જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર ધર્મનું બધા જીવો પ્રત્યેનું કથન છે તમે જ તમારા ભાગ્યના વિધાતા છો. સુખ-દુ:ખ, સારું-નરસું, સફળતા-નિષ્ફળતા બધું આપણા હાથમાં છે. આપણે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે વિકાસ કરવો એ આપણે પોતે નક્કી કરવાનું છે. આમાં બીજાની નકલ કે અનુકરણ કામ આવે નહીં. દરેક માણસની શક્તિ અને ક્ષમતા એકસરખી નથી. કેટલાક માણસને જલ્દીથી સફળતા મળે છે, તો કેટલાક માણસોને ભારે જહેમત ઉઠાવવી પડે છે, પરંતુ જે પોતાની રીતે પોતાના બળ પર મક્કમ નિર્ધાર સાથે આગળ વધે છે તેને વહેલી કે મોડી સફળતા મળ્યા વગર રહેતી નથી. જીવનમાં પુરુષાર્થ જરૂરી છે, પણ ક્યાં અને કેવી રીતે કરવો તેમાં ડહાપણની જરૂર છે. કોઇ પણ બાબતમાં આંધળૂકિયાં કરવાથી આગળ વધવાને બદલે ગબડી જવાની વધુ સંભાવના રહેલી છે. એટલે સર્વ પ્રથમ આપણી શક્તિને ઓળખવી જોઈએ અને આપણા પોતાના ગુણધર્મો અનુસાર રસ્તો કંડારવો જોઈએ. ચાણક્યે કહ્યું છે કે માણસે સુખી અને સમૃદ્ધ થવું હોય તો આટલા પ્રશ્ર્નો પોતાની જાતને વારંવાર પૂછીને તેનું ચિંતન કરવું જોઈએ. 1) અત્યારે કેવો સમય છે? 2) મારા સહાયકો, મને મદદ કરનારા કોણ કોણ છે? 3), મારી આસપાસનું વાતાવરણ કેવું છે. હું કઈ પરિસ્થિતિમાં રહું છું? 4), મારી આવક-જાવક કેટલી છે? 5) હું કોણ છું? અને 6) મારામાં કેટલી શક્તિ છે? માણસ આ પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખીને અને પોતાની શક્તિનો તાગ કાઢીને તે મુજબ આગળ વધે તો તેને જરૂર સફળતા મળે. સમય અને સંજોગો જોયા વગર અને પોતાની શક્તિનું માપ કાઢ્યા વગરની ઊંચી છલાંગો નીચે પટકી નાખે છે. ધર્મ કહે છે તમે જે છો તે ઠીક છો. તમારે બીજા જેવા બનવાનો ખ્યાલ છોડી દેવો જોઇએ. એ એની શક્તિ મુજબ આગળ વધ્યો છે, મારે મારી શક્તિ મુજબ આગળ વધવું છે. બીજાની સારી વસ્તુ સ્વીકાર્ય પણ આંધળું અનુકરણ નહીં. પ્રભુએ દરેક માણસને કાંઈ ને કાંઈ વિશિષ્ટ શક્તિ આપી છે. આ શક્તિને શોધી કાઢવી એનું નામ ડહાપણ. જાત અનુભવ વગર શાણપણ આવતું નથી. ઠોકર લાગ્યા પછી સાચો રસ્તો સૂઝે છે. દરેક માણસે પોતાના જીવનમાંથી શીખવાનું છે. અનુભવ એ મોટું જ્ઞાન છે, પણ બધા અનુભવો આપણે પોતે કરી શકતા નથી. એટલે બીજાના અનુભવ પરથી પણ બોધ લેવાનો છે. આપણે જે કાંઇ છીએ સફળ કે નિષ્ફળ, તેને માટે આપણે પોતે જવાબદાર છીએ. આપણી નિષ્ફળતા કે પીછેહઠ માટે બીજો કોઇ દોષિત નથી. આપણી ભૂલનું, ક્ષતિનું અને ઊણપનું આ પરિણામ છે એ સ્વીકારવાની આપણી ખેલદિલી હોવી જોઈએ. આવો ખુલ્લો સ્વીકાર આપણને યોગ્ય રસ્તે વાળે છે, માણસ મોટે ભાગે પોતાની સફળતા અને સિદ્ધિ માટે પોતે હોશિયાર અને બુદ્ધિશાળી છે એમ માને છે. પોતાનાં ડહાપણ અને ચતુરાઈ દ્વારા આ બધું પ્રાપ્ત થયું છે, તેવું તેના મગજમાં હોય છે, પરંતુ નિષ્ફળતા મળે છે ત્યારે બહાનાં શોધી કાઢે છે અને દોષનો ટોપલો બીજા પર ઢોળી દે છે. આ મારી આડે આવ્યો, આણે મારી બાજી બગાડી નાખી. ફલાણાએ વિશ્ર્વાસઘાત કર્યો, દગો દીધો નહીંતર હું ક્યાંનો ક્યાં નીકળી ગયો હોત. તેણે મને સહાય કરી નહીં, તેણે મારા પૈસા ડુબાડી દીધા. આવાં બધાં બહાનાંઓ શોધીને માણસ પોતાની નિષ્ફળતા માટે છટકી જવાનો પ્રયાસ કરતો હોય છે અને મનને મનાવી લેતો હોય છે. એટલે તેને આ અંધકારમાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. જે માણસ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને માને છે કે આ માટે હું દોષિત છું. હું મારા કારણે નિષ્ફળ ગયો છું. તો આ કારણ શોધી કાઢીને આગળ નીકળવાનો જુસ્સો તેનામાં ઊભો થાય છે. સફળતાની પ્રથમ શરત છે ભૂલનો સ્વીકાર. બહાનું કાઢીને આપણે આવા દોષોમાથી છટકી જતાં હોઇએ છીએ અને બીજા પાસે સારા દેખાવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. સમાજમાં કાંઈ ખરાબ થઇ ગયું કે કામ પૂરું થઈ શક્યું નહીં તો લોકો એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હોય છે પણ કોઇ એમ નહીં કહે કે આ માટે હું જવાબદાર છું. સામાજિક કાર્યોમાં લોકો સફળતાનો યશ લેતા હોય છે અને નિષ્ફળતા માટે બલિનો બકરો શોધી કાઢતા હોય છે. માણસ બીજાની નજરમાં કેવો છે તેનું બહુ મહત્ત્વ નથી. એ તો માત્ર દેખાવ અને દંભ છે, પણ માણસ પોતાની નજરમાં કેવો છે તેનું સવિશેષ મહત્ત્વ છે. આપણે બીજાની નજરે આપણને જોવાને ટેવાયેલાં છીએ એટલે મુશ્કેલી ઊભી થાય છે. કાંઇપણ કરવું હોય તો આપણે પ્રથમ વિચારીશું બીજાને કેમ લાગશે? પોતાને કેમ લાગશે એનો માણસ ખ્યાલ કરતો નથી. વસ્ત્રો અને ઘરેણાં એવાં પસંદ કરીએ છીએ જે બીજાને આકર્ષિત કરે. લગ્ન કે બીજા પ્રસંગોએ જે ધામધૂમ કરીએ છીએ તેમાં પણ લોકોને કેવું લાગશે, આપણું કેવું દેખાશે? આપણા મોભાને અનુરૂપ છે કે કેમ? તે બધાનો વિચાર કરીએ છીએ. આપણા કોઇપણ કાર્યમાં બીજો આવીને ઊભો રહી જાય છે. બીજા પ્રશંસા કરે એટલે આપણે ધન્ય ધન્ય થઈ જઇએ છીએ. બીજાની નજરમાં આપણે સારા લાગીએ એવા આપણા પ્રયાસો હોય છે પછી ભલે આપણે અંદરથી ગમે તેવા હોઇએ. દંભ અને ડોળ આપણને વાસ્તવિકતા સુધી પહોંચવા દેતા નથી. માણસ જો વિચારે કે હું મારી જાતને જે સમજું છું તેવો હું છું તો તેમાં આંતરચક્ષુ ખૂલી જાય. આપણે પોતાને જોઈ શકીએ તો બધો ભ્રમ ભાંગી જાય. આપણે દર્પણ સામે જોઈએ તો ચહેરો અને શરીર દેખાય છે તે બહારનું આવરણ છે. સ્વયંને જોવા માટેનું દર્પણ છે આત્મનિરીક્ષણ. આપણે સારા સજ્જન થવું છે કે દેખાવું છે? બાહ્ય આચરણ બીજાને માટે અને અંતરની અનુભૂતિ આપણા પોતાના માટે હોય છે. સદાચાર, આદર્શ, નીતિ, સિદ્ધાંતો અને ધાર્મિકતા લોકો ઘરેણાની જેમ પહેરી લે છે અને બહાર સારા દેખાય છે, પરંતુ આંતરિક જીવન એથી વિપરીત હોય છે. આ વિરોધાભાસના કારણે સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી. જે સ્વાભાવિક રીતે પ્રગટે છે તે આપણું પોતાનું છે અને જેને માટે મહેનત કરવી પડે, દેખાવ કરવો પડે તે નકલી છે. સાચું સ્વયંભૂ છે તે ટકી રહે છે અને ખોટું લાંબો સમય ટકતું નથી. આ અંગે ઓશોની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે. એક માણસ થાક્યોપાક્યો ઓફિસમાંથી ઘેર આવે છે અને પોતાની પત્નીને પાણી લાવવા માટે કહે છે. પત્ની પાણી લઇને આવે તે પહેલાં તેને ઊંઘ આવી જાય છે. વહેલી સવારે જ્યારે આંખ ખૂલે છે તો પત્ની પાણીનો ગ્લાસલઇને ઊભી છે. પતિએ કહ્યું: ‘તું અહીં અત્યારે પાણીનો ગ્લાસ લઇને કેમ ઊભી છો?’ પત્નીએ કહ્યું: ‘તમે ઓફિસેથી આવીને પાણી મંગાવ્યું અને હું પાણી લઇને આવી ત્યાં તમે ઊંઘી ગયા. તમને ખલેલ પાડવાનું મને ઉચિત લાગ્યું નહીં, પરંતુ મને થયું કે તમારી આંખો ખૂલશે અને તમને પાણીની જરૂર પડશે તો, એટલે હું ઊંઘી નહીં અને પાણીનો ગ્લાસ લઇને ઊભી છું.’ પતિએ કહ્યું, ‘તું કેવી ગાંડી છે. આમ આખી રાત ઊભા રહેવાની શું જરૂરત હતી?’ પત્નીએ કહ્યું, ‘મને ઊંઘ આવી જાય તો તમને પાણી કોણ આપે?’ આ વાત આખા ગામમાં પ્રસરી ગઇ. રાજાના કાન સુધી આ વાત પહોંચી. રાજા ખુદ આ પતિવ્રતા નારીના દર્શન માટે આવ્યા. રાજા આવ્યા તો ગામ લોકો પણ એકઠા થઈ ગયા. કોઇએ ફૂલ ચડાવ્યાં, કોઈએ ભેટ આપી તો કોઇએ પ્રશંસાના પુષ્પો વેર્યાં. રાજાએ સોનાના હારની ભેટ આપી અને કહ્યું, આવો અદ્ભુત પ્રેમ મેં કદી જોયો નથી. પણ આ બધું જોઈને પાડોશમાં રહેતી સ્ત્રીને આગ લાગી ગઇ. તે ઈર્ષ્યાથી જલી ઊઠી. તેણે કહ્યું, ‘આમાં, કઈ મોટી વાત છે. તેણે કયો મોટો મીર માર્યો છે.’ તેણે પોતાના પતિને કહ્યું, ‘એક રાત તો શું હું દસ રાત આમ ઊભી રહી શકું છું.’ તેણે પોતાના પતિને કહ્યું, ‘આજે થાક્યા પાક્યા તમે મોડા આવજો. આવીને પથારીમાં આડા પડી જજો અને મારી પાસે પાણી મગાવજો. હું પાણી લઇને આવું ત્યાં સુધીમાં તમે ઊંઘી જજો અને હું પાણીનો ગ્લાસ પકડીને ઊભી રહી જઈશ.’ પતિએ તેના કહ્યા મુજબ કર્યું. થાકેલો નહોતો પણ થાકેલો હોવાનો દેખાવ કર્યો. તરસ લાગી નહોતી છતાં પાણી માગ્યું અને ઊંઘ આવતી ન હોવા છતાં પત્નીને ખાતર પથારીમાં આખો મીંચીને પડી રહ્યો અને છેવટે ઊંઘ આવી ગઈ. પત્ની થોડીવાર ગ્લાસ પકડીને ઊભી રહી પછી તેને થયું અહીં આખી રાત જોવાવાળું કોણ છે. નિરાંતે ઊંઘી લઉં. સવારે પ્યાલો લઈને પાછી ઊભી રહી જઇશ. સવારે પતિની આંખો ખૂલી પણ પત્ની તો પથારીમાં નિરાંતે ઊંઘતી હતી. પતિએ પાછી આંખો બંધ કરી દીધી. અજવાળું થઇ ગયું પણ પત્ની જાગી નહીં. પત્નીને પરાણે ઉઠાડી અને આજુબાજુ અફવા ફેલાવી દીધી, પરંતુ રાજા આવ્યા નહીં અને ગામના લોકો પણ આવ્યા નહીં. આ સ્ત્રીને ખૂબ ગુસ્સો આવ્યો અને તે રાજાના દરબારમાં પહોંચી અને કહ્યું, ‘આ તે કેવો ન્યાય છે. એક એવું કરે તો તેનું સન્માન થાય અને અમે એવું કરીએ તો અમારો ભાવ ન પુછાય. એક એવું કરે તો સોનાનો હાર મળે અને બીજાની સામે પણ ન જોવાય. તમે કેવા રાજા છો? તમારો ન્યાય કેવો છે?’ રાજાએ કહ્યું, ‘તું એકદમ પાગલ છો. તેણે સન્માન મેળવવા માટે આમ કર્યું નહોતું. થઇ ગયું હતું. તેં સન્માન મેળવવા માટે આમ કર્યું એટલે બધું જુઠ્ઠું થઈ ગયું. તે મારા દરવાજા પર આવી નહોતી. અને તું મારા દરવાજા સુધી પહોંચી ગઇ. જે સ્વાભાવિક હોય છે તે કરવું પડતું નથી, થઈ જાય છે. સારા હોવું, નૈતિક હોવું, ધાર્મિક હોવું સારું છે, પરંતુ તેમાં દંભ-દિખાવટ હોવી જોઈએ નહીં. માણસ જે બહારથી થોપે છે તે લાંબો સમય ટકતું નથી. આપણું પોતાનું સત્ય આપણને તારે છે, બીજાનું નહીં. કાંઇક પ્રાપ્ત કરવા માટે કસોટીમાંથી પસાર થવું પડે છે. |
Pages
▼
No comments:
Post a Comment