Wednesday, January 9, 2013
Wednesday, January 2, 2013
બીજાના માટે ભોગ આપે તે મહાન
| ‘સુખમાં સૌ કોઈ સાથી, દુ:ખમાં ન કોઈ’ આજના કૃષ્ણો અને સુદામાઓ બદલાઈ ગયા છે, એક આપવામાં ગલ્લાંતલ્લાં કરે છે અને બીજો પડાવી લેવામાં પાવરધો છે. ધનના ઢગલા હેઠળ ધર્મ અને ઈશ્ર્વર બંને દબાઈ ગયા છે |
રવિશંકર મહારાજે કહ્યું છે કે ‘હાથથી કામ કરે તે ગામડાનો માણસ અને માત્ર બુદ્ધિથી કામ કરે તે શહેરનો માણસ. ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ અને ભેગુ કરીને જીવે તે શહેરી સંસ્કૃતિ.’ અત્યારના સમયમાં ભેગા મળીને જીવવાની સુખદુ:ખને વહેંચી લેવાની વાત ભૂલાઈ ગઈ છે. જેટલું શક્ય તેટલું ભેગુ કરી સુખ અને આનંદ-માણવાની મનોવૃત્તિ વધી છે. માણસને કોઈપણ રીતે જેટલું સીધી કે આડકતરી રીતે મળે તેટલું ઉસેટી લેવું છે. ધન-કાળુ, ધોળુ ગમે તે માર્ગેથી આવે સ્વીકાર્ય છે. પૈસા મળતા હોય તો માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. ધન, પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે માણસ ઊધુ ઘાલીને દોડી રહ્યો છે. ધન અને સત્તાની લાલસાએ માણસને માણસ રહેવા દીધો નથી. અપ્રામાણિકતા, દુરાચાર, લાંચરૂશ્વત અને કૌભાંડો વધ્યા છે. બધાને રાતોરાત ધનના ઢગલા પર બેસી જવું છે. નાણાંના આ ખેલે રાજકારણને દુષિત બનાવ્યું છે એટલું જ નહીં પરંતુ સામાજિક અને કૌટુંબિક જીવનને પણ ડહોળી નાખ્યું છે અને તેના ખરાબ પરિણામો ઊભા થઈ રહ્યા છે. માણસના જીવન પર ધનનો પ્રભાવ વધ્યો છે. ધન વધતું જાય છે તેમ તેમ સ્વાર્થ અને લોભ પ્રબળ બન્યા છે. ઓછું હોય છે ત્યારે છૂટી શકે છે પરંતુ, જેમ જેમ વધતુ જાય છે તેમ છોડવું મુશ્કેલ બને છે. પ્રેમ અને સંવેદના પણ ઓછી થઈ રહી હોવાનું જણાય છે. નજીકના પારકા લાગે છે. થોડુ આપતા જીવ ચાલતો નથી. સુખી અને ધનવાન માણસો પોતાના નજીકના સગાઓનો થોડો ખ્યાલ રાખે અને તેમને એક યા બીજી રીતે પ્રગતિમાં મદદ કરે તો સમાજનું ચિત્ર સમૂળગું બદલાઈ જાય. દાનની શરૂઆત ઘરથી થવી જોઈએ. જીવનમાં આપણને જે કાંઈ સફળતા મળે છે તેમાં ઘણા લોકોનો હાથ હોય છે. કોઈએ આપણને નાણાકીય સહાય કરી હોય, કોઈએ ધંધામાં માર્ગદર્શન આપ્યું હોય, કોઈએ સલાહ અને નૈતિક ટેકો પૂરો પાડયો હોય આ બધાનું અદકેરું મૂલ્ય છે, પણ માણસ આ વાતને સિફતથી ભૂલી જાય છે કોઈનું નાનું એવું ઋણ ચૂકવવું એ પણ ધર્મ છે. ગરીબ માણસ ભલે નજીકનો સગો હોય મળવા આવ્યો હોય ત્યારે કેટલાક માણસોને શંકા જાગે છે કે કશું માગવા તો નથી આવ્યોને? પાણી પહેલા પાળ બાંધી નાખે છે. પોતે જ રોદણાં રોવા બેસી જાય છે. ધંધામાં મંદી, નાણાંભીડ અને એવી બધી વાતો વારંવાર ઉચ્ચારે છે. આવુ બધું સાંભળીને સામો માણસ માગવા આવ્યો હોય તો પણ માગવાની હિંમત કરી શકતો નથી. કોઈનો હાથ લાંબો થાય એ પહેલા તેની મજબૂરી સમજીને પોતાનો હાથ લાંબો કરી દે એવા ઉદાર માણસોને દીવો લઈને શોધવા જવા પડે તેવો હાલનો માહોલ છે. રોતારોતા પરાણે આપવામાં કશી બરકત નથી. આપવાવાળા અને લેવાવાળા બંનેના હૈયામાં પ્રેમના પૂર ઉમટે તો એ સાચો સંબંધ છે. નહીંતર બધા સંબંધો સ્વાર્થના છે. આજના કૃષ્ણો અને સુદામાઓ બદલાઈ ગયા છે. એક આપવામાં ગલ્લાંતલ્લાં કરે છે અને બીજો પડાવી લેવામાં પાવરધો છે. જિંદગીમાં સુખદુ:ખ તો આવ્યા કરે છે પરંતુ કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે એટલી શક્તિ પ્રભુ આપે તો આપણી જાતને નસીબદાર ગણવી જોઈએ. કોઈની પાસે કશું માગવું એ મરવા જેવું છે. મુસીબતના સમયમાં પોતાના સગાસંબંધીઓ અને મિત્રો પાસે માગવા જવાનું થાય ત્યારે મનને કેટલું મજબૂત કરવું પડે છે. પગ ઉપડતા નથી પરંતુ મજબૂરી તેમ કરવા પ્રેરે છે અને પછી જ્યારે ઠાલા હાથે પાછા ફરવું પડે છે ત્યારે હૃદયને કેટલો આઘાત લાગે છે તે આ પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થયા હોય તે જ બરાબર સમજી શકે છે. આ અંગે કબીર સાહેબની પંક્તિઓ યાદ રાખવા જેવી છે... "માગન મરન સમાન હૈ મત કોઈ માંગો ભીખ માંગનસે મરના ભલા યહ સદગુરુકી શીખ "આવ ગઈ આદર ગયા નૈનન ગયા સ્નેહ, યે તીનો તબ હી ગયે જબ હી કહા કછુ દે કોઈની પાસે કાંઈ માગવા જઈએ છીએ ત્યારે આપણી કિંમત ઘટે છે. સામી વ્યક્તિનો આદર પણ આપણે ગુમાવીએ છીએ. આપણા માટે કશું માગવું નહીં પરંતુ બીજાના ભલા માટે, લોકકલ્યાણ માટે, દીનદુ:ખીઓ માટે માગવામાં કોઈપણ જાતની શરમ રાખવી નહીં અને એમાં અચકાવું પણ નહીં. કારણ કે પરહિત કાજે કાંઈક સારું કરવું એ આપણો ધર્મ છે. પ્રેમ, દયા, કરુણા અને દાન એ ધર્મના ચાર સ્થંભો છે તેની પર શાંતિ અને સદ્ભાવનાનો મંડપ ઊભેલો છે. માત્ર વાતોમાં નહીં વર્તન અને વહેવારમાં ધર્મ પ્રગટવો જોઈએ. સમાજમાં, કુટુંબમાં, પાડોશમાં જ્યાં આપણે રહેતા હોઈએ અને કામ કરતા હોઈએ ત્યાં પરસ્પર સહકારની અને એકબીજાને સહાયરૂપ બનવાની ભાવના હોવી જોઈએ. પરંતુ સ્વાર્થ, ઈર્ષા અને સંકૂચિત ભાવનાના કારણે ખરા અર્થમાં આવું બનતું નથી. ‘સુખમાં સૌ કોઈ સાથી દુ:ખમાં ન કોઈ’ જેવો આજનો વહેવાર છે, અત્યારે તો તમારી પાસે પૈસા, શક્તિ અને સત્તા હોય તો ભાવ પુછાય છે. નહિંતર નજીકના પણ અજાણ્યા બની જાય છે. આ બધો પૈસાનો ચળકાટ છે. મોહ માયાને છોડવાની અને ત્યાગની વાતો કરનારા સાધુ-સંતો પણ ધનવાનો સામે નમી પડે છે. બે હાથ જોડીને નેતાઓ દર્શન કરવા માટે આવે છે ત્યારે તેઓ ફૂલ્યા સમાતા નથી પણ આ લુચ્ચા રાજકારણીઓ દર્શન કરવા આવતા નથી પણ દર્શન આપવા આવે છે. સાધુઓ પર સત્તાનો પ્રભાવ વધે એ સારી નિશાની નથી. સ્વામી શ્રદ્ધાનંદ એક વખત એક શ્રીમંતને ઘેર ભોજન માટે પધાર્યા હતા. જમી કરીને સૌ બેઠા હતા. ધર્મની ચર્ચા ચાલતી હતી એવામાં એક ભાવિકજને પૂછયું; ‘સ્વામીજી તમે ઈશ્ર્વરની વાત કરો છો પણ જગતમાં ઈશ્ર્વર તો ક્યાંય દેખાતો નથી. સ્વામી હસ્યા, થોડી વાર થોભીને કહ્યું તમારી વાત સાચી છે. તો પછી લોકો ઈશ્ર્વરમાં કેમ માને છે? સ્વામીજીએ એ ભાઈને એક કાગળ અને પેન્સીલ લાવવા કહ્યું. પેલા ભાઈએ કાગળ અને પેન્સીલ સ્વામીજીને આપ્યા. સ્વામીએ કાગળ પર લખ્યું ‘ઈશ્ર્વર’. પછી પેલા ભાઈને પૂછયું આ શું છે? તેણે કહ્યું ‘ઈશ્ર્વર’. સ્વામીજીએ કહ્યું હવે એક રૂપિયો લાવો. પેલા ભાઈએ ખીસ્સામાંથી એક રૂપિયો કાઢીને આપ્યો. સ્વામીજીએ ‘ઈશ્ર્વર’ શબ્દ લખ્યો હતો તેના પર રૂપિયો મૂકી દીધો અને પછી પેલા ભાઈને પૂછયુ હવે ઈશ્ર્વર ક્યાં છે? પેલા ભાઈએ ભોળાભાવે કહી દીધું કે ‘પેલા રૂપિયા નીચે.’ સ્વામીજીએ કહ્યું; ‘ભાઈ ઈશ્ર્વર આ જગતમાં રૂપિયા નીચે ઢંકાઈ ગયો છે. માયાના આ આવરણ હેઠળ ઈશ્ર્વરના દર્શન દુર્લભ છે. આ માયાનું આવરણ દૂર કરી નાખો તો ઈશ્ર્વર તમને જરૂર દેખાશે.’ આજે ધર્મમાં પણ બાહ્ય આડંબર વધ્યો છે. ધન-દોલતનું પ્રદર્શન વધ્યું છે. ધન હેઠળ ધર્મ અને ઈશ્ર્વર બંને દબાઈ ગયા છે. માત્ર પૈસાથી માણસ મહાન બની શકે નહીં. આ જગતમાં એ જ માણસ મોટો છે જે બીજા માટે કાંઈક કરી છૂટે છે. નિસ્વાર્થ ભાવ અને ત્યાગ વગર મોટાઈ મેળવી શકાતી નથી. માણસ એની મેળે મોટો થઈ જતો નથી. કુટુંબ, સમાજના સહકાર અને નાના માણસોના ટેકા વડે માણસ મોટો બને છે આવો મોટો માણસ નાના માણસોને ભૂલી જાય છે ત્યારે તેની મોટાઈ નીચે ઊતરી જાય છે. કોઈ પણ માણસ પોતાનાથી નાના માણસો પ્રત્યે કેવો વર્તાવ અને વહેવાર રાખે છે તેના પરથી તેની મોટાઈનું માપ નીકળે છે. કેટલાક માણસો તાડ જેવા હોય છે તેમનામાં ઊંચાઈ હોય છે પરંતુ કોઈને કશા કામમા આવતા નથી. તાડના ઝાડ નીચે કોઈને છાંયો મળી શકે નહીં. તેમની મોટાઈ માત્ર કહેવાની હોય છે. આવો માણસ મોટો હોવા છતાં ખોટો છે. એક વખત એક સમ્રાટ ફરતો ફરતો કોન્ફયુશિયસ પાસે આવ્યો અને પૂછયું; મને એવો કોઈ માણસ બતાવો જે મોટો હોય. કોન્ફ્યુશિયસે હસતા હસતા કહ્યું; તમે મોટા છો. કારણ કે સચ્ચાઈને જાણવાની તમે ઈચ્છા રાખી છે. સમ્રાટે કહ્યું; તો મને મારાથી મોટો હોય એવો માણસ બતાવો. કોન્ફયુશિયસે કહ્યું; એ હું છું કારણ કે હું સચ્ચાઈને ચાહું છું. સમ્રાટે કહ્યું તો પછી તમે મને એવા માણસ પાસે લઈ જાવ, જે તમારાથી પણ મહાન હોય. કોન્ફ્યુશિયસે કહ્યું; ક્યાંય જવાની જરૂર નથી. આ સામે જુઓ પેલી વૃદ્ધ ડોશી બાગમાં કોદાળી લઈને આંબાનું વૃક્ષ રોપી રહી છે. આ ડોશીએ આંબો વાવવાની શી જરૂર છે? તે હવે કેટલા વર્ષ જીવવાની. તેને કેરી ક્યાં ખાવાની છે? આમ છતાં તે મહેનત કરી રહી છે. કોના માટે? આ રીતે નિસ્વાર્થ ભાવના રાખીને બીજાને માટે જે કામ કરે છે તે સૌથી મોટો છે. કર્ણ મહાન દાનવીર હતો. જે કોઈ પણ તેની પાસે માગવા આવે તે કદી પણ ખાલી હાથે જતો નહોતો. એક વખત એક યાચક તેની પાસે આવ્યો. કર્ણ સૂર્યપૂજા માટે જઈ રહ્યો હતો. તેના જમણા હાથમાં પૂજાની થાળી હતી. તેણે જરાપણ વિલંબ વગર ડાબા હાથથી ગળામાં પહેરેલી સુવર્ણમાળા કાઢીને આ યાચકની જોળીમાં નાખી દીધી. બાજુમાં રહેલા સાથીએ કહ્યું; ડાબા હાથે દાન ન દેવાય. આપ પૂજાની થાળી મારા હાથમાં આપીને જમણા હાથે દાન કરી શકયા હોત. કર્ણે કહ્યું; વાત સાચી છે, પણ પૂજાની થાળી તમને આપવા રહું ત્યાં સુધીમાં મારું મન બદલાઈ જાય તો યાચકને ખાલી હાથે પાછું જવું પડે. એટલે મેં તુરત ડાબા હાથે દાન કરી નાખ્યું. દાન આપવા માટે બંને હાથ સરખા છે. પવિત્ર છે, પણ દાન એવી રીતે થવું જોઈએ એક હાથ આપે અને બીજાને ખબર પણ ન પડે. આપણે કોઈને થોડું એવું આપીએ તો પણ ઢોલનગારા પીટાવીને આપીએ. મેં આ કર્યું મે તે કર્યું એમ કહેતા થાકતા નથી. બીજો કોઈ જાણે નહીં તો આપણા દાનની કિંમત શું? આપવાની સામે કાંઈક મેળવવાની અપેક્ષા હોય પછી ભલે તે માત્ર કીર્તિ અને પ્રસિદ્ધિ હોય પણ તે સાચું દાન અને સહાય નથી. આમ છતાં આનાથી કોઈને થોડો ઘણો લાભ થતો હોય તો તે સ્વીકાર્ય છે. જીવનમાં ત્યાગ બહુ મુશ્કેલ છે. શ્રીમંતો જ આપી શકે એવો ખ્યાલ ખોટો છે. દરેક માણસ પોતાની શક્તિ અને સાધનો અનુસાર દાન અને સહાય કરી શકે. દિલથી આપેલું કોઈ દાન નાનુ નથી. પોતાના માટે સૌ કોઈ જીવે છે અને કરે છે પરંતુ જેમાંથી પોતાને કશું મળવાનું નથી એ જાણવા છતાં બીજાના સુખને માટે જે લોકો ભોગ આપે છે તે માણસો મહાન છે. તેમની મોટાઈ જીવન અને મૃત્યુની સીમા ઓળંગીને આકાશને આંબે છે. |
જેણે પાપ ન કર્યું એકે તે પહેલો પથ્થર ફેંકે
| ગુડ મોર્નિંગ - સૌરભ શાહ ગાડી ચાવીથી ચાલે છે કે એમાં રહેલા ઍન્જિનથી? ગૂઢ પ્રશ્ર્ન છે. આવો પ્રશ્ર્ન ઊભો કરીને એની લાંબી ચર્ચા કરનારાઓથી આપણે અંજાઈ જઈએ છીએ. ફિલસૂફો કે વિચારકો કે પછી ટીવી પરના બાબા-મહાત્માઓ આવી જ કોઈ વાતને ચ્યુઈંગમની જે ચાવી ચાવીને શ્રોતાઓને કે વાચકોેને પ્રભાવિત કરી નાખે છે. જીવનની રોજબરોજની સમસ્યાઓનો સામનો કરવાની દાનત, તાકાત કે લાયકાત ન હોય ત્યારે માણસને આવી વાતોમાં રસ પડવા માંડે છે. હું કોણ છું, મૃત્યુ પછી આ જીવનું શું થાય છે, ભગવાન કોણ છે, જિંદગીનો અર્થ શું? પણ માણસ, આજનું તારું કામ કેવી રીતે કરીશ એ તું પૂછને તારી જાતને. તને એ કામ કરવા માટે જે કઈ વધારાની માહિતીની કે કોઈ ઓજારની જરૂર પડશે કે નહીં અને પડશે તો તે તું કેવી રીતે મેળવીશ એ તારી ચિંતાનો વિષય હોવો જોઈએ. પગારવધારો છ મહિના પછી થશે પણ તે પહેલાં દૂધ, ગેસના ભાવમાં અને ટ્રેનનાં ભાડાંમાં વધારો થઈ ગયો છે તો મહિનાના અંતે આવક-ખર્ચના ટાંટિયા કેવી રીતે ભેગા કરીશ એ તારી ચિંતાનો વિષય છે. ખૂબ ચિંતા વધી જાય ત્યારે ઘડીભર એમાંથી છટકવા માટે મગજ બાજુએ મૂકીને જોવું પડે એવી કોઈ હિન્દી ફિલ્મમાં ત્રણ કલાક ખર્ચી કાઢવામાં કઈ ખોટું નથી. રોજિંદી ચિંતાઓથી બે ઘડી મુક્તિ આપતી પ્રવૃત્તિ લોકનજરે મનોરંજન ગણાય છે, હલકી પ્રવૃત્તિ ગણાય છે. પણ રોજિંદગી ઘટમાળથી દૂર લઈ જતી મોક્ષ વગેરેની વાતો સાંભળવા જવામાં લોકો ધન્યતા અનુભવે છે. પોતે કંઈક અલગ છે, ઊંચા છે એવું અનુભવે છે. વાસ્તવમાં એ બંનેમાં, સિનેમા જોવામાં અને ધર્મ-તત્ત્વજ્ઞાનના નામે નવી નવી ઊલઝનો પેદા કરતી દલીલોભર્યા પ્રવચનો-આખ્યાનોમાં કોઈ ફરક નથી. જિંદગીને સરળ બનાવે એવી વાતો ધર્મશાસ્ત્રીઓ તરફથી ભાગ્યે જ મળતી હોય છે. જિંદગીને નકારાત્મક બનાવવાની જાણે તેઓ હોડ લગાડે છે. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, આવું વિચારવાનું નહીં. સદ્ગુણોથી આપણને નવડાવી દેતા હોય એવી ભાવના એમનામાં હોય છે. સામાન્ય માણસને ખબર છે કે શું સાચું છે, શું સારું છે. ઉપદેશોની એને જરૂર નથી હોતી. સદ્ગુણોનું એ પાલન નથી કરી શકતો, નીતિ પ્રમાણે આચરણ નથી કરી શકતો ત્યારે એને જરૂર હોય છે કોઈ સમજદાર માણસની, પોતાને સમજે એવા ઈન્સાનની. તું નીચો છે એવું કહીને એને ઊતારી ન પાડે એવા આદમીની. પણ ફિલસૂફી ઝાડનારાઓ આના કરતાં તદ્દન ઊંધું જ કામ કરે છે. જે માણસ ખાડામાં પડી ગયો છે તે કેટલો પાપી છે એવું કહીને એની આસપાસ મોટું ટોળું ભેગું કરી દે છે તમાશો દેખાડવા માટે. જેણે પાપ ન કર્યું એકે, તે પહેલો પથ્થર ફેંકે. ઈસુની આ ઉક્તિ સાંભળી છે બધાએ, વર્તનમાં ઉતારી છે કોઈએ? બીજાનાં કુકર્મો ગણાવવાથી મારાં પાપ ઢંકાઈ જશે એવું માનીને આપણે ડગલે ને પગલે હાય મોરલ ગ્રાઉન્ડ લેતા થઈ ગયા છીએ. હું ભલે ધંધો કરતી વખતે જુઠ્ઠું બોલું, બેનંબરી માલ પધરાવું, બોલેલું ફેરવી તોળું - પણ મારાં છોકરાઓમાં એવા સંસ્કાર ન આવવા જોઈએ. શક્ય છે? સમાજમાં ચાલતી સેંકડો બુરાઈઓ વિશે અભિપ્રાય આપવાની જરૂર નથી. એ વિશે મનમાં વિચારો કરીને અકળાવાની પણ જરૂર નથી. મારામાં ચાલતી બુરાઈના વિચારોની શૃંખલાને સમજીને એની એક એક કડીનું ક્રમશ: વિસર્જન કરી શકું તો ગંગા નાહ્યા. દુનિયા આખીમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે તે મારા સિવાયની બીજી જ વ્યક્તિઓ કરી રહી છે એવું વિચારીને હું મારા દુષ્કૃત્યો આડે પડદો પાડી દઉં છુંં. આમાં સૌથી મોટું નુકસાન મને પોતાને જ છે. ઘરમાં પડેલા જે કચરા તરફ મારું ધ્યાન નહીં જાય એ કચરો હું ક્યારેય વીણવાનો નથી. હકીકત એ છે કે મારે કશું કરવાની જરૂર નથી. નથી મારે સારા બનવાનું કે નથી મારે ઓછા ખરાબ થવાનું. માત્ર સમજવાનું છે કે મારામાં શું સારું છે, શું ખરાબ છે અને કેટલા પ્રમાણમાં એ છે. સતત સમજતા રહેવાથી આપોઆપ ભગવાનને ગમીએ એવા થઈ જઈશું. પ્રયત્નપૂર્વક કરવાનું જો હોય તો તે એટલું જ કે બીજાની બુરાઈઓ જોવાનું, એની સામે આંગળી ચીંધવાનું, એને ઉતારી પાડવાનું બંધ કરીએ. કોઈની પ્રશંસા પણ શું કામ કરીએ? એના કરતાં એના સારા ગુણ પોતાનામાં આવે એવો કોઈ પ્રયત્ન ન કરીએ? કોઈની સારી બાજુની શબ્દોમાં પ્રશંસા કરીને આપણે છટકી જવું છે - એવા બનવા માટે જે મહેનત કરવી પડે એમાંથી. ગાંધીજીની સત્યપ્રિયતાની મેં પ્રશંસા કરી, લોકોને ખબર પડી કે મેં ગાંધીજીની સત્યપ્રિયતાની પ્રશંસા કરી છે, લોકો મને માનથી જોતા થઈ ગયા અને હું બચી ગયો સત્યપ્રિયતાને મારા પોતાના જીવનમાં ઉતારવામાંથી. દંભ કરવાની કોઈ દાનત નહોતી છતાંય હું દંભી બની ગયો અને પછી તો મને ટેવ પડી ગઈ. મારામાં જે અવગુણ છે તે બીજામાં દેખાય ત્યારે હું દસગણો મોટો અવાજ કરીને ચિલ્લાઉં જેથી મારામાં તો એ નહીં જ હોય એવું લોકો માની લે. મારામાં જે સદ્ગુણ નથી એ જો કોઈ બીજામાં દેખાય તો હું વીસગણા મોટા અવાજે એનાં વખાણ કરું જેથી લોકો તો માની જ લેવાના છે કે એ સદ્ગુણ તો આનામાં ઠાંસી ઠાંસીને ભર્યો હશે. ગણેશ ઉત્સવનું સરઘસ રસ્તા પરથી પસાર થતું હોય ત્યારે ઢોલનગારાંના તાલ પર ઘડીભર આપણને બે સ્ટેપ્સ લઈ લેવાનું મન થાય છે. પણ આપણે લેતા નથી. કેવા લાગીશું- એવા વિચાર આવી જાય છે. ખરું પૂછો તો એવું કરી લેવામાં કંઈ ખોટું નથી. નિર્દોષ આનંદ છે. પણ ગણપતિને દૂધ પીવડાવવા જેવી માસ હિસ્ટિરિયા ઊભો કરતી ઘટના સર્જાય છે ત્યારે એમાં સૂર પુરાવતી વખતે આપણને સહેજ પણ વિચાર આવતો નથી કે આપણામાં ભગવાને આપેલી સ્વતંત્ર બુદ્ધિને આવા સમયે કેવું લાગશે? |
બીજા તરફ જ નજર એ આપણી કમજોરી
| દરેક માણસ મુખવટો પહેરીને બેઠો છે એટલે તેનો અસલી ચહેરો દેખાતો નથી. જીવનના સરળ ગણિતને આપણે ગૂંચવી નાખ્યું છે |
લોકો મોટા ભાગે જીવનના સત્યથી દૂર ભાગે છે સત્ય હંમેશા કછોર હોય છે તે સ્વીકારવાનું મુશ્કેલ છે. માણસ બહુધા સ્વપ્નમાં, આશામાં, આંકાક્ષામાં જીવતો હોય છે. ઝંખનામાં જે સુખ હોય છે તે વાસ્તવિકતામાં હોતું નથી. માણસને જીવનમાં જે નથી મળથું તે કિંમતી બની જાય છે તે મેળવવા માટે સતત ફાંફાં મારે છે. મળી ગયું હોય છે તેની કિંમત તેને રહેતી નથી. તેનું સુખ પણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. સુખ ઝાંઝવાનાં જળ જેવું છે. જેમ જેમ આપણે નજીક જતાં જઈએ તેમ તેમ તે દૂર ભાગતું જાય છે. માણસ આંખો મીચીને તેની પાછળ દોડે છે અને વાસ્તવિકતાથી દૂર ભાગે છે. તેનું કારણ તે દુ:ખનુ ભૂલવા માગે છે, ટાળવા માગે છે, પણ જે વસ્તુને આપણે ભૂલવા માગતા હોઈએ તે વારંવાર યાદ આવે છે અને જે યાદ રાખવા માગતા હોઈએ તે જલદીથી વિસરાઈ જાય છે. જીવન જેવું છે તેવું સ્વીકારવું એ વાસ્તવિકતા છે. માણસ હોય તેના કરતાં જૂદો દેખાવા મથે છે. દરેક માણસ મુખવટો પહેરીને બેઠો છે એટલે તેનો અસલી ચહેરો દેખાતો નથી. બહાર જે દેખાય છે તે મુખવટો છે અને તે બદલતા રહે છે. માણસ પત્ની પાસે જેવો દેખાય છે તેવો મિત્ર સામે દેખાતો નથી. માણસને તેની પત્ની સિવાય બીજું કોઈ સાચા અર્થમાં ઓળખી શકતું નથી, કારણ કે અહીં અસલી ચહેરો છુપાવી શકાતો નથી. જીવનની આ આપાધાપીમાં માણસ ખૂદ પોતાનો અસલી ચહેરો ભૂલી ગયો છે. કોઈને પોતાની તરફ નજર કરવાની ફૂરસદ નથી. સૌ કોઈની નજર બીજા તરફ છે એટલે માણસ પોતાનાથી ચડિયાતા માણસોનું અનુકરણ કરે છે અને બીજાની ચાલે ચાલવા જતાં કેટલીક વખત ઠોકર પણ ખાય છે. માણસ પોતાની રીતે વિચારે અને પોતાની તરફ દૃષ્ટિ રાખીને ચાલે તો નિરાશ કે દુ:ખી થવાનું કારણ નથી. સારી વસ્તુને સ્વીકારવી અને નકલ કરવી એ બેમાં ફરક છે. બીજાની પાસે છે અને આપણી પાસે નથી તેનો અજંપો રાખવાની જરૂર નથી. આપણી પાસે પણ એવું કંઈક છે, જે બીજા પાસે નથી તેનો આનંદ માણવો જોઈએ. દંભનો અંચબો ઓઢીને પોતાની જાતને છેતરી શકાય, પણ જગતને લાંબો સમય છેતરી શકાતું નથી. ખોટો સિક્કો લાંબો સમય ચાલે નહીં. માણસને જીવનમાં બધું જોઈએ છે, પણ પોતે શું છે તે વિચારતો નથી. પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ સફળતા મેળવીને જીંદગી જીવવાની હોય છે. માત્ર સ્વપ્નો સેવવાથી કશું વળે નહીં સખત પરિશ્રમ અને પુરૂષાર્થ દ્વારા ધ્યેયને હાંસલ કરી શકાય માત્ર આશાના તાંતણે જીવાતું નથી. માણસે પોતાની તરફ નજર રાખીને પોતાની ક્ષતિઓ, ત્રુટિઓને ઓળખવી જોઈએ. પોતાનામાં રહેલીફણપોને દૂર કરવી જોઈએ અને આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આમ કરવું બહુ મુશ્કેલ છે. આપણે આ બધું છુપાવીએ છીએ બહાર કળાવા દેતા નથી અને બીજાના સુખો તરફ મીટ માંડીને ચાલતા રહીએ છીએ. સુખ આપણાં સાધનો અનુસાર આપણી પાસે છે. જે લોકો સુખને બહારથી શોધવાનો પ્રયાસ કરે છે તેના હાથમાં દુ:ખ સિવાય બીજું કશું આવતું નથી. દરેક માણસને દુનિયાના તમામ કહેવાતા સુખો જોઈએ છે. સારી અને શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવાની આકાંક્ષા છે. ઈચ્છાનો કોઈ અંત નથી. એક ઈચ્છાની પૂર્તિ સાથે બીજી ઈચ્છાનો જન્મ થાય છે. આ વલોપાતમાં આપણે ઘણું બધું ગુમાવી દેતા હોઈએ છીએ. લાયકાત વગર જે કાંઈ એકાએક મળે છે તે લાંબો સમય ટકતું નથી અને તેનો આનંદ પણ ક્ષણજીવી નિવડે છે. એક યુવક પત્નીની શોધમાં હતો. તેને કોઈ યુવતી પસંદ પડતી નહોતી. દરેકમાં કંઈકને કંઈક ખામી દેખાતી હતી. છેવટે કંટાળીને તે એક મેરેજ બ્યૂરોમાં ગયો. આ મેરેજ બ્યૂરો દરેકની લાયકાત મુજબ પાત્રને શોધવામાં સહાયરૂપ થતો હતો. બ્યૂરોના મેનેજરે કહું: આપ સામેના ઓરડામાં જઈને આપને કેવી પત્ની જોઈએ છે તે પસંદ કરી લો. યુવક ઓરડામાં ગયો તો સામે બે દરવાજા હતા. એક પર લખ્યું હતું ‘રૂપાળી સ્ત્રી’ અને બીજા પર લખ્યું હતું ‘ઘઉંવર્ણી સ્ત્રી’ અને બીજા પર લખ્યું હતું. ‘ઉંમરમાં મોટી’ યુવકે યુવાન સ્ત્રીવાળો દરવાજો ખોલ્યો તો અંદર બીજા બે દરવાજા હતા પ્રથમ પર લખ્યું હતું કે ‘રસોઈકામમાં કુશળ’ અને બીજા દરવાજા પર લખ્યું હતું. ‘રસોઈકામ નહીં જાણનારી’ યુવકે પ્રથમ દરવાજો પસંદ કર્યો. અંદર બીજા, બે દરવાજા હતા એક પર લખ્યું હતું. ‘શિક્ષિત’ અને બીજા પર લખ્યું હતું. ‘અશિક્ષિત’ યુવકે શિક્ષિત વાળો દરવાજો પસંદ કર્યો. અંદર બીજા બે દરવાજા હતા. એક પર લખ્યું હતું. ‘સંગીત નૃત્યમાં પારંગતવાળો દરવાજો પસંદ કર્યો. યુવકના હિસાબે જે સારું હોય એ પસંદ કરવું જોઈએ એટલે એ એવું પસંદ કરી રહ્યો હતો. અંદર ગયો તો બીજા બે દરવાજા હતા. એક પર લખ્યું હતું કે પૈસાદાર યુવતી અને બીજા પર લખ્યું હતું કે ગરીબ યુવતી હવે યુવકની ધીરજ ખૂટી ગઈ. તેણે પૈસાદાર યુવતીવાળો દરવાજો પસંદ કર્યો અને અંદર ગયો ત્યાં સામે એક મોટું દર્પણ હતું અને તેની પર લખ્યું હતું કે આપને સર્વગુણ સંપન્ન યુવતી પત્ની તરીકે પત્ની તરીકે પત્ની જોઈએ છે, પણ દર્પણમાં જરા નજર કરો તમે તેને લાયક છો? યુવકે રોષે ભરાઈને સામે એક માત્ર દરવાજો હતો તે લાત. મારીને ખોલ્યો તો સીધો રસ્તા પર આવી ગયો. જિંદગીમાં આપણે ઘણુંબધું ઈચ્છીએ છીએ. જીવનના દરેક દરવાજા પર ટકોરા મારીને આગળ વધી રહ્યા છીએ, પરંતુ કશું હાથ લાગતું નથી. સ્વપ્નોનો વાસ્તવિકતા સાથે મેળ ખાતો નથી. આપણે આ જ ઢાંચામાં જીવી રહ્યા છીએ. રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને અભિમાનના ચોકઠામાં જીવન જકડાયેલું છે. આજે બધુર્ંં નથી, તો આ રીતે જીવીએ છીએ, તેમ ઈચ્છીત મળી જશે તો પણ એ જ રીતે જીવવાના છીએ. એક ભીખારીએ લોટરીની ટિકિટ ખરીદી અને પ્રભુને પ્રાર્થના કરી કે ‘હે પરવરદિગાર મને લોચરીનું પ્રથમ ઈનામ મળે એવો બંદોબસ્ત કરજે. લોટરીના પૈસામાંથી હું એક કાર ખરીદવા માગું છું. પગે ચાલતા ચાલતા ભીખ માગીને મારા પગના તળિયા ઘસાઈ ગયા છે.’ લોટરીનું ઈનામ મળે તો પણ ભીખ માગવાની વાત છૂટતી નથી. પગે ચાલીને નહીં તો કારમાં બેસીને પણ કામ તો આ જ કરવાનું છે. જીવન પણ આમ ચાલી રહ્યું છે. બધુ પ્રાપ્ત થઈ જાય તો પણ માર્ગ બદલાતો નથી. જે કરતા હતા તે જ કરતા રહેવાના છીએ. જીવનનું સ્વરૂપ બદલાય છે પણ મૂળભૂત રીતે કશું બદલાતું નથી. ધન મળ્યા પછી પણ કશું છૂટતું નથી. માણસ ઉદાર બનવાને બદલે વધુ સંકુચિત બનતો જાય છે. શ્રદ્ધા અને વિશ્ર્વાસ ઊભા થવા જોઈએ તે થતા નથી. ચાવી આપણા હાથમાં છે આમ છતાં દરવાજા પર ટકોરા મારી રહ્યા છીએ. વિશ્ર્વાસ ઊભો થાય તો પણ ખાતરી નથી. એક નોકરે પોતાના શેઠને કહ્યું: હું છૂટો થવા માગું છું. શેઠે કહ્યું: કેમ શું થયું? તને કોઈએ કશું કહ્યું? કોઈએ ઠપકો આપ્યો? કોઈએ અપમાન કર્યું? વાત શું છે? નોકરે કહ્યું. ના’ પણ તમને મારામાં વિશ્ર્વાસ નથી. શેઠે કહ્યું: મને તારામાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે એટલે તો તિજોરીની ચાવી તને સોંપીને જાઉં છું. નોકરે કહ્યું: પણ આમાંની એકે ચાવી તિજોરીને લાગતી નથી. આ તે કેવો વિશ્ર્વાસ? જીવનનું ગણિત બહુ સીધું સાદું છે, પણ આપણે તેને ગૂંટચવી નાખ્યું છે એટલે આપણે જ્યાં સરવાળા કરીએ ચીએ ત્યાં બાદબાકી થઈ જાય છે અને ગુણાકાર કરીઅ છીએ ત્યાં ભાગાકાર થઈ જાય છે. આમ ધંધો ખોટનો જ રહે છે. આપણે માલિક બનીને બેઠા છીએ અને સમજીએ છીએ કે આપણા જેવું કોઈ નથી પરંતુ આપણો આ ભ્રમ છે. ચાવીનો ઝુમખો આપણા હાથમાં છે, પણ તાળું ખુલતું નથી. બધુ પ્રાપ્ત થયા પછી પણ અંતરનાં દ્વાર ખુલ્યા નહીં તો બધી ચાવીઓ વ્યર્થ ગઈ. માણસ સરળતાથી અને સહજતાથી જીવે પોતાનાં સાધનોમા આનંદ માણે, ઊંચી આકાંક્ષા સેવે પણ વાસ્તવિકતાને નજરમાં રાખે અને કોઈને અંતરાયરૂપ ન બને તો જીવનમાં કોઈ મુશ્કેલી નથી. |
"બહુ બધા શબ્દો વાપરવાથી બહુ બધી વાર હારવું પડે છે
રસ્કિન બૉન્ડને જેમ્સ બૉન્ડ સાથે કોઈ લેવાદેવા નથી પણ એ અમારા પ્યારા લેખક છે. જૈફ વયે મસૂરીમાં રહે છે અને ક્યારેક એ બાજુ જઈશું તો સાહેબને જરૂર સલામ મારીશું. એમનાં અનેક સંસ્મરણો વાંચ્યાં છે, કેટલાક પુસ્તકો તથા થોડીક વાર્તાઓ વાંચી છે. એમણે ખૂબ લખ્યું છે, બાળકો માટે પણ ઘણું સાહિત્ય સર્જ્યું છે. અંગ્રેજીમાં લખે છે. સલમાન રશ્દી કે અરુંધતી રૉયનાં નામ પૉપ્યુલર બન્યાં એના કેટલાંય વર્ષો પહેલાંથી ભારતીય વાચકો રસ્કિન બૉન્ડના નામથી પરિચિત છે. રસ્કિન બૉન્ડની એક નવી રૂપકડી ચોપડી રૂપાએ પ્રગટ કરી છે: અ લિટલ બુક ઑફ લાઈફ. રસ્કિન વિદ્યાર્થીકાળમાં એક ડાયરી રાખતા અને ખૂબ વાંચતા. એમાંથી ગમતી વાતો ટપકાવી લેતા. આ ડાયરીનાં થોડાંક વાક્યો આ નાનકડા પુુસ્તકમાં સજાવીને મૂક્યાં છે. વચ્ચે વચ્ચે થોડાં પાનાં કોરાં છે. વાચકે પોતે પોતાના વિચારો કે પોતાને ગમતા બીજા કોઈકના વિચારો ટપકાવવા હોય તો ખુશીથી ટપકાવી શકે. કમ્પ્યુટરના જમાનામાં વિવિધ પ્રકારના ટાઈપ કે ફોન્ટ્સની કમી નથી છતાં આ પુસ્તકમાં કેલિગ્રાફીનો થોડોક પણ સુંદર ઉપયોગ થયો છે. નાની સાઈઝનાં દોઢસો-પોણા બસો પાનાંના આ પુસ્તકનો ઉઘાડ આ વાક્યથી થાય છે. આમાંનું કોઈ પણ વાક્ય રસ્કિન બૉન્ડનું પોતાનું લખેલું નથી, એમને સ્પર્શી ગયેલાં આ વાક્યો છે. આરંભમાં કેલિગ્રાફીથી લખ્યું છે: ‘જે કંઈ શરૂઆતો થાય છે તે માટે ભગવાનનો આભાર. નવાં વર્ષો, નવા મહિનાઓ, દર ચોવીસ કલાકે નવા વિશ્ર્વને ઉઘાડતા સૂર્ય સાથે શરૂ થતા નવા દિવસો.’ બાય ધ વે, અમારા ફોનના લૉક્ડ સ્ક્રીન પર દેખાય છે: ‘દરેક નવો દિવસ જીવનમાં પરિવર્તનની એક ઔર તક લઈને આવે છે.’ રસ્કિન બૉન્ડ. એમની લિટલ બુક ઑફ લાઈફમાં સોરેન કિર્કગાર્ડ નામના મહાન તત્ત્વચિંતકની સાદીસીધી વાત છે: ‘જિંદગી સમજવા માટે પાછળ નજર કરીને જોવું પડે પણ જીવવા માટે તો નજર આગળ જ રાખવાની હોય.’ વાંચન વિશે જોસેફ એડિસનનો ક્વૉટ છે: ‘શરીર માટે જેમ વ્યાયામ જરૂરી છે, એમ મન માટે વાંચન જરૂરી છે.’ પુસ્તકો વિશેનું એક ક્વૉટ અમને ક્રોસવર્ડની દુકાનમાંથી એક બુકમાર્ક મળ્યું ત્યારે ખૂબ ગમી ગયું. વર્ષોથી એને નાનકડી ફ્રેમમાં મઢાવીને રાખ્યું છે. દાંત તૂટી જાય એવું નામ ધરાવતા ડેસિડિરિયસ ઈરાસ્મસે લખ્યું છે: ‘મારા હાથમાં જ્યારે પણ થોડા ઘણા પૈસા આવે ત્યારે હું પુસ્તકો ખરીદું છું. પછી જો એમાંથી કંઈ વધે તો ખાવાપીવાનું અને કપડાં ખરીદું છું.’ વિન્સ્ટન ચર્ચિલનું એક વાક્ય મૂક્યું છે: ‘માન્યું કે આપણે સૌ મામૂલી જંતુઓ છીએ. એવું જ હોય તો હું પ્રકાશ લઈને આવતો આગિયો છું.’ પરમ દિવસે મોદીજી કેશુબાપાને મીઠાઈ ખવડાવવા પહોંચી ગયા એ પહેલાં એમણે જરૂર રસ્કિન બૉન્ડની ડાયરી વાંચી લીધી હશે: ‘સૌજન્યતા એક અમોઘ શસ્ત્ર છે, ખાસ કરીને ઘમંડી અને દુશ્મનાવટ ધરાવતા લોકો સામે વપરાય છે ત્યારે.’ બે ભૂત એકબીજા સાથે માણસજાત વિશે વાત કરતા હતા. યુવાન ભૂતે પૂછ્યું: ‘આ લોકોને છેતરવાની શ્રેષ્ઠ ચાલ કઈ?’ અનુભવી ભૂતે કહ્યું, ‘એમને કહેવાનું કે તમારી પાસે ખૂબ બધો ટાઈમ છે. ટાઈમ જ ટાઈમ છે અને એ લોકો ઉલ્લુ બની જશે. આરંભે શૂરાઓ માટે આ સારી શિખામણ છે: ‘લગભગ બધા જ લોકો કોઈ પણ વાતનો ફર્સ્ટ હાફ તો પૂરો કરી શકે છે, પણ સફળ એ કહેવાય જે સેક્ધડ હાફ પૂરો કરે.’ અમને લાગે છે કે લગ્નથી માંડીને નવલકથાલેખન સુધીની જીવનની સેંકડો વાતો માટે આ વાક્ય બરાબર બંધબેસે છે. મુસીબતો આવતીજતી હોય છે, એટલે જો તમારા પ્રયાસો અવિરત ચાલતા હશે તો તમે જીતવાના જ છો- આ વાક્યને મનમાં રાખીને જ સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટરો સો સદી ફટકારતા હશે. અત્યારે તો જીવનમાં આવું બનવાને હજુ વાર છે પણ જો બન્યું તો આ વાક્યને અનુસરવું: ‘બહુ બધું કામ ચડી ગયું હોય ત્યારે એક રજા લઈ લેવી.’ ‘મૂરખ હંમેશાં વિદ્વાન જેવો દેખાવાની કોશિશ કરતો હોય છે. જે વિદ્વાન છે એને જોકર જેવા દેખાવામાં પણ કોઈ શરમ નડતી નથી.’ આ હન્ડ્રેડ પર્સેન્ટ સાચી છે. ‘માણસ બે વાત ક્યારેય છુપાવી નથી શકતો: પોતે પીધેલો છે, એ વાત અને પોતે પ્રેમમાં છે, એ વાત.’ આ વાક્ય કોઈ ‘અનામી’નું છે એવું લખ્યું છે. પણ અમને ખાતરી છે કે નહીં પીનારાઓ પણ આ વાક્યની નીચે સહી કરશે. ‘જિંદગીના લક્ષ્યો પ્રાપ્ત કરવાનાં હોય, એના વિશે વાતો ન કરવાની હોય.’ અને આ એક વાત લેખકો માટે: ‘લેખકોને વાંચવાના હોય, સાંભળવાના ન હોય.’ કર્મણ્યે વાધિકારસ્તેવાળી ગીતાની ફિલસૂફી સાદી ભાષામાં કહેવી હોય તો કહી શકાય કે: જીતવાની ઈચ્છા ન હોય તો મોટેભાગે સફળતા મળવાની જ છે. અને રાલ્ફ વાલ્ડો એમર્સનના એકાદ ક્વૉટ વિના આ પ્રકારનું કોઈ પણ સંપાદન અધૂરું કહેવાય: ‘મહાન માણસ હંમેશાં નાનો બનવા તૈયાર હોય છે.’ કેશુભાઈના ઘરે બેસવા માટે મોદીજીએ પ્લાસ્ટિકની ખુરશી જાતે ઉપાડીને પોતાના માટે ગોઠવી હતી, જોયું’તું ટીવી પર? આ સલાહ વકીલો અસીલોને આપતા હોય છે કે અદાલતમાં જજ સમક્ષ ખપ પૂરતા શબ્દોમાં જ બોલવું. અહીં આ સલાહ રોજિંદા જીવન માટે અપાઈ છે: ‘બોલતી વખતે સાચવવું. બહુ બોલ બોલ નહીં કરવાનું. બહુ બધા શબ્દો વાપરવાથી બહુ બધી વાર હારવું પડે છે.’ અને છેલ્લે: ‘’તમારે તમારી ગતિએ આગળ વધવાનું. પણ ક્યારે અટકવાનું છે એનું ધ્યાન રાખવાનું!’ |
ભૂલી જાઓ, જીવી જાઓ
| સંબંધમાં તિરાડ પડે છે ત્યારે, અશક્ય લાગતું હોવા છતાં, યાદોને ભૂલી જવી એ જ મનને શાંત કરી શકે છે |
કડવાશને ભૂલો ‘મારી નાની બહેન મારાથી વધુ રૂપાળી છે. મારા વિવાહ માટે મને છોકરો અને એના સંબંધી જોવા આવવાના હતા ત્યારે મેં એને એમની સામે ન આવવા તાકીદ કરેલી, કેમકે મેં એ છોકરાને મનોમન મારા જીવનસાથી તરીકે પસંદ કરી લીધેલો. નાની બહેન એમની સામે ધરાર આવી અને એ લોકોએ એને જ પસંદ કરી લીધી. એનાં લગ્ન ત્યાં થઈ ગયાં. આજે હું પણ મારા કુટુંબમાં ખુશ છું, પણ બહેન સાથેના સંબંધમાં ઊંડી તિરાડ પડી ચૂકી હતી અને બોલવાનો વ્યવહાર સુધ્ધાં બંધ થઈ ગયો હતો. લગ્ન પછી મારા પતિને બધી વાતની જાણ થઈ ત્યારે એમણે મને સમજાવી કે આટલો લાંબો સમય કડવી યાદોને મનમાં સંઘરી રાખવી કોઈ રીતે સારું નથી. એથી તું માનસિક તાણમાં રહેશે અને સગ્ગી બહેન સાથે જીવનભર સંબંધ કપાઈ જશે. આ પહેલા બહેને મારી માફી માગવાના ઘણા પ્રયાસ કરેલા પણ મેં કઠોર વલણ કાયમ રાખેલું. એટલે સંબંધ સુધારવાની પહેલ મારે જ કરવાની હતી. એની બર્થ ડે પર મારા પતિ સાથે એક નાનકડી ભેટ લઈ એના ઘેરે અમે પહોંચી ગયાં તો એ ખુશીમાં મને બાઝીને અધડો કલાક રડતી રહી. હવે મારા મનમાં એને માટે કોઈ કડવાશ નથી. આ વાત અમદાવાદની ૩૧ વર્ષની હોમમેકર કાલિંદી (નામ બદલ્યું છે)ની. આ અંગે મનોવિજ્ઞાની સલાહકાર ડો. અનુ ગોયલ કહે છે. કોઈ માણસ ક્રોધ અને નફરતને લાંબો સમય પોતાની અંદર પાળ્યા કરે તો એથી એને હાઈપર ટેન્શન, હાઈ બ્લડપ્રેશર અને ડિપ્રેશન જેવી બીમારી લાગુ પડી શકે છે. બીજાના ખરાબ-આઘાતજનક વર્તનને શક્ય એટલા વહેલા ભૂલવાની કોશિશ કરવી જોઈએ. આવી ભાવનાઓ માણસને નકારાત્મક બનાવી દે છે અને જીવનમાં આગળ વધવું મુશ્કેલ બની જાય છે. તમારા સારા માટે જીવનની એક એક પળ ખૂબ કીમતી હોય છે. બીજાઓ માટે જેટલી વધુ નારાજગી રાખીશું એટલી વધુ ખુશી આપણાથી દૂર ભાગશે. કલ્પના શાહ (નામ બદલ્યું છે) કોલેજનાં નિવૃત્ત અધ્યાપિકા છે. તેમણે કહ્યું: મારી દીકરીએ ૧૦ વર્ષ પહેલા અમારા સૌની મરજી વિરુદ્ધ પરધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરેલાં. એ ઘટનાએ અમને જબરો આઘાત આપેલો. પાછળથી સામાજિક કારણોસર અમે દીકરી-જમાઈને અપનાવી નહોતાં શક્યાં. જે દીકરીને અમે આટલા પ્રેમથી મોટી કરી એણે અમને આટલું જબ્બર દુ:ખ કેમ આપ્યું એ વિચારી હું રડતી રહેતી. હું ડિપ્રેશનમાં સરી ગયેલી. બે વર્ષ પહેલા ‘મિચ્છામિ દુક્કડમ’ અવસરે એણે પત્ર લખી અમારી સૌની માફી માગી. જૈનોમાં આ અવસરે ક્ષમા માગવા-આપવાનું ખાસ માહાત્મ્ય છે. એવું મનાય છે કે ક્ષમા માગનાર અને આપનાર, બંનેના આત્મા શુદ્ધ થાય છે એટલે અમે પણ એને માફ કરી દીધી. અમે એમને સપરિવાર મળવા બોલાવ્યાં. દીકરીનાં સંતાનો અને પ્રામાણિક પતિને જોઈ અમારો ગુસ્સો દૂર થઈ ગયો. હું એને માફ ન કરતે તો મારી જાતને, કદી માફ ન કરી શકતે. મેં બહુ તીવ્રતાથી અનુભવ્યું કે માફ કરી દેવું એ બીજાને માટે જ નહીં, પરંતુ પોતાને માટે પણ બહુ સારું હોય છે. નાજુક છે સંબંધની દોર આપણને ન ગમતા હોય એવા લોકો સાથે પણ સામાજિક કારણોસર આપણે સંબંધ સાચવવા પડતા હોય છે. આ અંગે માનસશાસ્ત્રી ડો. સુરભી સોની કહે છે: આપણી ઈચ્છા-પસંદગી અનુસાર આપણી સાથે લોકો વર્તાવ કરે હંમેશાં શક્ય નથી. કોઈ માણસ ખરાબ વ્યવહારના આધારે એક એક સંબંધ તોડતો જાય તો એના જીવનમાં સાવ એકલા પડી જવાની સ્થિતિ આવશે. એનો અર્થ એ બિલકુલ નથી કે દરેક ખોટા વર્તન-વ્યવહારને તમે ચૂપચાપ સહન કર્યા કરો. નજીકના કોઈ મિત્ર કે સગાના દુર્વ્યવહાર કે દગા અંગે તમે એની સામે નારાજગી જરૂર પ્રગટ કરો. એની સાથે થોડું અંતર પણ બનાવી લો, પણ હંમેશાં માટે દુશ્મની ન ઊભી કરી લો. એના વિષેની ચર્ચા બંધ કરી દેશો તો એ કડવા અનુભવને ભૂલવાનું તમારે માટે થોડું સરળ બની જશે. ફર્ગેટ એન્ડ ફરગિવ ‘ફર્ગેટ એન્ડ ફરગિવ’ના લાભો છે. એ સમજો સ્વીકારો અને અમલમાં મૂકો. આ રીતે... કોઈએ તમારી લાગણીને ઠેસ પહોંચાડી હોય તો એના એ વર્તનને યાદ કરીને મનને દુ:ખી કરવાને બદલે ત્યાંથી ધ્યાન બીજે વાળી લેવાનો પ્રયાસ કરો. ખરાબ વર્તન કરનાર કે નુકસાન પહોંચાડનાર વ્યક્તિ માફી માગવા ઈચ્છતી હોય ત્યારે તમારો મૂડ ગમે તેટલો ખરાબ હોય તો પણ એની પર અંકુશ રાખી એને પછીથી વાત કરવાનો આગ્રહ કરો. બીજાના વ્યવહારથી આપણને દુ:ખ થતું હોય તો આપણે એવું કંઈ ન કરવું જોઈએ જેથી આપણું કષ્ટ વધી જાય. ચિત્રકામ, સંગીત શ્રવણ કે તાલીમ, વાંચન-લેખન, બાગકામ કે બાળકોને વાર્તા સંભળાવવા જેવી મનગમતી પ્રવૃત્તિમાં જાતને પરોવી રાખવાની કોશિશ કરો. નકારાત્મક વાતો પાછળ મૂકી ઉત્સાહ સાથે આગળ વધવાનું નામ જ જિંદગી છે. |
સત્ય પણ ખરાબ માણસના હાથમાં ઘાતક શસ્ત્ર
| સત્ય અને અસત્યની ભેળસેળમાં સાચા-ખોટાનાં પારખાં કરવાં મુશ્કેલ છે |
સારું બોલવું, સાંભળવું, જોવું અને સારું કરવું એ ચાર ગુણો માણસના જીવનમાં વણાઇ જાય તો તેનું જીવન ધન્ય બની જાય. સારું બોલવું એટલે સત્ય બોલવું અને સારાસારનો વિવેક રાખવો, સારું સાંભળવું એટલે શ્રુત વચનો સાંભળવા, નિંદાથી દૂર રહેવું અને ગમે ત્યાં કાન સરવા કરવા નહીં. સારું જોવું એટલે જે છે તે જોવું તેમાં મનના રંગ પૂરવા નહીં અને સારું કરવું એટલે પ્રેમ, દયા અને કરુણા રાખવી અને જાણે અજાણ્યે કોઇનું કશું ખરાબ ન થાય, કોઇને ક્ષતિ ન પહોંચે તેનો ખ્યાલ રાખવો. અત્યારના સમયમાં સાચું બોલવું, સાંભળવું અને અનુસરવું કોઇને ગમતું નથી. સાચું બોલવામાં પણ ઘણાં ભયસ્થાનો રહેલા છે. લોકો પોતાના સ્વાર્થ માટે જૂઠનો સહારો લેતા હોય છે. માણસો કારણ વગર વાતવાતમાં જુઠું બોલતા હોય છે અને એકબીજાને બનાવતા હોય છે. સત્ય અને અસત્યની એટલી ભેળસેળ થઇ ગઇ છે કે સાચું શું અને ખોટું શું એ સમજવું મુશ્કેલ થઇ ગયું છે. દરેક માણસ પોતાની વાત સાચી સમજતો હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગર સત્ય સમજી શકાતું નથી. તેને સમજવા માટે ખુલ્લું દિલ અને વિશાળ દૃષ્ટિ જોઇએ. દરેક માણસ પોતાની રીતે સાચું શું છે તે મનમાં સમજતો હોય છે. પરંતુ સત્ય જ્યારે અનુકૂળ હોતું નથી ત્યારે જૂઠને સત્યના વાઘા પહેરાવીને સત્ય બનાવી દેવામાં આવે છે. પરંતુ આ જૂઠ લાંબો સમય ટકી શકતું નથી. એક જૂઠને છુપાવવા માટે અનેક જૂઠનો સહારો લેવો પડે છે અને છેવટે સત્ય પ્રગટ થઇ જાય છે. દરેક માણસ માને છે કે પોતે કહે છે તે સાચું છે. પોતાનો કક્કો સાચો ઠેરવવા માટે જાતજાતના પેંતરા થતાં હોય છે. કોઇ પોતાની કહેવાતી સાચી વાત ન માને ત્યારે અહમ્ ઘવાય છે. મોટા ભાગના મનદુ:ખો આમાંથી ઊભા થતાં હોય છે. કોઇ કાંઇ સંભળાવી જાય, ઊંચા સાદે બોલે કે ઠપકો આપે ત્યારે માણસનું મન ઘવાય છે. મનના ઘાવ જલદીથી રૂઝાતા નથી. પોતાનું અપમાન, અવહેલના થઇ હોય તેનો બદલો લેવાનો માણસ મોકો શોધતો હોય છે. કટુ વચનો દ્વારા એકબીજાને પરાસ્ત કરવાના પ્રયાસો થતા હોય છે. આ બધાના મૂળમાં એક જ વાત હોય છે. હું કહું એ જ સાચું બીજું બધું જૂઠ્ઠું. એકબીજા વચ્ચેના વહેવારમાં આવી નાની નાની વાતો ભૂલાતી નથી. અને પૂર્વગ્રહના જાળાઓ ગુંથાતા હોય છે. કોઇ માણસ પ્રત્યે પૂર્વગ્રહ ઊભો થાય ત્યારે તેની કોઇ વાત ગમે તેટલી સાચી હોય તો પણ તેને સ્વીકારવા મન માનતું નથી. સત્ય સ્વીકારવામાં અભિમાન આડુ આવે છે. અહંકાર માણસને સાચી વાત સમજવા દેતો નથી. આમ પણ સત્ય શું છે એ દરેકની સમજણની વાત છે. સત્યના પણ અનેક પાસાં છે. સૌની વાતમાં થોડા થોડા સત્યના અંશો હોય છે. સંપૂર્ણ સત્યનો તાગ મેળવવો મુશ્કેલ છે. સત્ય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર બદલતું રહે છે. આજે જે વાત આપણને સાચી લાગતી નથી એ કાલે સાચી પણ લાગે. સમજણ અને અનુભવ આપણને સત્યથી નજીક લાવે છે. સત્ય બોલવામાં પણ સાવધાની રાખવાની જરૂર છે. તેનું પ્રયોજન શું છે તે સમજવું જોઇએ. સત્ય બોલવાનો આપણો હેતુ શું છે? આમ કરીને આપણે શું ઇચ્છીએ છીએ? સત્ય બોલીને આપણે બીજાને ફસાવવા માગીએ છીએ કે? ભીતરમાં શું ઘટી રહ્યું છે એ બધી બાબતોનું આમાં સવિશેષ મહત્ત્વ રહેલું છે. કેટલીક વખત માણસ સત્ય બોલે છે પણ બીજાના દિલને ઘાવ પહોંચાડવા માટે, બીજાને અપમાનિત કરવા માટે અથવા બીજાની માનહાનિ કરવા માટે. સત્ય પણ ખરાબ માણસોના હાથમાં ઘાતક શસ્ત્ર બની જાય છે. અપ્રિય સત્ય બોલવામાં કેટલીક વખત સૂક્ષ્મ હિંસા થઇ જતી હોય છે. આંધળા માણસને આપણે આંધળો કહીએ. ચોરને ચોર અથવા પાપીને પાપી કહીએ તો એ બિલકુલ સત્ય છે. પણ આપણી કેવી દૃષ્ટિ છે તેના પર આ સત્યનો આધાર છે. ચોરને ચોર કહીએ ત્યારે તેના દુષ્કૃત્ય તરફ આપણે ધ્યાન દોરવા માગીએ છીએ કે તેને અપમાનિત કરવા માગીએ છીએ એ બાબત મહત્ત્વની છે. આપણને પૂરી ખાતરી છે કે તે ચોર છે? તેને ચોર કહેવામાં આપણને આનંદ આવે છે? આપણો વિરોધી, દુશ્મન છે એટલે મોકો મળ્યો છે તો તેને ચોર તરીકે જાહેર કરવાની આપણે તક છોડવા માગતા નથી. આપણે તેના કરતા સારા છીએ એવો રસ તેમાંથી આપણે પ્રાપ્ત કરી રહ્યા નથી ને? આ સત્યનો નહીં પણ અહંકારનો રસ છે. સત્ય બોલવા પાછળ મલિન ઇરાદો હોવો જોઇએ નહીં. સત્ય આપણને પારદર્શક બનાવે છે. સન્માર્ગે ઘેરે છે. જીવનમાં પલટો આવી જાય છે. અનેક જૂઠોમાંથી બચી જવાય છે. આ અંગેની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે. એક ચોર હતો તેને આ ધંધો છોડવો હતો પણ છોડી શકતો નહોતો. તે એક સંત પાસે ગયો અને કહ્યું મહારાજ હું ખોટે પાટે ચડી ગયો છું મને આમાંથી ઉગારો. ચોરીની મને આદત પડી ગઇ છે. સંતે કહ્યું : જે કરતો હોય તે કરતો રહે પરંતુ હંમેશાં સાચું બોલજે. આમ કરીશ તો તને કોઇ દુ:ખ નહીં પડે. ચોરે કહ્યું : મહારાજ ચોરી કરવી અને સાચું બોલવું એ બંને વાતનો કઇ રીતે મેળ બેસે? સંતે કહ્યું : મેં જેમ કહ્યું છે તેમ કર. બીજી કશી બાબતની ચિંતા કરવાનું છોડી દે. સત્ય બોલવાથી તારી ચોરી છૂટી જશે. ચોરને સંતની વાત ગળે ઊતરી અને તેણે નિર્ણય કર્યો કે ગમે તે થાય પણ સત્ય બોલવું. એક વખત તે રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. તે દિવસે રાજા પણ વેશપલટો કરીને રાત્રે ફરવા નીકળ્યો હતો. એમાં તેને ચોરનો ભેટો થઇ ગયો. બંને વાતે વળગ્યા અને વાતવાતમાં રાજાએ પૂછ્યું આટલી મોડી રાતે આપ ક્યાં જાવ છો? ચોર ભાઇએ પ્રતિજ્ઞા લીધી હતી એટલે જુઠ્ઠું તો બોલાય નહીં. તેણે કહ્યું રાજાના મહેલમાં ચોરી કરવા જાઉં છું. રાજાએ કહ્યું : ચાલો હું પણ તમારી સાથે આવું એક કરતા બે ભલા. બંનેએ મહેલમાં પ્રવેશ કર્યો. એવું નક્કી કર્યું કે જે મળે તેમાં બંનેનો અર્ધો અર્ધો ભાગ. એક ઓરડામાંથી ચોરને પેટી મળી એમાં ત્રણ રત્ન હાર હતા. એક હાર પેટીમાં રહેવા દઇને તે બહાર આવ્યો અને રાજાને કહ્યું પેટીમાં ત્રણ હાર હતા. ભાગ પાડવામાં હરકત ન આવે તે માટે બે હાર લાવ્યો છું. એક પેટીમાં રહેવા દીધો છે. રાજાએ કહ્યું : તે આ ઠીક કર્યું. ફરીથી મળવાનો વાયદો કરીને બંને છૂટા પડ્યા. બીજા દિવસે મહેલમાં ચોરી થયાની ખબર પડી. રાજાએ ખજાનચીને તપાસ કરવા મોકલ્યા. પેટી ખુલ્લી હતી. બે હાર ગાયબ હતા. એક અંદર હતો. ખજાનચીના મનમાં લોભ જાગ્યો. તેને થયું બે હાર ચોરાયા કે ત્રણ ચોરાયા રાજાને શું ખબર પડવાની હતી. તેણે એક હાર પોતાના કપડામાં છુપાવી દીધો. તે રાજા પાસે આવ્યો અને કહ્યું મહારાજ બધા હાર ચોરાઇ ગયા છે. રાજાને બધી ખબર હતી. તેણે ખજાનચીને નોકરીમાંથી કાઢી મૂક્યો અને ચોરને ખજાનચી બનાવ્યો. સત્યનો સાધન તરીકે નહીં સાધ્ય તરીકે ઉપયોગ થવો જોઇએ. સત્ય દરેકનું પોતાનું હોય છે. તેમાં જીદ અહંકાર ભળે છે ત્યારે તેનું પરિણામ સારું આવતું નથી. લોકો સામસામા ટકરાય છે. સત્ય સાથે તેમને કોઇ લેવાદેવા હોતી નથી. સત્ય માટે કોઇ લડતું નથી અને સત્યની કોઇ લડાઇ હોતી નથી. સૌ લડે છે પોતાના મિથ્યાભિમાન માટે અને એમાં સૌથી મોટો ભોગ સત્યનો લેવાય છે. |
Subscribe to:
Posts (Atom)


