હું સાચો હોઉં ત્યારે એ વાત કોઈ યાદ રાખતું નથી; ખોટો હોઉં ત્યારે કોઈ ભૂલતું નથી |
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ ત્રણ વાચકમિત્રોએ છેલ્લાં વીસ વર્ષનાં મારાં લખાણોનાં કટિંગ્સમાંથી મારી કૉલમોના લટકણિયારૂપે છપાયેલા મારી પસંદગીના ‘આજનો વિચાર’ની ફાઈલ બનાવીને ભેટ મોકલી છે. પાછળ નજર કરતાં મઝા આવી. આમાંના કેટલાક વિચારો મારા મૌલિક પણ છે, પરંતુ મોટા ભાગના વિચારો વિશ્ર્વના વિદ્વાન વિચારકોના અનુભવજગતનો નિચોડ છે. આ વિચારોમાંથી એક લેખમાં સમાઈ શક્યાં એટલાં વાક્યો પ્રસ્તુત છે: મિત્રો જીવનના બગીચામાં ખીલેલા ફૂલ સમાન છે અને ભૂતપૂર્વ મિત્રો એ ફૂલોની સુગંધ. તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે એટલા સારા તમે હોતા નથી; તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે એટલા ખરાબ પણ તમે હોતા નથી. હું સાચો હોઉં ત્યારે એ વાત કોઈ યાદ રાખતું નથી; હું ખોટો હોઉં ત્યારે એ વાત કોઈ ભૂલતું નથી. એક જણને મળેલો પગારવધારો બીજા માટે ભાવવધારો પુરવાર થવાનો છે. મિત્રો પર અવિશ્ર્વાસ મૂકવા કરતાં એમનાથી છેતરાવું વધારે સારું. સત્ય હંમેશાં બે અંતિમોની વચ્ચે જ વસતું હોય છે, અસત્ય પણ. કેટલાક માણસોમાં કૂતરાના બધા જ ગુણ હોય છે, વફાદારી સિવાય સ્વજન હોય તે પ્રેમ કરે, ન્યાય ન તોળે. આપણા સૌનું આકાશ એક પણ ક્ષિતિજો અલગ. તમારી પાસે જ્યારે કંઈ જ બચ્યું ન હોય ત્યારેય એક આવતી કાલ તો હોવાની જ. ઈતિહાસે શિખવાડ્યું છે કે રાષ્ટ્ર પાસે અને વ્યક્તિ પાસે જ્યારે વિકલ્પો ખૂટી પડે છે ત્યારે એનામાં ડહાપણ ફૂટી નીકળે છે. કેટલાક માણસોના દિમાગમાં નિષ્ફળતાની રાઈ ભરાઈ જાય છે. ખુશીની કે આનંદની પળ બહુ વાગોળવી નહીં, આવું થશે તો જ દુ:ખની પળ પણ લંબાશે નહીં. નિયમિતતાના ચુસ્ત આગ્રહીઓ દરેક ભૂલ સમયસર કરતા હોય છે. આદર જ્યારે પ્રમાણભાન વિના આગળ વધી જાય છે ત્યારે આડંબર પ્રગટે છે, કાળજી જ્યારે પ્રમાણભાન વિના આગળ વધે છે ત્યારે કાયરતા પ્રગટે છે, નીડરતા જ્યારે પ્રમાણભાન વિના આગળ વધે છે ત્યારે નિર્લજ્જતા પ્રગટે છે અને નિખાલસતા જ્યારે પ્રમાણભાન વિના આગળ વધે છે ત્યારે તોછડાઈ પ્રગટે છે. જેમના માટે અણગમો હોય એમની સાથે રહીને કામ કરતાં પણ શીખવું જોઈએ. એકલપેટા હોવા કરતાં ઝઘડાળુ હોવું વધુ સારું. બિલકુલ ખામી વિનાનું હોય એવું એક પણ કામ ન કરવા કરતાં થોડીક ખામીવાળાં કેટલાંક કામ કરવાં સારાં. આપણે જે કામ નથી કરી શકતા તે કરવાના પ્રયત્નોમાં જે કામ કરી શકીએ છીએ એની અવગણના કરીએ છીએ. સારા વિચાર રાખવા એ આંતરિક સૌંદર્યની નિશાની છે; જેની સાથે સુંદર વિચારો હોય છે તે વ્યક્તિ ક્યારેય એકલી નથી હોતી. સ્થિરતા કંઈ સ્થગિત થઈ જવાથી નથી મળતી. ટોચ પર પહોંચી શકાય છે પણ ત્યાં ટકી શકાતું નથી. શિખામણ ચુંબન જેવી છે- કિંમત કંઈ નહીં અને આપવાની ખૂબ મજા આવે. પ્રશંસા થાય ત્યારે કદાચ સંતોષ થતો હશે પણ એનાથી નવું કશું શીખવા નથી મળતું જ્યારે ટીકા કશુંક શિખવાડી જતી હોય છે. આંદોલનકારી એ નથી જે બૂમાબૂમ કર્યા કરે કે નદી ગંદી છે, ગંદી છે; આંદોલનકારી એ છે જે ગંદી નદીને સ્વચ્છ કરવાના કામે લાગી જાય. નક્કી કરો: તમારે હંમેશાં સાચા પડવું છે કે પછી ક્યારેક આનંદમાં પણ રહેવું છે? જવાબદાર વર્તમાનપત્રો માટે જરૂર હોય છે જવાબદારીભર્યા વાચકોની . જેઓ કંઈ કરી શકતા નથી તેઓ નિંદા કરે છે. હિંમત અને મક્કમતા ધરાવતી એક જ વ્યક્તિથી બહુમતી સરજાઈ જતી હોય છે. જિંદગીમાં ખરી મજા એવાં કામ કરવાની આવે છે જે કામ તમે ક્યારેય નથી કરી શકવાના એવું બીજા લોકો છાતી ઠોકીને કહેતા હોય છે. નિષ્ફળતાની ઈમારત બહાનાંના પાયા પર રચાતી હોય છે. લેખકમાં નવી વસ્તુને જાણીતી અને જાણીતી વસ્તુને નવી બનાવવાની શક્તિ હોય છે. લોકો એ યાદ રાખવાના નથી કે કોઈ કામ તમે કેટલી ઝડપથી કર્યું, યાદ એ જ રહેશે કે તમે એ કામ કેટલી સારી રીતે કર્યું. તમારાં સંતાનોને તમે સારી રીતભાત શીખવવાના લાખ પ્રયત્નો કરશો છતાં તેઓ તમારી જ નકલ કરતાં રહેશે. માણસની અડધી જિંદગી માબાપ સાથે એડજસ્ટ થવામાં અને બાકીની અડધી બાળકો સાથે એડજસ્ટ થવામાં વીતી જતી હોય છે. એક કાંકરે બે પક્ષી મારવામાં સફળતા ન મળે તો બે કાંકરે પણ એક પક્ષી તો મારી જ લેવું. લગ્ન એક આદર્શ અને ઉત્તમ ઘટના છે, દરેક વ્યક્તિના જીવનમાં આદર્શ અને ઉત્તમ ઘટનાઓ વારંવાર બનતી રહેવી જોઈએ. ચાળણી કયે મોઢે સોયને કહે કે તારામાં તો છિદ્ર છે. સારી સ્મરણશક્તિ એ જે નકામી વાતો ભૂલી શકે. તમે જે પરિસ્થિતિમાં છો એ જ પરિસ્થિતિમાં જો હું હોત તો હું સો ટકા ખોટું જ બોલ્યો હોત તો પછી આ સંજોગોમાં હું કેવી રીતે માનું કે અત્યારે તમે સાચું બોલી રહ્યા છો. માણસોને પારખવા રહીશું તો એમને ચાહવાનો સમય જ બાકી નહીં રહે. બહાદુરી એટલે ભયનો સામનો, ભયની ગેરહાજરી નહીં. સફળતા એટલે જે ગમે તે મળે; સુખ એટલે જે મળે તે ગમે. ભગવાન જ્યારે છાપરું ફાડીને આપવા માગતા હોય ત્યારે છાપરાના રિપેરિંગ ખર્ચ વિશે જે ચિંતા કર્યા કરે તે ખરો નિરાશાવાદી, વિચારતાં શરમ ન આવતી હોય એ વાત કહેતા પણ શરમાવું ન જોઈએ અને જે વાત બીજાને કહેતાં સંકોચ થાય એ વાત વિચારતાં પણ સંકોચ થવો જોઈએ. જિંદગીમાં ક્યારેય નિષ્ફળતા ન આવી હોય તો માનવું કે તમે ક્યારેય જોખમ નથી ઉઠાવ્યું. પ્રેમ જેવું ક્યારેય કશું હોતું નથી; જે હોય છે એ તો વધુ સારા વિકલ્પોનો તત્કાલીન અભાવને કારણે સર્જાતો સંબંધ હોય છે. સતત ભયમાંથી નીપજતી અસલામતી જ આપણી પ્રગતિનો પાયો છે. સામાજિક જવાબદારીઓના પ્રવેશથી જ પ્રેમમાં રહેલા રોમાન્સના તત્વની બાદબાકી થઈ જાય છે. પ્રેમનો સૌથી મોટો પુરાવો છે ભરોસો. હોડીની રાહ જોવાય એવું ન હોય ત્યારે તરી નાખવું સારું. મોટા ભાગની વસ્તુઓથી આપણે વંચિત રહી જતા હોઈએ તો એનું મુખ્ય કારણ એ કે આપણે એની માગણી કરતા જ નથી. મારા પૂર્વગ્રહો જ્યારે તમારા પૂર્વગ્રહો સાથે તાલ મિલાવે છે ત્યારે તમને મારા વિચારો તટસ્થ લાગવા માંડે છે, જે સંબંધ સૌથી વધુ સ્મૃતિઓ આપી શકે એ શ્રેષ્ઠ. જે માણસ ઈર્ષ્યા કરે છે તે પોતાનું જ વામણાપણું પુરવાર કરે છે. જે ગાંઠ છૂટી શકે એમ હોય એને કાપી શા માટે નાખવી. સૌપ્રથમ આર્થિક સલામતી મેળવી લો, પછી નીતિમત્તાભર્યું જીવન ગાળો. જેનો અમલ કર્યા પછી મનને સુખ મળે એ જ સાચી નીતિ. મજબૂરીથી ન બોલી શકનારાઓની ચુપકીદીમાં અને જાણીજોઈને મૌન રહેનારાઓમાં ઘણું મોટું અંતર હોય છે. મંદિરમાં આરતીના ઘંટારવનાં શુકન સંભળાય ત્યારે વિચારો કે ક્યાંક કોઈક તમને યાદ કરી રહ્યું છે. તમાચો અને ચુંબન સ્પર્શનાં બે અંતિમો છે. આજનો વિચાર તમારે જો કોઈપણ બાબતમાં સફળ થવું હોય તો એક નિયમને હંમેશાં આદર આપવો ઘટે: ક્યારેય તમારી જાત આગળ જુઠ્ઠું નહીં બોલવાનું. -પાઉલો કૌએલો એક મિનિટ! ગર્લફ્રેન્ડ: મને એવી રીતે પ્રપોઝ કર જેવી રીતે આજ સુધી કોઈએ ન કર્યું હોય. પપ્પુ: કુત્તી, કમીની, જલિલ, નીચ, પાપી-આઈ લવ યુ. મારી સાથે લગ્ન કરીને મને બરબાદ કરી નાખ, નાગીન. હવે તો હા કર, ચુડેલ. |
Pages
▼
No comments:
Post a Comment