રૂપ અને ધનનું અભિમાન લાંબો સમય ટકતું નથી |
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
બાર
ભાવનાઓ આકાશમાં ચમકતી વીજળી જેવી છે. જેના ચમકારા અને તેજલિસોટા અંધારા
ઉલેચીને જીવનમાં નવો પ્રકાશ પાથરે છે. અને સાથે સાથે ઝટકો આપીને આપણને
જાગૃત કરે છે. આકાશ ઘેરાયેલું હોય, વીજળી ચમકે, વાદળોનો ગડગડાટ થાય અને પછી
જે જળધારા થાય તેમાં વાતાવરણ નવપલ્લવિત બને છે અને ચોમેર હરિયાળી સર્જાય
છે એમ આ બાર ભાવનાઓના ચિંતનથી જીવન ખીલી ઊઠે છે. મનનો કચરો બધો સાફ થઈ જાય
છે. શાંતિ અને સ્થિરતા ઊભી થાય છે. આ ચિંતન આધ્યાત્મિક સાધના છે. જીવન
આનંદપૂર્ણ અને સુખરૂપ બને તેની આમાં ચાવીઓ રહેલી છે. આમાં ધર્મની સાથે જીવન
સંકળાયેલું છે. આમાં બધું હોવા છતાં મનથી મુક્ત થવાનું છે. મન જો છૂટી જશે
તો બધું નકામું એની મેળે દૂર થઈ જશે.
અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. કશું કાયમી નથી. અશરણ ભાવનામાં જોયું કે મનુષ્ય ગમે તેટલો શક્તિશાળી હોય પણ કોઈનું શરણ કામ આવતું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. મોહ અને આસક્તિમાં માણસ કેદ છે. એકત્વ ભાવનામાં એ જાણવા મળ્યું કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. કશું સાથે આવવાનું નથી. પાપ અને પુણ્ય જે કાંઈ કરીશું તેનાં ફળ એકલાએ ભોગવવાનાં છે. અન્યત્વ ભાવનામાં આપણને એ બોધ મળ્યો કે અહીં આપણું પોતાનું પણ આપણું નથી. આ મારું અને આ તારું એ જીવનનો ખેલ છે અને તે માણસને ભાન ભુલાવે છે. જ્યાં મારું આવ્યું ત્યાં બધું જ આવી ગયું. સ્વાર્થ, ક્રોધ, લોભ, મોહ એ તો આની જડ છે. તમામ ઝઘડાનું આ મૂળ છે. આ જગતમાં કોઈ વસ્તુ આપણી છે નહીં, હતી નહીં અને થશે નહીં એવું સમજીને કોઈ પણ જાતના મમત્વ વગર તેનો ઉપયોગ કરવાનો આમાં બોધ રહેલો છે. હવે આપણે અશુચિ ભાવના તરફ નજર કરીએ. આ જગતમાં સારી દેખાતી બધી વસ્તુઓ અંતે બગડવાની છે. કોઈ પણ ચીજ એવીને એવી સુંદર રહેવાની નથી. સુંદર વસ્ત્રો છેવટે ચીંથરું થવાના, કિંમતી આભૂષણો અને અલંકારો પણ ઘસાઈ જઈને ઝાંખાં પડી જવાના છે અને નષ્ટ થવાના છે. મોટા મહેલો પણ છેવટે ખંડેર બની જવાના છે. આકર્ષક ચીજો અંતે ભંગારમાં જવાની છે. કોઈની પણ ચમકદમક લાંબો સમય ટકવાની નથી, એટલે આ બધા માટે મોહ રાખવાનો, તેની પાછળ દોડવાનું, પાગલ થવાનું વ્યર્થ છે. પુરુષને સૌથી વધુ મોહ પોતાના શરીર અંગે છે અને સ્ત્રીને પોતાના રૂપ અંગે. માણસનો આ મોહ કેવી રીતે દૂર થાય તેનું આ ભાવનામાં ચિંતન છે. શરીર બહારથી ભલે સુંદર દેખાય પણ અશુદ્ધિથી ભરેલું છે. જરાક ચામડી ઉતરડીએ તો જોવું ગમશે નહીં. એટલે આ શરીરનો મોહ રાખવાનું કે તેનાથી આકર્ષિત થવાનો કોઈ અર્થ નથી. શરીર પણ છેવટે જીર્ણ થવાનું છે. ઘસાતું જવાનું છે. કાળા વાળ ધોળા થવાના છે. માથે ટાલ પડવાની છે. ચહેરા પર કરચલીઓ વળવાની છે અને શરીર જે ટટ્ટાર હતું તે વાંકું વળી જવાનું છે. પગ લથડિયા ખાતા થઈ જશે. જન્મ, જરા અને મૃત્યુ એ જીવનની વાસ્તવિકતા છે. તેથી શરીર અને રૂપ અંગે કોઈ પણ જાતનું અભિમાન રાખવાની જરૂર નથી. શરીરની ગમે તેટલી આળપંપાળ કરશો તો પણ તેને ર્જીણ થતું રોકી શકાશે નહીં. શરીર ભલે રૂપાળું ન હોય પણ તંદુરસ્ત હોય, નિર્મળ હોય, આરોગ્યપ્રદ હોય તે વધુ મહત્ત્વનું છે. શરીર સારું હશે તો વધુ સમય ટકી શકશે. સારું સ્વાસ્થ્ય એ જીવનનો આનંદ છે. કોઈ પણ વસ્તુ ભલે ગમે તેટલી સુંદર અને મોહક હોય પણ તેને બગડતા અને ખરાબ થતા વાર લાગતી નથી. જે વસ્તુ આજે સારી લાગે છે કાલે જોવી ગમશે નહીં. કોઈ અભિનેત્રી, સૌંદર્ય સમ્રાજ્ઞીનો યુવાનીનો ચહેરો આપણે જોયો હોય અને પછી વૃદ્ધાવસ્થાનો ચહેરો જોઈએ તો ગમશે નહીં. આપણને આશ્ચર્ય થશે. એક સમયે લોકો જેનીપાછળ પાગલ હતા તે ચહેરો અને તે દેહલાલિત્ય ક્યાં ગયું? સુંદર શરીર અને ચહેરો આવો કદરૂપો, બિહામણો? યુવાની ઢળે છે ત્યારે શરીરની શી હાલત થાય છે તેનો આ ચિતાર છે. અશુચિ ભાવનાનો સાર એ છે કે માણસ જેની પાછળ પાગલ છે તે શરીર અને રૂપ છેવટે બગડી જવાનાં છે. માણસને સૌથી વધુ અભિમાન પોતાના રૂપનું અને ધનનું હોય છે. આ બંને વસ્તુઓ માણસના અહંકારને ઊંચે ચડાવે છે. શરીર પાછળ માણસ મોહાંધ છે. ધનના અભિમાન કરતા દેહનું અભિમાન ખતરનાક છે. શરીર સૌષ્ઠવ, રૂપ, દેહલાલિત્ય અને યુવાનીનું અભિમાન લાંબો સમય ટકતું નથી, પરંતુ માણસની આંખો ખૂલતી નથી. જર, જમીન અને જોરુ ત્રણે કજિયાના છોરું. પુરુષને ધનનું અને સ્ત્રીને પોતાના સૌંદર્યનું અભિમાન હોય છે. સ્ત્રી અરીસા સામે જોઈને અને પુરુષ તિજોરી સામે જોઈને ગર્વ અનુભવે છે, પરંતુ તે જે જુએ છે તે અસલી નથી. તેમનું તેમ રહેવાનું નથી, પરંતુ રૂપ અને ધન પાછળ દુનિયા પાગલ છે. શરીર છે એવો ખ્યાલ ન આવે ત્યારે સમજવું કે મન અને તન બંને ઠેકાણે છે. પગમાં કાંટો વાગે ત્યારે ખ્યાલ આવે છે કે પગ છે. માથું દુ:ખે ત્યારે ખબર પડે કે માથું છે. સાધનામય જીવન એ છે જેમાં શરીર છે એવો ખ્યાલ ન આવે. શરીર તરફ દૃષ્ટિ રહે નહીં. શરીર સ્વસ્થ ન હોય, બીમારી હોય ત્યારે શરીરનો ખ્યાલ આવે છે અને નજર સતત શરીર તરફ રહે છે. દેહ તરફ સતત દૃષ્ટિ હોય ત્યારે સમજવું કે શારીરિક અથવા માનસિક બીમારી છે. શરીરને તપ અને સાધના સાથે જોડવાનું છે જેથી તેના દુ:ખ-દર્દનો અહેસાસ ન થાય. શરીર કરતાં આત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અશુચિ ભાવનાનો મર્મ છે દરેક વસ્તુનું ખરું સ્વરૂપ જાણવું. મોહ અને આકર્ષણથી દૂર રહેવું. કોઈ પણ વસ્તુના બહારના અને અંદરના સ્વરૂપમાં ફરક છે. બહાર વસ્તુ સારી દેખાતી હોય એટલે અંદરખાને પણ સારી છે એમ કહી શકાય નહીં. કોઈ પણ વસ્તુના બહારના દેખાવથી અંજાઈ જવાનું નથી. માણસ બહારથી સારો, સજ્જન અને સંત જેવો દેખાતો હોય, પરંતુ અંદરથી શેતાન અને દુર્જન હોઈ શકે છે. બહાર મુખવટો છે, અંદર વાસ્તવિકતા છે. દરેક ચહેરાને બે મહોરા હોય છે એક અસલી અને એક નકલી. નકલી ચહેરો બહાર દેખાયા કરે છે અને અસલી ચહેરો છૂપો રહે છે. એટલે કોણ સારો અને કોણ ખરાબ તે સમજવું મુશ્કેલ છે. સાથે સાથે આત્મનિરીક્ષણ કરવાનું છે કે આપણે જેવા બહાર દેખાઈએ છીએ એવા ખરેખર છીએ કે? આવું આત્મમંથન આપણને સાચી દિશામાં લઈ જાય છે. આ જગતમાં સારાની સાથે ખરાબ, સુંદરતાની સાથે કુરૂપતા, નવાની સાથે જૂનું, યુવાની સાથે વૃદ્ધાવસ્થા, સર્જનની સાથે વિસર્જન આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. દરેક વસ્તુને આપણે ઉપરથી જોઈએ છીએ. મહાવીર અને બુદ્ધ જેવી વ્યક્તિ જ ભીતરમાં ઝાંકી શકે છે અને જન્મ, જરા અને મૃત્યુને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે જીવેષણાના કારણે માણસ શરીર સાથે બંધાયેલો છે. આ ઈચ્છા જો સમાપ્ત થઈ જાય તો દેહ પ્રત્યેનો મોહ રહે નહીં. અશુચિ ભાવનામાં શરીર પ્રત્યેનો મોહ ઓછો કરીને આત્મા પ્રત્યે લીન થવાનો સબક છે. (હવે પછી આશ્રવ ભાવના) |
Pages
▼
No comments:
Post a Comment