Pages

Thursday, February 20, 2014

મૅનેજમેન્ટના સિદ્ધાંતો- સૌરભ શાહ

‘જ્યાંથી પાછા ફરી ન શકીએ એવી કોઈ જગ્યાએ જવું નહીં’
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

ઉદ્યોગો, વેપાર કે કંપનીઓ ચલાવવા માટે મૅનેજમેન્ટના જે સિદ્ધાંતો બનતા જાય છે એમાંના કેટલા સિદ્ધાંતો જિંદગી માટે પણ ઉપયોગી? એક જમાનામાં ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં મૃત્યુંજય અત્રેય નામના મૅનેજમેન્ટ ક્ધસલ્ટન્ટની બોલબોલા હતી. મોટી મોટી કંપનીઓ લાખો રૂપિયાની ફી આપીને એ સીધાસાદા અને સરળ માણસની સલાહ લેતી. આ સલાહને અમલમાં મૂકી કંપનીઓ કરોડો રૂપિયાનો નફો કરી શકતી. અત્રેય પાસે તેજસ્વી શૈક્ષણિક બૅકગ્રાઉન્ડ હતું અને એમનુી બુદ્ધિપ્રતિભા ધારદાર હતી. અત્રેયની સોનેરી સલાહોમાંની એક સલાહ એવી છે કે 
કોઈ પણ સમસ્યાનું કાયમી સમાધાન નથી હોતું. 
બીજી સલાહ: પ્રશ્ર્ન ઊભો થાય ત્યારે એનું નિરાકરણ લાવવા અત્યાર સુધી જે વિચારો કારગત નીવડ્યા હોય એ જ વિચારોનો આધાર રાખવો એ નરી મૂર્ખાઈ છે.

આંતરરાષ્ટ્રીય મૅનેજમેન્ટ ક્ષેત્રે પીટર ડ્રકરનું બહુ મોટું નામ છે. ૨૦૦૫ની સાલમાં ૯૫ વર્ષનું આયુષ્ય ભોગવીને વિદાય લેનારા પીટર ડ્રકરનાં પુસ્તકોથી આજની તારીખેય કેટલાય બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ પ્રેરણા પામે છે. ભારતમાં પ્રમોદ બત્રાએ બિઝનેસના મૅનેજમેન્ટ ઉપરાંત લાઈફના મૅનેજમેન્ટ માટે પણ કામ લાગી શકે એવાં પુસ્તકો લખ્યાં છે તેમ જ દુનિયાભરમાંથી એવાં પ્રેરણાત્મક સૂત્રો ભેગાં કરીને એનું સંપાદન કર્યું છે જે દરેક સૂત્ર વિશે તમે કલાકો સુધી વિચારી શકો. એમની થોડીક વાતો:

સૂરજ ચમકતો હોય એ જ સમયે ગળતું છાપરું રિપેર કરાવી લેવું જોઈએ.


આપણી સૌથી મોટી મુસીબત એ છે કે સંઘર્ષના સમયે જ આપણે સંઘર્ષ કરવાનું છોડી દઈએ છીએ. 

માણસ ઝઘડો કરતી વખતે કેવી રીતે વર્તે છે એ જ એના વ્યક્તિત્વની સાચી ઓળખ છે. 

વૃક્ષ કુહાડીને કહેતું હોય છે કે મારું લાકડું તારો હાથો બન્યું એટલે જ તું અત્યારે મને કાપી શકે છે. 

ટેન્શનના સમયે પણ કામ કરતા રહેવા માટે યાદ રાખવું જોઈએ કે અંતે તો જિંદગી ઉલ્લાસમય છે, ઘોર અસલામતીભરી નહીં. 

મુસાફરી જેટલી કષ્ટદાયક હશે એટલી જ મંઝિલ આનંદમય લાગશે.

છરીનો ઘા રુઝાઈ જતો હોય છે, જીભનો નહીં. 

સુખી થવાના બે જ માર્ગ છે: કાં તો ઈચ્છાઓ ઘટાડીએ, કાં ઈચ્છાઓ સંતોષવાના માર્ગ વધારીએ.

ખોટું કામ કરવાનો સાચો રસ્તો કોઈ નથી.


કાયમી આનંદ જેવું કશું હોતું નથી, જે હોય છે તે આનંદની ક્ષણો જ હોય છે.

ખૂબ બધા પ્રેમમાં ખૂબ બધો ધિક્કાર પણ હોય એ સ્વાભાવિક છે.

જિંદગીનાં બે જ લક્ષ્ય હોઈ શકે: એક, જે જોઈએ છે તે મેળવવું અને બે, એ મળી ગયા પછી એને માણવું, બહુ ઓછા લોકો આ બીજા લક્ષ્યને સાકાર કરી શકે છે.

જે વ્યક્તિ હિંમતથી અને પારદર્શક રહીને પોતાનાં તમામ માનસિક-ભૌતિક દુ:ખદર્દ સહન કરે છે એ સૌના આદરને પાત્ર બની જાય છે. 


જેને કારણે તમારા કામમાં અને તમારી જિંદગીમાં આનંદ વધે એવી જ વાતો વિચારો અને એવી જ વાતો બોલો. 

કોઈ પણ કામ કરતી વખતે વિચારવાનું પણ રાખો કારણકે તમારે માત્ર અત્યારની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું નથી, ભવિષ્યમાં આવી શકનારી સમસ્યાઓ વિશે પણ સજાગ રહેવાનું છે. 

મિત્રને પણ તમારી ખાનગી વાત ખાનગી રાખવાનો ભાર સોંપતાં પહેલાં બે વાર વિચાર કરો. જે કૂંજો વારંવાર કૂવા પાસે જાય છે તે અંતે ફૂટી જાય છે.

કીડી માટે વરસાદનાં થોડાંક ટીપાં પણ પૂર સમાન છે. 


પોતાના અજ્ઞાનનું ભાન થવું એટલે જ જ્ઞાન તરફ પહેલું પગલું ભરવું. 

કોઈક વાત વિશે સો ટકા ખાતરી રાખવા માટે કાં તો એ વિશે પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ અથવા બિલકુલ જાણકારી ન હોવી જોઈએ. 

દરેક સમસ્યા સાથે એનો ઉકેલ પણ જન્મતો હોય છે, આપણને એ ઉકેલના અસ્તિત્વની જાણ હોય કે ન હોય એ વાત અલગ છે. 

ભયનો સામનો કરવા માટે તરત જ એ પરિસ્થિતિ વિશે નિર્ણય લો, ભયને વધારવા માટે રાહ જોઈને નિર્ણય ઠેલ્યા કરો.

કોઈકનો સાથ લેવા માટે એની સાથે ચાલો.
ધીરજ રાખવાની કળા સફળતાનું રહસ્ય છે. 


નવા મિત્ર પર નહીં પણ જૂના શત્રુ પર ભરોસો રાખો. 

કશુંક ગમતું નથી એવું કહેતાં પહેલાં એનો સ્વાદ તો લઈ જુઓ. 

કપડાંની જેમ કારકિર્દી અને જીવનસાથી પણ અલગ અલગ માપકદનાં પહેરી જોયાં પછી જ બંધબેસતી જોડ મળી આવે છે. 

એક વાત યાદ રાખો કે કોઈ તમને નકારી કાઢે છે ત્યારે એ તમને આવનારી વધારે ખરાબ પરિસ્થિતિઓમાંથી ઉગારી લે છે.

જે કામ અઘરું લાગે છે એ કરો, કારણકે તમે જે જાણો છો કે કરી શકો છો એના કરતાં અઘરું કામ હાથમાં લેશો તો જ તમારી પ્રગતિ થશે. 


જિંદગીના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર પગ મૂક્યા પછી જ ખબર પડે છે કે જીવન કેટલું વિશાળ અને ભર્યું ભર્યું છે. 

દરેક મોટી સમસ્યામાં મોટી તક છુપાયેલી છે. 

જિંદગીમાં જેટલું મળ્યું છે એ વિશે સંતોષ રાખો, કારણકે એ પણ તમને તમારી લાયકાત કરતાં ઘણું વધારે મળેલું છે

આપણે મગજમાં જેની કલ્પના કરી છે એ જ પરિસ્થિતિ તરફ જાણ્યે-અજાણ્યે આગળ વધતા હોઈએ છીએ.

દોષ વિનાના માણસો શોધવા જઈશું તો મિત્રો ક્યારેય નહીં મળે. 


જે થવાની ધારણા રાખી હોય એ થતું જ હોય છે. 

ગુસ્સામાં, આવેશમાં કે દારૂ પીધા પછીની અવસ્થામાં જે બોલાઈ જતું હોય છે તે અગાઉ ક્યારેક તો વિચારેલું જ હોય છે. 

એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો ખૂલી જતો હોય છે. 

ગરુડની જેમ ઊંચે ઉડ્ડયન કરવાની ક્ષમતા કેળવાય છે ત્યારે જ પારધીની નજર પડતી હોય છે.

કટોકટીના બે અર્થ થાય છે: એક, ખતરો અને બે, તક. 

સત્યનું તીર તાકતાં પહેલાં એનું ફણું મધમાં બોળી લેવું. 

કબૂલાત કરી લીધા પછી પાપનું રૂપાંતર સત્યમાં થઈ જતું હોય છે. 

ઉંદર જ્યારે બિલાડી સામે જીભડો કાઢે છે ત્યારે દર બાજુમાં જ હોય છે. 

બીજાને દગો દેતી વખતે તમે તમારી જાતને પણ દગો આપો છો. 

અંદરનો અવાજ ધીમેકથી પણ ના પાડતો હોય ત્યારે એની સાથે વધારે આનાકાની નહીં કરવાની.

જ્યારે કશુંય કરવાનો અર્થ સરે એમન હોય ત્યારે કશું જ ન કરો. 


વ્યક્તિ જ્યારે ખોટી હોય પણ કબૂલ ન કરતી હોય ત્યારે તે હંમેશાં ક્રોધે ભરાતી હોય છે, કાં રિસાઈ જતી હોય છે. 

માણસને પોતે કેટલો નાનો છે એનું ભાન થાય ત્યારે જ એ મહાન બનતો હોય છે.
 

‘હા’ અને ‘ના’ બે નાનકડા શબ્દો છે જેનાથી ઘણી મોટી મોટી વાતો બનતી હોય છે. 

જિંદગીમાં તમે કંઈ પણ મેળવી શકશો, જો એના માટે બધું જ ગુમાવવા તૈયાર હશો તો. 

બંધ મુઠ્ઠી રાખીને હાથ મિલાવી શકાતો નથી

કોઈને ચૂપ કરી દેવાથી એનામાં પરિવર્તન લાવી શકાતું નથી. 

જોખમ હોવા છતાં તમારી આસપાસના માણસો પર ભરોસો મૂકવો જ પડે. 

કૂવો ખાલી થઈ ગયા પછી જ તરસની કિંમત સમજાતી હોય છે.
 

ડર લાગતો હોય એ જ વાત કરશો તો ડર ભાગી જશે. 

જ્યાંથી પાછા ફરી ન શકીએ એવી કોઈ જગ્યાએ જવું નહીં. 

ભૂલ કરવા કરતાં મોડું કરવું સારું. 

બીજાઓમાં જે ગુણો તમને ગમે છે તે તમારામાં પણ ખિલવવાના પ્રયત્ન કરો. 

જીવનસાથીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખો કે જીવનમાં આવનારા તમામ આનંદ અને દુ:ખનો અડધોઅડધ હિસ્સો આ પસંદગીને કારણે આવવાનો છે અને બાકીનો અડધો હિસ્સો તમારા પોતને કારણે આવવાનો છે. 

તમને પાડી નાખે એવા ઘોડા કરતાં તમારા સામાનનો ભાર ઊંચકતો રહે એવો ગધેડો સારો. 

દરેક અસંતોષનું કારણ સરખામણી છે. 

જેઓ સલામતીની શોધમાં હોય છે તેઓ મુક્તપણે જીવવાનો રોમાંચ ખોઈ નાખે છે.

આજનો વિચાર

હું મૃત્યુ પામીશ ને તું ફૂલો મોકલીશ,

જે હું જોઈ નહીં શકું

તો તું હમણાં જ ફૂલો મોકલને.

હું મૃત્યુ પામીશ ને તારાં આંસું વહેશે,

જેની મને ખબર નહીં પડે

તો તું અત્યારે જ થોડું રડને.

હું મૃત્યુ પામીશ ને તું મારી કદર કરીશ,

જે હું સાંભળી નહીં શકું

તો એ શબ્દો હમણાં જ બોલી નાખને.

હું મૃત્યુ પામીશ ને તું મારા દોષ ભૂલી જશે

જેની મને જાણ નહીં થાય

તો તું મને હમણાં જ માફ કરી દે ને.

હું મૃત્યુ પામીશ ને તને થશે કે

મેં એની સાથે થોડો વધારે સમય વીતાવ્યો હોત તો,

તો તું અત્યારે જ મને મળવા આવને.

- વિકાસ દેસાઈ

એક મિનિટ!

ભૂરાએ બૅન્ક લોન પર કાર લીધી ને હપ્તા ના ભર્યા એટલે બૅન્કવાળા કાર પાછી લઈ ગયા.

ભૂરાએ વિચાર્યું: આવી ખબર હોત તો લગ્ન પણ લોન લઈને જ કરતને.

No comments:

Post a Comment