Saturday, May 4, 2013

સચ્ચાઈનો સામનો નહીં, પણ આદર કરવો પડે છે - મહેન્દ્ર પુનાતર


મોઢે સાચું સ્પષ્ટ કહેનારા લોકો ભલે કડવા લાગે, પણ દર્પણની ગરજ સારે છે. બોલવાની જરૂર હોય ત્યાં ચૂપ રહેવું અને જરૂર ન હોય ત્યારે વધારે પડતું બોલવું, બંને સમાજહિતમાં નથી. સામાજિક સંસ્થાઓને શોભાના કાંગરા તો મળી રહે છે, પણ તેમને પાયાના પથ્થરોની જરૂર છે

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

સમાજ, ધર્મ અને રાજકારણમાં મને હંમેશાં સ્પષ્ટવક્તા અને નિખાલસ માણસો ગમ્યા છે. આવા સ્પષ્ટ સીધેસીધું બોલનારા માણસોના શબ્દોમાં મહદંશે સચ્ચાઈ હોય છે. આવા માણસો જે હોય તે મોઢા પર બોલીને ઘડીભર આપણને ભલે મૂંઝવણમાં મૂકી દેતા હોય, પરંતુ તેઓ પોતાનો મત છુપાવી આપણને છેતરતા નથી. ઘણા માણસો આપણી વાતમાં સૂર પુરાવતા હોય છે અને આપણી સાથે સંમત છે એવો ડોળ પણ કરતા હોય છે અને પાછળથી ટીકા કરીને વિપરીત અભિપ્રાયો વ્યક્ત કરે છે. આવા લોકો પર વિશ્ર્વાસ રાખીને આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. જે લોકો પર ભરોસો રાખ્યો હોય તેઓ છેલ્લી ઘડીએ ફરી બેેસે છે. સમાજમાં નિખાલસ રીતે પોતાનો મત પ્રગટ નહીં કરનારા લોકોના કારણે મોટે ભાગે ગૂંચવણો ઊભી થતી હોય છે. સમાજ અને સંસ્થાઓનાં કામોમાં આવા સ્પષ્ટ બોલનારા લોકો દર્પણની ગરજ સારે છે પણ આમાં તોછડાઈ, તુમાખી અને દંભ નહીં હોવો જોઈએ અને મારી જ વાત સાચી એવો હઠાગ્રહ નહીં કરવો જોઈએ. વાતને વિકૃત રીતે રજૂ કરવાથી સાચી વાત પણ સંભળાતી નથી. દંભ અને કપટરહિત નિખાલસ માણસોના અભિપ્રાયમાં સમાજ અને સંસ્થાનું પ્રતિબિંબ પડતું હોય છે. બોલવાની જરૂર હોય ત્યાં ચૂપ રહેવું અને જરૂર ન હોય તો વધારે પડતું બોલવું એ બંને બાબતો સમાજહિતમાં નથી. સમાજ અને સંસ્થાઓ ગતિશીલ અને પ્રાણવાન બનતી નથી તેનું એક કારણ એ છે કે આપણે કોઈ અભિપ્રાય કે મત વ્યક્ત કરતા નથી. આપણે બધું ગોળગોળ અને મભમ રાખીએ છીએ. આપણે હંમેશાં એવો વિચાર કરીએ છીએ કે આમ બોલવાથી સામા માણસને ખોટું લાગશે અને સામો માણસ શ્રીમંત કે વગદાર હોય તો આપણે બિનજરૂરી તેની શેહમાં આવી જઈએ છીએ. આવા સમયે આપણને લાગે છે કે બોલીને આંખે ચડવાની જરૂર નથી. જે થતું હોય તે થવા દો. આનાથી સંસ્થાઓને ભારે નુકસાન થાય છે. સામાજિક અનેે સંસ્થાકીય બાબતોમાં ખોટું લગાડવાનું હોય નહીં. આમાં તો પરસ્પરના અભિપ્રાયોને મહત્ત્વ આપવું જોઈએ.

દરેક ક્ષેત્રમાં સાચા અને નિખાલસ માણસોના અભિપ્રાયનું વજન રહે છે. તેમની વાત સાંભળવી પડે છે અને તેના પર ધ્યાન આપવું પડે છે. સત્યનો વહેલો કે મોડો સ્વીકાર કરવો પડે છે. સચ્ચાઈનો સામનો કરી શકાતો નથી, તેનો આદર કરવો પડે છે.

સામાજિક સંસ્થાઓમાં સાચા માણસો હંમેેશાં અળખામણા થતા હોય છે, કારણ કે તેઓ ખોટું ચલાવી લેતા નથી અને કોઈની ખુશામત કરતા નથી. આવા સાચા માણસો હંમેશાં આકરા લાગે છે. સામાજિક અને રાજકારણમાં રહેલા કેટલાક લોકો પહેલેથી કશું સ્પષ્ટ કરતા નથી. કેટલીક વાતો છુપાવી રાખે છે અથવા ગર્ભિત બનાવે છે. નિર્ણયોમાં સ્પષ્ટતા રાખતા નથી. ગમે ત્યારે ફેરવી તોળે છે અથવા પોતાની મરજી મુજબનું અર્થઘટન કરે છે. સમાજ અને સંસ્થાઓમાં હોય તેના કરતાં સારું દેખાડવાનો અને ઊણપો બહાર ન આવે એવા પ્રયાસો થતા હોય છે. કામ કરતાં વાતો વધારે હોય છે. સંસ્થાઓમાં પણ હવે રાજકારણ ઘૂસી ગયું છે. કેટલાક માણસો અડ્ડો જમાવીને મનમાની કરતા હોય છે. સાચા, સારા, નિષ્ઠાવાન, કર્તવ્યનિષ્ઠ અને સૌજન્યશીલ માણસો સંસ્થાઓથી દૂર થતા જાય છે. દરેક જગ્યાએ કાંઈક ને કાંઈક ડખા છે. સીધા, સાદા, નિખાલસ માણસો સંસ્થાઓ ચલાવવા માટે લાયક ગણાતા નથી. પાકા, વહેવારુ, ગણતરીબાજ અને જેમને આડુંઅવળું સમજાવીને માર્ગ કાઢતાં આવડે છે તેમને આ માટે સફળ ગણવામાં આવે છે. સમાજમાં દંભ, દેખાવ અને સ્ટેટસ જાળવવા લખલૂટ ખર્ચા થતા હોય છે. સૌને પોતાની ઈમેજ જાળવી રાખવી છે. માણસ એક વખત મોટો થયા પછી તેને નાનું થવું ગમતું નથી. ગમે તેવા સંજોગોમાં પણ સ્થાન ટકાવી રાખવા માટે હુંસાતુંસી અને કાવાદાવા થતા હોય છે. વૃદ્ધાવસ્થાને આરે આવેલા અશક્ત અને નિષ્ક્રિય લોકો પણ સંસ્થાઓના હોદ્દા છોડતા નથી. તેમને એમ લાગે છે કે તેમના વગર આ સંસ્થાઓ ચાલશે નહીં. આવા માણસોને કોઈ ઊંચકીને ફેંકી ન દે ત્યાં સુધી તેઓ હોદ્દાઓ પર ચીટકી રહે છે. યોગ્ય સમયે નિવૃત્ત થવું એ પણ એક કલા છે. એક વખત ઊંચા આસને બેઠા પછી માણસને નીચે બેસવું ગમતું નથી.

કુટુંબ અને સમાજમાં સારા થવાનું, મોટા થવાનું કોને ન ગમે? પણ આ માટેની લાયકાત હોવી જોઈએ. દંભ અને દેખાડા દ્વારા જે મોટો થાય છે તેની મોટાઈ લાંબો સમય ટકતી નથી. છેવટે માણસ જેવો છે તેવો કળાઈ આવે છે. કેટલીક વખત પૈસાને માન મળતું હોય છે. વાહવાહ થતી હોય છે. માણસ આમાં અંજાઈ જાય છે. તેને એમ લાગે છે કે મારા જેવું કોઈ નથી. આ જ બાબત તેના પતનનું કારણ બને છે. જે લોકો સારું કામ કરે છે તેમને ઢંઢેરો પીટવો પડતો નથી. સારાં કાર્યોની હંમેશાં કદર થતી હોય છે. ભલે તેને સ્વીકૃતિ મોડી મળે. હવે પહેલાંના જેવી પરિસ્થિતિ નથી. લોકો સમજતા થયા છે. સાચા અને ખોટાની તેમને સમજ છે. પણ લોકો અવાજ ઉઠાવતાં અચકાય છે. કેટલાક માણસો સમજે છે જવા દો, આ બધી માથાકૂટમાં શા માટે પડવું, આ નવરા માણસોનું કામ છે. આવી ઉદાસીનતાના કારણે સંસ્થાઓ અમુક ચોક્કસ જૂથના ઈજારા જેવી બની ગઈ છે. તેઓ સંસ્થાના કામ અને વહીવટને એટલો બધો અટપટો બનાવી નાખે છે કે બીજા આમાં આવતાં ગભરાય છે. સંસ્થાઓમાં હંમેશાં સાચા, નિષ્ઠાવાન કાર્યકરોની ખોટ રહી છે. સંસ્થાઓ પાયાના પથ્થર જેવા સંનિષ્ઠ કાર્યકરો દ્વારા ચાલે છે અને કાંગરા પર રહેલા, ઉપર બેઠેલા માણસો તેનો યશ લઈ રહ્યા છે. જીવન અને વહેવારમાં જેટલી સરળતા અને સહજતા હોય તે બધું સારું છે. દંભ અને દેખાવ કરવાની જરૂર નથી અને એ લાંબો સમય ટકશે પણ નહીં. કૃત્રિમ કવચથી માણસનું મૂળભૂત વ્યક્તિત્વ હણાઈ જાય છે. તેના આંતરિક ગુણોને વિકસવાની તક મળતી નથી અને માણસ પોતાની જાતને છેતરતો થઈ જાય છે.

આપણે જે કાંઈ જોઈએ છીએ, માનીએ છીએ અને સમજીએ છીએ એ જ સાચું છે અને બીજું ખોટું છે એવો હઠાગ્રહ રાખવો જોઈએ નહીં. સત્યનાં અનેક પાસાંઓ છે. બીજાની વાતમાં પણ સત્યના અંશો રહેલા હોય છે અને આ બધાના સુમેળથી પૂર્ણ સત્ય પર પહોંચી શકાય છે. સમાજમાં સારા માણસો ઘણા છે પણ સાચા માણસો બહુ ઓછા.

બીજા આપણે કહીએ તે કરે, આપણું અનુકરણ કરે એવો આગ્રહ રાખવો પણ નકામો છે. દરેકને પોતાના વિચારો અને મત હોય છે. અને આ વૈચારિક સ્વતંત્રતા દ્વારા જ સમાજ ટકી રહે છે અને મજબૂત બને છે. દરેક બાબતને જોવાની સૌની દૃષ્ટિ જુદી છે, જ્યાં સુધી સમગ્ર બાબતને મૂળભૂત અર્થમાં ન સમજીએ અને તેને બધી બાજુએથી ન જોઈએ ત્યાં સુધી સાચું શું છે તે સમજી શકાય નહીં.

સામાજિક ક્ષેત્રમાં સાચી વાત સમજદારીથી કહેવાની હોય છે. તેમાં વિનય અને વિવેક જાળવવો જોઈએ. તેમાં કડવાશ ઊભી ન થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે અને કોઈની માનહાનિ કરવાનો ઈરાદો હોવો જોઈએ નહીં. આમાં જેટલુ મન ખુલ્લું તેટલી વાત અસરકારક અને પ્રભાવિક બને છે. વહેવારમાં વાણી એક મહત્ત્વનું સાધન છે. તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. જીભ બે ધારી તલવાર છે, તેના દ્વારા સારું અને ખરાબ બંને થઈ શકે છે. પસંદગી આપણી છે.

સમાજમાં કેટલાક માણસો પોતાને જે કરવું હોય તે કરતા રહે છે અને સિદ્ધાંતની વાતો કરે છે. તેમના સિદ્ધાંતો સગવડિયા ધર્મ જેવા બની રહે છે. તેને ગમે ત્યાં લાગુ કરી શકાય છે. કોઈ વાતમાં આપણને સફળતા મળે અથવા લોકો આપણી વાત સ્વીકારે ત્યારે આપણે સાચા છીએ એમ માનવાની કે સત્યનો વિજય થયો છે એવું ધારવાની જરૂર નથી. સત્યનો વિજય કે પરાજય હોતો નથી. સત્ય તો તેનું તે જ રહે છે. આપણે કેવી રીતે મૂલવીએ છીએ તેના પર બધો આધાર છે. સાચા અને ખોટા વચ્ચે પાતળી ભેદરેખા છે. એટલે સાચું શું અને ખોટું શું એ માણસ પોતાની રીતે સમજતો હોય છે. માણસ ખુદ તેનો માપદંડ છે.

આપણે સામા માણસની વાત સાચી છે કે નહીં તે કદાચ ન સમજી શકીએ પણ આપણી પોતાની વાત સાચી છે કે નહીં તે જરૂર સમજી શકીએ. આ માટે ખુલ્લું મન હોવું જોઈએ. દરેક અસત્ય વાત સત્યના વાઘા પહેરીને આવતી હોય છે. આ નકાબને જે પર્દાફાશ કરી શકે છે તે સત્યનાં દર્શન કરી શકે છે. આ માટે નિર્મળ દૃષ્ટિ, નિ:સ્વાર્થ ભાવના અને નિષ્પક્ષતા હોવી જોઈએ.

દરેક માણસ પોતાના અંતરના અવાજ પ્રમાણે ચાલે અને અંત:કરણ પ્રમાણે વર્તે તો તે સત્યના માર્ગે ચાલી શકે છે. ખોટું કરતી વખતે માણસનું મન ડંખતું હોય છે. બુદ્ધિ અને મન વચ્ચે તુમુલ યુદ્ધ ચાલતું હોય છે. સાચી વસ્તુ સમજવા માટે સહિષ્ણુતા જોઈએ.

આપણે મોટા ભાગે અસત્ય અને જૂઠ સામે નમી જઈએ છીએ. અસત્ય સામે ઝૂકવું, જૂઠ સામે નમી પડવું અને ખોટા માણસોને વધુ પડતું મહત્ત્વ આપવું તેમાં આપણું ઔદાર્ય નહીં પણ નબળાઈ છે.

સામાજિક ક્ષેત્રમાં રહેલા માણસો વધુ સહિષ્ણુ, ઉદારમતવાદી, સરળ અને પારદર્શક બને એ અત્યારના સમયની જરૂરત છે. આવા સાચા પ્રામાણિક માણસો સંસ્થાઓ ચલાવતા હોય છે બાકીના શોભાના ગાંઠિયા જેવા હોય છે. સંસ્થાઓને શોભાના કાંગરાઓ તો મળી રહે છે, પરંતુ તેમને પાયાના પથ્થરોની જરૂર છે.

No comments:

Post a Comment