્રના અર્થમંત્રીએ કહ્યું હતું: ‘રાજીવે એટલી સિદ્ધિ
પ્રાપ્ત કરી છે જેટલી એના નાના જવાહરલાલ આખી જિંદગીમાં સિદ્ધ કરી શક્યા ન
હતા!’ આ વાક્ય બોલનાર વ્યક્તિનું નામ: અત્યારના રાષ્ટ્રપતિ રામસ્વામી
વ્યંકટરમણ.
૧૯૮૨ના જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સી.પી.એન. સિંહે કહ્યું હતું: ‘શ્રીમતી ગાંધી એક દેવી છે. એમની પૂજા થવી જોઈએ.’ મને લાગે છે કે આ દેશના નેતાઓનો કોઈ ઈશ્વર નથી, જેમ સંતોષી માતા નામની કોઈ માતા આપણા ગ્રંથો, શાસ્ત્રો, પ્રણાલિકામાં નથી પણ હવે સંતોષી માતાના મંદિરો પણ થવા લાગ્યાં છે એમ જ નેતાઓનો એક દેવતા હોવો જોઈએ. અને મને લાગે છે કે એ દેવતા ત્રિમુખી-ત્રિમૂર્તિ જેવો હોવો જોઈએ. વચ્ચે શ્રીમતી ઈંદિરા ગાંધીનું મોઢું હોય, ડાબી-જમણી તરફ પંડિત જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપુત્ર રાજીવરત્ન ગાંધીનાં મોઢાં હોય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશના ત્રિમૂર્તિ મૉડેલ કે અશોકચક્રના ત્રિ-સિંહમુખના મૉડેલ પરથી આ રાષ્ટ્રીય દેવતાત્રયી બનાવી શકાય. આપણા ચાળીસ વર્ષના સ્વાતંત્ર્ય-અનુભવ પછી આ દેવતાની જરૂરત વિશે કોઈને શંકા કે કારણ હોઈ શકે નહીં. ‘જો મારી નેતાએ (ઈંદિરાજી) મને કહ્યું હોત કે ઝાડું લઈને સાફ કરો તો મેં કર્યું હોત. એમણે જ મને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યો છે.’ આ વાક્ય કોણ બોલી શકે? ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝૈલસિંહ! ઝૈલસિંહની આ પરિવાર માટેની વફાદારી વિશ્વવિખ્યાત છે. એમણે સંજય માટે કહ્યું હતું: સંજય ગાંધી મારા ‘રહનૂમા’ (પથદર્શક, તારણહાર) છે, એમણે રાજીવ ગાંધી વિશે કહ્યું હતું: રાજીવ ગાંધી બીજા જવાહરલાલ નહેરુ બનશે. ઈંદિરા ગાંધી - રાજીવ ગાંધીના કાળમાં એક દરબારી સંસ્કૃતિ પનપી છે, શ્રીમતી ગાંધીએ ભારતીય રાજનીતિમાં ચમચાવાદને પ્રતિષ્ઠા આપી. બોલવા પર હવે લગામ રાખવાની જરૂર ન હતી અને રાગ દરબારી દિવસના ગમે તે સમયે ગાઈ શકાતો હતો. ૧૯૮૦માં સંજયની વિચારધારા વિશે જગદીશ ટાઈટલરે કહ્યું હતું: ‘એક વાર ભારતીય અર્થશાસ્ત્રની ચર્ચા દરમિયાન સંજયે કહ્યું હતું કે ગરીબીની વ્યાખ્યા સતત બદલાતી રહે છે... આ વાત એ આરોપનું ખંડન કરે છે કે સંજય પાસે કોઈ ફિલસૂફી ન હતી.’ કર્ણાટકના મુખ્ય પ્રધાન ગુન્ડુરાવ ૧૯૮૦માં મોટા માણસ હતા, દક્ષિણ ભારતની કૉંગ્રેસના મજબૂત સ્તંભ હતા. ગુન્ડુરાવ બોલ્યા: ‘શ્રીમતી ગાંધી અને સંજય ગાંધી મારી બે આંખો છે. મારે બે નેતાઓ છે, અને એમનો ટેકો છે ત્યાં સુધી હું અહીં મુખ્ય પ્રધાન તરીકે રહીશ. અમે બધા જ ઈંદિરાપોષક નાટક મંડળીના સભ્યો છીએ.’ ૧૯૮૦ના જાન્યુઆરીની ૧૯મી તારીખે ગુન્ડુરાવે બ્લિટ્ઝને કહ્યું હતું: ‘હું તો ઈંદિરાજાતિનો માનુષ છું.’ સિંહાસનપ્રિય થવાની સ્પર્ધા જીવલેણ હોય છે. શ્રીમતી ગાંધીએ એના વિકાસમાં જબરદસ્ત ભાગ ભજવ્યો છે. સંજયનું અવસાન થયું ત્યારે કૉંગ્રેસી નેતાએ એને જિઝસ ક્રાઈસ્ટ સાથે સરખાવ્યો હતો. કારણ કે બંનેની ઉંમર મૃત્યુ સમયે ૩૩ વર્ષની હતી. ૧૯૮૧માં અર્જુનસિંહે શ્રીમતી ગાંધીને કબીર સાથે સરખાવ્યાં હતાં. જિઝસ ક્રાઈસ્ટથી કબીર સુધીની પ્રતિભાઓ જ નહેરુ પરિવારમાં નથી. હજી રાજીવજી આવવાના બાકી હતા. રાજીવ ગાંધીએ કૉંગ્રેસની શતવાર્ષિકી સમયે મુંબઈમાં પ્રવચન આપ્યું હતું ત્યારે ગોવાના કૉંગ્રેસી સંસદસભ્ય બોલી ઊઠ્યા: આ પ્રવચન ભગવદ્ ગીતા, બાઈબલ કે કુરાન જેવું છે. હિંદુસ્તાનની પ્રજા સલીબ પર લટકેલા જિઝસ ક્રાઈસ્ટની કક્ષાએ આવી રહી છે. એક શ્રીકાંત વર્મા હતા. કૉંગ્રેસના મહામંત્રી હતા. એમણે લખ્યું: ‘રાજીવ અજાતશત્રુ છે. રાજીવ માત્ર સત્ય જ બોલે છે... મહાન ઍલેકઝાંડરને ચમચાઓથી ઘેરાયેલા રહેવું પસંદ હતું, રાજીવ હીરો છે અને છતાં પણ એમને ચમચાઓથી ઘેરાયેલા રહેવું ગમતું નથી.’ શ્રીકાંત વર્મા કેન્સરના ઈલાજ માટે ન્યૂ યોર્ક ગયા હતા, ગુજરી ગયા. રાજીવજીએ કહ્યું: ‘શ્રીકાંત વર્માની કલમ અને જીભે હંમેશાં ભારતના શ્રેયની વાત કરી છે.’ રાષ્ટ્રપતિ ઝૈલસિંહે કહ્યું હતું: ‘શ્રીમતી ગાંધી ઈશ્વરની આ દેશને મહામૂલી ભેટ છે.’ આ વાત માર્ચ ૧૯૮૩ની છે. સદાબહાર કેન્દ્રમંત્રી વસંત સાઠે એપ્રિલ ૧૯૮૬માં બોલ્યા હતા: ‘અમારી એક જ પૉલિસી છે: રાજીવ ગાંધી ઝિન્દાબાદ!’ અને જુલાઈ ૧૯૮૬માં રાજીવ ગાંધીએ કહ્યું હતું: ‘મને સારા મંત્રીઓ મળતા નથી. દંભની ભાષા બધાને ફાવતી નથી. રાજકારણમાં ડાહ્યા અને ગાંડાનો કદાચ હવે બહુ ફર્ક પણ રહ્યો નથી.’ એપ્રિલ ૧૯૮૭માં કેન્દ્રમંત્રી વિઠ્ઠલરાવ ગાડગીલ બોલ્યા હતા: ‘દેશ પાસે હવે કૉંગ્રેસ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને કૉંગ્રેસ પાસે શ્રી રાજીવ ગાંધી સિવાય કોઈ ચારો નથી.’ વૃદ્ધ બાબુ કમલાપતિ ત્રિપાઠી એનાથી પણ એક કદમ આગળ ૧૯૮૫માં જ પહોંચી ગયા હતા. એમણે મે ૧૯૮૫માં કહી દીધું હતું: જ્યાં નહેરુ પરિવાર છે ત્યાં જ કૉંગ્રેસ પક્ષ છે. અને રાજીવજી સ્વયં ૧૯૮૫માં શું કહેતા હતા? એમણે ફેબ્રુઆરી ૧૯૮૫માં કહ્યું હતું: ‘હું તો એરલાઈન પાઈલટ તરીકે ખૂબ જ સુખી હતો. પણ સંજોગોએ મને પ્રધાનમંત્રી બનાવી દીધો.’ જોકે સંજયના વફાદાર જગદીશ ટાઈટલર ઑક્ટોબર ૧૯૮૫ સુધી માનતા હતા કે... સંજયના સુકૃત્યોની રાજીવે સળંગતા સાચવી છે, સંજય જે સારા કામો કરી ગયો એ રાજીવ આગળ ધપાવે છે... વિરોધી રામકૃષ્ણ હેગડેએ ખટાશથી, કટુતાથી ડિસેમ્બર ૧૯૮૬માં કહ્યું: ‘મહમ્મદ બિન તુઘલખના જમાનાથી આજ સુધી દિલ્હીએ એવો બેજવાબદાર નેતા જોયો નથી.’ હિંદુસ્તાનમાં કોણ કોની સાથે છે અને કોણ કોની સાથે નથી એનો તાળો મેળવવો અઘરું કામ છે. નહીં તો આવાં વિધાનોનો શો અર્થ સમજવો? મહારાષ્ટ્રમાં શિવાજીવંશી એક મુખ્ય પ્રધાન હતા. નામ બાબાસાહેબ ભોસલે. એમના જમાનામાં શ્રીમતી ગાંધી અને પુત્રવધૂ મેનકા ગાંધી વચ્ચે કૌટુંબિક કલેશ થયો હતો અને મેનકાએ એના પુત્ર ફીરોઝ વરુણ સાથે ગૃહત્યાગ કરવો પડ્યો હતો. બાબાસાહેબ ભોસલેને કોઈકે પૂછ્યું અને બોલ્યા: ‘આ એક ષડયંત્ર છે, વિદેશી તાકાતોએ આપણાં આંતરિક તત્વો સાથે મળીને એક સાઝિશ કરી છે અને આશય સ્પષ્ટ છે. એ લોકો આપણા દેશમાં રાજકીય અસલામતી અને અસ્થિરતા ફેલાવવા માગે છે.’ હિંદુસ્તાનનું રાજકારણ સમજવું સરળ નથી. હિંદુસ્તાનમાં જો રાજકારણી બનવું હોય તો નહેરુ ગાંધી-પરિવારથી દૂર રહીને બની શકાય નહીં. એક ત્રિમુખ મૂર્તિની સ્થાપના કરીને મંદિર બાંધવું જોઈએ. આ ત્રિમૂર્તિ માત્ર મનુષ્યો નથી. એમની પ્રસ્થાપના થવી જોઈએ. આરાધના થવી જોઈએ. અને નહેરુણાં, ઈંદિરાણાં, રાજીવાણાં નમોનમ: જેવા કંઈક શ્લોકો રચાવા જોઈએ. કમથી કમ, કૉંગ્રેસ (આઈ) વાળાઓ માટે. |
Friday, January 22, 2016
આઝાદી પછીની ગુલામી -ચંદ્રકાંત બક્ષી
આ
વાતો આઝાદી પછીની ગુલામી મનોવૃત્તિના દિવસોની છે. અંગ્રેજ આપણો માલિક હતો,
આપણો રાજા હતો એ ભાવનામાંથી મુક્ત થતાં પણ વર્ષો લાગેલાં...
ગોરી ચામડી સામે ઝૂકી જવાની દાસવૃત્તિ ઘણાં વર્ષો સુધી ચાલુ રહેલી
ચંદ્રકાંત બક્ષી - બક્ષી સદાબહાર
માર્શલ
ટીટો પ્રથમ વાર ભારત આવ્યા ત્યારે એમને માટે સ્પેશિયલ ટ્રેન વાપરવામાં
આવેલી જેમાં એ ફરેલા!! ચીનના ચાઉ-એન-લાઈ માટે ખાસ નૈનિતાલથી લીચી ફળો
મગાવ્યાં હતાં, કારણ કે એમને એ બહુ ભાવતાં હતાં. નહેરુ ઈંગ્લેન્ડ ગયા
ત્યારે બર્નાર્ડ શૉ માટે હાફુસ કેરીનો કરંડિયો લઈ ગયેલા. ઈંગ્લેન્ડની રાણી
એલિઝાબેથને ડિનર આપવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના
સરકારી સહભોજનની પ્રથમ વાનગી હતી: બદામનો સૂપ! રશિયાના બુલ્ગાનીન અને
ક્રુશ્ર્ચોવ કલકત્તા આવ્યા ત્યારે નગરની સડકો પર રંગોળી ચીતરવામાં આવી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ આઈઝનહોવરને માટે મુંબઈથી નર્તકી વૈજયંંતીમાલાને
રાષ્ટ્રપતિભવનમાં નૃત્ય માટે આમંત્રવામાં આવી હતી. એ નાચતી અને એના
વાળમાંથી ફૂલો ઝરતાં. આઝાદી પછીના નહેરુ યુગમાં અંગ્રેજી અસર ભરપૂર હતી.
વિદેશી રાજનેતાને ખુશ કરવા આપણે ભારતીય આતિથ્યનો અતિરેક કરતાં અચકાતા ન
હતા. આજે વિદેશી નેતાઓ આવે છે. નવી દિલ્હી, જયપુર, આગ્રા થઈને ચાલ્યા જાય
છે. આપણે ડાહ્યા અને સમજદાર થઈ ગયા છીએ. એમની પાછળ પાગલ થતા નથી. ગુલામી
મનોવૃત્તિ ઓછી થઈ છે. નેતાઓની પણ નવી પેઢી આવી ગઈ છે જે આંખમાં આંખ નાખીને
વાત કરી શકે છે, જલદી અંજાઈ જતી નથી, હિન્દુસ્તાની તરીકે આપણે થોડી
ગૌરવગ્રંથિ પણ કેળવી છે. હવે માત્ર ગોરા નેતાઓ જ આવતા નથી. અરબ અને નીગ્રો
નેતાઓ પણ આવે છે, કાળા અને પીળા નેતાઓ પણ આવે છે. પૂરી સરકાર એમને લેવા
માટે એરપોર્ટ પર જતી નથી. પહેલાં આપણે બહુ ભાવુક થઈ જતા હતા. હવે વ્યવહારુ
બન્યા છીએ. ક્યારેય જેલમાં ગયા નથી એવા નેતાઓ, ખાદીનાં ધોતિયાં નહીં પણ સૂટ
પહેરેલા નેતાઓ, ચપાચપ અંગ્રેજી બોલી શકનારા નેતાઓ- આ એક ફર્ક આવ્યો છે.
ક્યારે વિદેશી નેતાઓ આવે છે અને ચાલ્યા જાય છે એ પણ ખબર પડતી નથી.
પણ ૧૯૫૯માં ઈંગ્લેન્ડની રાણીના પતિ પ્રિન્સ ફિલિપ આવેલા. બે વર્ષ પછી રાણી એલિઝાબેથ ભારત આવેલી. પ્રિન્સ ફિલિપને આપણે બહુ લાડ લડાવ્યા હતા! ચાંદનીમાં તાજમહાલ બતાવ્યો, હવાઈ જહાજમાંથી આખું ભૂતિયું ફતેહપુર સિક્રી બતાવ્યું. જયપુરમાં હાથીઓ પાસે સલામો કરાવી, ઊંટોને ફિલિપ માટે નચાવ્યા, ખુદ જયપુરના મહારાજાએ દસ કિલોમીટર ગાડી ચલાવી. ગુલાબી શામિયાનામાં કાચનાં ઝુંમરોની નીચે ફિલિપનું અભિવાદન કર્યું. જયપુરના ઝવેરીઓએ લીલા ઝેડ પથ્થરના હાથાવાળું પાનાં અને માણેક જડેલું એક ખંજર ભેટ આપ્યું! મહારાજાએ અને ગવર્નરે ફિલિપને સોનાનું મીનાકામ કરેલી, હીરાજડિત રાજપૂત ઘોડેસવારની મૂર્તિ આપી. એના બદલામાં ફિલિપે પોતાનો સહી કરેલો ફોટો આપ્યો! જયપુરની ગર્લ્સ પબ્લિક સ્કૂલની છોકરીઓએ એક સમૂહ-ગાન ગાયું. ‘મહારાણી એલિઝાબેથને અમારી વફાદારીની સ્તુતિ!’ આઝાદી આવ્યા પછી બાર વર્ષે આ મનોવૃત્તિ હતી આપણી... પછી ફિલિપ મુંબઈ આવ્યા. સરકાર તરફથી પ્રકટ થયેલા આમંત્રણકાર્ડ પર રવીન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ પણ છાપી હતી: ‘ઓહ માતા! આપણા દ્વાર પાસેથી એક રાજકુમાર પસાર થવાનો છે!’ રાજકુમાર અહીંથી ઈલોરા-અજંટાની ગુફાઓ અને મંદિરો જોવા ગયા. એમને માટે ઈલોરાની ૩૪ ગુફાઓમાંથી ત્રણ પસંદ કરવામાં આવી, એક બૌદ્ધ, એક હિંદુ અને એક જૈન! જૈન રામેશ્ર્વર ગુફામાં રાજકુમારને આરામ આપીને બેસાડીને, કોકા-કોલા અને ઑરેંજ સ્કવૉશ ખારા કાજુનો હલકો નાસ્તો કરાવ્યો. આ નાસ્તો અને જલપાન જૈન ગુફાની અંદર જ કરાવવામાં આવ્યાં હતાં! મદ્રાસની પાસે મહાબલિપુરમમાં અતિથિસત્કાર આગળ વધ્યો. કોઝેરીનાં વૃક્ષોની નીચે લીલાં નાળિયેર લાવ્યા પણ ફિલિપે સોડા પીધી, કારણ કે હિંદુસ્તાની પાણીથી અંગ્રેજ રાજકુમારનું જઠર અપસેટ થઈ જાય તો? ચેટ્ટીનાડ પૅલૅસમાં સમુદ્રકિનારે લંચની વ્યવસ્થા થઈ. રાત્રે ગવર્નર બિષ્નુરામ મેધીએ ડિનર પછી ફિલિપને ભેટ આપેલી વસ્તુઓ આ પ્રમાણે હતી: સોનાના તાર ભરેલું ખાદીનું કપડું, જાતજાતના ઘાસમાંથી વણેલી ચટાઈ, નટરાજનું વિરાટ કાંસાનું શિલ્પ, એક તાંજોર પ્લેટ, ઑક્સિડાઈઝ કરેલાં કાળાં મોતીની બે ઢીંગલીઓ જેના પર દક્ષિણ ભારતીય આભૂષણો હતાં. રોઝવૂડમાં કોતરેલા અને હાથીદાંતથી નકશી કરેલા બે લડતા હાથીઓ, ધર્મકાર્યમાં વપરાતાં ચાંદીનાં વાસણોનો સેટ! ફિલિપે શું આપ્યું એની માહિતી નથી. કદાચ પોતાનો ફોટો આપ્યો હશે... બે વર્ષ પછી ફિલિપ અને એમના પત્ની રાણી એલિઝાબેથ ભારત આવ્યાં ત્યારે મદ્રાસ સરકારે જે ભેટસોગાદો ધરી એમાંની કેટલીક: મહાબલિપુરમના સમુદ્ર મંદિરનું શંખજીરામાં કોતરેલું મૉડેલ, રોઝવૂડના બૉક્સમાં દક્ષિણ ભારતીય ગોપુરમનું ચાંદીનું મૉડેલ, એક અત્યંત મોંઘી સાડી, એક ઉપવસ્ત્રમ, તિરૂકકુલ ગં્રથની એક પ્રત! રાણીને ડિનર વખતે આનંદ ખાતર ભારતની ચાર પ્રમુખ નર્તકીઓ કમલા, વૈજયંતીમાલા, પહ્મિની અને રાણીએ નૃત્યો કરેલાં... આ વાતો આઝાદી પછીની ગુલામી મનોવૃત્તિના દિવસોની છે. અંગ્રેજ આપણો માલિક હતો, આપણો રાજા હતો એ ભાવનામાંથી મુક્ત થતાં પણ વર્ષો લાગેલા... ગોરી ચામડી સામે ઝૂકી જવાની દાસવૃત્તિ ઘણાં વર્ષો સુધી ચાલુ રહેલી. એલિઝાબેથનું લગ્ન થયું ત્યારે આઝાદી નવી નવી હતી. દુનિયાભરમાંથી બ્રિટનની સમ્રાજ્ઞીને મોંઘી મહામૂલ્ય ભેટ-સોગાદો-તોહફાઓનો ધોધ વહ્યો હતો. જવાહરલાલ નહેરુએ એક મૂલ્યવાન બ્રોકેડની બનારસની સાડી મોકલી હતી. એલિઝાબેથને મળેલી લગ્નભેટોમાં સૌથી સસ્તી અને સૌથી મોંઘી ભેટ વાણિયા મોહનદાસ કરમચંદ ગાંધીએ મોકલેલી. પોતાને હાથે એક મહિનો કાંતેલી ખાદીમાંથી બનાવેલું ટેબલ-કલોથ! કહેવાય છે કે આ ભેટ પ્રાપ્ત કરીને ઈંગ્લેન્ડની મહારાણી થ્રીલ થઈ ગયેલી! આજે જમાનો બદલાઈ ગયો છે. આપણે પણ સ્વતંત્રતાની મુગ્ધાવસ્થામાંથી પસાર થઈ ચૂક્યા છીએ. આજે આપણાં વર્તમાનપત્રો અને સામયિકો શિકારી કૂતરાઓની જેમ પાછળ પડી જાય છે. ચર્ચાઓ શરૂ કરી દે છે. જાગ્રત પ્રજાવાદનું આ એક લક્ષણ છે. કલકત્તાથી પ્રકટ થતા ‘સન્ડે’ સાપ્તાહિકના ૩૦ માર્ચના અંકમાં એક રમૂજી વાત છે. વાંચીને ગુજરાતી વાચકો પ્રસન્ન થશે. ૨૨ માર્ચે ભારતીય ભાષા પરિષદના ઉપલક્ષ્યમાં કલકત્તામાં એક કવિમિલન યોજાયું, જેના અધ્યક્ષ હતા આપણા ઉમાશંકર જોષી. ‘સન્ડે’ના પ્રતિનિધિ એસ. એન. અબ્દી લખે છે કે બંગાળી, અસમિયા, ઊડિયા, મણિપુરી અને મૈથિલી ભાષાઓમાં કવિતાપાઠ થયો, પણ ‘ખરો રંગ ઉમાશંકર જોષીએ રાખ્યો.’ અબ્દીસાહેબ લખે છે: ‘એ (ઉમાશંકર જોષી) એક પ્રખ્યાત ગદ્ય- લેખક છે, પણ આ પ્રસંગે એમણે કાર્યક્રમની પૂર્ણાહુતિ રૂપે એક કમાલ કામ, એમના સ્વભાવની વિરુદ્ધનું કર્યું. એમણે પોતાની બનાવેલી એક નાની કવિતા સંભળાવી દીધી!’ આપણા મહાન ‘ગદ્યલેખક’ ઉમાશંકર જોષી પોતે કવિતા પણ લખે છે એ સુખદ આશ્ર્ચર્ય ૧૯૮૦માં અબ્દીસાહેબની જેમ આપણને પણ થઈ રહ્યું છે...! |
Saturday, November 7, 2015
ગુજરાતી વિદ્યાર્થી: અંગ્રેજી શીખવું પડશે! - ચંદ્રકાંત બક્ષી
ગુજરાતના
ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી વખતે બુનિયાદી નિયમ ભૂલી જવાયો છે.
માટે અંગ્રેજી બાર, સોળ, અઢાર વર્ષો સુધી ભણાવ્યા પછી પણ ગુજરાતના ગુજરાતી
વિદ્યાર્થીને અંગ્રેજી બોલતાં ફાવતું નથી, અંગ્રેજીના લેખનમાં
ભૂલો વાક્યે વાક્યે ઊભરાતી હોય છે
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
ગુજરાતની
યુવાપેઢી માટે એક સમસ્યા છે, ડિગ્રી મળે છે પણ અંગ્રેજી લખતાં કે બોલતાં
તકલીફ પડે છે. ઉપાધિ લેવાની બાબતમાં ગુજરાતનો ગુજરાતી વિદ્યાર્થી શિક્ષિત
છે, પણ અંગ્રેજી બોલવાની બાબતમાં એ દીક્ષિત નથી. ભાષા શીખવા માટે ત્રણ
આંગળીઓ, કાન અને આંખની જરૂર પડે છે. લખવા માટે ત્રણ આંગળીઓ જોઈએ, વાંચવા
માટે બે આંખો જોઈએ, અને સાંભળવા માટે બે કાન જોઈએ. બોલવાની ક્રિયા એ
ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ સાંભળ્યા પછીની પ્રતિક્રિયા છે. માતા બોલે છે, બાળક
સાંભળે છે, અને એવો અવાજ કરવાની કોશિશ કરે છે. એ વાણી કે વાચાનો જન્મ છે.
ભાષા શીખવાનો ક્રમ પણ સ્પષ્ટ છે, પહેલાં બોલવું, પછી વાંચવું અને છેલ્લે
લખવું આવે છે. આપણે મુંબઈમાં મરાઠી બોલી લઈએ છીએ, કદાચ બાળબોધ લિપિને કારણે
થોડું વાંચી પણ લઈએ છીએ, પણ લખી શકતા નથી. આપણે કલકત્તામાં બંગાળી બહુ સરસ
બોલી લઈએ છીએ, એક શબ્દ પણ વાંચી શકતા નથી, કારણ કે લિપિ તદ્દન જુદી છે,
અને બંગાળીમાં પત્ર લખી શકે એવા ગુજરાતી ભાગ્યે જ કલકત્તામાં મળશે. ભાષા
શીખવા-સમજવા માટે કાન સૌથી મહત્ત્વપૂર્ણ અવયવ છે. બાળક પાસેથી મોટાઓએ આ
શીખવાનું છે. બાળક ચાર-પાંચ વર્ષનું થાય ત્યાં સુધી જરૂરી શબ્દો, પોતાના
અંતરંગ ભાવો વ્યક્ત કરવા માટે, બહુ જ આસાનીથી વાપરતું થઈ જાય છે. બોલવાનું
પ્રથમ આવે છે, વાંચવા-લખવાનું પછી આવે છે. તદ્દન નિરક્ષર વ્યક્તિ પણ બોલી
જરૂર શકે છે, એના પ્રત્યાયન કે કમ્યુનિકેશનમાં કોઈ ફર્ક પડતો નથી.
ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી વખતે આ બુનિયાદી નિયમ ભૂલી જવાયો છે. માટે અંગ્રેજી બાર, સોળ, અઢાર વર્ષો સુધી ભણાવ્યા પછી પણ ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીને અંગ્રેજી બોલતાં ફાવતું નથી, અંગ્રેજીના લેખનમાં ભૂલો વાક્યે વાક્યે ઊભરાતી હોય છે, અને એનું અંગ્રેજી વાચન લગભગ નથી. આજની સ્પર્ધામાં આ સ્થિતિની ચિંતા થવી જોઈએ, સેમિનાર ભરાવા જોઈએ, ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીનું અંગ્રેજી સુધારવા માટે ક્રેશ-કોર્સ પ્રકારના અભ્યાસક્રમોની શરૂઆત થઈ જવી જોઈએ. હિંદુસ્તાનના જોબમાર્કેટમાં ઊભા રહેવું હશે તો અંગ્રેજી પર પ્રભુત્વ જોઈશે. અંગ્રેજી વિના ઉદ્ધાર નથી. અંગ્રેજી કોમ્પ્યુટરની, વ્યવહારની, વ્યાવસાયિક આદાન-પ્રદાનની પ્રમુખ ભાષા બની ગઈ છે એ સ્વીકારવું પડશે. ગાળો બોલવાની હિન્દીમાં જે મજા આવે છે એ અંગ્રેજીમાં નથી, પણ પ્રેમ કરવાનું અંગ્રેજીમાં જરા વધારે ફાવે છે, ‘મેરી જાન’માંથી સડેલા તમાકુવાળા પાનની ગંદી બદબૂ આવે છે, પણ ‘માય લવ’ કે ‘સ્વીટહાર્ટ’ કે ‘ડાર્લિંગ’માંથી શેમ્પેઈનની અને પરફ્યૂમની માદક ખુશ્બૂ આવે છે. આ પણ ઘણાં કારણોમાંનું એક કારણ છે કે અંગ્રેજી ભાષા શા માટે જરૂરી છે! ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓ માટે આજે અંગ્રેજીમાં અજ્ઞ રહી જવું અઘરું કામ છે! અમારા જમાનામાં (૧૯૪૮માં હું પાલનપુરથી મેટ્રિક થયો હતો, બીજા વર્ષથી એસ.એસ.સી. શરૂ થયું હતું. એ મેટ્રિકની છેલ્લી પરીક્ષા હતી.) દેશી, પછાત સ્કૂલોમાં પાઠમાળા દ્વારા અંગ્રેજી ભણાવવામાં આવતું હતું. દેશી નિશાળો, દેશી માસ્તરો, દેશી પાઠ્યપુસ્તકો, અને અમે ભણનારા દેશી, અને ભણવાનું ખોટું અંગ્રેજી! પછી કલકત્તાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ લીધો. બેલ્જિયમ અને અંગ્રેજી ફાધરોનું અંગ્રેજી ચાર મહિના સુધી માથાની ઉપરથી જતું રહેતું હતું. એક અક્ષર સમજાતો ન હતો. એ પછી ઝનૂની પ્રક્રિયા શરૂ થઈ, પહેલા આવવાની, બિકોઝ વી આર બ્લડી ગુજ્જુઝ! પહેલાં ‘લર્ન’ કર્યું હતું. એ બધું ‘અન-લર્ન’ કરવાનું હતું અને પછી ‘રિ-લર્ન’ કરવાનું હતું. ઓલ ઈન્ડિયા રેડિયો પરથી મેલવીલ ડિ’મેલોના ન્યૂઝ સાંભળતા રહ્યા, જો રેડિયો પર પકડાય તો બી.બી.સી. સાંભળવા માંડ્યા. ફૂટપાથો પરથી જૂનાં ‘રિડર્સ ડાયજેસ્ટ’ (૪ આના) અને ‘ટાઈમ’ (ર આના) ખરીદતા રહ્યા. અંગ્રેજી સુધારવાનું એક બાકાયદા અભિયાન શરૂ કરી દીધું. આજની પેઢી નસીબદાર છે કે ટીવી છે, બી.બી.સી. છે, સી.એન.એન. છે, ડઝનો ચેનલો ચોવીસે કલાક વરસી રહી છે, કાનથી સાંભળીને અંગ્રેજીના ઉચ્ચાર શીખી શકાય છે. અને સંસ્કૃત આધારિત આપણી ભાષાઓનું સુખ એ છે કે આપણે ગમે તે ઉચ્ચાર આપણી લિપિમાં લાવી શકીએ છીએ: પ્યીરીઅડ, જીઓ-ગ્રાફી, જુએલરી આદિ. એક એવી સ્થિતિ આવતી હોય છે જ્યારે વિદ્યાર્થીની જિંદગીમાં ‘ટીચિંગ’ ઓછું થતું જાય છે અને ‘લર્નિંગ’ વધતું જાય છે. શીખવવાની મર્યાદા છે, હવે સ્વયં શીખતા રહેવાનું છે. આપણી ગુજરાતી ભાષા જે રીતે લખાય છે એ રીતે જ બોલાય છે, પણ અંગ્રેજીમાં એવું નથી. વિશ્વભાષા છે એટલે એનામાં એક લચીલાપણું આવી ગયું છે. અમેરિકામાં મેં કોરીઅનને ‘હોત’, આફ્રો-અમેરિકન કાળાને ‘હાત’ અને ગોરાને ‘હોટ’ બોલતાં સાંભળ્યા છે. આપણે હોટ (ગરમ) ઉચ્ચારણ શીખ્યા છીએ. રશિયામાં ‘ટેન-પ્લસ-ટુ’નો ઉચ્ચાર મેં ટેન-પ્લુસ-ટુ સાંભળ્યો છે. રશિયનો જેવું લખાય છે એમ જ બોલે છે: પબ્લિકને પુબ્લિક, હીઅરને હીર! ફ્રાંસમાં અંગ્રેજી ‘ધિ’નો ઉચ્ચાર ‘ઝિ’ અને ‘ધિસ’નો ‘ઝિસ’ લગભગ સર્વત્ર મેં સાંભળ્યો છે. અમેરિકનો સામાન્ય રીતે દરેક ‘એ’નો ઉચ્ચાર એવો જ કરે છે: ‘પાસપોર્ટ’ને ‘પેસ-પોર્ટ’. જર્મનો ‘એ’નો ઉચ્ચાર ‘આ’ જેવો કરે છે: હાન્સ! અને જેવું લખ્યું હોય એવું જ બોલાય છે: લુફ્ટહાન્સા, કિંડરગાર્ટન. આપણે ત્યાં તમિળ ‘યેવરી’ (એવરી), અને પંજાબી ‘સિલક’, ‘મિલક’ (સિલ્ક, મિલ્ક) બોલે જ છે! બંગાળીમાં ‘વ’નો ઉચ્ચાર ‘બ’ થાય છે. એક બંગાળી કર્મચારી એના લગ્નના આમંત્રણ માટે એના બોસ પાસે જઈને કહેવા લાગ્યો: સર, ટુ-નાઈટ... યૂ હેવ ટુ કમ ટુ માય બેડિંગ! બોસ ગભરાયો: ચેટરજી ...! અને ચેટરજી છોડે એમ ન હતો: નો સર! ટુ-નાઈટ યૂ હેવ ટુ કમ ટુ માય બેડિંગ! ઉચ્ચારણમાં ‘વેડિંગ’નું ‘બેડિંગ’ બની શકે છે...! બોલવામાં ભૂલ કરતા રહેવાની હિંમત હોય તો ભાષા માટે જીભ તરત છૂટી જાય છે. નાનો બાબો કહી દે છે: આઈ એમ બાથિંગ! અને એને ભૂલ કરવાની શર્મ નથી, એટલે એ ભાષા તરત શીખી લે છે. આપણને જરા સમય લાગે છે. ઉચ્ચારણનાં પુસ્તકોમાં લખે છે કે સાઉથ ઓફ લંડનના ઉચ્ચારો સ્ટાન્ડર્ડ ગણાય છે. આપણે ત્યાં એ વિશે બહુ ચિંતા નથી. સોનિયા ગાંધીનો ખરો ઉચ્ચાર સૉનિયા (‘સૉરી’નો સૉ, પહોળો ઉચ્ચાર) છે, પણ બધા જ સાંકડો સોનિયા ઉચ્ચાર કરે છે! અને એક વાર વર્ષો પહેલાં દૂરદર્શનની એક ચકમકી ઉદઘોષિકાએ ગુજરાતના નેતાનું નામ કહ્યું હતું: મિસ્ટર શંકર વી. ઘેલા! આપણા પ્રિય શંકરસિંહબાપુની અસર ક્યાં સુધી પહોંચી શકે છે? |
Friday, October 16, 2015
સમર્થન હોય તો બુદ્ધિ પણ શક્તિ બની જાય છે! - ચંદ્રકાંત બક્ષી
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
સન
૧૯૭૬માં એક વિચિત્ર ઘટના બની હતી. એ વર્ષે દરેક નોબેલ પારિતોષિક અમેરિકનો
જીતી ગયા હતા. આવું ભાગ્યે જ બનતું હોય છે કે ભૌતિકશાસ્ત્ર અને
રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સાહિત્ય બધામાં એક જ વર્ષમાં એક જ દેશમાંથી
બુદ્ધિમાનો નીકળે. પણ આ પ્રશ્ર્નનો ઉત્તર સરળ છે. ૧૯૭૬માં અમેરિકાની
બાયસેન્ટેનરી અથવા દ્વિ-શત વાર્ષિકી હતી અને અમેરિકાનું વર્ચસ વિશ્ર્વની
ઘણી સંસ્થાઓ પર સંપૂર્ણ છે. નોબેલ ઈનામ આપનારી કમિટીઓ અમેરિકન મહાસત્તાની
અસર નહિ પણ અમેરિકન મહાસત્તાના અંકુશમાંથી કેમ મુક્ત રહી શકે? બધાં જ
ઈનામો અમેરિકાને ખુશ કરવા અમેરિકન નાગરિકોને અપાયાં.
અને પછી નોબેલ પારિતોષિકો આપવામાં આ સિલસિલો ચાલુ રહ્યો છે. જે દેશ ફોક્સમાં હોય એ દેશને, અથવા એ પ્રજાને ઈનામ એનાયત કરવામાં આવે છે. મહાત્મા ગાંધીનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે વારંવાર મુકાતું હતું, પણ એમને ક્યારેય ન અપાયું. પછી મધર ટેરેસાને અપાયું. તિબેટ પર હક ચાલુ રાખનાર દલાઈ લામાને અપાયું. બ્રહ્મદેશની વિરોધી નેતા સુ કીને અપાયું. સાહિત્યમાં આ બદલાતા રાજકીય પરિવેશનો સ્પષ્ટ પ્રતિસાદ સંભળાય છે. ૧૯૮૨માં લૅટિન અમેરિકાના લેખક ગેબ્રિઅલ ગાશિઆ માર્કવેઝને ઈનામ અપાય છે કારણ કે એ દશકમાં દક્ષિણ અમેરિકા સમાચારોમાં હતું. ૧૯૮૬માં નાઈજીરિયાનો આફ્રિકન કાળો લેખક વોલ સોયિકા પસંદ કરાયો, જે પ્રથમ નોબેલ વિજેતા આફ્રિકન લેખક હતો. ૧૯૮૭માં અમેરિકાસ્થિત અને સોવિયેત રશિયાવિરોધી રશિયન કવિ જોઝેફ બ્રોદ્સ્કીની પસંદગી સાહિત્યિક કરતાં રાજનીતિજ્ઞ વિશેષ હતી. ૧૯૮૮માં ઈજિપ્તના નગીબ મેહફૂઝની પસંદગી થઈ કારણ કે હવે કોઈ આરબ લેખક આવવો જોઈએ. આ નોબેલ ઈનામવિજેતા પ્રથમ આરબ હતો. પોલેન્ડના લેસ વાલેસાને એ માટે શાંતિ પારિતોષિક અપાયું હતું કારણ કે એણે પોલેન્ડમાં કમ્યુનિસ્ટ શાસન અને આંદોલન જગાવ્યું હતું. હડતાળો પડાવી હતી, સંગઠિત વિરોધ કર્યો હતો. ઈનામો-પુરસ્કારો જીતી શકે એવી મેધા પ્રકટાવવા માટે કોઈ દેશકાળની જરૂર પડે છે કે એ એક તદ્દન વ્યક્તિગત સિદ્ધિ છે? એક સમયે જે પ્રદેશ પૂર્વ જર્મની તરીકે ઓળખાતો હતો એ પ્રદેશમાંથી વિશ્ર્વના પ્રથમ કક્ષાના કહી શકાય એવા અત્યંત પ્રતિભાવાન સંગીતજ્ઞો, દાર્શનિકો, લેખકો, કવિઓ, ચિત્રકારો પ્રકટ્યા હતા (કાર્લ માર્ક્સ, ગઅટે, હેગલ, કેન્ટ, બિટોવન વગેરે.) પણ ૧૯૪૯નું જર્મનીનું વિભાજન થયા પછી જે પ્રદેશ પૂર્વ જર્મની બન્યો એણે એક પણ સારી નવલકથા કે ફિલ્મ કે નાટક વિશ્ર્વને આપ્યું નથી. એ સિવાય ઓષધો કે સ્થાપત્ય કે અન્ય કોઈ બૌદ્ધિક શાસ્ત્રમાં પણ સામ્યવાદી પૂર્વ જર્મનીનું ખાસ પ્રદાન રહ્યું નથી. ફકત એક જ વસ્તુમાં પૂર્વ જર્મની અગ્રેસર રહ્યું છે: ઑલિમ્પિક્સમાં અને અન્યત્ર સ્વર્ણચંદ્રકો જીતવામાં. વિશ્ર્વના કેટલાક શ્રેષ્ઠ એથ્લીટ અહીં પૈદા થયા. પૃથક્કરણના શોખીનોને અભ્યાસ કરવાની મજા આવે એવો આ વિષય છે. કોઈ પણ વિચારધારાને ફેલાવા માટે એક પાલક કે ગોડફાધર કે પેટ્રનની જરૂર પડે છે. કોન્ફ્યૂશિયસની વિચારધારા સેંકડો વિચારધારાઓમાંની એક હતી. પછી સમ્રાટ ગાઓ ઝૂ (ઈસા પૂર્વ ૨૫૬-૧૯૫)એ કોન્ફ્યૂશિયસના વિચારો માટે આદર બતાવ્યો. બીજા સમ્રાટ વુ દીએ કોન્ફ્યૂશિયસ સિવાયના બધા જ વિચારો પર પ્રતિબંધ મૂક્યો. અંતે એક પછી એક હાન વંશના સમ્રાટો કોન્ફ્યૂશિયસને ઉચ્ચતમ સ્થાન આપતા ગયા અને કોન્ફ્યૂશિયસનો ધર્મ ચીનનો પ્રમુખ ધર્મ બન્યો. હિંદુસ્તાનમાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં સમ્રાટ અશોકનું આ જ યોગદાન છે. જો અશોક ન હોત તો બૌદ્ધવાદનો આટલો ફેલાવો ન થયો હોત. ગુજરાતમાં જૈન ધર્મનો આજે સદીઓ પછી અન્ય કોઈ રાજ્યના જૈન ધર્મ કરતાં વધારે પ્રભાવ છે અને એનું કારણ એ છે કે ગુજરાતમાં કુમારપાળ જેવો એક સશક્ત જૈનધર્મી રાજા રાજ્ય કરી ગયો. એના સમકાલીન હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના સમયમાં જૈન ધર્મની નીંવ ગુજરાતમાં ઊંડી ઊતરી ગઈ. યુરોપમાં રોમન સામ્રાજ્યનો પૂરો ઈતિહાસ નવા ધર્મ ક્રિસ્ટીઆનિટી પરના સતત જુલ્મનો છે. શરૂના ખ્રિસ્તીઓને રોમનો સિંહોની સામે ફેંકી દેતા અને નાગરિકો કોલોઝિયમ કે સ્ટેડિયમમાં બેસીને જોતા. ખ્રિસ્તી ધર્મને સૌથી મોટો સમર્થક શાર્લમેન મળે છે. એના કાળમાં ક્રિસ્ટીઅન ગુલામોનો સમય પૂરો થયો, એની ઈચ્છા આખા યુરોપને ખ્રિસ્તી બનાવવાની હતી. શાર્લમેન ખ્રિસ્તી ધર્મનો અત્યંત શક્તિમાન સમ્રાટ હતો. એણે જ્યારે સેક્સન પ્રજાને જીતી ત્યારે ફરમાન કાઢ્યું કે પરાજિત પ્રજા પાસે બે જ વિકલ્પ છે: કતલ થઈ જાઓ અથવા ખ્રિસ્તી બની જાઓ! એણે એક જ દિવસમાં ૪૫૦૦ સેક્સનોને ખ્રિસ્તી ન થવા માટે કતલ કરી નાખ્યા હતા. ખ્રિસ્તી ધર્મપ્રસારમાં શાર્લમેનનું સૌથી મોટું આરંભિક યોગદાન છે. એ જ રીતે મધ્ય યુગમાં ખ્રિસ્તી ધર્મ જ્યારે ભ્રષ્ટ થઈ ગયો ત્યારે પ્રોટેસ્ટંટ સુધારાવાદના સ્થાપક માર્ટિન લ્યુથરનો પ્રવેશ થાય છે. માર્ટિન લ્યુથરના મુકદ્દરમાં પણ જીવતા જલી જવાનું હતું, જે ગતિ ચેકસ્લોવેકિયામાં ધર્મપ્રચારક જ્હોન હ્યુસની થઈ હતી. પણ જ્યારે એની એ ગતિ થવાની હતી ત્યારે જ ડ્યૂક ઑફ સેક્સનીએ લ્યુથરને ઉપાડી લીધો અને એના વાર્ટબર્ગના કિલ્લામાં સંતાડી દીધો. લ્યુથર બચી ગયો અને પ્રોટેસ્ટંટ ધર્મનો ઉદય થયો. જો આ જર્મન રાજકુમાર માર્ટિન લ્યુથરને બચાવવા ન આવ્યો હોત તો સુધારાવાદી પ્રોટેસ્ટંટ ધર્મની જુદી જ ગતિ થઈ હોત. દેશકાળ, કિસ્મત, સંજોગો, એકાદ પક્ષધર માણસ... કોઈ ક્યાંક સહાય કરતું હોય છે. હિંદુસ્તાનમાં ઝૈલસિંઘ રાષ્ટ્રપતિ થવા માટે કદાચ સૌથી નકામા ઉમેદવાર હતા અને માટે જ થયા, કારણ કે શ્રીમતી ઈન્દિરા ગાંધી શીખોને ખુશ કરવા માગતાં હતા, અને એમને એક ઘસાયેલા રબર સ્ટેમ્પ જેવો માણસ જોઈતો હતો. ઝૈલસિંઘ લગભગ અભણ હતા, ભરપૂર આજ્ઞાંકિત હતા, ગાંધી-નહેરુ પરિવારના ઘરઘાટી તરીકે ઝાડુ મારવાની પણ એમની તૈયારી હતી, અને શીખ હતા. આટલી બધી યોગ્યતાવાળો વફાદાર માણસ, સ્લોટમાં સિક્કો ફિટ થઈ જાય એવો, એક જ હતો. માટે એ માણસને આ દેશના રાષ્ટ્રપતિની ખુરશી સોંપવામાં આવી. પોલેન્ડમાં લેચ વાલેસાના સોલિડેરિટી સંગઠને સામ્યવાદી શાસકોને દુ:ખી દુ:ખી કરી નાખ્યા હતા. એક સામાન્ય ડોક મજદૂર એક પૂરી રાજ્યવ્યવસ્થા સામે ઝૂઝી રહ્યો હતો. એ દેશ સામ્યવાદની દીવાલ તોડવા માટે કામ આવી રહ્યો હતો. પોલેન્ડનું ધ્યાન રાખવું જોઈએ. ત્યાં રોમન કેથલિક પ્રજાની બહુ મોટી વસતિ છે. અત્યાર સુધી માત્ર ઈટાલીઅન ધર્મગુરુઓ જ પોપ બનતા હતા, પહેલી વાર એક પોલીસ ધર્મગુરુ પોપ બની રહ્યો હતો. પોપની નિયુક્તિ કે નિર્વાચન ધાર્મિક કરતાં વાસ્તવરાજનીતિક વિશેષ હતું. ઈતિહાસમાં ઘણાં દૃષ્ટાંતો છે. સિકંદર દુનિયા જીતવા નીકળ્યો એટલે ગ્રીક નાટકો એની સાથે સાથે હિંદુસ્તાન સુધી આવ્યાં. અંગ્રેજો આખી દુનિયાના સમુદ્રો પર ફેલાતા ગયા અને એટલે શેક્સપિયર વિશ્ર્વનો શ્રેષ્ઠ નાટ્યકાર બની ગયો. માત્ર મેધા કે પ્રતિભાથી દુનિયા જીતી શકાય છે? સંજોગો, કિસ્મત, ગોડફાધર, તરવારની નોક... કંઈક જોઈએ છે. |
Subscribe to:
Posts (Atom)