ગુડ મોર્નિંગ - સૌરભ શાહ કોઈને તમે પૂછો કે ‘છેવટે શું જોઈએ છે જિંદગીમાં’ તો મોટે ભાગે જવાબ મળશે: સંતોષ અથવા શાંતિ અથવા નિરાંત અથવા સુખ. આ જવાબોને એક શબ્દમાં ઢાળવા હોય તો લૂઝલી એને આનંદનું લેબલ આપી શકીએ. આ આનંદ ક્યાંથી આવે છે અને આવ્યા પછી કોણ એને હણી જાય છે એની ખબર પડતી નથી. આનંદમાં રહેવાના તમામ પ્રયત્નો કર્યા પછી પણ શા માટે દરેક વખતે જીવનમાં કંઈક ને કંઈક ખૂટતું લાગે છે? કોઈક અકથિત ભૂખ શા માટે સતત રહ્યા કરે છે? જિંદગીનાં નાનાંમોટાં અનેક લક્ષ્ય સિદ્ધ થઈ ગયાં હોય એ પછી શું કરવાનું આ બાકીના જીવનનું? નાનપણમાં અને કિશોરાવસ્થામાં અભ્યાસ અને વધુ અભ્યાસ એક માત્ર હેતુ હતો. જુવાનીમાં પગ માંડ્યો પછી કારકિર્દી, પૈસો, લગ્ન બાળકો-એક પછી એક હેતુ સિદ્ધ થતા ગયા. અત્યાર સુધીનાં વર્ષોમાં બીજાઓના અભિપ્રાય આગળ ઝૂકી જવું પડતું. હવે એક એવા તબક્કે જીવન આવીને ઊભું છે જ્યારે પોતાના વિશેનો નિર્ણય પોતે કરી શકાય એમ છે. પણ કઈ બાબતનો નિર્ણય લેવો, શું કરવાનો નિર્ણય લેવો? કે પછી બધું જ જેમ ચાલે છે એમ ચાલવા દેવું? ક્યાં સુધી ચાલવા દેવું? એક દિવસ અચાનક તમને ખબર પડે કે તમે જેના પરિચયમાં હતા એ વ્યક્તિ ચાળીસ-પચાસ કે સાઠ વર્ષની ઉંમરે મૃત્યુ પામી છે. તમે એના ગમગીન કુટુંબને આશ્ર્વાસન આપવા જાઓ છો. થોડા દિવસ પછી ખબર પડે છે કે એ જ્યાં નોકરી કરતા હતા ત્યાં એમની જગ્યાએ નવા માણસની ભરતી થઈ ગઈ છે. એનાં બાળકો ફરીથી સ્કૂલમાં-કૉલેજમાં જતાં થઈ ગયાં છે. પત્ની, માબાપ દરેકની જિંદગી અગાઉના જેવી જ યંત્રવત્ બની ગઈ છે. અને તમે ચોંકી ઊઠો છો: મારા ગયા પછી પણ આ દુનિયામાં કોઈ જ ફેરફાર નહીં થાય? બધું અત્યારે જેમ ચાલે છે એમ મારી ગેરહયાતીમાં પણ ચાલ્યા જ કરવાનું? આનો ક્રૂર પણ સાચો ઉત્તર તમને ખબર છે: હા, મારા ગયા પછી હું પણ થોડાક દિવસોમાં, મહિનાઓમાં ભુલાઈ જઈશ, ભૂંસાઈ જઈશ. જો આવું જ થવાનું હોય તો અત્યારની મારી આ જિંદગીનો અર્થ શું? જંગલમાં એક ઝાડ તૂટી પડે અને તે વેળા કોઈ જ સાંભળનાર ન હોય તો ઝાડના તૂટવાનો અવાજ આવ્યો એવું કહેવાય કે નહીં? કોઈ માણસ જીવે અને મરી જાય અને દુનિયા એની એ જ રીતે ચાલ્યા કરે તો એ જીવ્યો હતો એવું કહેવાય કે નહીં? ડર મૃત્યુનો નથી હોતો, જિંદગી સમાપ્ત થઈ જશે એવો ભય નથી હોતો. ચિંતા એ વાતે હોય છે કે મૃત્યુ પછી તાળો એવો નીકળશે કે જિવાઈ ગયેલી જિંદગીનો કશો જ અર્થ નહોતો તો? મારા ગયા પછી આ જગતને રતિભાર ફરક ન પડવાનો હોય તો જિંદગી દરમિયાન કરેલી મારી તમામ તનતોડ મહેનત, મારા દિવસરાતના ઉજાગરા, મેં સતત કરેલા ધમપછાડા બધું જ વ્યર્થ? બધું જ નિરર્થક? બધું જ અર્થહીન? જીવતી વખતે બધું જ હોય ત્યારે પણ જે કંઈ ખૂટતું હોય એવું લાગે તે આ અર્થ છે. જિંદગીને એક અર્થ આપવાના પ્રયત્નોમાં અને જિંદગીનો અર્થ શોધવાના પ્રયાસોમાં ખૂબ ભટકી જવાય છે. અત્યાર સુધી આ વિશે જેમને પૂછયું એ બધાએ જે થોડીક હવાઈ, થોડીક ન સમજાય એવી, થોડીક અટપટી પણ આકર્ષક લાગતી અને થોડીક એવી વાતો કરી જેમાં આવતા ભારેખમ શબ્દો ન સમજાતા હોવા છતાં એનાથી પ્રભાવિત થવાનું ગમતું. પણ એ તમામ વાતમાંથી એક પણ વાત વ્યવહારમાં ઉપયોગી ન બની. બની શકે એવું કોઈ ગજું જ નહોતું એ વાતોનું. જિંદગીને પલાયનવાદી બનાવી દેતી એ વાતોનો નશો ઘડી-બે ઘડી રહેતો અને ઊતરી ગયા પછી જીવન વધુ વિકરાળ, વધુ ખાલીખમ લાગતું. તો પાયાનો સવાલ. જીવનનો અર્થ શું? જીવનને સાર્થક કઈ રીતે બનાવી શકાય? આ સવાલ પૂછતાં પહેલાં ત્રણ મૂળભૂત બાબતોને લગતી ભૂમિ તૈયાર થઈ ગઈ છે કે નહીં તે તપાસી લેવું જોઈએ. એ ભૂમિ નક્કર હશે તો જ પાયાનો એ સવાલ એના પર ટકી શકશે. એ ભૂમિના ત્રણ સ્તર છે. સૌથી નીચેનું, એકદમ નક્કર, જેની આરપાર કશું જ જઈ ન શકે, જેને કશું જ ભેદી ન શકે એવું આ સ્તર છે: આર્થિક નિશ્ર્ચિંતતા. સો વાતની એક વાત. જીવન વિશેની મોટી મોટી વાતો કરતાં-સાંભળતાં પહેલાં પોતાની અને પોતાના પર અવલંબિત વ્યક્તિઓની બે ટંકની દાલરોટી અંગે નિશ્ર્ચિંત થઈ જવું પડે. આર્થિક સપનાં જુદી વાત છે. એ હોય, ન પણ હોય અને જો હોય તો એ સિદ્ધ થાય, ન પણ થાય. અહીં એની વાત નથી. રોજબરોજની સાદી જરૂરિયાતો પૂરી થઈ શકે અને સગવડો સચવાઈ શકે એટલી જ જોગવાઈ કરવાની વાત છે. એ પછી જ આગળ જે કંઈ વિચારવાનું હોય તે વિચારી શકાય. આર્થિક પાસું ડામાડોળ હોય ત્યારે ‘આ જીવનનો અર્થ શું?’ કે ‘હું તો મોક્ષ પામવા ઈચ્છું છું’ જેવા વિચારો પલાયનવાદ બની જાય. છેક તળની આ ભૂમિ નક્કર બની ગઈ હોય એ પછી જ એના પર બીજો થર આવે. આ બીજું સ્તર તમારી રોજિંદી પ્રવૃત્તિમાંથી મળતા સંતોષનું. આર્થિક નિશ્ર્ચિંતતા સિદ્ધ થઈ ગયા પછી જ વિચારી શકાય કે જે પ્રવૃત્તિમાં મારો મોટાભાગનો સમય જાય છે તેમાંથી મને સંતોષ મળે છે? એ કરવાની મને મઝા આવે છે? મારો મોટાભાગનો સમય રસોઈકામ, ઘરકામ કે બાળકોની સગવડો સાચવવામાં જતો હોય તો તેમાંથી કે પછી ફેકટરીમાં, દુકાનમાં કે ઑફિસમાં હું જે કામ કરું છું તેમાંથી મને આનંદ મળે છે? ન મળતો હોય તો એવી કોઈ શક્યતા ખરી કે પ્રયત્ન કરીએ તો કદાચ મઝા આવતી થઈ જાય? આર્થિક નિશ્ર્ચિંતતા મેળવવા માટે શક્ય છે કે જેમાંથી પૂરેપૂરો સંતોષ ન મળતો હોય એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું પડતું હોય. શક્ય છે, પણ જરૂરી નથી કે આર્થિક વળતર આપતી પ્રવૃત્તિઓમાંથી સંતોષ શોધી ન શકાય. કોઈ અભિનેતા માટે પોતાની અભિનયશક્તિ માત્ર અને માત્ર પૈસા કમાવવાનું સાધન જ હોય એ પણ શક્ય છે. અને કોઈ સાઈબર કાફે ચલાવતા કે ફોટોકૉપી મશીન પર કામ કરતા માણસને એમાંથી પૈસા ઉપરાંત મઝા મળતી હોય એ પણ શક્ય છે. આપણી પ્રવૃત્તિને કઈ દૃષ્ટિએ જોઈએ છીએ, કઈ હદ સુધી એમાં એકાગ્ર થઈને ઓતપ્રોત થઈ જઈએ છીએ અને એમાં કેટલા પ્રકારની નવીનતા લાવી શકીએ છીએ એ જોઈ લેવું જોઈએ. છેલ્લે, સૌથી ઉપરની ભૂમિનું અને સૌથી ફળદ્રુપ સ્તર આવે છે. આ ત્રીજા અને સૌથી ઉપલા સ્તરનું ધોવાણ ન થઈ જાય તે માટે એની નીચેના બે સ્તર હોવા જરૂરી છે. આ ત્રીજા સ્તરની ફળદ્રુપતાને કારણે જ જીવનમાં જે કંઈ વાવીશું તે ખૂબસૂરતીથી ઊગી નીકળશે. વર્ષોવર્ષ આવો ફાલ લેતાં રહેવાથી જીવન વધુ ને વધુ સમૃદ્ધ બનતું જણાય. આ ત્રીજું સ્તર છે: કોઈ પણ એક આત્મીય સંબંધ દ્વારા સર્જાતી ભૂમિનું સ્તર. જીવનમાં કોઈ એવો અંગત સંબંધ જોઈએ જેમાં વ્યક્તિ પોતે હરીભરી છે એવું મહેસૂસ કરી શકે. દરેક શુષ્કતાને ઓગાળી દેવાની ક્ષમતા ધરાવતો આવો સંબંધ સહેલાઈથી નથી મળતો. એ મળે તો જ ફળદ્રુપ ભૂમિનું સૌથી ઉપલું સ્તર તૈયાર થાય. એ પછી જ પેલા સવાલનું બીજ વાવવું કે આ જીવનનો અર્થ શું છે? એ સવાલ પુછાય તે પહેલાં ત્રણેત્રણ સ્તરની ભૂમિ તૈયાર કરવામાં જીવનની તમામ શક્તિ કામે લગાડી દેવાની. આ ત્રણ સ્તર તૈયાર ન થાય ત્યાં સુધી જીવનના હેતુ વિશે પ્રશ્ર્ન જાગે ત્યારે જાતને જવાબ આપવાનો કે જીવનનો હેતુ છે - આ ત્રણેય સ્તરની ભૂમિનું સર્જન કરવાનો. |
Monday, January 6, 2014
જિંદગીમાં છેવટે તમને જોઈએ છે શું - સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment