Pages

Sunday, February 23, 2014

આપણું ગુજરાત, આગવું ગુજરાત: ગોધરાકાંડ અને પછી - ચંદ્રકાંત બક્ષી


ટીવીના કેમેરાને ગુજરાતની શાંતિ કરતા અશાંતિ બતાવવામાં વધારે રસ છે! કેટલાક અંગ્રેજી પત્રકારો, કેટલાક અંગ્રેજી કૉલમ લેખકો, કેટલાક તથાકથિત ‘સોશિયલ એક્ટિવિસ્ટ’ (એટલે?) ગુજરાતદ્વેષી હતા, છે અને રહેશે!

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૨ અને ગોધરા સ્ટેશનથી એકાદ કિલોમીટર આગળ સાબરમતી એકસપ્રેસ રોકીને એસ-૬, ૭ અને ૮ નંબરના ડબ્બાઓને આગ લગાવવામાં આવે છે. જે સ્ત્રીઓ અને બાળકો અને થોડા પુરુષોને જીવતા જલાવી દેવામાં આવ્યા એ હિન્દુ હતા. એમને પેટ્રોલ છાંટીને બંધ ડબામાં જીવતા ભૂંજી નાખનારા મુસ્લિમ હતા. એ ફેબ્રુઆરીની દર્દનાક ઘટના પછી કલાકો અને એક-બે દિવસો પસાર થઇ ગયા ત્યાં સુધી કોઇ કૉંગ્રેસી, કોઇ સ્યુડો- સેકયુલરીઓ, કોઇ સરકારી મુસ્લિમ જલી ગયેલા, જલીને ભડથું થઇ ગયેલા, નિરીહ, બેઝુબાં બાળકો કે તદ્દન નિર્દોષ સ્ત્રીપુરુષો માટે સહાનુભૂતિ કે સંવેદનાનો એક શબ્દ બોલ્યો નથી. આ પાશવી, વહશી, હૈવાની, બર્બર કૃત્ય માટે આ બધા ખામોશ રહ્યા અને એમની ખામોશી કાન ફાડી નાખે એવી દોષમુકત અને દંભી હતી. શા માટે? કારણ કે જીવતા જલાવી દેવાયેલા ૫૮ લોકો હિન્દુઓ હતા? કેસરી કફનીનો લપેટાયેલી બદબૂદાર લાશો ગુજરાતના સ્ટેશનો પર ઊતરી અને ૧૯૪૬- ૧૯૪૭ના રક્તરંજિત ઈતિહાસનો રિ-રન થઇ ગયો. ગુજરાતની પાંચ કરોડની જનતાનો રોષાગ્નિ ભડકી જવો સ્વાભાવિક હતો. ગુજરાતમાં અન્ય પ્રદેશો કરતાં રાજનીતિક સામાજિક જાગરૂકતા વધારે સચેત છે અને ગોધરાની હિંસાના ઉત્તરરૂપે અસરરૂપે, પરિણામરૂપે, પ્રત્યાઘાતરૂપે, આક્રોશરૂપે, હિન્દુ પ્રતિહિંસાનો ધમાકો થઇ ગયો. માણસ કયારે મરણિયો બને છે? જ્યારે પોતાના ધર્મ પર આક્રમણ થાય છે, જયારે પોતાની સ્ત્રી પર અત્યાચાર થાય છે જયારે પોતાના બાળકને આગમાં ફેંકવામાં આવે છે ત્યારે બધો જ તર્ક, બધો જ વિવેક બધું જ ઔચિત્ય, બધું જ સંતુલન ધુમાડો થઇને ઊડી જાય છે. દરેક પ્રજા પાસે આવી મન:સ્થિતિ માટે કહેવતો છે: જેવા સાથે તેવા.. શઠં પ્રતિ શાઠ્યં કુર્યાત.. સો ધ વિન્ડ રિપ ધ વ્હર્લ વિન્ડ.. વા દબાવો તો વંટોળિયો થાય! હજારો માણસો રસ્તાઓ પર મરવા કે મારવા ક્યારે આવી જાય છે? આ મોબ- સાઇકોલોજી શાંત દિમાગથી અભ્યાસ કરવાનો વિષય છે. આ ઉત્તેજના, આ ઉદ્વેગ, આ વિસ્ફોટ સ્વયંભૂ હતો, અન્દરુની હતો. ઈતિહાસને રબરથી ભૂંસી શકાતો નથી. પંડિત નહેરુએ સોવિયેત રશિયાના સર્વેસર્વા નિકિતા ક્રુશ્ર્ચોવને કહ્યું હતું, દીવાલ પરના ફોટાઓ ઊલટા કરીને દીવાલ તરફ ફેરવી નાખવાથી ઈતિહાસ બદલી શકાતો નથી! તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાએ કહ્યું: લઘુમતિ પર જુલમ કરો તો એ ક્રાઈમ બની જાય છે અને બહુમતી પર જુલમ કરો તો એ ક્રાઈમ નથી! કૉંગ્રેસીઓના દિમાગો ડહાપણના ભંડારો છે. રાજસ્થાન કૉંગ્રેસની અધ્યક્ષા ગિરિજા વ્યાસ ઉવાચ: (ગુજરાત) રાજ્યની ઈન્ટેલિજન્સ એજન્સીઓ જો નિષ્ફળ ન ગઇ હોત તો ગોધરા દુર્ઘટના ન બનત! (ગુજરાત) રાજય સરકારે પર્યાપ્ત પૂર્વહુકમો ઉપાડયા નહીં એટલે આ ઘટના ઘટી. શ્રીમતી ગિરિજા વ્યાસ જેવા વિચારવંત કૉગ્રેસીઓ માટે સંક્ષેપમાં બે-ત્રણ સીધા પ્રશ્ર્નો: કાશ્મીરની વિધાનસભા પર આતંકવાદી હુમલો. ઈન્ટેલિજન્સ એજન્સીઓ ક્યાં હતી? હિંદુસ્તાનની લોકસભાના સંકુલમાં આવીને અંધાધૂંધ ફાયરિંગ કરી ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓ, ઈન્ટેલિજન્સ એજન્સીઓ ક્યાં હતી? અને ન્યૂ યોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોશિંગ્ટનના પેન્ટાગોન પર ત્રાટકેલા આતંકવાદીઓ. એ વખતે વિશ્ર્વના શ્રેષ્ઠમાં સ્થાન હોય તેવુ અત્યંત સક્ષમ અમેરિકન ઈન્ટેલિજન્સ કયાં હતું. નાનકડા ગોધરા સ્ટેશનથી એક કિલોમીટર બહાર જંગલમાં ગુજરાત સરકારનું ઈન્ટેલિજન્સ સફળ હોવું જોઇએ એવો કૉંગ્રેસનો હઠાગ્રહ છે? ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે... જેવી ગુજરાતી કહેવત જે દશ્ય ખડું થઇ રહ્યું છે..? શ્રીમતી ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, પ્રધાનમંત્રીઓ હતા ત્યારે એમની હત્યાઓ થઇ ત્યારે કૉંગ્રેસના રાજમાં ઈન્ટેલિજન્સ સફળ રહ્યું હતું કે નિષ્ફળ ગયું હતું?

ગુજરાતમાં ગોધરાકાંડ પછી જે પ્રતિશોધ અને પ્રતિહિંસા ફાટી નીકળ્યાં એ પણ એટલાં જ બર્બર હતાં. અને એ એટલા જ નિંદનીય છે. આ પ્રકારની વિસંવાદિતા, પ્રદેશ અને પ્રજાને પાછળ ફેંકી દે છે અને આજે ગુજરાત માટે શાંતિ એ પ્રાથમિકતા છે. પ્રમુખ પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં અને ખાસ કરીને ગુજરાત જ્યારે કેન્દ્ર સ્થાને હોય છે ત્યારે ખોટા તારણહારોથી સાચા ટપોરીઓ સુધી બધાં જ આખા હિન્દુસ્તાનમાંથી ‘શાંત રહો, શાંત રહો’ ના કૉરસમાં જોડાઇ જાય છે. કેટલાક દોઢ હોશિયારો ગુજરાતીઓને આ સમયે ગાંધીજી અને અહિંસાની યાદ અપાવી દે છે. ગાંધીના ગુજરાતમાં આવી અશાંતિ? આ દોઢ હોંશિયારો બુદ્ધ અને મહાવીરના બિહારમાં કે શ્રીરામ અને શ્રીકૃષ્ણના ઉત્તર પ્રદેશમાં કે ગુરુનાનક દેવના પંજાબમાં અશાંતિ થાય છે. ત્યારે શાંતિની અપીલો લઇને કેમ ઉતરી પડતા નથી? કારણ કે એ લોકો એક આંખ બંધ કરી સલામત અંતર રાખીને દૂરથી દૃશ્ય જોનારા ડાહી માના દીકરાઓ છે...! એક પ્રતિવાદ એ છે કે ચીન અને જાપાનની અત્યંત તેજ પ્રગતિ પાછળ કારણ એ છે કે ચીન અને જાપાનમાં ‘લઘુમતી’ નથી. ચીનમાં લોકશાહી નથી, એટલે વોટનું રાજકારણ નથી. આપણા ભારતવર્ષમાં લોકશાહી છે. સેક્યુલારિઝમ છે, વોટનું કટ્ટર જાતીય રાજકારણ છે. જ્યારે દેશની બહુમતીની એક બહુ મોટી બહુમતિને સતત અન્યાયબોધની ફિલિંગ રહ્યા કરે છે. ત્યારે એ સ્થિતિ જ્વાલામુખી જેવી છે, ઉપરથી શાંત, અંદરથી અશાંત! ગુજરાતમાં આટલી સખત પ્રતિક્રિયા શા માટે આવી એનું પૃથક્કરણ કરવું જોઇએ. અભ્યાસીઓએ વિચારવું જોઇએ કે આવી તીવ્ર પ્રતિશોધ ભાવના શા માટે પેદા થવી જોઇએ. સતહની નીચે એવાં કયો વિધ્વંસક પરિબળો છે, જે ગુજરાતને પ્રગતિ કરતા રોકે છે? ફેબ્રુઆરી-માર્ચ ૨૦૦૨ના ગોધરાકાંડ અને પછી ફાટી નીકળેલા અગ્નિકાંડ અને હત્યાકાંડની એક બહુ જ ખરાબ દુષ્પરિણામકારક અસર એ થશે કે મધ્યમવર્ગીય મુસ્લિમ, શિક્ષિત નોકરી પશા મુસ્લિમ, એ મુસ્લિમ કર્મચારી, જેને પોતાના બાળકોને પ્રામાણિક પરિશ્રમ કરીને એક ખુશહાલ ભવિષ્ય આપવું છે. એ મુસ્લિમ, જેને સુપરસોનિક તેજ ગતિથી દોડી રહેલા જગત સાથે કદમ મિલાવવા છે, એ મુસ્લિમ, જેને ભારતની મુખ્ય ધારાની સાથે સાથે વહેવું છે અને હિન્દુ સાથે મહોબ્બતથી જીવવું છે, એ મુસ્લિમ, અસલામતી ભાવથી પોતાના પછાત મુસ્લિમ વિસ્તારમાં ઘૂસી જશે અને દેશની મુખ્ય ધારાથી કપાઇ જશે. ગુજરાતમાં મુસ્લિમ વ્યવયસાયો, ઉદ્યોગો, દુકાનો, સંપત્તિઓના નાશને કારણે મુસ્લિમ અર્થતંત્રની કમર તૂટી ગઇ છે, એને આ એક અત્યંત ચિંતાનો વિષય છે અને વિષાદી સ્થિતિ છે. ગોધરાકાંડ અને પછી પ્રાપ્ત થયેલી દુ:સ્થિતિઓને કારણે મુસ્લિમ સમાજોમાં જે સામાજિક- આર્થિક ક્રાઇસીસ આવી ગઇ છે અને અને આવી રહી છે એ દેશહિતના દરેક પુરસ્કર્તા માટે અને ગુજરાત સહિતના દરેક પક્ષધર માટે ખરેખર ચિંતાનો વિષય છે. ગોધરાના થોડા મુઠ્ઠીભર કટ્ટર હેવાનોએ પૂરા ગુજરાતના મુસ્લિમોને દસ વર્ષ પાછળ ફેંકી દીધા છે.

ગુજરાતના ગોધરાકાંડમાં કદાચ દેશની ટીવી ચેનલોએ સૌથી નેગેટિવ ભૂમિકા ભજવી છે. સમાચારો માટે આપણી પાસે ચાર-પાંચ મુખ્ય અંગ્રેજી અને હિન્દી ચેનલો છે અને ચર્ચા કરવા માટે ન્યૂ દિલ્હીમાં ડઝનબંધ એરસપર્ટો માત્ર એક ફોન કરવાથી સ્ટુડિયોમાં લાઇનસર હાજર થઇ જાય છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ડો. પી. સી. એલેકઝાન્ડરે હિન્દી ‘નવભારત ટાઇમ્સ’ના ૫૦ વર્ષના ઉત્સવ પ્રસંગે વ્યંગમાં કહ્યું હતું કે, ટીવી માટે આ દેશમાં દરેક વિષયના એકસપર્ટ દિલ્હીમાં જ બેઠા છે. મુંબઇ, કોલકાતા, ચેન્નઇ કે અન્ય શહેરોમાં કોઇ એકસપર્ટ છે જ નહીં અને આ નવરાઓ અને એમને બાલિસ, બચકાના પ્રશ્ર્નો પૂછતી કોન્વેન્ટિયા બહેજામાં સતત બકબક કરતી રહેતી ખૂબસૂરત છાકરીઓની એક જુગલબંદી ટીવીની અગ્રેજી ચેનલોમાં જામી પડી છે! અને ગુજરાત વિશે પણ સ્પોટ-રિપોટિર્ંંગ થાય છે. ચર્ચાઓ થાય છે. આપણી પ્રજાને બદનામ કરતી હોય એવી ભાષા પણ કયારેક વપરાઇ જાય છે. ટીવીના કેમેરાને ગુજરાતની શાંતિ કરતા અશાંતિ બતાવવામાં વધારે રસ છે! કેટલાક અંગ્રેજી પત્રકારો, કેટાક અંગ્રેજી કૉલમ- લેખકો, કેટલાક તથાકથિત ‘સોશિયલ એક્ટિવિસ્ટ’ (એટલે?) ગુજરાતદ્વેષી હતા, છે અને રહેશે! અહીં ગુજરાતદ્વેષીને સ્થાને ‘હિન્દુદ્વેષી’ શબ્દ પણ વાપરી શકાય છે. માધવસિંહ સોલંકીથી ચીમનભાઇ પટેલથી કેશુભાઇ પટેલથી નરેન્દ્ર મોદી સુધી ગુજરાતના કયા મુખ્યમંત્રી માટે, કયા અંગ્રેજી પત્રકારે, ક્યારે અને કેટલું સારું લખ્યું છે? આ પણ સંશોધનનો વિષય છે.

ટેલિવિઝન એક અત્યંત સશક્ત માધ્યમ છે અને ટીવીની ન્યૂઝ ચેનલોનું ટેલિકાસ્ટ લગભગ દરેક મધ્યમવર્ગી પરિવારમાં રોજ રાત્રે પહોંચે છે. ગુજરાતમાં ધરતીકંપ થયો ત્યારે આજ ચેનલોએ અદભુત કામ કર્યું હતું. અને પાકિસ્તાનના જનરલ મુશર્રફ આગ્રા આવ્યા ત્યારે અંગ્રેજી ટેલિકાસ્ટ એટલું બેહૂદુ અને એકપક્ષી હતું કે આપણને લાગે કે આપણે કોઇ પાકિસ્તાની ટીવી ચેનલ જોઇ રહ્યા છીએ. લગભગ દેશદ્રોહની સીમા સુધી પહોંચી જાય એટલું બધું પાકિસ્તાનતરફી કવરેજ આપણી અંગ્રેજી ચેનલોએ પાકિસ્તાનની સરમુખત્યારને આપ્યું હતું. ચૂંટણીમાં દરેક ચેનલ ‘એકિઝટ પોલ’ની પાછળ પડી ગઇ હતી અને ઉત્તર પ્રદેશમાં ૯૮ સીટો જીતી જનાર માયાવતીના બહુજન સમાજ પક્ષને બધી જ ચેનલો ભૂલી ગઇ હતી. કારણ કે બહુજન સમાજ પક્ષની પ્રતિનિધિઓ ટીવી પર ચર્ચા કરવા આવી નહોતી. અને ચોથે નંબરે આવેલી લંગડા ઘોડી જેવી કૉંગ્રેસની પ્રતિનિધિઓ દરેક ચેનલ-ચર્ચામાં ચિબાવલી સફાઇ પેશ કરતી રહેતી હતી. જનતાના મિજાજને સમજવામાં ટીવીની ચેનલો નિષ્ફળ ગઇ હતી.

કારગિલ યુદ્ધ સમયે ટીવીએ ખરેખર ઉત્તમ કામ કર્યું હતું અને યુદ્ધની વિભીષિકા આપણા દીવાનખંડમાં ખડી કરી દીધી હતી. ફેબ્રુઆરી -માર્ચ ૨૦૦૨ના ગુજરાતના ગોધરાકાંડ અને એ પછીના પ્રત્યાઘાતો પ્રસ્તુત કરવામાં આ જ અંગ્રેજી ચેનલોની સરાસર બદદાનત પર્દાફાશ થઇ ગઇ છે. સમસ્ત ગુજરાતમાં સ્થપાતી જતી શાંતિ કરતાં ખૂણેખાંચરેથી કયાંક થયેલી આગઝની જેવા સમસનીખેજ સમાચાર આપીને એ દૃશ્યને કેમેરાથી વિસ્તારમાં બતાવીને, ફરીથી કોમવાદ ભડકાવવાની કોઇ પદ્ધતિસર સાઝિશ હોય એવું સુજ્ઞ, શાંતિપ્રિય લોકોને લાગતું હતું. લગભગ દરેક અંગ્રેજી સમાચાર ચેનલ ગુજરાત વિશે તટસ્થ, નિષ્પક્ષ, પોઝિટિવ રિપોર્ટ આપીને, કોમી એખલાસ વધુ દૃઢ કરવાના અભિયાનમાં સહાયક થવાને બદલે અત્યંત અફસોસનાક નેગેટિવ ભૂમિકા ભજવી હતી. એ સ્પષ્ટ થઇ ગયું હતું. ગુજરાતી પ્રજાનો ધગધગતો આક્રોશ જૂઠા અને પ્રધાનત: ગુજરાતવિરોધી સમાચાર આપનારા અંગ્રેજી ટીવી અને અંગ્રેજી વર્તમાનપત્રો તરફ કેન્દ્રીત થાય એ એક કમનસીબ સ્વાભાવિક સત્ય હતું.

આપણે ત્યાં લોકશાહીનો અતિરેક છે. અમેરિકામાં પણ લોકશહી છે. પણ આવી સ્થિતિમાં અંકુશિત અને દેશપ્રેમી લોકશાહી છવાઇ જાય છે. ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોંશિગ્ટનના પેન્ટાગોન પર આતંકવાદી હુમલાઓ પછી એક અમેરિકન ટીવી ચેનલે કટ્ટરવાદી કે આતંકવાદી કે આરબ દૃષ્ટિકોણ આપ્યા નથી. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશની કેબિનેટ સભ્ય અને અંતરંગ ગણાતી કેન્ડી રાઈસે માધ્યમોમાં સૂચના પણ આપી હતી કે એમણે અમેરિકાતરફી સમાચાર પ્રસારિત કરવા અને રક્ષામંત્રી રૂમ્સફેલ્ડે આગળ વધીને કહ્યું કે અમે જાણી જોઇને ‘ડિસઈન્ફર્મેશન’ અથવા ખોટી માહિતી આપી છે. હિન્દુસ્તાની લોકશાહી અમર્યાદ અને નિરંકુશ છે. મુશર્રફ હોય કે કોમી હુલ્લડો હોય આપણી ટીવી ચેનલો અને ખાસ કરીને કેટલાંક અગ્રેજી પત્રો અર્ધસત્ય અથવા અસત્યને સત્યના સ્વાંગમાં પ્રસ્તુત કરવામાં બિલકુલ સંકોચ અનુભવતાં નથી. દેશપ્રેમ એ કઇ બલાનું નામ છે? ગોધરાકાંડ અને એના પ્રતિ-આઘાતરૂપે પ્રકટેલી પ્રતિહિંસાંને જધન્ય અને નિંદનીય છે. ગુજરાતને શાંતિની જરૂર છે જે ક્રમશ: પણ ત્વરાથી આવતી જાય છે. દરેક વ્યક્તિ કે વિચારક, પક્ષ કે પત્રનો અત્યારે એક જ દાયિત્યધર્મ હોઇ શકે. અમન અને એખલાસની પુન: સ્થાપનાના અભિયાનમાં જોડાઇ જવું! અને સર્વે અત્ર સુખિન સન્તુ/ સર્વે સન્તુ નિરામયા/સર્વે ભદ્રાણિ પશ્યન્તુ/ મા કશ્ર્ચદ દુ:ખમ આપનુયાત...ના આદર્શ તરફ અગે્રસર થવું. સબ કો સન્મતિ દે ભગવાન... આ શબ્દો નરેન્દ્ર મોદીનું ‘આપણું ગુજરાત, આગવું ગુજરાત’ સાંભળવા માગે છે.

No comments:

Post a Comment