કેટલાક
માણસો જીવનના અંત સુધી લગામ છોડતા નથી. તેઓ માને છે કે પોતાના જેવું બીજા
કોઈ કરી શકશે નહીં. તેઓ મંદિરો અને ઉપાશ્રયોમાં પણ દુકાનો સાથે લઈને જાય છે
અને ભગવાન સાથે સોદા કરે છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર માણસને જીવન જીવવાની કલા હસ્તગત થઈ જાય તો બેડો પાર. જિંદગી સુધરી જાય. મોટા ભાગના માણસો જીવન જીવતા નથી, ઢસરડો કરતા હોય છે. તંગ દોર પર તેમની જિંદગી ચાલતી હોય છે. જીવનભર ફાંફાં મારે છે અને છેવટે જે પ્રાપ્ત કરે છે તે વ્યર્થ બની જાય છે. જીવનના અંત સુધી મોહ જતો નથી અને માયા છૂટતી નથી. દરેક ધર્મની વિચારધારામાં જીવનને સુખમય બનાવવા માટેનો માર્ગ બતાવવામાં આવેલો છે. જૈન ધર્મે અહિંસા અને અપરિગ્રહ પર ભાર મૂક્યો છે. માણસ સૌ પ્રત્યે પ્રેમપૂર્વક વર્તે અને મોહ-આસક્તિ ઓછી કરી નાખે તો જીવન પ્રસન્ન અને આનંદદાયક બની શકે છે. જીવનની બધી દોટ ઈચ્છાઓ અને અપેક્ષાઓમાં છે. આપણાં સાધનોમાં આપણે આનંદપૂર્વક જીવી શકીએ તો તેના જેવું બીજું કોઈ સુખ નથી. માણસ જિંદગીભર મહેનત કરે છે, પૈસા કમાય છે. ગમે તેટલું હોય વધુ મેળવવા આપાઘાપી કરે છે. ધન હશે તો જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં આરામથી રહીશું એવા મનસૂબા ઘડાય છે. માણસ વિચારે છે હજુ થોડું વધુ ભેગું કરી લઈએ પછી વાંધો નહીં, કશી ચિંતા રહેશે નહીં. મોજ કરીશું, પરંતુ સમય હાથમાંથી સરકી જાય છે. જિંદગી મોજના બદલે બોજ બની જાય છે. માણસ આ ધરતી પર વરસોનાં વરસો સુધી રહેવાનો હોય એવી તૈયારી કરે છે, પણ સમય રહેતો નથી અને બધું ફોગટ જાય છે. હાથપગ ચાલતા હોય, બધી ચેતનાઓ સાબૂત હોય ત્યારે માણસે જીવી લેવું જોઈએ. એક સામટા સુખની ઈચ્છા વ્યર્થ છે. માણસે પોતાની સમક્ષ આવતાં નાનાં નાનાં સુખો અને આનંદના અવસરોને માણતા રહેવું જોઈએ. શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ ન હોય તો બધાં સુખો નકામાં બની જાય છે. માણસને આનંદથી જીવવા માટેની જે ચીજો જોઈએ છે તે તો ક્યારની મળી ગઈ હોય છે, પરંતુ સંતોષ થતો નથી. ભવિષ્યની ચિંતા છે. પરિવારની ચિંતા છે. પેઢીની પેઢી સુધી ચાલે તેટલું મૂકી જવાની એષણા છે. પરિગ્રહ છે એટલે ભય છે અને ભય છે એટલે સલામતી નથી. માણસ વર્તમાનમાં જીવે અને ભવિષ્યની ખોટી ચિંતા ન કરે તો કોઈ દુ:ખ નથી. મનમાંથી જો ભય દૂર થઈ જાય, શ્રદ્ધા વિશ્ર્વાસ જાગે તો ચિંતાઓ દૂર થઈ જાય. ધર્મ આપણને ભયરહિત બનવાનું શીખવે છે. જે ડરે છે તે ક્ષણે ક્ષણે મરતો રહે છે અને સંસારમાં વધુ ને વધુ ડૂબતો રહે છે. મોહમોયાના પથ્થરો ગળે બાંધેલા છે. માણસ આ બંધનોને હટાવીને હળવોફૂલ જેવો બની જાય તો ભવસાગરને તરી જાય. ઉંમર થાય, તબિયત લથડે એટલે લોકો કહેશે તમને આરામની જરૂર છે. ખરેખર આરામની નહીં, જંજાળ છોડવાની જરૂર છે. માણસ કામ કરવાથી થાકતો નથી, પરંતુ ચિંતાઓ અને ઉપાધિઓ તેને થકવી નાખે છે. જિંદગીનાં છેલ્લાં વર્ષો પ્રસન્નતાથી વીતે, મન પર કશો ભાર રહે નહીં તે જરૂરી છે. જિંદગીની જંજાળ છોડવાનું બધાને માટે શક્ય નથી. કુટુંબનો બોજો જેમના માથે હોય, આવક ઓછી હોય, સંજોગો વિપરીત હોય તેમને અસ્તિત્વ ટકાવી રાખવા માટે દોડાદોડી કરવી પડે એ સમજી શકાય છે. તેમને આરામ પરવડી શકે નહીં, પરંતુ પ્રભુએ જેમને બધું આપ્યું છે, સંતાનોએ કારોબાર સંભાળી લીધો છે અથવા સંભાળવા શક્તિમાન છે એવા ઉંમરલાયક માણસોને રાત-દિવસ કામના બોજા હેઠળ ઢંકાયેલા, ચિંતાગ્રસ્ત, તાણ અનુભવતા જોઈએ ત્યારે આપણને થાય કે આ બધું ઐશ્ર્વર્ય પૈસો, ધનદોલત શા કામની? તેનાથી શું સુખ પ્રાપ્ત થાય છે? દોડવાનું જ હોય તો હોય કે ન હોય શું ફરક પડે છે. જિંદગીને સાચી રીતે સમજતા નથી એટલે કામનું ફેંકી દઈએ છીએ અને પછી સમય વીતી જાય છે એટલે અફસોસ કરીએ છીએ. ઓશોએ ટાંકેલી એક દૃષ્ટાંત કથા આ અંગે પ્રેરક છે. વહેલી સવારે સૂરજ ઊગ્યા પહેલાં એક માછીમાર સમુદ્ર કિનારે માછલાં પકડવા ગયો. કિનારા પર ચાલતાં તેના પગ સાથે કાંઈક અફળાયું. તેણે નીચે વળીને જોયું તો એક થેલી પડી હતી અને અંદર પથ્થરના નાના ટુકડાઓ હોય એવું લાગતું હતું. માછીમારે થેલી ઉપાડી લીધી અને જાળને એક બાજુએ મૂકીને પાણીમાં રહેલા એક મોટા પથ્થર પર બેસી ગયો અને સવારનું અજવાળું થવાની રાહ જોવા લાગ્યો. સમય પસાર કરવા માટે થેલીમાં રહેલા પથ્થરના ટુકડામાંથી એક એક ટુકડા ઊછળતાં મોજાં પર ફેંકતો રહ્યો. ધીરે ધીરે સવાર થયું અને અજવાળું પથરાયું. થેલીમાંથી બધા પથ્થરના ટુકડાઓ ફેંકી દીધા હતા. એક છેલ્લો ટુકડો થેલીમાંથી બહાર કાઢીને ફેંકવા માટે ઊભો થયો ત્યાં તેની નજર પડી ને જોયું તો હાથમાં પથ્થરનો ટુકડો નહીં, પણ હીરો હતો. થેલી ખાલી થઈ ગઈ હતી. તે કલ્પાંત કરવા લાગ્યો. પેઢીની પેઢી સુધી ચાલે તેટલી દોલત હાથમાં આવી હતી, પણ અજાણતાં સમુદ્રમાં ફેંકી દીધી હતી. છતાંય નસીબદાર હતો એક હીરો બચ્યો હતો. સામાન્ય રીતે જિંદગી વીતી જાય છે. સૂરજ ઊગતો નથી. મનની અંદર અજવાળું થતું નથી અને જીવનનાં રત્નોને પથ્થર માનીને ફેંકી દઈએ છીએ અને પછી અફસોસ કરીએ છીએ. કેટલાક ભાગ્યશાળીઓ છેલ્લો એક ટુકડો બચાવી શકે છે. મોટા ભાગના લોકોના હાથ ખાલી રહે છે. વ્યર્થ છૂટતું નથી, સારું પકડાતું નથી. કેટલાક માણસો વિચારે છે મેં આ બધું પરિશ્રમથી, મહેનતથી મેળવ્યું છે તે બીજો કોઈ બચાવી શકશે નહીં, સાચવી શકશે નહીં. જાણે કે દુનિયા તેના વગર ચાલવાની નથી. આવા માણસોને બીજા પર ભરોસો અને વિશ્ર્વાસ હોતો નથી એટલે જિંદગીના છેલ્લા શ્ર્વાસ સુધી તેઓ લગામ છોડતા નથી. મોહ અને આસક્તિથી છૂટવાનું એટલું આસાન નથી. જિંદગીનો સૂૂર્યાસ્ત થવા આવ્યો હોવા છતાં કેટલાક લોકો જાગતા નથી. બોધ થતો નથી. મેળવવા કરતાં છોડવાનું બહુ આકરું છે. એક માણસ મરણ પથારી પર હતો. અંતિમ સમય હતો. પાસે પત્ની બેઠી છે. તેણે પૂછ્યું, ચુન્નુ ક્યાં છે? પત્નીને થયું મોટો દીકરો યાદ આવતો લાગે છે. નામ હતું ચુનીલાલ, પણ ઘરમાં બધા ચુન્નુ કહેતા હતા. પત્નીએ કહ્યું: ચિંતા કરો નહીં, ચુન્નુ અહીં બેઠો છે અને તમારા પગ દબાવી રહ્યો છે. થોડી વાર થઈ ત્યાં તેણે પૂછ્યું: મુન્નુ ક્યાં છે? પત્નીએ કહ્યું મણિલાલ પણ અહીં છે. ફિકર કરો નહીં પાછું વળી તેણે પૂછ્યું છુન્નુ ક્યાં છે? નાના દીકરા છગનલાલનું પણ નામ દીધું. પત્નીને થયું કે બાપને પુત્રો માટે પ્રેમ છે, એક પછી એક બધાને યાદ કરે છે, તેણે કહ્યું: આપ તદ્દન આરામ કરો. બધા દીકરાઓ અહીં આપની સેવામાં હાજર છે. આ સાંભળીને બાપે પથારીમાંથી ઊઠવાનો પ્રયાસો કર્યો અને કહ્યું: બધા અહીં છો તો દુકાનમાં કોણ છે? મરવાનો સમય હતો, પણ દુકાન ભુલાતી નહોતી. તેણે રોષપૂર્વક કહ્યું: નાલાયકો, આમ નોકરોના ભરોસે દુકાન છોડી દેશો તો દેવાળું કાઢવાનો વારો આવશે. બાપે દીકરાઓને યાદ કર્યા, પણ વહાલથી નહીં. તેને પ્રેમ સાથે કોઈ સંબંધ નહોતો. દુકાનો ચાલતી રહે અને નોટોની થપ્પીઓ જમા થતી રહે એટલે જીવન સાર્થક થઈ ગયું. માણસ અપૂર્ણ ખંડિત જીવન જીવી રહ્યો છે. જીવનની સાથે તેનો કોઈ મેળ નથી. ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં, સૂતાં-જાગતાં વિચારોના ઘોડાઓ દોડી રહ્યા છે. એકસાથે બધું કરી લેવાની ઝંખના છે એટલે કોઈપણ પ્રવૃત્તિમાં તે આત્મસાત્ થઈ શકતો નથી. માણસે ઘરને દુકાન બનાવી દીધી છે અને દુકાનને ઘર. ઘરમાં હોય ત્યારે દુકાનની ચિંતા અને દુકાનમાં હોય ત્યારે ઘરની ચિંતા. ટેલિફોન અને મોબાઈલ પર ઘરમાં પણ ધંધાની વાત અને ઓફિસમાં હોય ત્યારે ટેલિફોન પર પત્ની સાથે બે-ચાર વાતો કરી લીધી. બાળકોના ખબર પૂછી લીધા એટલે સબ સલામત. બાપને ઘરમાં પત્ની અને બાળકો સાથે શાંતિથી વાત કરવાની ફુરસદ નથી. એક ઘરમાં રહેવા છતાં વૃદ્ધ-માતા-પિતા, પતિ-પત્ની અને બાળકો એકબીજાથી દૂર હોય એવું લાગે છે. માણસ જમતો હોય, ખાતો હોય, પીતો હોય પણ દુકાનો અને ઓફિસો તેમનો પીછો છોડતી નથી, કેટલાક તો મંદિરોમાં, ઉપાશ્રયોમાં અને દેરાસરોમાં પણ દુકાનો સાથે લઈને જાય છે. ત્યાં પણ ટેલિફોનની ઘંટડીઓ રણકતી રહે છે. ભગવાન સાથે પણ સોદાબાજી થાય છે. આટલું કામ થશે તો પૂજા ભણાવીશ, આરતી કરીશ, યાત્રા કરીશ. હાથ ભગવાન સામે જોડયા હોય છે, પણ મન ભટકતું રહે છે. જીવનનો અર્થ સીમિત બની ગયો છે. પૈસા કમાવા સિવાય જીવનનું બીજું કોઈ ધ્યેય નથી. માણસ સારો-નરસો, સફળ-અસફળ, બુુદ્ધુ-હોશિયાર બધું પૈસાને તોલે તોળાય છે અને મપાય છે. આરામ કરવો, નિવૃત્ત થવું એટલે તેનો અર્થ એવો નથી કે કોઈપણ જાતના કામ વગર બેસી રહેવું. અહીં આરામ કરવો એટલે ખોટી ચિંતાઓ અને ઉપાધિઓમાંથી મુક્ત થવું અને મનગમતી પ્રવૃત્તિઓ કરવી અને જીવન પ્રત્યે નવો રસ કેળવવો. થોડું નિજાનંદ માટે જીવવું. વૃદ્ધોને બાળકો સાથે રમતાં, ગાર્ડનમાં મોજથી ફરતાં અને આનંદ-મસ્તી કરતાં જોઈએ ત્યારે એમ થાય કે બાળકો ને વૃદ્ધોમાં કોઈ ફરક નથી. બાળક જેવી નિર્દોષતા જો માણસમાં આવી જાય તો પ્રેમ પ્રગટ થયા વગર રહે નહીં. બાળકો વર્તમાનમાં જીવે છે. તેમના પર ભૂતકાળ અને ભવિષ્યનો ઓથાર નથી. આપણે પણ વર્તમાનમાં જીવીએ તો બાળક જેવા બની શકીએ, પણ ઊલટું બને છે. ઉંમર વધે એમ માણસ પાકો અને રીઢો બનતો જાય છે, પરંતુ બાળક જેવી કોમળતા, મુલાયમતા અને નિર્દોષતાનાં દર્શન થાય ત્યારે એમ થાય છે કે સંધ્યા ખીલી ઊઠી. આપણે બધાને કહીએ આ બધું છોડી દો. સલાહ આપવી અને સાંભળવી બહુ સહેલી છે, પરંતુ તેનો અમલ કરવાનું મુશ્કેલ છે. કેટલીક બાબતો પ્રકૃતિજનક અને સ્વભાવગત છે, જ્યારે કેટલીક બાબતો સંજોગોને આધીન છે. આ બધામાંથી જાતને પર કરીને કેવી રીતે સુખ અને શાંતિ અનુભવી શકાય તેની કોશિશ કરવી જોઈએ. સારી રીતે જીવવું અને જીવન તરફનું સાચું વલણ ઊભું કરવું એ એક કલા છે. માણસ સાપની કાંચળી જેમ બધાં આવરણો દૂર કરી પ્રેમથી, શાંતિથી અને સહજતાથી જીવે તો જીવન સુખનો સાગર છે. જીવન તરફનો સાચો અભિગમ જ સુખ-શાંતિ આપી શકે. |
Tuesday, December 24, 2013
ઘરમાં દુકાન અને દુકાનમાં ઘર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment