બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી ભારતમાંથી સંસ્કૃત ભાષાને દેશવટો મળી રહ્યો છે. બહુ જલદી એ દિવસ આવી રહ્યો છે જ્યારે સંસ્કૃત શીખવા માટે આપણે હાઈડલબર્ગ (જર્મની) કે ઑક્સફર્ડ (ઇંગ્લેંડ) કે પ્રાગ (ચેકસ્લોવેકિયા) જવું પડશે! સંસ્કૃતનો આગ્રહ રાખવાથી વૉટ મળતા નથી એ તકલીફ છે! અને આપણા સગવડિયા સેક્યુલર રાજકારણમાં સંસ્કૃતની વાત કરો તો હિંદુ કૌમવાદી કે એવું કંઈક લેબલ તરત લાગી જાય છે... ચાલો, ફોર અ ચેન્જ, હિંદ કૌમવાદી બની જઈએ અને સંસ્કૃતની વાત કરી લઈએ! હવે આ ભાષા મુંબઈ-મહારાષ્ટ્રમાં ફરજિયાત નથી. અરબી, ફ્રેંચ, ફારસી, હિન્દી ગમે તે ભણી લો. બધું મરજિયાત છે... અને સંસ્કૃત ફક્ત એક જ હવે ગરજિયાત ભાષા બની ગઈ છે. સ્કૂલમાં મને સંસ્કૃત ગમતી ન હતી. બહુ ગોખણપટ્ટી કરવી પડતી હતી. સંસ્કૃતના માસ્તરો સૌથી ગંદા અને ગરીબ લાગતા, એમની શીખવવાની રીત સૌથી જુનવાણી હતી, એ ભાગ્યે જ શેવ કરેલા કે ક્લીન શેવ કરેલા સ્માર્ટ લાગતા! સમય એમને પાછળ ફેંકીને હંમેશાં આગળ નીકળી ગયેલો લાગતો. આજે એ વિચારોને લીધે જરા દોષની ભાવના પણ થઈ રહી છે. સંસ્કૃતનું ગણિત અમને ભણાવવામાં આવ્યું, સંસ્કૃતનું સૌન્દર્ય સ્કૂલમાં કોઈએ કેમ ભણાવ્યું નહીં? જેમને સંસ્કૃતનો પરિચય નથી એમને માટે થોડી પ્રસ્તાવના, થોડો પરિચય: આશીર્વાદ, નમસ્કાર અને પ્રણામ વચ્ચે શું ફર્ક? આશીર્વાદ નાનાને અપાય, નમસ્કાર સરખાને થાય અને પ્રણામ મોટાને કરાય. અને નમસ્કાર? ફિલ્મી સમારંભોમાં આયોજકો ‘નમશ્કાર’ બોલે છે જે બરાબર નથી, બંગાળીમાં ઉચ્ચાર ‘નોમોશ્કાર’ થાય છે. કદાચ એની અસર છે. પણ નમસ્કાર એ સાચો શબ્દ છે. નમ:+કાર પરથી નમસ્કાર થાય છે, અને નમ:+તે પરથી નમસ્તે થયું છે. ભારતનાટ્યમ્ નૃત્યમાં અંજલિહસ્તમ્ નામની એક પ્રક્રિયા છે. એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નમસ્કાર કોને અને કેવી રીતે થાય? એક દક્ષિણ ભારતીયે આ વાત સમજાવી હતી. નમસ્કારના ત્રણ પ્રકાર છે. મિત્રને નમસ્કાર કરવા હોય તો છાતીની સામે બંને હાથ જોડવા જોઈએ કે જેથી મિત્રની આંખોમાં જોઈ શકાય. ગુરુની સામે નમસ્કાર કરવા હોય તો બંને હથેળીઓ આંખોની સામે જોડવી જોઈએ કે જેથી ગુરુની આંખોમાં ન જોવાય. અને પ્રભુને નમસ્કાર કરવા હોય તો બંને હથેળીઓ માથાની ઉપર જોડવી જોઈએ. એટલે મિત્ર માટે છાતી સામે, ગુરુ માટે આંખો સામે અને પ્રભુ માટે માથા પર નમસ્કાર થાય. જોકે ઘૂંટણિયે પડવું એ ભારતીય સંસ્કાર નથી, પણ ચરણસ્પર્શ ભારતીય છે. પ્રણામની બાબતમાં એક વાક્ય વારંવાર વાંચવામાં આવે છે: સાષ્ટાંગ દંડવત્ પ્રણામ અથવા સાષ્ટાંગ પ્રણામ! સાષ્ટાંગ એટલે સ+અષ્ટ+અંગ એટલે આઠ અંગો સાથે! આ આઠ અંગો કયાં છે? સંસ્કૃતમાં આ આઠ છે: ઘૂંટણ, પગ, હાથ, છાતી, બુદ્ધિ, માથું, વાણી અને દૃષ્ટિ! આ આઠે અંગો સાથે એક દંડની જેમ પ્રણામ કરો ત્યારે સાષ્ટાંગ પ્રણામ કહેવાય, એમાં જમીનસરસા સૂઈને હાથ લાંબા કરીને જોડવાના હોય છે. આવી કેટલીક સામાન્ય જીવનની વાતોથી સંસ્કૃત શીખવવામાં આવે તો? સંસ્કૃત ફક્ત વ્યાકરણ નથી. એમાં ભાષાના સંગીત અને લાલિત્ય સાથે જિવાતા જીવનનો રોમાંસ ઉમેરાવો જોઈએ. વિભક્તિ અને સમાસને જરા મોડાં શરૂ કરીએ તો ચાલે! પણ એવું શીખવીએ કે તિલક કેવી રીતે કરશો? તિલક કરવા માટે કઈ આંગળી વાપરવી જોઈએ? તો કદાચ સામાન્ય વિદ્યાર્થીને વધારે રસ પડે, મજા પણ આવે. અંગૂઠાને સંસ્કૃતમાં અંગુષ્ઠ કહે છે અને અંગૂઠાથી તિલક થાય છે વીરને કે પતિને, જે યુદ્ધમાં જઈ રહ્યો છે. રણભૂમિ પર કૂચ કરી જતા યોદ્ધાને અંગૂઠાથી તિલક થાય છે. એ પછીની પહેલી આંગળીને તર્જની કહે છે. તર્જ એટલે ઘોંચવું અને તર્જનીથી અશુભ કાર્ય માટે તિલક કરવાનો રિવાજ છે. દાખલા તરીકે શ્રાદ્ધ માટે થતું તિલક તર્જનીથી થાય છે. બીજી આંગળી, જે સૌથી લાંબી છે, એ મધ્યમા કે માધ્યમિકા કહેવાય છે. ત્રીજી આંગળી અનામિકા કહેવાય છે. એને કોઈ નામ નથી. એ ઈશ્ર્વર માટે છે. ભગવાનની મૂર્તિને તિલક કરવા માટે ત્રીજી આંગળી વપરાય છે. સૌથી નાની આંગળી, જે છેલ્લી છે એને કનિષ્ટિકા કહેવાય છે. આ આંગળીથી તિલક થાય છે રક્ષાબંધન દરમિયાન, જ્યારે બહેન પોતાના ભાઈને કપાળ પર તિલક કરે છે. આ માહિતી સંસ્કૃતના એક અધ્યાપકે આપી હતી. તિલક કરવાનું પણ એક શાસ્ત્ર છે એ કદાચ ઘણાને ખબર નથી. કંઈક આવા પ્રકારની એક વાત ચુંબન વિષે સાંભળી હતી! સ્ત્રીના શરીર પર ચુંબન ક્યાં થઈ શકે અને કોણ કરી શકે? પિતા આંખ અને માથા પર ચુંબન કરી શકે. પરિવાર નાક પર ચુંબન કરે. સ્ત્રીના સ્તન પર ચુંબન કરવાનો અધિકાર પતિને છે. એવું મનાય છે કે મામીના સાથળ પર ચુંબન ભાણેજ કરી શકે અને પગ પર સંતાન ચુંબન કરે. સંસ્કૃતમાં જે સુભાષિતો છે એનો અભ્યાસમાં ઉપયોગ કરવો જોઈએ. આજની સંસ્કૃતથી વંચિત પેઢીને કદાચ એ ખબર નથી કે સુભાષિતોમાં સાઈકોલોજી અને સોશિયોલોજી જેવાં આધુનિક સામાજિક વિજ્ઞાનો પણ આવી જાય છે અને નીતિશાસ્ત્ર (એથિક્સ) જેવાં જૂનાં વિજ્ઞાનોને પણ સ્થાન છે, જ્યારે પ્રશ્ર્ન થાય છે કે નિમંત્રણ વિના ક્યાં જવાય, ત્યારે એક સુભાષિત યાદ રાખવું: ચાર સ્થાને નિમંત્રણ વિના જઈ શકાય છે-માતાપિતાને ત્યાં સંતાનો, મિત્રને ત્યાં મિત્ર. ગુરુને ત્યાં શિષ્ય અને ધર્મનું આખ્યાન થતું હોય ત્યાં દરેક! સંસ્કૃતના મહાસાગરની આ માત્ર એક નાની ઝલક છે. સંસ્કૃત એ રીતે શીખવવું જોઈએ કે એમાં થોડું આયુર્વેદ, થોડી ચાણક્ય નીતિ, થોડી ગીતા, થોડું કામશાસ્ત્ર, થોડું મહાભારત, થોડો યોગ... એમ બધું જ થોડું થોડું એક જ પુસ્તકમાં આવી જાય! આ પ્રયોગ પણ કરી જોવા જેવો છે. આજના શિક્ષાર્થીને કદાચ સંસ્કૃતમાં રસ પડે... અને આ પ્રકારની સંકલનોની શ્રેણી બહાર પાડવી જોઈએ. કલોઝ અપ ચીનમાં કોઈને પચીસ વર્ષ પહેલાં પરણવાની રજા નથી, કોઈ પણ પતિ-પત્નીને એક બાળકથી વધારે પૈદા કરવાની આઝાદી નથી અને એ બાળક પૈદા કરવા પણ સરકારી મંજૂરી લેવી જરૂરી છે. |
Saturday, August 17, 2013
તમે તિલક કઈ આંગળીથી કરો છો?- ચંદ્રકાંત બક્ષી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment