| જીવનમાં સમસ્યા મહત્ત્વની નથી, માનવી સમસ્યા કઈ રીતે હલ કરે છે તે અભિગમ મહત્ત્વનો છે |
| હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ ઇંગ્લૅન્ડમાં એક ઉમરાવે પાર્ટી આપી. આયોજન ભવ્ય હતું. સો વર્ષ પૂર્વેના રજવાડી કલાત્મક નકશીવાળાં ચાંદીનાં વાસણોમાં ભાત ભાતની વાનગીઓ પીરસવામાં આવી હતી. ટ્યુડર ખાનદાનના મહત્ત્વના પ્રસંગોમાં જ વાસણોનો આ સેટ વપરાતો. હાથમાં ડ્રિંક્સના ગ્લાસ સાથે મહેમાનો વાતોમાં મશગૂલ હતા, જેમાં આકર્ષણના કેન્દ્રસ્થાને હતા સર વિન્સ્ટન ચર્ચિલ. ચાલુ વાતમાં વિક્ષેપ પાડ્યા બદલ માફી માગી યજમાન ઉમરાવે ચર્ચિલને બાજુ પર બોલાવી વિનંતી કરી, ‘સર, માફ કરજો. વાત તો સાવ મામૂલી છે. અમારા ખાનદાનમાં વર્ષોથી આવા ખાસ પ્રસંગે વપરાતાં ચાંદીના વાસણોના સેટમાંથી એક ચાંદીનો ચમચો એક મહેમાને પોતાના ખિસ્સામાં સેરવી લીધો છે. એમના સ્વમાનને ઠેસ પહોંચાડવા હું ઈચ્છતો નથી અને ચાંદીનો ચમચો ગુમાવ્યાની ચિંતામાંથી પણ મુક્ત થઈ શકું તેમ પણ નથી. શું કરવું તેની મને કંઈ સમજ પડતી નથી. બસ, આ જ ચિંતાએ મને આપની સમક્ષ આવું કહેવા મજબૂર કર્યો છે.’ ચર્ચિલે કહ્યું, ‘ચિંતા કરશો નહીં, મહેમાનની મહત્તા પણ જળવાઈ રહેશે અને આપની ચિંતા પણ દૂર થશે.’ પાર્ટીનો દોર ચાલુ હતો. વાત કરતાં કરતાં ચર્ચિલ ચમચો ચોરી લેનાર સજ્જન પાસે પહોંચ્યા. વિવેકપૂર્ણ વાતચીતનો પ્રથમ તબક્કો પૂરો થતાં ચર્ચિલે મહેમાનને કહ્યું, ‘ખરું કહું તો મને આ ચાંદીનો સેટ ગમી ગયો છે. મેં તો તેમાંથી એક ચમચો ઊઠાવી લીધો છે.’ આમ કહી ચર્ચિલે પોતાના ખિસ્સામાંથી ચાંદીનો ચમચો કાઢી પેલા મહેમાનને બતાવ્યો. સર વિન્સ્ટન ચર્ચિલ જેવી મહાન વિભૂતિએ આવી વાત કહેવા પોતાને યોગ્ય વ્યક્તિ ગણી તે વાતથી જ મહેમાનનું હૈયું ભરાઈ આવ્યું. ચર્ચિલ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં તેણે જણાવ્યું, ‘સર, આપના પહેલાં મને પણ આવો વિચાર આવ્યો હતો અને ખોટું શું, મેં તો આપના પહેલાં જ આ કાર્ય પૂરું કર્યું છે.’ આમ કહી તેણે પોતાનો ચમચો ચર્ચિલને બતાવ્યો. બંને ખુશ થઈ જુદા પડ્યા. પાર્ટીમાં મહેમાનોએ ડ્રિંક્સ, ડાન્સ, ડિનરનો આનંદ માણ્યો. વિદાયની વેળા આવી. ફરી વાતો કરતાં કરતાં ચર્ચિલ પેલા મહેમાન પાસે પહોંચ્યા અને ગંભીર ચહેરે ચિંતાતુર સ્વરે કહ્યું, ‘મને શંકા છે કે ઘરધણીને ચમચા ખોવાયાની ખબર પડી ગઈ લાગે છે. વાસણોની ગણતરી કરવા તેમણે નોકરોને સૂચના પણ આપી દીધી છે. મારી તો હિંમત નથી આવું સાહસ કરવાની. ઈજ્જતનો સવાલ છે. હું તો મારી ભૂલ સુધારી લઉં છું.’ આટલું કહી ચર્ચિલે પોતાનો ચમચો ચૂપચાપ ટેબલ પર મૂકી દીધો. મહેમાને કહ્યું, ‘સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ આવું જોખમ ખેડવા હરગિજ નથી ઈચ્છતો.’ મહેમાને પણ પોતાનો ચમચો ચૂપચાપ ટેબલ પર મૂકી દીધો. ફરી બંને ખુશ થયા. જતાં જતાં સર વિન્સ્ટન ચર્ચિલે યજમાનને કહ્યું, ‘સમસ્યા હલ થઈ ગઈ છે.’ આવો જ એક અન્ય પ્રસંગ જેમાં સ્થળ, સમય અને પાત્રો બદલાઈ જાય છે. અમેરિકાનું કનેક્ટિક્ટ પરગણું. તેનું હાર્ટફૉર્ડ શહેર, જ્યાં જગતના મહાન હાસ્યલેખક માર્ક ટ્વેઈને વસવાટ કર્યો હતો. ત્યાં એક યજમાને આવી જ શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. ગામના પ્રતિષ્ઠિત સજ્જનોની હાજરી હતી. પાર્ટીની તૈયારી પુરજોશથી ચાલી રહી હતી. મહેમાનો આવતા-જતા હતા. ચાંદીના વાસણોના સેટમાં વાનગીઓ પીરસાતી જતી હતી. આવો મૂલ્યવાન સેટ જોઈ એક મહેમાને ચૂપચાપ ચાંદીનો ચમચો પોતાના કોટના ખિસ્સામાં સેરવી દીધો. અન્ય કોઈનું ધ્યાન નહોતું, પણ માર્ક ટ્વેઈનની ચકોર નજરે આ દૃશ્ય જોયું. તેમણે મનમાં કંઈક વિચાર્યું. નિશ્ર્ચિત સમય થતાં પાર્ટી શરૂ થઈ. ભોજન પૂરું થતાં સૌ પ્રેક્ષકોના રૂપમાં ગોઠવાઈ ગયા અને માર્ક ટ્વેઈનને હાસ્યરસિક કાર્યક્રમ આપવા વિનંતી કરી. હાર્ટફૉર્ડનો આ શિરસ્તો જ હતો. માર્ક ટ્વેઈને સ્ટેજ સંભાળ્યું. થોડી વાતો કરી કહ્યું, ‘આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ આજ હું આપની સમક્ષ એક જાદુનો પ્રયોગ રજૂ કરવા ઈચ્છું છું.’ આમ કહી માર્ક ટ્વેઈને એક ચાંદીનો ચમચો સૌ જુએ તેમ પોતાના ખિસ્સામાં નાખી દીધો. ત્યાર પછી તેમણે ઑડિયન્સમાં ફરતાં ફરતાં જે મહેમાને ચમચો ચોર્યો હતો તેના ખિસ્સામાંથી કાઢી સૌને બતાવ્યો. ચમચાચોર મહેમાન ડઘાઈ ગયા. માર્ક ટ્વેઈનના જાદુના કાર્યક્રમથી સૌને આશ્ર્ચર્ય થયું અને તાળીઓથી તેમને વધાવી લીધા. માર્ક ટ્વેઈને ચમચો ટેબલ પર મૂક્યો. સૌએ વિદાય લીધી. જતાં જતાં માર્ક ટ્વેઈને પોતાના ખિસ્સામાં રહેલો ચમચો ટેબલ પર મૂકી વિદાય લીધી. જીવનમાં સમસ્યા મહત્ત્વની નથી, માનવી સમસ્યા કઈ રીતે હલ કરે છે તે અભિગમ મહત્ત્વનો છે. એક સૂફી સંત હતા. સરળ જીવન હતું. તેમને થોડા શિષ્યો હતા. જે શીખવવાનું છે તે જીવન દ્વારા વ્યક્ત થવું જોઈએ. એવું તેઓ માનતા. ‘વ્યર્થ બોલવું બંધ કરો.’, ‘વ્યર્થ ખાવું બંધ કરો’, ‘વ્યર્થ પરિશ્રમ બંધ કરો’ -બસ, આવું એ ક્યારેક સમજાવતાં. વર્ષો વીત્યાં. સંતને અવસ્થા આંબી ગઈ. ધીરે ધીરે શરીર શાંત થવા માંડ્યું. છેવટે અંતકાળ આવ્યો. સૂફી સંતે સૌ શિષ્યોને એકત્રિત કરી જણાવ્યું, ‘સંપત્તિ પ્રાપ્ત કરવામાં જિંદગીના અણમોલ વર્ષો વેડફી નાખવાં એના કરતાં જીવનમાં કરવાં જેવાં ઉમદા કાર્યો ઘણાં છે, એટલે મેં સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી છે. મારી પાસે સંપત્તિમાં માત્ર સમજણ છે અને થોડાં ઊંટ છે. હવે જેટલા ઊંટ છે તેને તમે પ્રથમ બે ભાગમાં વહેંચી નાખજો. સૌથી વયોવૃદ્ધ શિષ્યો છે તેને એક ભાગ આપી દેજો, ત્યાર પછી જેટલાં ઊંટો વધે તેને ત્રણ ભાગમાં વહેંચી નાખજો અને પ્રૌઢ શિષ્યોને બે ભાગ આપજો. હવે જે ઊંટો વધે તેમાંથી બે યુવાન શિષ્યોને એક-એક આપજો.’ ગુરુની વિદાયથી શિષ્યોનાં હૃદય ઘેરા વિષાદમાં ગરકાવ થઈ ગયાં. ગુરુની અંતિમ સફર પણ પૂર્ણ થઈ. થોડા દિવસ પછી ગુરુની ઈચ્છા પ્રમાણે વહેંચણીનો સવાલ આવ્યો, પરંતુ શિષ્યોની મૂંઝવણ એ હતી ઊંટ બધાં મળીને સત્તર હતાં. સત્તરના બે ભાગ કઈ રીતે પાડવા? ઘણી મથામણ પછી શિષ્યો જ્યારે સમસ્યા હલ ન જ કરી શક્યા ત્યારે ગમે તેવી સમસ્યાનો ઉકેલ લાવી શકતા એક સમજદાર મહાનુભાવ પાસે ગયા. એમણે શિષ્યોને આવકાર્ય, ભોજન, ઉતારો, વિશ્રામ વગેરેનો પ્રબંધ કર્યો. ત્યાર પછી શિષ્યોની વાત જાણી. પ્રથમ એ ખુશ થયા અને શિષ્યોને કહ્યું, ‘સમસ્યા તમારી તદ્દન સરળ છે. કહો, કેટલાં ઊંટ છે?’ શિષ્યોએ કહ્યું, ‘સત્તર’ તરત એ સજ્જને કહ્યું, ‘આ સત્તરમાં મારું એક ઊંટ હું તમને આપું છું. હવે કહો કેટલાં થયાં?’ શિષ્યોએ કહ્યું, ‘અઢાર’. એક ઊંટ ઉમેરાતાં સમસ્યા સરળ બની ગઈ અને એક પછી એક વહેંચણી શરૂ થઈ. અઢારના બે ભાગ પાડવામાં આવ્યા જેમાંથી નવ ઊંટ સૌથી વૃદ્ધ શિષ્યોને સુપરત કરવામાં આવ્યાં. બાકી રહ્યાં નવ. તેના ત્રણ ભાગ પાડવામાં આવ્યાં. એના બે ભાગ એટલે છ ઊંટો પ્રૌઢ શિષ્યોને ફાળે ગયાં. નવ અને છ પંદર ઊંટ વહેંચાઈ ચૂક્યાં. બાકીનામાંથી બે યુવાન શિષ્યોને આપવામાં આવ્યાં. નવ અને છ પંદર અને બે સત્તર ઊંટની વહેંચણી પૂરી થઈ. એક ઊંટ વધ્યું. શિષ્યોએ કહ્યું, ‘આ એક ઊંટનું શું કરવું?’ સમસ્યા ઉકેલનાર સજ્જને કહ્યું, ‘એ મારું ઊંટ મને પાછું આપો.’ આટલી જટિલ સમસ્યાનો આવો સરળ ઉકેલ આવી ગયેલો જોઈને શિષ્યો ખુશ થઈ ગયા. તેમણે એ સજ્જનને વિનંતી કરી, ‘આજથી આપ અમારા ગુરુ. આપની રાહબરી નીચે અમે જીવતરના પાઠ શીખીશું.’ આ સમસ્યાનો ઉકેલ લાવનાર સજ્જન હતા, હજરત અલીસાહેબ. હજરત મહંમદસાહેબના જમાઈ, શિષ્ય અને જગતના પ્રથમ સત્યાગ્રહી તરીકે જેમની ગણના મહાત્મા ગાંધીજીએ કરી છે તેવા કરબલાના અમર શહીદ હજરત ઈમામ હુસેનસાહેબના પિતા. A problem means the distance between reality and expectation સમસ્યા એટલે વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર. આ અંતર જેટલું મોટું એટલી સમસ્યા મોટી. આ અંતર જેટલું નાનું એટલી સમસ્યા નાની. આ બધા પ્રારબ્ધના પરિહાસ છે. હસતાં મોઢે સહેતાં રહેશું પ્રારબ્ધના પરિહાસ, અગનખેલ જીવતરનો ખેલી રચશું અમ ઈતિહાસ. |
Showing posts with label શાહબુદ્દીન રાઠોડ. Show all posts
Showing posts with label શાહબુદ્દીન રાઠોડ. Show all posts
Monday, July 22, 2013
માનવી સમસ્યા કઈ રીતે હલ કરે છે તે અભિગમ મહત્ત્વનો છે - શાહબુદ્દીન રાઠોડ
Sunday, April 14, 2013
મોટા માણસોની નાની વાતો- શાહબુદ્દીન રાઠોડ
| મોટા માણસોની નાની વાતો |
| માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકનાં જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં |
હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે. સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈ રહસ્ય છુપાવી શકતી નથી. આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો પછી વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી. મેકઅપની સજાવટથી સજ્જ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલ એક શ્રીમંત મહિલાએ જ્યોર્જ બર્નાર્ડ શૅાને પૂછ્યું, ‘મારી ઉંમર આપ કેટલી ધારો છો?’ શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરાં વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’ મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’ બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું-‘મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો.’ બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા. સ્ટ્રેટફર્ડ અપૉન એવોનમાં શેક્સપિયર દિવસની ઉજવણીમાં એવન નદીને કાંઠે રૉયલ શેક્સપિયર થિયેટરમાં શેક્સપિયરનું નાટક ભજવવાનું હતું. જગતના માંધાતાઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. શૉ પણ ત્યાં આવી પહોંચ્યા. શૉને જોઈ હાજર રહેલા સૌને ખૂબ આશ્ર્ચર્ય થયું, કારણ કે બર્નાર્ડ શૉએ વિલિયમ શેક્સપિયરની પણ કટુ આલોચના કરી હતી. શૉનું સ્વાગત કરવા આગળ આવેલા જી. કે. ચેસ્ટરને કટાક્ષ કર્યો, ‘આવો, મિ. શૉ આપ આવ્યા તે બહુ સારું કર્યું. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય છે.’ કટાક્ષ સાંભળી શૉ સમસમી ઊઠ્યા પણ પ્રસંગની મહત્તાનો સ્વીકાર કરી એક શબ્દ પણ બોલ્યા નહીં. હેનરી ફોર્ડને સફળ લગ્નજીવન અને સફળ દાંપત્યનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બંને સફળતાને બે જ શબ્દોમાં સમાવી: ‘એક જ મોડેલ.’ અસહકારના આંદોલનમાં વિદેશી ભારતીયોનો સહકાર મેળવવા સરોજિની નાયડુને પૂર્વ આફ્રિકાના પ્રવાસે મોકલવામાં આવ્યાં હતાં. જુદા જુદા ભારતીય સમાજો તરફથી તેમનું સન્માન કરવામાં આવતું અને પ્રવચનો યોજાતાં એમાં એક ભારતીય સમાજ તરફથી વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. પ્રમુખ વક્તા એક શ્રીમંત ગૃહસ્થ હતા. તેમની સંપત્તિ જેટલી હતી તેના પ્રમાણમાં જ્ઞાન ઓછું હતું અને અંગ્રેજીનું જ્ઞાન સાવ સીમિત. એક શિક્ષકે તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું હતું, જેમાં સરોજિની નાયડુની પ્રશંસા, સન્માન અને અભિનંદન આવરી લેવામાં આવ્યાં હતાં. શિક્ષકે તૈયાર કરેલા પ્રવચનમાં એક જગ્યાએ સરોજિની નાયડુનું લોકપ્રિય બીજું નામ ‘સુપ્રસિદ્ધ ભારતીય મહિલા’, ‘ભારતીય કોકિલા’, ‘ફેમસ નાઈટિંગેલ ઓફ ઈન્ડિયા’નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય વક્તા પ્રવચન વાંચતાં વાંચતાં અહીં સુધી પહોંચ્યા અને મુશ્કેલી સર્જાઈ. ‘નાઈટિંગેલ’ શબ્દ તેમને સમજાયો નહીં, પરંતુ પોતાની બુદ્ધિથી એમણે અર્થ બેસાડ્યો, ‘ફેમસ નોટી ગર્લ ઓફ ઈન્ડિયા’, ‘ભારતની સુપ્રસિદ્ધ શરારતી છોકરી’. વક્તા આ બોલ્યા અને સભાજનો ખડખડાટ હસી પડ્યા. સરોજિની નાયડુ પણ ખૂબ હસ્યાં. ઘણી વાર તેઓ પોતે આ પ્રસંગ વર્ણવી ખુશ થઈ જતાં અને અન્યને પણ તેનો આનંદ આવતો. આવા જ એક સમારંભમાં શાળાના હેડમાસ્તરસાહેબે તમામ મહેમાનોને આવકાર આપતાં સૌની આગળ ‘મરહૂમ’ શબ્દ વાપર્યો. મરહૂમ પ્રમુખસાહેબ, મરહૂમ મંત્રીશ્રી આ રીતે સૌને નવાજવા લાગ્યા. હેડમાસ્તરને પૂછવામાં આવ્યું ત્યારે ભોળા ભાવે તેમણે જણાવ્યું. ‘સાહેબ, અમે તો રાણી વિક્ટોરિયાને મરહૂમ કહીએ છીએ, એટલે મને થયું આપના માટે આ જ સંબોધન યોગ્ય લેખાશે.’ અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું. એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં છે એટલે અનુમાન કરું છું.’ માર્ક ટ્વેઈન તપાસ કરવાનું માંડી વાળ્યું. અબજોપતિ જૉન ડી. રૉકફેલર એક સંસ્થાની મુલાકાતે ગયા. ફરતાં ફરતાં એક વર્ગ પાસે આવી પહોંચ્યા. વર્ગમાં દાખલ થયા. શિક્ષણકાર્યનું નિરીક્ષણ કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને વ્યવસાય અને વ્યાપાર વિશે સમજાવી રહ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, ‘કોઈ બતાવી શકશો, પ્રોમિસરી નોટ કઈ રીતે લખાય?’ એક તેજસ્વી વિદ્યાર્થી ઊભો થયો અને તેણે બ્લેકબોર્ડ પર લખ્યું, ‘હું આ સંસ્થાને દસ હજાર ડોલર આપવાનું વચન આપું છું.-જૉન ડી. રોકફેલર’. લખાણ વાંચી રોકફેલર ખુશ થયા અને સંસ્થાને દસ હજાર ડોલરનો એક ચેક એ જ વખતે લખી આપ્યો. પ્રોફેસર તીર્થરામ સંન્યાસી થયા પછી સ્વામી રામતીર્થ નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે વર્ગમાં એક સીધી રેખા દોરી. વિદ્યાર્થીઓને કહ્યું, ‘આ રેખાને નાની કરી આપો.’ ભૂંસવાનો પ્રયાસ કરનારને બેસાડી દીધા. એક તેજસ્વી વિદ્યાર્થીએ બાજુમાં મોટી લીટી દોરી દીધી. સાહેબ ખુશ થઈ ગયા. તેમણે સમજાવ્યું, જીવનમાં કદીય બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરશો નહીં. સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક અન્યની રેખા ભૂંસ્યા વગર પોતાની રેખા મોટી દોરનાર. બીજાની રેખા પાસે મોટી રેખા દોરનારની રેખા આપોઆપ મોટી થતી જાય છે, જ્યારે બીજા પ્રકારના જીવનભર કોઈની રેખાઓ ભૂંસવામાં જ રહી જાય છે. પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’ અબ્રાહમ લિંકનનાં પિતા મોચીકામ કરતાં. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છેને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.’ લિંકનનું વક્તવ્ય સાંભળી સૌ ચૂપ થઈ ગયા. |
Subscribe to:
Posts (Atom)