ગુડ મોર્નિંગ - સૌરભ શાહ ડૉક્ટરો તમને ચેતવણી આપી આપીને થાકી ગયા: બાપલા, સ્ટ્રેસમાં ના જીવો, તંગદિલીવાળું જીવન છોડો, હાય બીપી થઈ જશે ને વહેલા મરી જશો. સ્ટ્રેસ વગર જીવવું શું શક્ય છે? શક્ય હોય તો પણ, શું હિતાવહ છે? ખાઈપીને જલસા કરવાની માનસિકતાવાળા લોકો ક્યારેય પોતાનું કૌવત દેખાડી શકતા નથી. કોઈ પૂછે કે કેમ છો ને તમે કહો કે ખાઈપીને જલસા કરીએ છીએ ત્યારે પેલાનો પ્રશ્ર્ન અને તમારો ઉત્તર - બેઉ માત્ર એક ફૉર્મેલિટી છે. કઈ તંગદિલી હેઠળ તમે જીવો છો એનું વર્ણન બધાની આગળ કરવા બેસવાની કંઈ જરૂર નથી. હકીકત એ છે કે જીવનની દરેક શ્રેષ્ઠતમ કામગીરી તમે સ્ટ્રેસ હેઠળ જ કરી હોય છે. ત્યારે માનસિક તનાવની ભીંસ વિના તમે સફળતા ન મેળવી શક્યા હોત. અભ્યાસથી માંડીને કરિયર સુધીના તમામ તબક્કાઓમાં તમે જોયું છે કે તમારામાં રહેલું કૌવત તમે સ્ટ્રેસ્ડ હો ત્યારે જ બહાર આવતું હોય છે, ખાઈપીને જલસા કરતા હો ત્યારે નહીં. સ્ટ્રેસ ઉપયોગી છે. ચિંતા પણ ઉપકારક છે. માણસને બે ટંક ભોજનની ચિંતા હશે તો જ એ નોકરીધંધો કરશે. તમારી પ્રેમિકા/ પત્ની કે પછી તમારો પ્રેમી/ પતિ તમને છોડીને જઈ શકે છે એવી ફિકરને કારણે તમે વધુ ખુશ રાખવાનો (કે ઓછા દુ:ખી કરવાનો) પ્રયત્ન કરતા રહો છો. નાપાસ થવાની કે ઓછા માર્ક્સ આવવાની ચિંતા ના રહેતી હોત તો કયો વિદ્યાર્થી ભણવામાં ધ્યાન આપતો હોત? ખોટ જશે ને દેવું થશે એવી ચિંતાને કારણે ઉદ્યોગપતિઓ દિવસ-રાત એક કરીને પોતાનું પ્રોડક્શન સસ્તું અને સારું બનાવીને બજારમાં મૂકતા હોય છે. તેઓ ગ્રાહક માટે નહીં, પોતાની આ ચિંતાને કારણે ક્વૉલિટી સુધારવાની અને કિંમત ઓછી લાવવાની ફિકરમાં ઉજાગરા કરતા હોય છે. સ્ટ્રેસને કારણે થતા શારીરિક/ માનસિક વ્યાધિઓનો સામનો તમારે તમારી રીતે કરી લેવાનો. યોગ, નિદ્રા, વ્યાયામ અને મિતાહાર - આટલી બાબતો પર ધ્યાન રાખીએ તો બીપીનો બાપ પણ તમારું કશું બગાડી શકતો નથી. બાકી તો ટાયટેનિક જેવી ટાયટેનિક ડૂબી જતી હોય છે, આપણે તે કઈ વાડીના મૂળા. સ્ટ્રેસરહિત જીવવાનો મતલબ એ કે સ્ટ્રેસની ખરાબ આડઅસરોને નાબૂદ કરીએ, સ્ટ્રેસને નહીં. પોતાની શ્રેષ્ઠ કામગીરી કરતી વખતે માણસે સ્ટ્રેસની ચિંતા (!) છોડી દેવી જોઈએ; ઉપરાંત પર્સનલ લાઈફની પરવા પણ ન કરવી જોઈએ. તમને તમારું કુટુંબ વહાલું હોવાનું, સંતાનો એથીય વધુ વહાલા હોવાના. પણ કુટુંબકબીલા સાથે આનંદકિલ્લોલ કરવાનો સમય નથી મળતો એવો કકળાટ કરતા રહેશો તો મીડિયોકર સફળતા મળી જશે, ભવ્ય સફળતાથી તમે વંચિત રહેવાના. ધીરુભાઈ ક્યારેક મૂકેશ-અનિલને આંગળીએ વળગાડીને મુંબઈની ચોપાટીએ કોકિલાબેન સાથે ભેળ ખાવા નીકળી પડ્યા હશે પણ એમના જીવનનું કેન્દ્ર એમનું કુટુંબ નહીં. એમનું કામ હતું. અને એટલે જ એ ભવ્ય કામની ભવ્ય સફળતાનાં ભવ્ય ફળ આજે એમના કુટુંબીઓને મળી રહ્યાં છે. કામને બદલે પર્સનલ લાઈફને વધુ અગત્યની ગણનારા લોકો ક્યારેય સફળતાના ભવ્યતમ શિખરો સુધી પહોંચી શકતા નથી. આમ છતાં ચોઈસ ઈઝ યૉર્સ. કુટુંબ વહાલું હોય, પર્સનલ લાઈફ પ્યારી હોય અને ફુર્સતના સ્ટ્રેસફ્રી રાતદિન ઢૂંઢવા દિલ નીકળી પડતું હોય તો ભલે, એવું રાખો. પછી લાઈફમાં ક્યારેય ફરિયાદ નહીં કરવાની કે ધાર્યું હોત તો હુંય ધીરુભાઈ બની શક્યો હોત, પણ પ્રાયોરિટી પહેલેથી જ નક્કી છોકરાંઓના ઉછેર પર બને એટલું ધ્યાન આપવું, એટલે શું છે કે ધંધામાં બહુ સમય ના આપી શક્યો. સ્ટ્રેસમાં રહેવાની મઝા છે, એનો એક નશો છે. કામ વગરના કે અંડરવર્ક્ડ કે કામચોર કે બેકાર કે નકામા લોકો આવી મઝા માણી શકતા નથી. સ્ટ્રેસ તમારી ઈન્દ્રિયોને સતેજ કરી નાખે છે. ફૉર્મ્યુલા વનની મોટર રેસનો એક્સ-ચૅમ્પિયન માઈકલ શુમાકર કઈ તંગદિલી હેઠળ રેસિંગ કરતો હશે તેની કલ્પના કરો. સચિન તેન્ડુલકર કટોકટીની ઓવર્સ દરમિયાન કેવા સ્ટ્રેસ હેઠળ બેટિંગ કરતો હશે એની કલ્પના કરો. ભયંકર માનસિક તાણને લીધે જ એમની એકાગ્રતા હન્ડ્રેડ પર્સેન્ટ પર પહોંચી શકતી હોય છે. શુમાકરે કે સચિને સ્ટ્રેસમુક્ત રહેવાનું નક્કી કર્યું હોત તો તે જ ઘડીએ એમની કારકિર્દીનું જયશ્રીકૃષ્ણ થઈ ગયું હોત. સ્ટ્રેસફ્રી લાઈફ જીવવાની શિખામણ આપતા ડૉક્ટરોનું બાબાગુરુઓ જેવું હોય છે. બાબાગુરુઓને ખબર છે કે એમની પાસે આવનારો એક પણ માણસ મોહમાયાથી મુક્ત થઈ શકવાનો નથી. એટલે દર વખતે તેઓ એક જ શિખામણ આપશે: વત્સ, મોહમાયાને છોડી દે. વત્સ નહીં છોડી શકે એટલે એ ગિલ્ટ ફીલ કરશે અને નેક્સ્ટ ટાઈમ બમણા જોરથી બાબાને દંડવત્ કરશે. ડૉક્ટરની સલાહ પછી પણ સ્ટ્રેસફ્રી નહીં થઈ શકનારો માણસ નેક્સ્ટ ટાઈમ ડૉક્ટરને બમણી ફી આપવા તૈયાર થઈ જશે. જે ઘડીએ બાબાગુરુ કે ડૉક્ટરે કહ્યું કે મોહમાયાથી છૂટવું જરૂરી નથી, મોહ છે તો જ આ સંસાર છે, માયા છે તો જ તમારું કુટુંબ છે અને સ્ટ્રેસ છે તો આ કુટુંબની સગવડો તથા સંસારના સુખો માણવા માટે કમાવાની ક્ષમતા છે - તે જ ઘડીએ એ સૌ ઉપદેશકોની પ્રેક્ટિસ છૂટી જશે. ચાકુની તેજ ધાર જેવું છે આ સ્ટ્રેસનું. ધાર બુઠ્ઠી થઈ જશે એવા ડરથી કોઈએ ચપ્પુને શો કેસમાં મૂકી રાખ્યું હોય એવું સાંભળ્યું છે? ધાર બુઠ્ઠી થઈ જશે તો ફરી તેજ કરાવીએ છીએ. પણ સ્ટ્રેસફ્રી રહેવા માટે માણસ પોતાનું કામ ઓછું કરી નાખે છે કે બદલી નાખે છે. લાંબુ જીવવાની લાહ્યમાં એ જીવનની રફતાર મંદ કરી નાખે છે. પછી બાકીનાં વર્ષો શુષ્ક બનીને, બીજાના માથે બોજ બનીને જીવતો રહે છે. તાણ અને તંગદિલીને વખોડતા લોકોએ ક્યારેક મ્યુઝિક કૉન્સર્ટમાં કે ઓરકેસ્ટ્રાના શોમાં જઈ આવવું જોઈએ. ગિટાર, સિતાર કે સંતુરના તારને ઢીલા મૂકી દો તો એમાંથી કેવું સંગીત નીકળશે? તારને ખૂબ જોરથી બાંધશો તો તૂટી જશે એ તો બાળકનેય ખબર છે. અતિશયોક્તિ કોઈપણ બાબતમાં નકામી. પણ સ્ટ્રેસફ્રી ગિટાર, સ્ટ્રેસફ્રી સિતાર કે સ્ટ્રેસફ્રી સંતુરમાંથી નીકળતા બોદા અવાજ જેવી સ્ટ્રેસફ્રી જિંદગી શું કામની? શું કામની, હં? |
Thursday, August 1, 2013
સ્ટ્રેસમુક્ત રહીને જીવનમાં કરશો શું? - સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment