Wednesday, June 12, 2013

પૈસા ‘બહુત કુછ’ હૈ, પણ ‘સબ કુછ’ નહીં - મહેન્દ્ર પુનાતર


જીવનમાં જે ચાર પુરુષાર્થ કહ્યા છે તેમાં ધર્મ પછી ધન છે. આમ છતાં ધન સર્વસ્વ નથી. માત્ર એક સાધન છે. એનાથી સુખ મળશે એ પણ નિશ્ર્ચિત નથી. કોઈ પણ વસ્તુની માલિકી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે તેની ગુલામી પણ સ્વીકારી લેવી પડે છે. જેટલી કીમતી વસ્તુ આપણી પાસે હોય એટલો ભય વધારે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવનમાં પૈસાનું શું મહત્ત્વ છે. ધન કેટલું જરૂરી છે. ધર્મની દૃષ્ટિએ ધન અને ત્યાગમાં માણસનું શું વલણ હોવું જોઈએ અને તેની મર્યાદા કેટલી? આવા બધા પ્રશ્ર્નો દરેકના મનમાં ઊઠતા હોય છે અને કેટલીક વખત લોકોને આ અંગે જાણવાની જિજ્ઞાસા પણ ઊભી થતી હોય છે. સંતો અને મુનિ મહારાજો કહે છે પ્રામાણિકપણે આવે અને સન્માર્ગે વપરાય તે ધન સારું, પણ આની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. લોકો કહે છે પ્રામાણિકતાથી ધંધો કરવા બેસો તો માંડ માંડ રોટલા નીકળે બીજું કશું વળે નહીં. સાચું શું અને ખોટું શું એની પણ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. સૌને એમ લાગે છે કે પોતે જે કાંઈ કરી રહ્યો છે તે સાચું છે. ધન આજે સન્માર્ગે ઓછું વપરાય છે. મોજશોખ, દંભ અને પ્રદર્શન માટે તેનો ઉપયોગ થાય છે. ધન મળ્યા પછી બધાને સારા, મોટા દેખાવું છે અને આ અંગે હોડ ચાલી રહી છે.

પૈસો હાથનો મેલ હવે રહ્યો નથી ને ભલભલાના હાથનો મેલ ધોઈ નાખે છે અને બધી બૂરાઈઓને ઢાંકી દે છે. પૈસાનો ચળકાટ લોહચુંબક જેવો છે. તે સૌને આકર્ષે છે. આ માણસની પહેચાન છે. આ સિદ્ધિ, સફળતા અત્યારના અર્થમાં પૈસા સિવાય બીજું છે પણ શું?

ધન જીવનમાં જરૂરી છે. તેના વગર કશું થઈ શકે નહીં. ગમે તેટલી નશ્ર્વરતાની અને ત્યાગની વાત કરીએ પણ વાસ્તવિકતા આ છે. ગમે તેટલું ધન હોય પણ કોઈ કહેશે નહીં કે મારે હવે વધારે જોઈતું નથી. ધન વધવાની સાથે તેની પક્કડ પણ વધે છે. ધનનો પ્રભાવ ચોમેર વધ્યો છે. કુટુંબ, સમાજ, ધર્મ અને જીવનના હરક્ષેત્રમાં પૈસાની બોલબાલા છે. પૈસા હોય તો લોકો સલામ કરે. ઊંચા આસને બેસવા મળે, પ્રશંસા અને ખુશામત થાય. આબરૂ અને પ્રતિષ્ઠા વધે. પૈસા ચાલ્યા ગયા તો બધું ખલાસ. માણસ કોડીનો થઈ જાય. નજીકના લોકો દૂર ખસી જશે. મિત્રો વિદાય થશે. સૌ કોઈ મુખ ફેરવી લેશે. લોકો માણસને નહીં પૈસાને પૂજે છે. સમાજ અને ધર્મમાં પણ પૈસાનું મહત્ત્વ વધ્યું છે.

પૈસો બહુ કામની ચીજ છે, પણ તે એક સાધન છે, સાધ્ય નહીં. તેમાંથી સુખ મળશે એ નિશ્ર્ચિત નથી, પરંતુ સગવડો અને સુવિધાઓ જરૂર મળશે. તેનાથી દુ:ખ ઓછું થઈ જશે એ કહેવાય નહીં, પરંતુ કપટ જરૂર ઓછું થઈ જશે. ધન શ્રીમંતો માટે દુ:ખનું કારણ બની શકે છે, જ્યારે ગરીબો માટે તે કષ્ટ નિવારણ છે. દુ:ખ માનસિક છે અને કષ્ટ શારીરિક છે. શ્રીમંતોને કષ્ટ હોતું નથી, દુ:ખ હોય છે, જ્યારે ગરીબોને દુ:ખ હોતું નથી કષ્ટ હોય છે.

ધનના સારા ગુણો એ છે તેનાથી આત્મવિશ્ર્વાસ વધે છે, સલામતીની ભાવના ઊભી થાય છે. સાચું કહેવાની હિંમત આવે છે અને માણસ થોડો ઉદાર બને છે અને કદીક સારું કરવાના વિચારો પણ પ્રગટે છે. પૈસાથી બધું ખરાબ થયું છે એવું નથી, ઘણું સારું પણ થઈ શક્યું છે.

ધનથી જો અભિમાન આવે, અહંકાર ઊભો થાય, દંભ વધે અને તુમાખી આવે તો તે ધનનો કોઈ અર્થ ન રહે. ધન સારું કે ખરાબ નથી. આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર બધો આધાર છે. પ્રામાણિકપણે શુદ્ધ દાનતથી, પરિશ્રમ દ્વારા નીતિના માર્ગે જે ધન આવે છે તેનો આનંદ અપાર હોય છે. સહેલાઈથી મહેનત વગર જે ધન મળે છે તેને જતાં પણ વાર લાગતી નથી. પૈસા હોવા છતાં તેનું બેહૂદું પ્રદર્શન ન કરે, અહમ્ ન આવે અને નાના માણસ સાથે પણ નમ્રતાપૂર્વક પ્રેમપૂર્ણ વહેવાર કરે તેનું ધન દીપી નીકળે છે. આ તેની શ્રીમંતાઈ છે.જીવનમાં જે ચાર પુરુષાર્થ કહ્યા છે તેમાં ધર્મ પછી ધનનું બીજું સ્થાન છે. આમ છતાં પૈસો સર્વસ્વ નથી. પૈસાથી જીવનમાં બધાં સુખો મળશે એવી આશા રાખવી નકામી છે. જીવનની જરૂરિયાત સંતોષાય એટલો પૈસો જરૂરી છે. બાકીનો પૈસો મોજમજા અને એશઆરામમાં ખર્ચાય છે.

જીવનમાં જેમ ધન આવે છે તેમ જરૂરિયાત વધતી જાય છે અને માણસ સુખનો એદી બની જાય છે. ગાડી વગર ન ચાલે, નોકરચાકર જોઈએ, બંગલો, વાડી, ફર્નિચર અને ભૌતિક સુખોમાં માણસ અટવાઈ જાય છે. મહેનત, પરિશ્રમ ઓછો થઈ જાય છે. શરીર સ્વસ્થ રહેતું નથી અને આધિ, વ્યાધિ અને ઉપાધિ વધે છે. સુખ જરા ઓછું થઈ જાય તો દુ:ખના ડુંગરા આવી ગયા હોય એવું લાગે છે. જીવનમાં બધું થોડું થોડું મીઠું છે. એક સામટું સુખ અને એક સામટું દુ:ખ માણસને ડગમગાવી નાખે છે.

ધન વધતાં લોભ અને સંચયની વૃત્તિ વધે છે અને માણસ પરિગ્રહી બની જાય છે. જે મળે છે તેને ઓછું લાગે છે. સાચું સુખ સંતોષમાં છે. પૈસા આવે તેમ માણસ ઉદાર બનવો જોઈએ. માણસ મનથી દરિદ્ર હોય તો ધન-દોલત પણ તેને સુખ આપી શકે નહીં. ધન કેટલીક વખત માણસને સંકુચિત અને જડ બનાવી નાખે છે. માણસ પૈસા ગણતો થઈ જાય છે. પરિગ્રહમાં પણ સૂક્ષ્મ હિંસા સાથે ભય રહેલો છે. કોઈ પણ વસ્તુની માલિકી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે તેની ગુલામી પણ સ્વીકારી લેતા હોઈએ છીએ. આપણે જે કંઈ મેળવ્યું છે તે ચાલ્યું તો નહીં જાયને, કોઈ છીનવી તો નહીં લેને, ખોટ તો નહીં જાયને એવો ભય હંમેશાં સતાવ્યા કરે છે. વધુ મેળવવાની લાયમાં કેટલીક વખત પૈસા ગુમાવવા પડે છે. જેટલી કીમતી વસ્તુ આપણી પાસે હોય તેટલો ભય વધારે. મોટા ભાગના લોકો ધન-દોલતને પકડીને બેસી જાય છે. જીવન જેમ વીતતું જાય છે તેમ તેઓ તેના ગુલામ બની જાય છે. ધનથી સાથે માણસ બંધાઈ જાય છે. સાચો ત્યાગ એ છે કે તમે કોઈ વસ્તુમાં બંધાવ નહીં. પ્રાપ્તિમાં અને તેના અભાવમાં બંનેમાં સુખ માણો.

એક ફકીરનો મરવાનો સમય નજીક આવી ગયો હતો. તેની પાસે થોડાક પૈસા હતા. તેણે શિષ્યને કહ્યું, આ ગામના સૌથી ગરીબ માણસને હું આ પૈસા આપવા માગું છું.

આ જાણ થતાં ગામના લોકો આવવા લાગ્યા, પરંતુ ગરીબ તેને જણાયો નહીં. તેણે કહ્યું: હજુ અસલી ગરીબ આવ્યો નથી.

ત્યાં ગામના રાજાની સવારી નીકળી. રાજા પોતાના કટક સાથે બીજા ગામ પર ચડાઈ કરવા નીકળ્યો હતો.

રાજા જેવો માર્ગમાં ફકીરની ઝૂંપડી પાસેથી પસાર થયો કે ફકીરે પૈસાની થેલી તેના રથમાં ફેંકી.

રાજાએ કહ્યું, શી વાત છે? પૈસાની થેલી મારા પર શા માટે ફેંકી?

ફકીરે કહ્યું: હું મારી પૂંજી સૌથી ગરીબ માણસને આપવા ઈચ્છતો હતો અને મને એ ગરીબ માણસ મળી ગયો એટલે મેં આ થેલી ફેંકી છે.

રાજા સાથે રહેલા સેનાપતિએ કહ્યું: તું પાગલ થયો છે કે? જેની પર તે થેલી ફેંકી છે તે રાજા છે. તે સૌથી અમીર માણસ છે. તેમની પાસે શું નથી?

ફકીરે કહ્યું: રાજા પાસે ભલે ગમે તેટલું હોય પણ તેને હજુ વધુ જોઈએ છે. એટલે તો તેઓ બીજાના રાજ્ય પર ચડાઈ કરવા નીકળ્યા છે. જેમની પાસે ઓછું હોય છે તેમની ગુલામી પણ ઓછી હોય છે. રાજા પાસે અધિક છે. તેમની ગુલામી પણ મોટી છે અને ગરીબી પણ મોટી છે. તેમના જેવો ગરીબ માણસ મને બીજો કોઈ દેખાતો નથી.

જેમની પાસે વધુ હોય છે તેમની તૃષ્ણા અને લાલસાનો કોઈ અંત નથી. જેમની પાસે ઓછું હોય છે તેમની આશા તૃષ્ણા ધીરે ધીરે મરતી જાય છે. તેઓ પરિસ્થિતિને સ્વીકારી લે છે. મેળવવાની અને ગુમાવવાની તેમની શક્તિ સીમિત બની જાય છે. માણસ બહારથી જેમ સમૃદ્ધ બને છે તેમ અંદરથી પણ બનવો જોઈએ. મોરારીબાપુએ સુખની વ્યાખ્યા બતાવી છે. ‘ધન ઓછું, તન મધ્યમ અને મન મોટું એ માણસ સુખી.’

આપણે સૌ અંદરથી ખાલી છીએ એટલે બહારથી ભરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે આ ખાલીપાને ધન-દોલત, પદ અને પ્રતિષ્ઠા દ્વારા ભરવાની મથામણમાં જિંદગીને વિતાવી દઈએ છીએ અને છેવટે બધું ખાલી રહે છે. હૃદય અને મન તૃપ્ત ન થાય ત્યાં સુધી માણસ કંગાળ રહેવાનો છે. ગમે તેટલું ભેગું કરીએ છેવટે અહીં પડી રહેવાનું છે. કબીરે કહ્યું છે તેમ ‘કબીર સો ધન સંચીએ જો આગે કો હોય, શીષ ચઢા કે ગાંઠરી જાત ન દેખા કોય.’

ધન કોઈ સાથે લઈ જઈ શક્યું નથી. બધું અહીં ને અહીં રહેવાનું છે. ધનનો જો સદુપયોગ થશે તો લોકો તેને યાદ રાખશે. સત્કાર્યો યાદ રહેશે. બાકી દુનિયા કોઈને યાદ કરતી નથી. ધન, શક્તિ અને સત્તા મેળવવી સહેલી છે, પરંતુ તેનો સદુપયોગ કરવો મુશ્કેલ છે. ધનની ત્રણ ગતિ છે દાન, ભોગ અને નાશ. જે ધન ઉદાર હાથે આપતો નથી અને ભોગવતો નથી તેનું ધન તિજોરીમાં પડ્યું રહે છે. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ દાન છે. બીજાનાં આંસુ લૂછવામાં ધનનો ઉપયોગ થાય તો તેના જેવો બીજો કોઈ ધર્મ નથી.

આજે ધન વધ્યું છે પણ ચહેરા પર ખુમારી અને ખુશાલી નથી. ધનની, પદની અને પ્રતિષ્ઠાની દીવાલો રચાઈ ગઈ છે. દરેકને બીજાને ભોગે સુખી થવું છે અને ધતિંગો ને છળકપટો ચાલી રહ્યા છે. પૈસા પૂજાય છે અને સારા, સાચા માણસોનો કોઈ ભાવ પૂછતું નથી. આ સંદર્ભમાં કુતુબ ‘આઝાદ’ની એક રચના...

ખુમારી રહી છે ન લાલી રહી છે

ન ચહેરા ઉપર કંઈ ખુશાલી રહી છે

ચમનમાં હવે હીંચકો બાંધીએ ક્યાં

ન વૃક્ષો રહ્યાં છે ન ડાળી રહી છે

પથારા છે કંટકના ડગલે ને પગલે

રહી છે તો બસ પાયમાલી રહી છે

ખુદા જાણે! કયો ધર્મ પાળે છે દુનિયા

ધતિંગોની વણઝાર ચાલી રહી છે

ખજાનાના માલિકને સમજાવો કોઈ

જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે

ભલાનો ભલા ભાવ પણ કોણ પૂછે

બુરાઈ જ્યાં ફૂલીને ફાલી રહી છે

ખુમારી છે ‘આઝાદ’ થઈને રહો તો

ગુલામી હંમેશાં નમાલી રહી છે.

No comments:

Post a Comment