હૈદરાબાદના
ખૂબ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને નિઝામ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનના
કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ડી. શેષગિરિ રાવની આ સોમવારે ધરપકડ
થઈ. શું કામ? હૃદયની બીમારીમાં મૂકવામાં આવતા સ્પ્રિંગ જેવા સ્ટેન્ટના
સપ્લાયર પાસેથી રૂપિયા એક લાખ સાઠ હજારની લાંચ લેતાં રંગેહાથ પકડાયા એટલે. રિપોર્ટ્સ કહે છે કે ભારતમાં દર વર્ષે એન્જિયોપ્લાસ્ટી કરતી વખતે અંદાજે કુલ ત્રણ લાખ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. આ સ્ટેન્ટ ત્રણ પ્રકારના હોય છે. એક, ૧૯૮૦ના દાયકાના અંત ભાગમાં શોધાયેલા સીધાસાદા મેટલ સ્ટેન્ટ. બે, જેમાંથી દવા ઝર્યા કરે એવા સ્ટેન્ટ. અને તદ્દન આધુનિક ગણાતા એક વર્ષની અંદર આપોઆપ ધમનીમાં ઓગળી જાય એવા બાયોએબ્ઝોર્બેબલ સ્ટેન્ટ. તદ્દન સાદાસીધા મેટલ સ્ટેન્ટને સપ્લાયરો રૂપિયા ૨૦,૦૦૦માં હૉસ્પિટલોને અને ડૉકટરોને વેચે છે. ડૉકટરો પોતાની તમામ ફી ઉપરાંત બિલમાં આ સ્ટેન્ટનો ભાવ રૂપિયા ૩૫,૦૦૦ મૂકે છે. કેટલાય કાર્ડિયોલોજિસ્ટો કબૂલ કરે છે કે એબોટ કે જહૉન્સન ઍન્ડ જહૉન્સન જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જાયન્ટ ફાર્મા કંપનીઓ ભારતમાં ખૂબ જોરશોરથી પોતે બનાવેલાં સ્ટેન્ટ વેચે છે. ઘણા ડૉકટરોને પ્રત્યેક સ્ટેન્ટ મૂકવા માટે ઉત્પાદકો તરફથી આકર્ષક વળતર મળે છે. દર્દી પર એન્જિયોગ્રાફી થતી હોય ત્યારે ડૉકટર મોનિટર પર દર્દીના દીકરા-સગાંઓને સમજાવતા હોય છે કે કઈ નળીમાં કેટલો બ્લોકેજ છે અને તાબડતોબ એન્જિયોગ્રાફી નહીં કરાવો તો ભવિષ્યમાં કેવડું મોટું નુકસાન થઈ શકે એમ છે. ડૉકટરો પોતાની મેળે આ પ્રકારનું અલમોસ્ટ બ્લેકમેઈલિંગ કહેવાય એવું વર્તન દર્દી કે સગાંઓ સાથે નથી કરતા હોતા. સ્ટેન્ટ બનાવનારી કંપનીઓના મેન્યુઅલમાં આ રીતરસમો વર્ણવવામાં આવે છે જેનું ડૉકટરો અનુસરણ કરે છે. સમજદાર અને મક્કમ દર્દી કે સગાંઓ સિવાયના મોટા ભાગના કિસ્સાઓમાં ડરીને, લોકલાજને ધ્યાનમાં રાખીને અને કયારેક બીજા કોઈ ઉપાય નથી એવું માનીને ડૉકટરને હા પાડી દેવામાં આવે છે. આ રીતે મુકાતા મોટા ભાગના સ્ટેન્ટ બિનજરૂરી હોય છે એટલું જ નહીં, હાનિકારક પણ હોય છે. કયારેક આવા સ્ટેન્ટને કારણે હાર્ટ ઍટેક કે પક્ષાઘાતનો હુમલો આવી શકે છે. મેડિકલ ક્ષેત્રની ગંગોત્રી દવા બનાવનારી અને વેચનારી ફાર્મા કંપનીઓ છે. વિશ્ર્વમાં કુલ ૬૦૦ બિલિયન ડૉલરનો આ ધંધો છે. પેશન્ટ અને ડૉકટર વચ્ચેનો સંબંધ પવિત્ર છે અને વિશ્ર્વાસ પર ઊભેલો છે. આ વાત ડ્રગ કંપનીઓ સારી રીતે સમજે છે એટલે એમનું સીધું નિશાન ડૉકટરો હોય છે. મોટા ભાગના ડૉકટરો પ્રામાણિક હોવાના. કોઈ ડૉકટર એવું નહીં ઈચ્છે કે પોતે સારવાર માટે જે દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે છે એને કારણે દર્દીની તબિયત વધારે બગડે. કયો ડૉકટર એવું ઈચ્છે? એટલે ડ્રગ કંપનીઓ સૌપ્રથમ ડૉકટરોને જ ઊઠાં ભણાવે છે. બેન ગોલ્ડકેર નામના ડૉકટરે અગાઉ ‘બૅડ સાયન્સ’ નામનું પુસ્તક લખ્યું હતું જે ઈંગ્લેન્ડના નૉન ફિક્શનના ચાર્ટમાં નંબર વન પર પહોંચ્યું હતું અને માત્ર એક જ દેશમાં એની ૪ લાખ નકલો વેચાઈ, ૨૫ ભાષામાં એનો અનુવાદ થયો. આ જ ડૉકટર-લેખકનું લેટેસ્ટ પુસ્તક છે ‘બૅડ ફાર્મા’. હાર્પર કોલિન્સ જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાની ‘ફોર્થ એસ્ટેટ’ નામની ઈમ્પ્રિન્ટ હેઠળ તાજેતરમાં જ પ્રગટ થયું. બેન ગોલ્ડકેરનું કહેવું છે કે દવા બનાવતી કેટલીક કંપનીઓ દવા બજારમાં મૂકતાં પહેલાં એને સરકાર પાસે મંજૂરી માટે લઈ જાય તે પહેલાં સંશોધનના સ્તરે જ ગોબાચારી કરે છે. હાર્વર્ડ અને ટોરન્ટોના ત્રણ રિસર્ચરોએ ૨૦૧૦માં કરેલા અભ્યાસનું તારણ એવું છે કે કુલ ૫૦૦ જેટલા પ્રયોગોમાંથી દવા કંપનીઓએ જે રિસર્ચ માટે નાણાં ખર્ચ્યા હતાં એમાંના ૮૫ ટકા પ્રયોગોનું રિઝલ્ટ પોઝિટિવ હતું, દવા કંપનીઓને અનુકૂળ હતું. અને જે પ્રયોગો માટે દવા કંપનીઓએ નહીં પણ સરકારે નાણાં પૂરાં પાડયાં હતાં એમાંના માત્ર ૫૦ ટકા પ્રયોગોનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું. એટલે પહેલું પગથિયું દવા કંપનીઓના પ્રયોગોના પરિણામોનું. આ પરિણામો દવા કંપનીઓને અનુકૂળ આવે એવા પ્રયોગો દ્વારા અને એવા સેમ્પલ ડેટા દ્વારા તૈયાર કરવામાં આવે છે. જે પરિણામો નેગેટિવ હોય છે એ પબ્લિક સુધી પહોંચતા જ નથી. ડૉકટરોએ આ પરિણામો મેડિકલ જર્નલ્સમાં તથા દવા કંપનીઓએ પૂરા પાડેલા બ્રોશર્સમાં વાંચ્યા હોય એટલે ઈન ગુડ ફેથ તેઓ પોતાના દર્દીને એ દવા લખી આપે. સંશોધનમાં બહાર આવેલાં દવાનાં જોખમો વિશે ડૉકટરો અજાણ હોય છે કારણ કે એ તારણો દવા કંપનીઓએ દબાવી રાખ્યા હોય છે. હૃદયરોગને લગતી દવાઓ, માનસિક રોગોને લગતી દવાઓ અને ડાયાબિટીસની દવાઓ બાબતે આવું વધારે બનતું હોય છે. આ અને બીજા અનેક રોગોની દવાઓની ભયંકર આડઅસરો વિશે દવા કંપનીઓ ચુપકીદી સેવે છે, ક્યારેક સરકારી નિયંત્રણોને પણ ચાતરી જાય છે. ડૉ. બેન ગોલ્ડકેરના સવા ચારસો પાનાંના પુસ્તકમાં અઢળક વિગતો, દાખલાઓ અને આંકડાઓ છે. એક ઉદાહરણ ડૉકટરે પોતાને લગતું આપ્યું છે. રેબોક્સટાઈન નામની એન્ટિડિપ્રેસન્ટ ગોળીની તેઓ વાત કરે છે. સરકારે અપ્રુવ કરેલી દવા છે. ઈંગ્લેન્ડમાં અને વિશ્ર્વમાં લાખો ગોળીઓ દર વર્ષે પ્રિસ્ક્રાઈબ થાય છે. ડૉ. ગોલ્ડકેરે પોતે આ દવા પરના પ્રયોગોનાં તારણો વાંચ્યાં. જોયું કે અદ્ભુત પરિણામ આપે છે. પેશન્ટ સાથે આ બધું ડિસ્કસ કરીને પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. પણ ડૉકટરને મૂરખ બનાવવામાં આવ્યા હતા. ૨૫૪ દર્દીઓ પર આ દવાનો અખતરો થયો ત્યારે માત્ર એક જ દર્દી સાજો થયો હતો. મેડિકલ જર્નલ્સમાં એ જ કિસ્સો પ્રચાર પામ્યો હતો. એ પછી આના કરતાં દસગણા દર્દીઓને લઈને કુલ છ વાર પ્રયોગો થયા. દરેકે દરેકમાં જણાયું કે રેબોક્સટાઈનની ગોળી અને કોઈ પણ દવા વિનાની ખોટી ગોળી (પ્લેસેબો) - બેઉ પેશન્ટ માટે એકસરખી જ પુરવાર થતી હતી. અને આ છ સંશોધનનાં તારણો કયાંય પ્રગટ કરવામાં આવ્યાં નહોતાં! |
Wednesday, February 6, 2013
દર્દી, દાક્તર અને દવાઓ -સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment