ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
મોગલકાળમાં
દેશમાં ગુલામોનો વેપાર થતો. આ હકીકત સામ્યવાદી ઈતિહાસકારોએ ભૂંસી નાખી
હતી. એનડીએના શાસન દરમિયાન નવેસરથી લખાયેલાં કેટલાંક પાઠ્યપુસ્તકોમાં આ
ઉલ્લેખ આવ્યો અને સામ્યવાદી ઈતિહાસકારો ઊંચાનીચા થઈ ગયા. ‘ઈન્ડિયન હિસ્ટરી
કૉન્ગ્રેસ (આઈએચસી)ના નેજા હેઠળ ઈરફાન હબીબ, સુપીરા જયસ્વાલ અને આદિત્ય
મુખરજી જેવા વિદ્વાન મુસ્લિમવાદી સેક્યુલરો અને ભારતીય પરંપરાને વગોવનારા
બંગાળી સામ્યવાદીઓએ ભેગા થઈને એનડીએ શાસન હેઠળની નેશનલ કાઉન્સિલ ઑફ
એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી) અર્થાત્ રાષ્ટ્રીય શૈક્ષણિક
અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદને બદનામ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો. સેક્યુલર
મીડિયાએ આમાં સાથ આપ્યો.
પેલી સેક્યુલર ત્રિપુટીએ ‘ઈન્ડેક્સ ઑફ
એરર્સ’ નામનો રિપોર્ટ પ્રગટ કરીને ભારતીય ઈતિહાસમાંની ત્રુટિઓને સુધારવાના
પ્રયત્નનો વિરોધ કર્યો. આના જવાબમાં એનસીઈઆરટીએ એ મકખન લાલ, મીનાક્ષી જેન
તથા હરિ ઓમ લિખિત પુસ્તક પ્રગટ કર્યું: ‘હિસ્ટરી ઈન ધ ન્યુ એનસીઈઆરટી
ટેક્સ્ટબુક્સ: ફૉલસીઝ ઈન ધ આઈએસસી રિપોર્ટ.’
શિક્ષણના ક્ષેત્રમાં
અને મીડિયામાં મુસ્લિમપ્રેમી સેક્યુલરવાદીઓની પક્કડ જબરજસ્ત છે. એમની
સંસ્થાઓ પાસે કરોડો રૂપિયા છે. ભારત સરકાર પાસેથી મળતા અને વિદેશોમાંથી
દાનરૂપે આવતા. આ પૈસાના જોરે તેઓ ભલભલાને પોતાના તરફી બનાવી શકે છે. પંડિત
નેહરુ અને શિક્ષણપ્રધાન મૌલાના આઝાદની નીતિઓને કારણે દેશની તમામ મોટી
શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાનો પર આ સામ્યવાદી સેક્યુલરો ચપ્પટ થઈને બેસી
ગયા છે. જેઓ એમનો વિરોધ કરે એમને આ લોકોની તાકાતનો બરાબર પરચો મળી જાય છે.
વિરોધ કરનારા શિક્ષણકારો કે સંશોધકોને મોટા પ્રોજેક્ટસમાંથી દૂર રાખવામાં
આવે, નેશનલ અને ઈન્ટરનેશનલ પરિસંવાદોની આમંત્રિતોની યાદીમાંથી બાકાત કરી
દેવામાં આવે, રિસર્ચના પ્રોજેક્ટસ માટેનું એમનું ભંડોળ અટકાવી દેવામાં આવે
અને એમની હયાતિને વિસારે પાડી દેવામાં આવે. શિક્ષણના ક્ષેત્રમાં અનેક
બુદ્ધિજીવીઓની કારકિર્દી આ સેક્યુલરોએ રગદોળી નાખી છે. આવું જ મીડિયામાં
છે. તમે સેક્યુલર હોવાનો દેખાડો કરો એટલે આ મીડિયાના બીજા સાથીઓ તમારી
આંગળી ઝાલીને તમને આગળ લઈ જાય, બઢતી અપાવે, જાતજાતના લાભ અપાવે. પણ એમના
સેક્યુલરવાદને સહેજ પણ ઉઘાડો પાડવાની કોશિશ કરો તો તમારું પ્રમોશન અટકાવી
દે, નોકરીમાંથી કાઢી મૂકે. બીજે ક્યાંય નોકરી ન મળે એવી તજવીજ કરે અને
છેવટે કંઈ ન ચાલે ત્યારે તમારા પગમાં આંટી ભરાવીને ખાડામાં પાડી દે.
ભારતના
ઈતિહાસની અનેક જુઠ્ઠી તથા અતિશયોક્તિભરી બાબતો આપણા મનમાં ઘર કરી ગઈ છે.
અકબર ઉદાર હતો, જહાંગીર ન્યાયપ્રિય હતો, ઔરંગઝેબ ધર્મિષ્ઠ હતો વગેરે. આ
તમામ મોગલ સમ્રાટો બાપ, દીકરા યા સગા કાકાની કતલ કરીને સત્તા પર આવતા એ વાત
જાણે ગૌણ હોય એ રીતે શીખવવામાં આવતી. મોટાભાગના મોગલ સમ્રાટો કાં તો આળસુ
કાં ઐયાસ કાં દારૂડિયા કાં રંડીબાજ હતા એવી વાતો ક્યારેય શિખવાડાતી નથી અને
એની સામે ભારતીય રાજાઓ કેટલા રંગીન મિજાજના હતા એ વાતો બઢાવીચઢાવીને
શિખવાડાય છે.
અસ્પૃશ્યતાની પ્રથાના પિતામહ મોગલો હતા. છતાં આજેય એ
કલંક માટે ભારતીય પરંપરાને વગોવવામાં આવે છે. ચતુર્પણમાં ક્યાંય
અસ્પૃશ્યતાનું નામોનિશાન નહોતું. મોગલોએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું
ત્યારે આ દેશમાં કુદરતી હાજત માટે લોકો દિશાએ જતા, જંગલે જતા, ગામને પાદરે
ખુલ્લા ખેતરમાં જતા.
મોગલો આવ્યા એની સાથે એમનાં જનાનખાનાંઓ આવ્યાં.
પર્દાનશીન બેગમો બહાર જતી નહીં. એમના માટે ડબાવાળા શૌચાલયો જનાનખાનામાં જ
બનાવાયાં. આ ડબાઓ સાફ કોણ કરે એ મોટો પ્રશ્ર્ન હતો. મોગલ લશ્કરના હાથમાં જે
હિંદુઓ પકડાતા એમની પાસે બે જ વિકલ્પ રહેતા. કાં તો મરી જવું કાં ઈસ્લામ
ધર્મ અપનાવી લેવો. પછી ત્રીજો રસ્તો ખૂલ્યો વધારાનો મુંડકાવેરો ભરો તો આ
બંનેમાંથી મુક્તિ મળે. જે પૈસાવાળા હિંદુઓ હતા એમણે પૈસા ભરી દીધા. પણ જે
ગરીબ હતા પણ ઈસ્લામ અંગીકાર કરવા નહોતા માગતા એમનું શું કરવું? એમને પણ
વિકલ્પ અપાયો. અમે જે કહીએ તે કામ કરવાનું. એ લોકોને શૌચાલયના ડબા સાફ
કરવાનું હીન કામ સોંપાયું. એમની સાથેની ઉઠબેસ બંધ કરીને એમની આભડછેટ
રાખવામાં આવી અને એમની વસતિ ગામથી દૂર રાખવામાં આવી. મોગલશાસન દરમ્યાન આને
કારણે અસ્પૃશ્યતાનો ખૂબ ફેલાવો થયો. બ્રિટિશકાળમાં એ ચાલુ રહ્યો. આઝાદી પછી
ઘટતો ગયો અને આજની તારીખે નહિવત્ છે.
ક્યારેક છૂટાછવાયા કિસ્સા
અસ્પૃશ્યતાના સર્જાય તો મીડિયામાં એ હદ સુધી એને ચગાવવામાં આવે કે આપણને
લાગે કે આખા ભારતમાં આવું બની રહ્યું છે. આવા છૂટાછવાયા કે એકલદોકલ
કિસ્સાનું એક ક્લાસિક ઉદાહરણ છે ભારતમાં એક જમાનામાં પ્રચલિત એવી દીકરી
જન્મે એટલે એને દૂધપીતી કરી દેવાની પ્રથા. બીજી એક પ્રથા ભારતમાં હતી સતી
થવાની જે રાજા રામમોહનરાયે બંધ કરાવી. આવું તમે ને હું ભણી ગયા છીએ. આજની
તારીખે તમને કોઈ કહે કે આવી કોઈ પ્રથાઓ ભારતમાં હતી જ નહીં તો તમે માની
શકો? સેક્યુલરવાદી અને મુસ્લિમપ્રેમી સામ્યવાદી ઈતિહાસકારોને કારણે આવી
વાતો આપણે ઈતિહાસમાં ભણવી પડી હતી એવું જાણીને આઘાત લાગે તમને? કાલે વાત.
ભારતમાં પાકીટ મારવાનો રિવાજ હતો? અમેરિકા ખૂનીઓનો દેશ છે?
|
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
માની
લો કે મુંબઈમાં ગયા વર્ષે પાકીટ મારવાના એક હજાર કિસ્સા પોલીસના ચોપડે
નોંધાયા છે. બસો-ત્રણસો વરસ પછીનો કોઈ ઈતિહાસકાર સંશોધન કરીને શોધી કાઢે કે
૨૦૧૨ની સાલમાં મુંબઈ શહેરમાં પિક પૉકેટના ૧,૦૦૦ કિસ્સા નોંધાયા છે અને પછી
ભારતનો ઈતિહાસ લખવા બેસે. એમાં એ લખે કે ભારતમાં એક જમાનામાં પાકીટ
મારવાની પ્રથા હતી. કલ્પના કરો, આવું વાંચીને ત્રણસો વર્ષ પછીના આપણા
વારસદારો આપણા સૌના વિશે શું માને? આપણે બધા જ પાકીટમાર હતા.
સતી
થવાની કોઈ ‘પ્રથા’ ભારતમાં નહોતી. એવા છુટાછવાયા કિસ્સા બનતા અને એ
કિસ્સાઓમાં પણ મોટેભાગે કૌટુંબિક રાજકારણ રહેતું, ક્યારેક સામાજિક
રાજકારણનો સ્ત્રી ભોગ બનતી. આજે ક્યાંક દહેજમૃત્યુના છૂટાછવાયા કિસ્સા બને
છે. દીકરી જન્મે ત્યારે આપણા દેશમાં એને ‘દૂધ પીતી’ કરી દેવાનો ‘રિવાજ’ હતો
એવું કેટલીયવાર આપણે સાંભળી, વાંચી ચૂક્યા છીએ. કથરોટમાં પાણીને બદલે દૂધ
ભરીને નવજાત બાળકીને એમાં ગૂંગળાવી નાખવામાં આવે એવી ‘પ્રથા’ નહોતી. આજે પણ
છૂટાછવાયા કિસ્સા વાંચવા મળે છે કે બાળકી જન્મે કે તરત એને મારી નાખવામાં
આવી.
સ્ત્રીને જીવતી સળગાવી દેવી કે બાળકીને મારી નાખવી આવો
છૂટોછવાયો એકાદ કિસ્સો પણ ઘૃણાસ્પદ છે, એ માટે લાગતા વળગતાને આકરામાં આકરી
સજા થવી જોઈએ. અને થતી જ હોય છે. જેમ કોઈની હત્યા કરવી એ ઘૃણાસ્પદ કૃત્ય છે
અને એની આકરામાં આકરી સજા થાય છે તેમ જ. ખૂન જેવા ગુનાઓ દરેક દેશમાં થતા
હોય છે. અમેરિકામાં સૌથી વધારે ખૂન થાય છે. છતાં અમેરિકાને ખૂનીઓનો દેશ
કહીએ છીએ આપણે? ન કહેવાય. કારણ કે આપણે સમજદાર છીએ. આપણામાં એટલી અક્કલ છે
કે અમેરિકામાં કે કોઈ પણ દેશમાં ખૂનના કિસ્સાઓ બનવાના જ પણ એને લીધે એ દેશ
ખૂનીઓનો દેશ બની જતો નથી.
અંગ્રેજોએ ભારતને પહેલેથી જ પછાત દેશ
તરીકે ચીતર્યો છે. આજની તારીખેય જેમ્સ બૉન્ડની મૂવી હોય કે ડિસ્કવરી કે
નેશનલ જ્યોગ્રાફિકની ચૅનલ હોય, ભારત વિશેની વાત આવશે તો રસ્તા પર ચાલતો
હાથી કે મદારી કે ધારાવીની ઝૂંપડપટ્ટી અચૂક દેખાશે. પશ્ર્ચિમી પ્રજાને એ
રીતે ભારતને જોવાની વિકૃત મઝા આવતી હશે. આપણે ભારતીયો એટલા સંસ્કારી છીએ કે
લંડનના ભિખારીઓ પર કે ન્યૂ યૉર્કની બદનામ બસ્તીઓ પર દસ્તાવેજી ફિલ્મો
બનાવતા નથી. દરેક દેશમાં એની ઉધાર બાજુ દેખાવાની. ઘરમાં એક ખૂણે પવિત્ર
મંદિર હોય અને બાથરૂમના એક ખૂણે કાણાંવાળી જાળીથી ઢાંકેલી ગટર હોય. આવનાર
મહેમાન તમારા ઘરમાં આમાંથી શું જોવા માગે છે એના પરથી એની દૃષ્ટિ અને એની
ખાનદાની નક્કી થાય.
એક જમાનામાં ભારતમાં ઠગ રહેતા. એક ગામથી બીજે
ગામ જતા વેપારીઓનો વિશ્ર્વાસ જીતી લઈ તેઓ બેધ્યાન હોય ત્યારે એમના ગળામાં
રેશમી રૂમાલ વડે ફાંસો આપીને મારી નાખતા અને માલ લૂંટી લેતા. હરકિસન
મહેતાની યાદગાર નવલકથા યાદ આવતી હશે તમને. એક અંગ્રેજ બહાદુરે આ વિશે
રિસર્ચ કરીને પુસ્તક પણ લખ્યું છે. જેમ આજની તારીખે શહેરમાં પાકીટમારો હોય
છે, ઘરફોડુ હોય છે, અમેરિકા જેવામાં બંદૂકની અણીએ લૂંટી લેનારાઓ હોય છે એમ એ
જમાનામાં ઠગ હતા, પિંઢારા હતા, ક્યાંક સ્ત્રીને સતી કરવામાં આવતી કે
ક્યાંક દીકરીને દૂધ પીતી કરવામાં આવતી.
પણ અંગ્રેજ ઈતિહાસકારોએ અને
ત્યારબાદ ભારતના સામ્યવાદી ઈતિહાસકારોએ બધા ‘કુરિવાજો’ હતા આવી ‘કુપ્રથા’
ચાલતી એમ કહીને આપણું બ્રેઈનવૉશ કરી નાખ્યું. બાબાસાહેબ આંબેડકરને
કૉન્ગ્રેસે પોતાના સ્વાર્થ ખાતર, દલિત વોટ બૅન્કને રિઝવવા માટે બંધારણના
ઘડવૈયા ગણાવી દીધા. અરુણ શૌરીએ ‘વર્શિપિંગ ફૉલ્સ ગૉડ’ નામના દળદાર
પુસ્તકમાં સેંકડો દસ્તાવેજી પુરાવાઓને આધારે કહ્યું છે કે બાબાસાહેબ
આંબેડકર કરતાં ઘણો વિશેષ ફાળો બંધારણીય સભાના અન્ય સભ્યોનો હતો જેમાં
કનૈયાલાલ મુન્શી અગ્રણી હતા. આ ઉલ્લેખ તમે વાંચી ચૂક્યા છો. રિપીટ કરવાનું
કારણ એ કે રાજા રામમોહન રાયના કુટુંબમાં પારિવારિક વિખવાદોમાં સતીનો કિસ્સો
બન્યો અને પાછળથી અંગ્રેજોએ એમને સતીપ્રથાને નાબૂદ કરનારા સુધારક
તરીકે માથે ચડાવી દીધા. અરે ભાઈ, જે ‘પ્રથા’ જ નહોતી એને ‘નાબૂદ’ કોઈ કેવી
રીતે કરી શકે? એક હળવી આડ વાત. વિનોદ ભટ્ટ કે શેખાદમ આબુવાલાના નામે વાંચી
હતી. ૧૯૭૫ની ઈમરજન્સીના ૧૯ મહિના પછીના કાળમાં આ જોક ગં. સ્વ. ઈન્દિરા
ગાંધીના સંદર્ભમાં બોલાતો: ઈમરજન્સી માટે કારણભૂત રાજા રામમોહન રાય છે
જેમણે આ દેશમાંથી સતીપ્રથા નાબૂદ કરી.
અંગ્રેજોએ આપણા દેશનો ઈતિહાસ
લખ્યો, એમની રીતે લખ્યો. ૧૯૪૭ સુધી એ ભણાવાયો. પણ હવે શું છે એનું. દરેક
દેશનો ઈતિહાસ એ દેશના પોતાના દૃષ્ટિકોણથી જોવાનો હોય, અને એ જ રીતે લખવાનો
હોય. ૧૯૪૪માં બીજા વિશ્ર્વયુદ્ધના અંત કાળે જપાને અમેરિકાના નૌકામથક પર્લ
હાર્બર પર હુમલો કર્યો જેના જવાબમાં અમેરિકાએ જપાનના નાગાસાકી અને હીરોશિમા
પર અણુબૉમ્બ ફેંકયા. આ આખાય ઘટનાચક્રના બે અલગ અલગ દૃષ્ટિકોણથી લખાયેલા
ઈતિહાસ છે. એક જે જપાનમાં ભણાવાય છે, બીજો જે અમેરિકામાં શીખવાડાય છે. શું
અમેરિકાવાળા એવો આગ્રહ રાખી શકે કે જપાનનો વિદ્યાર્થીઓએ પણ અમે જે રીતેનો
ઈતિહાસ લખ્યો છે તે જ ભણવો જોઈએ? જપાન પણ ના રાખી શકે.
સામ્યવાદી
તથા સેક્યુલરોને ખબર છે કે કૉન્ગ્રેસનું શાસન આ દેશમાં જ્યાં સુધી છે ત્યાં
સુધી જ એમનો જુઠ્ઠો અવાજ સંભળાવાનો છે. એક વખત કૉન્ગ્રેસ દિલ્હીમાંથી હટી
કે તરત એનડીએના અગાઉના શાસનની જેમ આ દેશદ્રોહીઓનું બધું જ લૂંટાઈ જવાનું
છે. આવું થશે ત્યારે જ ભારતને ભારતનો સાચો ઈતિહાસ પાછો મળશે. |
|
No comments:
Post a Comment