મીરા મગન લાગી લગન: મન જ્યાં લાગે ત્યાં ધ્યાન |
માત્ર આંખો મીંચીને બેસી રહેવાથી ધ્યાન થતું નથી. ધ્યાન અને ભક્તિમાં બહાર ભટકવાનું હોતું નથી પણ અંદર ઊતરવાનું હોય છે. પ્રાર્થના અને ભક્તિમાં પ્રાણ ન હોય તો આ ક્રિયાનો કોઈ અર્થ નથી |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર મંદિરમાં, દેરાસરોમાં કે ધર્મસ્થળોમાં પ્રભુ સામે હાથ જોડીને આપણે ઊભી હોઈએ છીએ, પણ મન ક્યાં ભટકતું હોય છે તેનો ખ્યાલ રહેતો નથી. મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. એક ક્ષણમાં તો તે ક્યાંનું ક્યાં ભટકીને આવી જાય છે. હાથ જોડેલા હોય છે. મંત્રો, સ્તુતિઓ અને ગાથાઓ બોલાતી રહે છે પણ આપણે ભગવાન સમક્ષ હોતા નથી. આપણે ધર્મ, તપ અને ભક્તિ કરીએ પણ તેમાં ઊંડાણ ન હોય, ચેતના ન હોય, પ્રકાશ ન હોય અને પ્રાણ ન હોય તો તેવો ભાવ ઊભો થતો નથી. ભાવ વગરની ભક્તિનો કોઈ અર્થ નથી. આ માત્ર ક્રિયાકાંડ છે જેમાં હૃદય અને મન જોડાયેલું ન હોય તે સાચી ભક્તિ અને ધર્મ નથી. આમાં કોઈ પણ જાતનો દંભ, દેખાવ અને આડંબર હોવો જોઈએ નહીં. તપ માત્ર શરીરથી નહીં મનથી પણ થવું જોઈએ. શરીર ભૂખ્યું રહે અને મન ભટકતું રહે તો વિપરીત પરિણામ આવે. કર્મો છૂટવાના બદલે બંધાય. તપશ્ર્ચર્યામાં ધર્મત્વનો સમ્યક બોધ થવો જોઈએ. મન નિ:સ્પૃહ, અનાસક્ત અને અવિચલ બનવું જોઈએ. મન અને તન નિર્મળ બને ત્યારે સાધના સરળ બને છે. એક વખત સાંજના સમયે બાદશાહ પોતાના મહેલના પ્રાંગણમાં ચાદર પાથરીને નમાઝ પઢતા હતા. એટલામાં એક યુવાન સ્ત્રી પોતાના પ્રિયતમને મળવા માટે ઉતાવળી બનીને જઈ રહી હતી. તેનું ચિત્ત બીજા કશામાં નહોતું. પ્રિયતમનું ધ્યાન ધરતી તે આગળ વધી રહી હતી. તેવામાં તેના પગની ઠોકર નમાઝમાં બેઠેલા બાદશાહને લાગી ગઈ. બાદશાહની આંખો ખૂલી ગઈ. તેને ખૂબ ગુસ્સો આવ્યો અને મોઢું ફરવી નજર કરી તો યુવતી દૂર નીકળી ગઈ હતી. બાદશાહે પોતાના માણસોને યુવતીને પકડવા માટે મોકલ્યા અને યુવતીને બાદશાહ સમક્ષ ખડી કરવામાં આવી. બાદશાહે કહ્યું, ‘હું નમાઝમાં હતો અને તું મને ઠોકર મારીને ચાલી ગઈ. આમ તે કેવી તુમાખી! તને એટલું ભાન ન થયું કે, હું બંદગી કરી રહ્યો હતો.’ યુવતીએ કહ્યું, ‘હું મારા પ્રિયતમને મળવા જઈ રહી હતી એટલે મને ખબર ન રહી. મને માફ કરો.’ ‘પ્રેમમાં તું આટલી બધી અંધ બની ગઈ હતી કે હું બેઠો છું તેનો પણ તને ખ્યાલ આવ્યો નહીં. આ કેવી ગુસ્તાખી’. યુવતીએ કહ્યું, ‘નામદાર, હું અંધ બની નહોતી, પરંતુ મારા પ્રિયતમના ધ્યાનમાં હતી. એટલે શું બની ગયું તેનો મને ખ્યાલ જ રહ્યો નહીં અને નામવર આપ પણ ખુદાની સાચી બંદગી કરતાં હોત તો અને તેમાં ધ્યાનમગ્ન હોત તો આપને પણ ખબર ન પડત કે શું બની ગયું છે. જેનું મન ખુદામાં હોય તેને બીજા કશાનું ભાન ન રહે! નામદાર આપનું ધ્યાન ક્યાં હતું?’ યુવતીની વાત સાંભળીને બાદશાહ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખો ખૂલી ગઈ. પોતાની જાતને સંભાળી લેતાં બાદશાહે કહ્યું: બહેન, મને માફ કર! તું તારા ખુદાના ખ્યાલમાં હતી પણ હું મારા ખુદાને ભૂલી ગયો હતો.’ આપણી પ્રાર્થના, પૂજા અને ભક્તિ કેવી છે તેનો ખ્યાલ કરીએ. આ દેખાવ અને આડંબર તો નથી ને? આ બધું કરતી વખતે આપણું ધ્યાન વિચલિત થતુ તો નથી ને? દરેક માણસે પોતાની રીતે તેનો તાગ કાઢવાનો છે. માત્ર પ્રભુ સામે હાથ જોડીને ઊભા રહેવાનો કોઈ અર્થ નથી. મન જો પ્રભુના ધ્યાનમાં હોય તો તે તમારી સમક્ષ જ છે અને મન જો આંટાફેરા કરતું રહે તો પ્રભુ તમારાથી દૂર છે એમ સમજવું. ધ્યાન, સમાધિ, પ્રતિક્રમણ અને સામાયિક કરતી વખતે આજુબાજુ જોતા રહીએ, ગપાટા મારીએ, ઘરમાં સૂચનાઓ આપીએ અને સમય પૂરો કરીએ તો એને ધ્યાન કહેવાય નહીં. માત્ર આંખો મીંચીને બેસી રહેવાથી પણ ધ્યાન થતું નથી. ધ્યાન અને ભક્તિમાં બહાર ભટકવાનું નહીં પણ અંદર ઊતરવાનું હોય છે. ધર્મને સાચા અર્થમાં સમજવાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. ધર્મના સૂત્રો કંઠસ્થ કરવાથી કે ટીલાં-ટપકાં કરવાથી કશું વળવાનું નથી. આપણા મોટા ભાગના દુ:ખોનું કારણ ધર્મ અને જીવનને આપણે સાચા અર્થમાં સમજ્યા નથી. દરેક ધર્મના સિદ્ધાંતોમાં જીવનનાં મૂલ્યો રહેલા છે. સારી રીતે કેવી રીતે જીવ શકાય તેનો માર્ગ બતાવવામાં આવ્યો છે, પણ આપણે ખોટાં અર્થઘટનો કરીને તેને ગૂંચવી નાખ્યો છે. આપણે વિપરીતમાં જીવીએ છીએ. એક બાજુ ધર્મ કરીએ છીએ અને બીજી બાજુ અધર્મ. જે કરવું જોઈએ તે આપણે કરતા નથી. આપણે ધર્મ કરવા કરતાં અધર્મને છોડવાની જરૂર છે. અધર્મ છૂટી જશે તો ધર્મ આપોઆપ આવી જશે. કશું કરવાની જરૂર નહીં રહે. ધર્મની શરૂઆત જીવનથી કરીએ અને જીવનને એટલું ઉત્કૃષ્ટ બનાવીએ કે તે ધર્મ બની જાય અને કાં તો ધર્મથી શરૂઆત કરીએ અને તેને એટલો અર્થપૂર્ણ બનાવીએ કે તેનાથી જીવન ઉત્કૃષ્ટ બની જાય. આપણે ધર્મથી કે જીવનથી બંનેથી શરૂઆત કરી શકીએ. મૂળ હેતુ છે સારું જીવન. આ બંને માર્ગોમાં માણસ અર્ધેથી અટકી જાય છે અને ક્યાંયનો રહેતો નથી. બંને વચ્ચે ગોથાં ખાય છે. માણસ સમય અને સંજોગોને આધીન છે. આપણે બધા અદના માનવીઓ છીએ. ભલાઈ અને બુરાઈ બંને આપણામાં છે. બૂરાઈને, ઊણપોને દૂર કરવા પ્રયાસ થવા જોઈએ. દરેક માણસ ભૂલને પાત્ર છે. જીવનમાં ભૂલો થતી રહે છે, પરંતુ તેમાંથી શીખવાનું હોય છે. વારંવાર ભૂલો કરતા રહીએ તો તેને અર્થ એ થયો કે આપણે આપણા અનુભવમાંથી કશું શીખવા માગતા નથી. જીવન એ મોટી પ્રયોગશાળા છે. જીવનમાં થોડા ઉદાત્ત સિદ્ધાંતો અને ભાવનાઓને મનમાં ઉતારીએ, પરસ્પર સહિષ્ણુ બનીએ, પ્રેમ અને કરુણા વહાવીએ તો જીવનાં કદી દુ:ખ અને સંતાપ રહેશે નહીં. આપણે આપણી તરફ નજર રાખવાની છે. બીજો શું કરે છે તેની ચિંતામાં પડવાની જરૂર નથી. કોઈની ક્ષતિ, કોઈની ભૂલ, કોઈનું દૂષણ આવી શુદ્રતાને શોધીને અભિમાન લેવાની અને પોતાને સારા કહેવરાવવાથી કશું વળશે નહીં. આપણે બીજાના દોષો એટલા માટે જોઈએ છીએ જેથી આપણી ઊણપો ઢંકાઈ જાય. આ રીતે આપણે આપણી જાતને છેતરી રહ્યાં છીએ. બીજાના રાઈ જેટલા દોષો આપણી નજરમાં આવે છે, પણ આપણા મોટા દોષો આપણને દેખાતા નથી. બીજાના દોષો જોવાના હોય ત્યારે આપણે ન્યાયાધીશ બની જઈએ છીએ. આપણી દૃષ્ટિ શુભ તરફ હોવી જોઈએ. દરેક માણસમાં કાંઈક સારું અને શુભ પડેલું છે. શુભનું ચિંતન આપણને ગુણાનુરાગ તરફ લઈ જાય છે. નકારાત્મક વિચારધારા માણસને જીવનથી વિમુખ બનાવે છે. તેને કશું સારું દેખાતું નથી. દરેક વાતમાં વાંધાવચકા કાઢે છે. કોઈ બાબતમાં સંતોષ થતો નથી. આવા માણસોને પોતાના સિવાય બીજું કોઈ સારું લાગતું નથી. પરસ્પરના વહેવારમાં આપણે ગાંઠો બાંધીને બેઠા છીએ. કોઈએ ગાળ દીધી, કોઈએ અપમાન કર્યું, કોઈએ મને હરાવી દીધો, કોઈ મારૂં લઈ ગયો, કોઈ મને બનાવી ગયો. આ બધી વાતો ભુલાતી નથી. અને બીજા પ્રત્યે ઘૃણા, તિરસ્કાર અને વેરનાં બીજો વવાય છે. પ્રેમ અને ક્ષમા દ્વારા જ પરસ્પરના દિલને જીતી શકાય. જીવનમાં હાર-જીત, જય-પરાજય, ચડતી-પડતી બધું આવ્યા કરે છે. મન પર સંયમ અને ક્ષમતા હોય તો કશુ વિચલિત કરી શકે નહીં. કેટલીક બાબતો ભૂલવા માટે હોય છે. આપણે જે ભૂલી જવું જોઈએ તે યાદ રાખીએ છીએ અને જે યાદ રાખવું જોઈએ તે ભૂલી જઈએ છીએ. કોઈએ સારું કર્યું હોય તે યાદ આવતું નથી પણ કોઈએ બે શબ્દો કહી નાખ્યા તો જીવનભર યાદ રાખીએ છીએ. જીવનની રમત બૂમરેંગ જેવી છે. જેવું આપીએ છીએ તેવું મેળવીએ છીએ. માણસનાં વિચારો, શબ્દો અને કાર્યો વહેલાં-મોડાં અદભૂત ચોક્કસાઈથી તેના તરફ પાછાં વળે છે. એટલે બીજાની માનહાનિ, અપમાન અને બીજાને દુ:ખ આપવાથી દૂર રહેવું એ આપણા પોતાના હિતમાં છે. જે સમ્યક્ વિચારમાં સ્થિર થાય છે અને બીજા પ્રત્યે શુભ ભાવ ચીંતવે છે તેના પર નકારાત્મક વિચારોનો કોઈ પ્રભાવ પડતો નથી. દિલ સાફ હોય, અંતર નિર્મળ હોય તો કશો રાગ દ્વેષ રહે નહીં. હૃદય મંદિર જેવું છે. તેનું દ્વાર કોઈ મનુષ્ય માટે બંધ થાય ત્યારે ઈશ્ર્વર માટે પણ બંધ થઈ જાય છે. પ્રભુ સમક્ષ પહોંચવા દેહશુદ્ધિની સાથે આત્મશુદ્ધિ પણ જરૂરી છે. દરેક માણસના અંતરમાં પ્રભુનો, શુભ તત્ત્વોનો વાસ છે, પણ ખુદને તેની ખબર પડતી નથી. આત્મા એ પરમાત્મા છે. જે બધું છે તે ભીતરમાં છે. અંદરના ઉપદ્રવો શમી જાય તો સુખશાંતિ છે. મન જ્યારે નકારાત્મક વલણ અને પૂર્વગ્રહથી ગ્રસ્ત બને છે ત્યારે દૃષ્ટિ વિપરીત થઈ જાય છે અને જે નથી તે જુએ છે. અને દરેક વસ્તુમાં તે મનના રંગો પૂરે છે એટલે તેને-સાચી વાત સમજાતી નથી અને દેખાતી નથી. જૈન પરિભાષાના બે મહત્ત્વના શબ્દો છે સમ્યક અને મિથ્યાત્વ જેવું છે તેવું તેને ન જોવું તે મિથ્યાત્વ અને જે છે તેવું જ તેને જોવું એનું નામ સમ્યક. મિથ્યાત્વનો અર્થ છે જે નથી તે તમે જોઈ લીધું અને જે જોવાનું હતું તે ચૂકી ગયા. આત્માની ત્રણ અવસ્થા છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા એટલે વાસનાના કારણે આપણે બહાર વહી રહ્યા છીએ. અંતરાત્મા એટલે સાધના અને ધ્યાન. તેના દ્વારા આપણે ભીતરમાં જઈએ છીએ. અને પરમાત્મા એટલે બહાર અને ભીતર કશું રહેતું નથી તે પરમ અવસ્થા છે. માણસ મોટે ભાગે બહિરાત્માની અવસ્થામાં હોય છે. મન બહાર લાગેલું છે. ધન, પદ, પ્રતિષ્ઠા અને કીર્તિનો મોહ છે. તેનાથી છૂટી શકાતું નથી એટલે માણસ અંતરયાત્રામાં ઊતરી શકતો નથી. અંતરયાત્રામાં પ્રયાણ કરવા માટે નીચેનો સંકલ્પ જરૂરી છે... ‘હું ધન, સમય, ક્ષમા અને પ્રેમ આપવામાં ઉદાર બનીશ. બીજાની ખુલ્લા દિલથી પ્રશંસા કરીશ. અણગમતા લોકોના દોષો નજરઅંદાજ કરીશ. આત્મપ્રશંસા કરવાનું ટાળીશ. ખોટા કામ માટે દિલગીરી વ્યક્ત કરીશ. કોઈ સાથે ગેરસમજણથી સંબંધોનો વિચ્છેદ થયો હશે તો હું સામે ચાલીને સંબંધોને સુધારીશ. ભૂલ માટે ક્ષમા માગીશ. મન, વચન અને કર્મથી કોઈને કશું દુ:ખ ન પહોંચે તેનો ખ્યાલ કરીશ.’ આમાંથી થોડું પણ જીવનમાં ઊતરે તો અંતરયાત્રા અને ધર્મયાત્રા બંને શરૂ થઈ જાય અને જીવન પરિવર્તનનો માર્ગ મળી જાય. શું કરવું અને શું ન કરવું એ આપણા હાથમાં છે. |
Wednesday, July 17, 2013
મન જ્યાં લાગે ત્યાં ધ્યાન -મહેન્દ્ર પુનાતર
Labels:
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment