| જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
સારું
બોલવું, સારુ સાંભળવું અને સારું કરવું આ ત્રણ ગુણ જો માણસના જીવનમાં વણાઇ
જાય તો માણસનું જીવન ધન્ય બની જાય. સારું બોલવું એટલે સત્ય બોલવું, સારું
સાંભળવું એટલે શ્રુત વચનો સાંભળવા, કોઇનું ખરાબ સાંભળવું નહીં અને તેમાં
સાથ આપવો નહીં. નિંદા રસથી દૂર રહેવું અને સારું કરવું એટલે પ્રેમ, દયા અને
કરુણા રાખવી અને આપણાથી જાણ્યે અજાણ્યે કોઇનું કશું ખરાબ ન થાય, કોઇ ક્ષતિ
ન પહોંચે તેનો ખ્યાલ રાખવો.
અત્યારના સમયમાં સાચુ બોલવું બહુ મુશ્કેલ છે. સાચું બોલવું, સાંભળવું અને અનુસરવું કોઇને ગમતું નથી. લોકો વાતવાતમાં કારણ વગર જુઠ્ઠું બોલતા હોય છે અને એકબીજાને બનાવતા હોય છે. સત્ય અને અસત્યની એટલી ભેળસેળ થઇ ગઇ છે કે સાચું શું અને ખોટું શું એ સમજવાનું મુશ્કેલ બન્યું છે. દરેક માણસ પોતાની વાત સાચી માનતો હોય છે. સ્વાર્થ હોય, ભય હોય અને પોતાનું હિત જ્યાં જોખમાતું હોય ત્યાં માણસ સાચું બોલી શકતો નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગર સત્ય સમજી શકાતું નથી તેને સમજ્વા માટે ખુલ્લું દિલ અને વિશાળ દૃષ્ટિ જોઇએ. દરેક માણસ પોતાની રીતે સાચું શું છે અને ખોટું શું છે તે મનમાં સમજતો હોય છે. એટલે આ માટેની દલીલો ઘડી કાઢે છે અને મનને મનાવવાનો પ્રયાસ કરતો હોય છે. મન તેને અંદરથી ધક્કા મારતું હોય છે કે ભાઇ તું જે કરી રહ્યો છે તે સાચું નથી. પરંતુ સત્ય જ્યારે અનુકૂળ હોતું નથી ત્યારે જૂઠને સત્યના વાઘા પહેરાવી દેવામાં આવે છે. પણ તે લાંબો સમય ટકી શકતું નથી. એક જૂઠને છૂપાવવા માટે અનેક જૂઠનો સહારો લેવો પડે છે અને છેવટે જેવું છે તેવું પ્રગટ થઇ જાય છે. દરેકને પોતે જે કહે છે તેમાં સત્ય લાગે છે. અને પોતે જે માને છે તેમાં સત્ય દેખાય છે. ભગવાન મહાવીરે કહ્યું છે હોંશપૂર્વક સાવધાન રહીને, અસત્યનો ત્યાગ કરીને હિતકારી સત્ય વચન બોલવું જોઇએ. માણસ સત્ય બોલવામાં સત્યનો જ ગેરઉપયોગ ન કરે એટલે મહાવીરે આ મર્યાદા મૂકી છે. મહાવીર કહે છે કે જે કાંઈ બોલો હોંશપૂર્વક સાવધાન રહીને બોલો. માણસ જ્યારે હોંશપૂર્વક જાગૃતિ રાખીને બોલે ત્યારે તે અસત્ય બોલી જ ન શકે. મહાવીર કહે છે હિતકારી સત્ય વચન બોલવું જોઇએ. આમાં પણ તેમણે મર્યાદા મૂકી છે. આપણે સત્ય તો બોલીએ પણ તેની પાછળનો આશય શું છે તે પણ મહત્વનું છે. કેટલીક વખત માણસ સત્ય તો બોલે છે પણ બીજાના દિલ પર ઘા કરવા માટે, બીજાને નીચો પાડવા માટે અથવા બીજાનું અપમાન કરવા માટે. આમ થાય ત્યારે સત્યને ઝાંખપ લાગે છે. સત્ય પણ ખરાબ માણસના હાથમાં ખરાબ બની જાય છે. અપ્રિય સત્ય બોલવામાં કેટલીક વખત સૂક્ષ્મ હિંસા પણ થઇ જતી હોય છે. આંધળા માણસને આપણે આંધળો કહીએ, કોઇ ચોરી કરતા પકડાય તેને પાપી કહીએ તો એ બિલકુલ સત્ય છે. જ્યારે આપણે કોઇને ચોર કહીએ ત્યારે તેના દુષ્કૃત તરફ ધ્યાન દોરવા માગીએ છીએ કે તેને જાહેરમાં અપમાનિત કરવા માગીએ છીએ તે બાબત મહત્ત્વની છે. તેને ચોર કહેવામાં આપણને આનંદ આવે છે ? આપણો વિરોધી દુશ્મન છે એટલે મોકો મળ્યો છે તો તેને ચોર તરીકે જાહેર કરવાની તક આપણે છોડવા માગતા નથી. તેને ચોર કહીને આપણે એક સારા સજ્જન અને પ્રમાણિક છીએ તેવો રસ આમાંથી પ્રાપ્ત કરી રહ્યા નથી ને ? આંધળાને આંધળો કહેવામાં ભલે સત્ય હોય પણ તેનામાં રહેલી શારીરિક ઉણપ અંગે આમાં તિરસ્કારનો ભાવ છે. આ સત્યનો નહીં અહંકારનો રસ છે. બેહોશીમાં બોલાયેલું સત્ય અસત્ય કરતાં પણ ભયંકર છે. સાવધાનીનો અર્થ છે આપણો સત્ય બોલવાનો હેતુ શું છે એનું પરિણામ આપણે શું ઇચ્છીએ છીએ? સત્ય બોલીને બીજાને ફસાવવા માગીએ છીએ કે? આની પાછળનો ઉદ્દેશ શું છે. અંદર શું ઘટી રહ્યું છે આ બધાનું સવિશેષ મહત્વ છે. મહાવીર કહે છે સત્યને જોવા માટેની બધી દૃષ્ટિ અધૂરી છે. કોઇ એક બાજુને જોઇએ છીએ તો બીજી બાજુ ચૂકી જવાય છે. પૂર્ણ તો એ જ દેખી શકે જે બધી દૃષ્ટિઓથી મુક્ત થઇ જાય. ક્રોધ, લોભ, ભય અને મજાકમાં પણ અસત્ય બોલવું જોઇએ નહીં. સત્ય આપણને પારદર્શક બનાવે છે અને સન્માર્ગે દોરે છે એમાં કશી બનાવટ કરવી પડતી નથી. સત્ય બોલવાનો એક મોટો ફાયદો એ છે કે અનેક જૂઠોથી બચી જવાય છે. આ અંગેની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે. એક માણસ ગરીબ હતો પેટ ભરીને ખાવાનું પણ ન મળે એવી સ્થિતિ હતી. કુટુંબનું ગુજરાન કરવાનું મુશ્કેલ હતું. વખાનો માર્યો તે ચોરી કરવા લાગ્યો. ચોરી કરવી ગમે નહીં પણ બીજો કોઇ ઉપાય નહોતો. દિલ અંદરથી ડંખતું હતું. તેથી તે સંત જેવા એક ફકીર પાસે ગયો અને કહ્યું: હું ખોટે રવાડે ચડી ગયો છું. પણ મારી પાસે બીજો કોઇ ઉપાય નથી. તો હવે મારે શું કરવું? ફકીરે કહ્યું: જે કરતો હોય તે કરતો રહે, પરંતુ હંમેશાં સાચું બોલજે. જૂઠ કદી બોલતો નહીં. સત્યને વળગી રહીશ તો તને કાંઇ દુ:ખ નહીં પડે. ચોરે કહ્યું: બાબા ચોરી કરવી અને સાચું બોલવું એ બંને વાતને કઇ રીતે મેળ જામશે? ફકીરે કહ્યું: મેં જેમ કહ્યું છે તેમ કર. બીજી કશી બાબતની ચિંતા છોડી દે. સત્ય બોલવાથી તારી ચોરી છૂટી જશે અને અંતે તને ફાયદો થશે. ચોરને ફકીરની વાત ગળે ઊતરી ગઇ અને તેણે નિશ્ર્ચય કર્યો કે ગમે તે થાય પણ સાચું બોલવું. એક વખત તે રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. તે દિવસે રાજા પણ વેશ પલટો કરીને રાત્રે નગરનું નિરીક્ષણ કરવા નીકળ્યો હતો. એમાં તેને ચોરનો ભેટો થયો બંને વાતે વળગ્યા અને વાતવાતમાં રાજાએ પૂછ્યું: આટલી મોડી રાતે આપ ક્યાં જાવ છો? ચોર ભાઇએ પ્રતિજ્ઞા લીધી હતી. એટલે જૂઠું તો બોલાય નહી. એટલે તેણે સાયું કહી દીધું કે હું રાજાના મહેલમાં ચોરી કરવા માટે જાઉં છું. રાજાએ કહ્યું : તો ચાલો હું પણ તમારી સાથે આવું એક કરતાં બે ભલા. બંનેએ મહેલમાં પ્રવેશ કર્યો અને એવુ નક્કી કર્યું કે જે મળે તેમાં બંનેનો અર્ધો અર્ધો ભાગ. રાજા ધ્યાન રાખવા માટે બહાર ઊભો રહ્યો અને ચોર મહેલના ઓરડામાં ઘુસ્યો. ચોરે મહેેનત અને ખાંખાખોળા કરીને એક પેટી શોધી કાઢી અંદરથી ત્રણ રત્ત્નહાર મળ્યા. એક હાર પેટીમાં રહેવા દઇને બાકીના બે હાર લઇને ચોર બહાર આવ્યો. એક હાર રાજાને આપીને કહ્યું : પેટીમાં આવા ત્રણ હાર હતા. પરંતુ આપણને ભાગ પાડવામાં મુશ્કેલી થાય એટલે બે લાવ્યો છું. અને એક હાર અંદર પેટીમાં રહેવા દીધો છે. રાજાએ કહ્યું: તે આ ઠીક કર્યું ફરીથી મળવાનો વાયદો કરીને બંને છૂટા પડ્યાં. બીજા દિવસે રાજાએ ખજાનચીને કહ્યું: ઉપરના ઓરડામાં ચોરી થયાના ખબર મળ્યા છે. ઘરેણાની પેટી કોઇએ ઉઘાડી છે. ઉપર જઇને જુઓ બધું ચોરાઇ ગયું છે કે કાંઇ બાકી રહ્યું છે. ખજાનચીએ જઇને જોયુ તો ઘરેણાંની પેટી ખુલ્લી હતી તેમાં રહેલા ત્રણ હારમાંથી બે ગુમ થયા હતા. ખજાનચીના મનમાં લોભ જાગ્યો તેને થયું કે બે હાર ચોરાયા છે કે ત્રણ રાજાને શું ખબર પડવાની છે. તેણે ત્રીજો હાર કપડામાં છુપાવી દીધો અને ખાલી પેટી લઇને રાજા પાસે આવ્યો અને કહ્યું : મહારાજ બધા હાર ચોરાઇ ગયા છે. રાજાને બધી ખબર હતી. તેના ગુસ્સાનો પાર રહ્યો નહીં. તેણે તુરંત ખજાનચીને નોકરીમાંથી કાઢી મૂક્યો અને પેલા સાચાબોલા ચોરને ખજાનચી બનાવ્યો. સત્યનો સાધન તરીકે નહીં સાધ્ય તરીકે ઉપયોગ થવો જોઇએ. હું કહું એ જ સાચું એવા અભિમાને અનેક અનર્થો સર્જ્યા છે. દરેકને પોતાનું સત્ય છે એમાં જીદ ભળે છે ત્યારે તેનું પરિણામ સારું આવતું નથી. હુંસાતુંસી, હઠાગ્રહ અને અહંકારમાં સત્ય પ્રગટ થતું નથી. લોકો સામસામા ટકરાતા હોય છે. સત્ય સાથે તેમને કોઇ લેવા દેવા હોતી નથી. સત્ય માટે કોઇ લડતું નથી. સત્યની કોઇ લડાઇ હોતી નથી. સૌ લડે છે પોતાના મિથ્યાભિમાન માટે અને એમાં સૌથી મોટો ભોગ સત્યનો લેવાય છે. |
Showing posts with label સત્ય. Show all posts
Showing posts with label સત્ય. Show all posts
Sunday, December 6, 2015
અનેક જૂઠોથી બચવાનો ઉપાય સત્ય- મહેન્દ્ર પુનાતર
Thursday, July 9, 2015
Monday, April 13, 2015
યોગ અને સત્ય-સૌરભ શાહ
| યોગ અને સત્ય: બીજાનું અહિત ન થાય તે માટે બોલાયેલું જુઠ્ઠાણું સત્ય છે |
સૌરભ શાહ
લોકો
મને કટાક્ષમાં પૂછે છે: અચ્છે દિન આયે? હું કહું છું જે દિવસે નરેન્દ્ર
મોદીએ વડા પ્રધાનપદના સોગંદ લીધા ત્યારથી જ અચ્છે દિન શરૂ થઈ ગયા છે.
નાનામોટા અનેક નિર્ણયો તેમ જ એનાં પરિણામો ટાંકી શકાય પણ એ કામ મોદીને
પીએમપદે વરસ પૂરું થશે ત્યારે આવતા મહિનાની ૨૬મીએ કરીશું. અત્યારે એમાંનો
માત્ર એક મુદ્દો લઈએ આરોગ્યનો.
મોદી વડા પ્રધાન બન્યા એ પછી, ગયા વર્ષના નવેમ્બરની ૯મીએ સરકારે એક નવી સ્વતંત્ર મિનિસ્ટ્રી ઊભી કરી - ‘આયુષ’. આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી. આ પાંચેય ઉપચાર પદ્ધતિના પ્રથમાક્ષરો એ.વાય.યુ.એસ.એચ. એટલે ‘આયુષ’. કેન્દ્ર સરકારના આ મંત્રાલયનું બીજ પી. વી. નરસિંહ રાવ વડા પ્રધાન હતા ત્યારે નખાયું. માર્ચ ૧૯૯૫માં એમણે ઈન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન ઍન્ડ હોમિયોપથી નામનો સરકારી ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો જેને નવેમ્બર ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે ‘આયુષ’નું નામ આપ્યું. મોદી સરકારે આ ખાતાને ફુલકુલેજેડ મિનિસ્ટ્રીનું સ્વરૂપ આપીને એનો વ્યાપ વધાર્યો. એ પછી બીજા જ મહિને સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૭૭ રાષ્ટ્રના સહયોગથી ૨૧ જૂનનો દિવસ ‘ઈન્ટરનેશનલ યોગ ડે’ તરીકે ઊજવવાનું નક્કી કર્યું. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રથમ ઉજવણી બે મહિના પછી થવાની. ભારતના સેક્યુલરો ભલે બૂમાબૂમ કરે કે યોગ તો હિન્દુત્વ સાથે સંકળાયેલી પરંપરા છે માટે મુસ્લિમ વિદ્યાર્થીઓને ભણાવતી શાળાઓમાં યોગાભ્યાસ ફરજિયાત ન હોવો જોઈએ. અમેરિકા સહિત ઘણા બધા દેશોએ કહ્યું કે યોગને માત્ર હિંદુ ધર્મની પરંપરા સાથે સાંકળીને સીમિત કરવાની જરૂર નથી, એનો લાભ દરેક ધર્મ-જાતના લોકોએ લેવો જોઈએ. યોગસાધના એટલે માત્ર યોગાસન કરવા એવું નહીં. ‘યોગ એટલે આસન અને શ્ર્વાસની કસરત (પ્રાણાયામ) એવું માનવું એ હીરાને લખોટી માનવા જેવું છે’ એવું સ્પષ્ટ મંતવ્ય ‘યોગસાધના અને જૈનધર્મ’ પુસ્તકમાં લેખક સુરેશ ગાલાએ વ્યક્ત કર્યું છે. આ પુસ્તકમાં લેખક જાણકારી આપે છે કે ભારતની યોગસાધનાની પરંપરા અનાદિ છે. આ અનાદિ યોગસાધનાને સૂત્રોમાં ગૂંથવાનું કામ મહર્ષિ પતંજલિએ કર્યું. મહર્ષિ પતંજલિએ ‘પાતંજલ યોગસૂત્ર’ ગ્રંથ રચીને યોગ જે માત્ર સાધનાનો વિષય હતો એને શિક્ષણનો પણ વિષય બનાવ્યો. મહર્ષિ પતંજલિનો જન્મ આશરે ૩,૦૦૦ વર્ષો પહેલાં થયો. એક નવી વાત આ પુસ્તક પરથી એ જાણવા મળી કે, ‘મહર્ષિ પતંજલિ માટે એમ પણ કહેવાય છે કે એમણે વાક્શુદ્ધિ માટે વ્યાકરણ, ચિત્તશુદ્ધિ માટે યોગ અને શરીરશુદ્ધિ માટે વૈદિકશાસ્ત્ર લખ્યું. આનો અર્થ એ થયો કે પાણિનિ, પતંજલિ અને ચરક એક જ વ્યક્તિ છે.’ જોકે, અન્ય વિદ્વાનો અને સંશોધકો આ વિશે મતાંતર ધરાવતા હોઈ શકે. આપણે ત્યાંનો પ્રૉબ્લેમ એ છે કે પાશ્ર્ચાત્ય દેશોની જેમ આપણે ડૉક્યુમેન્ટેશન ઓછું કર્યું છે જેનું એક કારણ એ કે હજાર વર્ષના ગુલામીકાળ દરમ્યાન આપણે જે કંઈ દસ્તાવેજીકરણ કર્યું હશે તે આપણા વિદેશી શાસકોએ રફેદફે કરી નાખ્યું. ઠીક છે. સામાન્ય વાચકને, નવા નિશાળિયાને પણ સમજ પડે અને આગળ વધેલાઓને પણ નવી જાણકારી મળે એ શૈલીમાં મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગને આ પુસ્તકમાં સમજાવાયો છે: બહિરંગયોગ, અંતરંગયોગનું પ્રવેશદ્વાર અને અંતરંગયોગ એવા ત્રણ પ્રકાર પાડીને પ્રથમ પ્રકારમાં ૧. યમ, ૨. નિયમ, ૩. આસન અને ૪. પ્રાણાયામ ગણાવ્યા છે. પાંચમો પ્રત્યાહાર જે અંતરંગયોગનું પ્રવેશદ્વાર અને છેલ્લે અંતરંગયોગ જેમાં ૬. ધારણા, ૭. ધ્યાન અને છેલ્લે ૮. સમાધિ આવે. યમનો સંબંધ સામાજિક વિકાસ સાથે, નિયમનો સંબંધ વ્યક્તિગત વિકાસ (સદાચાર) સાથે, આસનનો સંબંધ શારીરિક વિકાસ સાથે, પ્રાણાયામ અને પ્રત્યાહારનો સંબંધ માનસિક વિકાસ સાથે અને ધ્યાન તથા સમાધિનો સંબંધ આધ્યાત્મિક વિકાસ સાથે છે. ધ્યાન અને સમાધિ તરફ જતાં પહેલાં ધારણાનું પગથિયું આવે છે. ધારણાનો અર્થ મનની ચંચળતાને રોકીને મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો. અહીં આપણે પુસ્તકમાંથી માત્ર બેઝિક વાતને સમજવાની કોશિશ કરીએ - યમ અને નિયમ. પાતંજલ યોગસૂત્રના પહેલા પાદ-સાધનપાદ ૩૦મા સૂત્રમાં પાંચ યમ ગણાવ્યા છે: ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય (અચૌર્ય), ૪. બ્રહ્મચર્ય અને ૫. અપરિગ્રહ. અહિંસાની વાત કરતાં પાતંજલિ યોગસૂત્રના પહેલા પાદના ૩૧મા સૂત્રનું વિશ્ર્લેષણ કરતાં સુરેશ ગાલા ચાર પ્રકારની અહિંસા વિશે વાત કરે છે. ૧. જાતિસીમિત અહિંસા: માછીમાર માછલી મારશે, બીજા પ્રાણીઓને નહીં મારે. રાજા ગાય અને બ્રાહ્મણ સિવાય બીજાઓને મારશે. આ થઈ જાતિસીમિત અહિંસા. ૨. દેશસીમિત અહિંસા: તીર્થસ્થળોમાં જીવને નહીં મારે અને માંસાહાર નહીં કરે. પણ તીર્થસ્થળો સિવાયની બીજી જગ્યાએ જીવને મારે અને માંસાહાર પણ કરે. આ દેશસીમિત અહિંસા છે. ૩. કાલસીમિત અહિંસા: પવિત્ર દિવસોમાં જીવોને નહીં મારે અથવા માંસાહાર નહીં કરે. ઘણી માંસાહારી વ્યક્તિઓ શ્રાવણ મહિનામાં કે પછી મંગળવારે કે ગુરુવારે માંસાહાર કરતી નથી. આ કાલસીમિત અહિંસા થઈ. ૪. આચારપરંપરાસીમિત અહિંસા: ક્ષત્રિયોએ ગામ અને બ્રાહ્મણના રક્ષણ માટે કે યુદ્ધમાં હિંસા કરવી જોઈએ, અન્યથા નહીં. આ આચારપરંપરાસીમિત અહિંસા થઈ. આટલું કહ્યા પછી છેલ્લે સમજાવાયું છે: ‘યોગસાધકે પાંચ યમનું પાલન, ઉપરોક્ત સીમા તજીને, અસીમિત કરવું જોઈએ. યોગસાધક માટે પાંચ યમનું પાલન અંતર્મુખ બનવામાં સહાયક છે. અહિંસા પછી સત્ય. લેખક કહે છે: ‘કેટલીક વખત સત્ય બોલવાથી બીજાનું અહિત થવાનું હોય એવે સમયે અસત્ય બોલવું પણ સત્ય બની જાય છે. દાખલો આપતાં લેખક કહે છે: ગાયને મારવા પાછળ પડેલો કસાઈ કોઈ વ્યક્તિને પૂછે કે ગાય કઈ તરફ ગઈ છે ત્યારે વ્યક્તિ સત્ય કહે તો કસાઈ ગાયને પકડીને મારી નાખે. આવા વખતે વ્યક્તિ ગાય ગઈ હોય એ દિશાને બદલે ઊંધી દિશા કસાઈને બતાવે તો એ અસત્ય પણ સત્ય છે. અસ્તેય. કોઈની પણ માલિકીની વસ્તુનું, ધનનું કે અધિકારનું એની ઈચ્છા વિરુદ્ધ, ચોરીછૂપીથી કે બળજબરીથી હરણ કરવું એ સ્તેય છે, ચોરી છે. આવું ન કરવું એને અસ્તેય કહે છે એટલું જણાવીને ઉમેરે છે: ‘પોતાના કર્તવ્યનું પાલન યોગ્ય રીતે ન કરવું એ પણ સ્તેય છે.’ દરેક સંસારીએ અસ્તેય વ્રત પાળતી વખતે લેખકની આ વાત પણ મનમાં સંઘરી રાખવી જોઈએ. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિશે સમજાવીને બીજા પગથિયા તરફ જઈએ: નિયમ જે પાંચ પ્રકારના છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્ર્વર પ્રણિધાન. શૌચના બે હિસ્સા: દ્રવ્ય શૌચ એટલે કે કફશુદ્ધિ અને મુખશુદ્ધિ, મળશુદ્ધિ, સ્વચ્છ વસ્ત્રો તથા સ્થાનશુદ્ધિ. ‘યોગસાધકે મુખશુદ્ધિ (દાતણ કે બ્રશ દ્વારા) રાખવી જોઈએ. જમ્યા પછી કોગળા કરી મુખ શુદ્ધ રાખવું જોઈએ. યોગસાધકના મોઢામાંથી વાસ ન આવવી જોઈએ. યોગસાધકે પેટ સાફ રાખવું જોઈએ, મળરહિત રાખવું જોઈએ. જરૂર પડે તો હરડેનો ઉપયોગ પણ કરવો જોઈએ. નિયમિત સ્નાન કરવું જોઈએ. વસ્ત્રો સ્વચ્છ પહેરવાં જોઈએ. યોગસાધક જે સ્થાનમાં રહેતો હોય એ સ્થાનને પણ સ્વચ્છ રાખવું જોઈએ. શૌચનો બીજો પ્રકાર છે: ભાવશૌચ. અર્થાત્ સ્વાર્થ, પ્રપંચ, ઈર્ષ્યા આદિ મનને મેલું કરવાવાળા ભાવ છે. આ મેલને ધોવા મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થરૂપી શુભભાવનાના જળથી મનને રોજ નવડાવવું જોઈએ. માધ્યસ્થ એટલે તટસ્થ, પક્ષપાતરહિત, રાગદ્વેષરહિત. બીજો નિયમ સંતોષ. પોતાની યોગ્યતા કે ભૂમિકા પ્રમાણે અર્થ અને કામનાં જે સાધનો મળ્યાં છે એમાં સંતુષ્ટ રહેવું. કામ અહીં સેક્સના અર્થમાં જે અતૃપ્ત છે અને જે અશાંત છે એને સુખની પ્રાપ્તિ નથી થતી એવું લેખકનું કહેવું છે. ત્યારબાદનો નિયમ તપ જેના પાંચ પ્રકાર: આહાર, વિહાર, નિહાર, વ્યાયામ અને નિદ્રા. નિહાર એટલે મળમૂત્રાદિની ઉત્સર્ગક્રિયા. એ વિશે સમજાવતાં જણાવાયું છે: ‘યોગસાધકે અઠવાડિયે કે પંદર દિવસે એકવાર હરડે લેવી જોઈએ જેથી શરીરમાં મળ જમા થાય નહીં. યોગસાધકનું ધ્યેય ચિત્ત પર ચોંટેલા મળ (કષાય, ક્રમો, વાસનાઓ ઈત્યાદિ) દૂર કરવાનું છે પણ એની શરૂઆત શરીરને મળવિહીન બનાવીને કરવાની છે. આયુર્વેદમાં કહ્યું છે: સર્વેષાં રોગાણાં કુપિત મલ: કારણમ્. કુપિત મળ જ બધા રોગોનું કારણ છે.’ બાકીના ચાર નિયમ આહાર, વિહાર, વ્યાયામ, નિદ્રા વિશેની સાદી સમજ તો આપણી પાસે છે જ. સ્વાધ્યાયમાં ચિંતનાત્મક અને મનને પોષણ આપે એવા ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યના પરિશીલનની વાત આવે છે અને ઈશ્ર્વર પ્રણિધાનમાં હૃદયમાં પરમચૈતન્ય (ઈશ્ર્વર) પ્રત્યે શરણાગતિના ભાવ સાથેની સાધનાનો સમાવેશ થાય છે. લેખક કહે છે: ‘ઈશ્ર્વર પ્રણિધાન (માત્ર) ભાવના, કલ્પના અથવા વિચારનો વિષય નથી, પણ પ્રત્યક્ષ અનુભવનો વિષય છે.’ |
Subscribe to:
Posts (Atom)
