સૌરભ શાહ સાચું બોલવામાં જેટલી બહાદુરી છે એના કરતાં અનેકગણી હિંમત સાચું સાંભળવા માટે જોઈએ, સાંભળ્યા પછી એને પચાવવા માટે જોઈએ. સત્ય ક્યારેય નિરપેક્ષ નથી હોતું, તટસ્થ નથી હોતું. સત્યને પરિણામે કોઈ એક પક્ષ તરફ ઝૂકી જવું છે, કોઈકનું પલ્લું ભારે કરવું પડે. સત્યમાં થોડુંક અર્ધસત્ય, થોડુંક અસત્ય અને થોડુંક અને સફેદ જુઠાણું ઉમેરીએ તો જ દહીંદૂધમાં પગ રાખી શકીએ, તો જ તટસ્થ હોવાનો દેખાવ કરી શકીએ. બાળ ઠાકરેએ એક જમાનામાં મોરારજી દેસાઈને ખૂની કહ્યા તે વખતે જે ગુજરાતીઓ એમની સામે બોલતાં ડરતા હતા તે ગુજરાતીઓ આજે બાળ ઠાકરેએ હિન્દુ અસ્મિતા માટે જે લડત ચલાવી તેમાં ખુલ્લા મોઢે વખાણ કરતાં પણ ડરે છે. પોતાના નોકરી-ધંધા માટે ‘થોડુંક તો પ્રેકટ્કિલ થવું જ પડે ને’ એમ કહીને નાનામોટા ગોટાળા થકી પોતાના પરિવારની સુખાકારી તેઓ જાળવી લે છે. પણ નરેન્દ્ર મોદી કે બાળ ઠાકરે નાનું મોટું સમાધાન કરીને એક આખા સમાજને અને રાષ્ટ્રને સાચવી લેતા હોય ત્યારે એમની ટીકા કરવામાં ક્ષણભર વિચાર નથી કરતા. અને એ ટીકા પણ ઘરની ચાર દીવાલો વચ્ચે જ. ખોંખારો ખાઈને જાહેરમાં બોલતાં એમને ડર લાગતો હોય, જેમ જાહેરમાં આ નેતાઓની પ્રશંસા કરતાં ડર લાગતો હોય છે. તમને જે સાચું લાગ્યું તે કહી દીધા પછી એની ચર્ચામાં ઉતરવાનું ન હોય. ટીવી પરની ડિબેટ્સ જોઈ છે? સામસામી દલીલો કરવાથી માત્ર સાંભળનારાઓનું મનોરંજન થાય છે, બહુ બહુ તો તમારો પોતાનો ઈગો સંતોષાય છે: સંભળાવી દીધું મેં એને. પણ દલીલોના ઉકરડા હેઠળ મૂળ મુદ્દો ઢંકાઈ જાય છે. છેવટે વાત ત્યાં આવીને ઊભી રહે છે કે તું નહીં તોતારો બાપ હરામી, તારો પડોશી બદમાશ, પડોશીનો સાળો ઉઠાવગીર. હકીકતો ખૂટી પડે ત્યારે ચર્ચાનું વાતાવરણ મચ્છીબજારના કોલાહલ જેવું થઈ જતું હોય છે. સહૃદયો સાથેની ચર્ચા કે અંગત મિત્રવર્તુળમાં થતું બ્રેઈન સ્ટોર્મિંગ આખી જુદી વાત છે. એ વાત જાણવા મળે આ ચર્ચાના પ્રકાશમાં તમારી પોતાની ભૂલો પણ પ્રગટ થાય જેને સુધારવાની તક મળે. પણ ચડસાચડસી કરનારાઓ સાથે આ બધો વ્યાયામ વ્યર્થ છે. તેઓ સ્માર્ટ ભાષામાં, ભારેખમ શબ્દો વાપરીને તમારા માટે સહાનુભૂતિ હોય એવું દેખાડીને તમને ઉતારી પાડવાની જ કોશિશ કરતા રહે છે. મૂળે આવા લોકો અત્યંત ડરપોક, ભીરુ અને મિયાં ફુસકી હોય છે. જિંદગીમાં ક્યારેય તેઓ પોતાના વિચારો પ્રમાણે જીવી શકયા નથી હોતા, એટલીે હિંમત જ નથી હોતી એમનામાં. ખુમારીની વાતોનાં વડાં કરવામાં અને ખુલ્લી છાતીએ દુનિયાની સામે ઝઝૂમવામાં ફરક હોય છે. તેઓ સાચું બોલી શકતા નથી કારણ કે તેઓ સાચું સાંભળી શકતા નથી. એમના સીમિત વર્તુળમાં એકબીજાની પીઠ ખંજવાળી આપે એવા લોકોને જ સ્થાન હોવાનું તું મારાં વખાણ કર, હું તારાં વખાણ કરું અને સાથે મળીને આપણે બેઉ એકબીજાને પ્રમોટ કરીએ - આ જ એમનું જીવનસૂત્ર હોય છે. સાચું બોલનારા કડવાબોલા જ હોય એ જરૂરી નથી. કડવા એ લોકો દેખાય છે જેઓ લાગ જોઈને સાચું બોલે, સિલેક્ટિવ રહીને સાચું બોલે, પોતાનો અહમ પોષાવાનો હોય ત્યાં જ સાચું બોલે, પોતાનું નુકસાન નથી થવાનું એવી ખાતરી હોય ત્યાં જ અને ત્યારે જ સાચું બોલે, આવા લોકોને તમે સ્પષ્ટ વકતા કે સાચાબોલા ન કહી શકો. તેઓને તમે જુઠ્ઠા કદાચ ન કહો પણ તકવાદી જરૂર કહી શકો સાચું બોલતાં કે સાચું સાંભળતાં આવડે એ માટે સાચી રીતે જીવતાં શીખવું પડે. બહુ અઘરું છે આ સાચી રીતે જીવવા માટે સૌથી પહેલાં તો જાત આગળ સચ્ચાઈ સ્વીકારવી પડે. મને ખબર પડી જવી જોઈએ કે હું ક્યાં કેટલો સારો છું, ક્યાં એવરેજ છું કંઈ બાબતે માઈનસમાં છું. એ પછી જેની સાથે જિંદગી આખી ગાળવાની હોય તેની સાથે એક પણ વાત છુપાવ્યા વિના, રિપીટ, એક પણ વાત છુપાવ્યા વિના જીવતાં આવડવું જોઈએ. એ પછી મા બાપ કે સંતાનો તમને ચાહે કે ન ચાહે, પણ તમે એમની આગળ રજૂ થાઓ ત્યારે તમારે કોઈ દંભ ન રાખવો પડે એવી માનસિકતા કેળવવી પડે. આટલું કર્યા પછી અટકી શકાતું નથી. એ પછી શરૂ થાય છે પડોશીઓ, ઓફિસ-મિત્રો, મિત્રવર્તુળ, જ્ઞાતિ, સમાજ અને પબ્લિક લાઈફની જાલિમ દુનિયા તમારી સચ્ચાઈ પર તરાપ મારવા આ સૌ આતુર છે કારણ કે આ બધાય પોતપોતાની સચ્ચાઈને છોડીને જીવી રહ્યા છે, જીવનમાં આગળ વધી રહ્યા છે. એમણે માની લીધું છે કે આ દુનિયામાં સાચા માણસનું કોઈ કામ નથી. એટલે જ તમારા જેવો કોઈ સાચો જણ જરાતરા પણ દેખાયો તો એને મારી મારીને અધમૂઓ કરી નાખીને તેઓ પોતાના જેવો બનાવી નાખશે. સાચું પૂછો તો સચ્ચાઈ બહુ જ સાપેક્ષ છે. તમારી નજરે તમે જે જોઈ શકો છો તે બીજાની નજરે એ ન જોઈ શકે એવું બને. સચ્ચાઈને સાપેક્ષ ગણાવ્યા પછી એમાંથી છટકબારી શોધીને પોતાની બનાવટોને જસ્ટિફાય કરનારા નીકળી આવવાના. સોનું પારખવા માટે કસોટીનો પથ્થર આવે છે એમ સચ્ચાઈ પારખવા માટેનો પથ્થર અમને જડી ગયો છે. જુઠ્ઠી જિંદગીને સત્યની સાપેક્ષતાના નામે વાજબી ઠેરવતા લોકોની કસોટી એક જ છે. એમને પૂછવાનું કે શેનું મહત્ત્વ વધારે? સવા ત્રણ રૂની તળાઈનું કે ઊંઘનું? લોકો તો એમ જ કહેવાના કે ઊંઘનું. એટલે તમારે પૂછવાનું: તો પછી ભલા માણસ, દિવસ આખો સવા મણ રૂનું ગાદલું વસાવવા માટે, વૈભવી સુખસગવડો વસાવવા માટે શું કામ પ્રવૃત્તિ કરો છો? એવી પ્રવૃત્તિઓ કરો જેને કારણે દિલ પરનો બોજો ઓછો થતો જાય, અંતરાત્મા પરના ડાઘ ઓછા થતા જાય, ચિંતાનાં પોટલાં છૂટતાં જાય અને રાત પડે ત્યારે સાદી ચટ્ટાઈ પર પણ ઘસઘસાટ ઊંઘ આવી જાય |
Pages
▼
No comments:
Post a Comment