લોભ અને સ્વાર્થ ભાન ભુલાવે છે |
થોડું
મેળવવા માટે માણસ કેટલું બધું ગુમાવે છે તેનો ખ્યાલ રહેતો નથી. બધું મળશે
પણ પ્રેમ પાછો નહીં મળે. મન, મોતી અને કાચ એક વખત તૂટ્યા પછી પાછાં સંધાતાં
નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર જડો જીવનના વૃક્ષને પાંગરવા દેતી નથી. આ ચાર કષાયો માણસને જંપવા દેતા નથી. આના કારણે માણસ ન વિચારવાનું વિચારી નાખે છે, ન બોલવાનું બોલી નાખે છે અને ન કરવાનું કરી નાખે છે. સ્વાર્થ અને લોભ આવે છે ત્યારે માણસ ભાન ગુમાવી બેસે છે. આ ચારે અલગ અલગ વસ્તુ નથી, પરંતુ એકબીજા સાથે સંકલાયેલી મનોવૃત્તિ છે. એક ચીજના આ ચાર ચહેરા છે, મહાવીર કહે છે આ ચાર શત્રુઓ છે, જે માણસને સુખેથી રહેવા દેતા નથી. ક્રોધ શા માટે આવે છે? જ્યારે કોઇ આપણા જીવનમાં બાધારૂપ બને છે ત્યારે રોષ પ્રગટે છે. કોઇ આપણને એક યા બીજી રીતે ખતમ કરવા ચાહે ત્યારે ગુસ્સાનો પાર રહેતો નથી. જે ચીજ આપણા જીવનના માર્ગમાં આડે આવશે અથવા અણગમો પેદા કરશે તેના પ્રત્યે ક્રોધ ઊભો થવાનો છે. દરેક માણસ પોતાની રીતે જીવવા માગે છે. તેમાં અંતરાય આવે ત્યારે ક્રોધ ઊભો થાય છે. ક્રોધને કાબૂમાં રાખવાનું મુશ્કેલ છે. ક્રોધી માણસ શાંત દેખાય ત્યારે તે ખરેખર શાંતિ અનુભવી રહ્યો છે એમ સમજવું નહીં ક્રોધ એ ઊર્જાનો વ્યય છે એટલે તે માટે સમય જોઇએ. કોઇ પણ માણસ બધો સમય ક્રોધી રહી શકે નહીં, પરંતુ બહાનું મળતાંં અંદરનો ક્રોધ ભભૂકી ઊઠે છે. ક્રોધી માણસની શાંતિ વાસ્તવિક નથી. બે ભોજન વચ્ચે ઉપવાસ જેવી આ સ્થિતિ છે. આ અંતરાલ છે. ક્રોધ આપણે દૂર કરી શકતા નથી, કારણ કે આપણને તે દેખાતો નથી અને આપણે તેનો સ્વીકાર કરતા નથી. આપણે બીજાનો ક્રોધ જોઇ શકીએ છીએ, આપણો નહીં. એ સમયે આપણો ચહેરો આપણે જોઇ શકીએ તો ક્રોધને દૂર કરવાનું આસાન બની જાય. ક્રોધી માણસ પણ પોતાને ક્રોધી માનતો નથી. આપણે તેને કહીશું કે શા માટે ગુસ્સો કરો છો? તો તે કહેશે હું ક્યાં ગુસ્સો કરું છું. હું તો સાચી વાત કરી રહ્યો છુંં. ક્રોધી માણસોને પોતાની વાત હંમેશાં સાચી લાગતી હોય છે. દરેક માણસ પોતાને સારો સમજે છે. તેને ક્યાંય પોતાનો દોષ નજરે પડતો નથી. ક્રોધને આપણે સમજીએ, તેનો સ્વીકાર કરીએ અને બીજાનો પણ વિચાર કરીએ તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી રહે છે. લોભમાં પણ આવું જ છે. લોભી માણસને પોતાનો લોભ દેખાતો નથી. તે પોતાને ઉદાર સમજે છે. લોભ બહાર દેખાતો નથી એ મનની અંદરની ઝલક છે. ક્રોધ, માન, માયા અને લોભ એ અહંકારનાં ઈંધણો છે. માણસ પાસે ધન-દોલત વધતા જાય તેમ અહંકાર અને લોભ વધતા જાય છે. મળ્યું હોય તે ઓછું લાગે છે. કીર્તિનો મોહ જાગે છે. ગરીબ માણસો પાસે અહંકાર કરવા જેવું કશું હોતું નથી. એ લોભ પણ કેવી રીતે કરી શકે. લોભ કરવા માટે પણ કશું હોવું તો જોઇએને? સ્વાર્થ બધામાં થોડે ઘણે અંશે હોય છે. સ્વાર્થ અને લોભ ઊભો થાય ત્યારે સગો દીકરો પણ વેરી બની જાય છે. સ્વાર્થ માણસને અંધ બનાવી નાખે છે. સારા-નરસાનું ભાન રહેતું નથી. સ્વાર્થથી ક્રોધ ઊભો થાય છે અને છેવટે હિંસામાં પરિણમે છે. શાંત રહીને હિંસા થઇ શકતી નથી, તેને માટે ઊકળવું પડે છે. લોભના કારણે માણસ વધુ પરિગ્રહી બને છે. બધું ભેગું કરતો રહે છે. કશું છૂટતું નથી. કદીક આપવાનું મન થાય પણ ખિસ્સામાંથી હાથ બહાર નીકળતો નથી. ગમે તેટલું હોય સંતોષ થતો નથી. જીવનનાં જે બધાં પાપો છે તેના મૂળમાં સ્વાર્થ અને લોભ છે. પરિવારોમાં મિલકતોના ઝઘડા અને એકબીજા વચ્ચે વેરઝેર આના કારણે થતાં હોય છે. જીવનમાં સંતોષ ન હોય તો જે કાંઇ મળશે તે ઓછું લાગશે. દરેક માણસ સુખ ઇચ્છે એમાં કશો વાંધો નથી, પરંતુ તેને બીજા કરતાં વધુ સુખ જોઇએ છે. બીજાના ભોગે સુખ જોઇએ છે. એટલે મુશ્કેલી ઊભી થાય છે. સૌેની નજર ઉપર છે. કોઇ નીચે જોતું નથી. બીજા કરતાં આપણે કેટલા પાછળ રહી ગયા તેનો આપણે ખ્યાલ કરીએ છીએ, પરંતુ કેટલાથી આપણે આગળ છીએ તે વિચારવાનું મન થતું નથી. લાખો અને કરોડો લોકો એવા છે જેમને પેટ પૂરતું ભોજન નથી. જરૂરી વસ્ત્રો નથી. માથે છાપરું નથી. તેના કરતાં આપણે કેટલા સુખી છીએ તેનો વિચાર કરવો જોઇએ. અને આ અંગે પ્રભુની કૃપા સમજવી જોઇએ. જીવનનાં હર ક્ષેત્રમાં વિકાસ, પ્રગતિ અને ઉચ્ચ ધ્યેય જરૂરી છે અને તે માટે પુરુષાર્થ અનિવાર્ય છે. જીવનમાં જે કાંઇ પ્રાપ્ત થાય તેનો આનંદ માણવો અને જે સામે આવીને ઊભું રહે તેનો સહર્ષ સ્વીકાર કરવો જોઇએ. તેમ જ ગમે તેવી મુશ્કેલી અને પડકાર ઊભો થાય તો તેનો સામનો કરવાની તૈયારી હોવી જોઇએ. જીવનમાં ઊંચા ઊઠવા માટેને આ સાચો માર્ગ છે. આપણી પાસે શું છે તે મહત્ત્વનું નથી, તેમાંથી આપણે કેટલો આનંદ અને કેટલું સુખ મેળવી શકીએ છીએ તે મહત્ત્વનું છે. સ્વાર્થ હોય, લોભ હોય, અસંતોષ હોય અને બીજાનું ઝૂંટવી લેવાની ભાવના હોય તો છેવટે કશું ભોગવી શકાતું નથી અને અંત પણ દુ:ખદાયક બને છે. આ અંગેની એક દૃષ્ટાંત કથા દ્વારા આ વાત બરાબર સમજી શકાશે. બે મિત્રો હતા. ગરીબીથી કંટાળીને નસીબ અજમાવવા માટે ઘેરથી નીકળ્યા હતા. શહેરમાં જવા માટે જંગલમાંથી પસાર થઇ રહ્યા હતાં. ત્યારે રાતવાસો કરવા માટે એક ફકીરની ઝૂંપડીમાં રોકાયા. ફકીર અલગારી મિજાજનો હતો. ધૂણી ધખાવીને પડયો હતો. તેણે આસપાસ પડેલી ચીજોને બારણા પાસેથી ખસેડીને બંને માટે જગ્યા કરી આપી. સવારમાં ઊઠીને રવાના થાય એ પહેલાં આ બંનેની નજર બારણા પાસે પડેલી એક થેલી પર પડી. ફકીર તો સવારમાં વહેલો ઊઠીને સાધના માટે ચાલ્યો ગયો હતો. ઝૂંપડીમાં બીજું કોઇ હતું નહીં. બંને મિત્રોએ કુતૂહલવશ થઇને આ થેલીની અંદર શું છે તે જોયું તો બંને આશ્ચર્યચકિત થઇ ગયાં. થેલીમાં સોનાનાં ઘરેણાં હતાં. બંનેને લોભ જાગ્યો અને વિચાર્યું કે ફકીરને આની શી જરૂર છે. કોઇ ભક્ત મૂકી ગયો હશે અથવા આ બાવો ક્યાંયથી ઉપાડી આવ્યો હશે અને આ થેલી આપણે નહીં ઉપાડી લઇએ તો બીજો કોઇ ઉપાડી જશે. માટે આમાં કાંઈ વાંધો નથી. એવું વિચારીને બંને મિત્રોએ થેલી લઇને ચાલતી પકડી. એક મિત્રે કહ્યું: આપણે તો ધન કમાવા નીકળ્યા હતા. આપણું દળદર ફીટી ગયું. હવે શહેરમાં જવાની જરૂર નથી. આ થેલી લઇ ગામ પાછા પહોંચી જઇએ અને ત્યાં ઘરેણાનું વજન કરાવીને સરખે ભાગે વહેંચી લઇશું અને મોજથી રહીશું. હવે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. બીજા મિત્રને પણ આ વાત ગળે ઊતરી ગઇ અને બંને જણ ગામ પાછા જવા નીકળ્યાં. રસ્તામાં એક ગામ આવ્યું. બંને થાકી ગયા હતાં. ભૂખ પણ લાગી હતી. ગામની બહાર કૂવા પાસેના એક વૃક્ષ હેઠળ વિસામો લેવા બેઠા. એક મિત્રે કહ્યું: આ થેલી સાચવ. હું ગામમાં જઇને ખાવાનું લઈ આવું છું. મિત્ર ગામમાં ખાવાનું લેવા ગયો. રસ્તામાં ચાલતો ચાલતો વિચાર કરતો જાય છે. પોતે એકલો હોત તો આખી થેલી પોતાને મળી જાત. સોનાનાં ઘરેણાં તેના મગજમાં ઘૂમવા લાગ્યાં. તેણે વિચાર્યું કે હું એકલો નીકળવાનો હતો પણ આને સાથે લઇને મોટી ભૂલ કરી. તેણે વિચાર્યું મીઠાઇ ખરીદીને તેમાં ઝેર ભેળવી દઇશ એટલે કાંટો નીકળી જશે. ગામમાંથી પાછા આવીને ઝેર ભેળવીને મીઠાઇ મિત્રને આપીને કહ્યું: દોસ્ત, તું ખાવાનું શરૂ કર. હું કૂવામાંથી પાણી ખેંચીને લાવું છું અને તે કૂવા તરફ ગયો. આ બાજુ વૃક્ષ નીચે થેલી સાચવીને બેેઠેલા મિત્રના મનમાં પણ પાપનો કીડો સળવળી રહ્યો હતો. તે પણ લોભમાં અંધ બની ગયો હતો. તેણે વિચાર્યું પેલો પાણી ભરવા ગયો છે. તેને ધક્કો મારીને કૂવામાં ધકેલી દઉં તો આ બધાં ઘરેણાં મારાં થઇ જાય. તે ઊભો થયો અને કૂવા નજીક ગયો અને કહ્યું: મિત્ર, તું થાકી ગયો હોઇશ. લાવ પાણી ખેંચી આપું. આમ કરીને તેણે મિત્રને એક જોરદાર ધક્કો લગાવીને ઊંડા પાણીમાં ધકેલી દીધો. પછી વૃક્ષ હેઠળ આવીને મોજથી મીઠાઇ ખાધી. મીઠાઇમાં ઝેર ભેળવેલું હતું એટલે તેનું પ્રાણપંખેરું પણ ઊડી ગયું. સ્વાર્થ અને લોભમાં અંધ બનીને બંને મિત્રો એકબીજાના સંહારક બન્યાં. ઘરેણાંની થેલી એમ ને એમ પડી રહી અને બંનેએ જાન ખોયો. ખોટું કામ કરીને મેળવેલું સુખ લાંબો સમય ટકતું નથી. સ્વાર્થ આવે છે ત્યારે માણસ હેવાન બની જાય છે. વહાલાને વેરી બનતા વાર લાગતી નથી. જીવનમાં સ્વાર્થનો સંઘર્ષ છે. પ્રત્યેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ-સમાધાન માને છે. સ્વાર્થ વધુ ઘેરો બને છે ત્યાર મતાગ્રહ, હઠાગ્રહ અને ઝનૂન ઉમેરાય છે. લોભ, લાલસા ઊભી થાય છે. માણસમાં પ્રેમ, કરુણા, મૈત્રી, પરોપકાર અને દયાનાં ઝરણાંઓ અનેકવિધ સ્વરૂપે વહેતાં હોય છે, પણ સ્વાર્થની પાળો આ ઝરણાંને રોકી નાખે છે. સ્વાર્થ સાધવા માણસ બધું કરી ચૂકે છે. સ્વાર્થ ભાવના આવે છે ત્યારે સંબંધોનું કોઇ મહત્ત્વ રહેતું નથી. દૃષ્ટિ સીમિત બની જાય છે. સ્વાર્થ આડે આવતાં મા-બાપ, ભાઇ-બહેનોને પણ બહાર ધકેલી દેવાય છે. માણસ મતલબી બની ગયો છે. સ્વાર્થના કારણે મણસ અસત્ય, અનીતિ, હિંસા, જૂઠ અને કપટ આચરે છે અને બીજાને છેતરતો રહે છે. બધાં દુખનું મૂળ સ્વાર્થ છે. આમાં સૌથી વધુ શ્રદ્ધા અને વિશ્વાસનો ભોગ લેવાય છે. સામાન્ય માણસો થોડુંક કહેવાતું સુખ મેળવવા અથવા અજ્ઞાનવશ અનીતિ આચરે છે. શકિતશાળી માણસો સત્તા, કીર્તિ, પદ અને પ્રતિષ્ઠા માટે જૂઠ, કાવાદાવા અને ફરેબ રચે છે અને શતરંજના આટાપાટા ખેલે છે. જીવનમાં થોડું વધુ મેળવવા માટે કેટલું બધું ગુમાવીએ છીએ તેનો ખ્યાલ રહેતો નથી. સ્નેહ અને પ્રેમના સંબંધોનો વિચ્છેદ ઉડાવી દઇએ છીએ. બધું મળશે પણ સ્નેહીજનોનો પ્રેમ ગુમાવ્યા પછી પાછો નહીં મળે. મન, મોતી અને કાચ એક વખત તૂટયા પછી પાછાં સંધાતાં નથી. |
Tuesday, February 18, 2014
લોભ અને સ્વાર્થ ભાન ભુલાવે છે - મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment