Tuesday, April 30, 2013

એકાસણાનો ખરો અર્થ શું? જૂન પછી કેરી ખવાય કે નહીં? - સૌરભ શાહ


ગુડમોર્નિંગ - સૌરભ શાહ

કાન્તિ મડિયાના એક નાટકમાં નિશા શાહ નામનું પાત્ર પોતાનું નામ બોલતી વખતે કહેતી હતી: નિસાસા... ‘શ’નો ‘સ’ થાય ત્યારે રંગમંચ પર હસાહસ થાય પણ આવું પ્રેક્ટિકલ લાઈફમાં બને ત્યારે અર્થનો અનર્થ થઈ જાય.

એકાસણું એટલે શું? જૈન વાચકો કહેશે કે એ તો બધાને ખબર હોય. દિવસમાં એક જ વખત આસન પર બેસીને ભોજન કરવું. ખોટી વાત. એકાસન શબ્દનું મૂળ એકાશન છે. એક અશન. અશન એટલે રાંધેલો ખોરાક. અર્થાત દિવસમાં એક વખત રાંધેલો ખોરાક લેવો એને એકાશન કહેવાય. આની પાછળની ભાવના એ કે એક જ વખત રાંધેલો ખોરાક લીધો હોય અને એ પણ અલ્પ પ્રમાણમાં જેથી આત્મસાધના કે સ્વાધ્યાયમાં બેસીએ ત્યારે સુસ્તી ન આવે.

પણ વ્યવહારમાં બને છે એવું કે કેટલાક એક પાટલા પર બેસી બ્રશ કે મુખશુદ્ધિ કરે અને પછી લગભગ એક કલાક સુધી અતિપ્રમાણમાં ભોજન કરે.

આ અને આવી અનેક આંખ ખોલનારી વાતો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તાજેતરમાં પ્રગટ થયેલા એક જબરજસ્ત ક્રાંતિકારી પુસ્તક ‘મરમનો મલક’માં છે. પુસ્તકના લેખક છે શહેરના અગ્રણી જૈન વિચારક સુરેશ ગાલા.

મુંબઈ જૈન યુવક સંઘ પાસે ભવ્ય ભૂતકાળ અને આદરણીય વર્તમાન છે. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહે આ સંસ્થા હેઠળ અનેક ક્રાંતિકારી કાર્યો કર્યાં, જેમાંનું એક કામ હતું એ જમાનામાં આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા વિચારકનું તેજાબી પ્રવચનનું આયોજન. સંસ્થાના મુખપત્રને ‘પ્રબુદ્ધ જૈન’માંથી ‘પ્રબુદ્ધ જીવન’ બનાવવામાં આવ્યું ત્યારે એમાં જીવન વિશે વિચારતા કરી મૂકે એવા અનેક લેખો ગુજરાતી ભાષાના જાણીતા લેખકોએ લખ્યા. અત્યારે આ પત્ર ડૉ. ધનવંત શાહના તંત્રીપદે પ્રગટ થાય છે. અગાઉ મુંબઈ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ સંભાળતા સ્વ. રમણલાલ ચી. શાહ તંત્રી હતા.

આવી ઉમદા સંસ્થા જ્યારે જૈન ધર્મને લગતી કેટલીક ગેરમાન્યતાઓ દૂર કરતું બોલ્ડ પુસ્તક પ્રગટ કરે એ ઘણી મોટી ઘટના કહેવાય. સવા બસો પાનાંના પુસ્તકમાં સુરેશ ગાલાએ છ દીર્ઘ નિબંધો લખ્યા છે. પ્રથમ પાંચ નિબંધ જૈન ધર્મના અભ્યાસુ કે જિજ્ઞાસુઓ માટે છે. છઠ્ઠો નિબંધ ‘શું જૈન ધર્મ જીવનવિરોધી છે?’ ક્રાંતિકારી વાતોથી ઠાંસીઠાંસીને ભરેલો છે.

લેખક સુરેશ ગાલા જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે અને એમની સમગ્ર જીવનશૈલી જૈન ધર્મનાં ઉત્તમોત્તમ તત્ત્વોથી છલોછલ છે. સુરેશ ગાલા વૈજ્ઞાનિક મિજાજના માણસ છે અને ધર્મ માટે અપાર શ્રદ્ધા ધરાવનાર છે. આ બેઉ પાટા પર એમના તર્કની ગાડી સમતોલપણે ચાલે છે અને એટલે જ પરંપરાગત વાતોને તેઓ જે રીતે આધુનિક સંદર્ભમાં મૂલવે છે તે તરત ગળે ઊતરી જાય છે.

દાખલા તરીકે એક સાદી સીધી વાત લઈએ - કેરી. સુરેશ ગાલા કહે છે કે સામાન્ય રીતે એકવીસ કે બાવીસમી જૂને આર્દ્રા નક્ષત્ર બેસે એટલે કેરી ના ખવાય એવી પરંપરા જૈનો પાળતા આવ્યા છે. ૨૧મી જૂનથી ભારતમાં શરીર માટે વાયુ પ્રકોપનો કાળ શરૂ થાય અને પાચનશક્તિ મંદ પડે. આયુર્વેદની દૃષ્ટિએ કેરી વાયુ કરે એટલે આ નિયમ શરૂ થયો.

પણ આજના જમાનાની વાત જુદી છે. તે કાળમાં વાહનવ્યવહારની સગવડ નહોતી, બીજા પ્રદેશોમાંથી કેરીનો પાક આવી શકતો નહીં. મહારાષ્ટ્રમાં રત્નાગિરીનો કે ગુજરાતમાં વલસાડની કેરીનો પાક જૂનની ૧૫ તારીખની આસપાસ પૂરો થઈ જાય. એટલે આર્દ્રા નક્ષત્ર સાથે બધું બંધબેસતું થઈ જતું. એ જમાનામાં કેસર કેરીની ખેતી થતી નહીં. એટલે વીસ જૂન પછી કેરી મળતી જ નહીં.

પણ, સુરેશ ગાલા કહે છે એમ, ઉત્તર ભારતમાં લખનૌ તરફ એવી કેરી થાય છે જેના પર પાણી પડે તો જ એ કેરી પાકે. દા.ત. દશહરી, લંગડો આદિ. દિલ્હી અને લખનૌમાં આર્દ્રા નક્ષત્રનો નિયમ કેવી રીતે લાગુ પડે? એટલું જ નહીં અમેરિકા અને યુરોપમાં ૨૨મી જૂને ઉનાળો બેસે અને ત્યારે જ અમેરિકામાં મેક્સિકોથી કેરી આવતી હોય છે. ત્યાં આ નિયમ કેવી રીતે લાગુ પડી શકે?

કેરીનું સાદું ઉદાહરણ આપીને સુરેશ ગાલાએ ધર્મ વિશે જે વાત કરવી છે તે અતિ ગંભીર અને વિચારણીય છે. તેઓ કહે છે સ્થળ બદલાય, કાળ બદલાય એટલે નિયમોમાં, તંત્રમાં પરિવર્તન આવવું જોઈએ.

સુરેશ ગાલાને ચિંતા એ છે કે અત્યારના જૈન ધર્મમાં સાધુઓ માટે કેટલાક નિયમો એવા છે જેને કારણે જૈન ધર્મ જીવનવિરોધી છે એવી છાપ ઊભી થઈ છે. લેખકે પાંચ મુદ્દા લીધા છે જેમાંનો એક છે ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો નહીં. એક દાખલો તેઓ આપે છે. એમના એક પરિચિત સાધ્વીજી સવારે એમના ઘરે વહોરવા પધાર્યા. સાત વાગ્યે બારણું ખખડાવ્યું પણ તે સમયે ડ્રોઈંગ રૂમમાં કોઈ હોય નહીં, એટલે કોઈએ સાંભળ્યું નહીં. સાધ્વીજીએ વીજળી વર્જ્ય ગણી હતી એટલે બેલ મારી નહીં અને એમને એમ પાછાં જતાં રહ્યાં. બીજે દિવસે ગાલા અપાસરામાં એમનાં દર્શને ગયા ત્યારે સાધ્વીજીએ આ વાત કરી. સુરેશભાઈએ કહ્યું, ‘તમે બેલ ન મારો તો અમને ખબર કેમ પડે કે કોઈ આવ્યું છે?’ પણ સાધ્વીજી માટે બેલ મારવી ધર્મ વિરુદ્ધની વાત હતી.

આટલી વાત કરીને લેખક કેટલીક સરસ માહિતી આપે છે. એન્ટવર્પમાં જૈન દેરાસર છે. એમાં હીટિંગની વ્યવસ્થા છે. એન્ટવર્પમાં શિયાળામાં માઈનસ ૨૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન રહેતું હોય ત્યારે હીટિંગ વગર કેવી રીતે જીવી શકાય? મલેશિયાના ઈપો શહેરમાં જૈન દેરાસર છે, જેમાં એરકંડિશનર મૂક્યું છે. ઈપો શહેરમાં ઉનાળામાં સખત ગરમી પડે છે અને એસી વગર રહેવું ભારે કપરું હોય છે. લેખક કહે છે કે જૈન સાધુઓ ગોચરી વહોરે છે, કપડાં પહેરે છે, પુસ્તકો છપાવે છે. આ બધામાં વીજળીનો ઉપયોગ અનિવાર્ય છે. શું કોઈ સાધુ કહી શકશે કે વીજળીનો જેમાં વપરાશ હશે એવી કોઈપણ વસ્તુ મને નહીં ખપે?

બહુ વાજબી સવાલ છે આ. દેરાસર કે અપાસરાના ક્ધસ્ટ્રક્શનમાં પાયો ખોદાય ત્યારથી અને સિમેન્ટ વગેરે આવતી થાય ત્યારથી વીજળી કે વીજળીથી બનેલાં ઉત્પાદનોનો ઉપયોગ શરૂ થઈ જાય છે.

સુરેશ ગાલા ચિંતાતુર સ્વરે લખે છે: ‘ધર્મને નામે ઈલેક્ટ્રિસિટીનો વિરોધ કરવો એ સમજદારીની વાત નથી. આવા વિરોધને કારણે પણ જૈનધર્મની જીવનવિરોધીની છાપ ઊભી થઈ છે.’

તિથલસ્થિત બંધુ ત્રિપુટીમાંના પૂજ્ય કીર્તિચંદ્ર મહારાજને અર્પણ થયેલા આ પુસ્તકના લેખકે આ જ મહારાજ સાહેબની પ્રેરણાથી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં પ્રવચનો આપવાની શરૂઆત કરી હતી. એ પ્રવચનોના વિષયો પણ એમણે પુસ્તકમાં સમાવેલા છે. પંડિત સુખલાલજી, જે. કૃષ્ણમૂર્તિ, રજનીશ, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેના અભ્યાસી એવા લેખક સુરેશ ગાલાને ભગવદ્ગીતા, ઉપનિષદ, પાતંજલ યોગસૂત્ર, સંત સાહિત્ય તેમ જ અફકોર્સ જૈન ધર્મનો ઊંડો અભ્યાસ છે. અગણિત સાધુસંતો સાથે બેસીને એમણે ધર્મચર્ચાઓ કરી છે. આ પુસ્તકમાં એમણે આ સર્વનો નીચોડ આપ્યો છે અને આ પુસ્તકના નીચોડનો શેષ ભાગ કાલે. 


"અમુક ખાવું કે અમુક ન ખાવું એનું નામ વ્રત નથી
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

હાઈવે પર વિહાર કરતાં જૈન સાધુ-સાધ્વીજીઓ ક્યારેક બેદરકારીથી ચાલતાં વાહનોની અડફેટે આવી જાય છે ત્યારે સૌ કોઈને હૃદયથી ઊંડું દુ:ખ થાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સમી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા પ્રગટ થયેલા જૈન વિદ્વાન અને વિચારક સુરેશ ગાલાએ લખેલા પુસ્તક ‘મરમનો મલક’માં આ સમસ્યા વિશે તેમ જ બીજા કેટલાંક પ્રશ્ર્નોની પણ ચર્ચા કરી છે. આમાંનો એક મુદ્દો ચોવિયાર (ચૌવિહાર)નો છે.

સુરેશ ગાલા પુસ્તકમાં જણાવે છે કે આત્મસાધનાના માર્ગમાં એક યૌગિક ક્રિયા એવી આવે છે જે સૂર્યના પ્રકાશમાં થઈ શકે નહીં. ચૌવિહાર પાછળનું રહસ્ય એ છે કે સાંજે છ વાગ્યે હળવું ભોજન લેવું જેથી એના ત્રણ કલાક પછી, રાતના નવ વાગે આત્મસાધનામાં બેસી શકાય કારણ કે ભોજન અને સાધના વચ્ચે ત્રણ કલાકનો ગાળો જરૂરી છે. લેખક કહે છે કે સૂર્યાસ્ત પહેલાં જમી લેવું આરોગ્યની દૃષ્ટિએ તો ઉત્તમ જ છે પણ ચોવિયારનો હેતુ માત્ર એ નથી. ચોવિયાર કર્યા પછી રાત્રે પિકચર જોવા જવું કે ટોળટપ્પાં કરવા કે સાંસારિક ક્રિયાઓ કરવી - આ બધામાં ચોવિયારની સાર્થકતા નથી.

આ સંદર્ભમાં ફરીદ નામના એક સૂફી સંતની સાખી ટાંકીને સુરેશ ગાલા સમજાવે છે કે બ્રાહ્મમુહૂર્તમાં આત્મસાધના કરવાથી સાધનામાં તીવ્રતા આવે છે અને મન તરત જ સ્થિર થઈ જાય છે. ધારો કે મુંબઈનું કોઈ માણસ જપાનના શેરબજારમાં સોદા પાડતું હોય તો એણે ભારતીય સમય મુજબ સવારે ચાર વાગે જાગી જવું પડે કારણ કે એ સમયે જપાનમાં આઠ વાગી ગયા હોય જે ત્યાંનું શેરબજાર શરૂ થવાનો સમય છે. જે માણસ બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને શેરબજારના સોદા પાડતો હોય એને બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાને લીધે થતા ફાયદાઓ ન મળે એ સ્વાભાવિક છે. ચોવિયારનું પણ આવું જ છે.

ઉપવાસ અને અહિંસા વિશે પણ આ પુસ્તકમાં વિગતે ચર્ચા થઈ છે. આવી જ એક ચર્ચા સાધુઓએ વાહનોનો ઉપયોગ કરવો કે નહીં તે અંગેની કરી છે. આ વિષય પર છેલ્લા ઘણા દાયકાઓથી જૈન સમાજમાં અવારનવાર ચર્ચાઓ થતી રહી છે. સરેશ ગાલા કહે છે કે આજથી સો વર્ષ પહેલાં યાંત્રિક વાહનોની શોધ નહોતી થઈ એ વખતે પશુચાલિત વાહનમાં બેસવા કરતાં પાદવિહાર કરવો સાધુઓ માટે ઈષ્ટ હતું. આજના જમાનામાં સ્થિતિ એ છે કે મુંબઈમાં ઘાટકોપરથી વિહાર કરીને અંધેરી જવું હોય તો રસ્તા પરની ગંદકી અને પ્રદૂષણ સહન કરવાં પડે, અકસ્માત થવાનો ભય રહે અને ખોટો સમય બગડે. સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાં ઘણાં સ્થાનકવાસી જૈન કુટુંબોએ જૈન સાધુઓનો સંપર્ક નહીં હોવાને કારણે સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવી લીધો છે. માડાગાસ્કરની રાજધાની એન્તાનાનારાવોમાં ઘણાં જૈન કુટુંબોએ વૈષ્ણવ સંપ્રદાય અપનાવ્યો છે કારણ કે ત્યાં જૈન મંદિર નથી. અમેરિકા અને આફ્રિકા, બ્રિટનમાં લાખો જૈનો વસે છે અને એમનાં બાળકોમાં જૈન ધર્મના સંસ્કાર ટકી રહે એ માટે પણ જૈન સાધુઓએ વાહનના ઉપયોગ વિશે ફેરવિચારણા કરવી જોઈએ.

આની સામે મલેશિયામાં લગભગ ૪૦૦ સ્થાનકવાસી જૈન કુટુંબો છે. ૨૦૦૧માં ત્યાં બંધુત્રિપુટી મહારાજ સાહેબની પ્રેરણાથી દેરાસરની પ્રતિષ્ઠા થઈ. મલેશિયામાં જૈન ધર્મ ટકી ગયો. બંધુત્રિપુટી મહારાજ સાહેબે વાહનનો ઉપયોગ કર્યો તો સાઉથ ઈસ્ટ એશિયામાં પહેલવહેલું શિખરબદ્ધ દેરાસર બન્યું.

નિયમનું હાર્દ સમજ્યા વગર માત્ર બાહ્ય આચરણને જ ધર્મક્રિયા માની બેસવાની ભૂલને કારણે જે પરંપરા ઊભી થાય છે એનું એક ઉદાહરણ લેખકે મુખશુદ્ધિ અને દંતશુદ્ધિનું આપ્યું છે. પર્યુષણના ઉપવાસ દરમ્યાન મુખશુદ્ધિ ન કરવાને લીધે અપાસરામાં ઘણાનાં મોઢામાંથી વાસ આવે છે એવી ફરિયાદ લેખકને એક યુવાને કરી હતી. એક જૈન ડેન્ટિસ્ટે લેખકને કહેલું કે આપણા સાધુઓ દાંતની ટ્રીટમેન્ટ માટે મારી પાસે આવે છે ત્યારે એમના દાંતની સ્થિતિ જોઈને થાય છે કે ધર્મના નામે આ શું થઈ રહ્યું છે. લેખક સમજાવે છે કે જેઓ સાધનામાં ઘણા ઊંડા ઊતરી જાય તેઓને ચોવીસ-છત્રીસ કલાક પછી દેહભાન આવતું હોય છે. આ દરમ્યાન એમને નહાવાનું તો શું મોઢું સાફ કરવાનું પણ ધ્યાનમાં આવતું નથી. આવી વ્યક્તિઓ માટે એ ગાળા પૂરતો સ્નાન કે દંતશુદ્ધિનો આગ્રહ ન હોય એ સ્વાભાવિક છે. આવા તપથી ચિત્તશુદ્ધિ થતી હોય છે, તે દરમ્યાન દેહશુદ્ધિ વિસરી જવી પડે.

જૈન સાધુઓ અને કેટલાક શ્રાવકો કુદરતી હાજત માટે જાજરૂનો ઉપયોગ કરતા નથી એ વિશે પણ લેખકે પોતાની વેદના ઠાલવી છે. કેટલાક દાખલાઓ આપીને તેઓ કહે છે કે શહેરોમાં આને કારણે કેવી રીતે ગંદકી ફેલાય છે. મળનો નિકાલ કરવાનું કામ અમુક વ્યક્તિઓને મજૂરી પેટે પૈસા આપીને કરાવવામાં આવે છે. લેખક અહીં રોકડો સવાલ કરે છે કે ધર્મને નામે આવી ગંદકી કેવી રીતે કરી શકાય? લેખક સ્પષ્ટ શબ્દોમાં કહે છે: ‘આવા સ્વચ્છતાવિરોધી, વિજ્ઞાનવિરોધી, માનવતાવિરોધી નિયમને દૂર કરવો જોઈએ. જેને આવા નિયમો પાળવા હોય એ ભલે જંગલમાં રહે. એણે શહેરમાં આવવું જોઈએ નહીં. આવા નિયમો જંગલમાં પળાય, શહેરમાં નહીં.’

‘મરમનો મલક’ પુસ્તકના છમાનો એક નિબંધ આ પ્રકારના અનેક વિષયોની ચર્ચા કરે છે. પુસ્તકના ૮૦ ટકા કરતાં વધુ હિસ્સામાં જૈન ધર્મના વિવિધ આધ્યાત્મિક પાસાંઓની ખૂબ જ સરળ ભાષામાં ગંભીર ચર્ચાઓ થઈ છે. પ્રથમ નિબંધના આરંભમાં જ હરિભદ્રસૂરિ મહારાજસાહેબને ટાંકીને લેખક કહે છે: ધર્મનો અર્થ સમજવાની ઈચ્છા ધરાવનારે સૂક્ષ્મબુદ્ધિથી એટલે કે અનેકાંત દૃષ્ટિથી, ધર્મનો અર્થ સમજવો જોઈએ. જો ધર્મબુદ્ધિથી એટલે કે સાંપ્રદાયિક માન્યતાઓથી ધર્મનો અર્થ સમજવાનો પ્રયત્ન થશે તો ધર્મની હાનિ થશે અર્થાત્ ધર્મનો યોગ્ય અર્થ નહીં સમજાય.

‘તપ’ શીર્ષક ધરાવતા આ પ્રથમ નિબંધમાં લગભગ સો વર્ષ પહેલાંનાં એક પુસ્તકમાં પ્રગટ થયેલા મુનિશ્રી જયવિજયજીના લેખને ટાંકવામાં આવ્યો છે. મુનિશ્રીએ એ જમાનામાં લખ્યું હતું: ‘આઠ, દસ કે બાર વર્ષની છોડીઓને વધારે ઉપવાસ કરાવવાથી તેમના શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થઈ શકે છે. ગર્ભાશય સંકુચિત થઈ જવાની શકયતા વધી જાય છે. પરિણામે પ્રસૂતિ સમયે ભયંકર પીડા ઉપજી શકે છે અને ક્યારેક મરણાધીન પણ થઈ શકાય છે... અમુક ખાવું કે અમુક ન ખાવું એનું નામ વ્રત નથી. વૃત્તિઓથી વિરામ પામવું એનું નામ વ્રત છે.’

‘ચૌદ ગુણસ્થાન’ની ચર્ચા કરતા બીજા નિબંધમાં લેખકે ગહન વિષયને પ્રજા સુધી પહોંચાડવા માટે ડાકોટા પ્લેન જેવી સુંદર ઉપમાઓ મૂકી છે. સામાયિક પ્રતિક્રમણ વિશે સાદી ભાષામાં વિશ્ર્લેષણ કર્યું છે. આ ઉપરાંત ‘ષડ્ આવશ્યક’, ‘ગણધરવાદ’ અને ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ/ સૂર્ય-ચંદ્ર પ્રજ્ઞપ્તિ’ નામના દીર્ઘનિબંધો જૈન ધર્મ પાળતા જિજ્ઞાસુઓને જ માત્ર નહીં પણ જીવનમાં, ધર્મમાં તથા અધ્યાત્મમાં રસ ધરાવતી કોઈપણ વ્યક્તિની આ વિષયની જાણકારીમાં ખૂબ મોટો ઉમેરો કરે છે.

સુરેશ ગાલા માત્ર એક સારા વાચક જ નથી, સારા લેખક પણ છે. ‘મરમનો મલક’ની પ્રસ્તાવના બાંધતાં પુસ્તકના પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી ડૉ. ધનવંત શાહે લેખકની શૈલી વિશે સાચું જ નિરીક્ષણ કર્યું છે: ‘... ભાષા સરળ છે, લેખકે પોતાના વિધાનની પુષ્ટિ માટે મબલખ કાવ્યપંક્તિઓ તેમ જ દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે... અને વાચકપક્ષે એ શિરાની જેમ ગળે ઊતરી જાય છે...’

No comments:

Post a Comment