Saturday, May 3, 2014

લીડર- ચંદ્રકાંત બક્ષી

1991નો લેખ

લીડરનું મર્મસ્થાન: ફોકસમાં રહ્યા કરવાની ડેથ-વિશ

ફોકસમાં રહ્યા કરવાની એક અદમ્ય વાસના અંતે ઘાતક પુરવાર થાય છે, અને એ નેતાને સ્વયં એક આત્મઘાતક ભ્રમમાં ડુબાડી દે છે. પ્રસિદ્ધિએ જેટલા નેતાઓને મારી નાખ્યા છે એટલા શત્રુઓએ માર્યા નથી

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

લીડર શબ્દ હવે હિંદુસ્તાનની દરેક ભાષામાં આવી ચૂક્યો છે. નેતા અથવા નેતાજી શબ્દ પણ હવે આબાલવૃદ્ધ બધા જ સમજે છે. પણ અંગ્રેજીમાં બે જુદા શબ્દો છે, એક પોલિટિશિયન અને બીજો સ્ટેટ્સમેન. પોલિટિશિયન એટલે હિંદુસ્તાનમાં જરાક ગંદો, નીતિથી પર, ચાલુ, ઉસ્તાદ રાજકારણી. અને સ્ટેટ્સમેન એટલે પરિપક્વ, દૂરંદેશી, દીર્ઘદૃષ્ટા રાજનીતિજ્ઞ કે કૂટનીતિજ્ઞ. આ બે શબ્દોનો ફર્ક ગુજરાતી ભાષામાં આવ્યો નથી. ચીમનભાઈ પટેલથી રજની પટેલ સુધીના ગુજરાતીઓ પોલિટિશિયન્સ હતા, પણ કનૈયાલાલ મુનશી કે મોરારજી દેસાઈ સ્ટેટ્સમેન હતા. આનાથી એક કદમ આગળ લઈ જાય એવો એક પ્રસંગ છે. જ્યારે ઉર્દૂ કવિ અલામા ઈકબાલ મરણપથારીએ હતા ત્યારે જવાહરલાલ નેહરુ ઇકબાલને મળવા ગયા. એ દૌરાને-ગુફ્તગૂમાં કવિ ઇકબાલે કહ્યું: જિન્નાહ તો પોલિટિશિયન છે, જવાહરલાલ! તમે પેટ્રીઅટ છો! પેટ્રીઅટ અથવા દેશપ્રેમી એ પોલિટિશિયન અથવા રાજકારણી કે સ્ટેટ્સમેન અથવા રાજનીતિજ્ઞથી ઉપર છે. કેટલાક ઇંગ્લેન્ડના સર વિન્સ્ટન્ટ ચર્ચિલની જેમ થ્રી-ઈન-વન હોય છે. એક વાર ચર્ચિલને પોલિટિશિયનની વ્યાખ્યા પૂછવામાં આવી. એણે ઉત્તર આપ્યો: રાજકારણીમાં એ ક્ષમતા હોવી જોઈએ કહેવાની કે આવતી કાલે, આવતા સપ્તાહે, આવતે મહિને, આવતે વર્ષે શું થશે. અને પછી એ સમજાવવાની ક્ષમતા હોવી જોઈએ કે શા માટે એમ ન થયું.

ક્યારેક કોઈ ખુશકિસ્મત દેશમાં રાજકારણી, રાજનીતિજ્ઞ, દેશપ્રેમી અને વિદ્વાન કે કલાકારના ગુણો સર્વોચ્ચ એક જ નેતામાં હોય છે ગ્રીસના પેરિક્લીસથી ભારતના જવાહરલાલ નેહરુમાં એમ કહેવાતું હતું કે એમની પાસે ત્રણે "બી છે (બ્યુટી, બ્રેઈન ઍન્ડ બ્રૉન... ખૂબસૂરતી, દિમાગ અને દૈહિક સૌષ્ઠવ). ગુજરાતના નેતાજીઓની તો એક આખી "બી ટીમ ઊભી થઈ શકે છે.

આજના ચેકસ્લોવેકિયાના રાષ્ટ્રપતિનું નામ છે. વાક્લાવ હાવેલ, અને એમનું નામ વિશ્ર્વના શ્રેષ્ઠ નાટયકારોમાં ગણાય છે. કમ્યુનિસ્ટ શાસન દરમિયાન થતા જુલ્મમાંથી એ ગુજરી ચૂક્યા છે. હમણાં ન્યુ યૉર્ક યુનિવર્સિટીએ એમને ઑનરરી ડૉક્ટર ઑફ લૉઝની ડિગ્રી આપી ત્યારે એમણે એક સ્વીકારપ્રવચન આપ્યું હતું, જેમાં રાજકારણીઓ વિષે એમણે એમના વિચારો પ્રકટ કર્યા હતા. એ મનનીય પ્રવચનમાંથી કેટલાક અંશ:

મારી આજની સ્થિતિ ઇર્ષ્યા કરવાલાયક તો નથી જ. રાષ્ટ્રપતિપદના દોઢ વર્ષ પછી, એક સ્વતંત્ર બૌદ્ધિક તરીકે રાજનીતિ વિષેના મારા વિચારો હું સતત અપડેટ કરતો રહું છું. વર્ષો સુધી રોજબરોજના રાજકારણને હું સત્તા હડપવા માટેની એકમાત્ર પ્રવૃત્તિ ગણતો હતો. રોજની રાજકીય વિષમતાઓ અનુભવ્યા પછી પણ હું માનું છું કે રાજકારણનું હાર્દ ગંદું નથી, ગંદકી તો લુચ્ચા બેઈમાન માણસો લઈ આવે છે. હું એ પણ સ્વીકારું છું કે આ મનુષ્ય કર્મક્ષેત્રનો એ પ્રદેશ છે, જ્યાં ખોટાં કામો કરીને આગળ વધી જવાનાં પ્રલોભનો સૌથી વિશેષ હોય છે. રાજકારણમાં સ્પષ્ટવક્તા થઈ જવું હંમેશાં ડહાપણભરેલું હોતું નથી. અહીં થોડી સૂઝ, થોડો સ્વભાવ, થોડા ગુડ ટેસ્ટની જરૂર પડતી રહે છે. અને ઉચ્ચ કક્ષીય રાજકારણમાં રાષ્ટ્રવિજ્ઞાનના શિક્ષણ કરતાં પણ ગુડ ટેસ્ટની સૌથી વધુ જરૂર પડે છે.

રાષ્ટ્રપતિ વાક્લાવ હાવેલે આપેલી સલાહોમાંથી બે સલાહો: ક્યાં અને ક્યારે જવું, એ ક્યાં અને ક્યારે ન જવું એની સમજદારી (આ સલાહનો બીજો ભાગ ગુજરાતી મંત્રીશ્ર્વરોએ વિચારવા જેવો છે). ચર્ચા કરતા જવું, પણ હાવી ન થઈ જવું.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં નેતાગીરીને લાગતો એક શ્ર્લોક છે, જે ત્રીજા અધ્યાયમાં છે અને આ ત્રીજા અધ્યાયનું શીર્ષક પણ સૂચક છે: કર્મયોગ! શ્ર્લોક ૨૧મો કહે છે: યત્ યત્ આચરતિ શ્રેષ્ઠ: તત્ તત્ એવ ઇતર: જન:/સ: યત્ પ્રમાણમ્ કુરુને લોક: તત્ અનુવર્તતે! (શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, અન્ય પુરુષ પણ એ જ અનુસારે વર્તે છે. એ પુરુષ જે કંઈ પ્રમાણ કરી આપે છે, લોકો એ જ પ્રમાણે વર્તે છે). ચાણક્યનીતિમાં પણ આ જ મતલબનું કહ્યું છે કે લોકો ગતાનુગતિક છે, એટલે કે એકનું કર્મ જોઈને બીજો એ કર્મ કરે છે.

છાન્દોગ્યોપનિષદમાં શંકરે કરેલા ભાષ્યમાં સમજાવ્યું છે કે નેતાનો અર્થ થાય છે લઈ જવાવાળો. ખાધેલું અન્ન (અશિત) પાણી પેટમાં લઈ જાય છે, માટે પાણી "આશયાના કહેવાય છે. પાણી ખાદ્યનો નેતા છે.

હિંદુસ્તાનમાં લીડર શબ્દ ઘર ઘરમાં ઘૂસી ગયો છે, પણ લીડર શબ્દનો અભ્યાસ અથવા પૃથક્કરણાત્મક અભ્યાસ જોવામાં આવતો નથી. જર્મન સમાજશાસ્ત્રી મેક્સ બેવર (૧૮૬૪-૧૯૨૦) એ ક્ષેત્રનું એક મોટું નામ છે. ૧૯૧૯માં એમણે એક નિબંધ લખ્યો હતો, "ધ વોકેશન ટુ પોલિટિક્સ (રાજકારણનો ધંધો), જે આ વિષયનો એક સારો અભ્યાસ ગણાય છે. એમાંનાં કેટલાંક વિધાનો આજના ૧૯૯૧ના અંતમાં કદાચ બહુ સુસંગત કે સાંદર્ભિક ન પણ લાગે. છતાં પણ એક ઐતિહાસિક પ્રક્રિયાને સમજવાનો આ સરસ પ્રયત્ન છે. મેક્સ બેવરે આ નિબંધ પ્રથમ વિશ્ર્વયુદ્ધની સમાપ્તિ પછી તરત જ લખ્યો હતો.

રાજકારણ એક ધંધો છે? અને જો એ ધંધો હોય તો એમાં કઈ પૂર્વશર્તો જોઈએ છે? અને એનું ફળ શું મળે છે?

પ્રોફેશનલ પોલિટિશિયન નામનું એક પ્રાણી છે, જે હિન્દુસ્તાનમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે (સુબ્રહ્મણ્યમ્ સ્વામી, વી. સી. શુક્લ આદિ). આ પ્રાણીને પક્ષ નથી, નીતિ નથી, દેશોદ્ધાર કે સમાજોદ્ધાર એમને માટે ઘણા બધા ઉદ્ધારો થઈ ગયા પછી સૂચિમાં અંતે આવે છે. સામાન્ય રીતે, રાજકારણી પાવર (સત્તા)નો આશિક છે. સત્તા એ જનતાની સાથેની કોઈ ભાગીદારી નથી, સત્તા એ જનતાની ઉપર છે, જનતા ઉપરનું એક વાદળું છે. લોકોનો પ્રેમ સંપાદન કરવો, લોકો પર અસર પાડવી આ બધાં સત્તાપ્રાપ્તિનાં ઔજારો છે. પણ મુખ્યત: ત્રણ વિશેષતાઓ નેતામાં હોવી જરૂરી છે એવું મેક્સ બેવર કહે છે: (૧) પેશ
અથવા ઉન્માદ, (૨) ઉત્તરદાયિત્વની ભાવના અને (૩) પાકો નિર્ણય.

કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવા માટે એક પેશન, એક ઉન્માદ, એક પાગલપણું જોઈએ જ. પેશનમાં સમર્પણની ભાવના આવી જાય છે, જે જનતાને આકર્ષે છે. જવાબદારીની ભાવના વ્યક્તિને પ્રતિષ્ઠા આપે છે. અને નિર્ણયની પક્કાઈ માણસને ઓલ્ડર સ્ટેટ્સમેન અથવા વરિષ્ઠ રાજનીતિજ્ઞની કક્ષા આપે છે. એલ. કે. અડવાનીનો પ્રગતિગ્રાફ આ ત્રણ મુદ્દાઓના પ્રકાશમાં અભ્યાસ કરવાલાયક છે.

લીડરે વસ્તુઓ અને જનતાથી એક અંતર જરૂર રાખવું જોઈએ (સરદાર પટેલની જેમ) નહિ તો નેતૃત્વનો પુરસ્કાર મળતો નથી (ઈન્દુચાચાની જેમ). જનતાના માણસ અને નેતા એ બે જુદી વસ્તુઓ છે. નેતાની સૌથી મોટી ચેલેન્જ, મેક્સ વેબરના મત પ્રમાણે, એક અસંભવ વિરોધિતા છે. એક જ દિમાગમાં ધ્યેય માટેનો લાલચોળ ઉન્માદ હોય અને બીજી તરફ નિર્ણય લઈ શકવાની બર્ફીલી ઠંડક હોય, આ બન્ને સાથે હોય એ બધાના કિસ્મતમાં હોતું નથી.

નેતાની સૌથી મોટી કમજોરી હોય છે: ફોકસમાં રહ્યા કરવાની મૃત્યુલાલસા (ડેથ વિશ). ફોકસમાં રહ્યા કરવાની એક અદમ્ય વાસના અંતે ઘાતક પુરવાર થાય છે, અને એ નેતાને સ્વયં એક આત્મઘાતક ભ્રમમાં ડુબાડી દે છે. પ્રસિદ્ધિએ જેટલા નેતાઓને મારી નાખ્યા છે એટલા શત્રુઓએ માર્યા નથી. સ્તાલિન કહેતો હતો કે જો માણસને ખતમ જ કરી નાખવો હોય તો એની પ્રશંસા કરો, પ્રશંસા કરો, પ્રશંસા કરો!

અને આપણે ત્યાં પ્રશંસા કરનારાઓની કોઈ કમી છે?

No comments:

Post a Comment