Thursday, February 6, 2014

દુષ્કૃત્ય કરવું અને કરવા દેવું બંનેમાં માણસ દોષિત - મહેન્દ્ર પુનાતર


અપરાધ કરનારા માણસો વધુ નથી, પરંતુ નિષ્ક્રિય બનીને તમાશો જોઈ રહેલા માણસો વધુ છે. જેના કારણે ખોટાં કામ અને ગેરરીતિ કરનારાઓની હિંમત વધી છે

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવનની બે બાજુઓ છે. એક એનું વિધાયક રૂપ અને બીજું નિષેધકરૂપ. એક હકારાત્મક છે, બીજું નકારાત્મક. એક સક્રિય છે બીજું નિષ્ક્રિય. આ બે પહેલું પર જીવનનું ચક્ર ચાલ્યા કરે છે. જીવનમાં આપણે જે કાંઈ છીએ તેમાં આ બંનેનું પ્રદાન રહેલું છે. પાપ અને પુણ્ય પણ આ બે પાસાઓના કારણે થતું હોય છે. પાપ અને પુણ્ય કેટલીક વખત સીધી રીતે અને કેટલીક વખત આડકતરીએ રીતે તેમજ સક્રિય રહીને અથવા નિષ્ક્રિય રહીને થતા હોય છે. કાં તો આપણે કાંઈક કરીને અથવા નહીં કરીને પાપ-પુણ્યનું પોટલું બાંધતા હોઈએ છીએ.

સાધારણ રીતે આપણે માનીએ છીએ કે સારું અને ખોટું, પાપ અને પુણ્ય સક્રિય રીતે જ થઈ શકે છે. આપણે કાંઈક કરીએ છીએ તેમાંથી આ ઉદભવે  છે. કશું નહીં કરવાથી પણ પાપ અને પુણ્ય થઈ શકે છે તે વાત આપણી સમજમાં આવતી નથી. એક માણસ લૂંટાઈ રહ્યો છે. એક વ્યક્તિ પર જુલમ થઈ રહ્યો છે, એક જીવને મારી નાખવા કોઈ તૈયાર થયો છે અને આપણે ઊભા ઊભા જોઈ રહ્યા છીએ અને કશું કરતાં નથી તો મહાવીર કહે છે આ પાપ થઈ ગયું. આપણે નકારાત્મક રીતે કશું નહીં કરીને પાપના ભાગીદાર બની ગયા. જે બાબત આપણે રોકી શકતા હતા તે રોકી નહીં આપણે ભલે પાપ કર્યું નહીં પણ પાપને થવા દીધું. આ માટે આપણે ધર્મની દૃષ્ટિએ દોષિત છીએ.

જે ખોટું કામ અને પાપ આપણે પોતે કરીએ તે માટે આપણે જવાબદાર છીએ તેમ બીજાને કરવા દઈએ તો પણ એટલા જ દોષિત છીએ. દુનિયામાં પાપ અને અપરાધ કરવાવાળા માણસો વધારે નથી, પરંતુ નિષ્ક્રિય બનીને તેમ કરવા દેવાવાળા માણસો વધારે છે. જેના કારણે ખોટાકામો અને દુષ્કૃત્યો વધ્યા છે. પાપને, દુષ્કૃત્યોને રોકવાવાળા માણસો જો હોય તો પાપ કરતા માણસો ડરે. આપણે દુષ્કૃત્યોને રોકવાની હિંમત કરતા નથી. એટલે ચોરી, લૂંટફાટ, બળાત્કાર અને હત્યાઓ વધી રહી છે. અપરાધ કરનારો સમૂહ તો નાનો છે પણ અપરાધો પોતાની નજર સમક્ષ થતા જોઈને નિષ્ક્રિય રીતે બેસી રહેતો સમૂહ ઘણો મોટો છે. એટલે તો ટ્રેનના ભરચક ડબ્બામાં એકલદોકલ ટપોરી લૂંટીને ચાલ્યા જાય છે, પરંતુ તેને અટકાવવાની કોઈ હિંમત કરતું નથી. આ માટે લોકોને મનમાં રંજ પણ નથી. લોકો વચમાં પડીને જોખમ વહોરવા માગતા નથી. ધર્મ કહે છે દુષ્કૃત્ય કરવું અને થવા દેવું બંનેમાં માણસ દોષિત છે.

જૈન ધર્મે મન, વચન અને કાયાથી કારણરૂપ આશ્રવોમાંથી ઉત્પન્ન થનારા કર્મોને રોકનાર આત્માના શુદ્ધ ભાવોને સંવર નામ આપ્યું છે અને તેના ૫૭ ભેદ બતાવ્યા છે. એટલે ૫૭ પ્રકારે કર્મોને અટકાવી શકાય છે. આમાંના આઠ સૂત્રો અંગે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. આ આઠ સૂત્રો વચ્ચે રહેલો મર્મ જીવન જીવવાની કલા છે. આનાથી ધર્મને યથાર્થ રીતે જાણી શકાય છે. આમાં માણસે ક્યારે બોલવું, શું બોલવું અને કેવી રીતે બોલવું એ અતિમહત્ત્વનું છે. કેટલીક વખત માણસ શું બોલી રહ્યો છે તેની પોતાને ખબર હોતી નથી. માણસ જે કાંઈ કહે છે તેમાં તેની જાણકારી સંપૂર્ણ હોતી નથી. આમ છતાં દરેક માણસ પોતાની વાત સાચી છે એમ માનતો હોય છે એટલું જ નહીં પણ ભારપૂર્વક બીજાને ઠસાવવાનો પ્રયાસ કરતો હોય છે. આમાં અહંકારની તૃપ્તિ છે. બે જણની વાતચીતમાં પણ કોઈ કોઈનું પૂરું સાંભળતું નથી. એક બીજા પર હાવી થવાની કોશિશ થતી હોય છે. વાર્તાલાપમાં માણસો એકબીજાને સાંભળવા કરતા બોલવાનો મોકો શોધતા હોય છે અને સામા માણસને ચૂપ કરીને પોતાની વાત શરૂ કરી દેતા હોય છે. તેમનું સમગ્ર ધ્યાન આક્રમક સ્વરૂપે હોય છે. બીજાની વાત શાંતિપૂર્વક સાંભળીને તેનો જવાબ આપવા માટે સંયમ જોઈએ.

માણસના બોલવામાં પણ કાંઈકને કાંઈક સલાહ હોય છે. તેમાં કાંઈક કરવા અને ન કરવા પર ભાર હોય છે. કોઈ પણ બાબતને યોગ્ય રીતે જાણ્યા વગર અથવા અજ્ઞાનમાં આપેલી સલાહ સામા માણસને મુશ્કેલીમાં મૂકી શકે છે. સત્ય શું છે તે આપણે જાણતા ન હોઈએ ત્યારે શુભ દૃષ્ટિથી આપેલી સલાહ પણ સામા માણસનું અહિત કરી શકે છે. સલાહ મફત મળે છે. જરૂરતથી વધુ મળે છે. બીજાને સલાહ અને માર્ગદર્શન આપનારા માણસોનો તોટો નથી. સલાહ આપવાથી આપણને એમ થાય છે કે આપણે જાણકાર છીએ, વધુ સમજદાર છીએ. આના કારણે ગુરુઓ અને નેતાઓ વધ્યા છે. જીવનમાં મૌનનું પણ મહત્ત્વ છે. ક્યારે ચૂપ રહેવું, મોઢું બંધ રાખવું, જરૂર પૂરતું વિચારીને બોલવું એ પણ એક આવડત છે.

જીવન જીવવાની કલાના આઠ સૂત્રો છે. ઈર્યા, ભાષા, એષણા, આદાન - નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા તેમજ મન, વચન અને કાયા. આમાંના પ્રથમ પાંચ સૂત્રો વિધાયક છે અને બાકીના ત્રણ સૂત્રો નિષેધક છે.

ઈર્યાનો અર્થ છે માણસ જે કાંઈ કરે તેમાં પૂરતી સાવધાની રાખે. ચાલવા ફરવાની ક્રિયામાં પણ કોઈ જીવને કશું નુકસાન ન થાય તેની કાળજી રાખે. આમાં અહિંસા ધર્મ સમાયેલો છે. જે માણસ આટલો જાગ્રત હોય તે માનવતા અને માનવ ધર્મનું ઉલ્લંઘન કરી શકે નહીં. આમાં કોઈપણ પ્રવૃત્તિ બેહોશીમાં ન થાય તેનો ખ્યાલ કરાયો છે. માણસ મોટે ભાગે જે કાંઈ કરી રહ્યો છે તેમાં બેહોશી છે. બેહોશી એટલે અવિચારી, સમજણ વગરનું પગલું પરિણામનો વિચાર કર્યાં વગર મનફાવે તેવી આડેધડ પ્રવૃતિ. આનાથી પોતાને અને બીજાને નુકસાન થઈ શકે છે. માણસ જે કાંઈ કરી રહ્યો હોય તેમાં એકાગ્રતા અને ધ્યાન ન હોય અને મન બીજે ભટકતું હોય તો તે પણ બેહોશી છે. ક્રિયાની સાથે ચેતના સંયુક્ત હોવી જોઈએ. આપણે શું કરીએ છીએ તેના કરતા કેવી રીતે કરીએ છીએ કેવા ભાવથી કરીએ છીએ તે વધુ મહત્ત્વનું છે. માણસ જ્યારે ખરાબ કામ કરે છે ત્યારે હોશ ગુમાવી બેસે છે. મૂર્ચ્છિત બની જાય છે. હિંસામાં, હત્યામાં, જૂઠમાં, ચોરીમાં, પાપમાં અને વાસનામાં માણસ હોશમાં હોતો નથી અને અપરાધ કરી બેેસે છે. માણસ આ બેહોશીમાંથી બહાર આવે છે ત્યારે અફસોસ થાય છે. પોતાનાથી આમ કેમ થઈ ગયું એની સમજણ પડતી નથી. આપણે નશામાં અને બેહોશીમાં જીવી રહ્યા છીએ. કોઈને ધનનો, કોઈનો પદનો તો કોઈને પ્રતિષ્ઠાનો નશો છે. આ નશો આપણને સરળ રીતે સહજ રીતે જીવવા દેતો નથી. ઉપદ્રવ કરાવે છે અને છેવટે ખાઈમાં ધકેલી દે છે.

બીજું સૂત્ર છે ભાષા. આમાં હોશપૂર્વક સંયમપૂર્વક ભાષાના ઉપયોગની વાત છે. આમાં સંયમ એટલી હદ સુધી હોવો જોઈએ કે જ્યાં ભાષા મૌન બની જાય અને મૌન ભાષા. શબ્દો વિના જે કહેવાનું હોય તે કહેવાઈ જાય. આમાં ભાવથી વિવેકથી બોલવાની વાત છે. આપણે બોલતા હોઈએ ત્યારે જ ભાષાનો ઉપયોગ થાય છે તેવું નથી. આપણે કશું બોલતા ન હોઈએ ત્યારે પણ અંદરખાને મનથી બોલતા રહીએ છીએ. આ મનોવ્યાપાર આપણી ઊર્જાને ખતમ કરે છે. માણસ અસ્વસ્થ છે તેનું કારણ અંદરથી વિક્ષિપ્ત છે. અંદર વિચારોના ઘોડાઓ દોડ્યા કરે છે.

ત્રીજું સૂત્ર છે એષણા. આનો અર્થ છે જીવન જીવવા માટે જેટલું જરૂરી છે તેનો સંયમપૂર્વક ઉપયોગ કરવો. જરૂરી એટલું જ સ્વીકારવું, કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં. પોતાના સાધનોમાં સુખેથી રહેવું, કોઈની ઈર્ષ્યા, અદેખાઈ કરવી નહીં અને કોઈની પાસેથી કશી અપેક્ષા રાખવી નહીં. ઈચ્છાઓ અને વાસનાઓ પર અંકુશની આમાં વાત છે, જરૂર પૂરતું ભોજન, જરૂર પૂરતી ઊંઘ આરોગ્ય માટે સારી છે. વધુ ઉપયોગ એટલે વઘુ ભોગ અને વધુ ભોગ એટલે વધુ રોગ.

આદાન-નિક્ષેપ, આ સૂત્રમાં પોતાના કામમાં આવનારી ચીજોનો એવી રીતે ઉપયોગ કરવો જેમાં હિંસા અને બીજાને હાનિ ન થાય. કોઈ વસ્તુ ન હોય તો ચલાવી લેવું. આ વસ્તુ જોઈએ જ એવો આગ્રહ રાખવો નહીં. આમાં પરિગ્રહની વાત છે. કોઈ પણ વસ્તુ વસ્ત્રો, ઝવેરાત કે કોઈ કિંમતી ચીજો પ્રત્યેનું મમત્વ દૂર કરવાની બાબત છે. હોય તો વિવેકપૂર્વક ઉપયોગ કરવો અને ન હોય તો નિરાશ થવું નહીં.

પાંચમું સૂત્ર છે પારિષ્ઠાપનિકા. આમાં સ્વચ્છતાની, પર્યાવરણની વાત છે. શરીરનો મેલ કચરો કોઈને નુકસાનરૂપ ન બને ચોખ્ખાઈ જળવાય, વનસ્પતિ, ઝાડ-પાનનું સંવર્ધન થાય. અન્ન-પાણીનો સંયમપૂર્વક ઉપયોગ વગેરે બાબતો છે અને પર્યાવરણ જીવન માટે અત્યંત જરૂરી છે.

બીજા ત્રણ સૂત્રો છે મન, વચન અને કાયા-શરીર. આ ત્રણેથી પાપ થતું અટકાવવું.

મનનો ફેલાવો અટકાવવો. મન ભટકતું રહે છે તેને અટકાવવું. સુખ, દુ:ખ મનના ઉપદ્રવો છે. મનને ઈચ્છા , એષણા અને વાસનામાં ભટકતું અટકાવવાની આમાં વાત છે.

વચન એટલે શબ્દોની જાળને ફેલાવવી નહીં, નિરર્થક પ્રલાપ કરવો નહીં. સત્ય બોલવું. અપ્રિય ઉચ્ચારણો કરવા નહીં. જીભે અનેક અનર્થો સર્જ્યા છે. વાણીને સંયમમાં રાખવી.

છેલ્લું સૂત્ર છે કાયા એટલે શરીર. તેનું ગોપન કરવું. પ્રદર્શન કરવું નહીં. આમાં વસ્ત્રોની મર્યાદા શરીરની સ્વચ્છંદ ક્રિયાનો ત્યાગ અને શરીરશુદ્ધિની વાત છે. શરીરને મધ્યમમાં રાખવું, કાયાને ફેલાવવી નહીં, રૂપનું અભિમાન કરવું નહીં. ખાવા-પીવામાં સંયમ રાખવો અને શરીર સૌષ્ઠવ જાળવવાનો આમાં બોધ છે.

ધર્મના, ચારિત્ર  નિર્માણના આ સૂત્રો છે. સાથે સાથે આમાં મનશુદ્ધિ, વિચારશુદ્ધિ અને શરીરશુદ્ધિ છે. આ સાધના છે. કર્મોની શૃંખલાને તોડવાની પ્રક્રિયા છે.

No comments:

Post a Comment