Wednesday, June 19, 2013

ઘર એક મંદિર - મહેન્દ્ર પુનાતર

ઘર એક મંદિર: પારિવારિક શાંતિ સાચા સુખનો આધાર
જીવન અને વહેવારમાં ધર્મ જેટલો ઊતરવો જોઈએ તેટલો ઊતર્યો નથી. ધર્મના પ્રભાવની સાથે જીવન જે રીતે ખીલવું જોઈએ તે ખીલ્યું નથી. ધર્મના રંગે રંગાયેલા માણસોના ચહેરાઓ મુરઝાયેલા કેમ? માણસ મંદિરમાં જેવો દેખાય છે તેવો ઘરમાં બની રહે તો ઘર નંદનવન બની જાય. ધર્મ એ જીવન જીવવાની કલા છે, પણ આપણે તેને સાચી રીતે સમજતા નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ધર્મનો પ્રભાવ ચોમેર વધ્યો છે. મંદિરો, દેરાસરો, હવેલીઓ, ઉપાશ્રયો અને ધર્મસ્થાનકોમાં લોકોની ભીડ વધી છે. કથાઓ, વ્યાખ્યાનો, આધ્યાત્મિક શિબિરો અને પ્રવચનોમાં મોટી સંખ્યામાં લોકો ઊભરાય છે. મોટા ભાગના લોકો નતમસ્તકે ધ્યાનપૂર્વક સાંભળતા હોય એવું લાગે છે. જીવન અને ધર્મ અંગે જાણવાની લોકોની જિજ્ઞાસા વધી છે. આમ છતાં ધર્મની જીવન પર જે અસર થવી જોઈએ તે થતી નથી. વર્તમાનમાં કોઈ પણ માણસ સાચા અર્થમાં સુખી નથી. ધર્મના પ્રભાવની સાથે જીવન જે રીતે ખીલવું જોઈએ તે ખીલ્યું નથી. પારિવારિક શાંતિ સાચા સુખનો આધાર છે. તેમાં ઠેર ઠેર ગાબડાં પડ્યાં છે. ધાર્મિક માણસ વધુ શાંત, સરળ અને સહજ હોવો જોઈએ. તેનું ઘર શાંતિનું મંદિર બનવું જોઈએ. ધર્મના રંગે રંગાયેલો માણસ પણ આટલો દુ:ખી અને વ્યથિત કેમ? ધર્મનો પ્રભાવ છતાં સમાજ ખોખલો કેમ બનતો જાય છે? સંપ્રદાયો, ધર્મના ઝઘડાઓ અને વાદવિવાદો કેમ વધતા જાય છે? આ બધા પ્રશ્ર્નોનો જવાબ એટલો સરળ નથી પણ એક વાત ચોક્કસ છે કે જીવન અને વહેવારમાં ધર્મ જેટલો ઊતરવો જોઈએ તેટલો ઊતર્યો નથી. ધર્મ એ જીવન જીવવાની કળા છે, પરંતુ ધર્મને આપણે સાચી રીતે સમજતા નથી. આપણે આપણી રીતે તેનું અર્થઘટન કરીએ છીએ. ધર્મની વાત સાંભળવી સારી લાગે છે, પણ તેનું અનુશરણ થઈ શકતું નથી. આપણા સ્વભાવ અને વલણમાં કાંઈક પાયાની ખામી છે. ધર્મ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે, પણ આપણે આડેપાટે ચડી ગયા છીએ. આપણે ધર્મને આપણા ચોકઠામાં ફિટ કરી દીધો છે. આપણે જે કાંઈ કહીએ અને કરીએ તે જ સાચું, બીજું બધું ખોટું એમ માનીએ છીએ એટલે સાચી દિશા સૂઝતી નથી અને તેનાં ઘણાં કારણો છે. દંભ અને દેખાવ વધ્યો છે. આપણે જે કાંઈ છીએ તેના કરતાં જુદું જીવીએ છીએ. બહારનું અને અંદરનું જીવન અલગ છે. ધર્મનું મહોરું પહેરી લીધું છે પણ વહેવાર એટલો શુદ્ધ જણાતો નથી. સ્વાર્થ આવે ત્યારે માણસ જૂઠ અને કપટ આચરતાં અચકાતો નથી. ક્રોધ, લોભ અને મોહ છૂટતો નથી. પ્રેમ, દયા અને કરુણાનાં ઝરણાંઓ જે વહેવાં જોઈએ તે દિલમાં વહેતાં નથી. બહારથી માણસ સદાચારી લાગે છે, પરંતુ ભીતરનું જીવન ધર્મથી તદ્દન વિમુખ છે. ધર્માત્માઓનું જીવન અને આચરણ પણ જુદું ભાસે છે. તેઓ જોઈએ તેટલો પ્રેરણાનો સ્ત્રોત બની શક્યા નથી.

બીજું કારણ છે માણસ જાણ્યે-અજાણ્યે હિંસામાં પ્રવૃત્ત છે. આપણે રોજબરોજ સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા આચરતા રહીએ છીએ. હિંસા દૂર થાય નહીં ત્યાં સુધી પ્રેમ પ્રગટ થઈ શકે નહીં. ક્રોધ, લોભ અને મોહ પણ હિંસાનાં સૂક્ષ્મ સ્વરૂપો છે. આ ત્રણે એકબીજા સાથે સંકળાયેલાં છે. તેમાં માણસ પોતે શું કરે છે તેનું ભાન રહેતું નથી, ન કરવાનું કરી બેસે છે. પ્રગટ, અપ્રગટ હિંસાના ભાવો દૂર થાય નહીં ત્યાં સુધી મૈત્રીભાવના વિકસિત થઈ શકે નહીં.

ત્રીજું કારણ છે મંદિરનો ધર્મ ઘર અને દુકાન સુધી પહોંચતો નથી, પરંતુ દુકાનો મંદિર સુધી પહોંચી ગઈ છે. મંદિરમાં અને દેરાસરમાં માણસ પ્રભુ સામે બે હાથ જોડીને ઊભો હોય ત્યારે તેના ભાવો જોઈને આપણને એમ લાગે કે આ માણસ હવે જીવનમાં કદી ખોટું કરશે નહીં, પરંતુ મંદિરનાં પગથિયાં ઊતરતાંની સાથે જ ધર્મ વીસરાઈ જાય છે અને દુકાનો સુધી પહોંચ્યા પછી ધર્મ ધર્મ રહેતો નથી, પણ પાકો વહેવાર બની જાય છે. માણસ મંદિરમાં જેવો દેખાય છે તેવો ઘરમાં રહે તો ઘર નંદનવન બની જાય, પરંતુ આવું બનતું નથી. કૌટુંબિક વિખવાદ, સ્વાર્થના આટાપાટા, આ તારું અને આ મારું, હું કહું એ જ સાચું, પૈસાનો લોભ, આ બધાના કારણે જીવન કલૂષિત બની ગયું છે. જેની પાસે છે અને જેની પાસે નથી એ બંનેની સ્થિતિ સરખી છે. ધર્મ પોથીમાંનાં રીંગણાં જેવો બની ગયો છે.

ચોથું કારણ આપણે અહંકારમાં જીવી રહ્યા છીએ. ચોમેર બહોશી, કેફ અને નશો છે. કોઈને તનનું, કોઈને ધનનું તો કોઈને પદ-પ્રતિષ્ઠાનું અભિમાન છે. આપણો અહંકાર જ આપણું નુકસાન કરે છે. સુખેથી રહેવા દેતો નથી.

એક સૂફી સંત પાસે એક માણસ આવ્યો અને તેનાં વખાણ કરવા લાગ્યો. તેણે કહ્યું, ‘આપ સાક્ષાત્ ભગવાન છો. આપનાં દર્શનથી હું ધન્ય થઈ ગયો. આપ સર્વ વ્યાપી, પરમ જ્ઞાનિ, મહાન આત્મા છો. દુ:ખી અને ગરીબોના બેલી છો.’ આવું બધું આ માણસ બોલતો રહ્યો અને સંત સાંભળતા રહ્યા પણ કશું બોલ્યા નહીં.

આ માણસ ગયા પછી તુરત બીજો એક માણસ આવ્યો. તેને સંત સાથે કાંઈ વાંકું પડ્યું હશે. આવતાંની સાથે તે ગમેતેમ બોલવા લાગ્યો. તેણે સંતને લુચ્ચા, લફંગા, ધુતારા કહ્યા અને ગાળો આપી. છેવટે થાક્યો એટલે બૂમબરાડા પાડીને ચાલ્યો ગયો.

આ માણસ ગયા પછી ત્યાં બેઠેલા શિષ્યોએ સંતને કહ્યું, ‘આ માણસ આટલો બધો બકવાસ કરી ગયો અને તમે કશું બોલ્યા નહીં...’

સંતે કહ્યું, ‘તેણે કશું ખોટું કર્યંુ નથી. હું તેનો ઉપકારી છું. મારું સંતુલન ડગી ગયું હતું તેણે ઠીક કરી દીધું છે. આ પહેલા આવેલા માણસે મારી ભારોભાર પ્રશંસા કરીને મારા અહંકારના પારાને ઊંચે ચડાવી દીધો હતો. આ માણસે આવીને તેને નીચે ઉતારી દીધો છે. હવે હું મૂળ સ્થિતિ પર પાછો આવી ગયો છું.’

પ્રશંસા, ખુશામત ભલભલાને ડગમગાવી નાખે છે. એક વખત તેનો નશો ચડ્યા પછી ઊતરતો નથી. તે માણસને ખુવાર કરી નાખે છે.

પાંચમું કારણ છે મોહ અને આસક્તિ. ઈચ્છાઓ અનંત છે. તે કદી પૂરી થતી નથી. બધાની ખુશીનું અંતર એક કદમ દૂર છે. ગમે તેટલું મળ્યા પછી પણ એક કદમ દૂર જ રહે છે. માણસને જીવનમાં જે કાંઈ મળ્યું છે તેમાં રાજી નથી. જે નથી મળ્યું તે આંખમાં ખટકે છે.

મોહનો અર્થ છે આપણે આપણામાં નહીં, પરંતુ બીજી કોઈ વસ્તુમાં જીવી રહ્યા છીએ. કોઈને પુત્રમાં, કોઈને પત્નીમાં તો કોઈને તિજોરીમાં મોહ રહેલો હોય છે. તેના વગર તેને જીવન અધૂરું લાગે છે. જેના પ્રત્યે મોહ હોય તેના પ્રત્યે માણસ આસક્ત બની જાય છે. કોઈને તિજોરી લૂંટાઈ જાય કે કોઈની ખુરશી ખેંચાઈ જાય તો મોહને વશ થયેલો તે માણસ ખતમ થઈ જશે, કારણ કે તેનો જીવ તેમાં ચોંટેલો હતો. આ મોહ સંસાર છે. જ્યાં આપણે જીવ રાખી દીધો તેના દાસ બનીને રહેવું પડશે. જે વસ્તુને આપણે પકડીશું તેના ગુલામ બની જઈશું. તેના વગર આપણને નહીં ચાલે. અને જે વસ્તુને જોરથી પકડી રાખીશું તે પકડ ઢીલી થઈ જતાં છટકી જશે અને તેને ગુમાવવાનો વારો આવશે ત્યારે દુ:ખ અને પીડાનો પાર નહીં રહે. કોઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ ઓછું થશે તો મોહ ધીરે ધીરે ખતમ થઈ જશે. પછી કોઈ ચીજ પ્રત્યે આસક્તિ નહીં રહે. ઉંમરની સાથે સંસારનાં સુખો બદલાયા કરે છે. આપણી અંદર જે વસ્તુ જોર કરતી હોય તે સંસાર બની જાય છે. આપણે તેને રંગોથી ભરી દઈએ છીએ. રાગનો અર્થ છે આસક્તિ. જેના પ્રત્યે રાગ અને આસક્તિ હોય તે આપણે મન સુંદર બની જાય છે અને આપણે તેનાથી મોહિત બની જઈએ છીએ.

ધર્મ જીવનમાં ઊતરતો નથી તેનું છઠ્ઠું કારણ છે સ્નેહ અને પ્રેમનો અભાવ. જીવનમાં પ્રેમનાં ઝરણાંઓ સુકાઈ ગયાં છે. તેમાં રાગ-દ્વેષનું પ્રદૂષણ ફેલાઈ ગયું છે. માણસ વિકસવાના બદલે સંકુચિત બની રહ્યો છે. પ્રેમને આપણે ઘરમાં કેદ કરી દીધો છે. એકદમ નજીકના માણસો સિવાય કોઈના પ્રત્યે પ્રેમભાવના રહી નથી. પ્રેમનું આ ફલક વિસ્તરવાના બદલે સંકોચાઈ ગયું છે. હવે તેનો વિસ્તાર પત્ની અને સંતાનો પૂરતો સીમિત બની ગયો છે. માત-પિતા, ભાઈ-બહેનો પણ આમાંથી બાકાત થતાં જાય છે. પ્રેમ વિના દુનિયા નિર્ધન છે. પ્રેમ જીવનનું અમૃત છે. પ્રેમ હોય ત્યાં હિંસા સંભવિત નથી. બીજાને દુખ આપવાનો વિચાર પણ આવી શકે નહીં. સામાનું દુ:ખ આપણું દુ:ખ બની જાય. પ્રેમમાં માત્ર ફરજ અને કર્તવ્ય નહીં, પરંતુ સંપૂર્ણ સમર્પણ હોય છે.

મનુષ્ય જીવન દુર્લભ છે, પરંતુ તેનો બોધ થતો નથી. જીવનની યથાર્થતા સમજાય એ પહેલાં જીવન વેડફાઈ જાય છે. જે વસ્તુ હાથમાં હોય છે ત્યાં સુધી ખ્યાલ આવતો નથી, પરંતુ હાથમાંથી છટકી જાય છે ત્યારે તેની કિંમત સમજાય છે. જીવનમાં પણ આવું બને છે. મોત જ્યારે દરવાજો ખટખટાવે છે ત્યારે જીવનનું મૂલ્ય સમજાય છે. માણસ આવતી કાલનો વધુ વિચાર કરે છે. સમગ્ર જીવન ભવિષ્ય પર નિર્ભર છે. આવતી કાલની ચિંતાઓ, ઈચ્છાઓ અને વાસના કેડો છોડતી નથી. અસ્તિત્વ વર્તમાનમાં હોય છે અને વર્તમાનમાં રહે છે. જીવનમાં આજની ક્ષણ મહત્ત્વની છે. માણસ આજને માણી શક્તો નથી. ભવિષ્યની ચિંતામાં આજનાં સુખોને ગુમાવી દે છે. ધર્મ હંમેશાં વર્તમાનમાં રહે છે. આજે જે જામી જાય છે તેને આવતી કાલ સુધી રાહ જોવાની જરૂર નથી. જીવનને આજની સાથે જોડી દઈને અને તેની ક્ષણેક્ષણ માણીએ તો જીવન ખુદ ધર્મ બની જાય.

Wednesday, June 12, 2013

પૈસા ‘બહુત કુછ’ હૈ, પણ ‘સબ કુછ’ નહીં - મહેન્દ્ર પુનાતર


જીવનમાં જે ચાર પુરુષાર્થ કહ્યા છે તેમાં ધર્મ પછી ધન છે. આમ છતાં ધન સર્વસ્વ નથી. માત્ર એક સાધન છે. એનાથી સુખ મળશે એ પણ નિશ્ર્ચિત નથી. કોઈ પણ વસ્તુની માલિકી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે તેની ગુલામી પણ સ્વીકારી લેવી પડે છે. જેટલી કીમતી વસ્તુ આપણી પાસે હોય એટલો ભય વધારે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવનમાં પૈસાનું શું મહત્ત્વ છે. ધન કેટલું જરૂરી છે. ધર્મની દૃષ્ટિએ ધન અને ત્યાગમાં માણસનું શું વલણ હોવું જોઈએ અને તેની મર્યાદા કેટલી? આવા બધા પ્રશ્ર્નો દરેકના મનમાં ઊઠતા હોય છે અને કેટલીક વખત લોકોને આ અંગે જાણવાની જિજ્ઞાસા પણ ઊભી થતી હોય છે. સંતો અને મુનિ મહારાજો કહે છે પ્રામાણિકપણે આવે અને સન્માર્ગે વપરાય તે ધન સારું, પણ આની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. લોકો કહે છે પ્રામાણિકતાથી ધંધો કરવા બેસો તો માંડ માંડ રોટલા નીકળે બીજું કશું વળે નહીં. સાચું શું અને ખોટું શું એની પણ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. સૌને એમ લાગે છે કે પોતે જે કાંઈ કરી રહ્યો છે તે સાચું છે. ધન આજે સન્માર્ગે ઓછું વપરાય છે. મોજશોખ, દંભ અને પ્રદર્શન માટે તેનો ઉપયોગ થાય છે. ધન મળ્યા પછી બધાને સારા, મોટા દેખાવું છે અને આ અંગે હોડ ચાલી રહી છે.

પૈસો હાથનો મેલ હવે રહ્યો નથી ને ભલભલાના હાથનો મેલ ધોઈ નાખે છે અને બધી બૂરાઈઓને ઢાંકી દે છે. પૈસાનો ચળકાટ લોહચુંબક જેવો છે. તે સૌને આકર્ષે છે. આ માણસની પહેચાન છે. આ સિદ્ધિ, સફળતા અત્યારના અર્થમાં પૈસા સિવાય બીજું છે પણ શું?

ધન જીવનમાં જરૂરી છે. તેના વગર કશું થઈ શકે નહીં. ગમે તેટલી નશ્ર્વરતાની અને ત્યાગની વાત કરીએ પણ વાસ્તવિકતા આ છે. ગમે તેટલું ધન હોય પણ કોઈ કહેશે નહીં કે મારે હવે વધારે જોઈતું નથી. ધન વધવાની સાથે તેની પક્કડ પણ વધે છે. ધનનો પ્રભાવ ચોમેર વધ્યો છે. કુટુંબ, સમાજ, ધર્મ અને જીવનના હરક્ષેત્રમાં પૈસાની બોલબાલા છે. પૈસા હોય તો લોકો સલામ કરે. ઊંચા આસને બેસવા મળે, પ્રશંસા અને ખુશામત થાય. આબરૂ અને પ્રતિષ્ઠા વધે. પૈસા ચાલ્યા ગયા તો બધું ખલાસ. માણસ કોડીનો થઈ જાય. નજીકના લોકો દૂર ખસી જશે. મિત્રો વિદાય થશે. સૌ કોઈ મુખ ફેરવી લેશે. લોકો માણસને નહીં પૈસાને પૂજે છે. સમાજ અને ધર્મમાં પણ પૈસાનું મહત્ત્વ વધ્યું છે.

પૈસો બહુ કામની ચીજ છે, પણ તે એક સાધન છે, સાધ્ય નહીં. તેમાંથી સુખ મળશે એ નિશ્ર્ચિત નથી, પરંતુ સગવડો અને સુવિધાઓ જરૂર મળશે. તેનાથી દુ:ખ ઓછું થઈ જશે એ કહેવાય નહીં, પરંતુ કપટ જરૂર ઓછું થઈ જશે. ધન શ્રીમંતો માટે દુ:ખનું કારણ બની શકે છે, જ્યારે ગરીબો માટે તે કષ્ટ નિવારણ છે. દુ:ખ માનસિક છે અને કષ્ટ શારીરિક છે. શ્રીમંતોને કષ્ટ હોતું નથી, દુ:ખ હોય છે, જ્યારે ગરીબોને દુ:ખ હોતું નથી કષ્ટ હોય છે.

ધનના સારા ગુણો એ છે તેનાથી આત્મવિશ્ર્વાસ વધે છે, સલામતીની ભાવના ઊભી થાય છે. સાચું કહેવાની હિંમત આવે છે અને માણસ થોડો ઉદાર બને છે અને કદીક સારું કરવાના વિચારો પણ પ્રગટે છે. પૈસાથી બધું ખરાબ થયું છે એવું નથી, ઘણું સારું પણ થઈ શક્યું છે.

ધનથી જો અભિમાન આવે, અહંકાર ઊભો થાય, દંભ વધે અને તુમાખી આવે તો તે ધનનો કોઈ અર્થ ન રહે. ધન સારું કે ખરાબ નથી. આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર બધો આધાર છે. પ્રામાણિકપણે શુદ્ધ દાનતથી, પરિશ્રમ દ્વારા નીતિના માર્ગે જે ધન આવે છે તેનો આનંદ અપાર હોય છે. સહેલાઈથી મહેનત વગર જે ધન મળે છે તેને જતાં પણ વાર લાગતી નથી. પૈસા હોવા છતાં તેનું બેહૂદું પ્રદર્શન ન કરે, અહમ્ ન આવે અને નાના માણસ સાથે પણ નમ્રતાપૂર્વક પ્રેમપૂર્ણ વહેવાર કરે તેનું ધન દીપી નીકળે છે. આ તેની શ્રીમંતાઈ છે.જીવનમાં જે ચાર પુરુષાર્થ કહ્યા છે તેમાં ધર્મ પછી ધનનું બીજું સ્થાન છે. આમ છતાં પૈસો સર્વસ્વ નથી. પૈસાથી જીવનમાં બધાં સુખો મળશે એવી આશા રાખવી નકામી છે. જીવનની જરૂરિયાત સંતોષાય એટલો પૈસો જરૂરી છે. બાકીનો પૈસો મોજમજા અને એશઆરામમાં ખર્ચાય છે.

જીવનમાં જેમ ધન આવે છે તેમ જરૂરિયાત વધતી જાય છે અને માણસ સુખનો એદી બની જાય છે. ગાડી વગર ન ચાલે, નોકરચાકર જોઈએ, બંગલો, વાડી, ફર્નિચર અને ભૌતિક સુખોમાં માણસ અટવાઈ જાય છે. મહેનત, પરિશ્રમ ઓછો થઈ જાય છે. શરીર સ્વસ્થ રહેતું નથી અને આધિ, વ્યાધિ અને ઉપાધિ વધે છે. સુખ જરા ઓછું થઈ જાય તો દુ:ખના ડુંગરા આવી ગયા હોય એવું લાગે છે. જીવનમાં બધું થોડું થોડું મીઠું છે. એક સામટું સુખ અને એક સામટું દુ:ખ માણસને ડગમગાવી નાખે છે.

ધન વધતાં લોભ અને સંચયની વૃત્તિ વધે છે અને માણસ પરિગ્રહી બની જાય છે. જે મળે છે તેને ઓછું લાગે છે. સાચું સુખ સંતોષમાં છે. પૈસા આવે તેમ માણસ ઉદાર બનવો જોઈએ. માણસ મનથી દરિદ્ર હોય તો ધન-દોલત પણ તેને સુખ આપી શકે નહીં. ધન કેટલીક વખત માણસને સંકુચિત અને જડ બનાવી નાખે છે. માણસ પૈસા ગણતો થઈ જાય છે. પરિગ્રહમાં પણ સૂક્ષ્મ હિંસા સાથે ભય રહેલો છે. કોઈ પણ વસ્તુની માલિકી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે તેની ગુલામી પણ સ્વીકારી લેતા હોઈએ છીએ. આપણે જે કંઈ મેળવ્યું છે તે ચાલ્યું તો નહીં જાયને, કોઈ છીનવી તો નહીં લેને, ખોટ તો નહીં જાયને એવો ભય હંમેશાં સતાવ્યા કરે છે. વધુ મેળવવાની લાયમાં કેટલીક વખત પૈસા ગુમાવવા પડે છે. જેટલી કીમતી વસ્તુ આપણી પાસે હોય તેટલો ભય વધારે. મોટા ભાગના લોકો ધન-દોલતને પકડીને બેસી જાય છે. જીવન જેમ વીતતું જાય છે તેમ તેઓ તેના ગુલામ બની જાય છે. ધનથી સાથે માણસ બંધાઈ જાય છે. સાચો ત્યાગ એ છે કે તમે કોઈ વસ્તુમાં બંધાવ નહીં. પ્રાપ્તિમાં અને તેના અભાવમાં બંનેમાં સુખ માણો.

એક ફકીરનો મરવાનો સમય નજીક આવી ગયો હતો. તેની પાસે થોડાક પૈસા હતા. તેણે શિષ્યને કહ્યું, આ ગામના સૌથી ગરીબ માણસને હું આ પૈસા આપવા માગું છું.

આ જાણ થતાં ગામના લોકો આવવા લાગ્યા, પરંતુ ગરીબ તેને જણાયો નહીં. તેણે કહ્યું: હજુ અસલી ગરીબ આવ્યો નથી.

ત્યાં ગામના રાજાની સવારી નીકળી. રાજા પોતાના કટક સાથે બીજા ગામ પર ચડાઈ કરવા નીકળ્યો હતો.

રાજા જેવો માર્ગમાં ફકીરની ઝૂંપડી પાસેથી પસાર થયો કે ફકીરે પૈસાની થેલી તેના રથમાં ફેંકી.

રાજાએ કહ્યું, શી વાત છે? પૈસાની થેલી મારા પર શા માટે ફેંકી?

ફકીરે કહ્યું: હું મારી પૂંજી સૌથી ગરીબ માણસને આપવા ઈચ્છતો હતો અને મને એ ગરીબ માણસ મળી ગયો એટલે મેં આ થેલી ફેંકી છે.

રાજા સાથે રહેલા સેનાપતિએ કહ્યું: તું પાગલ થયો છે કે? જેની પર તે થેલી ફેંકી છે તે રાજા છે. તે સૌથી અમીર માણસ છે. તેમની પાસે શું નથી?

ફકીરે કહ્યું: રાજા પાસે ભલે ગમે તેટલું હોય પણ તેને હજુ વધુ જોઈએ છે. એટલે તો તેઓ બીજાના રાજ્ય પર ચડાઈ કરવા નીકળ્યા છે. જેમની પાસે ઓછું હોય છે તેમની ગુલામી પણ ઓછી હોય છે. રાજા પાસે અધિક છે. તેમની ગુલામી પણ મોટી છે અને ગરીબી પણ મોટી છે. તેમના જેવો ગરીબ માણસ મને બીજો કોઈ દેખાતો નથી.

જેમની પાસે વધુ હોય છે તેમની તૃષ્ણા અને લાલસાનો કોઈ અંત નથી. જેમની પાસે ઓછું હોય છે તેમની આશા તૃષ્ણા ધીરે ધીરે મરતી જાય છે. તેઓ પરિસ્થિતિને સ્વીકારી લે છે. મેળવવાની અને ગુમાવવાની તેમની શક્તિ સીમિત બની જાય છે. માણસ બહારથી જેમ સમૃદ્ધ બને છે તેમ અંદરથી પણ બનવો જોઈએ. મોરારીબાપુએ સુખની વ્યાખ્યા બતાવી છે. ‘ધન ઓછું, તન મધ્યમ અને મન મોટું એ માણસ સુખી.’

આપણે સૌ અંદરથી ખાલી છીએ એટલે બહારથી ભરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે આ ખાલીપાને ધન-દોલત, પદ અને પ્રતિષ્ઠા દ્વારા ભરવાની મથામણમાં જિંદગીને વિતાવી દઈએ છીએ અને છેવટે બધું ખાલી રહે છે. હૃદય અને મન તૃપ્ત ન થાય ત્યાં સુધી માણસ કંગાળ રહેવાનો છે. ગમે તેટલું ભેગું કરીએ છેવટે અહીં પડી રહેવાનું છે. કબીરે કહ્યું છે તેમ ‘કબીર સો ધન સંચીએ જો આગે કો હોય, શીષ ચઢા કે ગાંઠરી જાત ન દેખા કોય.’

ધન કોઈ સાથે લઈ જઈ શક્યું નથી. બધું અહીં ને અહીં રહેવાનું છે. ધનનો જો સદુપયોગ થશે તો લોકો તેને યાદ રાખશે. સત્કાર્યો યાદ રહેશે. બાકી દુનિયા કોઈને યાદ કરતી નથી. ધન, શક્તિ અને સત્તા મેળવવી સહેલી છે, પરંતુ તેનો સદુપયોગ કરવો મુશ્કેલ છે. ધનની ત્રણ ગતિ છે દાન, ભોગ અને નાશ. જે ધન ઉદાર હાથે આપતો નથી અને ભોગવતો નથી તેનું ધન તિજોરીમાં પડ્યું રહે છે. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ દાન છે. બીજાનાં આંસુ લૂછવામાં ધનનો ઉપયોગ થાય તો તેના જેવો બીજો કોઈ ધર્મ નથી.

આજે ધન વધ્યું છે પણ ચહેરા પર ખુમારી અને ખુશાલી નથી. ધનની, પદની અને પ્રતિષ્ઠાની દીવાલો રચાઈ ગઈ છે. દરેકને બીજાને ભોગે સુખી થવું છે અને ધતિંગો ને છળકપટો ચાલી રહ્યા છે. પૈસા પૂજાય છે અને સારા, સાચા માણસોનો કોઈ ભાવ પૂછતું નથી. આ સંદર્ભમાં કુતુબ ‘આઝાદ’ની એક રચના...

ખુમારી રહી છે ન લાલી રહી છે

ન ચહેરા ઉપર કંઈ ખુશાલી રહી છે

ચમનમાં હવે હીંચકો બાંધીએ ક્યાં

ન વૃક્ષો રહ્યાં છે ન ડાળી રહી છે

પથારા છે કંટકના ડગલે ને પગલે

રહી છે તો બસ પાયમાલી રહી છે

ખુદા જાણે! કયો ધર્મ પાળે છે દુનિયા

ધતિંગોની વણઝાર ચાલી રહી છે

ખજાનાના માલિકને સમજાવો કોઈ

જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે

ભલાનો ભલા ભાવ પણ કોણ પૂછે

બુરાઈ જ્યાં ફૂલીને ફાલી રહી છે

ખુમારી છે ‘આઝાદ’ થઈને રહો તો

ગુલામી હંમેશાં નમાલી રહી છે.

Thursday, June 6, 2013

ધર્મ મંદિરમાં, પ્રેમ ઘરમાં અને જ્ઞાન વિદ્યાલયોમાં કેદ -મહેન્દ્ર પુનાતર

ધર્મમાં દંભ અને દેખાડો વધ્યા છે, પાયાનું સત્ય વીસરાઈ ગયું છે. ધંધાને ધર્મ બનાવી ન શકાયો, પરંતુ ધર્મ ધંધો બની ગયો છે અને પાખંડી લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. પ્રેમ સંકુચિત અને સ્વાર્થી બનવાથી તેનું વાસનામાં રૂપાંતર થઈ ગયું છે. આજનું જ્ઞાન ઊંચે જોતાં શીખવે છે, પરંતુ નીચે ખાઈ તરફ નજર જતી નથી 

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર 


ધર્મ, પ્રેમ અને જ્ઞાન એ જીવનનાં પરમ તત્ત્વો છે. જીવન જીવવાની એ જડીબુટ્ટી છે. આમ છતાં ધર્મ, પ્રેમ અને જ્ઞાન અંગે માણસ ઘણી ઉલઝનમાં છે. યોગ્ય સમજણના અભાવે તેનું અર્થઘટન જુદી જુદી રીતે થઈ રહ્યું છે. આપણે આ ત્રણે બાબતોને સાંકડા વર્તુળમાં સીમિત કરી દીધી છે. ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, તમામ જીવો પ્રત્યે પ્રેમ અને ઈશ્ર્વરનાં પરમ તત્ત્વોને સમજવાનું જ્ઞાન હોય તો જીવન ધન્ય બની જાય. આપણે ધર્મને સમજતા નથી એટલે જીવન સમજાતું નથી, અને જીવનને સમજતા નથી એટલે ધર્મનું જ્ઞાન અધૂરું રહી જાય છે.

આજે ધર્મનો જયજયકાર હોવા છતાં મોટા ભાગના માણસો તેનાં મૂળભૂત તત્ત્વોને સમજતા નથી અને ગાડરિયા પ્રવાહની જેમ ચાલી રહ્યા છે. માત્ર ક્રિયાકાંડ એ ધર્મ નથી. એ તો માત્ર બાહ્ય આડંબર છે. જ્યાં સુધી અંતરનો ભાવ ન આવે ત્યાં સુધી ક્રિયાઓનું કોઈ મૂલ્ય નથી. હાથમાં માળા અને મન બીજે ભટકતું હોય તો તેનો કોઈ અર્થ નથી. ભક્તિ અને પૂજાપાઠ કરતી વખતે મન જો સ્થિર ન હોય તો પ્રભુને પામી શકાય નહીં. ધર્મ શક્તિ માણસના જીવનને આંતરિક રીતે સમૃદ્ધ બનાવે છે અને નવી શક્તિ બક્ષે છે, પરંતુ ધર્મને યથાર્થ રીતે સમજવાની જરૂર છે. ધર્મ આપણને જીવન જીવતાં શીખવે છે અને આપણે યોગ્ય રીતે જીવન જીવીએ તો એ ધર્મ બની જાય છે. ધર્મ અને જીવન જુદાં નથી. એકબીજાનાં પૂરક છે. ધર્મ વગરનું જીવન આડે પાટે ચડી જાય. ધર્મ આપણને સન્માર્ગે વાળે છે. ધર્મ એ જીવનનું ધારક બળ છે. એક અદ્ભુત શક્તિ છે. જ્યારે બધી દિશાઓ બંધ થઈ જાય છે ત્યારે ધર્મ આધાર બનીને ઊભો રહે છે. સુખ અને દુ:ખના સમયમાં તે નવો વિશ્ર્વાસ ઊભો કરે છે અને ઊંડા અંધારામાંથી પ્રકાશ તરફ આપણને દોરે છે. જગતના તમામ ધર્મોએ ઉત્કૃષ્ટ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે, પરંતુ માણસોએ તેનાં ખોટાં અર્થઘટનો કરીને દીવાલો ઊભી કરી દીધી છે. દરેક ધર્મના પાયાના સિદ્ધાંતો લગભગ સરખા છે. કોઈ પણ ધર્મ ચોરી કરવાનું, અપ્રામાણિક બનવાનું, બીજાને છેતરી લેવાનું, જુઠું બોલવાનું, નિર્દયતા દાખવવાનું કે અત્યાચારી બનવાનું શીખવતો નથી. પ્રેમ, દયા, કરુણા અને પરોપકાર એ તમામ ધર્મોએ પ્રરૂપેલા સિદ્ધાંતો છે. તમામ ધર્મોએ આ સત્ય સમજાવ્યું હોવા છતાં માનવજાત અહંકાર, વેરઝેર, કાવાદાવા, અણહકનું છીનવી લેવું અને બીજાના ભોગે સુખ પ્રાપ્ત કરવામાં રત છે. સુખની આ કહેવાતી ખોજમાં જીવન ખોવાઈ ગયું છે.

દરેક ધર્મે આદર્શ સમાજરચના માટેના ઉત્તમ સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે. ઊંચનીચના ભેદભાવ ન હોય, અસમાનતા ન હોય, પરિગ્રહ અને સંચયની ભાવના ન હોય, અહિંસા, દયા, કરુણા અને પ્રેમ હોય અને જ્યાં ક્ષમા અને મૈત્રીનો ભાવ હોય એ સમાજ કદી દુ:ખી, લાચાર કે અશાંત હોઈ શકે નહીં, પરંતુ આજે શોષણ, સંગ્રહખોરી, કાળાબજાર, ભેળસેળ અને છેતરપિંડી ચાલી રહી છે. માણસને કોઈ પણ ભોગે જેટલું બની શકે તેટલું ઝડપથી પ્રાપ્ત કરી લેવું છે. આ અણહકનું ઝૂંટવી લેવામાં માણસ કેટલું ગુમાવે છે તેનું તેને ભાન રહેતું નથી. માણસે સૌથી કીમતી ચીજ જો ગુમાવી હોય તો તે મનની શાંતિ છે. આજે ચોમેર અશાંતિ, બેચેની અને અજંપો છે, પૂરતું મળ્યા પછી પણ માણસને સંતોષ નથી.

ધર્મના સિદ્ધાંતો માણસને આ બધાં કળણોમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે, પણ ધર્મ સાચા અર્થમાં સમજાયો નથી. દંભ અને દિખાવટ વધી છે. પાયાનું સત્ય વીસરાઈ ગયું છે અને જૂઠી આસ્થા, અંધશ્રદ્ધા, દેખાદેખી વધી છે. ધર્મ બહારથી દેખાય છે પણ તેનું આચરણ જીવનમાં ઊતરતું નથી. કેટલાક ધાર્મિક ગણાતા માણસોના દંભી ચહેરાઓ પાછળ અધર્મ સિવાય કશું દેખાતું નથી. વાતો કરવી અને જીવનમાં ઉતારવું એમાં મોટો ફરક છે. આજે ધર્મની ભવ્યતા જેટલી બહાર દેખાય છે એટલી પોકળતા પણ જોવા મળે છે. ધર્મ એક ધંધો બની ગયો છે. ધર્મમાં પૈસાનો વહેવાર ઘૂસી ગયો છે. મંદિરનો ધર્મ ઘરો અને દુકાનો સુધી પહોંચ્યો નથી, પણ દુકાનો મંદિરો સુધી પહોંચી ગઈ છે. માત્ર બાહ્ય આચરણ ધર્મ નથી. વ્યવહાર શુદ્ધિ વગર જીવન શુદ્ધિ શક્ય નથી. ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા વધી છે. મંદિરો અને દેરાસરોમાં ભીડ વધી છે, પરંતુ આંતરિક ધર્મભાવના વિકસિત થઈ શકી નથી.

આજે સિદ્ધાંત વગરનો સમાજ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનો ભોગ, નીતિ વગરનો વ્યવસાય, ધર્મ વગરનું શિક્ષણ, માનવતા વગરનું વિજ્ઞાન અને સમર્પણ વગરની પૂજા-પ્રાર્થના ઠેર ઠેર જોવા મળે છે. 

ધર્મની જેમ પ્રેમ પણ સીમિત બની ગયો છે. સ્નેહ અને પ્રેમની ભાવના નષ્ટ થવાના કારણે વેરઝેર અને દુશ્મનાવટ વધી છે. ઘરોમાં પણ કલહ વધ્યો છે. એકબીજા માટે કાંઈક કરી છૂટવાની ત્યાગની ભાવનાનો લોપ થયો છે. માણસોએ સંવેદના ગુમાવી છે. તેમનું વલણ વધુ કઠોર, લાગણીશૂન્ય બન્યું છે. પ્રેમનાં ઝરણાંઓ સુકાઈ ગયાં છે, જેમના પ્રત્યે પ્રેમ હોય તેને દુ:ખ પહોંચાડાય નહીં, તેનું દિલ દુભાવાય નહીં, પણ આવું હવે રહ્યું નથી. પ્રેમનું ફલક સંકોચાઈ ગયું છે. પ્રેમ ઘરમાં કેદ થઈ ગયો છે. આપણા પોતાના સિવાય બીજા પ્રત્યે આવી લાગણી રહી નથી. બહાર કોઈનું દુ:ખ જોઈને આપણું હૃદય દ્રવી ઊઠતું નથી. ધર્મ અને પ્રેમની સાથે જ્ઞાન ન હોય, સમજણ ન હોય તો એ પોથીમાંનાં રીંગણાં જેવું બની જાય. જ્ઞાન માણસને સાચો રસ્તો બતાવે છે, પણ જ્ઞાન અને વિદ્યાની સ્થિતિ પણ આજે બજારુ બની ગઈ છે. શિક્ષણ સત્ત્વ વગરનું બની ગયું છે અને તેનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. પોપટિયું જ્ઞાન વિદ્યાર્થીઓને સારા જીવન માટે કશો પ્રકાશ આપી શકતું નથી. શિક્ષણનો ઉદ્દેશ અર્થોપાર્જન, પૈસા કમાવા સિવાય બીજો કશો રહ્યો નથી. શિક્ષણમાં ધર્મ, સદાચાર, પ્રામાણિકતા અને નીતિમત્તાના સંસ્કારો પર કશું જોર આપવામાં આવતું નથી. ગુરુ અને શિષ્યો વચ્ચેના સંબંધો બજારુ બની ગયા છે. ગુરુ પ્રત્યે આદર રહ્યો નથી અને ગુરુઓ પણ આદરને લાયક રહ્યા નથી. શિક્ષણ વ્યવસાય બની ગયું છે એમાં ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો વેપારી અને ગ્રાહક જેવા બની ગયા છે. શિક્ષણનો મૂળભૂત સંદર્ભ બદલાઈ ગયો છે. શિક્ષણ સંસ્કારી અને વિનમ્ર બનાવે તેના બદલે અહંકારનો પારો ઊંચે ચડાવે એવું બની ગયું છે. જે વિદ્યા જીવનનો માર્ગ ન બતાવી શકે એ વિદ્યા શા કામની? શિક્ષણ અને ડિગ્રીઓ મેળવીને માણસો ધન, પદ અને પ્રતિષ્ઠા પાછળ દોટ મૂકી રહ્યા છે, પરંતુ આગળ ખાડો છે તેની કોઈને ખબર નથી. એક પ્રખર જ્યોતિષ એક રાતે ઊંડા ખાડામાં પડી ગયો અને બચાવો, બચાવોની બૂમો પાડવા લાગ્યો. તે વખતે નજીકથી જતી એક વૃદ્ધ ખેડૂત મહિલાએ તેનો અવાજ સાંભળ્યો અને ખૂબ મહેનત કરીને તેને બહાર કાઢ્યો. બહાર નીકળીને જ્યોતિષે પેલી મહિલાને કહ્યું: મા, તારો ખૂબ ઉપકાર. હું ઘણો પ્રખ્યાત જ્યોતિષ છું. આકાશના તારા, ગ્રહો સંબંધી મારા જેટલું જ્ઞાન બીજા કોઈને નથી. જો તારે તારા ભવિષ્ય અને ગ્રહો અંગે કાંઈ જાણવું હોય તો જરૂર તું મને મળજે. મારી ફી તો ઘણી મોટી છે, પણ હું કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વગર તને બધું જણાવીશ.

પેલી વૃદ્ધ મહિલાએ કહ્યું: બેટા, તું બેફિકર રહે. હું કદી તારી પાસે આવીશ નહીં, કારણ કે જેને જમીનના ખાડા દેખાતા નથી તેના આકાશ અને ગ્રહો સંબંધી જ્ઞાનનો હું કેવી રીતે ભરોસો કરી શકું?

જ્યોતિષ રાતના તારાઓ તરફ જોઈને ચાલતો હતો અને ખાડામાં પડ્યો. આજનું જ્ઞાન પણ આવું છે, જે ઊંચે જોતાં શીખવે છે, પરંતુ નીચે ખાડા તરફ કશો નિર્દેશ કરતું નથી.

શિક્ષણ અને ધર્મના ક્ષેત્રમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે. મોકો મળે એટલે એકબીજાને ખંખેરી નાખવાની જ વાત છે. કોઈ મુસીબતમાં હોય ત્યારે તેને મદદ કરવાના બદલે તેની લાચારીનો લાભ લેવાતો હોય છે. ઓછું આપીને વધુ લઈ લેવાની રસમ ચારેબાજુ જોવા મળે છે. મોજશોખમાં ધૂમ પૈસા ઉડાવનારાઓ પોતાના કર્મચારીઓને કે નોકરોને તેના હક્કના પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કરે છે. 

નાના નાના છેતરપિંડીના, એકબીજાને ઉલ્લુ બનાવવાના અને બીજાનું પડાવી લેવાના કિસ્સાઓ રોજબરોજ બનતા રહે છે. આપણને એનું ભાન પણ થતું નથી કે આમ કરીને આપણે અધર્મ અને અન્યાય કરી રહ્યા છીએ. બીજાનું શોષણ કરીને મેળવેલા ધનમાંથી થોડા પૈસા દાન-ધર્મ માટે વાપરીને આપણી જાતને ધાર્મિક ગણાવીશું પણ આ સાચો ધર્મ નથી. આ દેખાવ, દંભ અને પ્રભુ સાથેની છેતરપિંડી છે.

પ્રેમ, ધર્મ અને જ્ઞાન આ ત્રણેય આપણા જીવનના આધારસ્તંભો છે. એના વગર આપણું અસ્તિત્વ ટકી શકે નહીં. પ્રેમને આપણે ઘરમાં, ધર્મને મંદિરમાં અને જ્ઞાનને વિદ્યાલયોમાં કેદ કરી નાખ્યું છે. ગૂંગળાઈ રહેલા પ્રેમને ઘરમાંથી બહાર કાઢીને વ્યાપક અને વિસ્તૃત બનાવવો જોઈએ જેથી સમસ્ત માનવજાતને તેનો લાભ મળે. ધર્મને મંદિરમાંથી બહાર કાઢીને હાટડીઓ સુધી પહોંચાડવો જોઈએ. ધંધામાં જ્યારે ધર્મ ભળશે ત્યારે માણસ કશું ખોટું નહીં કરી શકે, અને વિદ્યાને વિદ્યાલયોમાંથી બહાર કાઢીને અજ્ઞાનના ખાડાઓને પૂરવા જોઈએ. જ્ઞાનનો ઉપયોગ માત્ર આપણા માટે નહીં, બીજાને માટે પણ થવો જોઈએ. પણ આનાથી ઊલટું થયું છે. ધર્મ દુકાનો સુધી પહોંચી શક્યો નહીં પણ દુકાનો ધર્મ સુધી પહોંચી ગઈ છે. ધંધાને ધર્મ બનાવી શકાયો નહીં, પણ ધર્મ ધંધો બની ગયો છે અને પાખંડી લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. પ્રેમને ઘરના સાંકડા વર્તુળમાં બાંધી રાખ્યો છે એટલે બહાર પ્રેમ જેવું કશું રહ્યું નથી. જ્ઞાનનો પણ ડિગ્રી અને પૈસા કમાવા સિવાય બીજો કશો ઉપયોગ રહ્યો નથી. લગ્નના બજારમાં પણ ડિગ્રીઓની કિંમત વધી છે. ઉચ્ચ શિક્ષણ પામેલાઓની અપેક્ષા વધી ગઈ છે. તેઓ હવે ઊંચા ભાવો માગી રહ્યા છે. ધર્મ, પ્રેમ અને વિદ્યાને સંકુચિત વાડામાંથી બહાર કાઢીને તેને વ્યાપક બનાવવાની જરૂર છે. પ્રેમ ઘરમાંથી, ધર્મ મંદિરમાંથી અને જ્ઞાન વિદ્યાલયોમાંથી બહાર નીકળીને માનવજાતના કલ્યાણ માટે લાગી જશે ત્યારે માણસ ખરા અર્થમાં માણસ બનશે અને જીવન સાચો ધર્મ બની જશે.

Thursday, May 30, 2013

ધન અને કીર્તિ- મહેન્દ્ર પુનાતર

જૂઠી શાન અને શોભા, આ રાજ અને તાજ બધું છેવટે માટીમાં મળી જવાનું છે
માણસને બે વસ્તુનો અતિ મોહ છે: એક, ધન અને બીજું કીર્તિ. સૌ કોઈ આ માટે ઝંખે છે. કેટલાક લોકો નાનું એવું બિરુદ, ચંદ્રક કે એવૉર્ડ મળે તો ગામ ગજાવી મૂકે છે. લાયકાત વગરના માનમોભાનો કોઈ અર્થ નથી. આ બધું ક્યાં સુધી રહેવાનું છે? તો પછી આ બધા ઉધામા શા માટે?
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ધર્મમાં કહ્યું છે કે મોહ, માયા અને આસક્તિ આ ત્રણે પ્રલોભનો જીવનને દુ:ખમય બનાવે છે. આ દુનિયામાં માણસને બે વસ્તુઓનો અતિ મોહ છે એક, ધન અને બીજું કીર્તિ. આ બંને વસ્તુ મેળવવા માણસ બનતું બધું કરી છૂટે છે. જેને મહેનત વગર જલદીથી આ મળી જાય અને જેને સખત મહેનત અને મથામણ કરવા છતાં ન મળે એ બંને માટે આ બાબત ખતરનાક બની જાય છે. એકને આનો મદ અને નશો ચડે છે અને બીજો નિરાશા-હતાશામાં ધકેલાઈ જાય છે. જેની પાસે ધન આવે છે તેને મોટા થવાનો, પ્રસિદ્ધિ મેળવવાનો અને કીર્તિ પ્રાપ્ત કરવાનો ચસકો લાગે છે. એક વખત આ બધું મળે પછી તેનો મોહ જતો નથી. માન ન મળે, ઉચિત સ્વાગત ન થાય કે ઊંચા આસને બેસવા ન મળે તો તેનાથી સહેવાતું નથી. દિલમાં ઘા લાગે છે.

ધન, પદ, પ્રતિષ્ઠા અને માન-મોભા માટે સૌ કોઈ ઝંખે છે. માણસને ધન પ્રાપ્ત કર્યા પછી આ ઝંખના સવિશેષ જાગે છે. જીવનમાં જો આ બધું ન મળે તો ધન વ્યર્થ બની જાય છે. માણસ બધું છોડી શકે પણ આનો મોહ છૂટતો નથી. ધન સાથેનું આ વળગણ છે. ઈચ્છા, અપેક્ષા અને લાલસા અનેક દુ:ખો સર્જે છે. આમ છતાં દુનિયા આ બધી વસ્તુઓ પાછળ પાગલ છે. ધન અને કીર્તિને જીરવવાનું, ટકાવી રાખવાનું મુશ્કેલ છે. માણસને સેવા અને શુભ કાર્યો દ્વારા જે માન મળે છે તે લાંબો સમય ટકી રહે છે, પરંતુ ધન સાથે જે માન-મરતબો આવે છે તે ધન ચાલ્યું જતાં ટકી શકતું નથી. હકૂમત અને સત્તા દ્વારા મળેલું માન, હોદ્દો હોય ત્યાં સુધી જ ટકે છે. માણસ એક વખત ખુરશી પરથી ઊતરી જાય પછી તેનો કોઈ ભાવ પૂછતું નથી.

ધન, કીર્તિ અને પ્રસિદ્ધિનો મોહ માણસને ચેનથી રહેવા દેતો નથી. આ અહંકાર માણસને સહજ રહેવા દેતો નથી. આ અહંકાર માણસને સહજ અને સ્વાભાવિક રીતે વર્તવા દેતો નથી. તેના કારણે દંભ અને દેખાવ વધે છે અને તે પોતાને બીજા કરતાં ચડિયાતો માનવા લાગે છે. પોતે બીજા કરતાં સવિશેષ છે એવું તેને લાગે છે. કૂવામાંના દેડકા જેવી આ પરિસ્થિતિ છે. બહારની તરફ નજર કરતા નથી એટલે આપણને લાગે છે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે. આપણે નાનાં વર્તુળોમાં કોલર ઊંચા રાખીને ફરીએ છીએ અને લોકો સલામ ભરે છે એટલે ફુલાઈ જઈને માનવા લાગીએ છીએ કે આપણે સર્વશ્રેષ્ઠ છીએ. મોટા દેખાવાના દંભમાં માણસ કેટલીક વખત એવી હરકતો કરતો હોય છે જે તેને શોભા આપતી નથી. બધા પૈસાથી અંજાઈ જાય છે એટલે સાચું કહે કોણ? અને આ પ્રકારના માણસોને સાચું સાંભળવું પણ ગમતું નથી.

સમાજમાં લોકો હંમેશાં કહેતા હોય છે, ભાઈ આપણને ખુરશીનો મોહ નથી. આપણને હોદ્દો જોઈતો નથી, આપણે તો લોકોનું સારું કરવું છે, સેવા કરવી છે, પરંતુ હકીકતમાં તેને આગ્રહ કરીને હોદ્દા પર બેસાડો નહીં ત્યાં સુધી તેઓ સહાય કરતા નથી કે કામ કરતા નથી. નાના અને મોટા બંનેને હોદ્દાનો મોહ હોય છે. એક આ માટે વલખાં મારે છે અને બીજાને આગ્રહ કરીને હોદ્દા પર બેસાડવો પડે છે. સંસ્થાઓને પણ આવા શોભાના કાંગરાઓની જરૂર હોય છે. કેટલાક માણસોને હોદ્દા અને માન-પાન વગર ફાવતું નથી. કેટલાક માણસો સેવાની વાત કરીને સિફતથી હોદ્દો છીનવી લે છે. કેટલાકને સહેજ આગ્રહ થાય તો સ્ટેજ પર ચડી બેસે છે. કેટલાક માઈક પર ચીટકી રહે છે તો કેટલાક માઈક ઝૂંટવી લે છે અને બોલતા આવડે કે ન આવડે, ભરડતા રહે છે. આ બધા પાછળ માણસને બહાર દેખાવું છે, પોતે કાંઈક છે એવું પ્રદર્શિત કરવું છે. કેટલાક લોકો નાનું એવું બિરુદ મળે કે કહેવાતો એવૉર્ડ મળે તો ગામ ગજવી નાખે છે જાણે કે ભારતરત્નનો ઈલકાબ મળ્યો હોય.

જુદા જુદા સમાજોમાં આવી જૂઠી શાન, શોભા અને શોહરતનું ઘેલું લાગ્યું છે. આપણે એકબીજાની વધુ પડતી પ્રશંસા કરતા થઈ ગયા છીએ. પ્રશંસા અને ખુશામત વચ્ચે વાળ જેટલું અંતર હોય છે. મોટે ભાગે આપણે ખુશામત કરતા રહીએ છીએ. જુદી જુદી સંસ્થાઓ સન્માન સમારંભો યોજીને ઈલકાબો અને એવૉર્ડની લહાણી કરતી હોય છે. તેનું કોઈ ચોક્કસ ધોરણ હોતું નથી. આમાં એવૉર્ડ લેનાર અને દેનાર બંનેની ગરિમા જળવાતી નથી. યુવક રત્ન, પત્રકાર રત્ન, સમાજ રત્ન, સમાજરત્ન, ભૂષણ, સમાજ શિરોમણી વગેરે અનેક જાતનાં બિરુદો પાનબીડાની જેમ અપાતાં હોય છે. આવા પ્રસંગોએ રાજકારણીઓને પણ આમંત્રણ અપાતાં હોય છે. આ માત્ર સસ્તી પ્રસિદ્ધિ છે. નવા ઊગીને ઊભા થયેલા અને બે પૈસા કમાયેલા લોકોને પૈસાના જોરે થોડા મોટા માણસો વચ્ચે બેસવાનું મળે એટલે તેમને એમ લાગે છે કે જીવન ધન્ય થઈ ગયું. સમારંભના પ્રમુખ, અતિથિવિશેષ, માનવંતા મહેમાન વગેરે સ્થાનો માટે પણ કિંમત ચૂકવવી પડે છે. આવા સમારંભો તેમના હિસાબે અને જોખમે યોજાતા હોય છે. કેટલાક સમાજસેવકો આવો ધંધો લઈને બેઠા હોય છે. એવૉર્ડ અને ઈલકાબ મેળવનારા મોટા માણસો પણ એ સમજી શકતા નથી કે આ એવૉર્ડનું મૂલ્ય શું? એવૉર્ડ આપનાર સંસ્થા લાયક છે કે નહીં? આવા એવૉર્ડ આપવાનું તેનું કાર્યક્ષેત્ર છે કે કેમ? તે માન્ય પ્રતિષ્ઠિત વિશ્ર્વસનીય સંસ્થા છે કે નહીં? માન મળતું હોય તો આવું બધું વિચારવાની કોને ફુરસદ છે. સમાજના ઊંચા ગજાના પ્રતિષ્ઠિત માણસો આવા નાના નાના ઈલકાબો પાછળ દોડતા હોય છે ત્યારે વામણા લાગે છે.

આજકાલ લોકોને પોતાનું સ્ટેટસ અને મોભો જળવાઈ રહે તેની પણ બહુ ચિંતા હોય છે. તેમની નજર બીજા તરફ હોય છે. પોતાને શું ગમે છે તેના કરતાં લોકો શું કહેશે, લોકો શું ધારશે તેની વધુ દહેશત હોય છે. આ બધું જાળવવા માણસે દોડવું પડે છે. કોઈ આગળ નીકળી જાય તો જલન થાય છે. પ્રતિષ્ઠાનું આ જગત થકવી નાખે છે. તેમાં ઊંચે આવ્યા પછી ફંગોળાઈ જતાં વાર લાગતી નથી. માણસ સારો હોય કે ન હોય, પણ તેને બીજા કરતાં વધુ સારા દેખાવું છે.

અગાઉ ધનિકો અને ગર્ભશ્રીમંતો એકદમ નોખા તરી આવતા હતા. પૈસાની સાથે ઠાવકાઈ હતી. ઠાઠની પરિપકવતા હતી. હવે એવું રહ્યું નથી. માણસનો દેખાવ જોઈને તેનું સાચું માપ નીકળતું નથી. બધું આભાસી બની ગયું છે. પહેલાં પૈસાદાર માણસોને ઓળખવા બહુ સહેલા હતા. ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં’ જેવો ઘાટ હતો. પુરુષનાં કપડાંમાં અને મહિલાઓના અલંકારમાં તેમની શ્રીમંતાઈ છલકી ઊઠતી હતી. આજે એવું રહ્યું નથી. સ્ટેટસ સિમ્બોલ માટે હવે કપડાં-ઘરેણાંનું મહત્ત્વ રહ્યું નથી. એવી જ રીતે વિદેશમાં ફરવા જવાનું. મોટી મોટી ક્લબોના સભ્ય બનવાનું, લગ્ન કે બીજા પ્રસંગોએ લખલૂંટ ખર્ચાઓ કરવાની બાબત પણ મોભાનું પ્રતીક રહી નથી. સામાન્ય મોટરકારો, મોંઘા મોબાઈલ ફોન, કમ્પ્યુટર કે લેપટોપ કે બે-ત્રણ બેડરૂમના ફલેટોની કોઈ વિસાત નથી. આ બધું મોટા ભાગના લોકોની પહોંચમાં આવી ગયું છે. ફાર્મહાઉસ, હિલ સ્ટેશન પર બંગલો અને થોડા મોંઘાં પેઈન્ટિંગો અને કલાકૃતિની અમૂલ્ય ચીજો અંગે તમે થોડો ગર્વ અનુભવી શકો છો. મોટા પત્રકારો, તંત્રીઓ, ફિલ્મસ્ટારો, સંગીતકારો અને કલાના ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓ સાથેના સંબંધોથી થોડીક પ્રસિદ્ધિ મળી શકે. રાજકારણીઓ અને ‘ભાઈઓ’ સાથે સંબંધો રાખવાથી મોભો વધે છે, પણ તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. સાધુ, સંતો, મહંતો ફરતે વીંટળાઈ રહેવામાં વાંધો નથી. આમાં પૈસા સિવાય બીજું કશું નુકસાન નથી.

દરેક વસ્તુની મર્યાદા છે. ધન આવે ત્યારે કૂદકા મારવાની જરૂર નથી. માણસે કાંઈક પ્રાપ્ત કરે ત્યારે નમ્ર બનવું જોઈએ. વૃક્ષને જ્યારે ફળ આવે છે ત્યારે તે ઝૂકી જાય છે. જે લોકો સત્કૃત્યો અને નિષ્ઠાપૂર્વક સેવા કરે છે અને બીજાને સહાયભૂત થતા રહે છે તેમની સુગંધ ચોમેર પ્રસરે છે. તેમને ઢોલનગારાં વગાડવાં પડતાં નથી. અધૂરા ઘડા વધુ છલકાતા હોય છે. સાચા અને સારા માણસોને છીપના મોતીની જેમ શોધવા પડે છે. ઢંઢેરો પીટવાવાળા માણસો ઢેઢે પિટાતા હોય છે.

કોઈ પણ જ્યોતિષીને, સાધુ, સંતોને પૂછો કે લોકો તમારી પાસે શા માટે આવે છે? તેમની શી કામના છે? કયા પ્રશ્ર્નોનું તેઓ સમાધાન ઈચ્છે છે? આ બધા પ્રશ્ર્નોનો એક જવાબ છે: માણસ ધન અને કીર્તિ માટે આ પ્રકારના આંટાફેરા કરે છે. પ્રભુની ભક્તિ પાછળ પણ આવી જ મનોકામના હોય છે.

કેટલાક માણસો નાનાં એવાં કાર્યો કરીને કીર્તિના ધજાગરા ફરકાવતા હોય છે. થોડું કરીને વધુ દેખાવ કરવા પાછળ પ્રશંસા સિવાય બીજું કશું નથી. આવા ધાંધલિયા લોકોને સાચી કીર્તિ મળતી નથી. થોડી વાર ચમકીને આ પૂંછડિયા તારાઓ ખરી પડે છે. લાયકાત વગર મેળવેલી ચમક ક્યાં સુધી ટકે? કીર્તિ અને પ્રસિદ્ધિ મહેક છે, વારંવાર સૂંઘ્યા કરીએ તો તે ઊડી જાય.

સફળતા, માન-ચાંદ, કીર્તિ-પ્રસિદ્ધિ કે લોકપ્રિયતા મળે તો ફુલાવાની જરૂર નથી. મળે તો નમ્રભાવે સ્વીકારી લેવું. ન મળે તો નાસીપાસ થવાની કે હતાશ થવાની બિલકુલ જરૂર નથી. મજેથી, આનંદથી જીવવા માટે આ કોઈ એવી જડીબુટ્ટી નથી.

આ એક નશો છે. થોડીવાર મજા આવે છે. તેનું ધેન ચડવા ન દેવાય. આપણે આપણાં સાધનોમાં આપણી રીતે જીવવાનું છે. માથે ભાર લઈને ફરવાથી કશું વળવાનું નથી. આ બધું હોય કે ન હોય, શું ફરક પડવાનો છે અને આ બધું કાયમના માટે થોડું ટકી રહેવાનું છે. જૂઠી શાન-શોભાનો મતલબ પણ શું છે?

જે લોકોનું બાહ્ય અને આંતરિક જીવન સરખું છે, જેમનામાં દંભ-દિખાવટ નથી, માન-મરતબાની પડી નથી, તેને કોઈની સાથે સરખામણી કરવાની રહેતી નથી. તેઓ તો નિજાનંદમાં મસ્ત હોય છે. આ તેમનું સુખ છે. આ તેમનો વૈભવ છે. બાકી બધું માટીમાં મળી જવાનું છે. આ અંગે કુતુબ ‘આઝાદ’ની એક રચના:...

સહુને એક દિ’ માટી મહીં મળી જવાનું છે,

ઢળે છે સંધ્યા એમ ઢળી જવાનું છે,

યુવાની એટલે ટટ્ટાર ચાલવાનું છે,

બુઢાપો એટલે વાંકા વળી જવાનું છે,

આ રાજ, તાજની પાછળ હરાજ થાઓમા,

બરફની જેમ બધું ઓગળી જવાનું છે,

હતા જ્યાં મહેલ ત્યાં ખંડેર આજ ઊભાં છે,

બરાબર એ જ રીતે ખળભળી જવાનું છે. 

 

Friday, May 24, 2013

સુખનો ટાપુ જેમ નજીક જાવ તેમ દૂર સરકતો રહે છે - મહેન્દ્ર પુનાતર


ઈચ્છિત સુખ કદી કોઈને સાંપડ્યું નથી. તન અને મન સ્વસ્થ હોય તો બધું સારું લાગે. જીવનમાં જે કાંઈ મળ્યું છે તેનો આનંદ માણો. કોઈની સાથે સરખામણી કરવાની જરૂર નથી. કોઈની ચાલે ચાલવા જઈએ તો ઠોકર લાગતાં વાર લાગે નહીં
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવનમાં સુખદુ:ખ, ચડતી-પડતી અને ઉતાર ચડાવ આવ્યા કરે છે. દુ:ખ અને મુસીબતથી ગભરાઈ જવાની જરૂર નથી. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેના કારણો શોધી કાઢીને આ અંગે સાવધ રહેવું જોઈએ. આમ છતાં જીવનની ઘટમાળમાં જે બનવાનું છે તે બન્યા કરવાનું છે, પણ તેના કારણે માથે હાથ મૂકીને બેસી જવાની જરૂર નથી. જીવનમાં કાંઈક પ્રાપ્ત કરવું હોય, સફળતા મેળવવી હોય તો આ બધા પરિતાપો સહન કરવા પડે છે. કેટલીક વખત દુ:ખ અણધાર્યું  આવી પડે છે અને માણસ હલબલી ઊઠે છે. દુ:ખની જ્યારે કલ્પના પણ ન હોય અને એકાએક મુસીબતના ડુંગરો ખડકાઈ જાય તો આકરું લાગે છે અને હતાશા-નિરાશા ઊભા થાય છે. દુ:ખ અને આફતના સમયે ધૈર્ય રાખવું અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢવો એ ડહાપણભર્યું  છે. આવા સમયે જો માણસ આત્મવિશ્ર્વાસ ગુમાવી બેસે, નાસીપાસ થાય અને સંતુલન ગુમાવી બેસે તો ફરી બેઠા થવાનું મુશ્કેલ બને છે. દુ:ખના સમયમાં જ આપણને અંતરમાં ડોકિયું કરવાનો સમય મળે છે. ભૂલો અને ક્ષતિઓ તરફ નજર કરવાની તક મળે છે. જીવનની સુખદ કે દુ:ખદ ઘટનાઓ કાંઈક ને કાંઈક બોધ આપતી જાય છે. સોનું અગ્નિમાંથી પસાર થાય ત્યારે તે વધુ શુદ્ધ બને છે. દુ:ખમાં વાસ્તવિક પરિસ્થિતિનું જેટલું ભાન થાય છે તેટલું સુખમાં થતું નથી.
જીવનમાં આશા-નિરાશા તો ઊભી થવાની છે, પણ આપણે તેને કઈ રીતે મન પર લઈએ છીએ તેની પર બધો આધાર છે. કેટલીક વખત કાલ્પનિક દુ:ખોથી પણ પરેશાની અનુભવવી પડે છે. ભવિષ્યમાં આવું બનશે એવી કલ્પના માણસને ડરાવતી હોય છે. જે માણસ ખોટું કામ કરે છે અવળે રસ્તે ચાલે છે અને પોતાની જાતને છેતરે છે તેને આવો ડર રહેવાનો. કેટલાક માણસો સહેજ મુશ્કેલી આવે તો ડગમગી જાય છે, જ્યારે હિંમતવાન માણસો સ્વસ્થતાથી તેનો મુકાબલો કરે છે. દુનિયામાં ભયભીત થવા જેવું કશું નથી. મન મક્કમ હોય અને અડગ નિર્ધાર હોય તો માણસ ધારે તે કરી શકે છે. સુખ અને દુ:ખ એક સંજોગ છે. આપણી ધારણાથી જે વિપરીત બને અને જેમાં ધનહાનિ અને માનહાનિ થવાનો સંભવ ઊભો થાય તેને આપણે દુ:ખ માનીએ છીએ. જેનાથી ધન, યશ અને કીર્તિ વધે તે આપણા માટે સુખ બની જાય છે. હકીકતમાં તો માણસને જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ જાય તો દુ:ખ જેવું કશું નથી. દુ:ખનું મોટું કારણ એ છે કે માણસને પોતાની જરૂરિયાત કરતા વધુ
જોઈએ છે.
આપણે ઘણી વાર દુ:ખ અને આપત્તિઓને હોય તેના કરતા મોટું સ્વરૂપ આપી દઈએ છીએ અને તેના પરિણામો અંગે મનને ચગડોળે ચડાવી દઈએ છીએ. તેના કારણે આ દુ:ખ વધુ ઘેરું બની જાય છે. ઉંમર વિત્યા પછી ઘણાને લાગે છે. જીવનમાં જેટલું ધાર્યંુ હતું તેટલું કરી શકાયું નથી. કેટલાકને કહેવાતા બધા સુખો મળ્યા હોવા છતાં ખાલિપો લાગે છે. જીવન નિષ્ફળ ગયું હોવાનો ભાસ થાય છે. ઉંમર વધતા કશુક વધુ મેળવવાની, પ્રાપ્ત કરવાની ઝંખના વધુ પ્રબળ બને છે. કશું છૂટતું નથી, સંતોષ થતો નથી.
પાછલી ઉંમરે જીવનમાંથી જે કાંઈ પસાર થઈ ગયું છે તેની કિંમત સમજાય છે. લોકો પોતાના ભૂતકાળને વાગોળ્યા કરે છે. તેને એમ લાગે છે કે આના કરતા પહેલાં સારું હતું. ઓછું હતું પણ મોજ કરતા હતા. હવે બધું છે, પણ શાંતિ નથી, નિરાંત નથી. સુખ અને દુ:ખ દરેક સમયમાં હોય છે ત્યારે પણ તે સમય તેમને કપરો જ લાગતો હતો. ત્યારે સહન કરવાની સંઘર્ષ કરવાની શક્તિ હતી એ અત્યારે ન હોય એટલે પણ એવું લાગતું હોય. જીવન એટલે સંઘર્ષ અને પડકાર. કોઈ પણ બાબતમાં સુખ અને આનંદ જેને શોધતા આવડે છે તેમના માટે કોઈ પણ સમય કઠિન નથી. મન અને તન સ્વસ્થ હોય તો બધું સારું લાગે. આમાંથી એક પણ બગડે તો જીવન જીવવા જેવું લાગે નહીં. અમુક ઉંમરે પૈસાનું બહુ મૂલ્ય રહેતું નથી. ગમે તેટલું હોય પણ ભોગવી શકાતું નથી. સમયાનુસાર જે કાંઈ મળતું રહે તેનો આનંદ માણી શકાય તો તે પ્રભુની કૃપા સમજવી. જેટલી જરૂરિયાત ઓછી તેટલો માણસ સુખી. જે માણસ સાદુ-સરળ જીવન જીવે છે અને સહજભાવે રહે છે તેને વધુ ઉધામા કે વલોપાત કરવો પડતો નથી. આપણે વર્તમાનમાં જીવતા નથી. ભૂતકાળને યાદ કર્યા કરીએ છીએ અને ભવિષ્યના સ્વપ્નો જોઈએ છીએ. આ રીતે વર્તમાન હાથમાંથી સરકતો રહે છે અને તે ભૂતકાળ બન્યા પછી આપણને એમ લાગે છે કે એ સમય સારો હતો. જીવનની દરેક અવસ્થાનો આનંદ હોય છે, પણ આ માટે આપણે સમય અને સંજોગોને અનુરુપ બનવું પડે છે. જીવનનું આ સીધી સાદું ગણિત છે, પણ ઈચ્છાઓ, અપેક્ષાઓ અને ઝંખનાઓને કારણે જીવનનો દોર વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. સંપૂર્ણ ઈચ્છીત સુખ કોઈને પ્રાપ્ત થતું નથી. આ ટાપુ પર કોઈ પહોંચી શકાતું નથી. આપણે જેમ નજીક જઈએ તેમ આ ટાપુ દૂર ખસતો રહે છે. મૃગજળ જેવી આ સ્થિતિ છે.
માણસના નકારાત્મક વલણમાંથી પણ દુ:ખો સર્જાતા હોય છે. લોભ, સ્વાર્થ, અહંકાર અને ઈર્ષ્યા તેને સુખેથી રહેવા દેતી નથી. માણસને પોતે જે કાંઈ છે તેમાં સંતોષ નથી. તે બીજાની સાથે સરખામણી કરીને દુ:ખી થતો રહે છે. માણસ પોતાની પાસે શું છે તેના કરતાં બીજા પાસે શું છે તેનો વિચાર કરીને જીવ બાળે છે. તેને એમ લાગે છે કે આ સ્થાને પહોંચવા માટે તેને ઘણું કરવાનું બાકી છે. કદાચ એ સ્થાન મળી જાય તો પણ બીજું ઊંચું સ્થાન હાજર હોય છે. ગમે તેટલું મળે તો પણ કોઈ ને કોઈ તો આપણાથી અડિયાતો રહેવાનો જ છે. કેટલા સાથે સ્પર્ધા કરશો? દરેક જગ્યાએ શેરને માથે સવાશેર છે. આપણાથી અનેક લોકો અનેક ક્ષેત્રમાં આગળ રહેવાના જ છે. આવું વિચારવાનો કોઈ અર્થ નથી.
માણસ જે કોઈ છે તે પર્યાપ્ત છે. પ્રભુએ તેને પૂરતી શક્તિ અને તાકાત આપેલી છે. પોતાના ગુણધર્મો અનુસાર આગળ વધવાનું હોય છે. આપણે બીજાના ગુણોને જીવનમાં ઉતારી શકીએ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકીએ પણ આપણે તેમના જેવા બનવાની કે કોઈની નકલ કરવાની જરૂર નથી. આપણે બીજાનું વ્યક્તિત્વ આપણામાં આરોપિત કરી શકીએ નહીં. આપણે જે કોઈ છીએ તે બની રહીએ અને બિનજરૂરી બીજાથી પ્રભાવિત ન થઈએ. આ અંગે એક દૃષ્ટાંત કથા...
અકબરે પોતાના દરબારમાં નવ રત્નોને બોલાવ્યા અને કહ્યું, આ દેશમાં મેં રામાયણની ખૂબ પ્રશંસા સાંભળી છે. હું કાંઈ રામથી નાનો રાજા નથી તો મારા જીવન પર રામાયણ કેમ લખી ન શકાય?
બધા ચૂપ રહ્યા. બોલે પણ શું? અકબર ભલે ગમે તેટલો મહાન હોય, પરંતુ તેના જીવન પર રામાયણ કઈ રીતે લખી શકાય, પરંતુ બાદશાહને આ સાચી વાત સમજાવે કોણ?
છેવટે બિરબલ બોલ્યો, હજૂર લખી શકાય, શા માટે ન લખી શકાય? આપનામાં શું ખામી છે? રામનું રાજ્ય તો આપના કરતા પણ નાનું હતું. આપના જીવન પર હું રામાયણ લખીશ, પરંતુ આ કાર્ય ખૂબ મહેનતનું છે. આ માટે એક લાખ અશરફી અને એક વર્ષનો સમય લાગશે.
બિરબલ તો એક વર્ષ સુધી મોજમજા કરતો રહ્યો. તેને આ રામાયણ ક્યાં લખવી હતી. એક વર્ષ પૂરું થયું. અકબરે બિરબલને બોલાવ્યો અને પૂછયું, મારા જીવન પરની રામાયણ લખાઈ ગઈ?
બિરબલે કહ્યું, હજૂર બધું લખાઈ ગયું છે બસ માત્ર એક પ્રસંગ અંગે આપને પૂછવાનું છે તે વગર રામાયણ પૂરી નહીં થાય.
અકબરે કહ્યું, પૂછી લો વાંધો શો છે? બિરબલે કહ્યું: મહારાજ, અમારા રામની સીતાનું રાવણે અપહરણ કર્યંુ હતું. આપની બેગમનું કોણે અપહરણ કર્યંુ હતું તે જણાવો એટલે રામાયણ પૂરી થાય.
અકબર આ સાંભળીને ગુસ્સે થઈ ગયો. તેણે તલવાર કાઢવા મ્યાન પર હાથ મૂક્યો અને બોલ્યો, તું પાગલ થઈ ગયો છે. મારી બેગમ સામે કોઈ આંખ ઊંચી કરે તો તેની આંખો ફોડી નાખું, કોઈ બોલે તો ખરું તેની જીભ કાપી નાખું. તું કેવી વાત કરી રહ્યો છે. બીજો કોઈ હોત તો મેં તેનું માથું વાઢી નાખ્યું હોત!
બિરબલે કહ્યું: હજૂર તો પછી રામાયણ નહીં લખી શકાય. મૂળ રામાયણમાં સીતાનું અપહરણ થયું હતું અને રામ તેને યુદ્ધ કરીને છોડાવી લાવ્યા હતા.
અકબરે કહ્યું: આમ હોય તો મારે રામાયણ લખાવવી નથી. જવા દે એ વાત.
બિરબલે કહ્યું, હજૂર આમ નિરાશ ન થાવ. આપના જીવન પર રામાયણ ભલે ન લખી શકાય પણ મહાભારત તો લખી શકાય ને?
અકબરે કહ્યું: તેમાં અપહરણની કોઈ મુસીબત નથી ને? બિરબલે કહ્યું, જહાપના આમાં અપહરણ જેવી કોઈ વાત નથી.
બિરબલે પાછી એક વર્ષ સુધી મોજમજા કરી અને વર્ષ પૂરું થતા દરબારમાં આવ્યો અને કહ્યું: મહારાજ મહાભારત લખાઈ ગયું છે પણ એક નવી ગૂંચવણ ઊભી થઈ છે. તેના વગર આ ગ્રંથ અધૂરો રહેશે. મહાભારતમાં દ્રોપદીના પાંચ પતિ હતા. બેગમના આપ એક પતિ છો બીજા ચાર પતિ કોણ છે?
આ વખતે તો અકબરે તલવારને મ્યાનમાંથી ખેંચી કાઢી અને ત્રાડ નાખીને કહ્યું, તું શું સમજે છે તારા મનમાં.
બિરબલે કહ્યું: મહારાજ, શાંત થાવ. મારો એમાં શું વાક? હું તમારા પર લખવા જાઉં છું અને મુસીબત ઊભી થાય છે હવે તમે કહો તેમ કરું.
અકબરે કહ્યું: મારે કાંઈ પણ લખાવવું નથી. હું બીજા કોઈની ચરિત્રકથા મારામાં આરોપિત કરવા માગતો નથી. આ વાત હવે મને સમજાઈ ગઈ છે.
ઓશોએ ટાંકેલી આ કથાનો સાર માત્ર એટલો છે આપણે આપણી ચાલે ચાલવાનું છે. બીજાની ચાલે ચાલવા જઈએ તો ઠોકર લાગતા વાર લાગે નહીં.

Tuesday, May 21, 2013

પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? -સૌરભ શાહ


ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

આચાર્ય ગણો, ભગવાન ગણો કે ઓશો - મારે મન રજનીશજી માત્ર રજનીશ છે, એક મૌલિક અને ક્રાંતિકારી વિચારક.

દેખિતી રીતે તમને લાગે કે એમણે ભગવદ્ ગીતાથી લઈને ઉપનિષદો સુધીનાં અનેક ગ્રંથો પર ટિપ્પણી કરતાં પ્રવચનો કર્યાં કે પછી કબીર, મીરા, લાઓત્ઝુથી માંડીને ગાંધીજી સમા મહાપુરુષના વિચારોનું વિશ્ર્લેષણ કર્યું. મને એમ લાગે છે કે આ બધી હસ્તીઓ કે એ ગ્રંથો એમના માટે ખીંટી હતી. પોતાના જલદ વિચારોને સ્વીકાર્ય બનાવવા રજનીશે એ બધાંને સ્ટેપિંગ સ્ટોન તરીકે વાપર્યા અને પછી પોતાને જે કહેવું હતું તે કહ્યું. આ ગ્રંથો કે હસ્તીઓની ચાલણગાડી શ્રોતાઓને આપ્યા વિના રજનીશે સીધા જ આપણને દોડાવ્યા હોત તો કદાચ થોડે પહોંચીને આપણે થંભી જાત યા ગબડી પડત.

રજનીશે ગીતા-કબીર ઈત્યાદિના વિચારોને પોતાની રીતે ઈન્ટરપ્રીટ કર્યા એવું આપણને લાગે છે પણ જેઓ રજનીશના અઠંગ અભ્યાસી છે તેઓ જોઈ શકશે કે ઈન્ટરપ્રીટેશન તો એમનું પહેલું ગિયર પણ નથી, સ્ટાર્ટર છે. એક વખત સ્ટાર્ટ લીધા પછી તેઓ પોતાની સ્પીડે પોતાના નવા રસ્તે નીકળી પડે છે.

એક જમાનામાં રજનીશનાં પ્રવચનો પરથી બનતાં પુસ્તકો ખૂબ મોંઘાં વેચાતાં. હાર્ડ બાઉન્ડ હોય, એમ્બોસ્ડ ડસ્ટ જૅકેટ હોય, અસ્તર સિલ્કનું હોય, કાગળ અને પ્રિન્ટિંગ તો બેસ્ટ ક્વૉલિટિનાં હોય જ. એ પુસ્તકોનો ઘણો મોટો ચાર્મ હતો. રજનીશના ગયા પછી થોડાંક વર્ષો અસમંજસમાં રહ્યા પછી એમના પુસ્તકના કૉપીરાઈટ હોલ્ડરોએ પેપરબૅક એડિશન માટે પરવાનગીઓ આપવાની શરૂ કરી. આને કારણે છેલ્લાં બેએક દાયકામાં રજનીશ સાહિત્ય ખૂબ કિફાયત કિંમતે અનેક લોકો સુધી પહોંચ્યું. આનો પણ એક ચાર્મ છે. ભારતના જાણીતા અંગ્રેજી-હિન્દી પ્રકાશકોએ પણ આ પુસ્તકોના પ્રકાશનમાં હોંશે હોંશે ભાગ લીધો.

પેપરબૅકમાં છપાયેલાં રજનીશનાં સેંકડો ઉમદા પુસ્તકોમાંનું એક અત્યારે મારા હાથમાં છે. ઓશો લાઈફ એસેન્શ્યલ્સ સિરીઝમાંનું ‘ફેમ, ફૉર્ચ્યુન એન્ડ ઍમ્બિશન’ ટાઈટલ ધરાવતા આ પુસ્તકનું પેટામથાળું છે: વૉટ ઈઝ ધ રિયલ મીનિંગ ઑફ સક્સેસ? પુસ્તકની સાથે ૧૩૧ મિનિટની ડીવીડી પણ છે જેમાં ‘ફ્રોમ ડાર્કનેસ ટુ લાઈટ’ નામના પ્રવચનની વાતો છે જેનું ટાઈટલ છે: ‘ઈનોસન્સ: ધ પ્રાઈસ યુ પે ફૉર ધ ફેઈલ્યોર ઑફ સક્સેસ’

નામ અને દામ. પૈસો અને પ્રસિદ્ધિ. ફેમ ઍન્ડ ફૉર્ચ્યુન. રજનીશ આમાં ઊંડા ઊતરીને એ બંને સાથે જોડાયેલી માનસિકતાનો એકએક તાર છૂટો પાડીને તપાસે છે. લોભ-લાલચનું ઉદ્ગમસ્થાન કયું? પ્રસિદ્ધ માણસો અને શ્રીમંત માણસો સમાજમાં આટલી મોટી વગ ધરાવતા હોય એવું લાગે છે, શા માટે? પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? આ પુસ્તકમાં રજનીશ એમની સરળ, ક્યારેક રમૂજભરી તો ક્યારેક દિમાગને ઉત્તેજિત કરતી તો ક્યારેક તરબતર કરી નાખતી શૈલીમાં જવાબ આપે છે.

લોકોને પોતે જ કામ કરી રહ્યા છે, પોતે જ જિંદગી જીવી રહ્યા છે તેના કરતાં બીજાનું કામ, બીજાની જિંદગી વધારે આકર્ષક લાગવાની. ધ ગ્રાસ ઈઝ ઑલ્વેઝ ગ્રીનર ઑન ધ અધર સાઈડ. આને કારણે આપણે આપણા પોતાનામાં જે પોટેન્શ્યલ ભરીને પડ્યું છે તેની અવગણના કરતા થઈ જઈએ છીએ. બીજા લોકો તમારી પાસે જે અપેક્ષા રાખે છે એ અપેક્ષાને સંતોષવામાં તમે મંડી પડો છો. આને કારણે તમને તૃપ્તિ થતી નથી. આ અતૃપ્તિનું કારણ તમને એ લાગે છે કે જે તમે મેળવ્યું છે તે ઓછું છે એટલે તમે ધરાતા નથી. હજુ વધારે મેળવીશું તો તૃપ્ત થઈ જશું.

પણ એવું નથી. અતૃપ્તિનું કારણ એ નથી કે તમે ઓછું મેળવ્યું છે. અતૃપ્તિનું કારણ એ છે કે તમારે જે મેળવવું હતું તે તમને નથી મળ્યું અને ક્યાંથી મળે? તમે તો લોકોની તમારા માટેની અપેક્ષા સંતોષવામાં રહ્યા. તમે માની લીધું કે તમારી તમારા પોતાના માટેની અપેક્ષા પણ એ જ છે. આવું માનવામાં તમે ભૂલ કરી બેઠા.

લોકોની તમારા માટેની અપેક્ષા તમારા પર એટલી બધી હાવિ થઈ ગઈ કે તમારી પોતાની તમારા માટેની અપેક્ષા ઢંકાઈ ગઈ, બિલકુલ છુપાઈ ગઈ. તમે એને જોઈ શક્યા પણ નહીં.

તમને બીજાઓનાં કામ, બીજાઓનાં જીવન આકર્ષક લાગ્યાં ત્યારે તમે વિચાર્યું પણ નહીં એ લોકોને પણ તમારું કામ, તમારું જીવન જોઈને ઈર્ષ્યા આવતી હોય એવું બને. ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ રીતે આ ડાયલેમાનો ઉકેલ આપ્યો છે: સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: અહીં ધર્મ એટલે રિલિજિયન નહીં પણ ધર્મ એટલે જીવનનો હેતુ, જીવનની નીતિરીતિ, જીવનનું લક્ષ્ય. પોતાનો ધર્મ નિભાવતાં આવેલું મૃત્યુ પણ આવકાર્ય છે અર્થાત્ એવું કરવાથી જીવનમાં જે કંઈ અગવડો - અડચણો આવે, કોઈ ફિકર નહીં કરવાની, બહુ બહુ તો શું અંજામ આવશે? મૃત્યુ ને? ભલે. પણ બીજાના ધર્મને અનુસરવાની, બીજાના જેવા બનવા જવાની મૂર્ખામી કરવાથી ઘણો ભયાનક અંજામ આવશે, જીવતે જીવ તમે મડદા જેવા બની જવાના.

રજનીશ કહે છે: ‘કુદરતે પૈસાનો કોઈ વિચાર કર્યો જ નથી. કર્યો હોત તો પૈસા ઝાડ પર ન ઉગતા હોત? પૈસો માણસના ભેજાની પેદાશ છે - ઉપયોગી છે, પરંતુ ડેન્જરસ પણ છે. તમે કોઈ ખૂબ પૈસાદારને જુઓ છો અને તમને લાગે છે કે

કદાચ પૈસાથી આનંદ મળે છે, એ ભાઈ પોતે કેટલો ખુશ દેખાય છે, તો દોડો પૈસા પાછળ. તમને કોઈ તંદુરસ્ત માણસ દેખાય છે, દોડો તંદુરસ્તી પાછળ. તમને કોઈ બીજું કંઈક કરતું દેખાય છે અને એનાથી એ સંતુષ્ટ હોય એવું લાગે છે, દોડો બીજું કંઈક કરવા પાછળ?

આ સમાજ રચાયો છે જ એ રીતે જેમાં વ્યક્તિનું મહત્ત્વ ઓગળી જાય. વ્યક્તિમાં રહેલું આગવાપણું ભૂંસાઈ જાય એની ઈન્ડિવિજ્યુઆલિટી નષ્ટ પામે. એટલે કોઈ તમને તમે જે છો એવા રહેવા દેવા માટે પ્રોત્સાહન નહીં આપે. સમાજ, તમારી આસપાસની વ્યક્તિઓ, કુટુંબીઓ, મિત્રો, પરિચિતો - આ બધા જ તમને તમારું પોટેન્શ્યલ એક્સપ્લોર કરવાના તમારા પ્રયત્નોમાં સાથ નહીં આપે. રજનીશ તમને સાથ આપશે. આવતી કાલે.



અમિતાભ બચ્ચન અને સમરસેટ મૉમ જેટલા પૈસા અને પ્રસિદ્ધિ મળ્યા પછી શું?
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

રજનીશજીની આંગળી પકડીને પૈસો અને પ્રસિદ્ધિની વાત ચાલી રહી છે. રજનીશ પૈસા કે પ્રસિદ્ધિના વિરોધી નથી. રજનીશ પૈસા કે પ્રસિદ્ધિની તરફદારી પણ નથી કરતા. રજનીશ કહે છે કે જે થાય છે તેને આપમેળે થવા દો. સ્પૃહા રાખ્યા વિના તમે તમારું કામ કરો - જે થવાનું હશે તે થશે. આ વાત તો ગીતાએ પણ કહી. કર્મણ્યે વાધિકારસ્તે દ્વારા.

રજનીશ એક સ્ટેપ આગળ જાય છે. કહે છે કે કંઈક બનવાની, કંઈક થવાની ઈચ્છા હંમેશાં નિરાશામાં જ પરિણમે છે. તમને થશે કે પૈસાદાર બનવાની કે પ્રસિદ્ધ થવાની ઈચ્છા ફળીભૂત થાય તો વળી નિરાશા કેવી?

ધીરજ રાખીએ. આ લાંબી દાઢીવાળો બાવો છુપો રુસ્તમ છે અને મારા તમારા કરતાં ઘણું ડહાપણ છે એનામાં. તમે સફળ બનવા માગો છો અને બાય ચાન્સ બની પણ ગયા તોય તમે ધરાવાના નથી. એક વખત બૅન્કમાં એક કરોડ આવી ગયા પછી તમને બીજા એક કરોડની ઈચ્છા થવાની છે. થવાની જ છે. તમારો પોતાનો જ દાખલો તમારી સામે છે. ચાલીમાં રહેતા હતા ત્યારે એક બેડરૂમના ફ્લૅટની ઈચ્છા હતી. એ મળી ગયા પછી બાજુવાળાનો ફ્લૅટ પણ ખરીદી લઈએ તો કાયમની નિરાંત એવું વિચાર્યું હતું. એ પણ લેવાઈ ગયો અને હવે કોઈ સારા એરિયામાં જઈને રહીએ. જેથી બાળકોને સારી સ્કૂલમાં મૂકીએ, અડોશપડોશ બહેતર હોય. માની લો કે તમે બચ્ચનની બાજુના જ મકાનમાં રહેવા આવી ગયા તો એ જ મકાનના ડુપ્લેક્સની ઈચ્છા થતી રહેવાની. ડુપ્લેક્સ પણ થઈ ગયો તો એની અગાસીમાંથી દેખાતા બચ્ચનના બંગલા જેવું ઘર સપનામાં આવ્યા કરશે. અને ભગવાનના આશિર્વાદથી બચ્ચને એ બંગલો તમને વેચી પણ દીધો તો એના માસ્ટર બેડરૂમમાં સૂતાં સૂતાં એટલે કે આખી રાત જાગતાં જાગતાં તમે વિચાર્યા કરશો કે આજે તમારી પાસે ગાડીઓ છે, બંગલો પણ બચ્ચન જેવી લોકપ્રિયતા નથી, પ્રસિદ્ધિ નથી. બંગલાના ઉપલા માળની બાલકનીમાં ઊભેલા અગાઉના માલિકનાં દસ મિનિટ માટે દર્શન કરવા રવિવારે સેંકડોની ભીડ જમા થતી. તમે કલાકો સુધી તમારી બાલકનીમાં ધામા નાખીને પડ્યા રહો છો તોય કોઈ કૂતરુંય તમને પૂછવા નથી આવતું. જિંદગી ધૂણધાણી થઈ ગઈ ને. ઈચ્છાઓ પૂરી થાય છે, થતી જ રહે છે છતાં સંતોષ નામની ચીજ તમારા હાથમાં ક્યારેય નથી આવતી.

માટે જ રજનીશ કહે છે કે સફળતાની ઈચ્છા રાખ્યા પછી તમે સફળ થયા પણ, તોય તમારી એ સફળતા નિષ્ફળતા બરાબર છે. અને જે સફળતાથી તમે ધરાવાના ન હો એ સફળતા તમારા માટે શું કામની?

રજનીશ કહે છે કે તમે જે છો એ જ રહો, બીજા કોઈ બનવાની કોશિશ ન કરો. તમે ઑર્ડિનરી આદમી છો તો એ જ રહો, એમાં જ તમારી સફળતા છે. (અહીં રજનીશ તમને તમારી પ્રતિભાઓને સામાન્ય કે સાધારણ રાખવાની સલાહ નથી આપતા. તમારા વ્યક્તિત્વને સાદું, ઑર્ડિનરી રાખવાની વાત કરે છે). સફળ એ છે જે નોબડી છે, રજનીશ કહે છે! અબ્રાહમ લિન્કન કે એડોલ્ફ બનવાની કોઈ જરૂર નથી. ઑર્ડિનરી રહો, નોબડી બનો અને જિંદગી તમારા માટે છલોછલ આનંદથી ભરાઈ જશે. બસ સીધાસાદા રહો. કોઈ મોટી મોટી વાતો નહીં, કોઈ ગૂંચવણો નહીં, આંટીઘૂંટી નહીં, કોઈ માગણી નહીં, ઈચ્છા નહીં. જે આપમેળે આવતું રહે એને સોગાદ માનીને સ્વીકારી લો અને ભરપેટ એને માણો. લાખો આવી સોગાદો આવતી રહેતી હોય છે જીવનમાં પણ સતત ઈચ્છાઓમાં અટવાતું મન એને જોયા વિના જ આગળ દોડી જતું હોય છે. સકસેસ મેળવવામાં એટલા મશગૂલ થઈ ગયા છીએ કે તમને અડકીને બેઠેલી આ બધી આનંદની અપ્સરાઓની હાજરીનું ભાન પણ થતું નથી તમને.

રજનીશ માટે ઑર્ડિનરી હોવું એટલે જ એક્સ્ટ્રાઑર્ડિનરી હોવું. પણ આપણે સૌ ઑર્ડિનરી શબ્દ સાંભળીને કતરાઈએ છીએ. હું અને ઑર્ડિનરી? બીજું કોઈ હશે, મારી આસપાસના બધા જ હશે ઑર્ડિનરી. હું તો સ્પેશ્યલ છું. આ ગાંડપણનું ભૂસું આપણા સૌના મનમાં ઠાંસી ઠાંસીને ભરેલું છે.

એક આરબ જોક રજનીશ ક્વોટ કરે છે કે એ લોકોમાં એમ કહેવાય છે અલ્લા દરેક આદમીનું સર્જન થયા પછી એના કાનમાં ખાનગીમાં કહે છે: ‘મેં તારા જેવો બીજો કોઈ મનુષ્ય બનાવ્યો નથી. તું ખાસ છે. બાકીના બધા જ સામાન્ય છે.’

ઉપરવાળો આ જોક બધાની સાથે કરતો રહે છે. દરેક જણ માનતું રહે છે કે મને તો ભગવાને કહ્યું છે કે તું સ્પેશ્યલ છે, અલગ છે, યુનિક છે, બધાથી જુદો છે.

ઑર્ડિનરી થવામાં કોઈ સ્ટ્રગલ કરવી પડતી નથી. અને બધા સંઘર્ષો સમાપ્ત થઈ ગયા પછી તમામ ઉધામા શાંત થઈ જાય છે. જિંદગીનાં પાનાં જેમ જેમ ખૂલતાં જાય તેમ એને વાંચીને એનો આનંદ મેળવતા રહો. તમારા બાળપણને માણો, યુવાનીને માણો, તમારી પાછલી ઉંમરને માણો, જિંદગીને માણો અને તો જ મૃત્યુને પણ માણી શકશો. વરસની દરેક ઋતુનો આનંદ લો. દરેક સીઝનને એનું આગવું સૌંદર્ય છે. જિંદગીના દરેક તબક્કાની એની પોતાની મઝાઓ છે. જિંદગી આખી સંઘર્ષોમાં, ઉધામા કરતાં કરતાં વિતાવી હશે તો અંતિમ ઘડીઓ કેવી હશે?

રજનીશે વિલિયમ સમરસેટ મૉમ નામના બહુ મોટા બ્રિટિશ નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર વિશેના પુસ્તકની વાત કરી છે. એમના જમાનાના એ સૌથી લોકપ્રિય અને લેખનમાંથી સૌથી વધુ કમાતા લેખક હતા. ૧૯૬૫માં ૯૧ વર્ષની ઉંમરે એ ગુજરી ગયા. સમરસેટ મૉમના ભત્રીજા રૉબિન મૉમે ‘ક્ધવર્સેશન્સ વિથ વિલી’ નામના પુસ્તકમાં લખ્યું છે:

‘એ સૌથી ફેમસ ઑથર હતા અને સૌથી દુ:ખી પણ. એક વખત, ૯૧ની ઉંમરે એમણે મને કહ્યું હતું કે હવે હું મરી જવાનો. મને મરવાનું ગમતું નથી...’

ભત્રીજાએ પૂછ્યું કે, ‘તમારી સૌથી સુખી સ્મૃતિઓ કઈ?’ ત્યારે સમરસેટકાકાએ કહ્યું: ‘કોઈ નહીં. જિંદગીને એક ક્ષણની પણ સુખદ સ્મૃતિ નથી.’ ભત્રીજો લખે છે કે મેં એમના ડ્રોઈંગરૂમમાં નજર ફેરવી. મોંઘું ફર્નિચર, સુંદર પેઈન્ટિંગ્સ, કળાની અદ્ભુત ચીજવસ્તુઓ. એમનો એ બંગલો પણ કેવો ભવ્ય અને રમણીય હતો. મોટો બગીચો, મેડિટરેનિયન સમુદ્રના કિનારે, છ લાખ પાઉન્ડની કિંમત, તહેનાતમાં અગિયાર-અગિયાર નોકરોનો તો સ્ટાફ હતો. છતાં એ હૅપિ નહોતા.

‘આમાંથી એક ટેબલ પણ હું મારી સાથે લઈ શકવાનો નથી’, સમરસેટ મૉમ બોલ્યા હતા, ‘મારી આખી જિંદગી નિષ્ફળ ગઈ. મારે એક શબ્દ લખવો જોઈતો નહોતો. શું મળ્યું મને એમાંથી? જિંદગીમાં મને નિષ્ફળતા સિવાય કશું નથી મળ્યું પણ હવે શું થાય? કશું પણ બદલવા જેટલો સમય ક્યાં બચ્યો છે?’

સમરસેટ મૉમને જિંદગી નિષ્ફળ લાગી કારણ કે એમની પાસે બધું જ હતું, સંતોષ નહોતો. એ સંતોષ જે પૈસાથી નથી મળતો, એ સંતોષ જે પ્રસિદ્ધિથી નથી મળતો. કાલે પૂરું કરીએ. 


શ્રીમંતાઈ પૈસાથી નથી આવતી, સંતોષથી આવે છે
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

રજનીશ સમજાવે છે કે તમારી પાસે પૈસા નથી, તમે કંગાળ છો તો તમે શાપિત છો, ડગલે ને પગલે તમે હડધૂત થવાના, તમારી આખી જિંદગી પૈસા મેળવવામાં ખર્ચાઈ જવાની.

તમારી પાસે પૈસા હોય તો એનાથી આ પાયાની મુસીબત બદલાતી નથી, તમે વધુ પૈસો કમાવવા, હજુ વધુ પૈસો મેળવવા આખી જિંદગી ખર્ચી નાખવાના અને જ્યારે ખૂબ બધો પૈસો તમારી પાસે આવી જશે ત્યારે તમે ગિલ્ટી ફીલ કરતા થઈ જશો. કારણ કે તમને ખબર છે કે તમે આ પૈસો કેવી રીતે ભેગો કર્યો છે- લુચ્ચાઈથી, બેરહમ બનીને, ગંદી રીતે. લોકોનું લોહી ચૂસીને એ પૈસો તમે મેળવ્યો છે. એટલે હવે તમારી પાસે ખૂબ બધો પૈસો છે પણ તમને એ પૈસો યાદ કરાવે છે કે તમે કેવા કેવા ગુનાઓ કરીને એ પ્રાપ્ત કર્યો છે.

આવા પૈસાને કારણે બે પ્રકારના લોકો પેદા થાય છે. એક પ્રકારના લોકો ગિલ્ટ દૂર કરવા માટે દાન-ધર્માદા કરવાનું શરૂ કરે છે. તેઓ કહે છે કે હવે મારે ‘સમાજ માટે કંઈક કરી છૂટવું’ જોઈએ. તમારી આ હૉસ્પિટલો, સ્કૂલો બધું અપરાધભાવથી પીડાતા લોકોના પૈસાથી બનેલું છે. તમારી આ ગિલ્ટનો પૂરેપૂરો લાભ ધર્મનો ધંધો કરનારાઓ ઉઠાવે છે. તેઓ તમારી ગિલ્ટનો ફાયદો ઉઠાવે છે એટલું જ નહીં તમારા અહમ્ને પણ પોષે છે - તમે ખૂબ સુંદર ધાર્મિક- આધ્યાત્મિક કાર્ય કરી રહ્યા છો એવું કહીને તમારા ઈગોને પંપાળે છે. તમારા એ દાનધર્માદાને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવાદેવા નથી. એ લોકો માત્ર ગુનેગારોને સારા શબ્દોમાં આશ્ર્વાસન આપતા હોય છે.

ચિક્કાર પૈસો મેળવનારા બીજા પ્રકારના લોકો એવા છે જેઓ એટલી ગિલ્ટ અનુભવતા થઈ જાય છે કે કાં તો તેઓ પાગલ થઈ જાય છે, કાં આત્મહત્યા કરી બેસે છે. એ લોકોને પોતાના જ અસ્તિત્વનો ભાર લાગવા માંડે છે. પૈસાથી પાગલ થઈ ગયેલા લોકો છકી જાય છે. પૈસાના તોરમાં તેઓ ન કરવાનું કરી બેસે છે. એમની જિંદગી પાટા પરથી ખડી પડે છે. શ્રીમંતાઈ પૈસાથી નથી આવતી, સંતોષથી આવે છે. બુદ્ધ જો ઝૂંપડીમાં રહેતા હશે તો એ ઝૂંપડી પણ એમના માટે મહેલ હશે અને જો એ મહેલમાં રહેતા હશે તો દુનિયાના બીજા કોઈ પણ આદમી કરતાં મહેલને એ વધારે માણી શકવાના. જે માણસ ઝૂંપડીને માણી શકતો હોય એ મહેલનો આનંદ તો કેટલો બધો માણી શકવાનો.

જિંદગી જીવવી જોઈએ ભરપૂર રીતે. શ્રીમંતાઈ અંદરની જાગૃતિથી આવે છે. તમે ખૂબ ગરીબ હો છતાં બહારથી તમારી પાસે ઘણો પૈસો હોય, મોટું બૅન્ક બૅલેન્સ હોય એ શક્ય છે, પણ તમારી એ લાઈફ કૂતરા જેવી જિંદગી હોવાની.

રજનીશ કહે છે કે હું એવા કેટલાય પૈસાદારોને ઓળખું છું જેમની પાસે ચિક્કાર પૈસો હોવા છતાં એ લોકો એ પૈસાને માણી શકતા નથી, જિંદગીનું સૌંદર્ય જોઈ શકતા નથી. પૈસો આવી ગયા પછી તમારે વધુ ભૌતિક સગવડો ઊભી કરવાની નથી. તમારે વધારે સંવેદનશીલ બનવાનું છે. જેથી તમારી આસપાસના જગતનો તમે આનંદ માણી શકો.

રજનીશ કહે છે કે હું ગરીબીનો વિરોધી છું, પૈસાનો તરફદાર છું. ગરીબ બનવાની કોઈ જરૂર નથી. આપણે જો ગરીબ હોઈએ તો એ માટે જવાબદાર આપણે પોતે જ છીએ. પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી, પણ પૈસાથી હાલાકીઓ અને મજબૂરીઓ ચોક્કસ હળવી બનાવી શકાય છે અને એટલે જ હું પૈસાનો વિરોધી નથી. અગવડોવાળી મજબૂરીઓ કરતાં સગવડોવાળી મજબૂરીઓ લાખ દરજ્જે સારી. હું પોતે ગરીબીમાં રહ્યો છું, હું શ્રીમંત જિંદગી પણ જીવ્યો છું અને તમને કહું છું કે ગરીબાઈ કરતાં શ્રીમંતાઈ લાખ દરજ્જે સારી છે. હું ઈચ્છું છું કે તમે સૌ ખૂબ શ્રીમંત બનો, માત્ર પૈસાથી જ નહીં, દરેક રીતે- મનથી પણ શ્રીમંત બનો.

પૈસાથી પ્રેમ મળતો નથી, પૈસાથી ખરી દોસ્તી પણ મળતી નથી, પણ જેમને પૈસો જોઈએ છે એ લોકો આવું કશું વિચારતા નથી. પૈસો મેળવતી વખતે કે પૈસો આવી ગયા પછી માણસે સમજવું જોઈએ કે દુનિયામાં કેટલીક ચીજો ખરીદી કે વેચી શકાતી નથી. કેટલીક વસ્તુઓ પૈસાથી પર છે. રજનીશ કહે છે કે યાદ રાખો, હું પૈસાનો વિરોધી નથી, પણ હું તમને એનાથી પર લઈ જવાની કોશિશ કરી રહ્યો છું. પૈસો તમારી જિંદગીમાં હોય કે ન હોય - એ બેઉ પરિસ્થિતિમાં તમે એકસરખા આનંદથી જીવી શકો એમ છો એ સમજાવવાની કોશિશ કરું છું. એ માટે કઈ કઈ પૂર્વશરતો હોય છે તે કહેતો રહું છું તમને.

રજનીશની વાતો ઘણાને ડબલ સ્ટાન્ડર્ડવાળી લાગતી હોય છે. કારણ કે આવું માનનારાઓ પોતે આખી જિંદગી ડબલ સ્ટાન્ડર્ડ્સથી જીવ્યા હોય છે. રજનીશની વાતો કોઈ બાબા-ગુરુની વાત નથી જેનો આંધળો સ્વીકાર કરવાનો હોય, જેની સામે કોઈ દલીલ ન કરવાની હોય. રજનીશ પ્રખર ચિંતક છે, મૌલિક વિચારક છે. આજે, ૨૦૧૩ની સાલમાં, પણ રજનીશના વિચારો તમને ક્રાંતિકારી લાગે છે. કારણ કે સમાજની માનસિકતા હજુય એવી ને એવી જ છે, આપણી પોતાની માનસિકતા પણ ખાસ કંઈ બદલાઈ નથી.

રજનીશ કહેવા માગે છે કે સલામતીની શોધમાં ભટક્યા કરવું ફોગટ છે. માણસ શું કામ વધારે ને વધારે કમાવા માગે છે? જેથી એને પૈસાની જરૂર ન રહે, એની લાઈફ સિક્યોર્ડ થઈ જાય, એનાં સંતાનો ભૂખ્યાં ન રહે, એણે પોતે સાજેમાંદે કોઈની આગળ હાથ લંબાવવો ન પડે. રજનીશ કહે છે કે જિંદગીનું બીજું નામ જ અસલામતી છે. મૃત્યુ આવે જ નહીં એવો કોઈ વીમો છે? એ તો આવવાનું જ. વીમાની ડઝનબંધ પૉલિસીઓ તમારી પાસે હશે છતાંય એ તો આવવાનું જ. અને લાઈફને તમે જેટલી સેફ, જેટલી સિક્યોર્ડ કરવાની કોશિશ કરશો એટલી એ વધારે શુષ્ક, વધારે ઉજ્જડ બનતી જશે.

અસલામતી તમને સતત જાગૃત રહેવા માટે મજબૂર કરે છે. દરેક પ્રકારનાં જોખમ સામે તમને સાવચેત રાખે છે. જિંદગી પૈસાવાળાની હોય કે ગરીબની - કોઈની પણ જિંદગી ખાંડાની ધાર પર ચાલવા જેવી હોય છે. સલામતીભરી જિંદગી જોખમી બની જાય છે કારણ કે તમે ખાંડાની ધાર પર ચાલતી વખતે સાવધ નથી રહેતા, જાગ્રત નથી રહેતા. હકીકત તો એ છે કે જાગ્રત નહીં રહેવા માટે, સાવધ નહીં રહેવા માટે તમે સલામત અને સુરક્ષિત જિંદગી મેળવવા માગો છો.

હજારો ઉપદેશકો કે ધાર્મિક પ્રવચનકારોથી રજનીશ જુદા એટલા માટે છે કે રજનીશ તમને ડરાવતા નથી, તમારામાં ગિલ્ટ ઊભી નથી કરતા. રજનીશની જિંદગીને, એમના વિચારોને તમે કોઈ પણ ઊભા રહીને જોઈ શકો છો. મા શીલા આનંદના ખૂણે ઊભા રહીને જુઓ તો તમને ૮૫ રોલ્સ રોયસ અને સો કીંમતી, રત્નજડિત ઘડિયાળોવાળા રજનીશ દેખાશે, ભૌતિક સુખસગવડોથી ઘેરાયેલા, સુંદર સ્રીઓના સહવાસમાં રહેતા રજનીશ દેખાશે.

એની સામેના છેડેથી જોશો તો જેમની લાઈબ્રેરીમાં ૯૦,૦૦૦ પુસ્તકો હતાં, એ દરેકને વાંચીને અંડરલાઈન કરીને, છેલ્લે પૂરું કર્યા પછી હસ્તાક્ષર કરીને રાખતા, એ રજનીશ છે. વીસમી સદીના ભારતમાં જ નહીં, વિશ્ર્વમાં પણ જેમનો જોટો ન મળે એવી મૌલિક વિચારધારાવાળા મહાપુરુષ છે જે સાઠ વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવીને સદીઓ સુધી ચાલે એવું ચિંતન આપતા ગયા એવા રજનીશ છે. ચૉઈસ તમારી છે, તમારે કયા રજનીશને મળવું છે. જે રજનીશને તમારે મળવું હોય તેને મળો- ફાયદો કે નુકસાન, તમારું જ છે. 


મારી  નોંધ : રજનીશ ગમે તેવી ડાહી વાત કરે પણ માં શિલા એ  જે ભાંડો ફોડ્યો છે તે રજનીશના આચાર અને વિચાર જુદાહતા તે ચોક્કસ પણે  લાગે છે . જે વસ્તુની વાત તેઓ કરે છે તે વસ્તુ તેઓ પોતે અમલમાં નથી મૂકી શકતા તેનો અર્થ એમજ છે કે આ વાત કહેવી  સહેલી છે પણ કરવી મુશ્કેલ છે . વાંચવા માટે સારી પણ અનુભવાય તેવી નથી . કહેનારા એમ પણ કહે છે કે સંતોષ એટલે પ્રગતિની પૂર્ણાહુતી . મારે પ્રગતિ પણ કરવી છે અને સંતોષ પણ રાખવો છે તે વાત એક સાથે સંભવી શકશે નહિ મહાવીર પ્રભુના ઉપદેશ માં જે આવે છે કે દરેક વસ્તુનો વિવેક રાખવો તે અત્રે પણ લાગુ પડે છે .

Wednesday, May 15, 2013

શ્રેષ્ઠને પ્રાપ્ત કરવા સામેથી જવું પડે - મહેન્દ્ર પુનાતર

શ્રેષ્ઠને પ્રાપ્ત કરવા સામેથી જવું પડે
દરેક માણસને કોઈ ને કોઈ જાતનો અહંકાર હોય છે, જે તેને શ્રેષ્ઠ પાસે જવા નથી દેતો. સારાને શોધવું પડે છે, એની મેળે આવી જતું નથી. આ માટેની પ્રથમ શરત છે નમ્રતા
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

આ જગતમાં કોઈ પણ વસ્તુ એની મેળે મળતી નથી. શ્રેષ્ઠ ચીજોને તો શોધવી પડે છે. તે મેળવવા માટે પ્રયાસો કરવા પડે છે. કેટલીક ચીજો એવી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી. પ્રબળ ઈચ્છા અને પુરુષાર્થ હોય તો તે મળે છે. ઉત્તમ જે છે તેને મેળવવા માટે આપણે સામેથી જવું પડે છે. તેને માટે નમ્રતા ધારણ કરવી પડે છે અને અહંકારશૂન્ય બનવું પડે છે. આમાં હુકમ કે આદેશ કામ આવતો નથી. માત્ર પ્રાર્થના અને અરજ કાર્યરત બને છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે પૈસાથી બધું મળી શકે છે. આપણે પૈસાના ત્રાજવે બધું તોળીએ છીએ અને હિસાબકિતાબ માંડીએ છીએ. કેટલીક વખત વસ્તુ સામે પડી હોય આમ છતાં આપણને હાથ લાગતી નથી. મોટે ભાગે જે નજીકમાં હોય તેના તરફ માણસની નજર જતી નથી, કારણ કે માણસ દૂર તરફ મીટ માંડીને બેઠો છે. આપણી પાસે જે સુખ છે તે આપણને દેખાતું નથી. બીજાનું સુખ સારું લાગે છે. જે હાથમાં હોય છે તેની કિંમત રહેતી નથી અને જે હાથમાંથી છટકી જાય છે તે મૂલ્યવાન બની જાય છે. જગતમાં જે શ્રેષ્ઠ છે તેની પાસે જવું પડે છે. તે આપણાં કદમોમાં એની મેળે આવી જતું નથી. અને જે વગર મહેનતે સહેલાઈથી હાથમાં આવી જાય છે તેની કિંમત રહેતી નથી. મફતમાં મળેલી કોઈ પણ ચીજમાં લાંબો સમય રસ રહેતો નથી. મહેનતથી મળેલું ભલે નજીવું હોય, પરંતુ તેનો આનંદ અપાર છે. આ અંગે ઓશોએ ટાંકેલી એક દૃષ્ટાંતકથા પ્રેરક છે...

એક સમ્રાટને સંગીત સાંભળવાનો શોખ હતો. સંગીતનો રસિયો આ સમ્રાટ શ્રેષ્ઠ ગાયકો અને સંગીતકારોને પોતાના દરબારમાં બોલાવતો હતો અને મહેફિલો યોજતો હતો.

એક દિવસ તેણે પોતાના પ્રધાનને બોલાવીને કહ્યું આપણા રાજ્યમાં શ્રેષ્ઠ સંગીતજ્ઞ કોણ છે જેનું સંગીત સાંભળવાની આપણને તક મળી નથી.

પ્રધાને કહ્યું: હજૂર આપણા રાજ્યમાં એક સંગીતજ્ઞ છે જેનું વીણાવાદન મંત્રમુગ્ધ કરે એવું છે પણ તે મનમોજી છે.

રાજાએ હુકમ કર્યો એ વીણાવાદકને દરબારમાં બોલાવો, અમે તેનું સંગીત માણવા ઈચ્છીએ છીએ.

પ્રધાને કહ્યું: તે એમ નહીં આવે. રાજાએ કહ્યું: તેને પકડીને લાવો, અમારો હુકમ છે તે કેમ ન આવે?

પ્રધાને કહ્યું: તેને પકડીને લાવવામાં આવશે તો એ આપના હુકમથી વીણા જરૂર વગાડશે, પણ તેમાં પ્રાણ નહીં હોય. આ તેનું અસલી સંગીત નહીં હોય.

સમ્રાટે કહ્યું: તો બીજો કોઈ ઉપાય બતાવો. હવે હું તેનું સંગીત સાંભળવા આતુર છું. પ્રધાને કહ્યું: એક ઉપાય છે. તે અહીં નહીં આવે આપણે તેની પાસે જવું પડશે.

સમ્રાટે કહ્યું: કશો વાંધો નહીં એમાં શું ફરક છે? એ અહીં આવે કે આપણે ત્યાં જઈએ.

પ્રધાને કહ્યું: એમાં ઘણો ફરક છે. આપણે બધા ચહેરાઓને ઉતારીને જવું પડશે અને નમ્રતા ધારણ કરવી પડશે.

સમ્રાટ જવા માટે તૈયાર થઈ ગયો. પ્રધાને કહ્યું: મહારાજ, આમ નહીં જઈ શકાય. તમારે આ કીમતી વસ્ત્રો ઉતારીને સાદાં વસ્ત્રો ધારણ કરવાં પડશે. એક સામાન્ય માણસની જેમ તેના ઘેર જવું પડશે.

સમ્રાટે કહ્યું: આ વસ્ત્રો કઈ રીતે બાધારૂપ છે? આપણે તો તેનું સંગીત સાંભળવું છે. પ્રધાને કહ્યું: આપ ત્યાં સમ્રાટ બનીને રહેશો તો જે સંગીત તમારે સાંભળવું છે તે નહીં સાંભળી શકો. જીવનમાં જે કાંઈ મહત્ત્વનું છે તે સમ્રાટ બનીને નહીં પણ યાચક બનીને મેળવવું પડે છે. સમ્રાટના પોશાકમાં આપ હાથ નહીં ફેલાવી શકો કે તેના આંગણે ધૂળમાં નહીં બેસી શકો.

સમ્રાટે સાદાં વસ્ત્રો ધારણ કર્યાં અને તેઓ તેના દ્વાર પર પહોંચી ગયા. સમ્રાટના એક દરબારી પાસે વીણા હતી. તેણે વીણાનું વાદન શરૂ કર્યું. તે કાંઈ બહુ જાણકાર નહોતો. આવું બેસરું વીણાવાદન સાંભળીને સંગીતજ્ઞ બારણું ખોલીને બહાર આવ્યો અને કહ્યું: મિત્ર, આ કાંઈ વીણાવાદન છે? સાદા વસ્ત્રમાં રહેલા દરબારીએ કહ્યું; તો આપ જ કહો વીણાવાદન કેવું હોય? સંગીતજ્ઞ ઘરમાંથી વીણા ઉપાડીને લાવ્યો અને બધાને આંગણામાં બેસાડીને વીણા વગાડવાનું શરૂ કર્યું. તેના સૂરોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. સમ્રાટ તો મંત્ર મુગ્ધ થઈ ગયો.

વીણાવાદન પૂરું થયા પછી તેણે કહ્યું: હું સમ્રાટ છું. હું આપનું સંગીત સાંભળવા અહીં આવ્યો હતો. અને હવે મને લાગે છે કે મેં કાંઈક મેળવ્યું છે.

સંગીતજ્ઞે કહ્યું: આપ સમ્રાટ તરીકે આવ્યા હોત તો કદાચ આ વીણાના સૂરો અલગ હોત અને આપ અવસર ચૂકી જાત.

દરેક માણસને કાંઈકને કાંઈક અહંકાર હોય છે. કોઈને ધનનો, કોઈને પદનો, તો કોઈને પ્રતિષ્ઠાનો. આ અહંકાર તેને શ્રેષ્ઠ પાસે જેવા દેતો નથી. તે તો એમ જ માને છે કે બધા એની પાસે આવે, તેની ખુશામત કરે. કહેવાતા શ્રીમંત પ્રતિષ્ઠિત માણસો ગમે તેવું સારું પ્રવચન હોય કે ગીત-સંગીતનો કાર્યક્રમ હોય તેઓ લોકોની વચ્ચે બેસીને તેને માણી શકતા નથી. તેઓને આમંત્રણ અને આગ્રહ હોય, આગળની ખુરશીમાં બેસવા મળવાનું હોય તે સિવાય તેઓ કાર્યક્રમમાં હાજરી આપતા નથી. અને હાજર રહ્યા પછી પણ તેમનું ધ્યાન આ કાર્યક્રમમાં હોતું નથી, પરંતુ તેના કરતાં બીજા કોને વધુ માન મળ્યું, આયોજકોએ તેમના પર કેમ વધુ ધ્યાન ન આપ્યું. એ બધી બાબતો અને તેમનો અહંકાર તેમને સારું સાંભળવા અને માણવા દેતો નથી. ગમે તેવો સુંદર અને મનને ભીંજવી દે તેવો સંગીતનો જલસો હોય પણ તેઓ કોરા રહી જાય છે અને કાંઈક ને કાંઈક અહંકારનો ફુગ્ગો ફુલાવીને પાછા ફરે છે. તેઓ સામાન્ય માણસ બની શકતા નથી અને જીવનનો મોટો લહાવો ગુમાવે છે.

જીવનમાં કાંઈ પણ સારું પ્રાપ્ત કરવું હોય તો અહંકારને ઓગાળવો પડે. મારા જેવું કોઈ નથી, હું બધું જાણું છું એવા ભાવે જઈએ તો કશું હાથમાં આવે નહીં. એક અદના માણસ તરીકે પોતાને ગણીએ અને નમ્રતાનો ભાવ આવે તો સારી વસ્તુને શોધી શકાય. સારાને હંમેશાં શોધવું પડે છે, ખરાબ એની મેળે આવી જાય છે.

પરમાત્માના દ્વાર પર પણ આપણે આવી રીતે જવું પડે. મંદિરમાં બધા ચહેરાઓને ઉતારી દેવા પડે. માત્ર નમ્રતાનો ચહેરો ધારણ કરવો જોઈએ તો જ પ્રભુનાં દર્શન થઈ શકે. પ્રભુ આપણી સન્મુખ છે, પરંતુ માન, અભિમાન અને અહંકારનાં પડળો આમાં બાધારૂપ છે. શોધ્યા વગર પ્રભુ પણ મળે નહીં. નમ્રતા, સરળતા, સહજતા અને મન સાફ હોય તો પ્રભુની શોધ ગહન બની જાય. પછી જ્યાં જુઓ ત્યાં પરમાત્મા નજરે પડે છે. પ્રભુ કોઈ પણ સ્વરૂપે આપણી પાસે આવી જાય. પ્રભુને સ્વાગત કરવા માટે ખુલ્લું દિલ અને પ્રેમ અને આનંદસભર હૃદય જોઈએ.

મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો કૃષ્ણની મદદ માટે ગયા. કૃષ્ણ સૂતા હતા. તેઓ જાગે ત્યાં સુધી રાહ જોવાની હતી. કૌરવના પ્રતિનિધિ દુર્યોધને મસ્તક પાસે સ્થાન ગ્રહણ કર્યું અને પાંડવોના પ્રતિનિધિ અર્જુને પગ પાસે બેઠક લીધી. દુર્યોધન પગ પાસે બેસી શકે નહીં. આ મસ્તક પાસે બેસવાનું અને પગ પાસે બેસવાનું ઘણું સૂચક છે. આમાં દુર્યોધનનો અહંકાર હતો અને અર્જુનની નમ્રતા હતી. જ્યાં નમ્રતા હોય ત્યાં પ્રભુ સમીપ હોય છે. કૃષ્ણની આંખો ખૂલી તો પ્રથમ નજર અર્જુન પર પડી. પસંદગીની વાત આવી તો એક બાજુ કૃષ્ણ હતા અને બીજી બાજુ તેમની આખી સેના હતી. દુર્યોધને સેનાને પસંદ કરી અને અર્જુને કૃષ્ણની પસંદગી કરી એમાં પણ નમ્રતા અને સમર્પણભાવ હતો.

જે માણસો અક્કડ બનીને રહે છે તેઓ જીવનના ખેલમાં હારી જાય છે. વાવાઝોડામાં અક્કડ બનીને ઊભાં રહેલાં વૃક્ષો ઊથલી પડે છે, જ્યારે નાનાં તરણાઓ વાંકા વળીને નમી જાય છે અને વાવાઝોડું તેના પરથી પસાર થઈ જાય છે અને તેઓ પાછાં બેઠાં થઈ જાય છે. વાવાઝોડું તેમને પરેશાન કરી શકતું નથી. હું કાંઈક છું, મારા જેવું બીજું કોઈ નથી. મને કોઈ પરાજિત કરી શકે નહીં એ માણસનો અહંકાર છે. જેમનામાં સંયમ અને સંતુલન નથી તેઓ જીવનની આ તંગ દોર પર ગબડી પડે છે.

જીવનમાં સંતુલન રાખવા માટે મહાવીરે એક માર્ગ બતાવ્યો છે, તે છે સમ્યક માર્ગ. જીવનમાં કાંઈ વધુ નહીં, કાંઈ ઓછું નહીં. સમ્યક એટલે મધ્યમાં રહેવું. કોઈ પણ અતિ પર જતાં અટકવું. કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. બધી વસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.

જીવનમાં બધું જ છે. ભલાઈ છે, બૂરાઈ છે, સારું છે, ખરાબ છે, સુખ છે, દુ:ખ છે, પ્રેમ છે, નફરત છે. માણસે આ બધા દ્વંદ્વો વચ્ચે પસંદગી કરવાની છે.

જીવનમાં હાર-જીત, સફળતા-નિષ્ફળતા, ચડાવ-ઉતરાવ આવવાના છે. એકલી જીતથી કાંઈ જીવન નથી બનતું. એકલું સુખ મળે તો પણ માણસ થાકી જશે. દુ:ખ છે એટલે જ સુખની કિંમત છે. જીવનમાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. માનવમાત્ર અધૂરા. જીવનમાં થોડી મીઠાશ અને થોડી ખટાશ જરૂરી છે. ખટાશ એ મીઠાશનું પ્રથમ ચરણ છે. ફળ કાચું હોય ત્યારે ખાટું હોય છે. પાકે છે ત્યારે મીઠું બની જાય છે. જીવનમાં સફળતા માટે પણ પ્રયાસો સાથે ધીરજ અને પ્રતીક્ષાની જરૂર છે.

સફળતાની સાથે માણસ નમ્ર ન બને તો તેનું કોઈ મૂલ્ય રહેતું નથી. સફળતા સાથે સાવધાની ન રહે તો જયને પરાજયમાં પલટાતાં વાર લાગતી નથી. માણસે આ અંગેની કસોટીમાંથી પસાર થવું પડે છે. આ અંગે કુતુબ ‘આઝાદ’ની એક રચના જોઈએ...

સાગર જો થવું હોય તો છલકાઈ જવું પડશે

ખારાશ ભરી હૈયે હરખાઈ જવું પડશે

અજવાળું થઈ જગમાં ફેલાઈ જવું હોય તો

સૂરજ થઈ અગ્નિમાં શેકાઈ જવું પડશે.

થાવું હશે જખ્મોને અળગા જો જિગરમાંથી

આંસુ થઈ આંખોથી રેલાઈ જવું પડશે

લેવું હશે સોનાને જો રૂપ ઘરેણાંનું

તો તાર થઈ પહેલાં ખેંચાઈ જવું પડશે

‘આઝાદ’ મોહબ્બતમાં એક એવો નિયમ પણ છે

કંઈ પામવા ચાહો તો ખોવાઈ જવું પડશે.