અમેરિકા
જગતની સૌથી જૂની લોકશાહી છે. સારી વાત છે. અમેરિકા જેવી સ્વતંત્રતા
દુનિયાના અન્ય કોઈ દેશમાં નથી એવા પ્રચારથી આપણે અંજાઈ ગયા છીએ. આવી અનેક
ભ્રમણાઓને આપણે હકીકત માની બેઠા છીએ. ગયા અઠવાડિયે અમેરિકામાં એક બંદૂકબાજે આવેશમાં બેએક ડઝન બાળકો અને મોટાઓની હત્યા કરી નાખી એટલે જગત આખામાં ત્યાંના ગન ક્ધટ્રોલ ઍક્ટ વિશે ચર્ચાઓ ચાલી. અમેરિકાની સમસ્યા માત્ર ત્યાં છૂટથી ગન્સ મળે છે તે નથી. એ દેશની મૂળભૂત સમસ્યા લૉબીઈંગની છે. ગન્સના ઉત્પાદકો લાખો ડૉલર્સ ખર્ચીને અમેરિકન કાઁન્ગ્રેસમેન તથા સેનેટર્સના વિચારો પર પ્રભાવ પાડી શકે છે. હકીકત તો એ છે કે અમેરિકામાં સંસદસભ્યોના વિચારોને તમે ઑફિશ્યલી ‘ખરીદી’ શકો છો. કાગળ પર લૉબીઈંગની પ્રવૃત્તિ પર કેટલાક પ્રતિબંધો પણ છે અને કાયદેસરની કાર્યવાહી થાય તો જેલ-દંડની સજા પણ થઇ શકે છે. પણ આ બધું કાગળ પર. લૉબીઈંગના પ્રોફેશનમાં મોટેભાગે લૉયર્સ હોય છે. તેઓ જાણતા હોય છે કે કાયદાની ચુંગાલમાં ફસાયા વિના કાયદાની કલમોમાંથી કેવી રીતે છીંડાં શોધી કાઢવા. લૉબીઈંગ એટલે સાદી ભાષામાં કહીએ તો પબ્લિક રિલેશનશિપનું જરાક સુધરેલું સ્વરૂપ. સિગરેટ કંપનીઓ પોતાના ધંધા પર આડી અસર ન પડે તે માટે લૉબીઈંગ ફર્મને ભાડે રાખે. લૉબીઈંગ ફર્મના અત્યંત સજ્જ અને સૂટેડબુટેડ પ્રચારકો સંસદસભ્યોને ‘સમજાવે’ કે સિગરેટ પર વધુ ટક્સ નાખવાનું દબાણ પબ્લિક તરફથી ભલે આવે પણ અમે તમને એટલે કે સરકારને, કરવેરારૂપે કરોડો ડૉલર્સ આપીએ છીએ. સિગરેટ ઓછી પીવાતી થશે તો સરકારની આવક ઘટી જશે. આ જ રીતે પિસ્તોલ, રિવોલ્વર, ગન્સ વગેરેના શસ્ત્ર-ઉત્પાદકો ધંધાની સ્પર્ધા બાજુએ મૂકીને ભેગા થઇને લૉબીઈંગ ફર્મને કરોડો રૂપિયા આપે. ફર્મના ઉસ્તાદ લૉયર્સ અમેરિકન પ્રજાના સ્વાતંત્ર્યની રક્ષા કરવાના દેખાડા હેઠળ ચાલતી સંસ્થાઓને મળે અને ‘સમજાવે’. આ સંસ્થાઓ મીડિયામાં આંદોલન ચલાવે કે ગન્સ પર ક્ધટ્રોલ આવી જશે તો નાગરિકો પોતાની રક્ષા કેવી રીતે કરશે? દરેક અમેરિકનને પોતાની સુરક્ષા માટે ગન રાખવાનો હક્ક છે, સરકાર એમના આ મૂળભૂત અધિકાર પર કેવી રીતે તરાપ મારી શકે? ગયા અઠવાડિયા જેવી ઘટના અમેરિકામાં છાશવારે બનતી રહે છે. દર વખતે થોડો ઊહાપોહ થાય, પ્રેસિડેન્ટ રડી પણ પડે અને છેવટે બધું હતું તેમનું તેમ ચાલ્યા કરે. લોકશાહી દેશમાં પૈસાના જોરે કાયદાઓ બનતા કે તૂટતા હોય અને તે પણ ઑફિશ્યલી, એવું કેવી રીતે ચલાવી લેવાય? આમ છતાં અમેરિકામાં લૉબીઈંગની સત્તાવાર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે, વરસે કરોડો ડૉલર્સ ખર્ચાતા રહે છે. આપણે તો માની લીધું છે કે લોકશાહીમાં લોકોનું રાજ હોય. લૉબીઈંગને કારણે લોકોના હાથમાંની સત્તા ધનાઢયોના હાથમાં પહોંચી જાય છે. મારી પાસે કરોડોની દૌલત હોય તો હું એનો એક નાનકડો હિસ્સો ખર્ચીને મને અનુકૂળ હોય એવા નકામા કાયદાઓ ચાલુ રખાવી શકું, એમાં મને ફાવે એવા ફેરફારો કરાવી શકું. તમારી પાસે નાણાંની સગવડ ન હોય તો તમે લૉબીઇંગ ફર્મની ‘સેવા’ ન મેળવી શકો, સંસદસભ્યો સુધી તમારો અવાજ ન પહોંચાડી શકો, તમારે સમસમીને બેસી રહેવું પડે. આ તે કંઇ લોકશાહી થઇ, ભલા? લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકારને લોકશાહી કહેવાય એ એક બહુ મોટી ભ્રમણા છે. અમેરિકામાં પણ સરકારો પૈસાદારો માટે અને પૈસાદારો દ્વારા જ ચાલે છે. લૉબીઈસ્ટ જેવા આડતિયાઓ કે દલાલો ચબરાકીથી સંસદસભ્યોને પોતાના ખિસ્સામાં સેરવી લે છે. નરેન્દ્ર મોદીને વિસા ન આપવાની પાછળ લૉબીઈંગની ફર્મના મોરલાઓએ કરેલી કળાની કમાલ છે. આવી ફર્મને કોના તરફથી અને શા માટે તોતિંગ ફી અપાઇ હતી તેની કલ્પના કરવી અઘરી નથી. લૉબીઈસ્ટો અમેરિકન સંસદસભ્યોને સીધી લાંચ નથી આપી શકતા. કાયદો એની ના પાડે છે. પણ લૉબીઈસ્ટો કાયદેસર સંસદસભ્યોને કેળવી શકે છે, કલ્ટિવેટ કરી શકે છે. વરસો સુધી એમની સાથે સંપર્ક રાખીને ધીમે ધીમે સંસદસભ્યોના વિચારોને પ્રભાવિત કરી શકે છે. જે પ્રવૃત્તિમાં કરોડો ડૉલર્સ ખર્ચાતા હોય તે શું ઈનોસન્ટ હોવાની? ભારતમાં ઑફિશ્યલી લૉબીઈસ્ટ જેવું કંઇ નથી હોતું. પરંતુ અહીં પણ એવી જ પ્રવૃત્તિ થાય છે, જરા જુદી રીતે. રાડિયા ટેપ્સ યાદ છે? નીરા રાડિયા તાતા અને રિલાયન્સ માટે લાયઝનનું કામ કરતાં. આ લાયઝન એટલે લૉબીઈંગનો પિતરાઇ ભાઇ અને પબ્લિક રિલેશન્સનો માસિયાઇ ભાઇ. રાડિયા ટેપ્સમાં નીરાબહેન વીર સંઘવી, પ્રભુ ચાવલા અને એવા બધા નેશનલ લેવલ પર મીડિયામાં તોપ ગણાતા પત્રકારો સાથે શું શું ને કેવી કેવી વાતો કરી, કેન્દ્રના પ્રધાનો તથા સંસદસભ્યો સાથે શું વાતો કરી એ બધું જ સાંભળવા મળ્યું. નેટ પર બધું જ અવેલેબલ હતું. ઘણી ચર્ચાઓ થઇ, ઘણાં માથાં વધેરાયાં. વીર સંઘવીએ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની પોલિટિકલ એનેલિસિસની કૉલમ બંધ કરવી પડી. પ્રભુ ચાવલાએ દાયકાઓ જૂની ‘ઈન્ડિયા ટુડે’ની એડિટરશિપ છોડવી પડી. ખુદ નીરા રાડિયાએ પોતાનો ધંધો સંકેલી લેવો પડ્યો. પણ વાત એના લોજિકલ એન્ડ સુધી પહોંચે તે પહેલાં જ હવાઇ ગઇ. બિગ મનીથી જગતના કોઈ પણ દેશમાં કંઇ પણ થઇ શકે - ચાહે એ અમેરિકા હોય કે પછી ભારત. |
Pages
▼
No comments:
Post a Comment