ધર્મમાં દંભ અને દેખાડો વધ્યા છે, પાયાનું સત્ય વીસરાઈ ગયું છે. ધંધાને ધર્મ બનાવી ન શકાયો, પરંતુ ધર્મ ધંધો બની ગયો છે અને પાખંડી લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. પ્રેમ સંકુચિત અને સ્વાર્થી બનવાથી તેનું વાસનામાં રૂપાંતર થઈ ગયું છે. આજનું જ્ઞાન ઊંચે જોતાં શીખવે છે, પરંતુ નીચે ખાઈ તરફ નજર જતી નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર
ધર્મ, પ્રેમ અને જ્ઞાન એ જીવનનાં પરમ તત્ત્વો છે. જીવન જીવવાની એ જડીબુટ્ટી છે. આમ છતાં ધર્મ, પ્રેમ અને જ્ઞાન અંગે માણસ ઘણી ઉલઝનમાં છે. યોગ્ય સમજણના અભાવે તેનું અર્થઘટન જુદી જુદી રીતે થઈ રહ્યું છે. આપણે આ ત્રણે બાબતોને સાંકડા વર્તુળમાં સીમિત કરી દીધી છે. ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, તમામ જીવો પ્રત્યે પ્રેમ અને ઈશ્ર્વરનાં પરમ તત્ત્વોને સમજવાનું જ્ઞાન હોય તો જીવન ધન્ય બની જાય. આપણે ધર્મને સમજતા નથી એટલે જીવન સમજાતું નથી, અને જીવનને સમજતા નથી એટલે ધર્મનું જ્ઞાન અધૂરું રહી જાય છે.
આજે ધર્મનો જયજયકાર હોવા છતાં મોટા ભાગના માણસો તેનાં મૂળભૂત તત્ત્વોને સમજતા નથી અને ગાડરિયા પ્રવાહની જેમ ચાલી રહ્યા છે. માત્ર ક્રિયાકાંડ એ ધર્મ નથી. એ તો માત્ર બાહ્ય આડંબર છે. જ્યાં સુધી અંતરનો ભાવ ન આવે ત્યાં સુધી ક્રિયાઓનું કોઈ મૂલ્ય નથી. હાથમાં માળા અને મન બીજે ભટકતું હોય તો તેનો કોઈ અર્થ નથી. ભક્તિ અને પૂજાપાઠ કરતી વખતે મન જો સ્થિર ન હોય તો પ્રભુને પામી શકાય નહીં. ધર્મ શક્તિ માણસના જીવનને આંતરિક રીતે સમૃદ્ધ બનાવે છે અને નવી શક્તિ બક્ષે છે, પરંતુ ધર્મને યથાર્થ રીતે સમજવાની જરૂર છે. ધર્મ આપણને જીવન જીવતાં શીખવે છે અને આપણે યોગ્ય રીતે જીવન જીવીએ તો એ ધર્મ બની જાય છે. ધર્મ અને જીવન જુદાં નથી. એકબીજાનાં પૂરક છે. ધર્મ વગરનું જીવન આડે પાટે ચડી જાય. ધર્મ આપણને સન્માર્ગે વાળે છે. ધર્મ એ જીવનનું ધારક બળ છે. એક અદ્ભુત શક્તિ છે. જ્યારે બધી દિશાઓ બંધ થઈ જાય છે ત્યારે ધર્મ આધાર બનીને ઊભો રહે છે. સુખ અને દુ:ખના સમયમાં તે નવો વિશ્ર્વાસ ઊભો કરે છે અને ઊંડા અંધારામાંથી પ્રકાશ તરફ આપણને દોરે છે. જગતના તમામ ધર્મોએ ઉત્કૃષ્ટ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે, પરંતુ માણસોએ તેનાં ખોટાં અર્થઘટનો કરીને દીવાલો ઊભી કરી દીધી છે. દરેક ધર્મના પાયાના સિદ્ધાંતો લગભગ સરખા છે. કોઈ પણ ધર્મ ચોરી કરવાનું, અપ્રામાણિક બનવાનું, બીજાને છેતરી લેવાનું, જુઠું બોલવાનું, નિર્દયતા દાખવવાનું કે અત્યાચારી બનવાનું શીખવતો નથી. પ્રેમ, દયા, કરુણા અને પરોપકાર એ તમામ ધર્મોએ પ્રરૂપેલા સિદ્ધાંતો છે. તમામ ધર્મોએ આ સત્ય સમજાવ્યું હોવા છતાં માનવજાત અહંકાર, વેરઝેર, કાવાદાવા, અણહકનું છીનવી લેવું અને બીજાના ભોગે સુખ પ્રાપ્ત કરવામાં રત છે. સુખની આ કહેવાતી ખોજમાં જીવન ખોવાઈ ગયું છે.
દરેક ધર્મે આદર્શ સમાજરચના માટેના ઉત્તમ સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે. ઊંચનીચના ભેદભાવ ન હોય, અસમાનતા ન હોય, પરિગ્રહ અને સંચયની ભાવના ન હોય, અહિંસા, દયા, કરુણા અને પ્રેમ હોય અને જ્યાં ક્ષમા અને મૈત્રીનો ભાવ હોય એ સમાજ કદી દુ:ખી, લાચાર કે અશાંત હોઈ શકે નહીં, પરંતુ આજે શોષણ, સંગ્રહખોરી, કાળાબજાર, ભેળસેળ અને છેતરપિંડી ચાલી રહી છે. માણસને કોઈ પણ ભોગે જેટલું બની શકે તેટલું ઝડપથી પ્રાપ્ત કરી લેવું છે. આ અણહકનું ઝૂંટવી લેવામાં માણસ કેટલું ગુમાવે છે તેનું તેને ભાન રહેતું નથી. માણસે સૌથી કીમતી ચીજ જો ગુમાવી હોય તો તે મનની શાંતિ છે. આજે ચોમેર અશાંતિ, બેચેની અને અજંપો છે, પૂરતું મળ્યા પછી પણ માણસને સંતોષ નથી.
ધર્મના સિદ્ધાંતો માણસને આ બધાં કળણોમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે, પણ ધર્મ સાચા અર્થમાં સમજાયો નથી. દંભ અને દિખાવટ વધી છે. પાયાનું સત્ય વીસરાઈ ગયું છે અને જૂઠી આસ્થા, અંધશ્રદ્ધા, દેખાદેખી વધી છે. ધર્મ બહારથી દેખાય છે પણ તેનું આચરણ જીવનમાં ઊતરતું નથી. કેટલાક ધાર્મિક ગણાતા માણસોના દંભી ચહેરાઓ પાછળ અધર્મ સિવાય કશું દેખાતું નથી. વાતો કરવી અને જીવનમાં ઉતારવું એમાં મોટો ફરક છે. આજે ધર્મની ભવ્યતા જેટલી બહાર દેખાય છે એટલી પોકળતા પણ જોવા મળે છે. ધર્મ એક ધંધો બની ગયો છે. ધર્મમાં પૈસાનો વહેવાર ઘૂસી ગયો છે. મંદિરનો ધર્મ ઘરો અને દુકાનો સુધી પહોંચ્યો નથી, પણ દુકાનો મંદિરો સુધી પહોંચી ગઈ છે. માત્ર બાહ્ય આચરણ ધર્મ નથી. વ્યવહાર શુદ્ધિ વગર જીવન શુદ્ધિ શક્ય નથી. ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા વધી છે. મંદિરો અને દેરાસરોમાં ભીડ વધી છે, પરંતુ આંતરિક ધર્મભાવના વિકસિત થઈ શકી નથી.
આજે સિદ્ધાંત વગરનો સમાજ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનો ભોગ, નીતિ વગરનો વ્યવસાય, ધર્મ વગરનું શિક્ષણ, માનવતા વગરનું વિજ્ઞાન અને સમર્પણ વગરની પૂજા-પ્રાર્થના ઠેર ઠેર જોવા મળે છે.
ધર્મની જેમ પ્રેમ પણ સીમિત બની ગયો છે. સ્નેહ અને પ્રેમની ભાવના નષ્ટ થવાના કારણે વેરઝેર અને દુશ્મનાવટ વધી છે. ઘરોમાં પણ કલહ વધ્યો છે. એકબીજા માટે કાંઈક કરી છૂટવાની ત્યાગની ભાવનાનો લોપ થયો છે. માણસોએ સંવેદના ગુમાવી છે. તેમનું વલણ વધુ કઠોર, લાગણીશૂન્ય બન્યું છે. પ્રેમનાં ઝરણાંઓ સુકાઈ ગયાં છે, જેમના પ્રત્યે પ્રેમ હોય તેને દુ:ખ પહોંચાડાય નહીં, તેનું દિલ દુભાવાય નહીં, પણ આવું હવે રહ્યું નથી. પ્રેમનું ફલક સંકોચાઈ ગયું છે. પ્રેમ ઘરમાં કેદ થઈ ગયો છે. આપણા પોતાના સિવાય બીજા પ્રત્યે આવી લાગણી રહી નથી. બહાર કોઈનું દુ:ખ જોઈને આપણું હૃદય દ્રવી ઊઠતું નથી. ધર્મ અને પ્રેમની સાથે જ્ઞાન ન હોય, સમજણ ન હોય તો એ પોથીમાંનાં રીંગણાં જેવું બની જાય. જ્ઞાન માણસને સાચો રસ્તો બતાવે છે, પણ જ્ઞાન અને વિદ્યાની સ્થિતિ પણ આજે બજારુ બની ગઈ છે. શિક્ષણ સત્ત્વ વગરનું બની ગયું છે અને તેનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. પોપટિયું જ્ઞાન વિદ્યાર્થીઓને સારા જીવન માટે કશો પ્રકાશ આપી શકતું નથી. શિક્ષણનો ઉદ્દેશ અર્થોપાર્જન, પૈસા કમાવા સિવાય બીજો કશો રહ્યો નથી. શિક્ષણમાં ધર્મ, સદાચાર, પ્રામાણિકતા અને નીતિમત્તાના સંસ્કારો પર કશું જોર આપવામાં આવતું નથી. ગુરુ અને શિષ્યો વચ્ચેના સંબંધો બજારુ બની ગયા છે. ગુરુ પ્રત્યે આદર રહ્યો નથી અને ગુરુઓ પણ આદરને લાયક રહ્યા નથી. શિક્ષણ વ્યવસાય બની ગયું છે એમાં ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો વેપારી અને ગ્રાહક જેવા બની ગયા છે. શિક્ષણનો મૂળભૂત સંદર્ભ બદલાઈ ગયો છે. શિક્ષણ સંસ્કારી અને વિનમ્ર બનાવે તેના બદલે અહંકારનો પારો ઊંચે ચડાવે એવું બની ગયું છે. જે વિદ્યા જીવનનો માર્ગ ન બતાવી શકે એ વિદ્યા શા કામની? શિક્ષણ અને ડિગ્રીઓ મેળવીને માણસો ધન, પદ અને પ્રતિષ્ઠા પાછળ દોટ મૂકી રહ્યા છે, પરંતુ આગળ ખાડો છે તેની કોઈને ખબર નથી. એક પ્રખર જ્યોતિષ એક રાતે ઊંડા ખાડામાં પડી ગયો અને બચાવો, બચાવોની બૂમો પાડવા લાગ્યો. તે વખતે નજીકથી જતી એક વૃદ્ધ ખેડૂત મહિલાએ તેનો અવાજ સાંભળ્યો અને ખૂબ મહેનત કરીને તેને બહાર કાઢ્યો. બહાર નીકળીને જ્યોતિષે પેલી મહિલાને કહ્યું: મા, તારો ખૂબ ઉપકાર. હું ઘણો પ્રખ્યાત જ્યોતિષ છું. આકાશના તારા, ગ્રહો સંબંધી મારા જેટલું જ્ઞાન બીજા કોઈને નથી. જો તારે તારા ભવિષ્ય અને ગ્રહો અંગે કાંઈ જાણવું હોય તો જરૂર તું મને મળજે. મારી ફી તો ઘણી મોટી છે, પણ હું કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વગર તને બધું જણાવીશ.
પેલી વૃદ્ધ મહિલાએ કહ્યું: બેટા, તું બેફિકર રહે. હું કદી તારી પાસે આવીશ નહીં, કારણ કે જેને જમીનના ખાડા દેખાતા નથી તેના આકાશ અને ગ્રહો સંબંધી જ્ઞાનનો હું કેવી રીતે ભરોસો કરી શકું?
જ્યોતિષ રાતના તારાઓ તરફ જોઈને ચાલતો હતો અને ખાડામાં પડ્યો. આજનું જ્ઞાન પણ આવું છે, જે ઊંચે જોતાં શીખવે છે, પરંતુ નીચે ખાડા તરફ કશો નિર્દેશ કરતું નથી.
શિક્ષણ અને ધર્મના ક્ષેત્રમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે. મોકો મળે એટલે એકબીજાને ખંખેરી નાખવાની જ વાત છે. કોઈ મુસીબતમાં હોય ત્યારે તેને મદદ કરવાના બદલે તેની લાચારીનો લાભ લેવાતો હોય છે. ઓછું આપીને વધુ લઈ લેવાની રસમ ચારેબાજુ જોવા મળે છે. મોજશોખમાં ધૂમ પૈસા ઉડાવનારાઓ પોતાના કર્મચારીઓને કે નોકરોને તેના હક્કના પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કરે છે.
નાના નાના છેતરપિંડીના, એકબીજાને ઉલ્લુ બનાવવાના અને બીજાનું પડાવી લેવાના કિસ્સાઓ રોજબરોજ બનતા રહે છે. આપણને એનું ભાન પણ થતું નથી કે આમ કરીને આપણે અધર્મ અને અન્યાય કરી રહ્યા છીએ. બીજાનું શોષણ કરીને મેળવેલા ધનમાંથી થોડા પૈસા દાન-ધર્મ માટે વાપરીને આપણી જાતને ધાર્મિક ગણાવીશું પણ આ સાચો ધર્મ નથી. આ દેખાવ, દંભ અને પ્રભુ સાથેની છેતરપિંડી છે.
નાના નાના છેતરપિંડીના, એકબીજાને ઉલ્લુ બનાવવાના અને બીજાનું પડાવી લેવાના કિસ્સાઓ રોજબરોજ બનતા રહે છે. આપણને એનું ભાન પણ થતું નથી કે આમ કરીને આપણે અધર્મ અને અન્યાય કરી રહ્યા છીએ. બીજાનું શોષણ કરીને મેળવેલા ધનમાંથી થોડા પૈસા દાન-ધર્મ માટે વાપરીને આપણી જાતને ધાર્મિક ગણાવીશું પણ આ સાચો ધર્મ નથી. આ દેખાવ, દંભ અને પ્રભુ સાથેની છેતરપિંડી છે.
પ્રેમ, ધર્મ અને જ્ઞાન આ ત્રણેય આપણા જીવનના આધારસ્તંભો છે. એના વગર આપણું અસ્તિત્વ ટકી શકે નહીં. પ્રેમને આપણે ઘરમાં, ધર્મને મંદિરમાં અને જ્ઞાનને વિદ્યાલયોમાં કેદ કરી નાખ્યું છે. ગૂંગળાઈ રહેલા પ્રેમને ઘરમાંથી બહાર કાઢીને વ્યાપક અને વિસ્તૃત બનાવવો જોઈએ જેથી સમસ્ત માનવજાતને તેનો લાભ મળે. ધર્મને મંદિરમાંથી બહાર કાઢીને હાટડીઓ સુધી પહોંચાડવો જોઈએ. ધંધામાં જ્યારે ધર્મ ભળશે ત્યારે માણસ કશું ખોટું નહીં કરી શકે, અને વિદ્યાને વિદ્યાલયોમાંથી બહાર કાઢીને અજ્ઞાનના ખાડાઓને પૂરવા જોઈએ. જ્ઞાનનો ઉપયોગ માત્ર આપણા માટે નહીં, બીજાને માટે પણ થવો જોઈએ. પણ આનાથી ઊલટું થયું છે. ધર્મ દુકાનો સુધી પહોંચી શક્યો નહીં પણ દુકાનો ધર્મ સુધી પહોંચી ગઈ છે. ધંધાને ધર્મ બનાવી શકાયો નહીં, પણ ધર્મ ધંધો બની ગયો છે અને પાખંડી લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. પ્રેમને ઘરના સાંકડા વર્તુળમાં બાંધી રાખ્યો છે એટલે બહાર પ્રેમ જેવું કશું રહ્યું નથી. જ્ઞાનનો પણ ડિગ્રી અને પૈસા કમાવા સિવાય બીજો કશો ઉપયોગ રહ્યો નથી. લગ્નના બજારમાં પણ ડિગ્રીઓની કિંમત વધી છે. ઉચ્ચ શિક્ષણ પામેલાઓની અપેક્ષા વધી ગઈ છે. તેઓ હવે ઊંચા ભાવો માગી રહ્યા છે. ધર્મ, પ્રેમ અને વિદ્યાને સંકુચિત વાડામાંથી બહાર કાઢીને તેને વ્યાપક બનાવવાની જરૂર છે. પ્રેમ ઘરમાંથી, ધર્મ મંદિરમાંથી અને જ્ઞાન વિદ્યાલયોમાંથી બહાર નીકળીને માનવજાતના કલ્યાણ માટે લાગી જશે ત્યારે માણસ ખરા અર્થમાં માણસ બનશે અને જીવન સાચો ધર્મ બની જશે.
No comments:
Post a Comment