ગાંધીજી
નવ વરસના હશે ત્યારથી એક કેસ ભારતની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ૧૩૫
વર્ષ જૂનો આ કેસ વિશ્ર્વના સૌથી જૂના કોર્ટકેસમાંનો એક હશે. વારાણસીના દોશીપુરા વિસ્તારની જમીનના આઠ ટુકડા અને એમાની બે દરગાહના વિવાદે શિયા અને સુન્ની મુસલમાનો ૧૮૭૮ની સાલમાં અદાલતે ગયા. ૩૫ વર્ષ પહેલાં ૧૯૮૧માં સુપ્રીમ કોર્ટે શિયા મુસલમાનો તરફી ચુકાદો આપી દીધો હોવા છતાં સુન્નીઓ કોર્ટના હુકમનું પાલન નથી કરતા એટલે કેસ પેન્ડિંગ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ખિન્ન મને કહેવું પડ્યું છે કે તમે લોકો શેના માટે ઝઘડો છો, એક કબ્રસ્તાન માટે? ઝઘડો બંધ કરશો તો જ કાયમી શાંતિ સ્થપાશે. આ વિવાદમાં કોણ સાચું છે અને કોણ ખોટું એ નક્કી કરવામાં આપણને રસ નથી, કારણ કે એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. અમારે તો આ સમાચારના સંદર્ભે બે વાત કરવાની છે: એક તો કોર્ટ વિશે અને બીજી મુસલમાનો વિશે. આપણે વારંવાર હિંદુઓને ફટકારતા હોઈએ છીએ કે હિંદુઓમાં એકતા નથી, બધા અંદરોઅંદર લડ્યા કરે છે, ઊંચનીચના ભેદ કેટલા છે, જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓમાં આખો હિંદુ સમાજ અસંખ્ય ટુકડાઓમાં વહેંચાઈ ગયેલો છે. મુસલમાનોમાં શું છે? શિયાઓની મસ્જિદ પર સુન્નીઓ બૉમ્બ ફેંકતા હોય છે. પાકિસ્તાનમાં વારંવાર થતું રહે છે આવું. લગભગ દરેક ઈસ્લામિક દેશમાં આ બંને ફિરકાઓ વચ્ચે સતત તંગદિલી રહેતી હોય છે. હિંદુ સમાજમાં નાતજાતના જેટલા ભેદભાવો છે એટલા જ ભેદભાવો મુસલમાનોમાં છે. હિંદુઓ આપસમાં લડતી ઝઘડતી વખતે જેટલા લોહી તરસ્યા થતા હશે એના કરતાં મુસલમાનો વધારે થાય છે. કોઈ એક હિંદુ જૂથે બીજા હિંદુ જૂથના મંદિર પર બોમ્બ વડે હુમલો કર્યો હોય એવું હજુ સુધી તો નોંધાયું નથી. મુસ્લિમો કરતાં વધારે લોહિયાળ ઈતિહાસ ક્રિશ્ર્ચેનિટીનો છે. કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ્સ વચ્ચેનો જંગ અને એમાં વેટિકનની વિવાદાસ્પદ ભૂમિકા વિશેના ઐતિહાસિક તથ્યો ધરાવતાં અનેક પુસ્તકો સંશોધકોએ લખ્યાં છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ઉપરાંત જૈનો, શીખો, બુદ્ધ વગરે દરેક ધર્મના, સમાજના, સંપ્રદાયના લોકોમાં તડાં હોવાનાં. પણ બઢાવીચઢાવીને માત્ર હિંદુઓની ફાટફૂટની વાતો કરવામાં આવે છે, બીજા ધર્મોની પ્રજા જાણે આપસમાં હળીમળીને રહેતી હોય, એમનામાં કોઈ વાડા, તડાં ન હોય એવી છાપ ઉપસાવવામાં આવી છે. આનું પાયાનું કારણ એ છે કે આપણે જે ઈતિહાસ ભણીએ છીએ તો બ્રિટિશ જમાનામાં લખાયેલો છે અને આઝાદી પછી મૌલાના આઝાદના શિક્ષણમંત્રીપદ હેઠળ સામ્યવાદીઓ તથા મુસ્લિમપ્રેમી સેક્યુલરોએ એનું પુનર્લેખન કર્યું છે. આ શિક્ષણપ્રથામાંથી બહાર આવેલા પત્રકારોએ મીડિયામાં પ્રવેશીને હિંદુ પ્રજાની ફાટફૂટવાળી વાતો તો પ્રચાર કર્યો અને બીજી પ્રજાઓની એવી જ પરિસ્થિતિઓ વિશે ચૂપકીદી સેવી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જેને ‘એક કબ્રસ્તાન માટેનો ઝઘડો’ કહે છે તે સવા-દોઢ સદીથી હિંદુ-મુસ્લિમ વચ્ચેનો વિવાદ નથી, મુસ્લિમ-મુસ્લિમ વચ્ચેનો વિવાદ છે. ગઈ કાલે એક છાપામાં ઈસ્લામિક દેશમાં શરિયતના કાયદા હેઠળ ચોરી કરનારના આંગળાં કાપી નાખવાના મશીનનો ફોટો હતો. એક જમાનામાં ફાંસીને બદલે ખ્રિસ્તી દેશોમાં ગિલોટિનથી ડોકું ઉડાવી દેવામાં આવતું. એ ગિલોટિન આજે પ્રાચીન બર્બરતાના પ્રતીક રૂપે મ્યુઝિયમોમાં જોવા મળે છે. ૨૦૧૩ની સાલમાં વિશ્ર્વના કેટલાક દેશોમાં આવી જ બર્બરતા ચાલુ છે તે જોઈને સેક્યુલરોના પેટનું પાણી હલવાનું નથી કારણ કે આવી બર્બરતા ઈસ્લામિક દેશોમાં છે. ભારત અને અહીંની હિંદુ પ્રજા આવી બર્બરતાથી જોજનો દૂર છે એનું આપણને ગૌરવ હોવું જોઈએ. બીજી વાત કોર્ટને લગતી છે. ધાર્મિક મામલો આવે છે ત્યારે ભારતની અદાલતો ડરી જાય છે. સ્પષ્ટ ચુકાદો આપવાને બદલે ‘તમે આપસમાં સમજીને મામલો નિપટાવતા કેમ નથી’ એવું કહે છે. અયોધ્યામાં રામ મંદિર બાંધવાનો વિવાદ હોય, વિશ્ર્વરૂપમ્ ફિલ્મનો વિવાદ હોય કે ૧૩૫ વરસ જૂના બનારસના કબ્રસ્તાનના કેસનો વિવાદ હોય. કોર્ટ મોટાભાગે આવા કિસ્સાઓમાં સ્પષ્ટ ચુકાદો આપવાનું ટાળે છે અને જ્યાં ચુકાદો અપાય છે ત્યાં એવું અમલીકરણ થાય કે ન થાય તે પ્રત્યે લાપરવાહી દેખાડે છે. જો આવું જ હોય તો કોર્ટે ધાર્મિક મામલાને લગતા કેસ હાથ પર જ ન લેવા જોઈએ. ફરિયાદી કેસ લઈને આવે ત્યારે જ એને ના પાડી દેવી જોઈએ કે ધર્મના કામમાં અદાલત દખલગીરી નહીં કરે, તમે આપસમાં મામલો નિપટાવી લો. વરસો સુધી, દાયકાઓ સુધી અને આ કિસ્સામાં તો પૂરા ૧૩૫ વર્ષ સુધી બેઉ પક્ષોને ટિંગાડી રાખીને હવે કહેવાનો શું મતલબ કે આપસમાં સમજી લો. ભારતમાં બંધારણની દુહાઈ આપીને અદાલતોને ઘણાં માનપાન આપવામાં આવે છે. અદાલતની પ્રથા જરૂર આદરને લાયક છે. પણ કાયદા ઘડનારાઓ, એનું અર્થઘટન કરનારાઓ સૌ કોઈ કાળા માથાના માનવી હોય છે, આમાંનું એક પણ જણ સ્વર્ગથી સીધું ઊતરીને આવ્યું નથી. ન્યાયની દેવી ભલે આંખો પર પટ્ટી બાંધીને નિષ્પક્ષ રહેતી હોય પણ આ લોકોની ચકોર આંખો આજુબાજુ ચારે તરફ ફરતી હોય છે અને જોઈ શકતી હોય છે કે કયો પક્ષ કેટલો વગદાર છે, કે માલદાર છે. એ પછી ટ્રાયલ બાય મીડિયા જેને કહેવાય છે તે પ્રેશર હેઠળ વિચારવાનું હોય છે અને છેવટે નિષ્પક્ષ બનીને ચુકાદો આપવાનો હોય છે અથવા તો ટાળવાનો હોય છે, ૧૩૫ વર્ષ પછી પણ. |
Pages
▼
No comments:
Post a Comment