|
દુ:ખ તો
માણસને મારે છે, પણ કેટલીક વખત સુખ પણ આપણને કચડી નાખે છે. બંનેમાં
ઉત્તેજના છે. તણાવ હોય ત્યાં વસ્તુને તૂટી જતા વાર લાગતી નથી. બંનેમાં
સમભાવ અને સ્વીકાર જરૂરી છે |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર
એક
આંધળો અને એક લંગડો સાથે મળીને ભીખ માગતા હતા. આંધળો જોઈ શકતો નહોતો અને
લંગડો ચાલી શકતો નહોતો. લંગડો આંધળાના ખભા પર બેસી જતો હતો અને તેની સૂચના
મુજબ આંધળો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો. બંને વચ્ચે ભાગીદારીમાં ધંધો
ચાલી રહ્યો હતો. ભાગીદારીના ધંધામાં જેમ થાય છે તેમ ખેંચતાણ થતી રહેતી
હતી. કોઈ વખત લંગડો વધુ પૈસા પર કબજો જમાવી લેતો હતો. કોઈ વખત આંધળો વધુ
પૈસા હડપ કરી જતો હતો આમ બંને વચ્ચે ઝઘડા ચાલતા રહેતા હતા. પણ કોઈ એકબીજાને
છોડી શકે તેમ નહોતા બંનેની મજબૂરી હતી. બંનેનો પરસ્પર આધાર હતો. એકબીજા
વચ્ચે અણબનાવ હતો, ખુન્નસ હતું, તિરસ્કાર હતો, પણ સાથે રહ્યા વગર છૂટકો
નહોતો.
એક વખત પૈસાની બાબતમાં તકરાર વધી ગઈ અને વાત મારામારી પર આવી
ગઈ. બંને આક્રમક બની ગયા અને એકબીજાની સારી એવી પીટાઈ કરી નાખી. ભગવાનને આ
બધું જોઈને દયા આવી ગઈ. જૂના વખતમાં ભગવાન દયાળુ હતો, હવે તેટલો રહ્યો
નથી. કારણ કે તે હવે માણસને બરાબર ઓળખી ગયો છે. ભગવાનને થયું મારે આ
બંનેનું દુખ દૂર કરવું જોઈએ. આંધળાને જો આંખો મળી જાય અને લંગડાને પગ મળી
જાય તો બંને એકબીજાથી મુકત થાય અને બંનેના જીવનમાં સુખ-શાંતિ આવે.
પ્રભુ
લંગડા સમક્ષ સ્વયં પ્રગટ થયા અને કહ્યું તારે જે વરદાન જોઈએ તે માગી લે.
તું એક વખત માગીશ પછી એ વચનમાં ફેરફાર નહીં થાય એટલે વિચારીને તારા સુખ
માટે જે જોઈએ તે માગી લે. પ્રભુને તો એમ હતું આ લંગડો પગ વગરનો દુ:ખી થાય
છે તો પગ માગી લેશે અને તેનો છુટકારો થશે. લંગડો તો એકદમ ક્રોધમાં હતો.
માણસ ક્રોધમાં હોય ત્યારે પોતાનું હિત શેમાં છે તે પણ વિચારી શકતો નથી.
તેણે કહ્યું પ્રભુ તમે મને વરદાન આપવા માગતા હો તો સામે બેઠેલા આંધળાને
લંગડો બનાવી દો તો મને નિરાંત થશે. પ્રભુ આ પછી આંધળા પાસે આવ્યા અને
કહ્યું તારે શું જોઈએ છે તે માગી લે. આંધળાને પણ એટલું જ ખુન્નસ હતું. તેણે
કહ્યું: આ લંગડાને આંધળો બનાવી દો. ભગવાનને મનમાં હતું કે આ બંને જણ
પોતાના સુખ માટે માગણી કરશે પણ આ બંને જણને એકબીજાને દુ:ખી કરવામાં રસ
હતો. આ બંને વધુ દુ:ખી થઈ ગયા. માણસોની આવી વૃત્તિ જોઈને ભગવાને હવે વરદાન
આપવાનું બંધ કરી દીધું છે.
આ અરબી કથાનો સાર એ છે કે માણસ જયારે
બીજાનું બુરું કરે છે ત્યારે પોતાનું પણ બૂરું થઈ જતું હોય છે તેનો ખ્યાલ
તેને રહેતો નથી. સ્વાર્થ, લોભ અને રોષમાં માણસ પોતાનું હિત જોઈ શકતો નથી.
જે બીજાને મારવા ઈચ્છે છે તેને પણ અંતે મરવું પડે છે. જે બીજાને દુ:ખ
પહોંચાડવા ઈચ્છે છે તેને દુ:ખ સહન કરવું પડે છે. આ અસ્તિત્વનો નિયમ છે.
દરેક વસ્તુ બમણા વેગથી આપણા તરફ પાછી આવે છે. જેવું કરીએ તેવું અંતે
ભોગવવું પડે છે. કોઈને દુ:ખી કરીને માણસ સુખી બની શકે નહીં. કાવાદાવા,
છળકપટ, ઈર્ષા, અદેખાઈ માણસને સુખે રહેવા દેતી નથી. આવા માણસો ભલે બહારથી
સુખી દેખાતા હોય પણ અંદરખાને દુ:ખી હોય છે. દરેક ઉપલો માણસ નીચેના માણસને
દબાવી રહ્યો છે. તેનું શોષણ કરી રહ્યો છે. દરેકને પોતાના માટે સુખ જોઈએ છે.
બીજાના માટે નહીં. કહેવાતા સુખની આ દોડ છે. બીજાને ઉથલાવી અને મીટાવીને પણ
જો સુખ મળતું હોય તો માણસ તેમ કરવા તૈયાર છે. સ્વાર્થ, લોભ, લાલચ માણસને ન
કરવાનું કરાવે છે. લોભને કદી થોભ હોતો નથી. આ સંસારમાં કોઈપણ માણસ દુ:ખી
છે તો પોતાના કારણે છે, પરંતુ દરેક જણ માને છે કે તે બીજાના કારણે દુ:ખી
છે. મારા દુ:ખનું કારણ હું છું એવું સત્ય જો માણસને સમજાય તો જીવનમાં
પરિવર્તન આવી જાય અને એ દુ:ખને દૂર કરવા માટેનો માર્ગ પણ મળી જાય. જીવનમાં
સુખદુ:ખ આવવાનાં છે. આ જીવનચક્ર છે તે રોકી શકાતું નથી. સુખ અને દુ:ખ આપણી
સર્જત છે. દરેકનાં સુખ જુદાં છે. એકનું સુખ બીજાનું દુ:ખ પણ બની શકે છે.
જીવનમાં દુ:ખ, મુશ્કેલી, મૂંઝવણ ઊભી થાય ત્યારે તેની ચિંતામાં અડધા થવાની
જરૂર નથી. પ્રથમ જે આવી પડે તેનો સ્વીકાર કરવો અને પછી તેને દૂર કરવાના
માર્ગો વિચારવા કેટલીક વખત સમસ્યા ન હોવા છતાં માણસ ધારણા અને કલ્પનાથી
દુ:ખી થતો હોય છે. જે માણસ હતાશ અને નિરાશ થઈ જાય છે તેને ઉકેલની ચાવી મળતી
નથી. જીવનના બધા પ્રશ્નો બુદ્ધિથી ઉકેલાતા નથી. એકલી લાગણી પણ આમાં કામ
આવે નહીં. બુદ્ધિ, લાગણી, વ્યવહારદક્ષતા અને અનુભવ આ બધાં પાસાઓનો સુમેળ
હોય તો જીવનના જટિલ પ્રશ્નોને સમજી શકાય છે અને સમાધાન થઈ શકે છે. અનુભવ
જેવું કોઈ જ્ઞાન નથી. માણસ પોતાના અનુભવમાંથી જેટલું શીખે છે તેટલું તેને
બીજે ક્યાંયથી શીખવા મળતું નથી. જીવનનું ગણિત એટલું સરળ નથી. આપણે જ્યાં
સરવાળા માંડ્યા હોય ત્યાં બાદબાકી અને ગુણાકાર માંડ્યા હોય ત્યાં ભાગાકાર
થઈ જતા વાર લાગતી નથી. દરેક બાબતમાં પ્રમાણભાન અને સમતુલા જાળવવી જોઈએ.
કોઈપણ બાબતમાં અતિરેક સારો નથી.
ધર્મ આપણને સુખ-દુ:ખ, સારું-નરસું,
શુભ-અશુભ એ દ્વંદ્વોમાંથી બહાર નીકળી જવાનો બોધ આપે છે. આ બધું એકબીજાની
સાથે સંકળાયેલું છે. કોઈપણ એકની પસંદગી કરીએ તો બીજાનો સામનો કરવો પડે છે.
હકીકતમાં આનું નામ જ જિંદગી છે. એમાં ખટાશ અને મીઠાશ બંને છે ખટાશ એ
મીઠાશનું પ્રથમ ચરણ છે.
જીવનના સંબંધમાં એક વાત સમજી લેવી જોઈએ કે
એકલું સુખ જીવનમાં શકય નથી અને તેની મજા પણ નથી. તરસ નહીં લાગે તો પાણી
પીવાની મજા નહીં આવે. ભૂખ લાગશે તો ભોજન મીઠું બની જશે. જિંદગીમાં જે
સપ્રમાણ મળે છે તેનો આનંદ અનોખો હોય છે. સુખ જલદીથી સમાપ્ત થઈ જાય છે અને
દુ:ખ આપણને લાંબું લાગે છે તેનું કારણ સુખ આવ્યા પછી આપણી નજરમાં રહેતું
નથી. તેને આપણે જલદીથી ભૂલી જઈએ છીએ અને દુ:ખ આવે ત્યારે તે ભુલાતું નથી.
કારણ કે આપણે તેને સતત હડસેલા મારતા રહીએ છીએ. સારો સમય જલદી પસાર થઈ જાય
છે અને ખરાબ સમય લાંબો ચાલે છે. આ આપણા મનનું પરિણામ છે.
સુખનો સમય
આવે ત્યારે આપણે અડીને ઊભા રહી જશું તો મુશ્કેલી ઉભી થશે પણ થોડું અંતર
રાખ્યું હશે તો એ છટકી જશે તો પણ તેનો પરિતાપ સહન કરવો પડશે નહીં. સુખ અને
દુ:ખમાં મધ્યમાં રહેવું એ સારી સ્થિતિ છે. બંનેને ગળે પણ લગાડવા નહીં અને
હડસેલવા પણ નહીં. આપણે દુ:ખ આવે ત્યારે તેનાથી દૂર થવાની કોશિશ કરીએ છીએ,
પરંતુ તેમાં સફળતા નહીં મળે. કારણ કે છેટા ઊભા રહેવાની શરૂઆત સુખથી કરવી
પડશે. આ એક ત્રાજવું છે. બંને પલ્લાં સરખાં રાખવાં પડે છે. જે પલ્લામાં વજન
વધી જાય તે થોડું ઓછું કરીને બીજા પલ્લામાં નાખવું પડશે. સુખ પણ થકવી નાખે
છે. સુખમાં પણ સતત રહી શકાતું નથી. સુખ અને દુ:ખ બંનેમાં તણાવ છે. જીરવતા
આવડવું જોઈએ. સુખમાં બહુ છલકાઈ જવું નહીં અને દુ:ખમાં હતાશ થવું નહીં. સુખ
અને દુ:ખ બંનેમાં ઉત્તેજના છે. અચાનક આવી પડે તો આફત સર્જાય છે.
એક
માણસને ૫૦ લાખ રૂપિયાની લોટરી લાગી. પત્નીને આ અંગે ખબર મળી અને તે ખૂબ
ગભરાઈ ગઈ. કારણ કે તે પોતાના પતિને જાણતી હતી કે તેેને ખબર પડે કે એક લાખ
રૂપિયા મળ્યા તો પણ તેનું હાર્ટફેઈલ થઈ જાય. આ તો ૫૦ લાખ રૂપિયાની વાત હતી.
તે મૂંઝવણમાં મુકાઈ ગઈ કે પતિને આ અંગે કેવી રીતે જાણ કરવી પતિ બહાર ગયો
હતો. પત્ની દોડીને મંદિરના એક વૈરાગી સાધુ પાસે ગઈ. તે આ સંન્યાસીને જ્ઞાની
સમજતી હતી. તેણે કહ્યું: મહારાજ મને કાંઈક મદદ કરો. મારો પતિ ઘેર આવે તે
પહેલા કાંઈક તરકીબ કરો જેથી ૫૦ લાખ રૂપિયાની લોટરી લાગી છે તેનો આઘાત તેને ન
લાગે. સાધુએ કહ્યું: ગભરાવાની જરૂર નથી. યોગ્ય રીતે તેને સમજાવી લઈશું,
ક્રમે ક્રમે તેને જાણ કરીને તેના મનને ધરપત આપી દઈશું. આવવા દે તારા પતિને
હું તારે ઘેર આવી પહોંચું છું. પતિ ઘેર આવ્યો. સાધુએ વિચાર્યું રૂપિયા ૫૦
લાખ વધારે લાગશે. તેથી રૂપિયા દશ લાખથી શરુઆત કરીએ ધીરે ધીરે આગળ વધવાનું
ઠીક રહેશે.
સાધુએ કહ્યું: સાંભળો તમને દશ લાખ રૂપિયા લોટરીમાં મળ્યા
છે. તે માણસ બોલ્યો ખરેખર! મને જો દશ લાખ રૂપિયા લાગ્યા હોય તો ભગવાનના
સોગંદ એમાંથી પાંચ લાખ રૂપિયા તમારા આ મારું વચન છે. આ વાત સાંભળીને
સાધુનું હાર્ટફેઈલ થઈ ગયું. રૂપિયા પાંચ લાખ એકાએક મળી જશે એવી કલ્પના તેણે
કદી કરી નહોતી, દુ:ખ તો માણસને મારે જ છે પણ કેટલીક વખત સુખ પણ માણસને
કચડી નાખે છે. બંનેમાં ઉત્તેજના છે. જયાં ઉત્તેજના હોય ત્યાં વસ્તુ તૂટી
જાય છે. સુખ અને દુ:ખમાં સમભાવ રાખીને જીવીએ જે મળે તેનો સ્વીકાર કરીએ અને
તેમાં સુખ અને આનંદ અનુભવીએ તો
જીવનમાં કશી ફરિયાદ રહેશે નહીં. જીવન તો સુખનો
સાગર છે પણ કેવી રીતે
જીવવું એ આપણા હાથની વાત છે. |
|
No comments:
Post a Comment