સારા માણસોની જિંદગી શૂન્ય: કશું બચતું નથી કશું ઊભરાતું નથી |
જીવનના તમામ આયામોમાં સંતુલન જરૂરી શરીર છે એવો ખ્યાલ પણ ન આવે તો તન અને મન બંને સ્વસ્થ. માણસને હું છું તેમ કહેવું પડે છે. ઘટનાને જોડ્યા અને તોડ્યા વગર બહાર દેખાવાનું મુશ્કેલ. આપણે કાંઈક છીએ એવો ખ્યાલ જ તમામ ઉપદ્રવોનું કારણ. ખરાબ માણસોને જેટલી પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા મળે છે તેટલી સારા માણસોને મળતી થાય તો કોઈ ખરાબ રહે નહીં |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર માણસનું સમગ્ર જીવન બે અતિ પર અટવાયેલું છે. મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. માણસ ઘડીક દોસ્તી કરે છે ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ તો ઘડીક ઘૃણા, ઘડીક ક્રોધ તો ઘડીક ક્ષમા. આમ બે અંતિમો પર જીવનની ધારા અવલંબિત છે. મન સ્થિર રહી શકતું નથી. માણસનું વલણ બદલાયા કરે છે. એકને એક પરિસ્થિતિમાં તેને સીમિત થઈ જવાનું ગમતું નથી એટલે જીવનમાં પલટા આવ્યા કરે છે. આજે કોઈની સાથે સારું છે કાલે ખરાબ થઈ શકે છે. સંબંધોમાં આરોહ અને અવરોહ આવ્યા કરે છે. જીવનમાં કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. મન એ આયામ પરથી બીજા આયામ પર ભટક્યા કરે છે. કોઈને શિખર પર ચડાવી દે છે તો કોઈને નીચે ગબડાવી મૂકે છે. મન બે અતિઓની વચ્ચે રહી શકતું નથી. મન જ્યારે અતિ પર હોય છે ત્યારે તનાવ ઊભો થાય છે. મન જ્યારે અતિ પર હોતું નથી ત્યારે શાંતિ અને સ્થિરતા સર્જાય છે. સંયમમાં મન સમાપ્ત થઈ જાય છે. આપણે સતત તાણમાં જીવી રહ્યા છીએ. તનાવ ખતમ થઈ જાય તો એમ લાગે છે કે જીવન રહ્યું નથી. ખાલિપો સર્જાય છે. શરીર અને મન સ્વસ્થ હોય ત્યાર તેનો ખ્યાલ આવતો નથી. કાંઈક મુશ્કેલી ઊભી થાય છે ત્યારે શરીર અને મન હોવાનો અહેસાસ થાય છે. આપણે શ્ર્વાસ લઈએ છીએ પણ ખબર પડતી નથી. શ્ર્વાસોશ્ર્વાસની ક્રિયા એની મેળે ચાલતી રહે છે. એના પ્રત્યે કશું ધ્યાન જતું નથી. કેટલા શ્ર્વાસ લીધા એ પણ આપણે ગણતા નથી. આ ક્રિયા સતત એવી રીતે ચાલે છે કે તેને યાદ રાખવાનું જરૂરી બનતું નથી. પણ શ્ર્વાસ લેવામાં તકલીફ ઊભી થાય ત્યારે ખબર પડે છે કે શ્ર્વાસ લઈ શકાતો નથી અને શ્ર્વાસ તરફ ધ્યાન કેન્દ્રિત થાય છે. શરીરના સ્વસ્થ અંગોની ખબર પડતી નથી. માથું દુ:ખે છે ત્યારે ખ્યાલ આવે છે કે માથું આપણા શરીરનું મહત્ત્વનું અંગ છે. પગમાં કાંટો વાગે ત્યારે પગનો અહેસાસ થાય છે. પગમાં જોડા પહેર્યા હોય તો કશો ખ્યાલ આવતો નથી પણ ડંખ પડ્યો હોય ત્યારે જોડા પહેર્યાનો ખ્યાલ આવે છે. શરીરનો ખ્યાલ આવે ત્યારે સમજવું કે ક્યાંય કશી બીમારી છે. હકીકતમાં શરીરના એવાં અંગોનો જ ખ્યાલ આવે છે જેમાં કોઈને કોઈ મુશ્કેલી હોય. શરીર છે એવો ખ્યાલ પણ ન આવે એવી સ્વસ્થતા હોય ત્યારે મન પણ સ્વસ્થ બને છે. જીવનના તમામ આયામોમાં સંતુલન જરૂરી છે. સમ્યક આહાર, સમ્યક વ્યાયામ, સમ્યક નિંદ્રા, સમ્યક એટલે કાંઈ વધુ નહીં, કાંઈ ઓછું નહીં. ભોજન એટલું લેવું કે જેથી ભૂખની ખબર ન પડે અને ભોજનનો પણ ખ્યાલ ન રહે. ખાધા પછી ભૂખની ખબર પડે તો તેનો અર્થ એ થયો કે ભોજન ઓછું પડ્યું છે અને ખાધા પછી પેટનો ખ્યાલ આવે તો સમજવું કે વધુ ખવાઈ ગયું છે. એટલું ખાવું જરૂરી છે કે ખાધા પછી ભૂખની અને પેટની ખબર ન રહે. સમ્યક્ નિંદ્રા હોય તો ક્યારે સૂતા અને ક્યારે જાગ્યા તેની ખબર ન રહે. સ્વસ્થતા હોય તો ક્યારે પરિશ્રમ કર્યો અને ક્યારે વિશ્રામ કર્યો તેનો ખ્યાલ ન આવે. જીવનમાં જે કાંઈ બને છે તે સ્વાભાવિક રીતે બનતું રહે. આપણે બધું અતિ કરી નાખીએ છીએ એટલે શરીરનો ખ્યાલ નજર સમક્ષ રહે છે. જીવનમાં કાંઈક વધુ કરી નાખવાનું માણસનું જે વલણ છે તેનું મુખ્ય કારણ એ છે કે કાંઈક વધુ કરીએ ત્યારે જ ખબર પડે કે આપણે છીએ. અસાધારણતામાં આપણને આપણી હસ્તીનો ખ્યાલ આવે છે. સમ્યકમાં શરીર અદ્રશ્ય થઈ જાય છે તે છે એવી ખબર પડતી નથી. મહાવીરની અહિંસાનો અર્થ છે આપણને ખબર પણ ન પડે આપણે છીએ. આપણે છીએ તેવો ખ્યાલ જ તમામ ઉપદ્રવોનું કારણ છે. સંયમી માણસને પોતાની હસ્તીનો ખ્યાલ આવતો નથી. માણસ જ્યારે પોતાની જાતને બતાવવા માગે છે ત્યારે અસંયમ સિવાય બીજો કોઈ માર્ગ નથી. જેટલો માણસ અસંયમી હશે એટલો ઉપદ્રવી હશે. એટલા માટે તો તે છે તેની બીજાને ખબર પડે છે. જેને બહાર દેખાવું હશે તેમને ઉપદ્રવી બનવું પડશે. સમાજમાં પણ સારા, સજ્જન, સંયમી માણસો બહાર દેખાતા નથી. ઉપદ્રવી અને અહંકારી માણસો બધાની નજરે પડે છે. કાંઈક અસાધારણ અજુગતુ કરો તો જ લોકોને ખબર પડે. એમાઈલ જોલો નામના એક વિદ્વાને તેના સંસ્મરણોમાં લખ્યું છે કે દુનિયામાં જો બધા સારા, સજ્જન માણસો હોય તો કથા લખવાનું મુશ્કેલ બની જાય. કથાવસ્તુ મળે નહીં. સારા માણસોની જિંદગીમાં કોઈ કહાણી હોતી નથી. બૂરા માણસોની જિંદગીમાં ઘટનાઓ ઘટિત થતી રહે છે. સારા માણસોની જિંદગી શૂન્ય બની જાય છે. સરળ અને સાહજિક જીવનમાં કશું બચતું નથી અને કશું ઊભરાતું નથી. મહાવીર જેવા બુદ્ધ પુરુષોની જિંદગીમાં કશું અસાધારણ બનતું નથી. હવાના ઝોકાને પણ તકલીફ ન પડે તેવી રીતે તેઓ પસાર થાય છે. અને જમીન પર પગ મૂકતી વખતે મૃદ ભાવ રાખનારા માણસની જિંદગી પાણીના પ્રવાહની જેમ સરળતાથી વહી જાય છે. એટલે મહાવીરના જીવનમાં કશી રોમાંચક કહાણી નથી. આવા પ્રજ્ઞાવાન પુરુષો કોરા કાગળની જેમ પૃથ્વી પર ઊતરે છે અને કોરા કાગળની જેમ પૃથ્વી પરથી વિદાય લે છે, પરંતુ તેમનાં વચનો સદાકાળ પ્રેરણા આપતાં રહે છે. રાવણ વગર રામાયણની કલ્પના કરવી મુશ્કેલ છે. રામ કદાચ ન હોય તો ચાલી જાય પણ રાવણ અપરિહાર્ય છે. એના વિના કહાણીમાં જાન ન રહે. કથાનું કેન્દ્ર રામ છે પણ રાવણ વગર કથાનો કોઈ અર્થ ન રહે. જીવનમાં અને સમાજમાં મોટે ભાગે માથાભારે માણસો અને વિલનો હીરો બની જતા હોય છે. માણસે હીરો બનવાથી બચવું જરૂરી છે. હીરો બનવા માટે થોડું વિલન બનવું અનિવાર્ય છે. સંયમી વ્યક્તિઓના જીવનમાં તમામ ઘટનાઓ વિદાય થાય છે અને સાથે હું છું, હું કાંઈક છું એમ કહેવાનો ઉપાય રહેતો નથી. અને આપણે બધા કાંઈક છીએ એમ કહેવા માગીએ છીએ એટલો ઉપદ્રવ કરવો જરૂરી બની રહે છે. ઘરમાં, સમાજમાં, મંદિરમાં અને દુકાનમાં આપણે આપણી જાતને પ્રોજેક્ટ કરતા રહીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણે જે કાંઈ કરીએ છીએ તે બીજા જુએ અને પ્રશંસા કરે. જ્યાં આપણને કોઈ જોવાવાળું ન હોય ત્યાં જવાનું મન થતું નથી. આપણે એ જ કરીએ છીએ જે લોકો જુએ છે. દરેક માણસનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત છે. બીજા સામે તેની નજર પડતી નથી. બીજાનું કામ સારું લાગતું નથી. દરેક માણસને હું છું એમ કહેવું પડે છે. સારા માણસો કરતાં ખરાબ માણસોને વધુ પ્રસિદ્ધિ મળતી હોય છે. ખરાબ માણસ સારા માણસનો આંચળો ઓઢીને ફરતો હોય છે. સારા માણસો પાસે પ્રોજેક્ટ કરવા જેવું કશું હોતું નથી. અને તેને એમ કરવાની જરૂર પણ રહેતી નથી. બૂરા માણસોને જેટલું નામ મળે છે તેટલું સારા માણસોને મળતું થાય તો કોઈ માણસ ખરાબ રહે નહીં. સારો માણસ પણ અસ્મિતા અને અહંકારની ખોજમાં બૂરો બને છે. તમે તેના તરફ જોતા નથી. ધ્યાન આપતા નથી. તમે એ છે એમ પણ માનતા નથી એટલે તેને કાંઈક કરીને દેખાડવું પડે છે. જેથી તમારું ધ્યાન તેના તરફ કેન્દ્રિત થાય. એક સ્ત્રી પોતાના પતિ પ્રત્યે જીવનભર નિષ્ઠાવાન, વફાદાર રહી કે કોઈ માણસ જિંદગીભર પ્રામાણિક રહ્યો તે વાત આપણી નજરમાં નહીં આવે પણ કોઈ સ્ત્રી પતિને છોડીને ભાગી ગઈ કે કોઈ માણસ ભ્રષ્ટાચાર કરતા પકડાઈ ગયો તે વાત તુરત આપણી નજરમાં આવશે. સારી વસ્તુઓ જલ્દીથી નજરે પડતી નથી. ખરાબ વસ્તુઓ જલ્દીથી ધ્યાનમાં આવી જાય છે. માણસ કાંઈ પણ કર્યા વગર રહી શકતો નથી. તે અકસર એવું કરે છે જે બીજાની તુલનામાં ઊંચું હોય, નવું હોય, વિશિષ્ટ હોય. આનાથી તેના અહંકારને પૃષ્ટિ મળે છે. ઘટનાઓને જોડ્યા અને તોડ્યા વગર આપણે છીએ તેવું જણાશે નહીં. જો ક્યાંય આપણે દેખાવું હશે તો તાણમાં રહેવું પડશે. અતિઓ પર હાલકડોલક થવું પડશે. ક્રોધ કરવો પડશે, ક્ષમા કરવી પડશે, ભોગ કરવો પડશે ત્યાગ કરવો પડશે, દોસ્તી કરવી પડશે, દુશ્મની કરવી પડશે, પ્રેમ કરવો પડશે, નફરત કરવી પડશે. દ્વંદ્વોમાં જીવવું પડશે. એક વખત સંત હસન પાસે એક ભક્ત આવ્યો અને તેના પગમાં પડી ગયો અને કહ્યું આપ પ્રભુના સાક્ષાત અવતાર છો. તમારા દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું. હસન પ્રશંસા સાંભળતા રહ્યા કશું બોલ્યા નહીં. થોડી વાર થઈ બીજો માણસ આવ્યો. તેને કાંઈક વાંકુ પડ્યું હશે. આવતાની સાથે તેણે હસનને ગાળો ભાંડવા માંડી, કટુ વચનો કહ્યાં અને જતો રહ્યો. હાજર રહેલા ભક્તોએ કહ્યું: પેલો માણસ આટલું બધું કહી ગયો અને આપ કશું બોલ્યા નહીં. આવો અભદ્ર વહેવાર કેમ સાંખી લીધો? હસને કહ્યું: તે ખાતું સરભર કરી ગયો. તેણે મારી સાથે કશો અભદ્ર વહેવાર કર્યો નથી. તેણે માત્ર બેલેન્સિંગ કર્યું છે. હમણા એક માણસ મને પ્રભુનો સાક્ષાત અવતાર કહી ગયો. એટલી પ્રશંસા કરી ગયો કે સમતુલન ડગી ગયું. આ માણસે ખાતું સરભર કરી નાખ્યું. આ બે માણસો આવ્યા એ પહેલાં હું જે હતો તે પાછો થઈ ગયો છું. જિંદગીમાં આવું સમતુલન કેળવવું જરૂરી છે. જિંદગીમાં એક બાજુ મિત્રતા બીજી બાજુ શત્રુતા એક બાજુ પ્રેમ બીજી બાજુ ઈર્ષા અને ઘૃણા. એક અતિ બીજા અતિ પર ક્યારે સરકી જાય છે તેની ખબર રહેતી નથી. આપણે કોઈ એક દ્વંદ્વને પસંદ કરીએ છીએ ત્યારે બીજા દ્વંદ્વમાં તેની અસર પહોંચવી શરૂ થઈ જાય છે. કોઈ પણ માણસને શત્રુ બનાવતા પહેલાં મિત્ર બનાવવો પડે છે. કોઈ પણ જાતના સંબંધ વગર કોઈને દુશ્મન બનાવી શકાતો નથી. મૈત્રી અને સંબંધો તૂટે છે ત્યારે દુશ્મની શરૂ થાય છે. જીવનમાં મધ્યમાં રહેવું અને વિવેકથી ચાલવું જરૂરી છે. મનનાં ઉપદ્રવો શમી જશે તો શાંતિ અને સ્થિરતા છે. |
Pages
▼
No comments:
Post a Comment