Showing posts with label પ્રેમ. Show all posts
Showing posts with label પ્રેમ. Show all posts

Sunday, June 19, 2016

પ્રેમ- મહેન્દ્ર પુનાતર

ધર્મ જો પ્રેમ અને આનંદ બને તો પરમસુખ

જિન દર્શન - મહેન્દ્ર પુનાતર

ભગવાન મહાવીરનાં વચનો છે પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને મૈત્રીભાવ. પ્રેમ, કરુણા અને મૈત્રી હોય ત્યાં હિંસા સંભવી શકે નહીં. જ્યાં પ્રેમ હોય ત્યાં રાગદ્વેષ ન હોય. પ્રેમ એટલે સમર્પણ, કશી અપેક્ષા નહીં. પણ સાચો પ્રેમ શું છે એ સમજવું મુશ્કેલ છે. વાસના, ઈચ્છા આકાંક્ષા અને કશું પ્રાપ્ત કરવાની ભાવના પ્રબળ બને ત્યારે પ્રેમ ધીરે ધીરે અદૃશ્ય થાય છે. આવો પ્રેમ લાંબો સમય ટકતો નથી.

પ્રેમ એ જીવનનું અમૃત છે. ધન વગર માણસ જીવી શકે, પરંતુ પ્રેમ વગરનું જીવન શુષ્ક બની જાય. માણસના તમામ સંબંધો પ્રેમ પર આધારિત છે. પ્રેમમાં સ્વાર્થ આવે છે ત્યારે તે પ્રેમ રહેતો નથી પણ સોદો બની જાય છે. પ્રેમ બંધન છે અને મુક્તિ પણ છે. સાધારણ રીતે આપણે જે પ્રેમને જાણીએ છીએ તે બંધન છે તેને પ્રેમ કહેવાનું વ્યર્થ છે. પ્રેમનું બંધન અપેક્ષાઓથી નિર્મિત થાય છે. પ્રેમના સંબંધો કશું મેળવવા માટે હોય તો આમાં પ્રેમ સાધન છે સાધ્ય નહીં. આમાં સમગ્ર નજર મેળવવા પર છે. દેવાનું ગૌણ બને છે. માણસ કોઈને પ્રેમ કરે છે તો સામે મેળવવા માટે જ. આમાં પણ આપ્યા વગર પ્રેમ મળી જાય તો એ વધુ માફક આવે. મનુષ્યનો સ્વભાવ છે કશું આપવું નથી અને બધું મેળવી લેવું છે. પણ હકીકત એ છે કે આપ્યા વગર દુનિયામાં કશું મળતું નથી. અને પ્રેમ તો એવી ચીજ છે જેટલા પ્રમાણમાં આપીએ તેટલા પ્રમાણમાં મળે. પ્રેમમાં સ્વાર્થ, લોભ અને સાંકડી મનોવૃત્તિ હોય તો અંતે કશું હાથમાં આવતું નથી.

પ્રેમ એ સોદો નથી એમાં કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું એવો હિસાબ થઈ શકે નહીં. પ્રેમ જ્યારે લેવડદેવડનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સ્વાર્થ, લોભ અને રાગ-દ્વેષ ઊભો થવાનો. જ્યાં ભય, દબાણ અને ઝૂંટવી લેવાની ભાવના હોય ત્યાં પ્રેમ સંભવી શકે નહીં. આ પ્રકારના પ્રેમમાં કેટલું આપવું પડ્યું તેના પર ધ્યાન કેન્દ્રિત હોય છે. કેટલું મળ્યું છે તે દેખાતું નથી. દરેકને એમ થાય છે કે હું સામી વ્યક્તિ પ્રત્યે કેટલો પ્રેમ કરું છું પણ તેને મારા પ્રેમની કદર નથી. હું જેટલું કરું છું તેટલું સામેથી મળતું નથી. એવો ખ્યાલ જ ખોટો છે. માને પોતાનાં સંતાનો માટે અપાર પ્રેમ અને ચાહના હોય છે તે કદી એમ નહીં વિચારે કે બદલામાં મને શું મળ્યું. પ્રેમના સંબંધોમાં જેમને એવો વિચાર થાય કે મને શું મળ્યું તો નિશ્ર્ચિત માનજો કે તેણે સાચો પ્રેમ કર્યો નથી. માત્ર કર્તવ્ય નિભાવ્યું છે. ફરજ બજાવી છે. આથી વિશેષ કશું નહીં. જ્યારે દૃષ્ટિ મેળવવા પર હોય ત્યારે પ્રેમ પ્રગટ થતો નથી. અપેક્ષાઓ યુક્ત પ્રેમ બંધન બને છે. આમાં દુ:ખ અને પીડા સિવાય બીજું કશું નિષ્પન થતું નથી.

સાચો પ્રેમ હોય ત્યાં લેવડદેવડનો વિચાર હોય નહીં. આમાં સમર્પણની અને ન્યોછાવર થવાની જ ભાવના હોય. આમાં દેવાનું જ મહત્ત્વ છે. કશું લેવાનો સવાલ નથી. પ્રેમમાં કશું મેળવવાની અપેક્ષા એ બંધન છે અને સમગ્ર ધ્યાન આપવા પર જ હોય ત્યારે મુકિત છે. આમાં કશી ઈચ્છા અને લાલસા નથી. કશું જોઈતું નથી. એટલે કશી પીડા નથી. જ્યારે મન આપવા માટે જ ઉત્સુક હોય અને સામી વ્યક્તિ તેના પ્રેમનો સ્વીકાર કરે તેનો આનંદ અનોખો હોય છે. જેનું ધ્યાન લેવા પર હોય તેનો ભિક્ષાભાવ વધતો જાય છે. ભિખારી ગમે તેટલું મળે આભાર માની શકતો નથી. તેની આકાંક્ષા વધુ હોય છે. એટલે તેને જે મળે તે ઓછું લાગે છે. માત્ર લેવાની જ દાનત હોય તે હંમેશાં ભિખારી રહેવાનો. જ્યારે આપણે કોઈની પાસે હાથ લાંબો કરીને ઊભા રહી જઈએ છીએ અને આ આદત પડી જાય છે ત્યારે કોઈને કશું આપવું પડે ત્યારે હાથ સંકોચાવા લાગે છે. માણસને એમ થાય છે કે તેનું કાંઈ છીનવાઈ રહ્યું છે. નહીં આપવા માટે બહાના શોધવા પડે છે. આમ છતાં આપવાની ફરજ પડે અને કાંઈ ઉપાય ન રહે ત્યારે આપીએ તેમાં બરકત રહે નહીં. આપવામાં આનંદ હોય અને મન ઉદાર હોય તો એની અનોખી મજા છે. જીવનમાં આપ્યા વગર કશું મળતું નથી. આ અંગે દૃષ્ટાંત કથા બોધરૂપ છે.

એક ભિક્ષુક રાજમાર્ગ પર ઊભો હતો અને ત્યાં સામેથી રાજાની સવારી આવતી નજરે પડી. રાજા સુવર્ણરથ પર બેઠો હતો. તેના આનંદનો પાર રહ્યો નહીં. તેને થયું આજે દળદર ફીટી જશે. રાજા પાસેથી બે ચાર સોનામહોર મળી જશે.

રાજાનો રથ તેની પાસે આવીને ઊભો રહ્યો અને રાજા રથમાંથી ઊતરીને ભિખારી પાસે આવ્યો અને તેની પાસે હાથ લાંબો કરીને ઊભો રહી ગયો અને કહ્યું આજે તારે મને કાંઈક આપવું પડશે. ભિખારીને થયું આ તો લેવાના દેવા થઈ ગયા. રાજાને કશું આપવા જીવ ચાલ્યો નહીં. ભિક્ષુકનો હાથ થેલીમાં ગયો. થેલીમાં મુઠ્ઠીભર ચોખા હતા. પણ આપવા માટે જીવ ચાલ્યો નહીં.

રાજા હાથ પ્રસારીને ઊભો હતો. કાંઈક આપવું પડશે. ભિક્ષુકનું મન કચવાઈ રહ્યું હતું પણ આપ્યા વગર છૂટકો નહોતો. મથામણ પછી તેનો હાથ થેલીમાંથી બહાર નીકળ્યો તેમાં એક ચોખાનો દાણોે હતો તે રાજાના હાથમાં મૂકી દીધો. રાજા પાછો રથમાં બેસીને ચાલ્યો ગયો. પણ ભિક્ષુકનું મન દુ:ખી દુ:ખી થઈ ગયું. તેને થયું કે ગરીબની ખીચડીમાંથી રાજાએ એક દાણો છીનવી લીધો.

આવું વિચારતો વિચારતો દુ:ખી મને તે ઘેર આવ્યો અને થેલી થાળીમાં ઠાલવી તો મુઠ્ઠીભર ચોખામાં એક સોનાનો દાણો હતો.

ભિક્ષુક આ જોઈને દિગ્મૂઢ થઈ ગયો. રાજાના રૂપમાં ભગવાન તેની પાસે આવી ગયા હતા પણ તે મોકો ચૂકી ગયો. તેેને ભારે અફસોસ થયો. તેને થયું મેં આખી થેલી રાજાના હાથમાં કેમ ધરી દીધી નહીં.

પ્રેમનો જાદુ એવો છે માગો તો કશું મળે નહીં અને ન માગો તો બધું પ્રાપ્ત થઈ જાય. પ્રેમમાં કશું કરવાનું હોતું નથી. પ્રેમમય બની જવાનું હોય છે.

પ્રેમ અને કર્તવ્યમાં ફરક છે. માતા માંદગીના બિછાને હોય અને પુત્ર તેની સારવાર માટે બધી વ્યવસ્થા કરે. જોઈતી હોય તે દવા પૂરી પાડે. જરૂર પડે તો નર્સ પણ રાખે. આ ફરજ નિભાવી ગણાય પણ તે માતાની ખુદ સેવા કરે તો તે પ્રેમ ગણાય. જેમની પ્રત્યે પ્રેમ હોય તેની ખુદ સેવા કર્યા વગર આપણે રહી શકીએ નહીં. પ્રેમનો બીજો કોઈ પર્યાય નથી. માણસ જો પ્રેમપૂર્ણ બની જાય તો કશો દંભ રહે નહીં. પ્રેમપૂર્વકનું જે આચરણ છે તે સ્વાભાવિક છે. જે લાદેલું છે તે કૃત્રિમ છે. પ્રેમ જો હોય તો માણસ કોઈની પ્રત્યે જે કાંઈ કરશે તે આનંદપૂર્વક કરશે. પ્રેમ નહી હોય ત્યારે ફરજ અને કર્તવ્ય બોજ બની જાય છે. સંતાનો મા-બાપને ખરેખર પ્રેમ કરતા હોય તો તેમની સેવામાં તેમને આનંદ આવશે. જે સેવામાં પ્રેમ અને આનંદ હોય તે આપણે કર્યા વગર રહી શકતા નથી. તેના વગર જીવી શકીએ નહીં. ધર્મ, પ્રેમ અને આનંદ બને તો તે પરમસુખ છે.

પ્રેમ હોય ત્યાં ભાર લાગે નહીં. એક નાની છોકરી પોતાના ભાઈને ઊંચકીને પહાડ ચડી રહી હતી. કોઈએ તેને પૂછયું આને ઊંચકીને તું ઉપર ચડી રહી છો. તને ભાર નથી લાગતો? છોકરીએ કહ્યું: ભાર શાનો લાગે? આ તો મારો ભાઈ છે? પ્રેમમાં કોઈ શરત નથી, ફરજ નથી, કર્તવ્ય નથી કે કોઈ માગણી નથી. બસ કરવાનો જ આનંદ છે. આ પ્રેમની ધારાને કોઈ રોકી શકતું નથી. સંત કબીરે કહ્યું છે તેમ ‘પ્રેમ ન બાકી ઉપજે પ્રેમ ન હાડ બીકાય’ પ્રેમ ક્યાંય ઉગાડી શકાતો નથી. પ્રેમ બજારમાં કયાંય વેચાતો મળતો નથી. પ્રેમ એ તો અંતરની અભિલાષા છે. તીવ્ર ઝંખના છે. પ્રેમ તો હૃદય અને મનની શુદ્ધ ભાવના છે.

પ્રેમના ત્રણ પ્રકાર છે. એક પ્રેમ છે શરીરનો, બીજો મનનો અને ત્રીજો આત્માનો. શરીર સાથેનો પ્રેમ વાસનાનો છે. એમાં નાદાનિયત છે. પાગલપન છે. તેમાં દુ:ખ અને પીડા છે. બીજો પ્રેમ છે મનનો. સારું- ખરાબ બધું મન કરાવે છે. મન પોતાને ગમે તેવા રંગો પૂરી શકે છે. આ એક ભ્રમણા છે. ત્રીજો પ્રેમ છે આત્માનો. તે શુદ્ધ અને આત્મિક છે. તેમાં કશું કરવાનું નથી પણ કરુણાસભર વહેવાનું છે. પરમાત્મા સુધી પહોંચવાનો આ માર્ગ છે.

પ્રેમપૂર્ણ બનવા અને આનંદપૂર્વક રહેવા માટે કોઈ નક્કર કારણની જરૂર નથી. પ્રેમ જો સ્વભાવ બની જાય તો માણસ ગમે ત્યાં ગમે તેવી પરિસ્થિતિમાં ખુશી અનુભવી શકે છે. સુખ અને દુ:ખમાં પ્રેમ અને આનંદ આપણને ટકાવી રાખે છે. પ્રેમ જો સાચા અર્થમાં સમજાય તો તે ભક્તિ બની જાય. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. પ્રેમ વગરની દુનિયા નિર્ધન છે. પ્રેમમાં મોહ ડુબાડે છે અને ભક્તિ તારે છે ટાગોરે જેમ કહ્યું છે તેમ...

‘મુજ મોહ સઘળો જે બધો

મુક્તિરૂપે સળગી ઊઠો

મુજ પ્રેમ સઘળો જે બધો

ભક્તિરૂપે વ્યાપી રહો’

Sunday, December 20, 2015

પ્રેમ જીવનનું અમૃત: બંધન અને મુક્તિ - મહેન્દ્ર પુનાતર


ભગવાન મહાવીરના વચનો છે પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, દયા અને કરુણા રાખો. દરેકને પોતાનો જીવ વહાલો છે. કોઈ પણ જીવની હત્યા એ આપણી હત્યા છે. સામે ઊભેલો જીવ કોઈ બીજો નથી આપણા આત્માનું જ સ્વરૂપ છે.

અહીં આપણે પ્રેમ શું છે તે સમજવાનો પ્રયાસ કરીએ. ભગવાન મહાવીરે પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ રાખવાનું કહ્યું છે, કારણ કે જ્યાં પ્રેમ હોય તો અહિંસા અસંભવિત બની જાય. આપણે જેને પ્રેમ કરીએ તેને દુ:ખ પહોંચાડી શકીએ નહીં. પ્રેમ હોય ત્યાં ક્રોધ, લોભ કે સ્વાર્થ પણ રહે નહીં.

પ્રેમ એ જીવનનું અમૃત છે. ધન વગર માણસ જીવી શકે પણ પ્રેમ વગરનું જીવન શુષ્ક બની જાય. માણસના તમામ સંબંધો પ્રેમ પર આધારિત છે. પ્રેમમાં સ્વાર્થ આવે ત્યારે પ્રેમ રહેતો નથી પણ સોદો બની જાય છે. પ્રેમ બંધન પણ છે અને મુક્તિ પણ છે. સાધારણ રીતે આપણે જે પ્રેમને જાણીએ છીએ તે એક બંધન છે. તેને પ્રેમ કહેવાનું વ્યર્થ છે. પ્રેમનું બંધન અપેક્ષાઓથી નિર્મિત થાય છે. આપણે સામાન્ય રીતે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે સામે કાંઈક મેળવવાની ઈચ્છા હોય છે. આમાં પ્રેમ સાધન છે સાધ્ય નહીં. આમાં સમગ્ર નજર મેળવવા પર હોય છે અને દેવાનું ગૌણ બની જાય છે. લેવામાં જેટલો રસ રહે છે તેટલો દેવામાં રહેતો નથી. આમાં આપ્યા વગર પ્રેમ મળી જાય તો સોનામા સુગંધ, પણ એવું બને નહીં. પ્રેમ જ એક એવી વસ્તુ છે જે આપ્યા વગર મળતી નથી.

મનુષ્યનો સ્વભાવ છે કે કશું આપવું નથી અને બધું મેળવી લેવું છે, પણ પ્રેમ એવી ચીજ છે જેટલા પ્રમાણમાં આપો તેટલા પ્રમાણમાં મળે. પ્રેમમાં આપણી આકાંક્ષા માત્ર મેળવવાની જ હોય અને આપવાનું બિલકુલ મન ન થાય તો કશું હાથમાં આવતું નથી. કશું મેળવવા માટે જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે તે માત્ર સોદો બનીને રહી જાય છે. આવો પ્રેમ માત્ર દેખાવ બની જાય છે અને સોદામાં તો ઓછું આપીને વધુ મેળવવાનો પ્રયાસ હોય છે. પ્રેમ જ્યારે ધંધાનું, લેવડદેવડનું સ્વરૂપ ધારણે કરે છે ત્યારે સ્વાર્થ અને લોભ ઊભો થવાનો અને છેવટે તેનું પરિણામ રાગદ્વેષમાં આવે છે. આમાં કેટલું આપવું પડ્યું તેનો જ વિચાર આવે છે. સામે કેટલું મળ્યું તેના તરફ નજર જતી નથી. આ પ્રકારનો પ્રેમ હોય ત્યારે બંને જણ લેવામાં ઉત્સુક હોય છે. દેવામાં બિલકુલ રસ પડતો નથી. આ પ્રકારનો પ્રેમ કરનારા માણસોને એમ લાગે છે કે તે બીજા માટે પ્રેમ વરસાવી રહ્યો છે, પણ એટલા પ્રમાણમાં સામે પ્રતિભાવ મળતો નથી. હું આના માટે આટલું બધું કરી રહ્યો છું પણ તેને મારી કાંઈ પડી નથી એવી ફરિયાદો વારંવાર આપણને સાંભળવા મળે છે, પણ તમારો પ્રેમ સામા માણસ સુધી કેમ પહોંચતો નથી તે અંગે કદી વિચાર કર્યો છે કે? આનો અર્થ એ થયો કે તમારા દિલમાં સાચો પ્રેમ નથી. તમારી પાસે જે નથી તે તમે બીજાને કેવી રીતે આપી શકો? પ્રેમ વહાવવા માટે પ્રેમપૂર્ણ બનવું પડે. માનો પ્રેમ હંમેશાં નિર્વ્યાજ હોય છે, પણ મા એમ વિચારે કે મેં દીકરાને માટે આટલું બધું કર્યું, પણ મને શું મળ્યું? પત્નીને એમ થાય કે મેં પતિ માટે શું નથી કર્યંુ અને બદલામાં શું પ્રાપ્ત થયું? જે માણસ એમ વિચારે છે કે આમાં મને શું મળ્યું તો નિશ્ર્ચિત માનજો કે તેણે પ્રેમ કર્યો નથી, પણ ઉપરછલ્લો સંબંધ નિભાવ્યો છે, કર્તવ્ય અદા કર્યંુ છે, ફરજ બજાવી છે. કર્તવ્ય અને ફરજ એ પ્રેમ નથી એક જવાબદારી છે, જ્યારે દૃષ્ટિ મેળવવા પર હોય ત્યારે પ્રેમ પ્રગટ થતો નથી. અપેક્ષાયુક્ત પ્રેમ છેવટે બંધન બની જાય છે. અપેક્ષાઓ, ઈચ્છાઓ પૂર્ણ થતી નથી ત્યારે ખટરાગ ઊભો થાય છે અને પ્રેમના આ કહેવાતા સંબંધો તૂટી જાય છે. આમાં દુ:ખ અને પીડા સિવાય બીજું કશું નિષ્પન્ન થતું નથી.

એક બીજા પ્રકારનો પ્રેમ છે જેમાં લેવડદેવડ નથી. કોઈ અપેક્ષા નથી, સ્વાર્થ નથી, લોભ નથી. જેમાં દેવાની જ વાત છે. લેવાનો કોઈ પ્રશ્ર્ન નથી. પોતાની પાસે જે કાંઈ છે તે બીજાના માટે ન્યોછાવર કરવાની જ ઉત્સુકતા હોય છે. આપણે કોઈને ચાહીએ અને તેની પાસેથી કશું મેળવવાનો જ ભાવ હોય તો તે એક બંધન છે અને સમગ્ર ધ્યાન દેવા પર હોય, ત્યાગ પર હોય, કશુંક કરી છૂટવા પર હોય તો તે એક મુક્તિ છે. આવો પ્રેમ સુગંધમય બને છે. પ્રભુ માટે પણ આપણો પ્રેમ એવો હોવો જોઈએ. પ્રભુને આપણે કહીએ કે પ્રભુ મારે તારી કૃપા સિવાય બીજું કશું જોઈતું નથી. તે મને પર્યાપ્ત આપ્યું છે. પ્રભુએ તો આપણને ઘણું બધું આપ્યું છે, પણ જે આપણને મળ્યું છે તેના તરફ નજર જતી નથી, પણ જે વસ્તુ આપણાથી દૂર છે તેના તરફ મન લલચાયા કરે છે. કાંઈક ને કાંઈક સુખ તો દરેક માણસ પાસે છે, પણ તેનો આનંદ માણતા આપણને આવડતું નથી. પ્રેમમાં માગ નથી. અપેક્ષા નથી, ઈચ્છા નથી, લાલસા નથી તો દુ:ખ પીડાનું કોઈ કારણ નથી. જ્યારે મન આપવામાં ઉત્સુક હોય અને કોઈ તેનો સ્વીકાર કરે ત્યારે અપાર આનંદ ઊભો થાય છે.

જેમનું ધ્યાન માત્ર લેવા પર છે તેમનો ભીક્ષાભાવ વધતો જાય છે. ભીખારીને કદી સંતોષ થતો નથી. તે મળવા છતાં કદી કોઈનો આભાર માની શકતો નથી. તેને જે મળે છે તે ઓછું લાગે છે અને તેનો હાથ હંમેશાં લાંબો જ રહે છે. જીવનનો ક્રમ છે માગીએ તે મળે નહીં અને ન માગીએ તે દોડતું આવે. આપણે જ્યારે કાંઈ કોઈને આપીએ ત્યારે મન ઉદાર હોવું જોઈએ. આપ્યા પછી અફસોસ અને કચવાટ થાય તો તેનું સારું પરિણામ ઊભું થતું નથી. આ અંગે એક કથા બોધરૂપ છે.

એક ભિક્ષુક રાજમાર્ગ પર ઊભો હતો અને ત્યાં સામેથી રાજાનો સુવર્ણ રથ આવતો જોયો. તેની ખુશીનો પાર રહ્યો નહીં. તેને થયું આજે દળદર ફીટી જશે. બે-ચાર સોનામહોર મળી જશે.

રાજાનો રથ તેની પાસે આવીને ઊભો રહ્યો અને રાજા રથમાંથી ઊતરીને તેની પાસે આવ્યા અને હાથ લાંબો કરીને ઊભા રહી ગયા. આ તો લેવાના દેવા થયા. રાજાનો હાથ પાછો ઠેલાય નહીં. ભિક્ષુકનો હાથ થેલીમાં ગયો. તેમાં મુઠ્ઠીભર ચોખા હતા, પરંતુ આપવા માટે જીવ ચાલ્યો નહીં.

રાજા હાથ પ્રસારીને ઊભો હતો. કાંઈક આપવું પડશે. ભિક્ષુકનું મન કચવાઈ રહ્યું હતું. મથામણ પછી તેનો હાથ બહાર નીકળ્યો. તેમાં ચોખાનો એક દાણો હતો તે રાજાના હાથમાં મૂકી દીધો. રાજા આ પછી ચાલ્યો ગયો. ભિક્ષકનું મન દુ:ખી દુ:ખી થઈ ગયું. તેને થયું કે ગરીબની ખીચડીમાંથી રાજાએ એક દાણો છીનવી લીધો.

આવું વિચારતો વિચારતો તે ઘેર આવ્યો અને થેલી થાળીમાં ઠાલવી તો મુઠ્ઠીભર ચોખામાં એક સોનાનો દાણો હતો.

ભિક્ષુક આ જોઈને દિગ્મૂઢ થઈ ગયો અને ભારે અફસોસ થયો. તેને થયું કે મેં આખી થેલી રાજાના હાથમાં કેમ ઠાલવી ન દીધી.

કોઈને કાંઈ આપીએ તેમાં પ્રેમ ન હોય, મજબૂરીથી આપીએ, કર્તવ્ય નીભાવવા આપીએ તો તેમાં કશી બરકત રહેતી નથી. તેમાં આનંદ આવતો નથી. પ્રસન્નતા રહેતી નથી. પ્રેમમાં પણ જ્યારે માત્ર કર્તવ્ય અને ફરજ નિભાવવાનો ખ્યાલ આવે છે ત્યારે સાચો પ્રેમ રહેતો નથી. પ્રેમમાં સેવા અને સમર્પણ ન હોય તો એ માત્ર દેખાવ બની જાય છે. પ્રેમનો એ જાદુ છે. માગો તો કશું મળે નહીં અને ન માગો તો બધું દોડતું આવે.

પ્રેમનો ત્રીજો ભાવ અને ત્રીજી અવસ્થા પરમ અવસ્થા છે. તેના સુધી પહોંચવાનું માણસનું ગજું નથી. આમાં લેવાનો કે કશું મેળવવાનો તો સવાલ નથી, પરંતુ કશો આપવાનો પણ પ્રશ્ર્ન રહેતો નથી. આમાં આપવા અને લેવાની વાત ગૌણ બની જાય છે. એમાં તો અપાર કરુણા વહે છે. આવો કરુણાસભર માણસ જ્યાંથી પણ પસાર થાય ત્યાં પ્રેમના પુષ્પો ખીલી ઊઠે છે અને તેની સુગંધ ચોમેર પ્રસરે છે. આવા પ્રજ્ઞ પુરુષોની છાયામાં આપણને બધું મળી રહે છે. પરમાત્માનું સાંનિધ્ય આવું છે. પ્રેમની આ ધારા વહેતી રહે છે અને તેનો એક યા બીજી રીતે આપણને સાક્ષાત્કાર થતો રહે છે.

એક પ્રેમ છે શરીરનો, બીજો પ્રેમ છે મનનો અને ત્રીજો પ્રેમ છે આત્માનો. આ ત્રીજો પ્રેમ શુદ્ધ અને આત્મિ છે. એમાં કશું કરવાનું નથી. કરુણાસભર વહેવાનું છે. આ પ્રેમ જ આપણને પરમાત્મા સુધી પહોંચાડી શકે છે.