ક્વૉટેશન કે સુવાક્યો દાળ પર નખાતા તડકા કે વઘાર જેવું કામ કરે છે |
મિજાજ મસ્તી - સંજય છેલ લખતાં લખતાં કંઈ ના સૂઝે ત્યારે વિચાર આવે કે માત્ર વિચારો જ લખવા અને પછી એને લંબાવીને ડાહ્યાડમરા નિબંધકાર થઈ જવું. પણ જોકે એ લાગે છે એટલું કામ સહેલું નથી. માન્યુ કે નિબંધમાં નિર્બંધ રીતે કંઈ પણ લખવાનું લાઈસન્સ આસાનીથી મળી જાય છે પણ સાથોસાથ એમાં જોરદાર સુવિચારોની પણ આવશ્યકતા રહે છે. ક્વોટેશન કે સુવાક્ય એ દાળ પર નખાતા તડકા કે વઘાર જેવું કામ કરે છે. ફિલ્મોમાં જેમ સીટી માર ડાયલોગ આવે એમ નિબંધમાં પણ સુવાક્યોથી બોરિંગમાં બોરિંગ વાત પણ ડેરિંગ સાથે નિખારી શકાય છે. વળી મજા એ છે કે લખેલ ક્વૉટેશન કોનું છે અને કોણે એને ખરેખર કહ્યું છે કે નહીં એ ચેક કરવાની કોઈને જ પડી નથી હોતી. એમાં અફવા જેવી ઈનબિલ્ટ ફેસિલિટી છે. ‘કોઈએ કહ્યું છે’ એમ કહીને કલમને કિક સ્ટાર્ટ મારી શકાય છે એટલે મેં ‘કયા વિષય’ પર નિબંધ લખવો એ નક્કી કરતાં પહેલાં થોડા મૌલિક સુવિચારો રેડીસ્ટોકમાં ભેગા કરી લેવાનું નક્કી કર્યું. મોટા ભાગના સુપરહિટ સુવિચારો ઓલરેડી વપરાઈ ગયા છે એટલે થયું આપણે પોતે જ હાથ અજમાવીએ! જો ૨૦-૩૦ ધમાકેદાર સુવિચારો મળી જાય તો આપણી માર્કેટ પણ ઊભી થાય એ આશયથી અમુક સુવાક્યો તૈયાર કર્યાં. પેશ-એ-ખિદમત છે: * દુખનાં અને સુખનાં, બેઉનાં આંસુ ખારાં જ હોય છે, ઈશ્ર્વરને પણ એમાં ટાઈમ વેસ્ટ કરવા જેવો ન લાગ્યો એટલે એણે આંસુઓમાં ઝાઝી વરાઈટી ન બનાવી! * સંબંધ એક એવો બંધ છે જેમાં પૂર આવે તોયે છલકાતો નથી! * બીજાનું સુખ અને પોતાની ભૂખ હોય એના કરતા આપણને હંમેશાં વધારે જ દેખાતાં હોય છે! * જિંદગી એક નાટક છે, પણ જીવન નામના નાટકમાં ઈન્ટરવલ નથી હોતો નહીં તો મોટા ભાગના લોકો અડધેથી જ છોડીને ભાગી જાત!! * વહેલી સવારે ચાલવા જવામાં ઘણા ફાયદા છે પણ સૌથી વધારે ફાયદો એ છે કે તમે છાપામાં આવતાં ખરાબ ખરાબ સમાચારો થોડા મોડા વાંચી શકો છો!! * નજીકનું જોવાનાં ચશ્માં હોય તો પણ કિસ કરતી વખતે પ્રેમીના હોઠ શોધવામાં એની જરૂર પડતી નથી! * વહેલી સવારનાં સપનાં સાચાં પડતાં હોત તો આખી દુનિયા સવારથી રાત સૂતી હોત અને રાત્રે જ જાગતી હોત!! * કોયલનો ટહુકો સાંભળીને તમને જ્યારે એમ શંકા જાય કે એ તો કોયલનો ઓડકાર હશે ત્યારે પેટ ચેક કરાવવા જવું જોઈએ. (અફ કોર્સ, તમારું પેટ, કોયલનું નહીં.) * દરેક ગોરી છોકરી સુંદર નથી હોતી, દરેક કાળી છોકરી ખરાબ નથી દેખાતી! ઈશ્ર્વર જો આ વિશે શ્યોર ન હોત તો ગ્રે રંગની છોકરી બનાવત અને એ વાત પણ સાબિત કરી નાખત. * તમારાથી વધારે પાવરફુલ લોકોની મજાક ઉડાવશો તો એ લોકો તમને ભારે પડશે! જો તમે તમારાથી નબળાની મજાક ઉડાવશો તો તમારું ખરાબ દેખાશે! માટે તમારે તમારા જેવાની જ મજાક ઉડાવવી, અને એ માટે શ્રેષ્ઠ ઉપાય ‘અરીસો’ છે! * ફિલ્મ બનાવવા કરતાં જોવી સહેલી છે! કારણ કે ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તમે પોપકોર્ન ન ખાઈ શકો, પણ ફિલ્મ જોતી વખતે એ સુવિધા મળે છે! * ‘હા’ અને ‘ના’ વચ્ચેનો પણ એક જવાબ હોય છે જે તમે ન આપો તો ચાલે! પૂછશો કે ‘શું?’ પણ હું પણ એ જવાબ નહીં આપું!! * નવી હોલીવુડની ફિલ્મ જોતાં પહેલાં જૂની અંગ્રેજી ડિક્શનરી જોવી પડે તો એમ સમજવું કે તમારા જીવનની ડિક્શનરીમાં ‘ઈમાનદારી’ શબ્દ બચ્યો છે ખરો!! * પોલીસે કરેલા ગુંડાઓના એન્કાઉન્ટરની તરફેણ કે વિરુદ્ધમાં બોલતાં પહેલાં બુલેટપ્રૂફ જૅકેટ પહેરવાની જરૂર નથી પડતી. * લાંબું લખનારે પ્રેમપત્ર લખતી વખતે ખાસ ધ્યાન રાખવું! પત્ર વાંચનાર જો કંટાળી જશે તો એ તમને છોડીને પોતાનું ‘અનુસંધાન’ બીજા કોઈક સાથે જોડી દેશે! * ગાળો બોલવામાં જો મર્દાનગી હોત તો પરણ્યા વિના કે છોકરીને મળ્યા વિના જ ઘણા મવાલીઓને ઘરે બાળકોની ફોજ ઊભી થઈ ગઈ હોત. * મૂર્ખ માણસની ટીકા કરવી નહીં, કારણ કે એમ કરવાથી તમે એને પોતાની જાતને ‘શાણો’ માનવા માટે ઉશ્કેરો છો! જોકે પ્રશંસા કરશો તો પણ એમ જ થશે! માટે ચૂપ રહેવું!! * કોઈ પુરુષ લાલપીળાંજાંબલી કપડાં પહેરીને તડકામાં ફરતો હોય તો એનાથી તમારે દૂર જ રહેવું, કારણ કે એનો અર્થ એ નક્કી એને બરોબર દેખાતું નથી એટલે એ કદાચ તમને અથડાઈ શકે છે અને જો એ માણસ ગાડી ચલાવતો હોય તો તરત જ તમારે એક ખૂણે એનાથી દૂર ભાગી જવું! * એક લેખક તરીકે લોકોને જે જે વાતો ગમે, જે સરકાર ગમે કે જે ફિલ્મો ગમે, એવું જ તમે સતત લખતા રહેશો તો એક દિવસ લોકો તમને વાંચવાને બદલે પોતાનું જ લખાણ તમને લખીને મોકલશે! * જેના બંગલાઓ કોન્ક્રીટ અને ટાઈલ્સના બનેલા હોય એ માણસ જ્યારે જંગલ-ખેતર-પ્રકૃતિ બચાવવાની વાતો કરે ત્યારે એવું લાગે કે દાઉદ ઈબ્રાહિમ, ગાંધીજીને અનુસરે છે! * મૃત્યુ ઉત્સવ છે એ સાચું પણ જો કોઈ માણસ પોતાની બીમારીને પણ ઉત્સવની જેમ હરખભેર મનાવે કે ચર્ચા કરે તો એનો અર્થ એ કે મેડિકલ પોલિસી સારી છે અથવા તો પ્રસિદ્ધિ પામવાની એની પોલિસી ખરાબ છે! * શાણો કવિ વાતે વાતે કવિતા ક્યારેય નથી બોલતો, અંબાણી કે ટાટા વારે વારે મફતમાં શેર સર્ટિફિકેટ કોઈને આપે છે? * પ્રેમી કે કલાકાર હોવા માટે દુખી દુખી થવાની જરાયે જરૂર નથી, તમે દુખી હો તો સન્માન મળે જ એવું કાંઈ નથી નહીં તો દુખી-બેહાલ ‘દેવદાસ’ પર ૧૨ વાર ‘દેવદાસ’ ફિલ્મ બની છે પણ મંદિર કે સ્મારક એક પણ નથી બન્યું! * મોબાઈલમાં એસએમએસ પર કે ઈ-મેઈલમાં કે ફેસબુક-ટ્વિટર પર દુશ્મન દેશ પર નફરતના સંદેશા મોકલનાર લોકોને સરકાર દ્વારા જો ફરજિયાત ફોજમાં ભરતી કરવામાં આવે તો એમાંના ૯૦ ટકા લોકો અન્ડર થઈને છુપાઈ જાય!! પોતાના ઘરની બોર્ડરની પણ બહાર ન નીકળે!! * પ્રેમ આંધળો પણ નથી, પ્રેમ દેખાતો પણ નથી, પ્રેમ મૂંગો પણ નથી, પ્રેમ બહેરો પણ નથી. સાચો પ્રેમ તો એકદમ તંદુરસ્ત હોય છે! પણ એ તો માત્ર શરૂ શરૂમાં એમાં આ બધી બીમારીઓ પછીથી આવવા માંડે છે. * પાનખરમાં ચાલવાથી પગ નીચે પાંદડાનો જે ‘મર્મર’ અવાજ આવે છે એને અને મમરાની થેલી હલાવવાથી આવતા ‘મમરા’ અવાજની વચ્ચે જ ક્યાંક ‘મર્મ’ છુપાયેલો છે! (હાશ, વાક્ય પૂરું થયું! સાલો શ્ર્વાસ અટકી ગયેલો!!) * બધા સેક્યુલરો કાંઈ સ્યુડો નથી હોતા, બધા સ્યુડો કાંઈ સેક્યુલર નથી હોતા! જેમ કે સેક્યુલરો (ફરફરિયાં) ખરેખર ક્યારેય સર્ક્યુલર (ગોળ) આકારના નથી હોતા! (અર્થ ન સમજાય તો એમ સમજવું કે આમાં કશીક ઊંડી વાત હશે!) * જો દર વર્ષે ‘વેલેન્ટાઈન્સ-ડે’ વિષે તમારી અંદર અચાનક ઉત્સાહ ઊભરાય તો એમ માનવું કે તમારે હવે એક વાર તો કોઈકની સાથે એને ઊજવી જ લેવો જોઈએ. કોઈ ન મળે તો એકલા એકલા ઊજવી લેવો. એને ‘એકલેન્ટાઈન્સ-ડે’ જેવું રૂપાળું નામ પણ આપી શકાય! * વૃંદાવનમાં જનારા બધા જ કાંઈ રાધા, ગોપી કે કૃષ્ણ નથી હોતા કે નથી બની શકતાં! અસલના વૃંદાવનમાં પણ જે અમુક ગોવાળો ત્યાં ગયા હતા જે માત્ર પોતાની ખોવાઈ ગયેલી ગાયો શોધવા જ ત્યાં આવેલા એટલે ખામખા દર વખતે ભાવુક ન બનવું! * ગૌતમ બુદ્ધના વિચારો વારંવાર બોલ્યા કરવા કરતાં એમના મહાન મૌનને જો માત્ર પ ટકા પણ લોકો સમજી શકે તો સૌના જીવનની ૯૫ ટકા સમસ્યાઓ દૂર થઈ જાય!! * બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં બે વાર તો સાચો સમય દેખાડતી જ હોય છે! પણ શરત એ છે કે તમારે બરોબર એ જ વખતે ઘડિયાળ સામું જોવું પડે. એ જ રીતે દોઢડાહ્યાઓ પણ ક્યારેક ભૂલથી સારી વાત કહી દેતા હોય છે પણ એમાં શરત એ છે કે ત્યારે એમની સામે ન જવું નહીં તો આખી જિંદગી રોજ બે વાર એ તમને યાદ અપાવશે. * કહે છે કે જીવનમાં જે વસંત લાવી દે એ જ સંત! પણ જીવનની વસંતમાં રોજ વસંતપંચમી લાવી દે એ જ સાચો ‘પંચ’ અને પંચ એટલે મુક્કો અને રમૂજ બેઉ!! ... સુજ્ઞ વાચકો, હમણાં આટલા સુવિચારોથી કામ ચલાવજો, નવા સૂઝશે તો જાણ કરીશું!! |
Pages
▼
No comments:
Post a Comment