Wednesday, July 10, 2013

ગમતાંનો કરીએ ગુલાલ - નલિની માડગાંવકર


જિંદગીને માણનારા માનવીની મધુરપની કવિતા
કવિતાની કેડીએ... - નલિની માડગાંવકર

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ. 


આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,

પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,

સમદરની લ્હેર લાખ સુણી ક્યાંઈ સાંકળી?

ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો

વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?

સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?

આવે તો આપ કરી પળમાં પસંદગી,

મુઠ્ઠીમાં રાખતાં તે માટીની પાંદડી

ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,

ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,

આજ પ્રાણ જાગતો પૂછવું શું કોઈને?

માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં

રણકી ઊઠે કરતાલ.

કેટલીક કવિતા સ્વયં ગુલાલ જેવી હોય છે અને કવિ પોતાની લાડકી આવી કવિતાને ‘ગમતાનો કરીએ ગુલાલ’ની નીતિથી સહુને વહેંચે છે. દરેક ઘરના પ્રવેશદ્વાર પાસે જો આ કવિતા રાખવામાં આવે તો એ ઘરની ગૃહિણી પોતાના ઘરનો ખૂણે ખૂણો અજવાળી શકે. અનેક ગમતી વસ્તુને અન્યને આપવાનો લ્હાવો લઈ શકે છે. અને એ વસ્તુના રિક્ત સ્થાનને આનંદથી સભર બનાવી શકે છે. પરિગ્રહ અને સંગ્રહખોરીના બોજામાંથી હળવા થવાનો આ કાવ્યાત્મક કીમિયો છે. અણગમતી વસ્તુ તો બધાંય આપે પણ ગમતી વસ્તુને જ્યારે અન્યના હાથમાં મૂકવામાં આવે છે ત્યારે વ્યક્તિ પોતાના પ્રિય વસ્તુની છબી લેનારની આંખમાં નિરખી શકે છે. એના આનંદમાં સહભાગી થઈ શકે છે.

આપણી ભાષા કેટલી બધી ખમતીધર છે! કવિને ક્યાંય દૂર જવું પડતું નથી. કવિતાનો લ્હેકો તો જુઓ! તળપદા શબ્દોનું આ વિશ્ર્વ જ આપણને ગમતી દુનિયામાં આવવા માટેનું ઈજન મોકલે છે. આ ગીતના શબ્દો માટે કોઈ પર્યાય નથી મળવાના. આ ‘ગુંજે ન ભરીએ’ને સ્થાને ખિસ્સું શબ્દ કેટલો ફિક્કો લાગેે છે. આ અધૂરો છે. કારણ આ કવિતામાં જિંદગીને માણનારા માનવીની મધુરપ છે. કવિતાના એક એક શબ્દોમાં ગીતની મસ્તી છે. શબ્દો એકબીજાનો હાથ પકડીને એવી સાંકળીની રમત રમી રહ્યા છે જેમાં આખું જગત સમાઈ જાય છે. આ ગીતના શબ્દોને સમજવા કોઈ શબ્દકોષનો આધાર લઈશું તો એનો અર્થ હાથમાંથી છટકી જશે. કવિતાના શબ્દો અર્થછાયાની પણ પેલી પાર પહોંચી ગયા છે.

સીધી સહજ ભાષામાં કવિ આપણી સાથે વાત કરે છે. એ વાત કહેવા માટે એ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ ઉપદેશ નથી આપતાં. જાણે આપણે ખભે હાથ મૂકીને મિત્રની જેમ કહે છે. તને ગમતી વસ્તુને ગુંજે નથી ભરવાની પણ એનો ગુલાલ કરવાનો છે. જો ગુલાલનો સ્થૂળ અર્થ લઈશું તો જોડણીકોશમાં એને લાલ રંગના ભૂકા તરીકે ઓળખાવવામાં આવ્યો છે. એ અર્થ આપણને કામનો નથી. ગમતી વસ્તુને પરિગ્રહની મુઠ્ઠીમાં નથી બાંધવાની ગુલાલ જેને સ્પર્શે છે એ સહુને આનંદને રંગે રંગી દે છે. એ ક્યારે મળે જ્યારે સહુને એનો સ્પર્શ મળે. ગમતી વસ્તુને માલિકીભાવથી મુઠ્ઠીમાં બંધ કરી દઈએ તો એ અન્યને આનંદ નથી આપતી તેમ ખુદને પણ નથી આપતી. ઉપનિષદના કવિએ આ આખી પરિસ્થિતિને ‘ત્યાગીને ભોગવો’ની ફિલસૂફીથી ભરી દીધી છે. ત્યાગના આનંદને શ્રેષ્ઠ કહ્યો છે.

સંસારમાં રહેવા છતાં એની સ્વાર્થપરક પ્રવૃત્તિથી અલિપ્ત રહેનાર ઓલિયા ફકીર જેવા કવિ મકરંદ દવેએ આનંદને જીવનની કવિતા બનાવેલી. એ જ એમના જીવનની ધ્રુવપંક્તિ હતી. તેથી હિસાબ-કિતાબની કવિની પરિભાષા તદ્દન નિરાળી હતી. જે અન્યને આપવામાં અવરોધક બને છે. એવી આંગળીને કવિ ઓશિયાળી કહે છે. ‘આડો આંક દેવો’ એનો પણ શબ્દકોશનો અર્થ આપણને કામે નહીં લાગે. હૃદયમાં સાગરની જેમ ઊછળતો પ્રેમ વસુધૈવ કુટુંબમ્ની ભાવના જેવો હોવો જોઈએ. જે ખુદમાં જ સમાઈ જાય એવો સાંકડો પ્રેમ કવિને ખપતો નથી. સમંદરની લ્હેરોનો આનંદ નિરખી નિરખીને લૂંટી શકાય પણ એને બાંધી શકાતી નથી.

પ્રકૃતિએ આપણને ક્યાંય બાંધ્યા નથી. એણે મુક્તિ આપી છે. ખાડા ખાબોચિયાને બાંધવા પડે કારણ એની સાથે આપણા ગમા-અણગમા સંકળાયેલા છે. પ્રકૃતિનું ઔદાર્ય ચપટી ભરીને આપવાનું નથી હોતું. સમગ્ર પૃથ્વી માટેનું વ્હાલ તો આખા આકાશમાંથી વરસતું હોય છે. આ ગીતની એક એક પંક્તિમાં કવિએ માણસના મનમાં બંધાયેલા સંકુચિત સીમાડાને જ જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં પ્રકૃતિ આવી છે; ‘અમે ખોબો માંગ્યો ને તમે દરિયો દીધો’ ત્યારે આપણે એમણે આપેલી આ મૂડીને શું કામ ન વહેંચવી!

આજે કોઈ સારો વિચાર આવે, તો એને કિંમતી જણસની જેમ મનની કેદમાં શું કામ પૂરી રાખવો! સહુને વહેંચીને એનો આનંદ લેવો. પોતાની પર ચડેલો ગુલાલ ક્યારેય આનંદ નથી આપતો પણ બીજા પર વેરાયેલો ગુલાલ જ આપણી આંખને તૃપ્તિ આપતો આપતો સમગ્ર અસ્તિત્વને સભર કરે છે.

પ્રાપ્તિને ઉત્સવ બનાવવા માટે સમૂહની કલ્પના કરવામાં આવી છે. આજે પણ મુંબઈ સમાચાર-વર્તમાનપત્ર સંગીતની લ્હાણ પીરસીને આમ જ ‘ગમતાંનો ગુલાલ’ કરી રહ્યું છે એ એક સામાજિક નહીં; સાંસ્કૃતિક ઘટના છે. આ કોઈ આડવાત નથી. કવિતામાંથી સ્ફૂરતી સહુને સુખી કરવાની કલ્પના છે.

ત્રણ શ્ર્લોકોમાં-કંડિકાઓમાં કવિતા ફરીફરીને એક વાત કરે છે કે ‘ગમતાંનો ગુલાલ’ કરવાની વૃત્તિ તમારા કૌટુંબિક, સામાજિક અને આધ્યાત્મિક જીવનને પણ સુખ-સંતોષની ઊંચાઈએ પહોંચાડે છે. જીવનનું સુખ ક્યારેય ખરીદી શકાતું નથી. જે સ્થૂળ ધનનો સંચય કર્યો છે એ પણ ખાડા-ખાબોચિયાની જેમ બંધિયાર બની ગયું છે. હથેળીની આંગળીઓ વચ્ચેના અવકાશમાંથી જેમ સમય સરી જાય છે તેમ સ્થૂળ સંપત્તિ પણ સરી જતી હોય છે. એને રોકી શકાતું નથી.

‘આવે તે આપ કરી પળમાં પસંદગી’ અહીં વ્યક્તિની પસંદગી નથી કરવાની; વસ્તુની કરવાની છે. સહુને આપીને હળવી થયેલી જિંદગીની આ સ્વીકૃતિ છે. આવી ફિલસૂફી ધરાવવી એમાં પણ કવિની સમજણભરી ખુમારી જ છે. આવું માનવું એમાં પણ માણસમાત્ર પ્રત્યેનો પ્રેમ જ જોવા મળે છે. સંસારમાં સુખી થવાની અને સુખી કરવાની એક આંતરિક અભીત્સા છે. કોઠાસૂઝ છે.

જે પ્રાપ્તિ છે એને જાણે આંખોમાંથી વહેતા સ્નેહના જળથી પવિત્ર કરવાની છે. પ્રેમને કોઈ સીમાડામાં બાંધી શકાતો નથી. પ્રેમ એ તો આકાશમાંથી વરસતી હેલી જેવો છે. એને ખાબોચિયામાં બાંધી શકાતો નથી. વૃષ્ટિ એ તો જે ઝીલે એ સહુની હોય છે. ઈશ્ર્વરની આશકા લઈને જે પ્રસાદ વહેંચાય એના નાનાં કણોમાંથી પણ સહુને એક એક કણ આપીને આનંદથી ખાઈને સંતોષ મેળવીએ છીએ. ત્યાગ કરીને એની ફલશ્રુતિરૂપે મળતો આ સંતોષ છે. આપણે સહુ મૃત્યુના ઓછાયા નીચે હોવા છતાં આવી છાયા નીચે પણ ઉછરતી જિંદગીને માણીએ છીએ.

છેલ્લી પંક્તિઓમાં માધવ વેચંતી વ્રજનારી છે. આ ગોપાંગનાઓ એક ક્ષણ પણ કૃષ્ણ વગર રહી શકતી નથી છતાં જીવનમાં એની અતિપ્રિય વસ્તુ માધવને અન્યના હાથમાં મૂકવા તૈયાર થઈ ગઈ છે. આ તૈયારી, આવી તત્પરતાની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે સહુને આપવા છતાં પણ એની મૂડી અંતરની હોવાથી ક્યારેય ખૂટતી નથી. કવિ જીવનને પણ, એની સુખદ ક્ષણોને પણ આ રીતે અન્યને આપી ગમતાંનો ગુલાલ કરે છે. ગુલાલનું કામ જ અન્યને રંગી રંગીને ખુદ રંગાવાનું હોય છે. આવી ગમતી ક્ષણોના ગુલાલથી મુઠ્ઠી ભરીને કવિતા આપણી પાસે આવી છે. આવી કવિતા જ્યાં સુધી પોતાના ગુલાલને વેરતી રહેશે ત્યાં સુધી આપણી ભાષા-વધુ ને વધુ પોતીકી લાગવાની છે. વહાલી લાગવાની છે. 


1 comment: