જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર
ધર્મમાં
કહ્યું છે કે મન, વચન અને કર્મથી કોઈને દુ:ખ ન પહોંચાડવું. કોઈનું અપમાન
થાય, મન દુભાય કે કોઈની કશી માનહાનિ થાય તેવું કશું કરવું નહીં. આમ છતાં
જીવન અને વહેવારમાં મોટા ભાગના માણસો જાણ્યે- અજાણ્યે એકબીજાના દિલને
દુભાવતા હોય છે. ટીકા અને નિંદામાં રાચ્યા કરતા હોય છે.
માણસ બીજાની
સામે આંગળી ચીંધે છે ત્યારે બીજી બધી આંગળીઓ પોતાના તરફ તકાયેલી હોય છે.
કોઈનું ખરાબ બોલીએ, નિંદા કરીએ ત્યારે પ્રથમ નિરીક્ષણ કરવું જોઈએ કે હું
કેવો છું. મારામાં આ દોષો અને અવગુણો તો નથીને? ‘અન્યનું એક વાંકું આપના
અઢારેઅઢાર વાંકાં’ જેવો ઘાટ ઘડાતો હોય છે. આ જગતમાં કોઈ સર્વગુણસંપન્ન નથી.
દરેક માણસમાં ગુણ-દોષ રહેલા છે. માણસે સારું જોવું, સારું બોલવું અને
સારું સાંભળવું જોઈએ. બીજાના દોષો જોવા કરતાં ગુણો તરફ નજર કરવી જોઈએ. માણસ
ગુણાનુરાગી બને તો તેને કશું ખરાબ દેખાય નહીં, પણ માણસનો સ્વભાવ છે ગુણો
પોતાના જુએ છે અને દોષ બીજાના.
ટીકા અને નિંદામાં ફરક છે. ટીકામાં
શુભ ઈરાદો પણ હોય છે. સામા માણસના ભલા માટે, તેને ટપારવા માટે, તેને
સુધારવા માટે કેટલીક વખત આકરું બોલવું પડે છે, પણ આમાં તમારો ઈરાદો શું છે
તેના પર બધો આધાર છે. અને આમાં તમે ભાષાનો, શબ્દોનો કઈ રીતે ઉપયોગ કરો છો
તે પણ મહત્ત્વનું છે. કેટલીક વખત સામા માણસને માઠું ન લાગે તે રીતે તેની
ત્રુટિઓ તરફ ધ્યાન ખેંચી શકાય છે. નિંદાનું શાસ્ત્ર સાવ અલગ છે. તે માણસની
ગેરહાજરીમાં થતી હોય છે. આલોચના અને ટીકામાં પણ જો અતિરેક થાય તો તે નિંદા
બની જાય છે. આલોચનામાં કરુણા હોય છે. સારાની ભાવના હોય છે. નિંદામાં ઘૃણા
અને તિરસ્કાર હોય છે. ટીકા માણસને જાગૃત કરવા માટે થતી હોય છે, નિંદા
માણસને પાછો પાડવા, મિટાવવા માટે થતી હોય છે. ટીકા અને આલોચનામાં સત્ય
રહેલું છે, નિંદામાં જૂઠ. આલોચના મૈત્રીપૂર્ણ છે. ભલે તે ગમે તેટલી કઠોર
હોય પણ તેમાં સામા માણસનું સારું કરવાનો ભાવ રહેલો છે. નિંદા ગમે તેટલી
મીઠી મધુર હોય પણ તેમાં ઝેર રહેલું છે.
અહંકારની ઈર્ષ્યાની
ભાવનામાંથી નિંદા પ્રગટે છે. બીજાનું આપણે સારું જોઈ શકતા નથી એટલે તેમની
નબળી બાજુને શોધવાનું મન થાય છે. હું તમારા કરતાં સારો છું, મોટો છું એ વાત
સાબિત કરવાનું બહુ મુશ્કેલ છે, કારણ કે બધા લોકો આ વાતને સિદ્ધ કરવામાં
લાગેલા છે. દરેક માણસનું લક્ષ્ય છે તે બીજા કરતાં સારો છે, ડાહ્યો છે,
હોશિયાર છે, સમજદાર છે તે પુરવાર કરવાનું. માણસ પોતાની વાતચીતમાં,
વર્તનમાં, દેખાવમાં આ બધા પ્રયાસો કરતો હોય છે. સારા હોવું અને સારા
દેખાવું એ બંનેમાં ફરક છે. આ જગતમાં એકથી એક ચડિયાતા માણસો છે. દરેક જગ્યાએ
શેરની માથે સવા શેર છે. આ બધામાં બીજા કરતાં હું સારો છું એ સિદ્ધ કરવાનું
મુશ્કેલ છે, પરંતુ બીજાના દોષો, નબળાઈઓ આગળ કરીને આપણે તેના કરતાં સારા
છીએ એવું મનને મનાવવાનું સરળ છે. આપણે ગમે તેવા મોટા માણસોની નિંદા કરી
શકીએ છીએ. કોઈનું સારું બોલશો તો કોઈ વધારે વખત સાંભળી નહીં શકે, પરંતુ
કોઈનું વાંકું બોલશો તો લોકો કાન દઈને સાંભળશે.
એક ગામમાં એક માણસ
રહેતો હતો. તેની વાત કોઈ સાંભળતું નહીં. લોકો તેને મૂર્ખ માનતા હતા. તે જે
કાંઈ કહે તેને હસી કાઢતા હતા. કોઈ તેની વાતને ગંભીરતાથી લેતું નહોતું. આ
માણસ પોતાની ઉપેક્ષાથી કંટાળી ગયો હતો.
ગામમાં એક ફકીરનું આગમન
થયું. તેણે આ ફકીરનાં ચરણો પકડયાં અને કહ્યું, ‘મને આમાંથી બચાવો. લોકો મને
મૂર્ખ કહે છે. હું સારી વાતો કરું છું પણ તેઓ સાંભળવા તૈયાર નથી. લોકો
મારું મહત્ત્વ સમજે એવું કાંઈક કરો.’
ફકીરે કહ્યું, ‘લોકો તારા તરફ
ધ્યાન કેમ આપે તું સારી અને ડાહી વાતો કરી રહ્યો છે. કોઈની સારી વાત
સાંભળવાની કોને ફુરસદ છે? આ માટે લોકોને સમય નથી. તું એક કામ કર, સારું
બોલવાનું છોડી દે. લોકોનું વાંકું બોલવાનું, તેમની નિંદા કરવાનું શરૂ કરી
દે. અહીંની વાત ત્યાં કર અને ત્યાંની વાત અહીં કરતો રહે. થોડું મીઠું-મરચું
ભભરાવતો રહે. લોકો તને સામેથી બોલાવશે.’
આ માણસે જે હાજર ન હોય
તેના અંગે નિંદા કરવાનું અને તેમની ખાનગી વાતો કહેવાનું શરૂ કરી દીધું.
લોકો હવે કાન સરવા કરીને સાંભળવા લાગ્યા. નિંદામાં કોને રસ ન હોય?
લોકો
હવે આ માણસને સામેથી બોલાવવા લાગ્યા, કારણ તે તેની પાસેથી ગામની બે-ચાર
નવી વાતો સાંભળવા મળતી. કોની સ્ત્રી ભાગી ગઈ, કોણ દારૂડિયો અને જુગારી છે,
કોણ પૈસેટકે ખુવાર થઈ ગયો છે, કોણે બેઈમાની અને કાળા ધંધા કરીને પૈસા
બનાવ્યા છે, કોણે બીજી સ્ત્રીને ઘરમાં બેસાડી છે, કોનું પ્રેમપ્રકરણ ચાલી
રહ્યું છે. આવી બધી મસાલેદાર વાતો સાંભળવા માટે લોકો તેની આસપાસ ફરવા
લાગ્યા. તેનાં માનપાન વધી ગયાં. તે આડુંઅવળું કેટલીક વખત ન સમજાય એવું મભમ
બોલતો. લોકો તેને બુદ્ધિમાન સમજવા લાગ્યા. તેની વાતમાંથી તાગ કાઢવાનો
પ્રયત્ન કરવા લાગ્યા.
લોકો નિંદામાં ભારે કુશળ હોય છે. જલદીથી ખબર ન
પડે તે રીતે ચતુરાઈથી બીજાનું ઘસાતું બોલીને પોતાની બડાઈ હાંકી લેતા હોય
છે. નિંદાનો રસ એવો છે એમાં થોડાથી કોઈને તૃપ્તિ થતી નથી. એટલે જાતજાતના
પ્રશ્ર્નો કરીને, આશ્ર્ચર્ય વ્યક્ત કરીને, પોતાનો અભિપ્રાય આપીને વાતના
ઊંડાણમાં જવાનો પ્રયાસ કરતા હોય છે. સારા કહેવાતા માણસો ભલે મોઢેથી કશું
બોલે નહીં, પણ ધ્યાન દઈને સાંભળી લેતા હોય છે. કેટલાક માણસોને આવું બધું
સાંભળ્યા પછી વાત પેટમાં ટકતી નથી અને તેઓ આ વાત થોડી ઉમેરીને બીજાને કહેવા
આતુર હોય છે. આમ નિંદાનો દોર અવિરતપણે ચાલ્યા કરે છે. જે લોકો બીજાની
નિંદા કરે છે તેઓ પાછળથી આપણી પણ કરી શકે છે તેવો ખ્યાલ કોઈને આવતો નથી. જે
લોકો કોઈની ગેરહાજરીમાં તેનું ખરાબ બોલી શકે છે તો તમારું પણ તેમ બોલી શકે
છે. નિંદા પારકા લોકોની થાય છે એવું નથી, ઘરમાં પણ આવું થતું હોય છે.
નિંદામાં
પણ લોકો સારા થવાના પ્રયાસો કરતા હોય છે. બીજાનું પાંચ-દશ મિનિટ વાટ્યા
પછી અને મનનો ઊભરો ઠાલવ્યા પછી કહેશે ‘જવા દોને’, આપણે બીજાની વાત કરીને શા
માટે પાપમાં પડવું. એનાં કર્યાં એ ભોગવશે. ઉપરવાળો તો બધું જોઈ રહ્યો છે.’
નિંદાનો
રસ અદભૂત છે. સામા માણસ પ્રત્યે સહાનુભૂતિ બતાવીને, તેને પંપાળી-
પંપાળીને આની મજા લેવામાં આવે છે. કોઈ માણસ મુશ્કેલીમાં મુકાયો હોય, દુ:ખ
આવી પડ્યું હોય, માનહાનિ થઈ હોય ત્યારે લોકો તેમના પ્રત્યે ખોટી સહાનુભૂતિ
વ્યક્ત કરીને તેમનું મન ખોતરતા હોય છે. તમે તો કોઈનું ખરાબ કર્યું નથી,
તમને આમ કેમ થાય એવો મલાવો કરીને સામા માણસની વાતને જાણવાનો પ્રયાસ થતો હોય
છે. આવી અંદરની વાત જાણવા લોકો બહુ ઉત્સુક હોય છે. દુ:ખમાં પડેલો માણસ કોઈ
જરાક સધિયારો આપે તો મનની વાત કહી દેતો હોય છે. પણ લોકો તેનો ગેરલાભ ઉઠાવે
છે. આપણા દુ:ખની વાત ખોટા માણસને કહેવી નહીં. તે અંદરખાને રાજી થશે અને
બીજા બે માણસને કહીને આપણને વધુ દુ:ખ પહોંચાડશે. કારણ વગર જે વધારે પડતી
સહાનુભૂતિ બતાવે તેનાથી ચેતતા રહેવામાં ડહાપણ છે.
માણસને બીજી કોઈ
રીતે નાનો બનાવી શકાતો નથી એટલે નિંદા કરીને તેને નાનો અને હલકો ચીતરવામાં
આવે છે. તેમાં નવા રંગો પુરાતા રહે છે. જે માણસ આપણા કરતાં મોટો હોય,
શ્રીમંત હોય, શક્તિશાળી હોય, ઊંચા આસને બિરાજતો હોય અને આપણી નજીક હોય તેની
આપણે નિંદા કરીએ છીએ. જે આપણાથી નાનો છે તેની ટીકા અને નિંદા કરવામાં એટલો
આનંદ આવતો નથી. જે માણસ આપણા કરતાં નાનો છે એને વધુ નાનો બનાવીને શું
ફાયદો? તેમાં અહંકારની તૃપ્તિ ક્યાં? કોઈ ભિખારી કેળાની છાલ પર પગ મૂકીને
લસરી જાય તો એટલી મજા નહીં આવે, પરંતુ કોઈ શેઠ નીચે ગબડી પડશે તો તે
જોવાની મજા આવશે. મોટા માણસોની નાની વાતો સાંભળવામાં લોકોને વધુ રસ હોય છે.
એની પાછળ મન એમ કહેતું હોય છે, ‘જોયા મોટા માણસો તેના કરતાં તો આપણે
અનેકગણા સારા.’
આપણે કોઈની પ્રશંસા કરીશું તો લોકો બહુ ધ્યાન નહીં
આપે. આપણે કહીશું કે ફલાણા માણસે બહુ પ્રગતિ કરી. નસીબદાર છે જલદીથી પૈસા
થઈ ગયા. ઘણો કાબેલ. તો લોકો કહેશે ‘જવા દોને વાત.’ એ કેવી રીતે પૈસાદાર થઈ
ગયો એ બધા જાણે છે. આડાઅવળા ધંધા છે નહિતર એમ થોડા રાતોરાત પૈસાદાર થઈ
જવાય. ફુગો ફૂટશે ત્યારે ખબર પડશે, પરંતુ તમે કહેશો કે પેલા માણસે બેઈમાની
કરીને પૈસા મેળવ્યા છે. ધોખેબાજ છે. ભ્રષ્ટાચારી છે. તેની કાળી કમાણી છે તો
લોકો સ્વીકારી લેશે. કાં તો સાંભળી લેશે. કોઈ એમ નહીં કહે કે તમે જે કહો
છો તે બરાબર નથી. તેના અંગે આવી વાત કદી સાંભળવા મળી નથી. આપણે કોઈ ચોર છે એ
વાત સ્વીકારી લઈશું, પરંતુ કોઈ મહાત્મા છે એ વાત સ્વીકારવાને મન નહીં થાય,
કારણ કે આ બાબત આપણા અહંકારથી વિપરીત છે.
માણસ બીજાના દોષો જોવાનું
ટાળે અને ગુણગ્રાહી બને ત્યારે તે સત્યની વધુ નજીક હોય છે.
|
No comments:
Post a Comment