અમેરિકામાં લેટેસ્ટ સ્ટડી થયો છે કે... |
રિસર્ચ
કે અનુસંધાન કરનારાએ બુદ્ધિ વાપરી નાખી છે એટલે હવે આપણે બુદ્ધિ વાપરવાની
આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈએ છીએ, પણ આ અનુસંધાનો કેટલાં વિશ્ર્વસનીય
છે?
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી હમણાં અમેરિકામાં એક અભ્યાસ થયો છે કે માણસના શરીરમાં જો અન્ન ન જાય તો માણસનું મૃત્યુ થઈ શકે છે. અમેરિકામાં બીજા એક સર્વેક્ષણનું પરિણામ એ આવ્યું છે કે માણસ જો બહુ જ અન્ન ખાઈ જાય અને ખાતો રહે તો માણસનું મૃત્યુ થઈ શકે છે. લેટેસ્ટ રિસર્ચ જેવા શબ્દો પાર્ટીઓમાં બોલવાથી જાદુઈ અસર થઈ જાય છે. બીજા કરતાં આપણે વધારે જાણીએ છીએ એ સાબિત થઈ જાય છે. રિસર્ચ કે અનુસંધાન કરનારાએ બુદ્ધિ વાપરી નાખી છે એટલે હવે આપણે બુદ્ધિ વાપરવાની આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈએ છીએ, પણ આ અનુસંધાનો કેટલાં વિશ્ર્વસનીય છે? અભ્યાસ કરતા રહેવાથી આપણને જે માફક આવે એ તારણ કાઢી શકાય છે. ‘યુ.એસ.એ.ટુડે’ નામના પત્રે કેટલાક અમેરિકનોને પ્રશ્ર્ન પૂછયો કે તમે આ પ્રકારના અભ્યાસોમાં માનો છો? એ એક્સપર્ટ લોકો જે કહે છે એમાં તમે આંધળો વિશ્ર્વાસ રાખો છો? રિચર્ડ મેટોક્સ નામના ઈન્શ્યોરન્સ એજન્ટે કહ્યું કે હું તો આવા રિસર્ચ પર ધ્યાન જ આપતો નથી કારણ કે દરેક ગૃહિતની સામે એક વિરોધી ગૃહિત પણ હોય છે. બે વિરોધી અભ્યાસોથી તમે ગૂંચવાડામાં પડી જાઓ છો. એક અભ્યાસ કહે છે કે કોલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય તો હાર્ટ-એટેક આવે અને મૃત્યુ પણ આવી શકે. બીજો અભ્યાસ કહે છે કે કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટી જાય તો તમારી વહેલા મરવાની સંભાવના વધી જાય છે. ત્રીજો અભ્યાસ કહે છે કે કોલેસ્ટરોલ ખરાબ વસ્તુ નથી, એ હોય તો શરીર તંદુરસ્ત રહે છે શરીરમાં કોલેસ્ટરોલ હોવું જોઈએ. એ સ્વાસ્થ્યપ્રદ છે! કઈ વસ્તુ શરીર માટે ઉપકારક છે, અને કઈ વસ્તુ શરીર માટે કેટલી માત્રામાં ઉપકારક છે એ વિશે અન્વેષકોમાં મતાંતર છે. કોલેસ્ટરોલ હોવું જોઈએ, ન હોવું જોઈએ, કેટલું હોવું જોઈએ, ખરાબ છે, સારું છે, ખરાબ અને સારું એમ બે પ્રકારનું હોય છે... આ દરેક વાત પર એક થિયરી છે બે પરસ્પર વિરોધી વિધાનો છે અને ત્રણ અભ્યાસો છે અને જેને માટે આ બધું છે એ ચોથા આપણે છીએ! ડાયટિંગ કરો, વજન ઘટી જશે, પાતળા થઈ જશો, ખૂબસુરત દેખાશો. ડાયટિંગ કયારેય નહિ કરતા, જેમણે ડાયટિંગ કર્યું છે એ સલાહ આપે છે. ડાયટિંગથી એક વાર વજન ઊતરશે, પણ છોડશો એટલે ડબલ ભૂખ લાગશે, બધું જ ખા ખા કરવાની ડબલ ઈચ્છા થશે, વજન પહેલાં કરતા વધી જશે, ફૂલી જશો. એક વાર જઠર અને આંતરડાં ભૂખે મરી ગયા પછી આખી સિસ્ટમ અપસેટ થઈ જશે. શું કરવું? ડાયટિંગ કરવું કે ન કરવું કે જાડા થઈ હસ્યા કરવું? અને લોકોને હસાવતા રહેવું? બહુ હસવું નહીં, એક્સપર્ટો કહે છે કે બહુ હસવાથી આંખોના ખૂણા પર સળ પડી જાય છે અને ચહેરો કુરુપ બની જાય છે! બીજો અભિમત (નિષ્ણાતનો મત અભિમત કહેવાય છે) એવો છે કે જો ખૂબસુરત ચહેરો રાખવો હોય તો હસો, હસતા રહો. હસતા રહેવાથી અંદરના રસો છૂટે છે, અંદર લ્યુબ્રિકેશન થયા કરે છે, તમે ફ્રેશ લાગો છો, ચહેરા પર પ્રસન્નતા છવાઈ જાય છે. તો કરવું શું, હસવું કે ન હસવું? સજ્જન મધ્યમમાર્ગીઓ વચ્ચેનો રસ્તો કાઢે છે કે જેથી આંખો પાસે સળ ન પડે અને ચહેરો પ્રફુલ્લિત રહે. અમદાવાદના રમૂજ લેખકોની જેમ ઓશિયાળું મોંઢું કરીને, જરા ગંભીરતાથી, અવાજ કર્યા વિના, કારમાં અડધી કલચ દબાવી હોય એમ જવાબદારીથી હસવું. આપણે ખડખડાટ હસવું નહિ, ખડખડાટ બીજાને કરવા દેવો. એક્સપર્ટ ઓપિનિયન કે અભ્યાસોનું તારણ કે સર્વેક્ષણ એ રિસર્ચ સ્ટડી એ અમેરિકન રોગ છે, અને ત્યાં એ એક પ્રકારનો ગૃહઉદ્યોગ છે. અમેરિકામાં ડાઈનિંગ ટેબલ પર જ ટોનિક, મિનરલ, વિટામિન અને અન્ય દવાઓની શીશીઓ પડી જ હોય છે. અમેરિકનો પિલ્સ અને ટેબ્લેટ્સ ખાવાના જબરા શોખીનો છે. ‘લેટેસ્ટ’ શબ્દ અમેરિકન સંસ્કૃતિએ આપણને આપેલી બક્ષિસ છે. અમેરિકામાં ‘પેપ્સીકો ઈન્ક’ કંપની હવે ‘પેપ્સી એક્સ-એલ’ નામનું નવું સોફટ ડ્રિંક બજારમાં મૂકવાની છે, એવું ‘એશિયન વૉલ સ્ટ્રીટ જર્નલ’ લખે છે. આ પેપ્સી એક્સ-એલમાં ન્યુટ્રાસ્કીટ હશે અને સામાન્ય કોલા કરતાં અડધી શ્યૂગર હશે. આ પીણું ૨૦ થી ૩૦ વર્ષ વચ્ચેના યુવા ગ્રાહકોનું લક્ષમાં રાખીને બજારમાં મુકાઈ રહ્યું છે અને એની ખાદ્ય (કે પેય) ગુણવત્તા ૭૦ કૅલરીની છે. પેપ્સીના રેગ્યુલર કોલા અને ડાયટ કોલાની વચ્ચે ઊભું રહે એવું આ ‘મિડ કૅલરી’ ડ્રિંક છે. આ ડ્રિંકને ફલોરિડામાં પાંચ માર્કેટોમાં ટેસ્ટ કરીને પછી ક્ધસલ્ટન્ટ્સની કમિટી બેસીને પરિણામોનું સાંગોપાંગ વિશ્ર્લેષણ કરીને નક્કી કરશે કે અને કઈ રીતે બનાવીને, પૅકિંગમાં કયા ફેરફાર કરીને, કેવી રીતે માર્કેટિંગ કરવું? બહુ જ જલદી, કદાચ નજીકના ભાવિમાં એ પહેલાં પ્રગતિસિદ્ધ અને પ્રગતિશીલ પ્રથમ વિશ્ર્વદેશોમાં એવી સ્થિતિ આવી જશે કે આપણે, પાણી કેમ, કયારે, કેવી રીતે, શા માટે, કયાં પીવું, એ પણ સર્વેક્ષકો અને સમીક્ષકો અને પર્યવક્ષકો અને નિરીક્ષકો અને પરીક્ષકો નક્કી કરશે...! સ્તનપાન કરાવવાથી સ્તનોનું સુરેખ સૌંદર્ય નષ્ટ થઈ જાય છે માટે યુવા માતાએ સ્તનપાન ન કરાવવું જોઈએ. સ્તન્યદાયિની માતાનું દૂધ એ જ શિશુ માટે શ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર છે એવું બીજું સર્વેક્ષણ કહે છે. અત્યાર સુધી હિન્દુસ્તાનના દેશી કાર્ડિયોલોજિસ્ટો લખીને આપતા હતા કે હૃદયરોગ છે, તો ઘી એકદમ બંધ કરી દો! લુખ્ખી રોટલીઓ ખવડાવી ખવડાવીને કંઈક ગુજરાતણોએ એમના પતિદેવોને ભવસાગર પાર કરાવી દીધા છે, પણ હવે લેટેસ્ટ સર્વેક્ષણ આવ્યું છે કે માખણથી હૃદય નુકસાન થાય છે, ઘીથી નુકસાન નથી, આપણા બાપદાદાએ મર્યા ત્યાં સુધી ઘી ખાઈને પહેલવાનોની જેમ મજૂરી કરીને દીર્ઘ આયુષ્ય ભોગવી ગયા. આપણે ૪૧મે વર્ષે ઘી વિના ખખડી જઈએ છીએ અને એ લોકો ઘી ખાઈને ૮૨ વર્ષ સુધી અલમસ્ત રહ્યા! ઘી ખાવું કે ન ખાવું? કાળા ચણા હૃદય માટે સારા છે. પેટમાં કૃમિ થયા હોય તો ખૂબ લાલ મરચું ખવડાવો. મરચું નહિ ખાતા, અલ્સર થઈ જશે. દૂધ પીઓ, દૂધ સંપૂર્ણ ખોરાક છે. પંજાબ અને હરિયાણામાં દૂધનો અધિક ઉપયોગ થતો રહે છે, માટે એ લોકો તગડા છે. જાપાનમાં કોઈ દૂધ પીતું નથી, અને એ દૂધ પીધા વિના આજથી ૫૦ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયન ડાર્વિનથી ઉત્તર ચીનના આઉટર મોંગોલિયા અને હવાઈના પર્લ હાર્બરથી બાંગલાદેશના કોક્સ બજાર સુધી બૉમ્બ ફેંકી આવ્યા હતા અને છઠ્ઠા ભાગની પૃથ્વી જીતીને બેસી ગયા હતા. દૂધ પીવું કે ન પીવું? જાપાનીઓને ઓછામાં ઓછા હાર્ટએટેક આવે છે અને એ દૂધ પીતા નથી! ગુજરાતીઓમાં હાર્ટ-એટકનું પ્રમાણ ઘણું વધારે છે કારણ કે એ તેલમાં તરતાં હોય એવાં શાક ખાય છે, તેલમાં તળેલાં ફરસાણ ઝાપટે છે, તેલના ડબાઓથી એમનાં રસોડાં શોભે છે. અપરિણીતા સ્ત્રીઓને ગર્ભાશયના મુખ કે સર્વીક્ષનું કેન્સર વિશેષ થાય છે તો પરણી જવું? મધ ખાવું? દહીં ખાઈને ઋષિમુનિઓ ૧૨૦ વર્ષ જીવતા હતા એવું જ્ઞાનીઓ કહે છે, પણ બહુ દહીં ખાવાથી શરદી થાય છે. દહીં વિશે વિવિધ મતો પ્રવર્તે છે. અમેરિકામાં દહીંને યોગર્ટ કહે છે અને એનો પ્રચુર ઉપયોગ થાય છે. દહીં ખાવાથી સ્વર મુલાયમ થાય છે. આઈસ્ક્રીમ ખાવાથી જાડા થઈ જવાય છે. ખાંડ સફેદ ઝેર છે, અને ગોળ કેસરી અમૃત છે. આંબળાં ખાવાથી એકસો વર્ષ જીવાય છે. લસણનું રોજ સેવન કરનારને ૧૧૦ વર્ષ જીવવાની ભગવાન પરમિટ આપી દે છે. રોજ રાતે હરડે ખાવાથી આવતા ભવે પણ પેટ સાફ આવે છે. એરંડિયું જો રોજ રાતે ચાટો તો હાડકાં એવાં સરસ થાય છે કે તમે ૮૦ વર્ષે પણ તમારા પગનાં અંગૂઠા પકડી શકો છો! કેટલાક છિદ્રાન્વેષીઓ એવું પણ કહે છે કે ૮૦મે વર્ષે માણસો કઈ સજા માટે પગના અંગૂઠા પકડવા પડે? આ વાત પણ નોટ કરવા જેવી છે, માય લોર્ડ...! લેટેસ્ટ સ્ટડી એ વસ્તુ છે જે બહુ જ જલદી જૂનો થઈ જાય છે. હું માનું છું કે જુદી જુદી શુદ્ધ મીઠાઈઓ સતત ખાતાં રહેવાથી બલબુદ્ધિ વધે છે, દેહમાંથી તમસ દૂર થાય છે, નાનું મગજ વધારે પાવરફુલ બને છે, સ્વભાવ ખુશનુમા બને છે, અવાજ મધુર થાય છે, મુખ પર ક્રાંતિ ફેલાય છે, મૈત્રીઓ ઘનિષ્ઠ થાય છે, પત્ની પ્રિયતમા જેવી લાગે છે અને બોસ નિવૃત્ત ઉપ-રાષ્ટ્રપતિ જેવા દેખાય છે, પણ ડાયાબિટીસમાં મીઠાઈ ખાવી કે ન ખાવી? |
Saturday, January 25, 2014
રિસર્ચ કે ડીન્ગાડીંગ ?- ચંદ્રકાંત બક્ષી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment