સમગ્ર જીવન મનનો ખેલ, તેને વશમાં રાખવું મુશ્કેલ |
માણસ પોતાની ટેવ અને આદતને જલદીથી છોડી શકતો નથી. વૃત્તિઓને ગમે તેટલી દબાવી રાખો પણ તે એક યા બીજી રીતે બહાર આવ્યા વગર રહેતી નથી. મન વિપરીત ચાલે છે. જે ન કરવાનું હોય તે કરવાની અને જે કરવાનું હોય તે ન કરવાની ઈચ્છા જાગે છે |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર સંત એકનાથે એક વખત યાત્રાએ જવાનું નક્કી કર્યું. ઘણા ભક્તો તેમાં જોડાયા. ગામનો એક નામચીન ચોર પણ તેમને મળવા આવ્યો અને આ યાત્રા સંઘમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. સંત અચકાયા. તેમણે પેલા ચોરને કહ્યું તારો ભરોસો શું? તારી આબરૂ એવી છે કે તને સાથે લઈ જવાનું જોખમ ન ખેડાય. ચોરે કહ્યું હું જાણું છું ગુરુજી. પણ મને સંઘમાં જોડાવાની તક આપો. યાત્રા કરીને હું મારા પાપ ધોવા માગું છું. સંત એકનાથે કહ્યું; તું સરખો રહીશ તેની ખાતરી શી? ચોરે કહ્યું; હું વચન આપું છું કે એક વર્ષ સુધી હું ચોરી નહીં કરું. એકનાથે કહ્યું; એક વર્ષ તો બહુ લાંબો સમય છે. તારાથી ચોરી કર્યા વગર રહેવાશે નહીં. અને આખા સંઘ માટે તું ઉપાધિ ઊભી કરીશ. ચોરે કહ્યું; મારા પર કૃપા કરો. યાત્રાએ આવવાની મારી દિલની ઈચ્છા છે. એકનાથજીનું હૃદય પીગળી ગયું. તેમને થયું ચોરને સુધરવા માટે એક તક તો આપવી જોઈએ. તેમણે કહ્યું; એક વર્ષની વાત જવા દે, પરંતુ આ સંઘની યાત્રા પૂરી થાય અને બધા પોતાના ઘેર પહોંચી જાય ત્યાં સુધી તું ચોરી નહીં કરે તેવી પ્રતિજ્ઞા લે. ચોરે હાથ જોડીને પ્રતિજ્ઞા લીધી અને સંતે છેલ્લે શિખામણ આપી. સખણો રહેજે કોઈ એવું કામ નહીં કરતો જેથી મૂંઝવણ ઊભી થાય. સંઘ ચાર ધામની યાત્રાએ નીકળ્યો. હજુ અઠવાડિયું થયું નહીં ત્યાં હોબાળો શરૂ થયો. યાત્રીઓના સામાનમાંથી ચીજવસ્તુઓ ગુમ થવાની ફરિયાદ થવા લાગી. અને ચોરી પણ વિચિત્ર પ્રકારની થતી હતી. એક યાત્રીની ચોરાયેલી ચીજ બીજા યાત્રીના સામાનમાંથી મળી આવતી હતી અને બીજાની ચોરાયેલી ચીજ ત્રીજા યાત્રીના સામાનમાંથી મળી આવતી હતી. લોકો એકબીજાની સામે શંકાની નજરે જોવા લાગ્યા. સંત એકનાથ પણ મૂંઝવણમાં મુકાયા. ચોરી થાય છે અને નથી થતી એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. વસ્તુ ગુમ થાય છે અને પાછી મળી આવે છે. આનું રહસ્ય શું છે? આ બાબતનું પગેરું મેળવવા સંત અડધી રાતે અંધારામાં એક આડશ પાછળ છુપાઈને બેસી રહ્યા અને યાત્રીઓના સામાન પર નજર રાખવા લાગ્યા. મોડી રાતે પેલા અઠંગ ચોરે એકના સામાનમાંથી એક ચીજ કાઢીને બીજાના સામાનમાં મૂકી દીધી અને પાછો સામાન એમનો એમ કોઈને શંકા ન જાય તે રીતે પેક કરીને મૂકી દીધો. સંતે તેને રંગે હાથ પકડી પાડ્યો ને કહ્યું; દુષ્ટ આ તેં શું માંડ્યું છે. વચન આપીને પ્રતિજ્ઞા કરીને તું ફરી ગયો. ચોરે કહ્યુ; ગુરુજી હું ફરી ગયો નથી. મેં ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા કરી છે. અને મેં ચોરી કરી નથી. એકની ચીજ બીજાના સામાનમાં મૂકી તેને ચોરી કઈ રીતે કહી શકાય. મેં મારી પાસે તો કોઈ ચીજ રાખી નથી. અને આવી હાથની કરામત ન કરું તો યાત્રા પછી મારે ભૂખે મરવું પડે. ધંધો ભૂલી ન જાઉં એટલે થોડી પ્રેક્ટિસ ચાલુ રાખી છે. ઓશોએ ટાંકેલી આ કથા ઘણી માર્મિક છે. માણસ પોતાની ટેવ અને આદતને જલદીથી છોડી શકતો નથી. વૃત્તિઓને તમે ગમે તેટલી દબાવી રાખો, પરંતુ તે એક યા બીજી રીતે બહાર આવ્યા વગર રહેતી નથી. મનને દબાવવાનું અને અંકુશમાં રાખવાનું મુશ્કેલ છે. મન ગમે ત્યાં પહોંચી જાય છે અને ગમે ત્યાં જગ્યા કરી લે છે. આપણે અહીં બેઠા હોઈએ અને મન ક્ષણવારમાં ક્યાં ને ક્યાં લટાર મારીને પાછું આવી જાય છે. માણસ હાથમાં માળા લઈને બેઠો હોય, ભક્તિ કરતો હોય પણ મન બીજે ભટકતું હોય છે. મન વિપરીત ચાલે છે. કોઈ આપણને કહે આમ કરતા નહીં તો તેમ કરવાનું વધુ મન થાય છે. ઉપવાસ કર્યો હોય ત્યારે હંમેશ કરતાં વધુ ભૂખ લાગે છે અને ભોજન નજર સમક્ષ તરવરે છે. જે ભૂલી જવાનું હોય તે વારંવાર યાદ આવે છે અને યાદ કરવાનું ભૂલી જવાય છે. આપણું સમગ્ર જીવન આપણા મનનું પરિણામ છે. મન દ્વારા આપણે સુખ-દુ:ખનો અનુભવ કરીએ છીએ. જીવનના રંગોને આપણે મનથી ઘૂંટીએ છીએ અને તેને ઘેરા બનાવીએ છીએ. જ્યાં મન લાગી ગયું, જ્યાં મોહ ઊભો થયો તે વસ્તુ આપણને સારી લાગવા માંડે છે. કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ નથી પણ તેના પ્રત્યેની આસક્તિ અને મમત્વ માણસને જંપવા દેતું નથી અને માણસ આ બંધનમાં જકડાઈ જાય છે. મનના કારણે માયા જાગે છે, વાસના સળવળે છે. ત્યાગી માણસ પણ મનને ન સંભાળે તો લપસી જતાં વાર લાગતી નથી. મનમાં અનેક સારા-નરસા વિચારો ચાલ્યા કરતા હોય છે. કોઈના મનને ઓળખવું મુશ્કેલ છે. બહાર માણસ સારો દેખાતો હોય અને અંદર મન મેલું હોઈ શકે છે. માણસ ક્યારે કેવો વિચાર કરતો હશે તે જાણી શકાતું નથી. આપણે એકબીજાના વિચારો જાણી શકતા હોત તો આપણે કોઈ સુખેથી રહી શકત નહીં. સારું છે કે બીજો આપણા વિશે શું વિચારે છે તે જાણી શકતા નથી. દંભના કારણે તો આ દુનિયા ચાલી રહી છે. ‘મન મેલા તન ઊજળા’ જેવી આજની પરિસ્થિતિ છે. મનમાં અને બહાર કાંઈક જુદું છે. આપણે અણગમતા માણસને હસતે ચહેરે આવકાર આપતા હોઈએ અને મન અંદરથી કહેતું હોય આ લપ ક્યાંથી આવી ચડી. આપણે બહાર પ્રેમ અને સ્નેહનું નાટક કરતા હોઈએ અને અંદર ઘૃણા અને તિરસ્કાર હોય. આપણે બહાર જેવા દેખાઈએ છીએ એવા અંદર નથી. મન જેવું ઈચ્છે છે તેવું જુએ છે. સારું ઈચ્છે તો સારું દેખાય. ખરાબ ઈચ્છે તો ખરાબ દેખાય. મનમાં જેવા ભાવો હોય તેવું દેખાય. ઈચ્છાઓ અને વાસનાઓના કારણે મોટા ભાગનાં દુ:ખો સર્જાતાં હોય છે. કોઈનું સારું દેખાય તો ઈર્ષ્યા ઊભી થાય છે. કાંઈક અણગમતું બને તો ક્રોધ ઊભો થાય છે અને વધુ મેળવવા માટે લોભ અને લાલચ ઊભી થાય છે. અને જે કોઈ મળ્યું છે તે ચાલ્યુ તો નહીં જાયને એની ચિંતાના કારણે ડર ઊભો થાય છે. આ બધો મનનો ખેલ છે. મન આપણને નચાવે છે અને ન કરવાનું કરાવે છે. મનને કાબૂમાં રાખવા માટે આપણને આપણી ખરી પહેચાન થવી જોઈએ. જાતને જાણ્યા વગર જગતને જાણી શકાય નહીં. કોઈ વિચારકે કહ્યું છે તેમ ‘દેખો અપને આપકો, સમજો અપને આપ, અપને કો જાને બિના મીટે ન ભવ સંતાપ.’ માણસ જીવનના આરે આવીને ઊભો હોય, પરંતુ મોહ, લોભ અને લાલચા છૂટતી નથી. ધનની પક્કડ વધુ મજબૂત બને છે. મૃત્યુનો ભય માણસને હંમેશાં સતાવે છે. જીવનમાં અસલામતીની ભાવના ઊભી થાય છે ત્યારે સંચય વધે છે. મૃત્યુનો ભય માણસની વૃત્તિઓને અંકુશમાં રાખે છે. મૃત્યુ ન હોત તો માણસ હેવાન જેવો બની જાત. આ ડર જ માણસને કાબૂમાં રાખે છે. મૃત્યુનો ડર ન હોત તો ધર્મ જેવું કશું હોત નહીં. મૃત્યુ ન હોત તો માણસ આટલો ગતિશીલ અને ચેતનવંતો ન હોત. જિંદગી ટૂંકી છે એટલે રસમય છે. એટલે તેમાં વિવિધતા અને ચેતના છે. માણસ જિંદગીમાં બધાં સુખો માણી લેવા ઈચ્છે છે. બધું સલામત કરીને જવા માગે છે. એટલે જિંદગીની આ બધી દોટ છે. વર્ષોનાં વર્ષો સુધી અહીં રહેવાના હોઈએ છીએ અને ભવિષ્યના સુખ માટે હાલનું સુખ ગુમાવી દઈએ છીએ. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. જંજાળને ટૂંકી કરીએ તો જિંદગી લાંબી બની જાય. પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું છે કે જીવન કેમ જીવવું તેની કલા એટલે ધર્મ. માણસ મંદિરમાં જાય એટલા સમય પૂરતો તે ધાર્મિક બની જાય છે. બાકીના કલાક તે ગમે તેવું જીવતો હોય તો પણ તેનું મંદિરમાં જવાનું કે રોજ પૂજાપાઠ કરવાનું તેને ધાર્મિક ઠેરવે છે. ખરો ધર્મ કેવળ મંદિરમાં જ નહીં પણ બાકીના કલાકોમાં માણસ કેવું જીવે છે તેના પર આધારિત છે. મંદિરમાં બધા ચહેરાઓ નિદોર્ષ લાગે છે. માણસ પોતાનો અસલી ચહેરો છુપાવીને મંદિરમાં આવે છે. મંદિરમાં પ્રભુ સમક્ષ બે હાથ જોડીને ઊભેલા માણસના ચહેરાને જોઈએ તો આપણને તેના ભાવ જોઈને લાગે કે આ માણસ જીવનમાં હવે કશું ખોટું કરશે નહીં, પરંતુ મંદિરનાં પગથિયાં ઊતરતાં ધર્મ ઓસરવા માંડે છે અને ઘર તેમ જ દુકાન સુધી પહોંચતાં કશું બચતું નથી. મંદિરનો ધર્મ ઘર અને દુકાન સુધી પહોંચતો નથી. એક મંદિર બહાર ભિખારી ભીખ માગતો હતો. મંદિરના ટ્રસ્ટીએ તેને ધમકાવ્યો અને કહ્યું દૂર ચાલ્યો જા, અહીં ભીખ માગતાં શરમ આવતી નથી. ભિખારીએ કહ્યું; શેઠ, તમને શરમ આવે છે? તમે અને હું બંને સરખા છીએ. હું બહાર ભીખ માગી રહ્યો છું અને તમે અંદર. શ્રીમંતો પણ મંદિરમાં યાચક બનીને જ આવે છે. સ્વાર્થ વગર માણસ ભગવાન પાસે પણ જતો નથી. લોકો પરમાત્મા પાસે હાથ જોડીને કાંઈ ને કાંઈ માગતા હોય છે. માણસને સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે અને સાથે સાથે મનોકામના સિદ્ધ થાય એવી ઈચ્છા હોય છે. ત્યાગમાં પણ વધુ મેળવવાની ઈચ્છા હોય છે. પ્રભુ સામે ઊભો રહીને કોઈ એમ નહીં કહે કે પ્રભુ મારે કશું જોઈતું નથી. તેં જે કાંઈ આપ્યું છે તે પર્યાપ્ત છે. માણસ મનથી સમૃદ્ધ છે અને મનથી ગરીબ છે. હું કાંઈક છું. મારા જેવું કોઈ નથી એવું વિચારવાવાળા માણસો અહંકારના કારણે સાચું જોઈ શકતા નથી અને સાચું સમજી શકતા નથી. અહંકાર રહિત થવું એ સાધનાનું પ્રથમ સોપાન છે. રાગ-દ્વેષ, માન-અભિમાન, તારું-મારું, સાચું-ખોટું આ બધામાં માણસ અટવાયેલો રહે છે. આ જાળાંઓ મનના કારણે ગૂંથાયેલાં રહે છે. મન પર જેણે વિજય મેળવ્યો છે તે ખરો વિજેતા છે. પણ એ માટે મહાવીર અને બુદ્ધ બનવું પડે. આપણે તો અદના માણસો છીએ, માત્ર એટલું વિચારીએ ‘જેનું મન મોટું એ માણસ મોટો.’ |
Tuesday, November 12, 2013
મન- મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment