હવે રાહુલબાબાનો ત્યાગના દેખાડાનો ધખારો |
એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત લાંબા સમયની ચૂપકીદી પછી કોંગ્રેસના પાટવી કુંવર રાહુલ ગાંધીએ ફરી દેખા દીધી છે અને જાહેર કર્યું છે કે તેમને વડા પ્રધાન બનવામાં રસ નથી. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાહુલબાબાએ એમ પણ કહ્યું કે કોંગ્રેસમાં જે હાઈકમાન્ડ કલ્ચર છે તેનો અંત આવવો જોઈએ. કોંગ્રેસમાં એક મોટો વર્ગ છેલ્લા કેટલાય સમયથી લઈ મંડ્યો છે કે રાહુલબાબાને કોંગ્રેસે વડા પ્રધાનપદ સોંપી દેવું જોઈએ ને એવું ન થાય તો કમ સે કમ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી તો રાહુલબાબાના નેતૃત્વમાં લડવી જ જોઈએ. કોંગ્રેસે થોડા સમય પહેલા જ તેની રાષ્ટ્રીય કારોબારીમાં રાહુલબાબાને કોંગ્રેસ સંગઠનમાં સોનિયા ગાંધી પછી બીજા નંબરે બેસાડી ઉપપ્રમુખ બનાવેલા એટલે કોંગ્રેસીઓ હરખઘેલા થઈ ગયેલા કે હવે રાહુલબાબા વડા પ્રધાન બન્યા જ સમજો. રાહુલે એ લોકોના ઉત્સાહ પર આ વાત કરીને હાલ તો ઠંડુ પાણી રેડી દીધું છે. જો કે કોંગ્રેસીઓએ સાવ નિરાશ થવાની જરૂર નથી કેમ કે રાહુલ ગાંધીએ પોતાને વડા પ્રધાન બનવામાં રસ નથી તેવી વાત કરી છે તે ફેંકાફેંકથી વિશેષ કંઈ નથી. નહેરૂ-ગાંધી ખાનદાનમાં પહેલેથી આ બિમારી છે ને એ ખાનદાનનાં લોકોને પહેલેથી સતા બનવાનો ને ત્યાગમૂર્તિ દેખાવાના બહુ અભરખા છે. છાસ લેવા જવું ને દોણી સંતાડવી એ તેમની માનસિકતા છે. એક બાજુ સત્તા માટે હવાતિયાં મારવા ને બીજી તરફ લોકોને સત્તામાં રસ નથી તેવું બતાવ્યા કરવું એ તેમની આદત છે. એવું ન હોત તો એ લોકો કોંગ્રેસનો વહીવટ બાપીકી પેઢીની જેમ ન ચલાવતા હોત. જવાહરલાલ નહેરૂના પિતા મોતીલાલ નહેરૂ બહુ મોટા વકીલ હતા એટલે જવાહરલાલ ચાંદીના ચમચા સાથે જ પેદા થયેલા. જો કે જવાહરલાલે પોતાન્ો અમીરીની પરવા નથી ને આ દેશની જ ચિંતા છે તેવો દેખાડો કરીને રાજકારણમાં કૂદી પડેલા. રાજકારણમાં આવીને તેમણે બધું જ કર્યું ને બધું જ ભોગવ્યું ને એ પછીય દેખાડો એવો કરતા રહ્યા કે પોતાને સત્તાની પરવા નથી. ભારતને આઝાદી મળી ત્યાં લગી નહેરૂનો આ દંભ ચાલ્યો પણ જેવી આઝાદી મળી ને દેશના વડા પ્રધાન કોણ બનશે એવો સવાલ આવ્યો કે તરત નહેરૂએ બધી શરમ છોડી દીધી ને રીતસર ત્રાગાં કરીને ગાંધીજીને પટાવીને ગાદી પર ચડી બેઠા. સરદાર પટેલ વડા પ્રધાન બનવા લાયક હતા છતાં ગાંધીજી નહેરૂનાં ત્રાગાં સામે ઝૂકી ગયા તેમાં દેશમાંથી અંગ્રેજોનું રાજ ગયું ને સવાયા અંગ્રેજ એવા એક ખાનદાનનું રાજ આવી ગયું. જવાહરલાલે ઈન્દિરાને પણ આ રીતે જ ગાદી પર બેસાડી દીધેલાં. પહેલાં એવો દેખાવ કર્યો કે ઈન્દિરાને તો ઘર ચલાવવામાં ને છોકરાંને મોટાં કરવામાં જ રસ છે. પછી ધીરે રહીને તેમને કોંગ્રેસનાં પ્રમુખ બનાવ્યાં ને પછી પોતાના વારસ તરીકે આગળ કરી દીધાં. ઈન્દિરામાં પોતાનામાં એક તાકાત હતી જ પણ નહેરૂના નામનું લેબલ તેમને વધારે ફળ્યું. ઈન્દિરાના બન્ને દીકરા સંજય અને રાજીવે આ પરંપરાને બરાબર આગળ ધપાવી. સંજયે કદી સરકારમાં પ્રધાન બનવામાં રસ ના બતાવ્યો પણ ઈન્દિરા વતી બધી જ સત્તા ભોગવી. કટોકટી કાળમાં તો ઈન્દિરા બાજુ પર રહી ગયેલાં ને સંજય જ આ દેશનો માલિક હોય તે રીતે વર્તતો હતો. રાજીવ ગાંધી એ વખતે રાજકારણમાં નહોતા ને એવી વાતો કરતા કે મને તો રાજકારણમાં રસ નથી પણ જેવું સંજયનું મોત થયું કે એ તરત કૂદી પડ્યા ને સંસદસભ્ય બની ગયા. ઈન્દિરાના મોત વખતે કોંગ્રેસ પાસે ઘણા દિગ્ગજ નેતાઓ હતા પણ રાજીવ ના ના કરતા કરતા ગાદી પર બેસી ગયા. રાજીવની જેમ જ સોનિયાએ પણ રાજકારણમાં આવવાનો ધરાર ઈન્કાર જ કરેલો. રાજીવની હત્યા પછી સોનિયા રાજકારણથી દૂર જ જતાં રહેલાં પણ જેવું તેમને લાગવા માંડ્યું કે સત્તાથી દૂર રહેવામાં તો મજા નથી એટલે પાછાં રાજકારણમાં કૂદી પડ્યાં. એ વખત્ો તેમણે કોંગ્રેસના કાર્યકરોની લાગણીના કારણે પોતે રાજકારણમાં આવે છે તેવું બહાનું આપેલું. જેને રાજકારણમાં રસ જ ન હોય તેમને કાર્યકરોની લાગણી કે બીજું કશું ચળાવી શકે ખરૂં? આ દેશમાં કેટલાય રાજકારણીઓનાં સંતાનો ને પરિવાર એવા છે જ કે જે લોકોને રાજકારણમાં રસ નથી એટલે એ લોકો દૂર જ રહ્યા છે. સોનિયા પણ એ કરી જ શક્યાં હોત પણ મૂળ વાત સત્તાની તલપની છે. સોનિયા કાર્યકરોની લાગણીના નામે રાજકારણમાં આવી ગયાં ને છેલ્લાં નવ વરસથી સાવ મોળા ને પોતાના કહ્યાગરા મનમોહન સિંહને ગાદી પર બેસાડીને બધી સત્તાઓ ભોગવે છે. રાહુલબાબા પણ હવે પરિવારની પરંપરાને આગળ ધપાવશે એવાં તેમનાં લખ્ખણ છે. તેમને પણ હવે તેમનાં માતાની જેમ ત્યાગમૂર્તિ બનવાનો ધખારો ઉપડ્યો છે. જો કે આ બધી વાતો નાટકથી વધારે કંઈ નથી. રાહુલ પણ ના ના કરતા કરતા રાજકારણમાં આવી ગયા ને સંસદસભ્ય બની ગયા હતા. પછી ધીરેથી કોંગ્રેસના ઉપપ્રમુખપદે ગોઠવાઈ ગયા ને કોંગ્રેસની સરકાર રચાવાના સંજોગો પેદા થશે તો મનમોહન સિંહને બદલે પોતે ગાદી પર બેસી જશે. કોંગ્રેસના જીહજૂરિયાઓનુ ટોળું આમ પણ રાહુલબાબાને વડા પ્રધાન બનાવવાનું કોરસ તો છેડીને બેઠું જ છે એટલે રાહુલ ગાંધી માટે કોંગ્રેસીઓની લાગણીનું બહાનુ તૈયાર જ છે. રાહુલ ગાંધી વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા રાખે તેમાં કશું ખોટું નથી કેમ કે આ લોકશાહી દેશમાં બધાંને એ હક છે જ. સત્તાની અપેક્ષા રાખવી એ પાપ નથી પણ રાહુલ ગાંધીમાં એટલી નૈતિક હિંમત નથી કે તે એવું કહી શકે કે હા, મારામાં વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા છે. ખરેખર તો તેમણે દંભ છોડવો જોઈએ ને કહેવું જોઈએ કે પોતે વડા પ્રધાન બનવા માગે છે. અને જો ખરેખર તેમને વડા પ્રધાન બનવામાં રસ ન હોય તો તેમણે જાહેરાત કરી દેવી જોઈએ કે પોતે ગમે તે સંજોગોમાં સત્તા નહીં સ્વીકારે. જો કે મને તમને ને રાહુલ ગાંધીને બધાંને ખબર છે કે એ બનવાનું નથી એટલે લોકોને ઉઠાં ભણાવવાનો આ ખેલ ચાલે છે ત્યાં લગી ચાલવા દો. રાહુલે કોંગ્રેસમાં હાઈકમાન્ડ કલ્ચર ખતમ કરવાની વાત કરી છે તે આ વરસની શ્રેષ્ઠ જોક છે. કોંગ્રેસમાં હાઈકમાન્ડ કોણ છે તે કોઈને કહેવાની જરૂર નથી. કહેવા માટે તો કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે પણ તેનો વહીવટ નહેરૂ-ગાંધી ખાનદાનની બાપીકી પેઢીની જેમ જ ચાલે છે. ‘ન ખાતા ન વહી, સોનિયા કહે વો સહી’ જેવો ઘાટ છે. રાહુલબાબા પોતે જ આ કલ્ચરની પેદાશ છે. કોંગ્રેસમાં નહેરૂ-ગાંધી ખાનદાન હાઈકમાન્ડ છે એટલે રાહુલ ગાંધીને લોકો ઓળખે છે. બાકી તેમને કોઈ ઊભું પણ ન રહેવા દે. આ દેશમાં રાહુલ જેવા નહીં પણ તેમના કરતાં વધારે સ્માર્ટ અને વધારે સક્ષમ કરોડો યુવાન છે પણ એ લોકોના માથા પર નહેરૂ-ગાંધી ખાનદાનનો સિક્કો નથી એટલે એ લોકોની કોઈ કિંમત નથી. રાહુલના માથા પર એ સિક્કો છે એટલે એ સિકંદર છે. રાહુલ આ વાત ન સમજે એટલા નાદાન નથી, પણ રાજકારણમાં આવી ડાહી ડાહી વાતો કરવી પડતી હોય છે. રાહુલે એટલે જ આ વાત ફેંકી દીધી. બાકી એ ખરેખર કોંગ્રેસમાંથી હાઈકમાન્ડ કલ્ચર નાબુદ કરવા માગતા હોય તો તેમણે તેની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. નહેરૂ-ગાંધી ખાનદાનના નામ પર રાહુલ અમેઠીમાંથી ચૂંટાય છે. રાહુલે પ્રયોગ કરવા ખાતર પણ અમેઠી છોડીને બીજે ક્યાંકથી ચૂંટણી લડવી જોઈએ તો તેને ખબર પડે કે કોંગ્રેસમાંથી હાઈકમાન્ડ કલ્ચર ન હોય તો શું થાય છે. રાહુલ કોંગ્રેસ હાઈકમાન્ડની મહેરબાનીથી મળેલું કોંગ્રેસ ઉપપ્રમુખપદ છોડીને આ દેશના બીજા હજારો યુવાનોની જેમ પોતાના જોર પર રાજકારણમાં આગળ આવવાની મથામણ કરે તો માનીએ કે રાહુલ જે કંઈ કહે છે તે માં માને પણ છે. બાકી ખાલી વાતોનાં વડાં કરવાથી કંઈ ન થાય. |
Pages
▼
No comments:
Post a Comment