રેસમાં જે ઘોડો વધારે વાર જીતે તેને જ સૌથી વધુ ચાબખા પડ્યા હોય છે | ||
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ કહેવત એટલે જે કહેવાતી આવી છે તે વાત. ઊંટનાં લગનમાં ગધેડાનાં ગીત જેવી તળપદી કહેવતોથી માંડીને ઉધારનો મોર લેવા કરતાં રોકડાનું કબૂતર લેવું સારું જેવાં ચાણક્યવચનો ઓછામાં ઓછા શબ્દોમાં મગજમાં સર્ચલાઈટ ફેંકવાનું કામ કરે છે. ગુજરાતી અને સંસ્કૃતમાં ગણ્યા ગણાય નહીં એટલાં ડહાપણવાક્યો અને નીતિસૂત્રોનો ખજાનો છે. કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે. કાં તો બાપ દેખાડ, કાં શ્રાદ્ધ કર જેવી કહેવત સચોટ રીતે છાપાના પહેલા પાનાના સમાચારના મથાળા સાથે વપરાતી હોય છે ત્યારે વાચકોનો દહાડો સુધરી જાય છે (પત્રકાર શિરોમણિ ગુરુવર્ય સ્વ. હસમુખ ગાંધી યાદ આવે છે?) કહેવતોની ખૂબી એ છે કે સાંભળનાર કે વાંચનારના મન પર એ સીધી જ જઈને ચોંટી જાય છે. કહેવતો વગર કોઈ પણ ભાષા રસકસ વિનાની, લૂખી બની જાય. ગુજરાતીમાં જ નહીં દુનિયાની દરેક ભાષામાં કહેવતોનો ભંડાર હોવાનો. એક આંટો આજે કહેવતબજારમાં. ડચ પ્રજાનું ડહાપણ કહે છે: નિત્યનો મહેમાન એ રસોડાનો ચોર છે... નવા ઘરમાં પહેલાં દુશ્મનને રાખવો, પછી મિત્રને અને પછી પોતે રહેવા જવું... આબાદીમાં સાવચેતી અને પડતીમાં ધીરજ... પોતપોતાના ધંધામાં સૌ ચોર છે. ગ્રીક લોકો માને છે કે જેને ફાનસ જોઈએ છે તે જ અંદર તેલ રેડે છે... જે પોતાનું હૃદય વિસ્તારે છે એણે પોતાની જીભ ટૂંકી બનાવવી પડે છે... મને જે રોટલો આપે તે જ મારો પ્રભુ... દેવાળિયો યહૂદી જૂના હિસાબોને જોતો જ બેસી રહે છે. આયર્લેન્ડથી આવી કહેવતો: તમારું પહેરેલું કપડું પણ આપી દેવું પડે એવું સમાધાન કદી ન કરવું... ઘણું નાણું ભેગું કરવામાં મહેનત નથી, થોડું નાણું ભેગું કરવામાં ભારે શ્રમ છે... ધનિક થયેલા ભિખારી જેવો અભિમાની બીજે ક્યાંય નહીં મળે.. બોલે તે વાવે ને ચૂપ રહે તે ચાખે. ફ્રાન્સ: જે ઉછીનું લે છે તે જ વધુ ખર્ચા કરે છે... આળસુઓ નિત્ય કંઈક કરી બતાવવાની ઈંતેજારી ધરાવે છે... રેસમાં જે ઘોડો વધારે વાર જીતે તેને સૌથી વધુ ચાબખા પડ્યા હોય છે... ઈર્ષ્યા વગર પ્રેમ જન્મતો નથી... જે રમત છોડે છે તે હારે છે... ભોજન જમવા માટે હોય છે અને ક્ન્યા પરણવા માટે. જર્મની: ખોટી દિશામાં જવા કરતાં બે વાર પૂછી લેવું સારું... શરૂઆત સદા મુશ્કેલ હોય છે... દિવસને આંખ હોય છે અને રાતને કાન... બંધ આંખે આપો, ખુલ્લી આંખે સ્વીકારો... ગુલાબ કરમાય છે પણ કાંટા સીધા જ રહે છે. રશિયા: મીઠાઈવાળાને રોટલો જ વધુ ભાવે... મોઢું જે વચન આપે છે તેને હાથ તરત જ ભૂલી જાય છે... ગુમાવ્યા વગર કશું જીતી શકાતું નથી... જ્યારે નાણું બોલવા માંડે છે ત્યારે સત્ય ચૂપ થઈ જાય છે. સ્પેન: બે મિત્રો વચ્ચે એક જ થેલી હોય તો એક મિત્ર રડે અને બીજો હસે... મૂંગું મોઢું કદી દેવાદાર હોતું નથી... ડહાપણ ત્રણ રીતે મળી શકે: સચ્ચાઈથી, વિચારથી કે ત્યાગથી... એક બાણ બે પક્ષીને ન જ વીંધે... કાંટા વગરનું ગુલાબ નહીં ને હરીફ વગરનો પ્રેમ નહીં. ઈટલી: કરકસર મોટી આવક છે... ઉતાવળ અને સારું કાર્ય એ બેનો મેળ ન થાય... પોતાની જાતને દોષ દીધા કરનાર નિત્ય ગુનાઓ કરે છે... જે જમીન પર સૂવે છે તેને પડવાની બીક નથી... પ્રેમ ભયને દૂર કરે છે... માબાપે બોલતાં શીખવ્યું, દુનિયાએ ચૂપ રહેતાં. સ્વિત્ઝરલૅન્ડ: ખરા વખતે મૂર્ખ બનવું એ પણ એક કળા છે... ટાલિયો હંમેશાં સુંદર ટોપી પહેરે... જે કહેવાતું નથી તે ક્યારેય સંભળાતું નથી. બલ્ગેરિયા: એક મૂરખાએ દરિયામાં નાખેલા પથરાને સો ડાહ્યાઓ પણ કાઢી શકતા નથી... બીજાના સુખ કરતાં પોતાનું સુખ સારું... મૌન શેતાનને પણ હંફાવે છે.. ડહાપણના ભંડાર કરતાં ચમકતા નસીબનું એક ટીપું સારું. અમેરિકા: અજ્ઞાનનો ગુનો ક્ષમાને પાત્ર છે... વહેમ સુખનો શત્રુ છે... પેટ કરતાં આંખ મોટી છે... જ્યાં બંને ગુમાવવાના હોય ત્યાં સોદો ખોટનો જ કહી શકાય... કેટલાક મહેમાનોને જવા ટાણે જ આવકાર મળે છે. ચીન: સુંદર પક્ષીએ જ પાંજરામાં પુરાવું પડે છે... લંગડો કદી પડતો નથી... વધુ નફ્ફટ વધુ સુખી... કૂતરાના મોઢામાંથી હાથીદાંત ન મળે... ઝઘડો પૂરો થઈ ગયા પછી ઝાડ કાપીને લાકડી બનાવવાનો શું ફાયદો... જરૂર વગરની વસ્તુ જે ખરીદે છે એણે જરૂરી વસ્તુ વેચી નાખવી પડે છે. ઈરાન: ઈશ્ર્વર પર ભરોસો રાખવો પણ ઊંટને ખૂંટે બાંધી રાખજો... સાંભળનારા બે સાક્ષી કરતાં નજરે જોનારો એક સાક્ષી વધુ સારો... ભસતાં કૂતરાંથી વાદળોને કોઈ નુકસાન નથી.. જે મળે એમ નથી એની શોધ કરવી નહીં... રોટલાના ટુકડા માટે સ્વમાન ગુમાવવું ન પાલવે. હવે થોડીક ગુજરાતી: ગરીબ બોલે ત્યારે ટપલાં પડે ને મોટા બોલે ત્યારે તાળીઓ... ચોરણો સિવડાવે તે મૂતરવાનો માર્ગ રાખે. (આવી જ બીજી એક કહેવત છે: તળાવ બંધાવે તે ઓગાન રાખે. ઓગાન એટલે તળાવ છલોછલ ભરાયા પછી વધારાનું પાણી વહી જવાનો માર્ગ)... બાપ દીવાનો, મા દીવાની ને બાયડી મારી તુળજા ભવાની... ગરજ સક્કર સે ભી ગળી... જેવી ભાઈની હિંગ તેવો બહેનનો વઘાર... ગોળ અંધારે પણ ગળ્યો અને અજવાળે પણ ગળ્યો... સાત વાર ને નવ તહેવાર... છોકરો હોય તો વહુ આવે અને રૂપિયા હોય તો વ્યાજ... મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાગ્યો ખેડતાં- એને નહીં સાંધો, નહીં રેણ... કાગડાના મોંમાં કંકોતરી... પાણી પીને મૂતર જોખે... દેડકો ક્યારેય કરડે નહીં, બ્રાહ્મણ ક્યારેય લડે નહીં... જ્યાં સોય જાય ત્યાં દોરો જાય... ગળું કાપ્યું ને ઉધરસ ગઈ... અને છેલ્લી કહેવત: ખુલ્લા બારણાની ચાવી શોધવા ન જવાય. અને આજથી ફરી એક વાર ‘ગુડ મૉર્નિંગ’ની ફર્સ્ટ સિઝનની જેમ ટેલ પીસ (પૂંછડિયું) શરૂ કરું છું. આજનો વિચાર સફળતા મેળવવી હોય તો તમારા ક્ષેત્રના તમામ નિયમો પહેલાં જાણી લેવા જોઈએ. પછી એમાંથી થોડા તોડવા જોઈએ. - મૅથ્યુ આર્નલ્ડ એક મિનિટ! એક છોકરાએ કૉલેજના ચાલુ ક્લાસમાં એક છોકરીને ‘આય લવ યુ’ કહ્યું. પ્રોફેસરે છોકરાને એક અઠવાડિયા માટે કાઢી મૂક્યો. અઠવાડિયા પછી છોકરો પાછો ક્લાસમાં આવ્યો ત્યારે છોકરીએ છાનામાના છોકરાની નોટબુકમાં લખી દીધું: ‘આય એમ સૉરી... એકચ્યુલી તો હું પણ તને ખૂબ પ્રેમ કરું છું.’ આમ છતાં એક વરસ વીતી ગયું, બે-ત્રણ-ચાર વરસ વીતી ગયા પણ છોકરા-છોકરી મળ્યા જ નહીં. શું કારણ? કૉલેજમાં છોકરાઓ કદી નોટબુક ખોલતા જ નથી. ******************************************
|
Thursday, January 23, 2014
કહેવત એટલે જે કહેવાતી આવી છે તે વાત. - સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment