જિંદગી, જિંદગી શોખથી જીવવું, શાનથી મરવું |
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી લંડનના ‘ટાઈમ્સ’માં જૂન ર, ર૦૦૩ના અંકમાં એક વિજ્ઞાપન હતું. એ લોકો માટે જે આંખોની રોશની ખોવાના હતા, જેમની આવતી કાલ અંધકારમાં ડૂબી જવાની હતી. પણ આજ તમારા અંકુશમાં છે, અને આજે જીવી શકાય છે. શું શું કરી શકાય છે? આજે લોંગ ડ્રાઈવ પર જાઓ. બાળકોને વાર્તા વાંચી સંભળાવો. ઈન્ટરનેટને સર્ફ કરો. બારમાં જઈને બારમેઈડને જોયા કરો. પતંગ ઉડાવો. સ્ટોરમાં જઈને ભાવતાલ કરો. રૂમ સજાવો. ટોળામાં ખોવાઈ જાઓ. સુપર માર્કેટમાં ફરો. ઈલેક્ટ્રિકનો બલ્બ બદલો. પ્રદર્શનમાં જાઓ. રસ્તો ક્રોસ કરીને પાછા આવો. સાઈકલ ચલાવો. લોટરીની ટિકિટ ખરીદો. ટીવી જુઓ. ચા બનાવો. બગીચામાં ફરી આવો. તાશ રમો. વાળને જુદી રીતે ઓળો. ચેક લખો, અને ફાડી નાખો. લોકલ ટે્રનમાં આંટો મારી આવો. સીધા સૂઈને એક પુસ્તક વાંચો. રૂમમાં વસ્તુઓ સાફ કરો. એમની જગ્યાઓ બદલો. કોઈ પણ અણ જાણ સ્ત્રીને ફોન કરો. ચહેરા પર હલકો મેક-અપ લગાવો. કોઈને કહો કે એ સરસ લાગે છે હસો આવતી કાલે કદાચ આંખોની રોશની ચાલી જશે! આ પૂરી સૂચિ અંગ્રેજ જીવનની છે, પણ આમાં ભારતીય પરંપરા પ્રમાણે ફેરફાર કરી શકાય છે. પાન ખાઓ. છાશ પીઓ. ખરખરે જઈ આવો. સવારે મંદિરમાં જઈને આરસની ફર્શ પર ખૂણામાં બેસીને જે વિધિઓ થાય છે એ જુઓ, સાંભળો. પત્નીએ બનાવેલા બટાટાના શાકની તારીફ કરો. આ પત્યા પછી ઊંઘી જાઓ! ડાબી તરફ પડખું ફરીને. ઘસઘસાટ. ઘણા માણસો ૮૫મે વર્ષે આવનારા મૃત્યુ સુધીનું પ્લાનિંગ કરતા હોય છે. ઘણાને ૫૮મે વર્ષે નિવૃત્ત થયા પછી શું કરીશું એ ખબર હોતી નથી. રૂપિયા કમાઈ લીધા, હવે એમાંથી બહાદુરી અને કુનેહ અને હિમ્મતનાં તત્ત્વો પસાર થઈ ગયા છે. હવે જે છોકરાને તમે છઠ્ઠે મહિને તકિયાઓ ગોઠવીને બેસતાં શીખવ્યું હતું એ હવામાં ઊડી રહ્યો છે. હવે લોકોના સ્મિતમાંથી તમને ઉપહાસ દેખાયા કરે છે. હવે ટેલિફોન અને ડોરબેલ ઓછા વાગે છે. હવે ગઈ કાલનો પશ્ર્ચાતાપ અર્થહીન છે, હવે આવતી કાલની ચિંતા અપ્રસ્તુત છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે. અને એક વર્ષના ૩૬૫ દિવસો છે અને એક દિવસના ર૪ કલાકો છે અને એક વર્ષના ૮૭૬૦ કલાકો થાય છે. જર્મનીમાં વૈજ્ઞાનિક સંશોધન કરીને નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે એક જર્મન માણસ વર્ષના ૮૭૬૦ કલાકોમાંથી ર૯૦૦ કલાકો સૂઈ રહે છે, એટલે જાગૃત અવસ્થામાં એની પાસે પ૮૬૦ કલાકો બાકી રહે છે. વૃદ્ધ અવસ્થાની કરુણતા એ છે કે આ એક કલાક પણ ૧૨૦ મિનિટ જેટલો લાંબો હોય છે. વીસમી સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈનને અંતિમ ઓપરેશન કરવાનું હતું. એમણે કહ્યું: બનાવટી રીતે જિંદગી લંબાવ્યે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે. હવે વિદાયનો સમય થઈ ગયો છે! મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતાં આવડવું એક વાત છે. મરતાં આવડવું બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે, જેમને શોખથી જીવતાં આવડે છે, અને શાનથી મરતાં આવડે છે... અને ઘણા એવા હોય છે જે જિંદગીના છેલ્લા કલાકો કે દિવસો સુધી ઈશ્ર્વરે આપેલી બધી જ ઇંદ્રિયોની ભરપૂર મજા લૂંટતા હોય છે. ગર્દિશે-આસમાની ત્રાટકે ત્યારે બડી મહર્બાની, બડી મહર્બાની...નાં ગીતો ગાઈ શકનારા ખુશદિલ લોકો પણ હોય છે. શરીરના સેંકડો અંગો અને ઉપાંગો આપણી ઈચ્છા પ્રમાણે સક્રિય થવાનાં નથી કે મરવાનાં નથી. જમણી આંખની ઉંમર ૪૦ વર્ષની હશે, ડાબી આંખ ૬૦ની થઈ હશે. જમણો કાન ૩૦ ટકા સાંભળતો હશે, અને ડાબા કાનની શ્રવણશક્તિ હજી ૮૦ ટકા રહી હશે. હિંદુ માણસે શુભ અને અશુભની જુદી જુદી જવાબદારીઓ જમણા અને ડાબા હાથને સોંપી દીધી છે. મૃત્યુની મજા એ છે કે ચિતા ઉપર નિશ્ર્ચેતન દેહની સાથે સાથે બધાં જ વિશેષણો સળગી જાય છે. અને વિશેષણોની રાખ પડતી નથી, વિશેષણોમાંથી ધુમાડો ઊઠતો નથી... પ્રશ્ર્ન એક જ છે: જિંદગી, તારી નર્મ બાંહોમાં હું કેટલો બુઝાઈ શકું છું? જન્મની ક્ષણથી મૃત્યુનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે! દરેક જિવાતી ક્ષણ માણસને મૃત્યુ તરફ ધકેલતી રહેતી હોય છે. કાળધર્મ પામ્યા અને દેહલીલા સમાપ્ત કરી અને અવસાન પામ્યા અને નિર્વાણ થયું જેવા શબ્દપ્રયોગો વાંચું કે સાંભળું છું ત્યારે કોઈ અરુચિકર વ્યંજન ઉપર આકર્ષિત કરવા માટે ગાર્નિશ કર્યું હોય એવી ફીલિંગ થયા કરે છે. મૃત્યુ વિશેની મારી માન્યતા જુદી છે. જિંદગી ફાની છે, લા-ફાની નથી, બેક્ટેરિયા અને વાયરસ જીવનશાસ્ત્રના શબ્દો નથી, એ જીવશાસ્ત્રના શબ્દો છે, અને મારો એવા શબ્દો સાથેનો સંબંધ અત્યંત સીમિત છે. જીવનને મૃત્યુના સંદર્ભમાં જોવું એ દર્શન છે. મારી ‘સમકાલ’ નામની નવલકથાના અંત તરફ નાયક રનીલ કથાની નાયિકા આશ્નાને કહે છે, એ મને જીવન અને મૃત્યુ વિશેના સૌથી પ્રામાણિક વિચારો લાગ્યા છે. આશ્ના! સાથે સુખી થવા કરતાં સાથે દુ:ખી થવામાં વધારે આત્મીયતા છે... બે દુ:ખોનો સરવાળો સુખ બની જાય છે... કેટલાના તકદીરમાં સાથે દુ:ખી થનાર મળે છે? સાથે સાથે દુ:ખો જીવવાની ઉષ્મા કેટલાના ભાગ્યમાં હોય છે? આશ્ના! ખુશીથી રડી લે! ખૂબ ખુશીથી રડી લે! આંસુઓ ભીંજવી શકે એવી છાતી મળતી નથી... અને એક દિવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે!... જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે. મુક્તિનું બીજું નામ. મૃત્યુ આવે ત્યાં સુધી જીવતા રહ્યા કરવું એ ઘણાને માટે નિવૃત્તિની વ્યાખ્યા છે. નિવૃત્તિ એટલે, મારી દૃષ્ટિએ, કોઈના આદેશ કે હુકમથી હું કામ કરું છું એ અંતિમ ક્ષણ પસાર થઈ ગયા પછીની પ્રવૃત્તિ, જેમાં હું જ માલિક છું અને હું જ નોકર છું. હું મનસ્વી રીતે, સ્વેચ્છાથી, મને ગમે એ કામ કરતો રહું. પહેલાં પાંચ કલાક કામ કરીને થાક લાગતો હતો, હવે દસ કલાક કામ કરીને સંતૃપ્તિ મળે છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરી લેવાની હોય છે. અને આંકડાઓનું યથાર્થ ધ્રુજાવે એવું છે. સન ૨૦૧૬ સુધીમાં દર ૧૦૦૦ ભારતીયોમાંથી ૮૬ની ઉંમર ૬૦ વર્ષ ઉપરની હશે. અને આજે ભારતની વયસ્ક વસતિમાંથી માત્ર ૧૧ ટકા લોકોને જ વૃદ્ધાવસ્થા માટે સોશ્યલ સિક્યુરિટી કે સામાજિક સલામતીનું કવર છે. નિવૃત્તિનુંં આયોજન એક એવો વિષય છે, જે હજી આપણને સ્પર્શ્યો નથી! અને જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી પણ ઊંઘ એ મૃત્યુનો ‘ડ્રાય રન’ છે, રિહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે ‘ચિરનિદ્રા’ જેવો શબ્દ અપાયો છે. ક્લોઝ અપ ભગત જગત કો ઠગત હૈ, ભગતહિં ઠગૈ સો સંત જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત. ઉત્તર ભારતની લોકોક્તિ (અર્થ: ભક્તો જગતને ઠગે છે, ભક્તોને ઠગે છે એ સંત છે. જે સંતોને ઠગે છે એને મહંત કહેવાય છે.) |
Saturday, July 13, 2013
જિંદગી શોખથી જીવવું, શાનથી મરવું - ચંદ્રકાંત બક્ષી
Labels:
ચંદ્રકાંત બક્ષી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment