ક્વિક માર્ચ....! સૈનિકોની રાજનીતિ તરફ...! |
આપણી સેનાનું એક ભિન્ન સ્વરૂપ છે. એ પ્રોફેશનલ આર્મી છે અને રાજકારણથી દૂર રહે છે એવી એક માન્યતા છે. હમણાં હમણાં લશ્કરના કેટલાક નિવૃત્ત ઉચ્ચ અફસરો ભાજપમાં જોડાયા એટલે જરા ગભરાટભરી ચર્ચા શરૂ થઇ છે: સૈનિકોનું રાજકારણમાં શું કામ છે? |
* જનરલ અરુણકુમાર વૈદ્ય * ફિલ્ડ માર્શલ કે. એમ. કરીઅપ્પા * જનરલ થિમય્યા * જનરલ કુમારમંગલમ * જનરલ એસ. કે. સિંહા
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી માય ડિયર અબદુલ્લા!... હું આવી રહ્યો છું અને તું શરણે આવી જાય એ જ ઉચિત રહેશે... તારો સહૃદય, ગાંધર્વ નાગડા. આ વિચિત્ર પત્રની વાતથી અંગ્રેજ અને અમેરિકન પત્રકારો ચમકી ગયા હતા, કારણ કે આવી ઘટના ફક્ત હિન્દુસ્તાનમાંજ સંભવી શકતી હતી. સમય હતો ૧૯૭૧નો, સ્થળ બાંગલાદેશમાં ઢાકાની દિશા, પત્ર જેને ઉદ્દેશીને લખાયો હતો એ બાંગલાદેશની પાકિસ્તાની ફોજનો સેનપતિ અબદુલ્લા નિયાઝી હતો. (ક્રિકેટર ઈમરાન ખાનનો મામો) અને પત્ર લખનાર હતો આગેકૂચ કરતો હિન્દુસ્તાની સેનાનો સેનાપતિ ગાંધર્વ નાગડા! અબદુલ્લા નિયાઝી એના ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો સાથે શરણે આવ્યો હતો એ વાત જુદી છે અને રોમાંચક છે, પણ અબદુલ્લા નિયાઝી અને ગાંધર્વ નાગડા એક જ બ્રિટિશ ઈન્ડિયન આર્મીના દોસ્તો હતા અને મુકદ્દર અને તવારીખે એમને સામસામે મૂકી દીધા હતા. એ એક પેઢીના સૈનિકો અને અફસરો એકબીજાની પડખે ઊભા રહીને સાથે સાથે શત્રુ સામે લડ્યા છે, યુરોપમાં, બર્મામાં, મલાયામાં, ઉત્તર આફ્રિકામાં, ઈટલીમાં, ફ્રાંસમાં, અને પછી હિન્દુસ્તાન અને પાકિસ્તાન થયા પછી આમનેસામને આવીને લડ્યા છે. પાકિસ્તાનના ફીફર્સના કર્નલ કમાન્ડન્ટ બખ્તયાર રાણા અને હિન્દુસ્તાનના જનરલ કટોચ, બંનેએ મિલિટરી ક્રોસ જીત્યો છેે. બંને નિયમિત એકબીજાને મૈત્રીપત્રો લખતા હતા અને ૧૯૬૫માં બંનેની સરદારી નીચેનાં લશ્કરો સામસામે લડ્યાં હતાં! પાકિસ્તાની સરમુખત્યાર ફિલ્ડ માર્શલ અય્યુબ ખાન આપણા પ્રથમ કમાન્ડર-ઇન- ચીફ અને હવે ફિલ્ડ માર્શલ કે. એમ. (કોદંડરા મડાપ્પા) કરીઅપ્પાના હાથ નીચે હતા. જયારે ૧૯૬૫ના યુદ્ધમાં કરીઅપ્પાના પુત્ર યુદ્ધજહાજી પાઇલટ (પછી એર કોમોડોર) કે. સી. કરીઅપ્પાનું પ્લેન પાકિસ્તાનમાં તૂટયું અને પુત્ર કરીઅપ્પાને પાક. ફૌજીઓએ બંદી બનાવ્યો ત્યારે ગુરુ કરીઅપ્પાને સંદેશ મોકલ્યો કે આપના પુત્રને બહુ જ સારી રીતે રાખું છું. એ વખતે હિન્દુસ્તાન- પાકિસ્તાન યુદ્ધ એનાં વિભીષણતમ્ બિન્દુ પર હતું. પિતા કરીઅપ્પાએ શિષ્ય અય્યુબને સંદેશ મોકલ્યો કે મારા પુત્રને ખાસ સગવડ આપવાની જરૂર નથી. એ એક યુદ્ધકેદી છે અને એની સાથે એક યુદ્ધકેદી જેવો વર્તાવ કરશો. એ વખતના જનરલ કરીઅપ્પા નિવૃત્ત થઇને પાકિસ્તાન ગયા ત્યારે પાક. સદર અય્યુબ એરપોર્ટ પર લેવા આવ્યા હતા અને ફૌજી અદાથી સુપિરીએરને સેલ્યૂટ થાય એમ સલામ કરીને કરીઅપ્પાનું અભિવાદન કર્યું હતું. કરીઅપ્પા હસ્યા હતા: તમે એક મુલ્કના સરપરસ્ત છો, હું તો એક નિવૃત્ત સૈનિક માત્ર છું... હિન્દુસ્તાનની સેનાના સેનાધ્યક્ષ જનરલ પી. પી. કુમારમંગલમ અને પાકિસ્તાનના એકકાલીન વિદેશમંત્રી સાહિબઝાદા યાકુબખાન એક જ ઈટાલીઅન જેલમાં યુદ્ધ દરમિયાન સાથે હતા અને બીજી રોચક વાત: અને એ જ જેલમાં એ વખતે બીજા પણ બે પાકિસ્તાની અફસરો હતા જે જનરલ કુમારમંગલમના હાથ નીચે હતા. પાછળથી એ બંને ઈતિહાસપ્રસિદ્ધ થઇ ગયા એમનાં નામો: જનરલ યાહ્યા ખાન અને જનરલ ટિક્કા ખાન! આપણી સેનાનું એક ભિન્ન સ્વરૂપ છે. એ પ્રોફેશનલ આર્મી છે અને રાજકારણથી દૂર રહે છે. એવી એક માન્યતા છે. હમણાં હમણાં લશ્કરના કેટલાક નિવૃત્ત ઉચ્ચ અફસરો ભાજપમાં જોડાયા એટલે જરા ગભરાટભરી ચર્ચા શરૂ થઇ છે: સૈનિકોનું રાજકારણમાં શું કામ છે? ભાજપમાં જોડાનારાં ડઝનબંધ નામોમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ બે નામો છે: લેફ. જનરલ કે. પી. (કુન્ડીરમન પલાટ) કેન્ડેથ અને લેફ. જનરલ જે. એફ. આર. જેકબ! જનરલ કેન્ડેથના દાદા સર સી. શંકરન નાયર ૧૯૨૦ આસપાસ વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હતા અને જલિયાવાલા બાગ પછી એમણે સરકારમાંથી ત્યાગપત્ર આપી દીધું હતું. જનરલ કેન્ડેથે ગોવા જીત્યું હતું, એ ગોવાના મિલિટરી ગવર્નર હતા, ૧૯૭૧માં પશ્ર્ચિમમાં પાકિસ્તાન સીમા પરના ઉચ્ચતમ ભારતીય સેનાપતિ હતા. આજીવન અપરિણીત કેન્ડેથના દક્ષિણ દિલ્હીના બંગલામાં શિકાર કરેલી એક રશિયન સીલ માછલીનું ભરેલું શરીર પણ લટકાવ્યું છે. કેન્ડેથ કહે છે: હુંં ટેંકો ખરીદવા રશિયા ગયેલો ત્યારે સાઈબેરિયામાં આ સીલને શૂટ કરેલી...! બાંગલાદેશ યુદ્ધહીરો જનરલ જેકબ યહૂદી છે અને ભાજપમાં જોડાયા છે. બીજા બે શીર્ષસ્થ ફૌજી નામો જે ભાજપમાં જોડાયા છે: લેફ. જનરલ આર. ડી. હીરા અને લેફ. જનરલ એલ. એસ. રાવત. ૧૯૪૭માં આઝાદી આવી પછી અંગ્રેજ કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર રોય બુચર પાસેથી જાન્યુઆરી ૧૫, ૧૯૪૯ના દિવસે હોદ્દો લેનાર જનરલ કરીઅપ્પા ભારતવર્ષના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ હતા. આજે હિન્દુસ્તાનની સેનાના ૧૬મા અધ્યક્ષ છે: જનરલ સુનીત રોડ્રિગ્સ. લગભગ દરેક સેનાધ્યક્ષનું એક ટૂંકું હુલામણું ફૌજી નામ પણ હોય છે. એમાંનાં થોડાં નામો: કરીઅપ્પા (કીપર), જનરલ વિશ્ર્વનાથ શર્મા (ટીચ), જનરલ રોડ્રીગ્સ (રોડી), જનરલ કુમારમંગલમ (જનરલ કે.), જનરલ થિમયયા (ટીમ્મી), જનરલ ટી. એન. રેના (ટેપ્પી). લશ્કરના માણસોએ રાજકારણમાં આવવું જોઇએ? નિવૃત્તિ પછી સરકારે ઘણા જનરલોને જવાબદારીઓ સોંપી છે, જનરલ એસ. કે. સિંહા જયપ્રકાશ નારાયણની નિકટ હતા એટલે એમનો હક હોવા છતાં કૉંગ્રેસ સરકારે જનરલ અરુણ વૈદ્યને સેનાધ્યક્ષ બનાવ્યા હતા. પછી જનતા સરકારે જનરલ સિંહાને નેપાલના ભારતીય રાજદૂત તરીકે મોકલ્યા હતા. જનરલ ટી. એન. રૈના ભારતના કેનેડાના હાઇ કમિશનર રહ્યા છે. જનરલ ઓ. પી. મલ્હોત્રા હમણા સુધી અભિશપ્ત ગવર્નર હતા. જનરલ વી. કે. કૃષ્ણરાવ કાશ્મીરના અને મણિપુર અને ત્રિપુરાના રાજ્યપાલ હતા. જનરલ મલ્હોત્રાએ ઇન્ડોનેશિયાના રાજદૂત તરીક પણ સેવા આપી હતી. જનરલ કરીઅપ્પા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય હાઇ કમિશનર રહી ચુકયા છે. જનરલ પી. એન. થાપર થોડા સમય માટે અફઘાનિસ્તાનમાં રાજદૂત હતા. લેફ. હરદિતસિંઘ મુલક પટિયાલા રાજ્યના દીવાન હતા, એર ફોર્સમાં હતા, છેવટે ભારતના ફ્રાંસમાં એલચી હતા. અને ભૂતપૂર્વ ફૌજી અફસરો જો રાજદૂતો બની શકે તો નિવૃત્તિ પછી રાજનીતિ શા માટે ન રમી શકે? જનરલ કરીઅપ્પા ૧૯૭૧માં ઉત્તરપૂર્વ મુંબઇમાંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. પરાજિત થયા હતા. જનરલ એસ. કે. સિંહા બિહારમાંથી ઊભા રહ્યા હતા પણ ૧૯૮૪માં પટનાએ એમને પાર્લામેન્ટમાં ન મોકલ્યા. લેફ. જનરલ એસ. પી. પી. (શંકર પાંડુરંગ પાટિલ) થોરાટ કોલ્હાપુરમાંથી સંસદના નિર્વાચન માટે ઊભા રહ્યા હતા પણ અવિજયી રહ્યા હતા. મેજર જનરલ રાજિન્દરસિંગ સ્પેરો પંજાબમાં મંત્રી હતા. પછી જલંધરથી કૉંગ્રેસી સાંસદ તરીકે લોકસભામાં ગયા હતા. બ્રિગેડિયર ટી. સૈલો મિઝોરમના મુખ્ય મંત્રી રહી ચૂક્યાં છે. બાંગલાદેશના ૧૯૭૧ના યુદ્ધના ઉચ્ચતમ ભારતીય સેનાપતિ અને રાષ્ટ્રીય હીરો લેફ. જનરલ જગજિતસિંઘ અરોડા અકાલી દળ તરફથી વર્ષોથી રાજ્યસભામાં છે. બાંગલાદેશ યુદ્દના બીજા હીરો મેજર જનરલ શાનબાગસિંઘ અંત સુધી સ્વર્ણ મંદિરમાં ભીંડરાનવાલેની સાથે હતા. ભાજપના જસવંતસિંહ પ્રમુખ સાંસદ છે. ફૌજમાં એ મેજર હતા. જયપુરના રાજવંશી મેજર જનરલ ભવાનીસિંહ કૉંગ્રેસમાં જોડાયા હતા. બ્રિગેડિયર રણસિંહ હરિયાણા વિધાનસભાના સ્કીપર હતા, બ્રિગેડિયર રામસિંહ હરિયાણામાં મંત્રી રહી ચૂકયા છે. હરિયાણાના રાવ બીરેન્દ્રસિંહ દ્વિતીય વિશ્ર્વયુદ્ધ લડ્યા હતા. કેન્દ્રમાં મંત્રી રહી ચુકયા છે અને આ સૂચિ અંતિમ નથી. ભારતીય સેનાના સેનાધ્યક્ષોએ પોતપોતાની રીતે દેશસેવા, રાજસેવા, સૈન્યસેવા કરી છે. એ ૧૬ નામોની સૂચિ યશસ્વી છે: કરીઅપ્પા, રાજેન્દ્રસિંહ, શ્રીનગેશ થિમય્યા, થાપર, ચૌધરી, કુમારમંગલમ્, માણેકશા, બિવુર રૈના, મલ્હોત્રા, કૃષ્ણરાવ વૈદ્ય, સુંદરજી, શર્મા અને રોડ્રિગ્સ! અને આમાં એક નામ ગુજરાતી છે: બીજા સેનાધ્યક્ષ જનરલ મહારાજા રાજેન્દ્રસિંહજી, ડી. એસ. ઓ. ઓફ જામનગર, એમને ચાર વર્ષ સુધી સેનાના કમાન્ડર ઇન ચીફ નિયુક્ત કરાયા હતા, પછી સરકારે એ હોદ્દો રદ કરીને ચીફ ઓફ ધી આર્મી સ્ટાફનો હોદ્દો વિચાર્યો. જનરલ રાજેન્દ્રસિંહ ૪ વર્ષ સુધી સી-ઇન- સી રહી શક્યા હોત પણ એમણે ગુજરાતી ખેલદિલીથી બે વર્ષ કાર્યભાર સંભાળીને બે વર્ષ માટે જનરલ શ્રીનગેશને આવવા દીધા. રાજેન્દ્રસિંહ: જાન્યુઆરી ૧૫, ૧૯૫૩થી માર્ચ ૩૧, ૧૯૫૫ સુધી કમાન્ડર- ઇન-ચીફ, પછી એપ્રિલ ૧ થી મે ૧૪. ૧૯૫૫ સુધી ચીફ ઓફ આર્મી સ્ટાફ! જનરલ શ્રીનગેશ: મે ૧૫, ૧૯૫૫થી મે ૭, ૧૯૫૭. જોઇએ હવે ભાજપના ફૌજીઓ શું કરે છે?... |
Friday, April 4, 2014
સૈનિકોનું રાજકારણમાં શું કામ છે? - ચંદ્રકાંત બક્ષી
Labels:
ચંદ્રકાંત બક્ષી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment