સત્ય શબ્દોમાં નહીં, ભાવમાં રહેલું છે. શબ્દો તો ગમે ત્યારે બદલી શકાય છે. વાતને છુપાવવી, સ્વાર્થ હોય ત્યારે સાચું બોલવું, કોઈને ફસાવવા સત્ય બોલવું, બોલવાનું હોય ત્યારે ચૂપ રહેવું અને ચૂપ રહેવાનું હોય ત્યારે બોલવું એ પણ અસત્યનો એક ભાગ છે |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર માણસ ત્રણ રીતે જીવે છે - કાં તો સત્યના માર્ગે ચાલે છે, કાં તો અસત્યના માર્ગે ચાલે છે. ત્રીજો માર્ગ છે અર્ધસત્યનો. આ માર્ગ છે સૌથી વધુ ખતરનાક. સત્યથી જીવવાવાળા માણસો બહુ ઓછા છે. અસત્યને ચલાવવા માટે પણ સત્યના વાઘા પહેરાવવા પડે છે. અસત્ય એની મેળે ચાલી શકતું નથી. માણસ મોટે ભાગે અર્ધસત્યનો માર્ગ અપનાવે છે. આમાં ફેરવી તોળાય છે. વાતને બદલી શકાય છે. આવો મારો કોઈ ઈરાદો નહોતો એમ કહી શકાય છે. આમાં માણસ બીજાને અને પોતાની જાતને સિફતથી છેતરી શકે છે. યુધિષ્ઠિર જેવા ધર્માત્માએ પણ અર્ધસત્ય આચરીને પોતાની જાતને છેતરી હતી. સત્ય શબ્દોમાં નહીં ભાવમાં રહેલું છે. શબ્દોને તો ગમે ત્યારે બદલી શકાય છે. કોઈ વાત ભલે બહાર સત્ય તરીકે પ્રગટ થતી હોય, પરંતુ અંદરખાને આપણને ખબર હોય કે આ અસત્ય છે તો પણ તે પાપ છે. કોઈ વાતને છુપાવવી એ પણ અસત્ય છે. આપણો સ્વાર્થ હોય ત્યારે સત્ય બોલવું એ પણ એક જાતનું કપટ છે. કોઈને દુ:ખ પહોંચાડવા અને તેને ફસાવવાના ઈરાદાથી બોલાતું સત્ય પણ દ્રોહ સમાન છે. બોલવાનું હોય ત્યારે ચૂપ રહેવું અને ચૂપ રહેવાનું હોય ત્યારે બોલવું એ પણ અસત્યનો એક ભાગ જ છે. માણસ જાણવા છતાં પોતાના ટૂંકા સ્વાર્થ અને લોભ માટે અસત્યનો માર્ગ અપનાવે છે અને સાચા હોવાનો દેખાવ કરે છે. એક જૂઠને છુપાવવા માટે વારંવાર જૂઠનો સહારો લેવો પડે છે. આપણે જે કાંઈ છીએ તેના કરતાં વધુ સારા અને શ્રેષ્ઠ દેખાવાનો પ્રયાસ કરીએ છીએ એટલે અસત્યની શરૂઆત થઈ જાય છે. આપણે જેવા હોઈએ તેવા દેખાઈએ એમાં કશી મહેનત કરવી પડતી નથી. દરેક માણસનો અમુક ચોક્કસ સ્વભાવ હોય છે અને તે પ્રમાણે તેનું વર્તન હોય છે એમાં જેટલો વિવેક આવે તે પ્રમાણમાં તેનું વ્યક્તિત્વ ઘડાય છે, પરંતુ તમારે કાંઈક અલગ અને ચડિયાતા દેખાવું હોય તો દંભ અને જૂઠનો સહારો લેવો પડે છે. સત્ય તો એની મેળે દેખાઈ આવે તેને કોઈ વાઘાની જરૂર પડતી નથી. માણસ પોતે જે કાંઈ છે તેનાથી સંતોષ નથી એટલે તેણે મુખવટો પહેરવો પડે છે. મુખવટા બદલતા રહે છે અને અસલી ચહેરો ખોવાઈ જાય છે. મહાવીર કહે છે તમે જે છો તે પર્યાપ્ત છે. બીજા કોઈ થવાની કોશિશ કરશો નહીં, નહીંતર અસત્ય શરૂ થઈ જશે. કમળ કમળ જ રહે અને ગુલાબ ગુલાબ જ રહે તેમાં તેની મહત્તા છે. સ્વયંભૂ જે પ્રગટ થાય છે તે વાસ્તવિકતા છે. સત્યવાદી જીવનનો અર્થ છે જે હું છું તેનો મેં સ્વીકાર કરી લીધો છે અને જે હું છું તેમાં રાજી છું. સત્ય એ સ્વયંનો પરમ સ્વીકાર છે. એમાં કોઈની સાથે સરખામણી કરવાની રહેતી નથી. સરખામણી નથી એટલે સ્પર્ધા નથી, ઈર્ષ્યા નથી. જીવનમાં જ્યારે દંભ અને દિખાવટ આવે છે ત્યારે સત્યનો અંચળો ઓઢીને અસત્ય ગોઠવાઈ જાય છે. પછી અસત્ય બોલવામાં માણસ કુશળ બની જાય છે અને જરૂરત ન હોય તો પણ વાતવાતમાં જૂઠું બોલતો થઈ જાય છે. માણસ પોતાના તરફ નજર કરે તો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખી શકે છે, પરંતુ મોટા ભાગના માણસો પોતાના તરફ જોતાં નથી. પોતાના તરફ જોવામાં ડર લાગે છે. દરેક માણસ સારું શું, ખરાબ શું? સત્ય શું, અસત્ય શું? તે જાણતો હોય છે, પરંતુ અસત્ય તરફ આંખો મીંચી લે છે અને પોતાના મનને મનાવે છે કે પોતે જે કાંઈ કરી રહ્યા છે તે સત્ય છે. મનનો એક ખૂણો વારંવાર ધક્કો મારીને કહેતો હોય છે તું જે કાંઈ કરી રહ્યો છે તે સત્ય નથી ત્યારે મનના બીજા ખૂણેથી તેના ટેકામાં દલીલ થતી હોય છે કે આ જ સત્ય છે. મન જ્યારે વિભાજિત બની જાય છે ત્યારે સત્ય રહેતું નથી. સત્ય એ તપ છે એમાં માણસની કસોટી થાય છે. માન-અપમાન, ભલું-બૂરું, સારું-ખરાબ બધું એમાં સહન કરવાનું રહે છે. સાચો માણસ આજે કોઈને ગમતો નથી. બધે જૂઠનો વહેવાર ચાલે છે. એટલે આવા માણસો નોકરીમાં, ધંધામાં સમાજમાં બધે ફેંકાઈ જાય છે, કારણ કે સાચા માણસથી બધાને ડરવું પડે છે. એટલે જલદીથી તેનો કાંટો કાઢી નાખવામાં આવે છે, પરંતુ સત્યના માર્ગે ચાલવાવાળો માણસ બીજા શું કહે છે તેની પરવા કરતો નથી અને બીજા શું કરે છે તેની ચિંતા કરતો નથી. ભીતરમાં રહેલી સચ્ચાઈ અને મનમાં રહેલો ભાવ પ્રગટ કરવો એ કઠિન તપશ્ર્ચર્યા છે. આમાં ખૂબ સંયમ અને સ્થિરતાની જરૂર પડે છે. અસત્યનાં વાદળો ચારેબાજુ ઘેરાયેલાં છે. એમાં તેજનો લિસોટો કરવા ખૂબ તપવું પડે છે, પરંતુ તેટલો જ તેનો પ્રભાવ છે. એટલે જ સમાજ સાચા માણસોનો તાપ સહન કરી શકતો નથી. સાચો માણસ એકલો પડી જાય છે. માણસ ભીડમાં રહેવાનું પસંદ કરે છે. ભીડમાં સત્ય ખોવાઈ જાય છે. ખોટું કરવાની હિંમત આવી જાય છે. જીવનમાં જે કરવાનું હોય છે તેના કરતાં ન કરવાનું ઘણું કરી નાખીએ છીએ. સંયમના અભાવે આવું બધું થતું રહે છે. સંયમ આવે ત્યારે સત્ય એની મેળે આવે છે અને માણસ સાચો થવા લાગે છે. સાચું બોલવું, સાંભળવું અને અનુસરવું કોઈને ગમતું નથી. માણસો કારણ વગર જૂઠું બોલીને એકબીજાને બનાવતા હોય છે. સાચું શું અને ખોટું શું એ સમજવું મુશ્કેલ છે, તેનો તાગ કાઢવો ઘણો કઠિન છે. સત્ય સંપૂર્ણ હોતું નથી. દરેકની વાતમાં અને મતમાં કાંઈક ને કાંઈક સત્ય રહેલું છે. આ બધાનું સંયોજન થાય ત્યારે સાચું સત્ય પ્રગટ થાય છે. અહીં તો દરેક માણસને પોતાનું સત્ય છે. સત્ય અનુકૂળ બનતું નથી ત્યારે તેને જૂઠ બનાવી દેવાય છે અને જૂઠ અનુકૂળ હોતું નથી ત્યારે તેને સત્યના વાઘા પહેરાવી દેવાય છે. સમાજ અને રાજકારણમાં સત્ય અને અસત્યની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. સત્ય અને નીતિ ધર્મનો મુખ્ય આધાર છે. વહેવારમાં કદીક અસત્યનો વિજય અને સત્યનોે પરાજય થતો હોય એવું લાગે છે, પણ છેવટે સત્ય બહાર આવ્યા વગર રહેતું નથી. સાચું જ ટકી રહે છે પણ સત્યના માર્ગે ચાલવાવાળાને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. અસત્યના માર્ગે કોઈ લાંબા સમય સુધી ચાલી શકતું નથી. ખોટા માર્ગે આવેલી સત્તા, સંપત્તિ અને લક્ષ્મી લાંબો સમય ટકતી નથી. ઘડીક ચમકદમક દેખાય છે પછી આ ઠાઠમાઠ ક્યાં ચાલ્યો જાય છે તેની ખબર પડતી નથી. ખરાબ માર્ગે આવેલું ધન ખરાબ માર્ગે છે. સત્ય અને સદાચાર હોય ત્યાં લક્ષ્મી ટકી રહે છે. સત્યના પાસાને માર્મિક રીતે સમજાવતી ભાણદેવે રજૂ કરેલી મહાભારતની એક કથા પ્રેરક છે. સત્યદેવ નામે એક રાજા હતો. તે સત્યનો ખૂબ આગ્રહી હતો અને સત્યમાં તેને અપાર શ્રદ્ધા હતી. સત્યને ખાતર તે સર્વસ્વ ન્યોછાવર કરવા હંમેશાં તત્પર રહેતો હતો. ભગવાને તેને બધું આપ્યું હતું. લક્ષ્મી, દાન, સદાચાર અને યશ આ તેને વરેલાં હતાં, પરંતુ સત્ય તેને મન સૌથી વધુ અધિક હતું. ઘરમાં રહેલી લક્ષ્મીને હંમેશાં વસવસો રહેતો હતો કે ઘરમાં મારે લીધે તો બધો દોરદમામ છે પણ સત્યદેવને મારી કશી ગણના નથી. તેમને સત્ય સિવાય બીજું કશું દેખાતું નથી. લક્ષ્મીએ નારાજ થઈને ઘર છોડવાનો નિશ્ર્ચય કર્યો. તેણે સત્યદેવને કહ્યું ‘સત્યની સરખામણીમાં તમે મારી અવગણના કરો છો એટલે હવે હું આ ઘરમાં રહેવા માગતી નથી. સત્યદેવે કહ્યું: જેવી આપની મરજી. લક્ષ્મી ચાલી ગઈ. આ પછી દાને કહ્યું: હું પણ જાઉં છું. લક્ષ્મીજી ચાલ્યાં ગયા છે તો હું કોના આધારે અહીં રહું. લક્ષ્મીજી ન હોય તો મારું અસ્તિત્વ ક્યાં? અને તેણે વિદાય લીધી. આ પછી સદાચારને પણ સળવળાટ થયો. તેણે રાજનને કહ્યું, લક્ષ્મી નથી, દાન નથી તો સદાચાર કેવી રીતે ટકી શકે. હું પણ જાઉં છું. આ પછી થોડા દિવસમાં યશે પણ વિદાય લીધી. તેણે કહ્યું: લક્ષ્મી, દાન અને સદાચાર પર મારો આધાર છે. જે કાંઈ છે તે બધું તેના પાયા પર છે. તેમના વગર હું રહી ન શકું. આમ લક્ષ્મી, દાન, સદાચાર અને યશ એક પછી એક જતાં રહ્યાં. સત્યદેવે તેમને રાજીખુશીથી જવા દીધાં. થોડા દિવસ બાદ સત્યે ઘરમાંથી બહાર નીકળીને સત્યદેવને કહ્યું: મારે ખાતર આ બધાં ચાલ્યાં ગયાં છે તેના કરતાં હું એક ચાલ્યો જાઉં એ બહેતર રહેશે. અને તમે સુખેથી જીવી શકશો. મારા માટે તમે આટલો બધો ત્યાગ શા માટે કરો છો? રાજા સત્યદેવે સત્યનાં ચરણો પકડી લીધાં અને કહ્યું: ગમે તે થાય, હું તમને નહીં જવા દઉં. તમારા માટે તો મેં સર્વસ્વનો ત્યાગ કર્યો છે. તમે તો મારા પ્રાણ છો. તમે ચાલ્યા જશો તો હું કેવી રીતે જીવી શકીશ. સત્યદેવની નિષ્ઠા જોઈને સત્યને રોકાઈ જવું પડ્યું. હવે સત્ય વગર સદાચારને કેવી રીતે ફાવે. સત્ય રોકોઈ ગયું એટલે સદાચારને પાછા ફરવું પડ્યું. સત્ય અને સદાચાર હોય ત્યાં યશ પણ આવે એટલે યશે પણ ફરી ઘરમાં પ્રવેશ કર્યો. સત્ય, સદાચાર અને યશ હોય ત્યાં ગમે કે ન ગમે, પણ લક્ષ્મીને આવવું જ પડે. લક્ષ્મીજી પણ પાછાં આવી ગયાં. લક્ષ્મી સાથે દાન જોડાયેલું છે એટલે દાન પણ આવી ગયું. સત્ય ટકી રહ્યું તો બધું ટકી રહ્યું. સત્ય ચાલ્યું ગયું હોત તો કશું રહેત નહીં. સત્ય એ જીવનનો પાયો છે. તેના વગર જીવન ટકી શકે નહીં. સત્ય અને નીતિનું જો નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો બાકીનું બધું એની મેળે મળી જશે. સત્ય એ જીવનનો પ્રકાશ છે. સત્ય હશે તો ધર્મ ટકી રહેશે. ધર્મ અને સત્ય એક સિક્કાની બે બાજુ છે. સત્ય અને ધર્મનું સાચું અનુસરણ જીવનને ધન્ય બનાવે છે એટલે જ કહ્યું છે, ‘સત્ય મેવ જયતે.’ |
Tuesday, December 3, 2013
અર્ધસત્ય સૌથી વધુ ખતરનાક- મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment