પતંગ, દાંડિયા, ફટાકડા અને હોળી-ધુળેટી |
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ મકર સંક્રાન્તિ આવવાની હોય એના થોડા દિવસ પહેલાં એક પ્રચાર શરૂ થઈ જાય છે. પતંગના માંજાથી કેટલાં પંખી મરી જાય છે. દિવાળી આવવાની હોય ત્યારે ફટાકડાથી પ્રદૂષણ કેટલું થાય છે એવો પ્રચાર શરૂ થઈ જાય છે.નવરાત્રિ અને ગણેશોત્સવ વખતે નોઈસ પોલ્યુશનની અને હવે હોળી વખતે પાણીની તંગીની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. વાત શરૂ કરતાં પહેલાં આ ઝુંબેશવીરોનો એક કિસ્સો કહું તમને. એ વખતે ‘ઈ ટીવી’ ગુજરાતી પર ‘સંવાદ’ નામનો ટૉક-શો અમે શરૂ કરેલો. એક વખત ડૉ. જયંત પંડ્યા નામના વિજ્ઞાન જાથા સંસ્થાની પ્રવૃત્તિ કરનાર સેકયુલરવાદી સજ્જનની મુલાકાત લેવાની આવી. સ્ટુડિયોમાં પહેલા સેગમેન્ટ માટેનું સાત મિનિટનું રેકૉડિંગ શરૂ થયું. એક-બે સવાલોની ભૂમિકા પછી મેં ડૉ. જયંત પંડ્યાને એમણે હિંદુ મંદિરમાં પાડાનો બલિ થતાં કેવી રીતે અટકાવ્યો એ કિસ્સો કહેવાનું કહ્યું. પંડ્યા સાહેબે ખૂબ રસપૂર્વક આખો કિસ્સો કહ્યો. હું વચ્ચે વચ્ચે એમને પાનો ચડાવતો ગયો. પંડ્યાજીએ રંગમાં આવીને આખો કિસ્સો વિસ્તૃતપણે કહ્યો. બ્રેક લેવાની ૩૦ સેક્ધડ પહેલાં મેં પંડ્યાજીને અભિનંદન આપીને કૅમેરાની આંખ સામે જોઈને કહ્યું, ‘મિત્રો, ડૉ. જયંત પંડ્યાએ એક પાડાને બચાવીને જીવદયાનું અદ્ભુત કામ કર્યું છે. થોડા દિવસ પછી બકરી ઈદ આવી રહી છે. બ્રેક પછી આપણે એમની પાસેથી જાણીશું કે તેઓ ચાર લાખ નિર્દોષ બકરાંની કતલ અટકાવવા કઈ ઝુંબેશ ઉપાડી રહ્યા છે.’ મેં હસતા મોઢે બ્રેક લીધો ને આ બાજુ જયંતજીની હાલત કાપો તોય લોહી ન નીકળે. બ્રેકમાં એ મારી સાથે કંઈક ડિસ્કસ કરવા માગતા હતા પણ મેં માત્ર મેકઅપ ટચઅપ જેટલો સમય લઈને તરત જ સેક્ધડ સેગમેન્ટનું શૂટિંગ શરૂ કરાવ્યું. જયંત પંડ્યાને ચાર લાખ બકરાંની કતલ કેવી રીતે રોકશો એવો સવાલ પૂછયો અને તેઓશ્રી તતપપ ગેંગેંફેંફેં થઈ ગયા. ‘એ તો ટ્રેડિશન છે’, ‘ધર્મની પરંપરા છે’ વગેરે કહેવા લાગ્યા. એક પાડાનો જાન કીમતી હોય તો ૪ લાખ બકરાંનો જાન કીમતી નહીં? એવું પૂછીને એમને વધુ ઉશ્કેર્યા. છેવટે સાહેબ ખુલ્લા પડી ગયા. એ ઈન્ટરવ્યુની ઑડિયો મારી પાસે છે. વિડિયો નથી કારણ કે એમણે વગ વાપરીને ઈન્ટરવ્યુ ટેલીકાસ્ટ ન થવા દીધો. સંવાદની મારી ૧૪૪ એપિસોડની સીઝન પૂરી થયા પછી એક અન્ય એન્કરે ‘સંવાદ’માં જ ડૉ. જયંત પંડ્યાનો ઈન્ટરવ્યુ લીધો જેમાં તેઓ સમાજ માટે કેટલું સારું કામ કરે છે એવી છાપ ઊભી કરીને એમને બિરદાવવામાં આવ્યા. બકરી ઈદને દિવસે કોઈ ઊહાપોહ કરતું નથી કે દેશ આખામાં લાખો બકરાં આ પવિત્ર તહેવારના નામે કપાઈ મરે છે તેનું શું? આ બકરાંને ઉછેરવા માટે, એમના ઘાસચારા માટે જે પાણી જોઈએ છે તેના એક કરોડમા ભાગનું પાણી પણ હોળીમાં વપરાતું નથી. ઈશ્યુ પાણીની તંગીનો કે દુકાળનો છે જ નહીં. જે વિસ્તારોમાં એવી પરિસ્થિતિ છે ત્યાં કોઈ પાણીથી હોળી નથી રમવાનું. અહીં પાણીથી હોળી નહીં રમીને એ બચેલા પાણીને ટેન્કરમાં ભરીને દુકાળગ્રસ્ત વિસ્તારમાં મોકલી શકવાનું છે કોઈ? આંદોલનકારીઓ, ઝુંબેશશૂરાઓ અને ચળવળિયાઓને માત્ર બહાનું જોઈતું હોય છે. ઉર્સ અને એવા પ્રસંગોએ નીકળતા મુસ્લિમોના ધાર્મિક સરઘસો વખતે થતા ટ્રાફિક જામ, સખત ઘોંઘાટ, અવ્યવસ્થા અમે વર્ષોથી જોતા આવ્યા છીએ. પણ ફરિયાદ માત્ર નવરાત્રિ વખતે કે ગણેશોત્સવ વખતે જ થશે. દિવાળીના દિવસોમાં અહિંસાવાદી વડીલો બાળકો પાસેથી ફટાકડા ફોડવાનો આનંદ છિનવી લે છે. અવાજનું પ્રદૂષણ થાય છે. અરે ભાઈ, આખું વરસ રસ્તા પર બાપ મરી ગયો હોય એવી ચિચિયારીઓ જેવા હૉર્ન મારતા મોટર સાઇકલવાળાઓને અને ઍરહૉર્નની તીણી ચીસો પાડતા ટ્રક ડ્રાઇવરોને જઈને સમજાવો ને. હવામાં પ્રદૂષણ ફટાકડાથી જેટલું થાય છે તેના કરતાં દસ અબજગણું પોલ્યુશન વાહનો, ફૅક્ટરીઓ, રેસ્ટોરાંની ચિમનીઓ વગેરેને કારણે થાય છે. તમે બાળપણમાં જે હોંશથી ફટાકડા ફોડ્યા તે હોંશ આજની પેઢીના બાળકોને ન હોય? અને તમે જો નાનપણમાં ફટાકડા ન ફોડ્યા હોય તો ભોગ તમારા, બીજાને શું કામ એ આનંદથી વંચિત રાખવાના? ઉતરાણ સમયે માંજાથી કેટલાંક પંખીઓ કપાઈ જતાં હશે. દુખદ કહેવાય. પંખીપ્રેમીઓ એની સારવાર કરે છે. સારું કહેવાય. પણ આવી સેવાભાવી પ્રવૃત્તિ ચૂપચાપ કરવાની હોય. લોકોમાં જાગૃતિ લાવવાના બહાને પોતાના ફોટા અને પોતાની સંસ્થાઓનાં નામ છપાવવાનાં ન હોય. તિલક હોળીનું ભૂત થોડાંક વર્ષ પહેલાં શરૂ થયું. ભારતના એક અગ્રણી હિંદી અખબાર જૂથે શરૂ કર્યું અને એના હરીફ અખબાર જૂથે પણ એમાં ઝંપલાવ્યું. થોડાં વર્ષ પહેલાં ટીવી પર એક હાસ્યાસ્પદ ઍડ આવતી હતી. સેવ ધ ટાઈગર માટેની. તમારા ઘરની બત્તી ગુલ ન થઈ જાય એ માટે ટાઈગર બચાવો! ચાલો, અમારે ટાઈગર બચાવવો છે. મુંબઈમાં કયાં ટાઈગર છે કે અમે બચાવીએ? "અમે બચાવીશું, જંગલમાં જઈને. અમને પૈસા આપો પ્રીસાઈસલી. પૈસા પડાવવા માટે આવા બધા કકળાટ શરૂ કરવામાં આવે છે. વચ્ચે અમારા એક પરિચિત કાગળ બચાવો, વૃક્ષ કાપો નહીં વગેરે માટે ડઝનબંધ લેખો છાપામાં છપાવતા. અમારે એમને જાહેરમાં કહેવું પડ્યું કે સાહેબ, તમારા આ લેખો ન્યુઝપ્રિન્ટ પર છપાય છે તેને બદલે પાટી પર લખીને લોકોને મોકલો તો સારું. કમ સે કમ એટલો કાગળ અને એટલાં ઝાડ તો બચી જશે. આખી વાતનો સાર એ કે કોઈનેય નુકસાન ન થાય એ રીતે જલસાથી ફટાકડા ફોડવાના, નવરાત્રિમાં અને ગણેશોત્સવમાં નાચવાનું, પતંગ ચગાવવાના અને પિચકારીઓમાં રંગીન પાણી ભરીને હોળી-ધુળેટી પણ રમવાની મારી નોંધ :શ્રી સૌરભભાઈની વાત સાથે સંમત થવાતું નથી . તેઓ પથ્થરનો જવાબ પથ્થરથી આપવામાં માને છે પરંતુ અહિયાં તે યોગ્ય લાગતું નથી .શોર બકોર કે પશુની કતલ કે પક્ષીઓને ઈજા વગેરે પ્રશ્નોનો જવાબ તો આપણે જ આપવો પડશે . ખરેખર તો તેમનો વાંધો સરકાર અને ખાસ કરીને કોન્ગ્રેસ જે રીતે મુસલમાનોને છાવરી રહી છે તેનો છે . મુસલમાનોને જે સવલતો આપવામાં આવે છે તેની સૌ કોઈ ને ઈર્ષા આવે તેવું છે કારણકે જે વર્ગ સરકારને નાણા પુરા પડે છે તેના તરફ સરકાર બિલકુલ બેદરકાર છે અને જે વર્ગ તેમને ધાક ધમકી આપી ડરાવે છે તેમને શરણે થઇ જાય છે . પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર જે અત્યાચારો થાય છે અને જે રીતે આપણા મંદિરોનો નાશ કરવામાં આવે છે તેની નોંધ સુધ્ધા લેવાતી નથી .જયારે ભારતમાં બાબરીના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે . ગુજરાતમાં સળી મુસલમાનોએ કરી તેનું ફળ તેઓએ ભોગવ્યું તેના ફળસ્વરૂપે ત્યાં શાંતિનો માહોલ બની ગયેલ છે છતાં તે રાજ કરતી સરકારને માન્ય નથી . તેનાથી અનેકગણું જાનમાલનું નુકસાન કાશ્મીરમાં થઇ રહ્યું છે પણ ત્યાં એક અક્ષર પણ ઉચ્ચારવામાં આવતો નથી કારણ કે ત્યાં મુસલમાનોનું રાજ છે . આ અસમતુલા જો હઠાવી શકાય તો જ ભારતનું કલ્યાણ થાય તેજ કરવાની ખાસ જરૂર છે . |
Pages
▼
Tuesday, March 26, 2013
પતંગ, દાંડિયા, ફટાકડા અને હોળી-ધુળેટી - સૌરભ શાહ
Sunday, March 24, 2013
પ્રાચીન ભારતમાં સ્થાપત્ય અને યંત્રશાસ્ત્ર - ડો. જે. જે. રાવલ
દક્ષિણ ભારતમાં એક સ્વસ્તિક ગ્રામ છે, જેમાં બધા રસ્તા સાથિયાના આકારમાં છે |
બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ પ્રાચીન ભારતમાં મકાનો, મહેલાતોની બાંધણી અને તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી હતી. આપણે ‘દ્વારકા, ઈન્દ્રપ્રસ્થ વગેરે જગ્યાઓની બાંધણીની વિગતોથી વિદિત છીએ. મૌર્ય અને ગુપ્તવંશ સમયના મહેલોની વિગતથી પણ વિદિત છીએ. મકાનોના પ્લાનિંગ, બાંધણી વગેરેના સંદર્ભો આપણી પાસે છે. નિવાસી મકાનો, રાજમહેલ, સેનાનાં મકાનો, તબેલા, ગજશાળા, મંદિરો વગેરે ઊંચા સ્થાપત્યશાસ્ત્ર પ્રમાણે જ થતાં. તે જગ્યા, દ્વારો વિચારીને સ્થાપત્યશાસ્ત્ર અનુરૂપ રહેતાં. આ બધાં મકાનોનું સ્થાપત્ય એવું રહેતું કે ધરતીકંપો, વાવાઝોડાં, ભારે વરસાદ તેમને પાડી ન શકતાં. મોઢેરાનું સૂર્ય મંદિર અને કોણાર્કનું સૂર્યમંદિર સદીઓથી આપણી સામે અડીખમ ઊભાં છે. ભારતમાં સ્થાપત્યકળા કેટલી બધી ઉચ્ચ કક્ષાએ વિકસી હતી એની આ બધાં સ્થાપત્યો સબિતી આપે છે. દક્ષિણનાં મંદિરો આજે આપણને આશ્ર્ચર્ય પમાડે છે. અથર્વવેદમાં શિલ્પશાસ્ત્ર વિષે વિસ્તારથી વિગત આપવામાં આવી છે. એટલે કે ૫,૦૦૦ વર્ષ પહેલા ભારતમાં શિલ્પશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર વિકસેલાં હતાં. મકાન, મહેલાત, મંદિર કે કોઈપણ ઈમારત બાંધવી હોય તો સૌ પ્રથમ તો તે જમીનની તાકાત કેટલી છે એની ચકાસણી થતી. તમિળનાડુમાં થીરુ મંદિરનાં મુખ્ય ગુંબજમાં ૫૦ ફૂટ પહોળી કમાન છે. આ તે વખતના આપણા સ્થપતિઓની તાકાત દર્શાવે છે, તેમના જ્ઞાનની તાકાત દર્શાવે છે. ક્યાંક તો થાંભલા વગરના મોટા મોટા હોલ હોય છે. તમિળનાડુના કોડાન્ગાઈ શહેરમાં આવુદયાર ભગવાનના મંદિરમાં એક ખડક એટલે પાતળો બનાવવામાં આવ્યો છે, જાણે કાગળ! પ્રાચીન ભારતમાં પથ્થરોના પાતળા પડદા બનાવવામાં આવ્યા હતા, જાણે કે નેનો ટેકનોલોજીના જાણકાર ન હોય! તો પ્રશ્ર્ન એ થાય છે કે તેમનાં સાધનો કેવા હશે? દેલવાડાના દેરા જુઓ, રાણકપુરનું મંદિર જુઓ, ખજૂરહોના મંદિરો જુઓ. જાણે પથ્થરમાં કવિતા! શિલ્પશાસ્ત્રમાં જગતમાં ભારતનો જોટો નથી. હાલના અક્ષરધામ મંદિર અને સોમનાથ વગેરે મંદિરો પ્રાચીન ભારતના શિલ્પશાસ્ત્રની ઉપજ છે. કાવેરી નદી પર ઈસુની બીજી સદીમાં કાલાનાઈમાં બંધાયેલો ગ્રાન્ડ અનીકતેના ડેમ દુનિયાનો સૌથી જૂનો ડેમ છે. આ આપણે સૌ માટે ગર્વની વાત છે. આ ડેમ હજુ પણ સારી સ્થિતિમાં છે અને વપરાશમાં છે. પ્રાચીન ભારત ઘણા ક્ષેત્રે પ્રથમ હતું. આજે તે બધા જ ક્ષેત્રે ગુલામ બનતું જાય છે તે દુ:ખની વાત છે. દક્ષિણ ભારતમાં સ્વસ્તિક ગ્રામ છે, તેમાં સાથિયાના રૂપમાં બધા રસ્તા છે. છ રસ્તા પૂર્વથી ઉત્તરમાં જાય છે અને ગામના પાદરને મળે છે. પણ ત્યાં જતાં તે માત્ર ચાર રસ્તા જ રહે છે. શહેરમાં મધ્ય ભાગમાં તે છ રસ્તા હોય છે. શહેરના મધ્ય ભાગમાં હેર-ફેર વધારે હોય છે, માણસો વધારે હોય છે. માટે ત્યાં છ રસ્તા છે. ગામના પાદરે જતાં ટ્રાફિક ઓછો થઈ જાય છે, માટે ત્યાં માત્ર ચાર રસ્તા જ રહે છે. ટ્રાફિકની કેટલી સેન્સ. બધા જ રસ્તા વળી પાછા પહોળા અને કાટખૂણે અને વન-વે, આ બધા રસ્તા વળી પાછા સમાતંર અને ઘડિયાળની દિશામાં વળાંક લે. પ્રાચીન ભારતમાં બે મકાન વચ્ચે ત્રણ પગલાનું અંતર રાખવામાં આવતું. આ નિયમ જે મકાનને વાડો હોય કે છાજલી હોય તેને લાગૂ પડતો. મકાનના ઓરડા વચ્ચે ચાર આંગળાની જગ્યા અથવા તે એકબીજાને અડકે, બારી રસ્તાની બાજુમાં હોય અને જરા ઊંચી હોય, જેથી ઘરમાં પ્રકાશ પથરાય. બારીનાં પરિમાણ પણ યથાયોગ્ય અને બારીઓ બંધ પણ થઈ શકે. ઘરોની આ બાબતો મકાન માલિક જ નક્કી કરે તેવી છૂટ હતી, શરત માત્ર એ કે તે કલ્યાણકારી હોવી ઘટે અને તેમાં ઝઘડાને સ્થાન ન હોય. આ બધી બાબતો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આપવામાં આવી છે. વધારે વિગતો કપિલ - વાત્સ્યાયનમાં પણ આપવામાં આવી છે. ભારતીય પ્રાચીનશાસ્ત્રોમાં મશીન અને મિકેનિક્સના ઘણા સંદર્ભે મોજુદ છે. વેદમાં ચક્ર, અગ્નિ ઉત્પન્ન કરવાના, હેન્ડલૂમના, દહીં ઝેરવાના વગેરેના સાધનોના પ્રચૂર ઉલ્લેખો છે. મહાભારતમાં દ્રૌપદીના સ્વયંવરમાં થાંભલા પર ગોળ ગોળ ફરતી માછલીનો ઉલ્લેખ છે. કૌટીલ્યનું અર્થશાસ્ત્ર ૨,૪૦૦ વર્ષ પહેલા લખાયું હતું. તેમાં ૩૨ જાતનાં મશીનોના ઉલ્લેખ છે. તેમાં એક મશીન પથ્થર ફેંકી શકતું હતું. તેમાં ત્રાજવાની વાત છે આ બતાવે છે કે પ્રાચીન સમયમાં ભારતીયોને વિજ્ઞાનનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ કેટલું હતું. ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ લખ્યું છે કે રાજા તેના દીકરાના શિક્ષકને તેના દીકરાને મશીનનું જ્ઞાન આપવાની વાત કરે છે, જે મશીન કાં તો અગ્નિથી, વાયુથી કે પાણીથી ચાલે. આ દર્શાવે છે કે પ્રાચીન સમયના રાજા ભૌતિકશાસ્ત્ર અને યંત્રશાસ્ત્રને કેટલું બધું મહત્ત્વ આપતાં! ‘આર્યભટીય’ ગ્રંથમાં આર્યભટ લાકડામાંથી બનાવેલા પૃથ્વીના ગોળાની વાત કરે છે, જેમાં વજન સરખી રીતે રખાયું હોય અને ગોળો તેની ધરી પર ૨૪ કલાકમાં એક ચક્કર મારી લે. વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં પણ પ્રાચીન ભારત આગળ હતું. ભાસ્કરચાર્યે ખૂબ જ ચોક્કસ ઘટિકાયંત્ર બનાવ્યું હતું. પ્રાચીન ભારતમાં તુરીયયંત્ર પણ હતું અને તારાના વેધ લેવાનાં યંત્રો પણ હતાં. તુરીયયંત્ર ખરેખર શું હતું તે સંશોધનનો વિષય છે. શું તે દૂરબીન હતું? પ્રાચીન ભારતમાં આમ નાની ટેકનોલોજી સારી એવી વિકાસ પામી હતી. પાંડવોના ઈન્દ્રપ્રસ્થની રચના પણ આપણને સાયન્સ અને ટેક્નોલોજીની કમાલ દેખાડે છે. આર્યભટના ‘આર્યભટીય’ ગ્રંથમાં લંબાઈના માપન માટે નીચેની વિગત આપી છે. ૮ પરમાણુ બરાબર ૧ ત્રસારેનું. ૮ ત્રસારેનું બરાબર ૧ રથારેણુ. ૮ રથારેણું બરાબર ૧ કોસ. ૮ કોસ બરાબર ૧ તલ. ૮ તલ બરાબર ૧ સારાસપાસ. ૮ સારાસપાસ બરાબર ૧ જવ. ૮ જવ બરાબર ૧ અંગુલ. ૧૨ અંગુલ બરાબર ૧ વિતસ્તી (વેંત). ૨વિતસ્તી (વેંત) બરાબર એક હસ્ત. ૪ હસ્ત બરાબર ૧ દાંડા. ૧૦૦૦ દાંડા બરાબર ૧ ક્રોસ. ૪ ક્રોસ બરાબર ૧ યોજન. |
Saturday, March 23, 2013
જાણીતા પત્રકાર-લેખક સૌરભ શાહ વર્ણવે છે અમદાવાદની સાબરમતી જેલમાં ગાળેલા એમના બે મહિનાના કપરા કારાવાસના કેટલાક અનુભવ
‘ચિત્રલેખા’એ લીધેલી સૌરભ શાહની મુલાકાત
June 20, 2009
…એ ૬૩ દિવસ ને ૧૩ કલાક!
(મારી નોંધઃ ત્રણેક મહિના અગાઉ, સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયેલા ખૂનના બનાવને પગલે, ‘ચિત્રલેખા’એ આ જેલ વિશે એક વિસ્તૃત કવર સ્ટોરી પ્લાન કરી. ‘ચિત્રલેખા’ના તંત્રી અને મારા ૨૫ વર્ષ જૂના મિત્ર ભરત ઘેલાણી, હું જેલમાં હતો ત્યારે મને મળવા આવવાના હતા. અમારી વચ્ચે કંઈક અલગ પ્રકારનો અને જુદાં કારણોસર પત્રવ્યવહાર પણ એ વખતે થયો હતો, જેની વાત ‘અનુભવો’માં આવશે. ‘ચિત્રલેખા’ની કવર સ્ટોરી માટે જરા સંકોચ સાથે પણ સંપૂર્ણ આદરપૂર્વક, મુંબઈથી આવેલો સંદેશો મહેશ શાહે મને આપ્યો. મહેશભાઈ હરકિસન મહેતાના હાથ નીચે કામ કરી ચૂક્યા છે અને અમદાવાદ રહીને સમગ્ર ગુજરાત સંભાળે છે. ‘ચિત્રલેખાના તસવીરકાર પ્રગ્નેશ વ્યાસ ફોટા પાડવા ઘરે આવ્યા ત્યારે હું એક સમારંભમાં પહોંચવાની ઉતાવળમાં હતો. પ્રસ્તુત છે એ તસવીર સાથે ‘ચિત્રલેખા’માં પ્રગટ થયેલી સંપૂર્ણ મુલાકાત.)
‘ચિત્રલેખા’, ૬ એપ્રિલ ૨૦૦૯, મુલાકાત લેનાર: મહેશ શાહ, તસવીરકાર: પ્રગ્નેશ વ્યાસ
જાણીતા પત્રકાર-લેખક સૌરભ શાહ વર્ણવે છે
અમદાવાદની સાબરમતી જેલમાં ગાળેલા એમના
બે મહિનાના કપરા કારાવાસના કેટલાક અનુભવ
સૌરભ શાહ: જે ગાળામાં મને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આરોપી તરીકે રાખવામાં આવ્યો હતો તેના થોડાક જ મહિના પહેલાં જેલમાં કેટલીક ગૅન્ગ કાર્યરત હતી. એક ગૅન્ગવૉરમાં ગોવા રબારીની નામચીન ગૅન્ગના કેદીઓએ નવી બૅરેક નંબર ૬માં ચેતન બૅટરી નામના ખૂનના આરોપીની હત્યા કરી નાખી હતી. મને એ જ બૅરેકમાં રાખવામાં આવ્યો હતો. મારું બેડિંગ ચેતન બૅટરીનું ખૂન થયું એ સ્થળથી ચાર પથારી છોડીને જ હતું.
ચેતન બૅટરીની હત્યા કેવી રીતે થઈ એનું વિગતવાર વર્ણન એક રાતે મેં એ ઘટનાને નજરે જોનારા કેદી પાસેથી સાંભળ્યું હતું. ચેતન બૅટરીની હત્યા પછી જેલમાં ગૅન્ગ પ્રવૃત્તિ નહીંવત્ થઈ ગઈ હતી. જો કે, હમણાં ફરી પાછી શરૂ થઈ હોઈ શકે છે એવું તાજેતરમાં થયેલી હત્યાના બનાવ પરથી લાગે છે. મારા સદ્-નસીબે મેં જેલમાં ગાળેલા ૬૩ દિવસ દરમિયાન મને કોઈ ગૅન્ગનો અનુભવ થયો નહોતો. જેલમાં હું માટુંગાના કુખ્યાત વર્દાભાઈના મોટા દિકરાને મળ્યો હતો, જેણે ‘વૂડલેન્ડ્સ રેસ્ટોરાં’માં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું એવું મને જણાવ્યું હતું. એ અત્યારે બનાવટી ચલણી નોટોના ષડ્યંત્રમાં સજા કાપી રહ્યો છે, પણ જેલમાં એની કોઈ ગૅન્ગ નહોતી. અમદાવાદના નામચીન ડૉન લતીફનો જમણો હાથ ગણાતો વહાબ ખાન પણ મને જેલમાં મળ્યો. એની આજીવન કેદ પૂરી થઈ ગઈ છે પણ હજુય એને હાઈ સિક્યોરિટી અંડા સેલમાં રાખવામાં આવ્યો છે.જેલમાં વહાબના ટેકેદારો ઘણા છે, પણ એ લોકો ગૅન્ગ બનાવીને ઉપદ્રવ કરતા હોય એવા કિસ્સા જાણવા મળ્યા નથી. (તાજા કલમ: આ ઇન્ટર્વ્યુ પ્રગટ થયાના થોડાક દિવસોમાં જ વહાબ ખાન હવે મુક્ત છે એવા સમાચાર છપાયા-સૌ.શા.).
આ જ જેલમાં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવાના કાવતરાના આરોપ હેઠળ પકડાયેલા હાજી બિલાલ, મોહમ્મદ કલોટા, મૌલાના ઉમરજી અને એમના બીજા ૮૦થી વધુ મુદ્દેકાર (સહઆરોપીઓ) છે. હાજી અને કલોટાને ઘણી વાર મળવાનું થતું. એમની સાથેના કેદીઓને એ કાનૂની અને બીજી મદદ કરતા અને જેલનું એ ખૂબ શક્તિશાળી ગ્રૂપ ગણાતું, પણ આમાંના કોઈએ ગૅન્ગ બનાવીને બીજા કેદીઓને રંજાડ્યા હોય એવું મારા જાણવામાં આવ્યું નથી. માર કારાવાસ દરમિયાન ગૅન્ગનો અનુભવ નહોતો થયો, પણ એકલદોકલ કેદીઓની ગૅન્ગ બનાવ્યા કરતા હોય એવા કિસ્સા ક્યારેક મારા સુધી પહોંચતા. દાખલા તરીકે, જેલમાં પહેલી જ સવારે મને કહેવામાં આવ્યું કે મારે કોઈ સારી બૅરેકમાં રહેવાની ગોઠવણ કરી લેવી અન્યથા કોઈ ઉપદ્રવી કેદી ધાકધમકીથી કે મારઝૂડ કરીને તમારી પાસે ચિઠ્ઠી લખાવીને તમારા ઘરે જઈને હજારો રૂપિયાની ખંડણી વસૂલ કરશે!
દરેક કેદીએ કોઈ ગૅન્ગ કે માથાભારે કેદીના મદદનીશ અથવા સાગરીત બનવું જ પડે એ વાત કેટલે અંશે સાચી?
બધા કેદીએ આવું કરવું પડે એવું દર વખતે નથી બનતું પણ તમારી સામાન્ય સગવડો સચવવા કે કેદી તરીકે તમને મળનારા હક્કો મેળવવા તમારે કોઈને કોઈ વગદાર કેદી સાથે સંપર્ક ચોક્કસ રાખવો જ પડે.દાખલા તરીકે, જેલમાં કાચા કામના કેદી (અર્થાત્ જે આરોપી હોય , જેમનો કેસ અદાલતમાં ચાલુ હોય)ને ઘરેથી જમવાનું મગાવવાનો હક્ક છે, પણ આ હક્ક મેળવવા કઈ વિધિઓ કરવી પડે એની જાણકારી સત્તાવાળા તરફથી તમને મળતી નથી એટલે જૂના કે વગદાર કેદીઓ પર જ તમારે આ બાબતમાં માર્ગદર્શન માટે આધાર રાખવો પડે. જેલમાં તમે તમારી ટૂથપેસ્ટ, સાબુ કે ઊલિયું કે દાઢી કરવાનો સામાન લઈ જઈ શકતા નથી. જીવનજરૂરિયાતની આ પાયાની ચીજો માટે જેલમાં કાયદેસર શી સગવડ છે એ વિશે પણ નવા આવનારા કેદીને કોઈ જ માહિતી પોલીસ, કોર્ટ કે જેલ સત્તાવાળા દ્વારા આપવામાં આવતી નથી. તમારા ધરેથી તમને કોણ, કેટલી વ્યક્તિ, કયા સમયે, મહિનામાં કેટલી વાર જેલમાં મળવા આવી શકે અથવા તો જેલમાં રહીને તમારા વકીલને તમે કેવી રીતે મળી શકો એ વિશેની કોઈ સતાવાર નિયમાવલિ તમને મળતી નથી. આની જાણકારી તથા વિધિ માટે પણ વગદાર કેદીઓ સાથે સંપર્ક રાખ્યા વિના છૂટકો નથી હોતો.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક પુસ્તકાલય પણ છે, જેમાં સ્વામી સચ્ચિદાનંદ, હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, ડૉ. સુરેશ દલાલ, ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી અને પ્રિયકાન્ત પરીખ સહિત સંખ્યાબંધ લેખકોનાં પુસ્તકો છે, પરંતુ આ લાઈબ્રેરીનો ઉપયોગ કરવાના તમારા હક્ક વિશે તમને જાણકારી આપવાની જેલના સત્તાવાળાઓને કોઈ પડી હોતી નથી.
જેલમાં તમને નોટબુક અને લખવા માટેની પેન, ઘરે ટપાલ લખવા માટેનાં પોસ્ટકાર્ડ-પરબીડિયાં વગેરે નાની-મોટી સગવડ મેળવવાના અધિકાર હોય છે. ઘરેથી વાંચવા માટેનાં પુસ્તક તથા રોજનાં છાપાં પણ કાયદેસર મગાવી શકાય છે… આવી સંખ્યાબંધ નાની-મોટી નિર્દોષ સગવડ મેળવવા માટે તમારે જેલના સત્તાવાળાને બદલે અનુભવી કેદીઓ પર જ આધાર રાખવાનો હોય છે, પરંતુ મારા સમયે કોઈ ગૅન્ગ કાર્યરત નહોતી એટલે મારે પણ કોઈના સાગરીત બનવાનો કોઈ પ્રશ્ન ઊભો થયો નહીં!
પહેલી વાર જેલમાં જવું પડ્યું હોય એવા નવાસવા માટે જેલ ખરેખર દોજખ પુરવાર થાય છે?
નરકનો અનુભવ થવાનો હશે તો તે મર્યા પછી થશે, પણ જીવતેજીવ જેલનો અનુભવ થયો છે તે પછી મને ખાતરી છે કે નરક પણ મને ફાઈવ સ્ટાર હોટેલ જેવું લાગશે! જેલમાં વધારાની સુવિધાઓ કે રોજબરોજની આપણી જિંદગીમાં વણાઈ ચૂકેલી સગવડોની વાત તો જવા દો, માણસની પાયાની અને તે પણ કાયદેસર મળવી જોઈએ એવી સગવડો મેળવતાં પણ નાકે દમ આવી જતો હોય છે. અરે, વાંચવાનાં ચશ્માં પણ મગાવવા તમારે સત્તાવાળાને કાલાવાલા કરવા પડે અને પછી પણ એમની તુમાખીભરી ના સાંભળવી પડે. જે સ્વમાન સાચવીને તમે જાહેર જીવનમાં પ્રતિષ્ઠા બાંધી હોય તે સ્વમાન અહીં ડગલે ને પગલે જેલ સિપાઈઓ અને જેલરોના બૂટ તળે કચડાતું હોય છે. જે વાતાવરણમાં એક કલાક રહેવાની કલ્પના પણ ભલભલાને થર થર કંપાવી મૂકે તે વાતાવરણમાં તમારે બે મહિનાથી વધુ રહેવું પડે ત્યારે જહાંગીરની કશ્મીર વિશેની ઉક્તિમાં ‘ફિરદૌસ’ને બદલે જહન્નમ મૂકીને કહેવું પડે કે ‘દુનિયામાં જો ક્યાંય નરક હોય તો તે જેલમાં જ છે, જેલમાં જ છે અને જેલમાં જ છે.
જેલમાં લાંચ આપ્યા વિના નિયમ મુજબની સુવિધા મળતી જ નથી એ કેટલે અંશે સાચું?
મારે સલામતી માટે કોઈ સારી બૅરેકમાં રહેવું એવું જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે સાથે એ પણ જણાવવામાં આવ્યું કે નવી બૅરેક નંબર ૬ બીજી બૅરેકો કરતાં સારી છે, કારણ કે તેમાં પંખા-લાઈટ વધારે છે, તાજો રંગ કર્યો છે, ત્યાં સમાજના સાવ નીચલા સ્તરના નહીં, પણ મધ્યમ વર્ગના ભણેલાગણેલા કેદીઓને રાખવામાં આવે છે, પણ ત્યાં મુકાવા માટે મારે ત્રણેક સ્તરે અમુક રૂપિયાનો વહીવટ કરવો પડશે. જેલમાં કાયદેસરની સુવિધા મેળવવા માટે તો પૈસા ખર્ચવા જ પડે છે, પણ જે અસુવિધા સત્તાવાર રીતે તમને આપી શકાય નહીં તે અસુવિધા ટાળવા માટે પણ પૈસા ખવડાવવા પડે છે.
એક કિસ્સો કહું. દરેક કાચા કેદીને ૧૪ દિવસ જેલમાંથી કોર્ટમાં લઈ જવો પડે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે માથાભારે કે ઝનૂનીની કૅટેગરીમાં ન હોય એવા તમામ કેદીને હાથકડી પહેરાવ્યા વગર જ લઈ જવાના. હાથકડી તમારા માનવ અધિકારોનો ભંગ કરે છે, પણ જેલમાં મામૂલી ટપોરી કે ખિસ્સાકાતરુથી માંડીને ખૂનના આરોપીઓ સુધીના કેદીને હાથકડી લગાવીને જ જેલની બહાર કાઢી કોર્ટમાં લઈ જવાની પ્રથા પડી ગઈ છે.
મારે જેલમાંથી પહેલી વાર કોર્ટની તારીખે જવાનું થયું ત્યારે મેં હાથકડી પહેરવાની ના પાડી. આ મારો અધિકાર તો હતો જ, પણ એથી વધુ મારા માટે એ દિવસ ઘણો ઈમોશનલ હતો કારણ કે મારી ૭૬ વર્ષની મા, જે માંડ માંડ ચાલી શકે છે તે મને જોવા માટે કોર્ટમાં આવવાની હતી. હું નહોતો ઈચ્છતો કે જે માતાએ આજીવન પોતાના આડોશપડોશમાં, સગાંવહાલાંમાં, પોતાના દીકરાની નામનાને હોંશભેર આર્શીવાદ આપીને ગૌરવભર્યું વર્તન કર્યું હોય તે મા મને હાથકડીમાં જોઈને ઓશિયાળી બની જાય અને ભોંઠી પડી જાય. મારા જાપ્તામાં આવેલી પોલીસે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ઐસી તૈસી કરીને હાથકડી ન પહેરવી હોય તો મારી પાસેથી સો રૂપિયા માગ્યા, જે મારી પાસે નહોતા. કોર્ટમાં લિફ્ટ પાસે મેં માને જોઈ અને હું માને પગે લાગવા નીચે વળ્યો ત્યારે મારી મા મારા હાથ પકડીને હાથકડીના ઠંડા લોખંડને પોતાની કરચલીવાળી આંગળીઓથી પસવારીને ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડી હતી….
તમને થયેલો જેલનો સૌથી કડવો અને યાદગાર અનુભવ કયો?
જેલના ૬૩ દિવસમાંનો એકએક દિવસનો દરેકેદરેક કલાક મારી સ્મૃતિમાં જડબેસલાક જડાયેલો છે, જેમાં સારા-માઠા બેઉ પ્રકારના ઘણા અનુભવ છે. આમાંથી સૌથી કડવો અનુભવ કયો કહેવો એ બહુ મુશ્કેલ છે, પણ એક અનુભવ તમને કહું, જેને સૌથી કડવા અનુભવનું લેબલ મારું કે નહીં તેની ખબર નથી.
મને (૨૧ જૂન ૨૦૦૮ના શનિવારે) કોર્ટમાંથી જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે સીધો જ જેલની ઓફિસમાં લાવવામાં આવ્યો. ત્યાં ઓળખવિધિ, અંગૂઠાની છાપ, ફોટાની વિધિ વગેરે બીજી વાર કરવામાં આવી (પહેલી વાર એ તમામ વિધિ પોલીસના નવ દિવસના રિમાન્ડમાં કરવામાં આવી હતી) એટલે મને થયું કે જેલપ્રવેશવિધિ પૂરી થઈ, પણ એટલું પૂરતું નહોતું. જેલમાં ઓફિસની બહાર પતરાંની એક કોટડી હતી, જેને જડતી રૂમ કહે છે. એ કોટડીમાં તે દિવસે જેલમાં ભરતી થનારા ડઝનેક કેદીઓ સાથે મને ઊભો રાખવામાં આવ્યો. જડતી જમાદારે મારા શરીરની જડતી લેવા માટે મને બધાં જ કપડાં ઉતારી નાખવાનો હુકમ કર્યો. બધાં જ એટલે? બધાં જ. હું તદ્દન નિર્વસ્ત્ર બનીને બીજા કેદીઓની સાથે જેલ સ્ટાફની સામે ઊભો હતો એ અનુભવ મારા જેલમાંનો જ નહીં, મારી આખી જિંદગીનો સૌથી હિણપતભર્યો અનુભવ હતો. પતરાંની એ જેલની કોટડીમાં મારી ત્રીસ વર્ષની પત્રકારત્વ અને લેખનની કારકિર્દી થોડી જ મિનિટોમાં વરાળ બનીને હવામાં અદૃશ્ય થઈ ગઈ અને ધરતી માર્ગ આપે તો એમાં સમાઈ જાઉં એવી તીવ્ર ભોંઠપ મેં અનુભવી હતી. આજે પણ એ દૃશ્ય યાદ કરું છું તો જીવનમાં આટલી નિઃસહાયતા, આટલી લાચારી, આટલી શરમિંદગી મેં ક્યારેય નહોતી અનુભવી એવું લાગે છે.
જેલવાસ દરમિયાન તમને ત્યાંના નિયમો અને એની વિસંગતિઓ જોવા-અનુભવવા મળી?
અનેક. ડગલે ને પગલે પરસ્પર વિરોધી હોય એવા નિયમોનો અનુભવ મને થતો હતો. એક તદ્દન નાનો અને ક્ષુલ્લક ગણી શકાય એવો કિસ્સો કહું . અત્યારે લાગે છે કે કેટલી હાસ્યાસ્પદ વાત હતી એ. જેલમાં રોજ હું અને મારા પરિચિત થઈ ગયેલા મારી બૅરેકના આઠ-દસ કેદીઓ પોતપોતાના ઘ રેથી આવેલું ટિફિન એકબીજા સાથે વહેંચીને જમીએ. જમ્યા પછી ઘણા કેદી લિજ્જતથી સિગારેટ સળગાવે, કોઈ માવો-તમાકુ મોઢામાં દબાવે. મેં છેલ્લાં પાંચેક વર્ષથી સિગારેટ છોડી દીધી હતી એટલે જમ્યા પછી વરિયાળીના થોડા દાણા મોઢામાં ન નાખ્યા હોય તો જાણે ભોજન અધૂરું રહી ગયું છે એવું લાગે. શેકેલી વરિયાળીની જે ટેવ પડી ગઈ હતી તે જેલમાં કેવી રીતે સંતોષાય? એક અઠવાડિક મુલાકાતમાં મેં ઘરે સંદેશો મોકલાવ્યો કે કાલે ટિફિનમાં સાથે નાની ડબ્બીમાં વરિયાળી મોકલજો… અઠવાડિયા સુધી હું રોજ રાહ જોતો, પણ વરિયાળી આવતી નહીં. બીજા અઠવાડિયે મુલાકાત વખતે એકાએક મને યાદ આવ્યું એટલે મેં વરિયાળી વિશે પૂછ્યું. મને કહેવામાં આવ્યું કે અરે, તમને વરિયાળી નથી મળતી? અત્યાર સુધી બે વાર મૂકી છે. પછી તપાસ કરતાં ખબર પડી કે જેલના નિયમો મુજબ ચરસ, ગાંજો અને અફીણની સાથે વરિયાળી કે કોઈ પણ પ્રકારનો નિર્દોષ મુખવાસ પણ પ્રતિબંધિત ચીજવસ્તુની કૅટેગરીમાં મુકાય છે એટલે જેલના કમ્પાઉન્ડમાં ટિફિનની જડતી કરનારો સિપાઈ વરિયાળી વાળી કાઢી લેતો હતો…
મને આશ્ચર્ય થયું કે જેલમાં દર પંદર દિવસે સિગારેટ, બીડી, તમાકુ અને ચૂનો કાયદેસર વેચાતાં, જેનો નફો જેલની કૅન્ટીનના હિસાબમાં સત્તાવાર જમા થતો, જ્યારે વરિયાળી જેવી તદ્દન મામૂલી અને નિર્દોષ ચીજ પર પ્રતિબંધ છે! મને થયું કે જેલમાં વરિયાળી ખાવા કરતાં સિગારેટ પીવી વધારે સારી, કમ સે કમ છૂટથી અને ઑફિશિયલી મેળવી તો શકાય. જો કે મારે સિગારેટ પીવાની નોબત ન આવી. થોડો અનુભવી થયો એટલે વરિયાળીનું સ્મગલિંગ કરવાની કળા મને આવડી ગઈ! (તા.ક.: જેલમાંથી છુટ્યાના દોઢેક મહિના પછી મેં સિગારેટ પીવાનું ફરી શરૂ કર્યું .)
તમારા આ ૬૩ દિવસના જેલના અનુભવોને બહારની દુનિયા સુધી કઈ રીતે પહોંચાડવા ઈચ્છો છો?
મારા મૅગેઝિન અંગે ગુનાઓ દાખલ કરીને મને એક સામાન્ય આરોપી તરીકે મારા જામીન થયા ત્યાં સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. એ દિવસોની સત્યકથાને હું મારા નવા પુસ્તક ‘મારા જેલના અનુભવો’માં આલેખી રહ્યો છું. આ ઉપરાંત, મેં જોયેલી આ દુનિયાના બૅકગ્રાઉન્ડ પર મેં એક નવલકથા ‘અર્ધસત્યમેવ જયતે’ લખવાની શરૂઆત પણ કરી છે…
Friday, March 22, 2013
દરેક સમસ્યાનો ઉકેલ છે. ખરેખર ઉકેલ હોય છે? - સૌરભ શાહ
દરેક સમસ્યાનો ઉકેલ છે. ખરેખર ઉકેલ હોય છે? |
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ જિંદગીમાં આપત્તિઓ ત્રણ પ્રકારે આવી પડતી હોય છે. એક તો, માણસે પોતે જાણતાં-અજાણતાં કરેલી ભૂલોના પરિણામરૂપે સમસ્યાઓ સર્જાતી હોય છે. કયારેક નાની નાની ભૂલો એકઠી થતી જાય અને ઊંટની પીઠ પરના છેલ્લા તણખલાની જેમ છેક છેલ્લી નાની ભૂલ મસમોટી આપત્તિ સર્જતી હોય છે. કયારેય જે ભૂલો ભૂતકાળમાં વારંવાર કરી હોય પણ તે વખતે એને કારણે કોઈ સમસ્યા ઊભી ન થઈ હોય પણ એ જ ભૂલોનું પુનરાવર્તન કોઈ વખત ગંભીર મુસીબત ઊભી કરી નાખે. બીજા પ્રકારની આપત્તિ માણસની પોતાની ભૂલોને કારણે નથી સર્જાયેલી હોતી. પણ બીજાઓએ કરેલી ભૂલોમાં માણસ પોતાની બેવકૂફીને કારણે અથવા માનવ સહજ લાલચને કારણે અથવા કુપાત્રે વિશ્ર્વાસ મૂકવાને કારણે ફસાઈ જતો હોય છે. પોતાનો વાંક એટલો જ કે કોઈની ચાલબાજીનો એ ભોગ બની ગયો. એનામાં એટલી ચબરાકી નહોતી કે તે આવી રહેલી આંધીને જોઈ શકે અને દોષનો ટોપલો પોતાના માથે ઢોળાય તે પહેલાં ત્યાંથી ખસી જાય. આને એની દુર્બળતા ગણો કે પછી ભોળપણ કે નાદાનિયત. જે ગણો તે. પણ બીજાઓએ એને બલિનો બકરો બનાવ્યો એટલે આપત્તિ સર્જાઈ એટલું ચોક્કસ. ત્રીજા પ્રકારની આપત્તિમાં ન તો એનો પોતાનો વાંક હોય છે, ન બીજા કોઈનો. પરિસ્થિતિ કે સમય સંજોગ એના માટે કારણભૂત હોવાનાં. બસ પુલ તોડીને નદીમાં પડે કે ધરતીકંપમાં ઘર ખંડેર બની જાય કે આર્થિક મહામંદીમાં ધંધો ખાડામાં ઉતરી જાય એમાં માણસનો હાથ નહિવત્ હોય છે, કુદરતનો વાંક મોટો હોય છે. આવી, કોઈ પણ પ્રકારે આવી પડેલી આપત્તિ વખતે આપણને સમસ્યા સામે ઝઝૂમવાની, મુસીબતોનો સામનો કરવાની સલાહ આપવામાં આવે છે. સલાહ આપનારાઓનો ઈરાદો ખોટો નથી હોતો, એમની સમજ કાચી છે. સમસ્યા, આપત્તિ કે મુસીબત જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે. એક સમસ્યા ઉકેલાઈ ગઈ તો બીજી ઊભી થશે. જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી કોઈને કોઈ સ્વરૂપે એ સામે રહેવાની. ઉંમર વધવાની સાથે કેટલીક સમસ્યાઓ ઓછી થઈ ગઈ છે કે મટી ગઈ છે એવું લાગે તો એ તમારી પોતાની બદલાયેલી માનસિકતાનું સુંદર પરિણામ છે. બસ, આટલી તકલીફો પૂરી થઈ જાય એટલે પછી મારે જે જિંદગીમાં કરવું છે તે કામ શરૂ કરું એવું વિચારતાં રહેશું તો ક્યારેય કોઈ કામ નહીં કરી શકીએ. આપણે સમજતા નથી કે સમસ્યા સામે ઝઝૂમવાનું નથી, એની સાથે બાખડવાનું નથી. જ્યારે એને જિંદગીના એક અવિભાજ્ય હિસ્સા તરીકે સ્વીકારી લઈએ ત્યારે એની સાથે લડવાનું શું કામ? કોઈ પોતાની જ જિંદગી સાથે ઝઘડો શું કામ કરે? પોતાની જ જિંદગી સામે ઝઝૂમવાનું થોડું હોય? આ સમસ્યાઓ જિંદગીની એક પરિસ્થિતિ છે. માત્ર પરિસ્થિતિ. અને પરિસ્થિતિઓને ઉકેલવાની ન હોય, એને સમજવાની હોય, ધ્યાનથી નીરખવાની હોય, એનાથી દૂર ભાગવાને બદલે એની પાસે બેસીને સમજવાનું હોય કે એની જરૂરિયાતો શું શું છે? એની માગણીઓ કઈ કઈ છે. જેટલી માગણીઓ સંતોષી શકાય એટલી સંતોષી લેવાની. છતાંય પરિસ્થિતિ ન બદલાઈ તો એની સાથે જીવતાં શીખી લેવાનું. વખત જતાં આવી ગાંઠો આપમેળે ઢીલી પડીને ઉકેલાઈ જશે અથવા આખી વાત જ ખરી પડશે. પણ એની પાસે રોકાઈ ગયા, થંભીને પલાંઠી મારીને એને ઉકેલવા બેસી ગયા તો જિંદગી આગળ ચાલી જવાની. બહેતર એ છે કે જિંદગીની સાથે ચાલતાં રહેવું, જે કંઈ કામ કરવાનું નક્કી કર્યું છે તે કર્યા કરવું અને સમસ્યાઓને કહેતા જવું કે મને ખબર છે કે તું જઈશ એટલે તારી બહેન આવવાની જ છે. પણ મારી વિનંતી છે કે બને તો તારી મોટી બહેનને નહીં મોકલતી, નાનીને મોકલજે. દરેક સમસ્યાનો ઉકેલ હોવાનો જ એવું ડાહ્યા માણસો કહે છે. પણ અમારા જેવા દીવાનાઓ કહે છે કે એ વાત ખોટી છે. દરેક સમસ્યાના ઉકેલની આશા રાખવી જ ખોટી. મારી અને તમારી બંનેની સમસ્યા એક જ હોય છતાં તમારી પાસે એનો ઉકેલ હોય અને મારી સે ન હોય એવું બને. તમે જે સમસ્યામાંથી ઝડપથી બહાર આવી જાઓ એ સમસ્યા મને જિંદગી આખી વળગેલી રહે એવું શકય છે. આને લીધે તમને ભલે એવું લાગે કે દરેક સમસ્યાનો ઉકેલ છે. પણ હું તો જાણું જ છું કે દરેક સમસ્યાનો ઉકેલ હોત તો મારાવાળી કેમ હજુય મને વળગેલી છે? જેમ ગળતા છાપરાનું સમારકામ કરી લેવાનો શ્રેષ્ઠ સમય ચોમાસું નહીં પણ ઉનાળો ગણાય એમ સમસ્યાઓ વિશે વિચારવાનો સમય આપત્તિઓથી ઘેરાયેલા હોઈએ ત્યારે નથી હોતો. સમસ્યામાં ગળાડૂબ હોઈએ ત્યારે ગળતા છાપરા નીચે વાસણ મૂકીને તત્ત્પૂરતી રાહત મેળવી લેવાની. ચોમાસું પૂરું થઈ જાય પછી છાપરાનું સમારકામ શરૂ કરવાનું. જેટલું થાય એટલું. આખો દિવસ છાપરું જ રીપેર કર્યા કરીશું તો કામ પર કોણ જશે? |
Wednesday, March 20, 2013
ડાહ્યા દીવાનાઓની આ દુનિયા - મહેન્દ્ર પુનાતર
ડાહ્યા દીવાનાઓની આ દુનિયા |
દરેક
માણસના માથા પર કાંઈકને કાંઈક ઝનૂન સવાર થઈને બેઠું છે. કોઈ પૈસા પાછળ,
કોઈ સત્તા પાછળ તો કોઈ પ્રેમ પાછળ પાગલ છે. જિંદગી એટલા માટે જીવવા જેવી
લાગે છે કે એમાં દીવાના થવાની અપાર શક્યતાઓ છે.
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર સમગ્ર સંસાર એક પાગલખાનું છે. ડાહ્યા માણસો ભાગ્યે જ જોવા મળશે. તેમ છતાં સમજદારીનો ક્રમ સાવ ઊલટો છે. પાગલોને ડાહ્યા દીવાના લાગે છે. પાગલપણ અને ડહાપણ વચ્ચેની ભેદરેખા બહુ નાજુક અને પાતળી છે. આ કારણે ડાહ્યા કોણ અને પાગલ કોણ એ સમજવું મુશ્કેલ છે. દરેક માણસ કોઈક ને કોઈક બાબતમાં પાગલ હોય છે. કોઈ પૈસા પાછળ, કોઈ સત્તા પાછળ, તો કોઈ પ્રેમ પાછળ ઘેલો છે. માણસના માથા પર કોઈ ને કોઈ બાબત અંગે ઝનૂન સવાર થઈને બેઠેલું હોય છે. દીવાનાઓ જન્મતા નથી, સંજોગો માણસોને દીવાના બનાવે છે. દીવાનગી માટેનાં અનેક કારણો હોય છે. આમાં પ્રેમ-રૂપ-ધનનો મોહ, સત્તાલાલસા, જુવાનીનો મદ અને સફળતાનો ઘમંડ વગેરે અનેક બાબતો સામેલ છે. હકીકતમાં તો માણસને દીવાના બનવા માટે ખાસ કોઈ કારણની જરૂર પડતી નથી. સફળતા અને નિષ્ફળતા બંને માણસોને દીવાના બનાવે છે. ખરું પૂછો તો જિંદગી એટલા માટે જીવવા જેવી લાગે છે કે એમાં દીવાના થવાની અનેક શક્યતાઓ રહેલી છે. માણસને કંઈ પણ મેળવવા માટે પ્રબળ ઝંખના જાગે છે ત્યારે તેની સ્થિતિ પાગલ જેવી બની જાય છે. જ્યાં સુધી એ વસ્તુ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી તેને બિલકુલ ચેન પડતું નથી. માણસને અચાનક વગર મહેનતે જરૂર કરતાં વધુ મળી જાય અને માણસને સખત પરિશ્રમ કરવા છતાં કશું મળે નહીં, આ બંને સ્થિતિમાં માણસ સમતુલા ગુમાવી બેસે છે. સુખ-દુ:ખમાં સ્થિર રહી ન શકે તેની સ્થિતિ પાગલ જેવી બની જાય છે. ધન-દોલત, સત્તા, સફળતા મળ્યા પછી અહંકારનો પારો ઊંચે ચડે છે. માણસ પોતાને બીજા કરતાં ચડિયાતો માનતો થઈ જાય છે, ત્યારે તે ખરા અર્થમાં ડાહ્યો રહેતો નથી. અભિમાન એ ગાંડપણનું જ સ્વરૂપ છે. કોઈ પણ બાબતમાં જ્યારે અતિ આવે છે ત્યારે ગાંડપણની શરૂઆત થઈ જાય છે. જીવનમાં જ્યારે કશું વધુ પડતું થાય ત્યારે તે મુશ્કેલી ઊભી કરે છે. અતિ ધન, અતિ ક્રોધ, અતિ પ્રેમ, અતિ ડહાપણ કંઈ જ સારું નથી. દરેક વસ્તુ મર્યાદામાં હોય ત્યારે સારી લાગે છે. મર્યાદા ઓળંગે છે ત્યારે ઉપદ્રવ બની જાય છે. કેટલાક માણસો વાતવાતમાં વરસી પડે છે અને વાતવાતમાં તપી જાય છે. જે વધુ પડતો પ્રેમ કરે છે તેનો ગુસ્સો પણ એવો જ હોય છે. અહંમ્, ઈર્ષ્યા અને અદેખાઈ પણ માણસને પાગલ બનાવી દે છે. તે કોઈનું સારું જોઈ શકતો નથી. બીજાની ટીકા-નિંદામાં રાચે છે અને કોઈ બીજો પોતાનાથી આગળ નીકળી જાય કે કંઈક વધુ મેળવી જાય તો બળ્યા કરે છે. આ કારણ કંકાસ અને કલહ વધે છે. મતભેદો, મનભેદો અને પૂર્વગ્રહ વધુ ઘેરા બને છે. અહંકાર સાથે જીદ અને મારી જ વાત સાચી એવું મિથ્યાભિમાન સમરાંગણ સર્જે છે. દ્રોપદીનાં કટુ વચનો, દુર્યોધનનો અહંકાર અને દુ:શાસનની દુષ્ટતાએ પાગલપણું ઊભું ન કર્યું હોત તો મહાભારત ન સર્જાયું હોત. સિકંદરના માથે આખી દુનિયાને જીતવાનું ભૂત સવાર થયું હતું, પરંતુ આખરે કશું હાથમાં આવ્યું નહીં અને ભરજવાનીમાં ખાલી હાથે જ આ ફાની દુનિયાની વિદાય લેવી પડી. આપણે દુ:ખભરી ગેરસમજણો વર્ષોના વર્ષો સુધી ચાલવા દઈએ છીએ. નકામાં ઝઘડા સળગતા રાખીએ છીએ. કોઈની સાથે સમાધાન અને સુમેળ સાધવાની તક ઊભી થાય તો પણ રાહ જોઈએ છીએ અને વિચારીએ છીએ કે તેને થોડો વધુ કુણો પડવા દો. આપણે સામેથી જવાની જરૂર નથી. ગરજ હશે તો તે આવશે. આપણે રસ્તા પર મોં ફુલાવીને કે મોઢું ફેરવીને ચાલી જઈએ છીએ. કોઈક તુચ્છ અણગમાના કારણે જનમજનમના વેર બાંધી લઈએ છીએ. આ પાગલપણું નથી તો બીજું શું છે? આપણે જેને માટે દીવાનગી વહોરી લેવી જોઈએ, જેને માટે ફના થવું જોઈએ તે કરતા નથી અને નકામી વ્યર્થ વસ્તુઓ પાછળ ખુવાર થઈ જઈએ છીએ. દીવાના અનેક પ્રકારના હોય છે. રામકૃષ્ણ પરમહંસ એવા દીવાના હતા કે એક હાથમાં ગંગાજળ અને બીજા હાથમાં વિષ રાખીને તપશ્ર્ચર્યા કરતા હતા. જેથી સ્થિતપ્રજ્ઞ રહી શકાય. સરમદ એવો દીવાનો હતો કે તે નિર્વસ્ત્ર ફરતો હતો. ઔરંગઝેબે તેને શૂળી પર ચડાવી દીધો. તેણે નિર્વસ્ત્ર રહેવાનું કારણ એ બતાવ્યું કે કપડાં એબ છુપાવવા માટે પહેરવામાં આવે છે મારામાં કોઈ એબ નથી તો હું કપડાં શા માટે પહેરું? ઔરંગઝેબ સરમદને સમજી ન શક્યો. સરમદની દીવાનગી હતી અને ઔરંગઝેબનું ગાંડપણ હતું. નરસિંહ મહેતા અને મીરાબાઈ પણ દીવાનાં હતાં. પ્રભુભક્તિમાં લીન થવા એમણે દીવાનગી વહોરી લીધી હતી. આ માટે તેમને ઘણું સહન કરવું પડ્યું હતું. નરસિંહ મહેતાને લોકોએ નાત બહાર મૂક્યા અને મીરાબાઈને ઝેરનો કટોરો પીવો પડ્યો, પરંતુ તેઓ તેમના ધ્યેયમાંથી વિચલિત થયાં નહોતાં. પ્રભુને પામવાની આ દીવાનગી હતી અને તેમનું સાંનિધ્ય માણવાની તાલાવેલી હતી. ગાંધીજી જુદી કક્ષાના મહાપુરુષ હતા, પરંતુ કોઈ દીવાનાની યાદી તૈયાર કરવા બેસે તો તેમનું નામ પ્રથમ મૂકે. તેમણે સુખ વૈભવનાં બધાં લક્ષણોનો ત્યાગ કર્યો હતો, તદ્દન ઓછાં કપડાં ધારણ કર્યા હતાં. આજના લોકસેવકોના વૈભવશાળી જીવન અને રાજકારણીઓના કરોડોના કૌભાંડોમાં કોઈ સત્ય, નીતિ અને પ્રામાણિકતાની વાત કરે અને લંગોટી ધારણ કરે તો આપણે એને પાગલ સમજીએ કે બીજું શું? જેઓ વચનને વળગી રહે, ધ્યેય માટે ખુવાર થાય તથા સચ્ચાઈ અને પ્રામાણિકતાને અનુસરે તો તેને ડાહ્યો કઈ રીતે કહી શકાય? રાજકારણીઓમાં લાલબહાદુર શાસ્ત્રી આવા પાગલ હતા. મોટા મોટા હોદ્દાઓ ભોગવ્યા, વડા પ્રધાન બન્યા પણ તેમની પાસે પોતાનું મકાન કે સંપત્તિ નહોતાં. ફકીરની જેમ પાયાના પથ્થર બનીને તેમણે દેશને જીવન સમર્પિત કર્યું. આ દીવાનગી નહીં તો બીજું શું? જે સ્થળ અને સમય પ્રમાણે રંગ બદલી શકે છે જે બોલીને તુરતમાં ફરી શકે છે, જે શરમને નેવે મૂકી શકે છે, જે જાહેરમાં પગે લાગે છે અને ખાનગીમાં લાત મારે છે એવા માણસો મોટા થઈને ફરે છે. સમાજ જીવન અને રાજકારણ અત્યારે દંભના અંચળા હેઠળ ઢંકાયેલું છે. એમાં કોઈ દીવાના નથી પણ ડાકુઓ છે. સમાજમાં સત્તાની સાથે પૈસાનું પ્રભુત્વ વધ્યું છે. પૈસા થતા માણસ સમૂળગો બદલાઈ જાય છે. ‘નાણાં વગરનો નાથીયો, નાણે નાથાલાલ’ કહેવત મુજબ માણસ પૈસાથી પુજાવા અને પુછાવા લાગે છે. માણસ ગમે તેટલો ગાંડો હોય, પણ પૈસા થતાં ડાહ્યો ગણાવા લાગે છે. કાલ સુધી કોઈ જેનો ભાવ પૂછતું નહોતું તેના ગુણગાન ગવાવા લાગે છે. પૈસાનો ચળકાટ અને રણકાર અનોખો છે. પૈસા ડાહ્યાને દીવાના અને દીવાનાને ડાહ્યા બનાવી નાખે છે. પૈસાનો પ્રભાવ એવો છે કે ડહાપણ એની મેળે આવી જાય છે. ધન અને સત્તા અનોખો આત્મવિશ્ર્વાસ ઊભો કરે છે. પાગલ માણસો પણ આપણે ધારીએ છીએ તેવા પાગલ કદી હોતા નથી. તેમના પાગલપણામાં પણ ડહાપણ હોય છે. ગમે તેવો માણસ મુશ્કેલી અને ભય આવે છે ત્યારે ડાહ્યો ડમરો બની જાય છે. જર્મન કવિ ગટેના કહેવા મુજબ આખું વિશ્ર્વ પાગલોથી ભરેલું છે. તેમને પાગલખાનામાં શોધવાની જરૂર નથી. ડાહ્યા અને શાણા માણસો પણ કેટલીક વખત ગાંડપણ પર ઊતરી આવતા હોય છે. સત્તા, પદ અને ધન માણસને બહેકાવે છે, તેમને સાચું સાંભળવું ગમતું નથી માત્ર ખુશામત અને પ્રશંસા પસંદ છે. આવા માણસોનાં ગમે તેવાં ઉચ્ચારણો લોકો સહન કરી લે છે. ધન અને સત્તા સામે લોકોની નજર બદલાઈ જાય છે. કોઈ તેમને કહેશે નહીં, સાહેબ આવી ગાંડીઘેલી વાતો કરો નહીં. કોઈ તેમને ટોકશે નહીં કે તમે જે કહો છો તે સાચું નથી. ઊલટાનું કહેશે, સાહેબ તમારી વાત સો ટકા સાચી છે. આ દુનિયાદારીની રીત છે. આટલી સીધી સાદી વાત નહીં સમજનાર સોક્રેટિસને ઝેરનો પ્યાલો પીવો પડ્યો, ઈસુને વધસ્તંભે ચડવું પડ્યું, ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા અને ગાંધીજીને ગોળીએ દેવાયા. સત્યના રાહ પર ચાલનારા માણસોને દુનિયાએ કદી સહન નથી કર્યા. યૌવન, ધનસંપત્તિ, સત્તા, તુમાખી અને અહંકાર આ બધાં લક્ષણો ભેગાં થાય છે ત્યારે અનર્થ સર્જાય છે. આવા માણસો કોઈ ને કોઈ તબક્કે ગાંડપણમાં સરકી જતા હોય છે. કોઈ પણ માણસને ડાહ્યો ઠરાવવા કરતાં પાગલ ઠરાવવાનું કઠિન છે. કોઈને ડાહ્યો કહીએ તો તે સ્વીકારી લેશે, કારણ કે એ પોતાને ડાહ્યો જ સમજતો હોય છે, પણ કોઈને ગાંડો કહીએ તો આપણું આવી બને. આ કહેવાતા ડાહ્યા માણસો બીજાને નાસમજ, અબુધ અને ગાંડા સમજતા હોય છે. ધન, સત્તા અને કીર્તિ પાછળ દુનિયા પાગલ બનીને દોડી રહી છે. આ માયાવી તત્ત્વો છે, તે હંમેશાંનાં કોઈનાં રહ્યાં નથી. રાજાને રંક બનતા વાર લાગતી નથી. સત્તાનું સિંહાસન હવાની એક લહેરખીમાં ઉથલી પડે છે, લક્ષ્મી ચંચળ છે. આ બધું સમજવા છતાં માણસ તેની પાછળ પાગલ છે. ધર્મ અને પ્રેમમાં દીવાનગી સારી છે, પરંતુ ગાંડપણ સારું નથી. ગાંડપણ અને ઝનૂને ધર્મને સાચા અર્થમાં ધર્મ રહેવા દીધો નથી. હૃદય ધર્મથી રંગાયેલું હશે તો બહારના બીજા કોઈ રંગની જરૂર નથી. માણસને માણસ બનાવે એ સાચો ધર્મ. |
Saturday, March 16, 2013
ચાણક્ય-સૌરભ શાહ
ચાણક્ય કહી ગયો કે શત્રુ મદદ કરવા આવે તો સ્વીકારવી નહીં
બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં: સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર.
દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની હોય. ચાણક્યની. ચાણક્યનાં કેટલાંય સૂત્રો લોકજીભે છે. એનો રોજબરોજ ઉપયોગ કરનારને ખબર પણ નહીં હોય કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર કે સ્તુતિ દેવોને પણ વહાલી કે મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ વધારે સારો જેવાં ઑલ ટાઈમ ગ્રેટ સુવાક્યો પરનો કોપીરાઈટ ચાલુ હોત તો આજે ચાણક્ય કે એના વારસદારો ભારતના સૌથી ધનિક માણસો હોત.
પત્નીએ પતિને વશ રહેવું કે સ્ત્રીનો ક્યારેય વિશ્વાસ ન કરવો જેવાં અનેક ચાણક્યસૂત્રો આજના વખત માટે અપ્રસ્તુત છે. આ કે આવાં કેટલાંક સૂત્રોની અવગણના કરીએ તો બીજો ઘણો મોટો ખજાનો ચાણક્ય પાસેથી પ્રાપ્ત થાય. ચાણક્ય આજની તારીખે જીવતો હોત તો મલ્ટિનેશનલ કંપનીના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટથી માંડીને પ્રાઈમ મિનિસ્ટરના પોલિટિકલ એડ્વાઈઝર સુધીના જૉબ એના માટે ખુલ્લા હોત અને સાઈડમાં ચિંતક-વિચારક તરીકેનાં એના પ્રવચનો ગોઠવવા માટે લાયન્સ-રોટરીવાળાઓ એની કુટિરની બહાર લાઈન લગાવતા હોત. ચાણક્યે કૌટિલ્ય નામે અર્થશાસ્ત્ર લખ્યું, જેનો અંગ્રેજી અનુવાદ પેંગ્વિન જેવી આંતરરાષ્ટ્રિય પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યો. ચાણક્યને કેટલાક લોકો અનૈતિક અને સ્વાર્થી વાતોના પ્રચારક તરીકે ઓળખે છે. એનાં સૂત્રને જોવાનો એ પણ દ્રષ્ટિકોણ છે, પણ દુનિયામાં જ્યારે તમે જેવા સાથે તેવા થવા માગતા હો ત્યારે ચાણક્ય તમને અનએથિકલ કે ઈમ્મોરલને બદલે પ્રેક્ટિકલ વધુ લાગશે. પોતાનું (કે પોતાના રાષ્ટ્રનું) હિત સાચવવાની સલાહને સ્વાર્થી બનવાની સલાહ કોઈ ગણતું હોય તો ભલે ગણે. ચાણક્યના બે હજાર વર્ષ બાદ થઈ ગયેલી એયન રેન્ડ નામની અમેરિકન વિદુષીએ ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્કિશનેશ’ નામનો ગ્રંથ નથી લખ્યો?
ખૂબ બધાં કામ ચઢી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની ઘણી વખત સૂઝ પડતી નથી. ચાણક્ય સહેલો ઉકેલ આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું. તદ્દન સીધી વાત છે અને ક્યારેક લાગે કે આ બધાં નકામાં કામ છે, કશાંમાંથી ફાયદો થાય તેમ નથી તો શું કરવું? એ માટે ચાણક્યને પૂછવા જવાની જરૂર નથી. પોતાનો ફાયદો જેમાં ન થતો હોય એવાં નકામાં કામ કરવાની કશી જરૂર નથી એવું કોઈ પણ ગુજરાતી તમને કહેશે.
કેટલીક વાર તમને નવાઈ લાગે એટલી હૂંફાળી વર્તણૂક તમારા શત્રુઓ કે અપરિચિતો દેખાડે છે. એમની આ મતલબી ઘનિષ્ઠતા વિશે ચાણક્ય વારંવાર લાલબત્તી ધરે છે. અનેક સૂત્રો દ્વારા આ વાત એ આપણા મગજમાં ખોસવા માગે છે કે શરાબીના હાથે દૂધનો પ્યાલો પીવો નહીં. દુષ્ટો ચાલાક હોય છે, તમને મદદ કરવા માટે લંબાયેલો એમનો હાથ ક્યારે તમારી ગળચી પકડી લેશે એ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ તમારું વધું પડતું સન્માન કરવા લાગે કે લળીલળીને વાત કરવા લાગે તો તમારે સાવધ થઈ જવું, આવી દેખાડુ નમ્રતા પાછળ નક્કી એનો સ્વાર્થ હોવો જોઈએ.
કોઈ પણ કાર્ય કરતી અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ના લેવાય એવું ચાણક્યે ગાઈબજાવીને કહ્યું છે. સામેથી ટેકો આપવા કે મદદ કરવા આવે તો પણ નો, થેન્ક્યુ કહીને એને પાછી કાઢવાની, કારણ કે તે તમને ટેકો એટલા માટે આપવા માગતી હોય છે કે કાલ ઊઠીને તમે એના સહારે હો ત્યારે ટેકો ખસેડીને પાડી નાખવાની તક મળે અને જૂના હિસાબોની વસૂલી થઈ જાય.
ચાણક્યની બીજી એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈ પણ માણસ તમારી પાસે કશું માગવા આવે ત્યારે એની ઉપેક્ષા કરવી નહીં. એ વખાનો માર્યો હશે તો જ તમારી પાસે હાથ લંબાવતો હશે. નસીબે એને ઝાપટો મારી હોય ત્યારે એને સહાય કરાઅને બદલે એનું અપમાન કરીને એની હેરાનગતિમાં ઉમેરો કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં. અહીં ચાણક્યના આ સૂત્ર સાથે અન્ય સૂત્રો મૂકવા પણ જરૂરી છે. કાયદામાં જેમ ફલાણી કલમને ફલાણી પેટા- કલમનાસંદર્ભમાં વાંચવાની હોય એવું કંઈક અહીં પણ છે. મદદ માગનારને તરછોડવો નહીં એવી સલાહ સાથે ચાણક્ય એવું પણ કહી જાય છે કે નીચ કે દુષ્ટ માણસ પર ક્યારેય ઉપકાર કરવો નહીં. સાપને દૂધ પિવડાવવાથી એનામાં રહેલા ઝેરની જ વૃદ્ધિ થાય છે. (જોકે, સાપ દૂધ પીતો જ નથી એવું સ્વ. વિજયગુપ્ત મૌર્ય પચાસ વાર કહી ગયા છતાં આપણામાંથી એ અંધશ્રદ્ધા ગઈ નથી.) દુષ્ટ પર ઉપકાર કરવાનો વિરોધ કરતાં ચાણક્ય કહે છે કે કેટલાક માણસોને આપણે કરેલા તમામ ઉપકાર ઓછા લાગે છે અને એ આપણા ઉપકારને પોતાનું અપમાન સમજી બેસે છે. માટે એવા લોકોને મદદ કરવાથી દૂર જ રહેવું. માટે યાચકની અપેક્ષા સંતોષતા પહેલાં કોઠાસૂઝથી તથા પૂર્વાનુભવથી જાણી-પારખી લેવું કે તમારું દાન, તમારી મદદ સુપાત્રે જાય છે કે કુપાત્રે.
ચાણક્ય કહે છે કે શત્રુની સાથે ગમે તેવી દુશ્મનાવટ હોય તોય એની આજીવિકા નષ્ટ ના કરવી. કોઈ પણ વ્યક્તિને ભીંતસરસી ધકેલી દેવાથી, એની પાસેથી તમામ દિશાઓ છીનવી લેવાથી, એ જીવ પર આવીને તમારા પર હુમલો કરશે. બમ્બૈયા હિંદીમાં એને મરતા ક્યા નહીં કરતા ફીનોમિનન કહે. તમે શત્રુની રોજીરોટી છીનવી લેશો તો એ આજે નહીં પણ દસ વર્ષે એનો બદલો લેશે જ. એવા ઘણા દાખલા આપણી આસપાસ પડ્યા છે. તો હવે ધ્યાન રાખવું.
બીજું, એરંડા જેવાં તકલાદી વૃક્ષોનો સહારો લઈને હાથીને ક્રોધિત ના કરવો. મહાશક્તિશાળી સામે બાંયો ચડાવવી હોય તો પહેલાં તપાસી લેવું કે એવો જ શક્તિશાળી ટેકો તમને છે કે કેમ? હાથીને ગુસ્સે કર્યા પછી છુપાઈ જવાનું આવે ત્યારે એરંડા કરતાં વટવૃક્ષની આડશ વધુ ઉપયોગી નીવડતી હોય છે. સાચી વાત? બિલકુલ સાચી વાત.
કોઈ કંઈક પૂછે તો ફટ દઈને એનો જવાબ ના આપી દેવાય. પ્રશ્ન પાછળનો હેતુ શો છે તે વિશે વિચારવું. પ્રશ્નકર્તાની દાનત તપાસવા તમારે પ્રતિપ્રશ્ન કરવો.. શઠ લાગતા લોકોની આદત હોય છે કે નિર્દોષ લાગતા સવાલો પૂછીને પોતાની ધારી વિગતો કઢાવી લેવી. માટે જ ચતુર લોકો સીધો જવાબ આપવાને બદલે મોઘમ ઉત્તર આપીને વણબંધાયેલા રહે છે. આ સલાહ ચાણક્યે રાજનીતિના સંદર્ભમાં આપી છે. રોજિંદા વ્યવહારમાં પણ ઘણા એનો અમલ કરે છે.
ધન વિશે ચાણક્યે કહ્યું છે કે માણસ પોતે અમર છે એમ માનીને એણે ધનનો સંગ્રહ કરવો જોઈએ. અર્થાત્ ‘આજે નહીં તો કાલે, મરવાનું તો નિશ્ચિત છે. ક્યાં આ બધી લક્ષ્મી છાતીએ બાંધી લઈ જવાની છે’ એવા વિચારો કરીને માણસે ઉદ્યમ કરવામાં આળસ કરવી નહીં. પૂરતા ધન વિના, જો વૃદ્ધાવસ્થા લંબાય તો, જીવન આકરું બની જાય છે.
કમાણી કરવા માટે કેટલાક લોકો ‘પાપી પેટને ખાતર કરવું પડે છે’ એવું બહાનું આગળ ધરીને કોઈ પણ હીન કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ ચાણક્ય કહે છે કે માણસ ભૂખ્યા પેટે પણ જીવી લેતો હોય છે. બે ટંકના ભોજન માટે અનૈતિક કામ કરવાં અનિવાર્ય નથી હોતાં. ભૂખ ક્યારેય વ્યક્તિની ખુમારી તૂટવા દેતી નથી. પાંગળું મનોબળ જ માણસની નિષ્ઠાને ડગમગાવી મૂકે છે.
ચાણક્ય માને છે કે ચતુર માણસને કયારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહારકુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં પણ આજીવિકા મેળવી લે છે. ધન વિષેની એક કડવી સચ્ચાઈ ચાણક્ય પાસેથી જાણી લઈએ. એ કહે છે કે પૈસા વિનાના માણસની સાચી શિખામણ કોઈ ધ્યાને ધરતું નથી. બીજી એક વાત ચાણક્ય કહે છે કે જરૂરી દ્રવ્યની જોગવાઈ કર્યા વિના કોઈ પણ કાર્યનો આરંભ કરવો એ રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરવા બરાબર છે. કામ તો શરૂ કરો, પૈસાની જોગવાઈ આપોઆપ થઈ રહેશે એવું માનનારાઓ ભવિષ્યમાં ઊંધે માથે પછડાય છે. જે કામ માટે જેટલા ધનની આવશ્યકતા હોય તે અંગે કાર્યારંભે જ નિશ્ચિત ગોઠવણ થઈ ગઈ હોવી જોઈએ.
ચાણક્યનીતિના ગ્રંથમાં જે સૂત્ર સોનાના અક્ષરે લખાવું જોઈએ તે હવે આવે છે. સબંધો સ્વાર્થને આધિન છે. બે રાજ્ય વચ્ચેના કે બે વ્યક્તિઓ વચ્ચેના, સબંધો પરસ્પર સ્વાર્થ ન હોય તો બંધાતા જ નથી. પ્રયોજન વિનાનો, હેતુ વિનાનો, સબંધ હોઈ શકે જ નહીં.
ઘણા લોકોને પોતાની નબળાઈઓ જાહેરમાં કે અન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરી દેવાની બહુ હોંશ હોય છે. ભાઈ, મારાં નસીબ એવાં ફૂટેલા નીકળ્યાં કે ધંધામાં ચાળીસ લાખની ખોટ ગઈ- કોઈએ પૂછ્યું નહીં હોય તો સામેથી કહેશે. કે પછી, આ બધું મારી આળસનો પ્રતાપ છે- એવું કોઈક કહેશે. કહેનારને લાગે છે કે આમ કહીને પોતે બહુ મોટી નિખાલસતા દેખાડી રહ્યા છે, પોતે કેટલા પારદર્શક છે એવું સ્થાપી રહ્યા છે, પણ દરેક સાંભળનારાઓનાં મન તમે કળી શકવાના નથી. ચાણક્ય કહે છે કે પોતાનાં છિદ્રોની જાણ ક્યારેય કોઈને ના કરવી. કારણ? શત્રુ હંમેશાં તમારી નબળાઈ વિશે જાણકારી મેળવીને એના પર જ પ્રહાર કરે છે. આ સાથે ચાણક્ય સલાહ આપે છે કે શત્રુનાં છિદ્રોની તમને જાણકારી હોવી જોઈએ અને લાગ મળ્યે એનાં છિદ્રો પર પ્રહાર કરવો જોઈએ અને જ્યાં સુધી શત્રુનાં છિદ્રોનો તાગ ના મળે ત્યાં સુધી એને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઈએ.
ચાણક્યની એક સલાહ કવિ હરીન્દ્ર દવેએ માની હોત તો ક્યારેય આ શેર લખવાની નોબત એમના માટે ન આવી હોત
આખી દુનિયાનું ડહાપણ પોતાનાં સૂત્રોમાં ઠાલવી દેનારો ચાણક્ય તમને ક્યારેક લાગણીશૂન્ય લાગે, પણ ના, એવું નથી. એક જગ્યાએ એક નાનકડી, પણ ખૂબ મોટી વાત કહી દે છે: પુત્ર અથવા તો સંતાનોના સ્પર્શથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી.
(આ લેખ ૧૯૯૫-૯૯ના ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં છપાતી મારી દૈનિક કોલમ ‘ગુડ મોર્નિંગ’ માટે લખાયો.)
દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની હોય. ચાણક્યની. ચાણક્યનાં કેટલાંય સૂત્રો લોકજીભે છે. એનો રોજબરોજ ઉપયોગ કરનારને ખબર પણ નહીં હોય કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર કે સ્તુતિ દેવોને પણ વહાલી કે મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ વધારે સારો જેવાં ઑલ ટાઈમ ગ્રેટ સુવાક્યો પરનો કોપીરાઈટ ચાલુ હોત તો આજે ચાણક્ય કે એના વારસદારો ભારતના સૌથી ધનિક માણસો હોત.
પત્નીએ પતિને વશ રહેવું કે સ્ત્રીનો ક્યારેય વિશ્વાસ ન કરવો જેવાં અનેક ચાણક્યસૂત્રો આજના વખત માટે અપ્રસ્તુત છે. આ કે આવાં કેટલાંક સૂત્રોની અવગણના કરીએ તો બીજો ઘણો મોટો ખજાનો ચાણક્ય પાસેથી પ્રાપ્ત થાય. ચાણક્ય આજની તારીખે જીવતો હોત તો મલ્ટિનેશનલ કંપનીના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટથી માંડીને પ્રાઈમ મિનિસ્ટરના પોલિટિકલ એડ્વાઈઝર સુધીના જૉબ એના માટે ખુલ્લા હોત અને સાઈડમાં ચિંતક-વિચારક તરીકેનાં એના પ્રવચનો ગોઠવવા માટે લાયન્સ-રોટરીવાળાઓ એની કુટિરની બહાર લાઈન લગાવતા હોત. ચાણક્યે કૌટિલ્ય નામે અર્થશાસ્ત્ર લખ્યું, જેનો અંગ્રેજી અનુવાદ પેંગ્વિન જેવી આંતરરાષ્ટ્રિય પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યો. ચાણક્યને કેટલાક લોકો અનૈતિક અને સ્વાર્થી વાતોના પ્રચારક તરીકે ઓળખે છે. એનાં સૂત્રને જોવાનો એ પણ દ્રષ્ટિકોણ છે, પણ દુનિયામાં જ્યારે તમે જેવા સાથે તેવા થવા માગતા હો ત્યારે ચાણક્ય તમને અનએથિકલ કે ઈમ્મોરલને બદલે પ્રેક્ટિકલ વધુ લાગશે. પોતાનું (કે પોતાના રાષ્ટ્રનું) હિત સાચવવાની સલાહને સ્વાર્થી બનવાની સલાહ કોઈ ગણતું હોય તો ભલે ગણે. ચાણક્યના બે હજાર વર્ષ બાદ થઈ ગયેલી એયન રેન્ડ નામની અમેરિકન વિદુષીએ ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્કિશનેશ’ નામનો ગ્રંથ નથી લખ્યો?
ખૂબ બધાં કામ ચઢી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની ઘણી વખત સૂઝ પડતી નથી. ચાણક્ય સહેલો ઉકેલ આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું. તદ્દન સીધી વાત છે અને ક્યારેક લાગે કે આ બધાં નકામાં કામ છે, કશાંમાંથી ફાયદો થાય તેમ નથી તો શું કરવું? એ માટે ચાણક્યને પૂછવા જવાની જરૂર નથી. પોતાનો ફાયદો જેમાં ન થતો હોય એવાં નકામાં કામ કરવાની કશી જરૂર નથી એવું કોઈ પણ ગુજરાતી તમને કહેશે.
કેટલીક વાર તમને નવાઈ લાગે એટલી હૂંફાળી વર્તણૂક તમારા શત્રુઓ કે અપરિચિતો દેખાડે છે. એમની આ મતલબી ઘનિષ્ઠતા વિશે ચાણક્ય વારંવાર લાલબત્તી ધરે છે. અનેક સૂત્રો દ્વારા આ વાત એ આપણા મગજમાં ખોસવા માગે છે કે શરાબીના હાથે દૂધનો પ્યાલો પીવો નહીં. દુષ્ટો ચાલાક હોય છે, તમને મદદ કરવા માટે લંબાયેલો એમનો હાથ ક્યારે તમારી ગળચી પકડી લેશે એ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ તમારું વધું પડતું સન્માન કરવા લાગે કે લળીલળીને વાત કરવા લાગે તો તમારે સાવધ થઈ જવું, આવી દેખાડુ નમ્રતા પાછળ નક્કી એનો સ્વાર્થ હોવો જોઈએ.
કોઈ પણ કાર્ય કરતી અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ના લેવાય એવું ચાણક્યે ગાઈબજાવીને કહ્યું છે. સામેથી ટેકો આપવા કે મદદ કરવા આવે તો પણ નો, થેન્ક્યુ કહીને એને પાછી કાઢવાની, કારણ કે તે તમને ટેકો એટલા માટે આપવા માગતી હોય છે કે કાલ ઊઠીને તમે એના સહારે હો ત્યારે ટેકો ખસેડીને પાડી નાખવાની તક મળે અને જૂના હિસાબોની વસૂલી થઈ જાય.
ચાણક્યની બીજી એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈ પણ માણસ તમારી પાસે કશું માગવા આવે ત્યારે એની ઉપેક્ષા કરવી નહીં. એ વખાનો માર્યો હશે તો જ તમારી પાસે હાથ લંબાવતો હશે. નસીબે એને ઝાપટો મારી હોય ત્યારે એને સહાય કરાઅને બદલે એનું અપમાન કરીને એની હેરાનગતિમાં ઉમેરો કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં. અહીં ચાણક્યના આ સૂત્ર સાથે અન્ય સૂત્રો મૂકવા પણ જરૂરી છે. કાયદામાં જેમ ફલાણી કલમને ફલાણી પેટા- કલમનાસંદર્ભમાં વાંચવાની હોય એવું કંઈક અહીં પણ છે. મદદ માગનારને તરછોડવો નહીં એવી સલાહ સાથે ચાણક્ય એવું પણ કહી જાય છે કે નીચ કે દુષ્ટ માણસ પર ક્યારેય ઉપકાર કરવો નહીં. સાપને દૂધ પિવડાવવાથી એનામાં રહેલા ઝેરની જ વૃદ્ધિ થાય છે. (જોકે, સાપ દૂધ પીતો જ નથી એવું સ્વ. વિજયગુપ્ત મૌર્ય પચાસ વાર કહી ગયા છતાં આપણામાંથી એ અંધશ્રદ્ધા ગઈ નથી.) દુષ્ટ પર ઉપકાર કરવાનો વિરોધ કરતાં ચાણક્ય કહે છે કે કેટલાક માણસોને આપણે કરેલા તમામ ઉપકાર ઓછા લાગે છે અને એ આપણા ઉપકારને પોતાનું અપમાન સમજી બેસે છે. માટે એવા લોકોને મદદ કરવાથી દૂર જ રહેવું. માટે યાચકની અપેક્ષા સંતોષતા પહેલાં કોઠાસૂઝથી તથા પૂર્વાનુભવથી જાણી-પારખી લેવું કે તમારું દાન, તમારી મદદ સુપાત્રે જાય છે કે કુપાત્રે.
ચાણક્ય કહે છે કે શત્રુની સાથે ગમે તેવી દુશ્મનાવટ હોય તોય એની આજીવિકા નષ્ટ ના કરવી. કોઈ પણ વ્યક્તિને ભીંતસરસી ધકેલી દેવાથી, એની પાસેથી તમામ દિશાઓ છીનવી લેવાથી, એ જીવ પર આવીને તમારા પર હુમલો કરશે. બમ્બૈયા હિંદીમાં એને મરતા ક્યા નહીં કરતા ફીનોમિનન કહે. તમે શત્રુની રોજીરોટી છીનવી લેશો તો એ આજે નહીં પણ દસ વર્ષે એનો બદલો લેશે જ. એવા ઘણા દાખલા આપણી આસપાસ પડ્યા છે. તો હવે ધ્યાન રાખવું.
બીજું, એરંડા જેવાં તકલાદી વૃક્ષોનો સહારો લઈને હાથીને ક્રોધિત ના કરવો. મહાશક્તિશાળી સામે બાંયો ચડાવવી હોય તો પહેલાં તપાસી લેવું કે એવો જ શક્તિશાળી ટેકો તમને છે કે કેમ? હાથીને ગુસ્સે કર્યા પછી છુપાઈ જવાનું આવે ત્યારે એરંડા કરતાં વટવૃક્ષની આડશ વધુ ઉપયોગી નીવડતી હોય છે. સાચી વાત? બિલકુલ સાચી વાત.
કોઈ કંઈક પૂછે તો ફટ દઈને એનો જવાબ ના આપી દેવાય. પ્રશ્ન પાછળનો હેતુ શો છે તે વિશે વિચારવું. પ્રશ્નકર્તાની દાનત તપાસવા તમારે પ્રતિપ્રશ્ન કરવો.. શઠ લાગતા લોકોની આદત હોય છે કે નિર્દોષ લાગતા સવાલો પૂછીને પોતાની ધારી વિગતો કઢાવી લેવી. માટે જ ચતુર લોકો સીધો જવાબ આપવાને બદલે મોઘમ ઉત્તર આપીને વણબંધાયેલા રહે છે. આ સલાહ ચાણક્યે રાજનીતિના સંદર્ભમાં આપી છે. રોજિંદા વ્યવહારમાં પણ ઘણા એનો અમલ કરે છે.
ધન વિશે ચાણક્યે કહ્યું છે કે માણસ પોતે અમર છે એમ માનીને એણે ધનનો સંગ્રહ કરવો જોઈએ. અર્થાત્ ‘આજે નહીં તો કાલે, મરવાનું તો નિશ્ચિત છે. ક્યાં આ બધી લક્ષ્મી છાતીએ બાંધી લઈ જવાની છે’ એવા વિચારો કરીને માણસે ઉદ્યમ કરવામાં આળસ કરવી નહીં. પૂરતા ધન વિના, જો વૃદ્ધાવસ્થા લંબાય તો, જીવન આકરું બની જાય છે.
કમાણી કરવા માટે કેટલાક લોકો ‘પાપી પેટને ખાતર કરવું પડે છે’ એવું બહાનું આગળ ધરીને કોઈ પણ હીન કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ ચાણક્ય કહે છે કે માણસ ભૂખ્યા પેટે પણ જીવી લેતો હોય છે. બે ટંકના ભોજન માટે અનૈતિક કામ કરવાં અનિવાર્ય નથી હોતાં. ભૂખ ક્યારેય વ્યક્તિની ખુમારી તૂટવા દેતી નથી. પાંગળું મનોબળ જ માણસની નિષ્ઠાને ડગમગાવી મૂકે છે.
ચાણક્ય માને છે કે ચતુર માણસને કયારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહારકુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં પણ આજીવિકા મેળવી લે છે. ધન વિષેની એક કડવી સચ્ચાઈ ચાણક્ય પાસેથી જાણી લઈએ. એ કહે છે કે પૈસા વિનાના માણસની સાચી શિખામણ કોઈ ધ્યાને ધરતું નથી. બીજી એક વાત ચાણક્ય કહે છે કે જરૂરી દ્રવ્યની જોગવાઈ કર્યા વિના કોઈ પણ કાર્યનો આરંભ કરવો એ રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરવા બરાબર છે. કામ તો શરૂ કરો, પૈસાની જોગવાઈ આપોઆપ થઈ રહેશે એવું માનનારાઓ ભવિષ્યમાં ઊંધે માથે પછડાય છે. જે કામ માટે જેટલા ધનની આવશ્યકતા હોય તે અંગે કાર્યારંભે જ નિશ્ચિત ગોઠવણ થઈ ગઈ હોવી જોઈએ.
ચાણક્યનીતિના ગ્રંથમાં જે સૂત્ર સોનાના અક્ષરે લખાવું જોઈએ તે હવે આવે છે. સબંધો સ્વાર્થને આધિન છે. બે રાજ્ય વચ્ચેના કે બે વ્યક્તિઓ વચ્ચેના, સબંધો પરસ્પર સ્વાર્થ ન હોય તો બંધાતા જ નથી. પ્રયોજન વિનાનો, હેતુ વિનાનો, સબંધ હોઈ શકે જ નહીં.
ઘણા લોકોને પોતાની નબળાઈઓ જાહેરમાં કે અન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરી દેવાની બહુ હોંશ હોય છે. ભાઈ, મારાં નસીબ એવાં ફૂટેલા નીકળ્યાં કે ધંધામાં ચાળીસ લાખની ખોટ ગઈ- કોઈએ પૂછ્યું નહીં હોય તો સામેથી કહેશે. કે પછી, આ બધું મારી આળસનો પ્રતાપ છે- એવું કોઈક કહેશે. કહેનારને લાગે છે કે આમ કહીને પોતે બહુ મોટી નિખાલસતા દેખાડી રહ્યા છે, પોતે કેટલા પારદર્શક છે એવું સ્થાપી રહ્યા છે, પણ દરેક સાંભળનારાઓનાં મન તમે કળી શકવાના નથી. ચાણક્ય કહે છે કે પોતાનાં છિદ્રોની જાણ ક્યારેય કોઈને ના કરવી. કારણ? શત્રુ હંમેશાં તમારી નબળાઈ વિશે જાણકારી મેળવીને એના પર જ પ્રહાર કરે છે. આ સાથે ચાણક્ય સલાહ આપે છે કે શત્રુનાં છિદ્રોની તમને જાણકારી હોવી જોઈએ અને લાગ મળ્યે એનાં છિદ્રો પર પ્રહાર કરવો જોઈએ અને જ્યાં સુધી શત્રુનાં છિદ્રોનો તાગ ના મળે ત્યાં સુધી એને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઈએ.
ચાણક્યની એક સલાહ કવિ હરીન્દ્ર દવેએ માની હોત તો ક્યારેય આ શેર લખવાની નોબત એમના માટે ન આવી હોત
મારી જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભવ્યાનો થાક છે.
ચાણક્યે કહ્યું છે કે મૃદુ સ્વભાવવાળા લોકોનું એમના આશ્રિતો પણ અપમાન કરતા હોય છે. માત્ર રાજકાજના ક્ષેત્રમાં જ નહીં, બધે જ આ સૂત્ર લાગુ પડે. સુરેશ દલાલ કહેતા હોય છે એમ: ડંખીએ ના, પણ ફૂંફાડો રાખવાનો.! આ જ સંદર્ભમાં બીજું એક ચાણક્યસૂત્ર છે કે અગંભીર વિદ્વાનને લોકો સન્માન નથી આપતા. આનો અર્થ એવો નથી કે માણસે વિદ્વતાનો ડોળ કરવા ઘુવડગંભીર ચહેરે ફરવું. અર્થ એ કે વિદ્વાનોએ ઉછાંછળું વર્તન ના કરવું. સામાન્ય પરિચિતોને કે દૂરના મિત્રોને તમારી સાથે બોલવા/વર્તવામાં અઘટિત છૂટ લેવા દેવી નહીં, એવું કરે તો એમને ટકોર પણ કરવી.રહીને સુંવાળા સૌને દુભવ્યાનો થાક છે.
આખી દુનિયાનું ડહાપણ પોતાનાં સૂત્રોમાં ઠાલવી દેનારો ચાણક્ય તમને ક્યારેક લાગણીશૂન્ય લાગે, પણ ના, એવું નથી. એક જગ્યાએ એક નાનકડી, પણ ખૂબ મોટી વાત કહી દે છે: પુત્ર અથવા તો સંતાનોના સ્પર્શથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી.
(આ લેખ ૧૯૯૫-૯૯ના ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં છપાતી મારી દૈનિક કોલમ ‘ગુડ મોર્નિંગ’ માટે લખાયો.)
કલાકાર-કસબીઓનો જીવનનો કપરો સંધ્યાકાળ
નીંદ ઉડ જાએ તેરી ચૈન સે સોનેવાલે... |
ઘણા ફિલ્મ કલાકાર-કસબીઓનો જીવનનો સંધ્યાકાળ કપરો વીતે છે, છતાં સમાજ, સંગઠનો કે સરકાર જાગતાં નથી! આ રાષ્ટ્રીય નાલેશીમાંથી મુક્તિ મેળવવી જ જોઈએ |
પ્રફુલ શાહ અજય દેવગણને પોતાની ૨૦૧૭ સુધીમાં રિલીઝ થનારી દસેક ફિલ્મોના સેટેલાઈટ રાઈટનો સોદો કર્યાના વાવડ આવ્યા. આ સોદો ૪,૦૦૦,૦૦૦,૦૦૦ (યસ, ચોગડા સાથે નવ શૂન્ય અર્થાત્ પૂરા ૪૦૦ કરોડ) રૂપિયામાં થયાની વાતો છાપે ચડી હતી. આ જ અરસામાં વીતેલા જમાનાનાં ગાયિકા મુબારક બેગમ પણ સમાચારમાં ચમક્યાં હતાં. ૧૯૬૩માં ‘હમરાહી’નું ‘મુઝ કો અપને ગલે લગા લો’ ગાઈને રાતોરાત દેશભરમાં લોકપ્રિય થઈ ગયેલાં મુબારક બેગમ હાલ જોગેશ્ર્વરીમાં સરકારે આપેલા વન બેડરૂમના ફલેટમાં પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાતી ૪૦ વર્ષીય દીકરી ઉપરાંત પુત્ર-પુત્રવધૂ અને તેમનાં બાળકો સાથે રહે છે. ક્યારેક રડ્યાખડ્યા લાઈવ સ્ટેજ પ્રોગ્રામથી તેમને થોડા હજારેક રૂપિયા મળી રહે છે. સચીન દેવ બર્મન, શંકર-જયકિસન, નૌશાદ, મદનમોહન, સલિલ ચૌધરી, ખૈયામ અને કલ્યાણજી-આણંદજીના સંગીતમાં અદ્ભુત-યાદગાર ગીતો ગાનારાં મુબારક બેગમને રાજ્ય સરકાર એકદમ નજીવું પેન્શન આપે છે: માસિક સાતસો રૂપરડી. ‘દેવતા તુમ હો મેરા સહારા (દાયરા), વોહ ના આયેંગે પલટકર ફિર સે (દેવદાસ), ‘નીંદ ઉડ જાએ તેરી ચૈન સે સોને વાલે’ (યે દિલ કિસ કો દૂં), ‘કભી તન્હાઈયોં મેં યૂં હમારી યાદ આયેગી’ (હમારી યાદ આયેગી), ‘હમ-એ-દિલ, સુનાયેંગે’ (મધુમતી), ‘અય દિલ બતા’ (ખૂની ખજાના) તથા ‘કુછ અજનબી સે આપ હૈ’ અને ‘મુઝ કો અપને ગલે લગા લો’ (હમરાહી)ના શબ્દો મુબારક બેગમના જીવન-કવનનો વિરોધાભાસ કેટલી કરુણતાથી રજૂ કરે છે? પોતાની આગવી કળા થકી આપણા સમાજ-જીવનને સમૃદ્ધ કરનારાઓને પાછલી જિંદગીમાં દર્દભર્યાં દિવસો વિતાવવા પડે એવો આ કિસ્સો પહેલો નથી, પણ ૭૦ વર્ષનાં મુબારક બેગમનો કેસ છેલ્લો બની રહેવો જોઈએ. કલાકારોની આવી કંગાળ-કરુણ સ્થિતિ દેશ, સમાજ અને વ્યક્તિ તરીકે સૌના સામૂહિક નગુણાપણાનું શરમજનક કૃત્ય છે. સ્વાતંત્ર્યસૈનિક તરીકે યોગદાન આપ્યા બાદ લગભગ સાતેક દાયકા રંગભૂમિ અને સિનેમામાં અભિનય કરનારા અવતાર કિશન હંગલે છેલ્લે ૨૦૧૨માં ટીવી સિરિયલ ‘મધુબાલા’માં દેખા દીધી. ‘શોલે’ના રહીમ ચાચા તરીકે વધુ જાણીતા એ. કે. હંગલને સાડા પાંચેક દાયકામાં સવાબસો ફિલ્મ કરવા છતાં અંતિમ દિવસોમાં આર્થિક મદદની જરૂર પડી હતી. ‘હમરાઝ’ની હિરોઈન વિમ્મીનું અવસાન થયું, ત્યારે મૃતદેહનો કબજો લેવા કોઈ નહોતું. ‘લારા લપ્પા’ ગર્લ તરીકે જાણીતી મીના શોરીએ પાકિસ્તાનમાં અત્યંત નિર્ધન દશામાં છેલ્લાં દિવસો વિતાવ્યા હતા. લલિતા પવારે એટલી એકલતામાં અંતિમ દિવસો ગુજાર્યા કે અવસાનના ચાર દિવસ બાદ પુણેના ફલેટમાંથી તેમની લાશ મળી હતી. આ રીતે જ કેશ્ટો મુખર્જી, મુકરી, કે. એન. સિંહ, શેટ્ટી, નાદિરા, પિંચુ કપૂર, સત્યન કપ્પુ, રાજેન્દ્રનાથ, વિજય અરોરા અને કિરણ કુમારને પણ ચાહકો અને ફિલ્મ ઉદ્યોગે ભુલાવી દીધા હતા. ફિલ્મ ઉદ્યોગમાં થોકબંધ સંગઠનો છે. આવા કિસ્સા બહાર આવે, ત્યારે બે-પાંચ જણ દોડાદોડી કરીને આર્થિક સહાયનું કરાવી આપે, પરંતુ આ કાયમી કે આવકાર્ય વ્યવસ્થા નથી. ભવ્ય ભૂતકાળ ધરાવતા ભારતીય અને ખાસ તો હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દીના શિખરેથી ઊતરી ગયા બાદ બરબાદીની ગર્તામાં ધકેલાઈ ગયેલા એટલાં બધાં અને એવાં એવાં નામ છે કે માથું શરમથી ઝૂકી જાય. ‘સરદાર’ના નામે ઓળખાતા ચંદુલાલ જેસંગભાઈ શાહ (૧૮૯૮-૧૯૭૫) શેરબજાર છોડીને ૧૯૨૫માં લક્ષ્મી ફિલ્મ કંપનીના આમંત્રણને માન આપીને ફિલ્મ જગતમાં આવ્યા. ૧૯૨૬માં તેમણે દિગ્દર્શિત કરેલી ‘ટાઈપિસ્ટ ગર્લ’ સુપરહિટ થઈ. પછી તેમણે ૧૯૨૯માં શરૂ કરેલા રણજિત સ્ટુડિયોમાં કે. એલ. સાયગલ, મોતીલાલ અને નિરૂપા રોય સહિતના ૩૦૦ કર્મચારી હતા. હિન્દી ઉપરાંત ગુજરાતી-પંજાબી ફિલ્મો બનાવનારા શાહ એક સમયે ફિલ્મ ઉદ્યોગના સૌથી શક્તિશાળી માણસ હતા. તેઓ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સાથે અમેરિકા, ચીન અને સોવિયેત સંઘ ગયેલા પ્રતિનિધિમંડળમાં હતા, પરંતુ રાજ કપૂર- નરગિસને ચમકાવતી બિગ-બજેટ ફિલ્મ (પાપી) સુપરફલોપ થતાં તેમનું સામ્રાજ્ય પત્તાંના મહેલની જેમ કકડભૂસ થઈ ગયું. પછી ‘જમીન કે તારેં’ (૧૯૫૫)માં એનું જ પુનરાવર્તન થયું અને રહ્યુંસહ્યું પૂરું કર્યંુ જુગાર અને અશ્ર્વરેસે. રણજિત સ્ટુડિયોની લીલામી થઈ અને એક સમયે મોટરોનો કાફલો ધરાવનારો આ માણસ બસમાં ફરતો થઈ ગયો. કારમી ગરીબીમાં ૧૯૭૫ની ૨૫મી નવેમ્બરે ચંદુલાલ શાહે અંતિમ શ્ર્વાસ લીધા ત્યારે બોલીવુડમાંથી ભાગ્યે જ કોઈ ફરક્યું હતું. ચંદ્રમોહન (૧૯૦૫-૧૯૪૯). આજની પેઢીમાંથી મોટા ભાગનાએ આ નામ સાંભળ્યું નથી, પરંતુ વી. શાંતારામની ‘અમૃત મંથન’, સોહરાબ મોદીની ‘પુકાર’, મહેબૂબ ખાનની ‘હુમાયુ’ અને ‘રોટી’ તથા ફિલ્મીસ્તાનની ‘શહીદ’માં અત્યંત પાવરફુલ રોલ થકી ભારતના સૌથી લોકપ્રિય અભિનેતા બનેલા ચંદ્રમોહનનો દબદબો એવો કે ન પૂછો વાત, પરંતુ કાયમ ‘વેટ ૬૯’ પીનારો આ સિતારો મદિરા અને જુગારની લતમાં બરબાદ થઈ ગયો. છેલ્લે દેશી દારૂથી ચલાવી લેનારા ચંદ્રમોહન ૪૩ વર્ષની ઉંમરે અવસાન પામ્યા ત્યારે અંતિમવિધિનો ખર્ચો કર્યો હતો તેમના ડ્રિન્કિંગ પાર્ટનર મોતીલાલે. મોતીલાલનું પૂરું નામ મોતીલાલ રાજવંશ (૧૯૧૦-૧૯૬૫). શિમલાના ધનવાન પરિવારનો આ નબીરો દિલ્હીની પ્રતિષ્ઠિત કોલેજમાં ગ્રેજ્યુએટ થઈને નૌકાદળમાં જોડાવા મુંબઈ આવ્યો પણ માંદગીને લીધે પરીક્ષા ચૂકી ગયો. એક ફિલ્મનું શૂટિંગ જોતી વખતે મોતીલાલને વિખ્યાત સાગર ફિલ્મ કંપનીએ ‘શહર કા જાદુ’ (૧૯૩૪)ની ઓફર કરી અને તેમણે એક્ટિંગમાં પદાર્પણ કર્યંુ. એ.વી.એમ.ની ‘મિ. સંપટ’, બિમલ રોયની ‘દેવદાસ’ તથા ‘પરખ’ થકી મોતીલાલ એકદમ છવાઈ ગયા, પરંતુ જુગાર અને અશ્ર્વ-દોડનો પ્રતાપ અને ‘છોટી છોટી બાતેં’ના નિર્માણ-દિગ્દર્શન થકી મોતીલાલ ડૂબી ગયા. ૧૯૬૫માં હતાશ મોતીલાલે છેલ્લા શ્ર્વાસ લીધા, ત્યારે અજાણ હતા કે તેમની ફિલ્મને રાષ્ટ્રપતિએ શ્રેષ્ઠ જાહેર કરી હતી. એક ખાસ વાત નસીરુદ્દીન શાહ, મોતીલાલ અને બલરાજ સહાનીને ભારતના સર્વશ્રેષ્ઠ અભિનેતા માને છે. તક મળે તો ‘દેવદાસ’માં ચુનીલાલ તરીકે મોતીલાલનો અભિનય જરૂર જોઈ લેજો. માત્ર શૈલેન્દ્ર તરીકે જ ઓળખાતા શંકરદાસ કેસરીલાલ શૈલેન્દ્ર (૧૯૨૩-૧૯૬૬)ના ગીતકાર તરીકે કસબ અને પ્રદાન વિશે અલગથી લેખ લખવો પડે. ‘બરસાત’ (૧૯૪૯)થી શ્રીગણેશ બાદ ‘અનાડી’, ‘યહૂદી’ જેવી કૃતિમાં કમાલ દાખવનારા શૈલેન્દ્ર નિર્માતા બનવા ગયા, પરંતુ ‘તીસરી કસમ’ના અનુભવે શીખવ્યું કે અહીં કોઈ જ મિત્ર નથી. આ સુંદર ફિલ્મ ખૂબ વખણાઈ પણ ટિકિટબારી પર ઢળી પડી. પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને ‘તીસરી કસમ’ના હીરો રાજ કપૂરના બર્થ-ડે એટલે કે ૧૪મી ડિસેમ્બરે શૈલેન્દ્રએ જિંદગી સાથેની દોસ્તી સાવ તોડી નાખી. એમના મૃત્યુ બાદ ‘તીસરી કસમ’ને રાષ્ટ્રપતિ તરફથી શ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડ મેડલ મળ્યો હતો. ભગવાન આબાજી પાલવ (૧૯૧૩-૨૦૦૨)નું સપનું ફિલ્મસ્ટાર બનવાનું હતું. સ્ટન્ટ ફિલ્મોના એકસ્ટ્રા આર્ટિસ્ટમાંથી દિગ્દર્શક, ચેમ્બુરના જાગૃતિ સ્ટુડિયોના માલિક સુધ્ધાં બન્યા. રાજ કપૂરની વાત માનીને ૧૯૫૧માં ગીતાબાલીને લઈને ‘અલબેલા’ બનાવી, જે સી. રામચંદ્રના જાદુને લીધે સુપરડુપર હિટ થઈ. આ સાથે જ ભગવાન પાસે સાત કારનો કાફલો આવી ગયો- રોજની એક, પરંતુ એ પછીની ‘ઝમેલા’ અને ‘લાબેલા’ ઊંધા માથે પછડાઈ. ઘોડ-દોડની ભૂંડી આદત વચ્ચે ભગવાન નસીબ સાથે હારવા માંડ્યા. કિશોરકુમારને ચમકાવતી ‘હંસતે રહેના’ ફિલ્મ પૂરી ન કરી શક્યા અને બધું રોકાણ ડૂબી ગયું. બધું ગુમાવીને ચાલમાં રહેવા ગયા. પછી ફિલ્મમાં એકાદ ગીતમાં ટિપિકલ ભગવાન-દાદા સ્ટાઈલ બતાવે પણ સમૃદ્ધિ કંઈ એમ પાછી આવે? એકદમ દયનીય સ્થિતિમાં ૨૦૦૨ની ચોથી ફેબ્રુઆરીએ અલબેલાએ મારી આખરી એક્ઝિટ. ભગવાન સાથે ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ (૧૯૫૭)થી ‘સ્વર્ગ’ (૧૯૯૦)માં કામ કરનારા ભારત ભૂષણનો કિસ્સો પણ વિચારતા કરી મૂકે છે. ભારત ભૂષણ (૧૯૨૦-૧૯૯૨) યુ.પી.ના મેરઠથી અભિનેતા બનવા આવ્યા. ઘણો સંઘર્ષ કર્યો. અંતે સફળ ગુજરાતી સર્જક બંધુ વિજય અને શંકર ભાના મિડાસ ટચથી ‘બૈજુ બાવરા’ (૧૯૫૨)માં સ્ટાર બની ગયા. પછી ‘ચૈતન્ય મહાપ્રભુ’, ‘બરસાત કી રાત’, ‘શબાબ’, ‘બસંત બહાર’ જેવી અનેક સફળતા... નવી નવી મોટરકાર... વૈભવશાળી બંગલો આવતા ગયા. પહેલી પત્નીના મોત બાદ ‘જહાંઆરા’ અને ‘તકદીર’ ફલોપ ગઈ... હીરોમાંથી કેરેક્ટર રોલ... પાંચમા-છઠ્ઠા દાયકાના સુપરસ્ટારે બંગલા-કાર છોડી દેવા પડ્યાં. આ બંગલો પછી રાજેન્દ્ર કુમાર, રાજેશ ખન્ના અને જિતેન્દ્રે ખરીદયા. પોતાને હોસ્પિટલ લઈ જવા માટે રિક્ષાવાળાને વિનંતી કરતી વખતે ભારત ભૂષણનો જીવ ગયો હતો! ગુલામ મુસ્તફા દુર્રાની ઉર્ફે જી. એમ. દુર્રાની નામના ગાયક કે જે મોહમ્મદ રફીના આદર્શ હતા, પણ સમય વીતતાં તેઓ પૈસા અને કામ માગતા નજરે ચડ્યા હતા. અનેક મૂક ફિલ્મોમાં અભિનય કર્યા બાદ ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં પ્રથમ મહિલા પાર્શ્ર્વગાયિકાનું બહુમાન મેળવનારાં રાજકુમારી પાછલી જિંદગીમાં કોરસગાનના વૃંદમાં નજરે પડ્યાં હતાં. ‘વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો...’માં રફી સાથે અવાજ આપનારા ખાન મસ્તાના હાજીઅલી દરગાહ પર ભિખારી તરીકે મર્યા હતા. ... આવાં વધુ નામ અને દૃષ્ટાંત છે, જે ગમગીન કરી દે. પરંતુ શું કોઈ જ ઉપાય નથી? છે જ. આ બધાના અંજામમાં પ્રજા અને ફિલ્મ-રસિક તરીકે સૌનો થોડો ફાળો ખરો. આ રાષ્ટ્રીય શરમ છે. સરકાર કોઈ કલાકારની આવકમાંથી ટી.ડી.એસ. તરત કાપી શકે, તો એના માટે પ્રોવિડન્ટ ફંડ, પર્યાપ્ત પેન્શન કે અન્ય કોઈ વ્યવસ્થા શા માટે ન કરી શકે? મન હોય તો માળવે જવાય જ. પણ મન છે ખરું? |
જીવનચક્ર - મહેન્દ્ર પુનાતર
જીવનચક્ર: સ્વપ્નો વેરવિખેર અને વાસ્તવિક્તા અકબંધ |
લગ્નનો અર્થ છે અર્પણ થવું, પ્રેમમાં ઢોળાઈ જવું. આમાં જેટલું સમર્પણ એટલી પ્રાપ્તિ, જેટલો ત્યાગ એટલી તૃપ્તિ, જેટલી સમજદારી એટલું સુખ અને જેટલી આત્મીયતા એટલી પ્રસન્નતા |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર એક મળે ઘર એવું મુજને જ્યાં સંતોષ નિવાસ કરે એક ખૂણે દીપ જલે ભક્તિનો બીજે ‘ઈન્સા’ વાસ કરે એવા મુજને મારા મળજો હૈડે રાખી જે હેત કરે હિંમત-હૂંફ વરસાવી દૈને નયને નરદમ નેહ ઝરે આંગણે આવે કોઈ અતિથિ આવો કહી સન્માન કરે હોંકારો દૈ વાત સાંભળે મીઠા જળનો ગ્લાસ ધરે શિરામણ કે વાળુ ટાણે તાણ્ય કરી હૈયું ઠારે બાર સુધી જઈ કહે આવજો હોંશે હાથ ઊંચો કરે વિનુભાઈ ગાંધી ‘ઈન્સાન’ની આ રચનામાં ઘર, પરિવાર, દામ્પત્ય જીવન, પ્રેમની હૂંફ અને આતિથ્ય ભાવના બધાનો એક સાથે મહિમા ગવાયો છે. ઘર ચાર દીવાલોથી બનતું નથી. એમાં દામ્પત્ય જીવનની મહેક, પ્રેમની સુગંધ અને સ્નેહની સૌરભ ન હોય તો લગ્નજીવનનો કોઈ અર્થ રહેતો નથી. માણસો ચાર દીવાલો વચ્ચે અથડાયા કરે છે અને અંદરથી કોતરાયા કરે છે. દામ્પત્ય જીવન એ આજના સમયની કપરી કસોટી છે. હિતેન આનંદપરાએ આ વાતને ભાવાત્મક રીતે કહી છે... ચાર દીવાલથી એમ ઘર થાતું નથી એમને એ કેમ સમજાતું નથી? રાતના પાછું ફરે નહીં એક જણ ત્યાં સુધી એ કોળિયા ખાતું નથી જીવન અગણિત વિવિધતાથી ભરપૂર છે. તેના રહસ્યનો તાગ મેળવવાનું અતિ કઠિન છે. જીવનની સમસ્યાઓ સદાય માણસને મૂંઝવતી રહી છે. જીવનનો પાયો કુટુંબ, માત-પિતા, ભાઈ-બહેનો, પતિ-પત્ની વગેરેના પરસ્પરના સુમેળભર્યા સંબંધો પર રચાયેલો છે. સ્વાર્થ અને સંકૂચિતતાની દીવાલોના કારણે આ બધા સંબંધોમાં હવે તિરાડ પડી રહી છે. સંયુક્ત કુટુંબો તૂટી ગયાં છે. પતિ-પત્નીના સંબંધમાં પણ મોટેભાગે ઉષ્મા જણાતી નથી. જાણે ઔપચારિકતા ખાતર એકબીજાને નભાવી રહ્યાં હોય એવું લાગે છે. છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. વાતવાતમાં કે નજીવાં કારણોસર પતિ-પત્ની વચ્ચે વિખવાદો ઊભા થાય છે. તેની બાળકો પર માઠી અસરો પડે છે અને તેમના અજ્ઞાત મન પર જે ઘાવ પડે છે તે જલદીથી રુઝાતા નથી. દામ્પત્ય જીવન એક યા બીજાં કારણોસર ખરડાઈ રહ્યું છે. આનું મુખ્ય કારણ તનાવપૂર્ણ જીવન અને એકબીજાને સાચા અર્થમાં સમજવાનો અને પરસ્પરને અનુકૂળ થવાની ઈચ્છાનો અભાવ છે. સંસારનો રથ એનાં બે ચક્રો પતિ-પત્ની પર ચાલે છે. આમાંથી એક પણ ચક્ર નબળું હોય તો રથ આગળ વધી શકતો નથી. એક પણ ચક્ર મૂળ ધરીમાંથી વિચલિત થાય તો સંસારના વાવાઝોડામાં સુખનો આ રથ ગબડી પડે છે. માણસ આ બધું સમજવા છતાં તેને અનુરૂપ જીવન જીવી શકતો નથી. લગ્નજીવન એ પુરુષ અને સ્ત્રીની સહયાત્રા છે. તેનું મોટું ભાથું પરસ્પર પ્રેમ, સ્નેહ, ભાવ અને લાગણી છે. જિંદગીની મીઠાશ, તીખાશ અને કડવાશ, બધુ એમાં છે. ખરા અર્થમાં કહીશ તો લગ્નજીવન એ માણસની મોટી પ્રયોગશાળા છે. કોઈએ કહ્યું છે તેમ લગ્નજીવન એક જુગાર છે. એમાં પુરુષે પોતાની સ્વતંત્રતા અને સ્ત્રીએ પોતાની પ્રસન્નતાને હોડમાં મૂકવી પડે છે. લગ્નજીવનમાં પુરુષ પોતાની સ્વતંત્રતા અને સ્ત્રી પોતાની પ્રસન્નતા જાળવી શકે તો દામ્પત્ય જીવન મીઠું-મધૂરું બની જાય. પતિ-પત્ની વચ્ચેના સંબંધો ભાવના અને સમજદારીના હોય છે. પતિ અને પત્ની એકબીજાની શક્તિ અને મર્યાદાથી પરિચિત બને તથા પરસ્પરનાં સ્વભાવ અને પ્રકૃતિને સ્વીકારતાં થઈ જાય તો સંવાદિતા સર્જાય. દામ્પત્ય જીવન એ પ્રેમની અખંડ સાધના છે. પ્રેમ અને વફાદારીને એકબીજાથી અલગ ન પાડી શકાય. સ્ત્રી-પુરુષનું મિલન કેવળ બે વ્યક્તિનું મિલન નથી, પરંતુ સ્નેહ, સહયોગ અને સદ્ભાવનાનું મિલન છે. લગ્ન પ્રસંગે ગોરમહારાજ પ્રત્યેક મંગલાષ્ટક પૂર્વે બોલે છે ‘વર ક્ધયા સાવધાન’. ગૃહસ્થાશ્રમમાં ઘણી બધી કપરી જવાબદારી અને કર્તવ્યો અદા કરવાનાં હોય છે તે માટેની આ ચેતવણી છે. દામ્પત્યજીવન સુખ અને દુ:ખમાં એકબીજાની હૂંફથી મહેકી ઊઠે છે. દુ:ખમાં તેની ખરી કસોટી થાય છે. મુશ્કેલીના સમયમાં પણ સુમેળ જળવાય અને તનાવ ઊભો ન થાય તો સમજવું લગ્નજીવન સફળ થયું છે. પ્રસન્ન દામ્પત્ય એટલે એનો અર્થ એવો નથી કે પતિ-પત્ની વચ્ચે કોઈ મતભેદ કે વિવિધતા ન હોય. ખાટી-મીઠી વાતો, રીસામણાં-મનામણાં તો જીવન સાથે સંકળાયેલાં છે. જીવનમાં આવુ બધુ ન હોય તો તે રસકસ વગરનું બની જાય. દરેક માણસ તેની પ્રકૃતિ અને સ્વભાવથી ભિન્ન છે. તેના ગમા-અણગમા અને મૂડ અલગ હોય છે. કોઈ પણ બે માણસ સ્વાભાવિક રીતે એકબીજાની પ્રતિકૃતિ બની શકે નહીં. લગ્નજીવનમાં એકબીજાને અનુકૂળ બનવું પડે છે. જીવનચક્રમાં જોડાતાં સ્ત્રી-પુરુષ શારીરિક અને માનસિક રીતે સરખાં નથી હોતા. સ્વભાવ, રુચિ, પસંદગી અને સાહજિક વૃત્તિઓમાં મોટું અંતર હોય છે. આવા બે અસમાન ધ્રુવો વચ્ચે એકતાનું અને એકરસતાનું સંયોજન એટલે દામ્પત્ય જીવન. આમાં એકબીજાએ ઘણું બધું જતું કરવું પડે છે. આજનો મુખ્ય પ્રશ્ર્ન લગ્નજીવનને સફળ બનાવવા કરતાય તેને ટકાવી રાખવાનો છે. લગ્નજીવનના મણકાઓ જ્યારે તૂટે છે ત્યારે તેની વિપરિત અસર આખા કુટુંબને થાય છે. સંબંધો સુખદ રીતે તૂટતા નથી. એકબીજા વચ્ચે વૈમનસ્ય અને વ્યથાની લાંબી હારમાળા રચીને તૂટતા હોય છે. લગ્નજીવન તૂટે છે ત્યારે બધું તૂટી જાય છે. ભેગા થવા કરતા અલગ થવાનું વધુ મુશ્કેલ છે. લગ્નજીવન શા માટે તૂટે છે અને એ માટે કોણ જવાબદાર છે? આ પ્રશ્ર્ન સામાજિક અને મનોવૈજ્ઞાનિક સંશોધનનો વિષય છે, પરંતુ કેટલાક દેખીતાં કારણોએ આ પવિત્ર સંબંધને તલવારની ધાર પર મૂકી દીધો છે. અત્યારના સમયમાં લગ્નજીવન વધુ સંવેદનશીલ બની ગયું છે. ધીરજ અને સહનશીલતાનો અભાવ છે તથા જતું કરવાની અને નભાવી લેવાની તૈયારી નથી. અર્ધદગ્ધ સમજણ અને અધકચરા શિક્ષણના કારણે પુરુષનો અહમ્ અને સ્ત્રીની જીદ ટકરાયાં કરે છે. કૌટુંબિક અને આર્થિક પરિસ્થિતિના કારણે ઊભી થતી તાણ પણ પતિ-પત્ની વચ્ચે ઘર્ષણનું કારણ બને છે. પરસ્પર સેવા અને સમર્પણની ભાવના લુપ્ત થઈ છે. સમર્પણ ન હોય તો પ્રેમ કેવી રીતે ઉદ્ભવી શકે? પુરુષના મનમાંહંમેશાં માલિકીભાવ હોય છે અને સ્ત્રીના મગજમાં સમાનતાની રાઈ ભરાઈ હોય છે. એટલે સતત તણખા ઝર્યા કરે છે. લગ્નજીવનમાં સુખનો પ્રકાશ ચોમેર પથરાયેલો છે, પરંતુ તેની શોધ સ્વયં કરવી પડે છે, તેને પામવા માટે ઓગળી જવું પડે છે. આમાં જેટલું સમર્પણ એટલી પ્રાપ્તિ, જેટલો ત્યાગ એટલી તૃપ્તિ, જેટલી સમજદારી એટલું સુખ અને જેટલી આત્મિયતા એટલી પ્રસન્નતા. માણસની ખરી પહેચાન એની પત્ની છે. ઘર ચાર દીવાલોથી નહીં પણ સ્ત્રીના સાંનિધ્યથી બને છે અને તે ઘરની ખરી શોભા છે. સ્ત્રી એ પુરુષના સમગ્ર જીવનનો અરીસો છે. માણસને તેની પત્ની સિવાય બીજું કોઈ સાચી રીતે ઓળખી શકતું નથી. સારો પતિ કે સારી પત્ની મળવી એ મોટા સદ્ભાગ્યની વાત છે. આમાં આપણું કાંઈ ચાલતું નથી. ટકોરા મારીને લઈ શકાય એવી આ ચીજ નથી. દરેક માણસના જીવનવિકાસ અને પ્રગતિમાં તેની પત્નીનો અમૂલ્ય ફાળો હોય છે, પણ તેને ભાગ્યે જ યશ મળે છે. પ્રેમ, શ્રદ્ધા અને વિશ્ર્વાસ લગ્નજીવનનો પાયો છે અને તેના પર પ્રસન્ન દામ્પત્યની ઈમારત ઊભી હોય છે. જીવનસાથીની પસંદગીમાં વધારે પડતી અપેક્ષાઓએ પણ અનેક પ્રશ્ર્નો સર્જ્યા છે. યુવાનીનાં સુંદર રંગીન સ્વપ્નો તૂટી જાય છે. સ્વપ્નો કોના સાર્થક થયાં છે? સ્વપ્નો તૂટે છે અને વાસ્તવિક્તા અકબંધ રહે છે, આદર્શ સ્વર્ગ કોઈને સાંપડતું નથી. લગ્નજીવન એટલે યુવાવસ્થામાં પ્રેમ અને પ્રોઢાવસ્થામાં સહારો છે. વૃદ્ધાવસ્થામાં દીકરા-દીકરી પારકાં થઈ જાય ત્યારે જીવનસાથી કિનારો બનીને આવે છે. જીવનસાથીનું મહત્ત્વ પાછલી ઉમ્મરે સમજાય છે. સફળ લગ્નજીવનની ટકાવારી ઘટી રહી છે. મોટેભાગે એકબીજાને નિભાવી રહ્યાં છે. બહારથી બધુ સારું દેખાય છે, પણ અંદર વલોપાત છે. લગ્નજીવનમાં કડવા-મીઠા પ્રસંગો આવ્યા કરે છે. લગ્ન તરફનો અભિગમ આશાવાદી હોય અને ખાટી આંબલીને મીઠા બોરમાં પરિવર્તિત કરવાની કૂનેહ હોય તો એ સુખનો સાગર છે. લગ્નનો અર્થ છે અર્પણ થવું, પ્રેમમાં ઢોળાઈ જવું. પ્રેમ અને શ્રદ્ધાના દીપ અંધારાને ઉલેચીને પ્રકાશ પાથરી શકે છે, કંટકોને દૂર કરીને પુષ્પોની મહેક પ્રસરાવી શકે છે. એ જ જીવનની સફળતા છે અને સાચું સુખ પણ. |
Wednesday, March 6, 2013
રાહુલબાબાનો ત્યાગના દેખાડાનો ધખારો- રાજીવ પંડિત
હવે રાહુલબાબાનો ત્યાગના દેખાડાનો ધખારો |
એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત લાંબા સમયની ચૂપકીદી પછી કોંગ્રેસના પાટવી કુંવર રાહુલ ગાંધીએ ફરી દેખા દીધી છે અને જાહેર કર્યું છે કે તેમને વડા પ્રધાન બનવામાં રસ નથી. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાહુલબાબાએ એમ પણ કહ્યું કે કોંગ્રેસમાં જે હાઈકમાન્ડ કલ્ચર છે તેનો અંત આવવો જોઈએ. કોંગ્રેસમાં એક મોટો વર્ગ છેલ્લા કેટલાય સમયથી લઈ મંડ્યો છે કે રાહુલબાબાને કોંગ્રેસે વડા પ્રધાનપદ સોંપી દેવું જોઈએ ને એવું ન થાય તો કમ સે કમ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી તો રાહુલબાબાના નેતૃત્વમાં લડવી જ જોઈએ. કોંગ્રેસે થોડા સમય પહેલા જ તેની રાષ્ટ્રીય કારોબારીમાં રાહુલબાબાને કોંગ્રેસ સંગઠનમાં સોનિયા ગાંધી પછી બીજા નંબરે બેસાડી ઉપપ્રમુખ બનાવેલા એટલે કોંગ્રેસીઓ હરખઘેલા થઈ ગયેલા કે હવે રાહુલબાબા વડા પ્રધાન બન્યા જ સમજો. રાહુલે એ લોકોના ઉત્સાહ પર આ વાત કરીને હાલ તો ઠંડુ પાણી રેડી દીધું છે. જો કે કોંગ્રેસીઓએ સાવ નિરાશ થવાની જરૂર નથી કેમ કે રાહુલ ગાંધીએ પોતાને વડા પ્રધાન બનવામાં રસ નથી તેવી વાત કરી છે તે ફેંકાફેંકથી વિશેષ કંઈ નથી. નહેરૂ-ગાંધી ખાનદાનમાં પહેલેથી આ બિમારી છે ને એ ખાનદાનનાં લોકોને પહેલેથી સતા બનવાનો ને ત્યાગમૂર્તિ દેખાવાના બહુ અભરખા છે. છાસ લેવા જવું ને દોણી સંતાડવી એ તેમની માનસિકતા છે. એક બાજુ સત્તા માટે હવાતિયાં મારવા ને બીજી તરફ લોકોને સત્તામાં રસ નથી તેવું બતાવ્યા કરવું એ તેમની આદત છે. એવું ન હોત તો એ લોકો કોંગ્રેસનો વહીવટ બાપીકી પેઢીની જેમ ન ચલાવતા હોત. જવાહરલાલ નહેરૂના પિતા મોતીલાલ નહેરૂ બહુ મોટા વકીલ હતા એટલે જવાહરલાલ ચાંદીના ચમચા સાથે જ પેદા થયેલા. જો કે જવાહરલાલે પોતાન્ો અમીરીની પરવા નથી ને આ દેશની જ ચિંતા છે તેવો દેખાડો કરીને રાજકારણમાં કૂદી પડેલા. રાજકારણમાં આવીને તેમણે બધું જ કર્યું ને બધું જ ભોગવ્યું ને એ પછીય દેખાડો એવો કરતા રહ્યા કે પોતાને સત્તાની પરવા નથી. ભારતને આઝાદી મળી ત્યાં લગી નહેરૂનો આ દંભ ચાલ્યો પણ જેવી આઝાદી મળી ને દેશના વડા પ્રધાન કોણ બનશે એવો સવાલ આવ્યો કે તરત નહેરૂએ બધી શરમ છોડી દીધી ને રીતસર ત્રાગાં કરીને ગાંધીજીને પટાવીને ગાદી પર ચડી બેઠા. સરદાર પટેલ વડા પ્રધાન બનવા લાયક હતા છતાં ગાંધીજી નહેરૂનાં ત્રાગાં સામે ઝૂકી ગયા તેમાં દેશમાંથી અંગ્રેજોનું રાજ ગયું ને સવાયા અંગ્રેજ એવા એક ખાનદાનનું રાજ આવી ગયું. જવાહરલાલે ઈન્દિરાને પણ આ રીતે જ ગાદી પર બેસાડી દીધેલાં. પહેલાં એવો દેખાવ કર્યો કે ઈન્દિરાને તો ઘર ચલાવવામાં ને છોકરાંને મોટાં કરવામાં જ રસ છે. પછી ધીરે રહીને તેમને કોંગ્રેસનાં પ્રમુખ બનાવ્યાં ને પછી પોતાના વારસ તરીકે આગળ કરી દીધાં. ઈન્દિરામાં પોતાનામાં એક તાકાત હતી જ પણ નહેરૂના નામનું લેબલ તેમને વધારે ફળ્યું. ઈન્દિરાના બન્ને દીકરા સંજય અને રાજીવે આ પરંપરાને બરાબર આગળ ધપાવી. સંજયે કદી સરકારમાં પ્રધાન બનવામાં રસ ના બતાવ્યો પણ ઈન્દિરા વતી બધી જ સત્તા ભોગવી. કટોકટી કાળમાં તો ઈન્દિરા બાજુ પર રહી ગયેલાં ને સંજય જ આ દેશનો માલિક હોય તે રીતે વર્તતો હતો. રાજીવ ગાંધી એ વખતે રાજકારણમાં નહોતા ને એવી વાતો કરતા કે મને તો રાજકારણમાં રસ નથી પણ જેવું સંજયનું મોત થયું કે એ તરત કૂદી પડ્યા ને સંસદસભ્ય બની ગયા. ઈન્દિરાના મોત વખતે કોંગ્રેસ પાસે ઘણા દિગ્ગજ નેતાઓ હતા પણ રાજીવ ના ના કરતા કરતા ગાદી પર બેસી ગયા. રાજીવની જેમ જ સોનિયાએ પણ રાજકારણમાં આવવાનો ધરાર ઈન્કાર જ કરેલો. રાજીવની હત્યા પછી સોનિયા રાજકારણથી દૂર જ જતાં રહેલાં પણ જેવું તેમને લાગવા માંડ્યું કે સત્તાથી દૂર રહેવામાં તો મજા નથી એટલે પાછાં રાજકારણમાં કૂદી પડ્યાં. એ વખત્ો તેમણે કોંગ્રેસના કાર્યકરોની લાગણીના કારણે પોતે રાજકારણમાં આવે છે તેવું બહાનું આપેલું. જેને રાજકારણમાં રસ જ ન હોય તેમને કાર્યકરોની લાગણી કે બીજું કશું ચળાવી શકે ખરૂં? આ દેશમાં કેટલાય રાજકારણીઓનાં સંતાનો ને પરિવાર એવા છે જ કે જે લોકોને રાજકારણમાં રસ નથી એટલે એ લોકો દૂર જ રહ્યા છે. સોનિયા પણ એ કરી જ શક્યાં હોત પણ મૂળ વાત સત્તાની તલપની છે. સોનિયા કાર્યકરોની લાગણીના નામે રાજકારણમાં આવી ગયાં ને છેલ્લાં નવ વરસથી સાવ મોળા ને પોતાના કહ્યાગરા મનમોહન સિંહને ગાદી પર બેસાડીને બધી સત્તાઓ ભોગવે છે. રાહુલબાબા પણ હવે પરિવારની પરંપરાને આગળ ધપાવશે એવાં તેમનાં લખ્ખણ છે. તેમને પણ હવે તેમનાં માતાની જેમ ત્યાગમૂર્તિ બનવાનો ધખારો ઉપડ્યો છે. જો કે આ બધી વાતો નાટકથી વધારે કંઈ નથી. રાહુલ પણ ના ના કરતા કરતા રાજકારણમાં આવી ગયા ને સંસદસભ્ય બની ગયા હતા. પછી ધીરેથી કોંગ્રેસના ઉપપ્રમુખપદે ગોઠવાઈ ગયા ને કોંગ્રેસની સરકાર રચાવાના સંજોગો પેદા થશે તો મનમોહન સિંહને બદલે પોતે ગાદી પર બેસી જશે. કોંગ્રેસના જીહજૂરિયાઓનુ ટોળું આમ પણ રાહુલબાબાને વડા પ્રધાન બનાવવાનું કોરસ તો છેડીને બેઠું જ છે એટલે રાહુલ ગાંધી માટે કોંગ્રેસીઓની લાગણીનું બહાનુ તૈયાર જ છે. રાહુલ ગાંધી વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા રાખે તેમાં કશું ખોટું નથી કેમ કે આ લોકશાહી દેશમાં બધાંને એ હક છે જ. સત્તાની અપેક્ષા રાખવી એ પાપ નથી પણ રાહુલ ગાંધીમાં એટલી નૈતિક હિંમત નથી કે તે એવું કહી શકે કે હા, મારામાં વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા છે. ખરેખર તો તેમણે દંભ છોડવો જોઈએ ને કહેવું જોઈએ કે પોતે વડા પ્રધાન બનવા માગે છે. અને જો ખરેખર તેમને વડા પ્રધાન બનવામાં રસ ન હોય તો તેમણે જાહેરાત કરી દેવી જોઈએ કે પોતે ગમે તે સંજોગોમાં સત્તા નહીં સ્વીકારે. જો કે મને તમને ને રાહુલ ગાંધીને બધાંને ખબર છે કે એ બનવાનું નથી એટલે લોકોને ઉઠાં ભણાવવાનો આ ખેલ ચાલે છે ત્યાં લગી ચાલવા દો. રાહુલે કોંગ્રેસમાં હાઈકમાન્ડ કલ્ચર ખતમ કરવાની વાત કરી છે તે આ વરસની શ્રેષ્ઠ જોક છે. કોંગ્રેસમાં હાઈકમાન્ડ કોણ છે તે કોઈને કહેવાની જરૂર નથી. કહેવા માટે તો કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે પણ તેનો વહીવટ નહેરૂ-ગાંધી ખાનદાનની બાપીકી પેઢીની જેમ જ ચાલે છે. ‘ન ખાતા ન વહી, સોનિયા કહે વો સહી’ જેવો ઘાટ છે. રાહુલબાબા પોતે જ આ કલ્ચરની પેદાશ છે. કોંગ્રેસમાં નહેરૂ-ગાંધી ખાનદાન હાઈકમાન્ડ છે એટલે રાહુલ ગાંધીને લોકો ઓળખે છે. બાકી તેમને કોઈ ઊભું પણ ન રહેવા દે. આ દેશમાં રાહુલ જેવા નહીં પણ તેમના કરતાં વધારે સ્માર્ટ અને વધારે સક્ષમ કરોડો યુવાન છે પણ એ લોકોના માથા પર નહેરૂ-ગાંધી ખાનદાનનો સિક્કો નથી એટલે એ લોકોની કોઈ કિંમત નથી. રાહુલના માથા પર એ સિક્કો છે એટલે એ સિકંદર છે. રાહુલ આ વાત ન સમજે એટલા નાદાન નથી, પણ રાજકારણમાં આવી ડાહી ડાહી વાતો કરવી પડતી હોય છે. રાહુલે એટલે જ આ વાત ફેંકી દીધી. બાકી એ ખરેખર કોંગ્રેસમાંથી હાઈકમાન્ડ કલ્ચર નાબુદ કરવા માગતા હોય તો તેમણે તેની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. નહેરૂ-ગાંધી ખાનદાનના નામ પર રાહુલ અમેઠીમાંથી ચૂંટાય છે. રાહુલે પ્રયોગ કરવા ખાતર પણ અમેઠી છોડીને બીજે ક્યાંકથી ચૂંટણી લડવી જોઈએ તો તેને ખબર પડે કે કોંગ્રેસમાંથી હાઈકમાન્ડ કલ્ચર ન હોય તો શું થાય છે. રાહુલ કોંગ્રેસ હાઈકમાન્ડની મહેરબાનીથી મળેલું કોંગ્રેસ ઉપપ્રમુખપદ છોડીને આ દેશના બીજા હજારો યુવાનોની જેમ પોતાના જોર પર રાજકારણમાં આગળ આવવાની મથામણ કરે તો માનીએ કે રાહુલ જે કંઈ કહે છે તે માં માને પણ છે. બાકી ખાલી વાતોનાં વડાં કરવાથી કંઈ ન થાય. |
કેટલાક લોકોની આડે ન ઊતરવામાં ડહાપણ- મહેન્દ્ર પુનાતર
માથાભારે માણસો અંધારીઆલમમાં જ હોય છે એવું નથી |
કુટુંબ
અને સમાજમાં સારા માણસો કંટાળીને હાર સ્વીકારી લેતા હોય છે ત્યારે ખરાબ
માણસોને મોકળું મેદાન મળે છે. જીવન એ કુરુક્ષેત્ર છે, કેટલીક વાર આપણા
પોતાના માણસો સામે લડવું પડે છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર જીવન અને વહેવારમાં આપણે ભિન્ન ભિન્ન પ્રકૃતિના અનેક માણસોના પરિચયમાં આવીએ છીએ. દરેક માણસનો સ્વભાવ, ગમો અણગમો, જીવન જીવવાની અને કાર્ય કરવાની રીત અલગ અલગ હોય છે. દરેક માણસમાં કાંઈકને કાંઈક ગુણ અને આગવી શક્તિ હોય છે અને સાથે સાથે ઊણપો અને નબળાઈ પણ હોય છે. જે પ્રકારનાં તત્ત્વો તેનામાં ઊભરે છે, તે પ્રમાણમાં માણસ સારો અને ખરાબ દેખાય છે. માણસમાં રહેલાં મૂળભૂત તત્ત્વો પર આનો આધાર છે. માણસ જે પ્રકારના માહોલમાં ઘડાયો હોય તેની છાપ થોડેઘણે અંશે તેની પર અંકિત થઈ જાય છે. આવા અલગ અલગ પ્રકૃતિ અને સ્વભાવના માણસો સાથે રહેતા હોઈએ કે કામ કરતા હોઈએ ત્યારે કેટલીક વખત સંઘર્ષ અનિવાર્ય બની જાય છે, પરંતુ સમજદાર માણસ આની મર્યાદા બાંધી લે છે. આને આપણે મતમતાંતર કે મતભેદ તરીકે ઓળખીયે છીએ. કેટલાક માણસો જિદ્દી અને હઠાગ્રહી હોય છે તે જરા પણ નમતું આપતા નથી. આવા આડા અને અળવીતરા માણસોને લોકો સહન કરી લેતા હોય છે. માણસ વિચારે છે પાણીમાં રહેવું અને મગર સાથે વેર બાંધવું એમાં સાર નથી. જ્ઞાની માણસો કહે છે સમાજમાં એવા કેટલાય માણસો હોય છે તેની સાથે બની શકે ત્યાં સુધી સંઘર્ષમાં ઊતરવું નહીં. તેનો વિરોધ કરવો નહીં. વિરોધ કરીએ, આડા ઊતરીએ તો સરવાળે આપણને જ નુકસાન થાય. માણસ આધિ-વ્યાધિ, ચિંતા-તનાવ, માન-અભિમાન, ક્રોધ, લોભ, લાલસા, પૂર્વગ્રહ અને અશાંતિથી ઘેરાયેલો છે. એટલે દુ:ખતી રગ પકડાઈ જાય અથવા તેના મર્મસ્થાન પર ઘાવ પડે ત્યારે તે ઉકળી ઊઠે છે અને તેનો રોષ ભભૂકી ઊઠે છે. સમાજમાં તરેહતરેહના માણસો છે. સ્વાર્થી, મતલબી, માખણિયા, ખુશામતખોરો અને ધૂર્ત લોકોનો તોટો નથી. લુચ્ચા અને કઢંગા માણસો તુરત ઓળખાઈ જાય છે જ્યારે સિફતદાર માણસો ફોલીફોલીને ખાઈ જતા હોય છે. સજ્જન અને દુર્જનના ચહેરા અને મહોરાઓ બદલાઈ ગયા છે. કોણ સારો અને કોણ ખરાબ એ કળવું મુશ્કેલ બન્યું છે. માણસમાં સંવેદન, સહાનુભૂતિ અને કૃતજ્ઞતાનો લોપ થયો છે. કોઈએ આપણે માટે સારું કર્યું હોય, સહાય કરી હોય આપણે જલદીથી ભૂલી જઈએ છીએ. આભારના બે શબ્દો પણ આપણા મોઢામાંથી નીકળતા નથી. આ એની ફરજ હતી એવું આપણે સમજી લઈએ છીએ. જેટલો માણસ નજીકનો એટલું જલદીથી ભૂલી જવાય છે. ‘તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે લોગ.’ સમાજમાં બધા માણસો ખરાબ નથી. સારા સમજદાર માણસો પણ છે. સારા-બૂરાનો આ સમૂહ છે. કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. દરેક માણસની ખૂબીઓ અને વિચિત્રતાઓ હોય છે. આમાં જે બાબત આપણા મગજમાં ફિટ થતી નથી તે અંગે આપણે અણગમો અને વિરોધ વ્યક્ત કરતા રહીએ છીએ. કેટલીક વખત વિરોધ આડકતરો હોય છે. વિરોધ અનેક પ્રકારે થાય છે. પ્રેમથી, રોષથી, વ્યંગથી, કટાક્ષથી કે સામા માણસને ન ગમતી વાત કરીને ઊભરો ઠાલવી શકાય છે. વિરોધનો પ્રતિભાવ ન ઊભો થાય તો વિરોધ બુઠો બની જાય છે. એટલે વિરોધ કરનારાઓ સમય, સ્થળ, સંજોગો અને પાત્ર જોઈને તીર ચલાવતા હોય છે. આપણી સામે થતા વિરોધ અને ટીકાને કોઈ પણ જાતનો પ્રતિભાવ નહીં આપીને મહાત કરી શકાય છે, પરંતુ સાચી, સમજભરી વાતમાં ગુસ્સે થયા વગર સામા માણસને સમજવાનો પ્રયાસ કરીએ તો વિરોધ ઓસરી જાય છે. આપણે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ ત્યાં થોડી ઘણી ટીકા અને વિરોધનો ભોગ બનવું પડે છે. તમે ગમે તેટલું સારું કામ કરતા હો પણ તે જોવાની દરેકની દૃષ્ટિ અલગ છે. સ્પર્ધા, ઈર્ષ્યા અને અદેખાઈના કારણે પણ આવું થતું હોય છે. આના કારણે પણ લોકો એકબીજાના ટાંટિયા ખેંચતા હોય છે. કોઈની ટીકા, નિંદા અને કૂથલીમાં લોકોને વધુ રસ પડે છે. પોતાનામાં રહેલી ઊણપને છુપાવવા માટે આ શસ્ત્રનો ઉપયોગ થતો હોય છે. બીજાને નાનો ચીતરીને મોટો થવાનો આ પ્રયાસ છે. બીજાની બૂરાઈ કરવામાં કેટલાક માણસોને આનંદ થતો હોય છે. આની પાછળનો ભાવ એવો હોય છે કે ‘આના કરતાં તો આપણે ઘણા સારા’. આપણે કોઈની પ્રશંસા કે વખાણ કરીએ તો લોકો સાંભળવા રાજી હોતા નથી, પરંતુ કોઈની ટીકા કે નિંદા કરીએ તો કાન દઈને સાંભળે છે. એટલું જ નહીં પણ ફટ દઈને આપણી વાતનો સ્વીકાર કરી લે છે અને તેમાં થોડું મીઠું-મરચું ભેળવે છે. ટીકા જેટલી સ્વીકાર્ય બને છે તેટલી પ્રશંસા જલદીથી સ્વીકાર્ય બનતી નથી. ખરાબ વસ્તુ જેટલી ગ્રહણ થઈ જાય છે, એટલી સારી વસ્તુ ગળે ઊતરતી નથી. કેટલાક માણસો એવા હોય છે, જેઓ પૂરું સમજ્યા વગર વાતવાતમાં મિજાજ ગુમાવે છે. તેમને ગમે તે વાતમાં આડું પડી જાય છે. કેટલાકને કોઈ પણ વાતમાં ખોડખાપણ કાઢ્યા વગર ચેન પડતું નથી. વિરોધ, ટીકા, નિંદા સહન કરવાની સૌની સ્વાભાવિક મર્યાદા હોય છે. કેટલાક માણસો બહુ ટચી હોય છે. જરાક અમથું કહો તો ખોટું લાગી જાય છે. સ્ત્રી હોય તો આંખમાંથી આંસુ ટપકી પડે છે. આવી વ્યક્તિઓ આવી વાતને જલદીથી ભૂલતી નથી. ઘરમાં અને સગાસંબંધીઓમાં આવી ચડભડ ચાલ્યા કરે છે. વાતનું વતેસર કરીને અને આવી નકામી વાતો મનમાં સંઘરી રાખીને લોકો દુ:ખી થતા હોય છે અને બીજાને દુ:ખી કરતા હોય છે. પ્રખર રામાયણી કથાકાર મોરારીબાપુએ તેમની માર્મિક વાણીમાં કહ્યું છે કે માણસે સમાજમાં રહેલાં કેટલાક માણસોનો વિરોધ ન કરવો, એમાં સરવાળે ફાયદા કરતા નુકસાન વધુ છે. તેમની વાતનો સાર નીચે પ્રમાણે છે. (૧) ગૃહિણીનો એટલે કે ઘરમાં રસોઈ કરનારી સન્નારીનો વિરોધ ન કરવો. બને ત્યાં સુધી ચલાવી લેવું અને કંઈ કહેવું પડે તો પ્રેમથી કહેવું. (૨) મૂર્ખ માણસનો વિરોધ ન કરવો. તમે તેને ગમે તેટલું સમજાવો પણ કોઈ અર્થ સરવાનો નથી. આવા માણસો સામે માથું ફોડવાનો અર્થ શો? (૩) જેની પાસે શસ્ત્ર હોય તેનો વિરોધ ન કરવો. હાથમાં રહેલું હથિયાર ક્યારે વિંઝાય તેનો ભરોસો નહીં. ગુસ્સામાં માણસ ગમે તે કરી બેસે. મજાકમાં એમ પણ કહી શકાય કે હાથમાં વેલણ હોય ત્યારે ગૃહિણીનો વિરોધ કરવો નહીં. (૪) મર્મનો ભેદ જાણનારનો વિરોધ ન કરવો અને વિરોધ કરીએ તો પોલ ખૂલી જાય. આપણાં રહસ્યો જે જાણતું હોય તેની આડે ઊતરવું નહીં. ગમે ત્યારે તે ભાંડો ખોલી નાખે અને આપણી આબરુની ધૂળધાણી કરી નાખે. (૫) શઠ માણસો, ધૂર્ત લોકો અને માથાભારે માણસોનો વિરોધ કરવો નહીં. ગમે ત્યારે આપણને ફસાવી દે અને હેરાન પરેશાન કરી મૂકે. તેમની વાત અને વર્તનમાં ફરક હોય છે. માથાભારે માણસો માત્ર અંધારીઆલમમાં હોય છે એવું નથી. સમાજમાં પણ આવા માણસો હોય છે, તેઓ બીજાને દબડાવતા હોય છે અને વાતવાતમાં બાંયો ચડાવતા હોય છે. (૬) જીવન અને વહેવારમાં ધનવાન માણસોનો વિરોધ કરવો નહીં. શ્રીમંત માણસોનો વિરોધ કરીએ તો શું પરિણામ આવે તેની બધાને ખબર છે. આપણી વાત કોણ સાંભળશે? પૈસાદાર માણસોની સામે લોકોની દૃષ્ટિ બદલાઈ જાય છે. ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ’. એ ન્યાયે ચૂપ રહેવું બહેતર છે. ખોટું ડહાપણ ડોળવું નહીં અને તેમની સામે મેદાને પડવું નહીં. (૭) વૈદ્ય અને ડૉક્ટરનો વિરોધ કરવો નહીં. આપણા તન અને મનનો ભેદ જે જાણતા હોય તેનો વિરોધ કઈ રીતે થઈ શકે? તેમની સલાહ પ્રમાણે ચાલવું. વૈદ્ય ને વેરી બનાવાય નહીં. (૮) શાસ્ત્રમાં કહ્યું છે કે ગુણીજનો અને જ્ઞાની માણસોનો વિરોધ કરવો નહીં કારણ કે તેમની વાતમાં કાંઈક સાર હોય છે. તે વાત ભલે આપણને ન સમજાય, પરંતુ તેમાં ઘણું સત્ય અને તથ્ય રહેલું હોય છે. (૯) કવિ, ભાટ અને ચારણનો વિરોધ ન કરવો. ખુશામત અને પ્રશંસા કરનારા માણસોને સાચવી લેવા. તેમની સાથે બગાડવું નહીં. તેમને ફુલાવવા પણ ફટાવવા નહીં. આવા શબ્દોની ધાણી ફોડનારા લોકોની જીભ બહુ ચાલતી હોય છે, ક્યારે આપણને વેતરી નાખે તે કહેવાય નહીં. (૧૦) ઈશ્ર્વરનો, વિધાતાનો, નિયતિનો કદી વિરોધ ન કરવો. ભલે લાખ માથા પછાડો પણ જીવનમાં જે કાંઈ બનવાનું છે તે મિથ્યા થઈ શકે નહીં. નિયતી પાસ કોઈનું ચાલતું નથી. કર્મોના ફળ દરેક માણસે ભોગવવા પડે છે. શ્રદ્ધા, વિશ્ર્વાસ અને સાફદિલ હોય તો માણસ મુસીબતમાંથી પસાર થઈ શકે છે. છેવટે સારરૂપે એટલું કહેવાનું કે માણસે પોતાનો ખુદનો વિરોધ કરવો નહીં પણ અંતરાત્માના અવાજને સાંભળવો અને તેને અનુસરવું. આપણે આપણું પોતાનું સાંભળતા નથી. આત્માના અવાજને દાબી દેતા હોઈએ છીએ. અંદરથી જે આવે છે તે સચ હોય છે. આ અવાજ આપણને સાંભળવો ગમતો નથી. જીવનમાં આત્મનિરીક્ષણ, આત્મસૂઝ અને આંતરચક્ષુ જ નવી દૃષ્ટિ આપે છે. બને ત્યાં સુધી કોઈની આડે આવવું નહીં, કોઈની અડફેટમાં આવવું નહીં, પરંતુ તેનો અર્થ એવો નથી કે લાચારી ભોગવવી, ઘૂંટણિયા તાણવા કે અન્યાય સહન કરી લેવો. સચ્ચાઈના રસ્તે ચાલતા હોઈએ તો કોઈથી ડરવાની કે નીચી મૂંડી કરવાની જરૂર નથી. જૂઠનો અન્યાયનો મક્કમતાથી સામનો કરવો જોઈએ. સારા માણસો કંટાળીને હાર સ્વીકારે છે ત્યારે ખરાબ માણસોને મોકળું મેદાન મળતું હોય છે. જીવન એ તો કુરુક્ષેત્ર છે. કેટલીક વખત આપણા પોતાના માણસો સામે પણ આપણે લડવું પડે છે. |
Friday, March 1, 2013
આ દેશમાં અસ્પૃશ્યતાની પ્રથા હિન્દુઓ લાવ્યા કે મુસલમાનો - સૌરભ શાહ
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ મોગલકાળમાં દેશમાં ગુલામોનો વેપાર થતો. આ હકીકત સામ્યવાદી ઈતિહાસકારોએ ભૂંસી નાખી હતી. એનડીએના શાસન દરમિયાન નવેસરથી લખાયેલાં કેટલાંક પાઠ્યપુસ્તકોમાં આ ઉલ્લેખ આવ્યો અને સામ્યવાદી ઈતિહાસકારો ઊંચાનીચા થઈ ગયા. ‘ઈન્ડિયન હિસ્ટરી કૉન્ગ્રેસ (આઈએચસી)ના નેજા હેઠળ ઈરફાન હબીબ, સુપીરા જયસ્વાલ અને આદિત્ય મુખરજી જેવા વિદ્વાન મુસ્લિમવાદી સેક્યુલરો અને ભારતીય પરંપરાને વગોવનારા બંગાળી સામ્યવાદીઓએ ભેગા થઈને એનડીએ શાસન હેઠળની નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી) અર્થાત્ રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદને બદનામ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો. સેક્યુલર મીડિયાએ આમાં સાથ આપ્યો. પેલી સેક્યુલર ત્રિપુટીએ ‘ઈન્ડેક્સ ઑફ એરર્સ’ નામનો રિપોર્ટ પ્રગટ કરીને ભારતીય ઈતિહાસમાંની ત્રુટિઓને સુધારવાના પ્રયત્નનો વિરોધ કર્યો. આના જવાબમાં એનસીઈઆરટીએ એ મકખન લાલ, મીનાક્ષી જેન તથા હરિ ઓમ લિખિત પુસ્તક પ્રગટ કર્યું: ‘હિસ્ટરી ઈન ધ ન્યુ એનસીઈઆરટી ટેક્સ્ટબુક્સ: ફૉલસીઝ ઈન ધ આઈએસસી રિપોર્ટ.’ શિક્ષણના ક્ષેત્રમાં અને મીડિયામાં મુસ્લિમપ્રેમી સેક્યુલરવાદીઓની પક્કડ જબરજસ્ત છે. એમની સંસ્થાઓ પાસે કરોડો રૂપિયા છે. ભારત સરકાર પાસેથી મળતા અને વિદેશોમાંથી દાનરૂપે આવતા. આ પૈસાના જોરે તેઓ ભલભલાને પોતાના તરફી બનાવી શકે છે. પંડિત નેહરુ અને શિક્ષણપ્રધાન મૌલાના આઝાદની નીતિઓને કારણે દેશની તમામ મોટી શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાનો પર આ સામ્યવાદી સેક્યુલરો ચપ્પટ થઈને બેસી ગયા છે. જેઓ એમનો વિરોધ કરે એમને આ લોકોની તાકાતનો બરાબર પરચો મળી જાય છે. વિરોધ કરનારા શિક્ષણકારો કે સંશોધકોને મોટા પ્રોજેક્ટસમાંથી દૂર રાખવામાં આવે, નેશનલ અને ઈન્ટરનેશનલ પરિસંવાદોની આમંત્રિતોની યાદીમાંથી બાકાત કરી દેવામાં આવે, રિસર્ચના પ્રોજેક્ટસ માટેનું એમનું ભંડોળ અટકાવી દેવામાં આવે અને એમની હયાતિને વિસારે પાડી દેવામાં આવે. શિક્ષણના ક્ષેત્રમાં અનેક બુદ્ધિજીવીઓની કારકિર્દી આ સેક્યુલરોએ રગદોળી નાખી છે. આવું જ મીડિયામાં છે. તમે સેક્યુલર હોવાનો દેખાડો કરો એટલે આ મીડિયાના બીજા સાથીઓ તમારી આંગળી ઝાલીને તમને આગળ લઈ જાય, બઢતી અપાવે, જાતજાતના લાભ અપાવે. પણ એમના સેક્યુલરવાદને સહેજ પણ ઉઘાડો પાડવાની કોશિશ કરો તો તમારું પ્રમોશન અટકાવી દે, નોકરીમાંથી કાઢી મૂકે. બીજે ક્યાંય નોકરી ન મળે એવી તજવીજ કરે અને છેવટે કંઈ ન ચાલે ત્યારે તમારા પગમાં આંટી ભરાવીને ખાડામાં પાડી દે. ભારતના ઈતિહાસની અનેક જુઠ્ઠી તથા અતિશયોક્તિભરી બાબતો આપણા મનમાં ઘર કરી ગઈ છે. અકબર ઉદાર હતો, જહાંગીર ન્યાયપ્રિય હતો, ઔરંગઝેબ ધર્મિષ્ઠ હતો વગેરે. આ તમામ મોગલ સમ્રાટો બાપ, દીકરા યા સગા કાકાની કતલ કરીને સત્તા પર આવતા એ વાત જાણે ગૌણ હોય એ રીતે શીખવવામાં આવતી. મોટાભાગના મોગલ સમ્રાટો કાં તો આળસુ કાં ઐયાસ કાં દારૂડિયા કાં રંડીબાજ હતા એવી વાતો ક્યારેય શિખવાડાતી નથી અને એની સામે ભારતીય રાજાઓ કેટલા રંગીન મિજાજના હતા એ વાતો બઢાવીચઢાવીને શિખવાડાય છે. અસ્પૃશ્યતાની પ્રથાના પિતામહ મોગલો હતા. છતાં આજેય એ કલંક માટે ભારતીય પરંપરાને વગોવવામાં આવે છે. ચતુર્પણમાં ક્યાંય અસ્પૃશ્યતાનું નામોનિશાન નહોતું. મોગલોએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ દેશમાં કુદરતી હાજત માટે લોકો દિશાએ જતા, જંગલે જતા, ગામને પાદરે ખુલ્લા ખેતરમાં જતા. મોગલો આવ્યા એની સાથે એમનાં જનાનખાનાંઓ આવ્યાં. પર્દાનશીન બેગમો બહાર જતી નહીં. એમના માટે ડબાવાળા શૌચાલયો જનાનખાનામાં જ બનાવાયાં. આ ડબાઓ સાફ કોણ કરે એ મોટો પ્રશ્ર્ન હતો. મોગલ લશ્કરના હાથમાં જે હિંદુઓ પકડાતા એમની પાસે બે જ વિકલ્પ રહેતા. કાં તો મરી જવું કાં ઈસ્લામ ધર્મ અપનાવી લેવો. પછી ત્રીજો રસ્તો ખૂલ્યો વધારાનો મુંડકાવેરો ભરો તો આ બંનેમાંથી મુક્તિ મળે. જે પૈસાવાળા હિંદુઓ હતા એમણે પૈસા ભરી દીધા. પણ જે ગરીબ હતા પણ ઈસ્લામ અંગીકાર કરવા નહોતા માગતા એમનું શું કરવું? એમને પણ વિકલ્પ અપાયો. અમે જે કહીએ તે કામ કરવાનું. એ લોકોને શૌચાલયના ડબા સાફ કરવાનું હીન કામ સોંપાયું. એમની સાથેની ઉઠબેસ બંધ કરીને એમની આભડછેટ રાખવામાં આવી અને એમની વસતિ ગામથી દૂર રાખવામાં આવી. મોગલશાસન દરમ્યાન આને કારણે અસ્પૃશ્યતાનો ખૂબ ફેલાવો થયો. બ્રિટિશકાળમાં એ ચાલુ રહ્યો. આઝાદી પછી ઘટતો ગયો અને આજની તારીખે નહિવત્ છે. ક્યારેક છૂટાછવાયા કિસ્સા અસ્પૃશ્યતાના સર્જાય તો મીડિયામાં એ હદ સુધી એને ચગાવવામાં આવે કે આપણને લાગે કે આખા ભારતમાં આવું બની રહ્યું છે. આવા છૂટાછવાયા કે એકલદોકલ કિસ્સાનું એક ક્લાસિક ઉદાહરણ છે ભારતમાં એક જમાનામાં પ્રચલિત એવી દીકરી જન્મે એટલે એને દૂધપીતી કરી દેવાની પ્રથા. બીજી એક પ્રથા ભારતમાં હતી સતી થવાની જે રાજા રામમોહનરાયે બંધ કરાવી. આવું તમે ને હું ભણી ગયા છીએ. આજની તારીખે તમને કોઈ કહે કે આવી કોઈ પ્રથાઓ ભારતમાં હતી જ નહીં તો તમે માની શકો? સેક્યુલરવાદી અને મુસ્લિમપ્રેમી સામ્યવાદી ઈતિહાસકારોને કારણે આવી વાતો આપણે ઈતિહાસમાં ભણવી પડી હતી એવું જાણીને આઘાત લાગે તમને? કાલે વાત.
|