ધન, સત્તા અને સંપત્તિ માણસને બહેકાવી નાખે છે. મારી બુદ્ધિ, મારું ડહાપણ, મારી શક્તિ અને હું કાંઇક છું આ અભિમાન જંપવા દેતું નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર આ જગતમાં આપણું કશું નથી. આપણે કશું સાથે લઇને આવ્યા નહોતા અને સાથે લઇને જવાના નથી. જીવનનું આટલું સત્ય જો આપણને સમજાઇ જાય તો બેડો પાર. જીવનમાં જે કાંઇ મળે તેનો સ્વીકાર કરવો જોઇએ. એેને પ્રભુની કૃપા સમજવી જોઇએ અને તેનો સદુપયોગ થવો જોઇએ. શક્તિ, ધન, સત્તા અને મદ માણસને બહેકાવી નાખે છે. આ બધું પ્રાપ્ત થયા પછી કેટલાક માણસોના મગજમાં રાઈ ભરાઇ જાય છે. તેને એમ થાય છે કે તેના જેવું કોઇ નથી. શરાબના નશા કરતાંય અહંકારનો આ નશો વધુ ખતરનાક છે. આમાં માણસને સારું અને સાચું દેખાતું નથી. માણસનો સમય સારો આવે છે ત્યારે તેની સજ્જનતાની કસોટી થતી હોય છે. ધન અને સત્તા આવે ત્યારે માણસે નમ્ર બનવું જોઇએ. વૃક્ષ પર ફળો આવે છે ત્યારે તે લચી પડે છે. જીવનમાં આનાથી ઊલટું બને છે. માણસને થોડી એવી સફળતા મળે એટલે અધ્ધર ચાલવા માંડે છે. જે માણસ ઊંચે જોઇને ચાલે છે તેને ઠોકર ખાવાનો વારો આવે છે. ધન અને સત્તા કાયમ માટે ટકી રહેતાં નથી. ધન અને સત્તા હોય ત્યારે આસપાસ લોકોનાં ટોળાં એકઠાં થતાં હોય છે અને પ્રશંસાનાં પુષ્પો વેરાતાં હોય છે. ઊંચા આસને બેસવા મળે છે. લોકો વાતવાતમાં હા જી હા કરતા હોય છે. આમાં મોટે ભાગે ખુશામત હોય છે. લોકો માણસને નહીં, પણ તેની પાસે રહેલી સત્તા અને સંપત્તિને માન આપે છે. આવું કહેવાતું સુખ ભોગવ્યા પછી તેની આદત પડી જાય છે. ક્યાંક જરાક માન ઓછું મળ્યું. સ્ટેજ પર સ્થાન ન મળ્યું, કોઇએ આવકાર ન આપ્યો , કયાંય નામનો ઉલ્લેખ ન થયો તો ખોટું લાગી જાય છે. દુ:ખ અને રોષ ઊભો થાય છે અને આ વાત મનમાં ખટકયા કરે છે. ધારણાઓ અને અપેક્ષાઓ દુ:ખદાયક છે. અપેક્ષા વગર સાહજિક રીતે આપણને જે કાંઇ મળે તેનો આનંદ અનોખો હોય છે, પણ લાયકાત વગરનું જે કાઇ મેળવીએ તે લાંબો સમય ટકે નહીં. સંસારમાં એ જ માણસોને સાચી સફળતા અને સાચો વિજય મળે છે જેમણે પોતાના અહંકારને ઓગાળી નાખ્યો છે. બધું મળ્યા પછી પણ તે ઓ પોતાની જાતને અંકુશમાં રાખી શકે છે. જ્યારે કેટલાક માણસ અધૂરા છલકાતા ઘડા જેવા હોય છે. અભિમાન આ જગતમાં કદી કોઇનું ટકયું નથી. ધન, કીર્તિ અને કામનાની એક મર્યાદા છે. માણસ આ મર્યાદા ઓળંગે તો જેનાથી તેઓ ઉંચા આવ્યા છે તે જ તેમના પતનનું કારણ બને છે. એક વખત ધન ચાલ્યું જાય એટલે કોઇ ભાવ પૂછતું નથી. મેળો ક્યાં વિખારાઇ ગયો તેની ખબર પડતી નથી. સગાંવહાલાં, મિત્રો પણ દૂર ખસી જાય છે. જાણે કે ઓળખતા ન હોય. ધન ચાલ્યું જાય ત્યારે માણસોને મોઢું ફેરવતાં વાર લાગતી નથી. માણસે સમજવું જોઇએ કે જે માન મળે છે તે પોતાને નહીં પણ પોતાની તિજોરી અને ખુરશીને મળે છે. આમાં ગર્વ કે અભિમાન કરવાનું કોઇ કારણ નથી. જીવનમાં આપણને જે કાંઇ મળે છે તેમાં અદૃશ્યપણે ઘણાનો હાથ રહેલો હોય છે. માત-પિતા, ભાઇઓ-બહેનો, મિત્રો, સ્નેહીઓએ આપણા વિકાસમાં કાંઇક ને કાંઇક મદદ કરી હોય છે. કેટલીક વખત અજાણ્યા માણસો પણ આપણને મદદરૂપ બની જાય છે. આ સંસારમાં એકબીજાની મદદ અને સહકાર વગર એક પગલું પણ ભરી શકાતું નથી. પણ આપણે આ ઉપકારને હંમેશાં ભૂલી જતા હોઇએ છીએ, જીવન તરફ અને આપણી સફળતા તરફ જરાક દૃષ્ટિ કરીએ અને વીતેલા સમયને યાદ કરીએ અને આપણે કયાં હતા અને કયાં પહોંચ્યા છીએ તેનો સાચો ખ્યાલ કરીએ તો માલૂમ પડશે કે જીવનના આ રાહ પર કેટકેટલાનો સાથ મળ્યો હતો. થોડું આત્મનિરીક્ષણ કરીએ. આ લોકોનો સમયસર સાથ મળ્યો ન હોત તો આપણે આટલી કઠિન લાંબી મંજિલ પસાર કરીને સફળતા હાંસલ કરી શકયા હોત? અગણિત લોકોનું આપણા પર અહેસાન છે. જીવન અને કારકિર્દીની શરૂઆતમાં આંગળી ચીંધનારનું પણ મહત્ત્વ છે. આવી નાની નાની વાતો જીવનમાં ભૂલાઇ જાય છે. સફળતાની મોટી સાંકળ પાછળ આવી નાની નાની કડીઓ બહું મહત્ત્વની હોય છે. માણસ બીજાએ કરેલા ઉપકારો ભૂલી જાય છે. પોતે બીજાને માટે સહેજ અમસ્તું કર્યું હોય તો ભૂલતો નથી. વારંવાર એ વાતને દોહરાવ્યા કરે છે. માણસ સમજે છે કે આ બધું મેં ઊભું કર્યું છે. મારી બુદ્ધિ, મારું ડહાપણ, મારી શક્તિ અને હું કાંઇક છું. આ અભિમાન જંપવા દેતું નથી. નરસિંહ મહેતાએ જેમ કહ્યું છે તેમ ‘હું કરુ, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે.’ માણસ ડર અને ભયથી ગ્રસ્ત છે. મનના છાને ખૂણે કાંઇક ને કાંઇક ભય સતાવ્યા કરે છે. કોઇ માણસ એવો નથી જેને કોઇ પણ જાતનો ભય ન હોય. કોઇને આજીવિકાનો, કોઇને માનહમિનો, કોઇને ભવિષ્યની સુરક્ષાનો, કોઇને વિયોગનો તો કોઇને સંપત્તિના નાશનો ડર હોય છે. સત્તા, ધન અને સંપત્તિ એક વખત આવ્યા પછી જતી રહે છે ત્યારે ખૂબ આકરું લાગે છે. જીવનમાં જેટલો ભય વધુ એટલી સુરક્ષાની વધુ જરૂર પડે, ધન, સત્તા અને સંપત્તિ આ ભયને છુપાવવાનું આવરણ છે. માણસ આ બધામાં સુરક્ષા શોધે છે, પણ આ સુરક્ષા કવચ પાણીના પરપોટા જેવું છે. જેટલી આપણે દીવાલો ઉભી કરતા જઇએ તેટલા પરાધીન બનતા રહીએ છીએ. સુરક્ષાની સાથે ચિંતા છે. જે વસ્તુ સુરક્ષા માટે ઉભી કરીએ છીએ તે બોજારૂપ બની જાય છે. માણસ ધન એકઠું કરે છે. સુરક્ષા અને સલામતી માટે, પરંતુ ધન વધતું જાય છે એમ ચિંતાનો બોજ પણ વધતો જાય છે. ધન ઓછું હોય ત્યારે જીવન પાસે હોય છે. ધન વધારે થઇ જાય છે ત્યારે જીવન પણ દૂર થઇ ગયું હોય એવું લાગે છે. જીવનના આ બધા ભયને દૂર કરવા માટે સાચી સમજની જરૂર છે. દૃષ્ટિ બદલો તો રાગ-દ્વેષ, ભય અને ક્રોધ ચાલ્યાં જાય. લાલસા અને તૃષ્ણા ન રહે. મમત્વ, લોભ, તૃષ્ણા અને આસક્તિ ન રહે તો ભય પણ નાબૂદ થઇ જાય. લોભ અને લાલસા માણસને ન કરવાનાં કામ કરાવે છે. ધન, પદ અને પ્રતિષ્ઠા જેને આપણે સુખ માનીએ છીએ તે સાચું સુખ નથી. સાચું સુખ તો કાયમ ટકી રહે છે. જે વસ્તુ ક્ષણિક છે તે સુખમય બની શકે નહીં. જે માણસ પોતાનાં સાધનોમાં સંતોષ અનુભવે છે, જેમની જરૂરિયાત ઓછી છે અને જેની આસક્તિ ઓછી છે એ માણસ સાચા અર્થમાં સુખી છે. ઈચ્છીત વસ્તુઓ મળી ગઇ હોવા છતાં કેટલાક માણસો વલોપાત કરતા હોય છે. દુનિયામાં સુખ વધતું જાય છે એમ અજંપો પણ વધતો જાય છે. દરેકને પોતાને મળેલું સુખ ઓછું લાગે છે. ઈચ્છાઓ કદી પરિપૂર્ણ થતી નથી. ઈચ્છાઓ અનંત છે. ઈચ્છાઓના મૃગજળ માણસને ભટકાવે છે. વ્યક્તિગત અહંકાર જયારે પ્રબળ બને છે ત્યારે તે હિંસામાં પરિણમે છે. માત્ર કોઇનો જાન લેવાથી હિસા થતી નથી. મન અને વચનથી પણ હિંસા થતી હોય છે. કોઇને કટુ વચનો કહીને, કોઇના મનને દુભાવીને કોઇના પ્રત્યે રાગ-દ્વેષ રાખીને અથવા માનહાનિ કરીને હિંસા થતી હોય છે. ચિત્તમાં રહેલી આવી હિંસાત્મક લાગણીઓના કારણે આપણે સતત વેદના અનુભવતા રહીએ છીએ. આ આંતરિક સૂક્ષ્મ હિંસાના કારણે માંદગીનો, ગરીબીનો, મૃત્યુનો, એકલા પડી જવાનો ડર ઉભો થાય છે. આ તમામ પીડા આપણે તનથી નહીં, મનથી ભોગવીએ છીએ. મનમાં ચાલી રહેલી હિંસાનો જન્મ ઈચ્છાઓ અને વાસનાઓમાંથી થાય છે. સુખ અને દુ:ખ બે અંતિમો છે. આ સમયે પ્રભુ યાદ આવે છે. એકમાં સુખ મેળવવાની ઈચ્છા છે અને બીજામાં સુખ ટકાવી રાખવાની આકાંક્ષા છે. ભક્તિમાં પણ સ્વાર્થ અને લોભ છે. ધર્મ આપણને સુખ-દુખ, સારું-નરસુ, શુભ-અશુભ એ દ્વંદ્વોમાંથી બહાર નીકળી જવાનાં બોધ આપે છે. સુખની સાથે દુ:ખ, સારા સાથે ખરાબ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. આમાં માત્ર એકની પસંદગી આપણે કરી શકતા નથી. એકની પસંદગી કરીએ તો બીજાનો સામનો કરવાનો રહે છે. કાંઇ પણ સારું કરીએ ત્યારે તેનું અભિમાન નહીં હોવું જઇએ અને તેમાંથી કાંઇ મેળવવાની કે બદલાની આશા રાખવી જોઇએ નહીં. બદલાની આશા રાખીશું તો જે કાંઇ મળવાનું છે તે પણ નહીં મળે. સત્કાર્યો કર્યા પછી જેઓ અહંકાર રાખે છે, તેમાંથી કાંઇક મેળવવાની અપેક્ષા રાખે છે. તેઓ સત્કાર્યોના બોજા હેઠળ કચડાઇ જાય છે. માત્ર પાપનો બોજો નહીં, સત્કાર્યનો બોજો પણ માણસને ભારે પડે છે. ઘંટીના પડની જેમ ગળે વળગી જાય છે. આપણે માણસો વાતવાતમાં ફુલાઇ જઇએ છીએ. નાનું એવું કાર્ય કર્યું હોય તો પણ ઢોલ-નગારાં વગાડીએ છીએ. એમાંથી જેટલો લાભ ઉઠાવી શકાય એટલો ઉઠાવીએ છીએ. કીર્તિ અને માનની અપેક્ષા રાખીએ છીએ. કોઇ પણ જાતની ઈચ્છા, અપેક્ષા વગર નિ:સ્વાર્થ ભાવે જે સેવા અને સત્કાર્યો થઇ શકે તેનું મૂલ્ય અપાર છે. ભલે એમાંથી બીજું કાંઇ ન મળે, પરંતુ મનનો સંતોષ અને મનની શાંતિ જરૂર મળશે. જીવનમાં કોઇ પણ જાતનું અભિમાન રાખવાનું સારું નથી. છેવટે બધું માટીમાં મળી જવાનું છે. કબીરે જેમ કહ્યું છે તેમ- ‘ખાખ મેં ખપી જાના બંદા માટી મેં મિલ જાના મત કરો અભિમાના, એક દિન પવન સે ઉડ જાના માટી ચૂનચૂન મહેલ બનાયા, મૂરખ કહે ઘર મેરા નહીં ઘર તેરા, નહીં ઘર મેરા એક દિન જંગલ બીચ મેં ડેરા’ |
Wednesday, February 26, 2014
સુખ પણ અજંપો લઇને આવે છે - મહેન્દ્ર પુનાતર
Labels:
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment