ગુડ મોર્નિંગ - સૌરભ શાહ એક યંગ કપલ છે. હજુ ત્રીસ પૂરાં નથી થયાં. પાંચેક વર્ષ પહેલાં લગ્ન થયાં. બેઉ જણ વેલ ક્વૉલિફાઈડ છે. બંનેની છ આંકડાની નોકરી છે. છ મહિના પહેલાં લોન લઈને મોટો ફ્લૅટ ખરીદ્યો. થ્રી બી.એચ.કે. ભવિષ્યમાં બાળકો થાય કે બેમાંથી કોઈનાય માબાપ રહેવા આવે તો મુંબઈ જેવામાં રાતોરાત નવી જગ્યા લેવા ક્યાં જવું એવું વિચારીને પહેલેથી જ મોટો ફ્લૅટ લઈ લીધો. બેઉનાં મેડિક્લેઈમ છે, લાઈફ ઈન્શ્યોરન્સ છે. જિંદગી બધી રીતે સિક્યૉર્ડ થઈ ગઈ છે. લોનના હપ્તા અને વીમાનાં પ્રીમિયમો સહેલાઈથી ભરાય એટલો પગાર છે એટલે બીજી કોઈ ચિંતા નથી. લાઈફ નિશ્ર્ચિંત અને સલામત છે. ખરેખર? છોકરીને ફરવાનો બહુ શોખ છે. નાનું ગ્રુપ બનાવીને ટ્રાવેલ એજન્સી જેવું શરૂ કરવાનું વિચારે છે. છેક લેહ-લદાખ સુધી કૉન્ટેક્ટ્સ છે. છોકરાને કૉલેજના દિવસોથી નાટકનો બહુ શોખ. બધા કહે કે તું જ નેક્સ્ટ પરેશ રાવળ છે, તું જ નેક્સ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા છે. પણ પછી ભણવામાં, ડિગ્રી લેવામાં, નોકરી કરવામાં બધું ભુલાઈ ગયું. અત્યારે એક ઑફર આવી છે. પૃથ્વી થિયેટરમાં ભજવાનારા હિંદી પ્લેમાં લીડનો રોલ છે. ડાયરેક્ટર ટૉપનો છે અને રાઈટર પણ ટેલેન્ટેડ છે. પૃથ્વીનાં નાટકો જોવા હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટૉપના લોકો આવે છે. અમિતાભ બચ્ચન ગયા મહિને જ નંદિતા દાસનું નાટક જોવા આવ્યા હતા. આવા કોઈની નજરે તમારું કામ ચડી જાય તો લાઈફ બની જાય. પણ છોકરી ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ જિંદગીમાં ક્યારેય કરી શકવાની નથી અને છોકરો લીડ રોલની ઑફર ક્યારેય સ્વીકારી શકવાનો નથી, કારણ કે બેઉ જણાએ જિંદગીમાં સિક્યૉર્ડ થઈ જવાનું પ્લાનિંગ કરીને ભારે મોટી ઈન્સિક્યોરિટિ વહોરી લીધી છે. અસલામતી, અત્યારની જંગી પગાર પ્લસ વર્ક્સ આપતી નોકરી છોડી દેવાની. નોકરી છૂટી જશે તો ઘરની લોનના હપ્તા અને વીમાનાં પ્રીમિયમો કેવી રીતે ભરાશે? ટ્રાવેલ એજન્સી ના ચાલી કે નાટકમાં કામ કર્યા પછી કોઈ મોટો બ્રેક ના મળ્યો તો ફરી પાછી આવી સારી નોકરી નથી મળવાની. પોતાનાથી વધારે યંગ, વધારે ટેલન્ટેડ, વધારે ક્વૉલિફાઈડ લોકો એ જગ્યા લઈ લેવાના. એવું થયું તો? લાઈફ ખલાસ. ખબર પણ ન પડે એ રીતે, જિંદગીને સિક્યૉર્ડ બનાવવાના ખેલમાં આપણે વધારે અસલામતી અનુભવતા થઈ જઈએ છીએ. લાઈફની આવતી કાલનું જે થવાનું હોય તે, મારે આવતી કાલની સલામતી નથી જોઈતી, મારે વૃદ્ધાવસ્થાને નચિંત બનાવવા આજની ઉંમરે ટેન્શનમાં નથી રહેવું. લોન પર ફ્લૅટ ખરીદીને ન ગમતી નોકરી કરીને હપ્તા નથી ભરવા. એને બદલે ભાડાના ઘરમાં રહીને મનગમતા કામની શોધમાં રહેવું સારું અને એવું કામ મળી જાય તો ન ગમતી નોકરી કરતાં ઓછા વળતરે પણ એ કામ કરવું સારું. મેડિક્લેઈમ કે લાઈફ ઈન્શ્યોરન્સ નહીં હોય તો થઈ થઈને શું થશે? ભવિષ્યમાં હૉસ્પિટલભેગા થવું પડશે તો પૈસા ક્યાંથી લાવશો એની ચિંતા હશે એટલું જ ને. લાઈફ ઈન્શ્યોરન્સ નહીં તો પાછલી ઉંમરે નિયમિત આવક નહીં મળે અથવા અણધાર્યા ટપકી ગયા તો પત્ની-બાળકો રઝળી પડશે એટલું જ ને? કોઈ રઝળી નથી પડતું તમારા જવાથી. ખોટી ખાંડ ખાઓ છો. તમે નહીં હો તો બધા પોતપોતાનું કૂટી ખાશે અને ભૂખે મરશે તોય તમને વતાવવા તો કોઈ આવવાનું નથી. આ બધી ભવિષ્યની ચિંતાઓ કરીને શું કામ તમારી આજને રોળી નાખો છો? તમે જેવી ડરામણી કલ્પનાઓ કરો છો એવું ભવિષ્યમાં કદાચ બને અને ચાન્સીસ એવા કે ક્યારેય એવું ન બને. પણ એવું કંઈક બને તો એનો સામનો કરવા માટે આજે તમે જે કંઈ પ્લાનિંગ કરો છો (ઘરની લોન, ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ એટસેટેરા) તેનાથી તમારી આજની વાટ તો પાકે પાયે લાગી જવાની. તમારે એવી જ નોકરીઓ કરવી પડવાની જે તમને પૈસા આપશે પણ સંતોષ નહીં આપે. જે તમારાં ભૌતિક સપનાંઓ પૂરાં કરશે પણ તમારી પૅશનને, તમારી માનસિક ભૂખને કચડી નાખશે. તમે ઝોમ્બીની જેમ નાઈન-ટુ-ફાઈવના ચક્કરમાં ટ્વેન્ટી ફોર બાય સેવન રહેવાના. ફોર ધ લાઈફ ટાઈમ. પાયાનો સવાલ. જિંદગીનો પરપઝ શું? ખાવું પીવું અને પછી? બે ટંક ખાવાપીવા જેટલું કમાવા માટે સમયશક્તિનો ઝાઝો સેક્રિફાઈસ નથી આપવો પડતો. ખાવાપીવા પછીની જે જરૂરિયાતો, કમ્ફર્ટ્સ, માની લીધેલી કમ્ફર્ટ્સ અને તથાકથિત લકઝરીઝ મેળવવા માટે જિંદગી ખર્ચી નાખવાની હોય તો એ જિંદગીનો કોઈ અર્થ નથી. લાઈફમાં કશુંક પરપઝફુલ ન કર્યું, જિંદગી આપણી પૅશન પ્રમાણે ન જીવ્યા તો કલ્પના કરો કે ડેથ બેડ પર તમે કેટલા મિઝરેબલ હશો. જિંદગી મહામૂલી છે, કિંમતી છે, ચોર્યાશી લાખ ભવ પછી માણસ તરીકે જન્મ મળે છે આવું બધું સાંભળ્યા પછી કે વાંચ્યા પછી એમાં ભરોસો રાખીએ કે ન રાખીએ તે આપણી મરજી છે. પણ એટલું તો ખરું જ ને કે આપણી જિંદગી મચ્છર, માખી કે વાંદા જેટલી ક્ષુલ્લક નથી. માણસની જિંદગીમાં કેટલું મોટું પોટેન્શ્યલ છે. લાખો લોકો દર વર્ષે આ પોટેન્શ્યલને એક્સપ્લોર કર્યા વિના જ મરી જાય છે. આજથી શરૂ થતા નવા ફિનેન્શ્યલ યરને દિવસે સંકલ્પ કરવાનો કે મારે મારી જિંદગીની પૂરેપૂરી શક્યતાઓને બહાર કાઢવી છે. મારી ભવિષ્યની સલામતી માટે આજની જિંદગીમાં અસલામતી ઊભી નથી કરવી. મારે મારી પૅશન મુજબ જિંદગી જીવવી છે. મારે મચ્છર, માખી કે વાંદા નથી બનવું. મારી નોંધ : સૌરભભાઈ સાથે એમની આ રજૂઆતમાં સમત થઇ શકાતું નથી . આજની મજા માણવામાં કેટલા કેટલા કલાકારો ભૂખને ભાથે થયા તેની યાદી થોડા સમય પહેલા જ મુંબઈ સમાચારમાં પ્રગટ થઇ હતી .તેઓ દુખી થવાનું મોટું કારણ એ દેખાય કે તેમને પૈસાની કદર કરતા આવડ્યું નહી . જિંદગીના પરપઝ માં લગ્ન, વંશવૃદ્ધિ, કુટુંબની સુખાકારી એ બધા વણ કહેલા પર્પઝો છે જ . તમે તમારા સ્વાર્થને ખાતર તમારી સાથે જીવનારા તરફ બેજવાબદાર ન થઇ શકો . હા પૈસા ભેગા જ કરવામાં જીંદગી જીવવાનું ભૂલી ન જવું જોઈએ જે હાલના સંજોગોમાં થઇ રહ્યું છે . તમારો શોખ અને જવાબદારીને સમતોલ રાખીને જીવન જીવવું જોઈએ . |
Tuesday, April 2, 2013
આવતી કાલને સિક્યૉર્ડ કરવા આજને અસલામત બનાવનારાઓ - સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment