યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક
હમણાં
જ આપણે ગાંધી જયંતી ઊજવી અને ગાંધીજીના ગુણગાન ગાયા. હિંદુસ્તાનને આઝાદ
કરવામાં તેમણે જે ફાળો આપ્યો એ વિશે તો બધા જ જાણે છે પણ જે આઝાદી મેળવવા
માટે ગાંધીજીએ પોતાનું સર્વસ્વ હોમી દીધું એ આઝાદી મળી ગયા પછી આપણે એટલે
કે ભારતીયોએ તેમની દશા શું કરી હતી? જે આઝાદી મેળવવા માટે તેમણે પોતાની
આહુતિ આપી હતી એ મળી ગયા પછી શું ગાંધીજી ખુશ હતા? ગાંધીજીની છબી આપણા
મનમાં એકદમ જ પોઝિટિવ એટલે કે વિધેયાત્મક વ્યક્તિત્વની છે પણ આ જ ગાંધીજી
તેમની જિંદગીના છેવટના દિવસોમાં ખૂબ જ નિરાશ અને ઉદાસ થઈ ગયા હતા.
બ્રિટિશરો આપણને આઝાદી આપવાની જાહેરાત કરી ત્યારપછીની ઘટનાઓ તેમ જ આઝાદી
પછીનો જે સમય ગાંધીજી જીવ્યા એ દિવસોમાં તેઓ ખૂબ જ દુ:ખી અને વ્યથિત હતા.
તેમની આ વ્યથા અને પીડા તેમણે પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરી છે.
૨ ઑક્ટોબર ૧૯૪૭ના દિલ્હી ખાતેની તેમની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ કહ્યું હતું, મારા દિલમાં દુ:ખ અને સંતાપ સિવાય કશું નથી. એક જમાનો હતો જ્યારે જનતા મારી દરેક વાત માનતી હતી, પરંતુ આજે મારી વાત કોઈ નથી સાંભળતું.’ છેવટના આ દોઢેક વર્ષના કાળમાં ગાંધીજીએ જે પ્રવચનો આપ્યા છે એમાં નિરાશા અને દુ:ખનો સૂર જ સંભળાય છે. જે ગાંધીજીએ જ્યારે તેમને સો વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા આપી હતી ત્યારે કહ્યું હતું કે મારે તો સવાસો વર્ષ જીવવું છે એ જ ગાંધીજી ૭૮મા વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરતા હતા કે હવે મારે વધુ જીવવું નથી, હે પરવરદિગાર મને ઊંચકી લે! ૧૭મી સપ્ટેમ્બર ૧૯૪૭ના પ્રાર્થનાસભામાં ગાંધીજીએ પોતાની આ ઇચ્છા વ્યક્ત કરી હતી એટલું જ નહીં પણ આખા દેશને વિનંતી કરી હતી કે બધા જ તેમની આ પ્રાર્થનામાં સામેલ થાય. આ પ્રાર્થનાસભામાં તેમણે જનમેદનીને સંબોધીને કહ્યું હતું, મેં તો પોતાનો નિર્ણય કરી લીધો છે. ભાઈ-ભાઈ વચ્ચે ચાલી રહેલી આ કત્લેઆમથી હિંદુસ્તાનની બરબાદી જોવા માટે હું જીવવા નથી માગતો. આ બધું જોયા પછી ઈશ્વર મને પાછો બોલાવી લે એવી પ્રાર્થના હું હરદમ કરતો રહું છું અને તમે બધા પણ મારી આ પ્રાર્થનામાં સામેલ થાઓ એવી મારી આપ સૌને વિનંતી છે.’ જેમને આપણે આપણા રાષ્ટ્રપિતા કહીએ છીએ, તેઓ એક એવા ભારતીય છે જેમનું નામ આજે પણ વિશ્વભરમાં આદર સાથે લેવામાં આવે છે એવી વ્યક્તિને પોતાના જ દેશમાં અને એ પણ આઝાદીનું સપનું સાકાર થઈ ગયા બાદ મૃત્યુની યાચના કરવી પડે એનાથી વધારે કરૂણ બાબત બીજી કઈ હોઈ શકે? જેમણે પોતાના જીવનના ૨૦૮૯ દિવસ આ દેશ માટે જેલમાં વીતાવ્યા, આપણને સ્વમાનપૂર્વક જીવતા શીખવ્યું, જે બ્રિટિશ સલ્તનત સામે એકલા અને અડીખમ ઊભા રહ્યા તે રાષ્ટ્રપિતાની હાલત આપણે શું કરી નાખી હતી? આનો જવાબ ૪થી ઑક્ટોબર ૧૯૪૭ના દિવસે ખુદ ગાંધીજીએ કહેલા શબ્દોમાં સાંભળીએ જ્યાં સુધી ગુલામ હતા એ સમય સુધી હું તમારા માટે કામનો હતો અને આઝાદ હિંદુસ્તાનમાં શું કોઈને મારી જરૂરત નથી?’ ગાંધીજીને લાગવા માંડ્યું હતું કે ભારત દેશના લોકો જે એક વખત તેમની એક હાકલ પર જીવ ન્યોચ્છાવર કરવા તૈયાર હતા તેમના માટે હવે તેઓ નિરર્થક, નક્કામા અને આઉટડેટેડ થઈ ગયા છે. કૌટુંબિક ભાવનાઓ અને મૂલ્યોની દુહાઈ દેતા આપણા દેશમાં આજે અનેક વૃદ્ધો જે લાગણી અનુભવે છે કંઈક એવી જ હાલત એ વખતે ગાંધીજીની કરી મૂકવામાં આવી હતી. આપણા સમાજમાં કોઈ વ્યક્તિ જીવનભર મહેનત કરીને પોતાના કુટુંબ માટે કમાઈ લાવે, બધાની જરૂરિયાતો પૂરી કરે ત્યાં સુધી બધા લોકો તેને ઈજ્જત અને આદર આપે છે પણ જે દિવસે તે નિવૃત્ત થઈ જાય કે તે કામ કરવાને લાયક ન રહે ત્યારે ઘણાં હિંદુસ્તાની ઘરોમાં તે માણસ નકામો લાગવા માંડે છે. તેના સક્રિય કાર્યકાળમાં જ્યારે ઘરમાં કોઈ તેમની સામે ઊંચા સાદે વાત કરવાની હિંમત નહોતું કરતું તેની સદંતર અવગણના થવા માંડે છે. બસ, જિંદગીના છેવટના વર્ષોમાં હિંદુસ્તાનીઓએ ગાંધીજી સાથે કંઈક આવો જ વ્યવહાર કર્યો હતો. બીજા બધાં તો ઠીક પણ ગાંધીજીના ડાબા અને જમણા હાથ સમા જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ પણ તેમની અવગણના કરી રહ્યા છે એવી પ્રતીતિ ગાંધીજીને થઈ રહી હતી. હિંદુસ્તાનને આઝાદી મળી એ દિવસોમાં ગાંધીજી બંગાળના નોઆખલીમાં એકલા પગપાળા ઘૂમી રહ્યા હતા અને હિંદુ-મુસ્લિમો વચ્ચે ચાલી રહેલા કોમી રમખાણોને કાબૂમાં લાવવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જવાહરલાલ નહેરુએ ગાંધીજીના આ પ્રયાસો અંગે નારાજગી વ્યક્ત કરતા હતું કે, મલમ લઈને ગાંધી હિંદના શરીર પર ઊઠી આવેલા ફોડલાઓની સારવાર કરવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યા છે એને બદલે તેમણે દેશના આખા શરીર પર આ ફોડલાઓ શા માટે ઊઠી આવ્યા છે એનું નિદાન કરવામાં ભાગ લેવો જોઈએ.’ ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકમાં આ નોંધ કરવામાં આવી છે. જવાહરલાલ નહેરુનો ગાંધીજીના વિચારો સાથે મતભેદ શરૂ થઈ ગયો હતો એ વાત લોર્ડ માઉન્ટબેટનના ધ્યાનમાં આવી હતી અને જ્યારે તેમને અહેસાસ થયો કે ગાંધીજી અને નેહરુ વચ્ચે વિચારભેદ શરૂ થઈ ગયા છે ત્યારે તેમને હાશકારો થયો હતો કારણ કે તેમને ખાતરી થઈ હતી કે હવે તેઓ આસાનીથી દેશના ભાગલાનો પ્રસ્તાવ મૂકી શકશે. દેશના ભાગલાનો વિરોધ કરનારો એ વખતે એકમાત્ર અવાજ હતો ગાંધીજીનો. નહેરુ અને સરદાર બંને ગાંધીજી સાથે આ મુદ્દા પર સહમત નહોતા અને એટલે તેમણે આ ભાગલા સ્વીકારવા પડ્યા હતા. ફ્રીડમ એટ મિડનાઈટ પુસ્તકમાં આ વિષયનો ઉલ્લેખ કરતા નોંધાયું છે કે હિંદુસ્તાન અખંડ રહે અને તેના ભાગલા ન પડે એના વિરોધમાં ગાંધીજી માત્ર એટલા માટે નહોતા કે તેમની પોતાના દેશ પ્રત્યે માત્ર કોઈ ગૂઢ ભક્તિ હતી, પરંતુ એના કારણે મારકાપ થશે અને પાડોશી બીજા પાડોશી પર હુમલો કરશે. ગાંધીજી એવું માનતા હતા કે જે ભૂલ કરવા માટે બધા કટિબદ્ધ છે એની કીમત તેમણે અનેક સદીઓ સુધી અને આવનારી અનેક પેઢીઓએ ચૂકવવી પડશે.’ જો કે કરૂણતા એ હતી આઝાદી પછી ગાંધીજીની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. ગાંધીજીએ ખુદ એ વખતે તેમના એક મિત્રને કહ્યું હતું કે, આ લોકો મને મહાત્મા કહેતા હતા પરંતુ મારી હેસિયત તેમના માટે એક ઝાડુવાળા જેટલી પણ નથી.’ છેવટના દિવસોમાં જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ વચ્ચે પણ અણબનાવ થઈ ગયા હતા. ગાંધીજી આ દિવસોમાં ખૂબ જ એકલતા અનુભવતા હતા. તેમની જીવનસંગિની કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈએ પણ આ પૃથ્વીના પટ પરથી વિદાય લઈ લીધી હતી. તેમનો સૌથી મોટો દીકરો હરિલાલ તો તેમનાથી બહુ દૂર થઈ ચૂક્યો હતો અને જેમને તેઓ સગા દીકરાથી પણ વિશેષ ગણતા હતા તે નહેરુ અને સરદાર વચ્ચે વૈચારિક મતભેદ વધી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ કે સામાન્ય જનતા પણ તેમની વાત કાને ધરતી નહોતી. સ્વયં બાપુએ એ દિવસોમાં કહ્યું હતું, આજે મારી હાલત દીન છે. આજે કોણ મારી વાત સાંભળે છે? એક જમાનો હતો જ્યારે લોકો એ જ કરતા હતા જે હું કહેતો હતો.’ ગાંધી જયંતીના કે સ્વાતંત્રય દિવસ અથવા એવા કોઈ દિવસોએ કે પછી ચૂંટણી વખતે આપણે ગાંધીજીને યાદ કરતા હોઈએ છીએ પણ હકીકત એ છે કે ગાંધીજી જીવતા હતા ત્યારે જ આપણે વિસારે પાડી દેવાની શરૂઆત કરી દીધી હતી. |
Showing posts with label ગીતા માણેક. Show all posts
Showing posts with label ગીતા માણેક. Show all posts
Friday, October 3, 2014
સવાસો વર્ષ જીવવા માગતા ગાંધીજી ૭૮ વર્ષે મૃત્યુ માટે યાચના કરતા હતા! - ગીતા માણેક
Monday, May 19, 2014
આપણને સુખ ક્યારે, ક્યાં અને કેવી રીતે મળે છે?- ગીતા માણેક
જ્યારે
એ સમજણ આવે છે કે સુખ તો મનના થંભી જવાથી મળે છે અને બહારની વસ્તુઓ તો
મનને ક્ષણભર માટે પણ ઓગાળી દેવા માટેનું નિમિત્ત છે ત્યારે આપણે સુખ શોધવા
બહાર નથી દોડતા, પણ અન્તર્યાત્રાના માર્ગ પર નીકળી પડીએ છીએ
યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક
થોડા
વખત પહેલા મુંબઈમાં બે દિવસના વર્કશોપનું આયોજન થયું હતું. નામ હતું એનું
અન્તર્યાત્રા અર્થાત ભીતરની યાત્રા. આ અન્તર્યાત્રાના સૂત્રસંચાલક કંચન
બબ્બરે પહેલા જ દિવસે ત્યાં હાજર રહેલાઓને પહેલો સવાલ પૂછ્યો. તમારા જીવનનો
હેતુ શું છે? તમે જીવનમાં શું પ્રાપ્ત કરવા ઇચ્છો છો? (આ સવાલ આપણે પણ
પોતાને પૂછી શકીએ)
કેટલાક લોકોએ જવાબ આપ્યો અમે આત્મસાક્ષાત્કાર કરવા માગીએ છીએ. કેટલાંકે કહ્યું અમે સ્વથી પરિચિત થવા માગીએ છીએ. એકાદ-બે યુવાનો ઈમાનદાર હતા તો તેમણે કહ્યું કે અમારે તો પૈસાદાર થવું છે, અંબાણીઓ જેવા સફળ થવું છે, મર્સિડીઝ કે બીએમડબ્લ્યુ જેવી કારમાં ફરવું છે, બંગલામાં રહેવું છે. જો તમને આ પ્રશ્ન પૂછવામાં આવે અથવા તમે પોતાને આ પ્રશ્ન પૂછ્યો હશે તો દરેકનો જવાબ અલગ-અલગ આવ્યો હશે કે મારા લગ્ન થઈ જાય, મને પુત્રપ્રાપ્તિ (પુત્રી તો ભાગ્યે જ કોઈ ઝંખતું હશે) થઈ જાય, મારા ધંધામાં બરકત આવે, મારા છૂટાછેડા થઈ જાય, મારા દીકરાને અમેરિકાના વિઝા મળી જાય, મારી દીકરીના ઓસ્ટ્રેલિયામાં લગ્ન થઈ જાય, મારી પાસે હીરાનો નેકલેસ હોય, મને ઓસ્કર નહીં તો ફિલ્મફેઅર, નોબેલ નહીં તો જ્ઞાનપીઠ અને નહીં તો રોટરી ક્લબનો તો ઍવોર્ડ મળી જાય, ભાડાના ઘરમાંથી પોતાની માલિકીના ફ્લેટમાં રહેવા જાઉં... યાદી લાંબી થઈ શકે છે. આ વર્કશોપના સૂત્રસંચાલકે કહ્યું બધાનો જવાબ ખોટો છે. આવું સાંભળીને આંચકો લાગે એ સ્વાભાવિક હતું. કદાચ તમને પણ લાગ્યો હશે, પરંતુ શાસ્ત્રનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે ખરેખર તો આપણા આ બધા લક્ષ્ય પાછળનો હેતુ એક જ છે અને એ છે સુખ મેળવવાની આકાંક્ષા. હા, શક્ય છે કે આપણે એ સુખ મેળવવા જુદી-જુદી વ્યક્તિઓ, વસ્તુઓ કે સ્થિતિઓ સુધી જઈએ પણ મૂળમાં આપણને બધાને જોઈએ છે એક જ વસ્તુ-સુખ. દરેક વ્યક્તિને પોતાનું સુખ અલગ-અલગ જગ્યાએ છે એવું લાગે છે. કોઈને પોતાનું સુખ પૈસામાં, કોઈને પુત્રમાં, કોઈને નોકરીમાં, કોઈને પ્રતિષ્ઠા કે ખ્યાતિમાં, કોઈને ફેસબુક પર કેટલા લાઈક મળે છે એમાં તો કોઈને દિલ્હીમાં વડા પ્રધાનપદની ખુરશીમાં તો કોઈને એ ખુરશી પર પોતાને યોગ્ય લાગતી વ્યક્તિને બેસાડવામાં સુખ મળશે એવું લાગે છે. આ વખતે ભાજપ અને ખાસ તો તેનું કેમ્પેઈન કરનારાઓએ માનવીની સુખ માટેની આ ઝંખનાની નસ બરાબર પકડી અને એક આભાસ ઊભો કર્યો કે બસ, ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી આવી જશે એટલે દેશમાં સુખ જ સુખ થઈ જશે. દિલ્હીથી સુખની ગંગા વહેવા માંડશે અને સૌ દેશવાસીઓ ખોબેખોબા ભરી-ભરીને એમાંથી સુખ પી શકશે. ખેર, આપણી વાત પર પાછા આવીએ તો શાસ્ત્રો કહે છે કે માનવીને સુખ જોઈએ છે અને એ પણ કેવું? જે સદૈવ એટલે કે હરહંમેશ હોય, બધી વસ્તુઓમાંથી મળે, જે સર્વત્ર હોય એટલે કે હું ક્યાંય પણ હોઉં પણ મને સુખ મળતું રહે, મારું સુખ કોઈ પર નિર્ભર ન હોય મતલબ કે કોઈ આવે તો હું સુખી થાઉં અને કોઈ જાય તો હું દુ:ખી થાઉં, મને પૈસા મળે તો હું સુખી અને ન મળે તો દુ:ખી તો એનો મતલબ એ થયો કે મારું સુખ પૈસા પર નિર્ભર છે. સારરૂપે કહીએ તો આપણે બધા એવું સુખ શોધતા હોઈએ છીએ જે સદૈવ, સર્વ વસ્તુમાંથી, સર્વત્ર, શુદ્ધ અને સ્વતંત્ર હોય. કહેવાય છે કે આવું સુખ ખરેખર અસ્તિત્ત્વ ધરાવે છે અને દરેક માનવીને એ મળી શકે છે પણ એના માટે એક લાંબી અન્તર્યાત્રા કરવી પડે છે. આ સુખ પામવા માટેની ચાવીઓ અને રસ્તાઓ સંત, મહાત્મા કે જ્ઞાનીજનો આપી શકે છે. પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિતિ થાય છે કે તો પછી જીવનમાં આપણે અનેકવાર જે સુખ અનુભવ્યું છે એ શું ખોટું હતું? આપણે જીવનમાં ઘણી વાર સુખી થયા છીએ, દુ:ખી વધુ થઈએ છીએ એ જુદી વાત, પણ જ્યારે-જ્યારે સુખ અનુભવ્યું એ આપણો સુખનો અનુભવ શું એક ભ્રમણા હતી? ના, એવું બિલકુલ નથી. આપણે જે-જે ઘડીએ સુખ અનુભવ્યું હતું એ સુખની અનુભૂતિ તો સત્ય હતી પણ આપણે અમુક-તમુક વસ્તુ કે વ્યક્તિ અથવા પરિસ્થિતિને કારણે આપણે સુખી થયા હતા એવું માનવું એક ભ્રમણા હતી એવું કહી શકાય. આને બીજા શબ્દોમાં મૂકીએ તો માની લો કે પરેશ નામનો એક એકદમ ગરીબ છોકરો છે. તેને લાગે છે કે જો તેની પાસે એક કાર હોય તો તે સુખી થઈ જાય. ધારો કે પરેશે ખૂબ મહેનત કરી, નસીબે તેને સાથ આપ્યો અને તેને સારા પગારની નોકરી મળી ગઈ, બેન્કે તેને કાર લેવા માટે લોન પણ આપી. પરેશ એક નવીનક્કોર કાર લઈ આવ્યો. કારને હાર પહેરાવી, તેની સામે રસ્તા પર શ્રીફળ વધેરીને તેણે કાર સ્ટાર્ટ કરી. હનુમાનજીના મંદિરે લઈ ગયો. પરેશ ખુશખુશાલ થઈ ગયો. તેને લાગ્યું કે તેને તેનું સુખ મળી ગયું. વીક-એન્ડમાં તે પરિવારને લઈને લોનાવલા કે પછી કોઈ રિસોર્ટમાં લઈ ગયો. આપણે એમ ન કહી શકીએ કે પરેશે કાર મેળવીને જે અનુભવ્યું એ સુખ નહોતું પણ શું ખરેખર પરેશને એ સુખ કારમાંથી મળ્યું હતું? બીજો એક દાખલો લઈએ. હેમા હનીમૂન પર સ્વિત્ઝરલેન્ડ ગઈ હતી. ત્યાં તેના પતિના ખભા પર માથું ઢાળીને હાથમાં હાથ પરોવીને હેમાએ પહાડની પાછળ ધીમે-ધીમે અલોપ થઈ જતા સૂર્યને જોયો હતો ત્યારે હેમાને સૌથી વધુ સુખ થયું હતું. હેમાનું સુખ તેની ભ્રમણા હતી? એક વાર્તા વાંચી હતી કે એક વૃદ્ધ રાજાની રાણી રાજ્યના યુવાન અને હેન્ડસમ સેનાપતિ સાથે પ્રેમમાં પડી. રાજા ખૂબ જ ગિન્નાયા અને તેમણે બંનેને ફાંસી આપવાનું નક્કી કર્યું પણ તેમના સમજદાર પ્રધાને રાજાને સલાહ આપી કે આવું કરશો તો પ્રજાની સહાનુભૂતિ પ્રેમીઓ તરફ રહેશે અને લોકો તમને ધિક્કારશે. પ્રધાનની સલાહ મુજબ રાજાએ તેની રાણી અને તેના પ્રેમીને એક રૂમમાં પૂરી દીધા. એ રૂમમાં બાથરૂમ કે શૌચાલય નહોતું. થોડાક કલાક તો પ્રેમીપંખીડાઓને લાગ્યું કે અત્યારસુધી ચોરીછૂપીથી મળવું પડતું હતું. થોડા કલાક પ્રેમાલાપ અને એવું બધું ચાલ્યું પણ થોડા જ દિવસોમાં તો બંને એકબીજાના દુશ્મન બની ગયા અને એકબીજાને ધિક્કારવા માંડ્યા. તેમના શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી. જે પ્રેમી અને પ્રેમિકા એકબીજા વિના જીવી નહોતા શકતા તે એકબીજાને મારવા તૈયાર થઈ ગયા હતા. જે પ્રેમી અને પ્રેમિકા સુખનું કારણ હતા તે જ દુ:ખદાયક બની ગયા. તો શું તે પ્રેમી અને પ્રેમિકાને અગાઉ એકબીજા પાસેથી સુખ મળતું હતું એ તેમની ભ્રમણા હતી? કેટલીક વ્યક્તિઓ કહે છે કે અમુક ગાયકને અમે સાંભળીએ કે અમુક ગીત સાંભળીએ, અમુક પુસ્તક વાંચ્યુ ત્યારે સુખની અનુભૂતિ થઈ હતી, કેટલાંકને પાણીપુરીમાંથી કે ચોક્કસ બ્રાન્ડની ચોકલેટ કે મેન્ગો આઇસક્રીમ ખાઈને સુખની અનુભૂતિ થાય છે. હવે આ બધાં જ ઉદાહરણોમાં બધાને સુખની અનુભૂતિ થઈ હતી એ સત્ય છે. તેમનો અનુભવ તેમના માટે હકીકત છે. પરેશે મારુતિ અલ્ટો કાર લીધી તો એમાં તેને સુખ થયું હતું, પણ દરેક વ્યક્તિને શું મારુતિ અલ્ટો કાર મળવાથી સુખ થઈ શકે? જેની પાસે મારુતિ અલ્ટો હોય તેને મર્સિડીઝમાં પોતાનું સુખ લાગે. બીજી વાત, પરેશને મારુતિ અલ્ટોમાંથી કેટલા દિવસ સુખ મળશે? જો મારુતિ અલ્ટોમાં જ પરેશનું સુખ હોય અને પરેશને ફરજ પાડવામાં આવે કે તેણે મારુતિ અલ્ટો કારમાં જ ખાવાનું, સૂવાનું, રહેવાનું તો શું એ મારુતિ અલ્ટો તેના સુખનું કારણ બની રહેશે? હેમાને સ્વિટ્ઝરલેન્ડમાં સૂર્યાસ્ત જોવામાં સુખ લાગ્યું હતું, પણ જો હેમાને કહેવામાં આવે કે તેણે સ્વિટ્ઝરલેન્ડમાં જ રહેવાનું છે અને દરરોજ સાંજે સૂર્યાસ્ત જોવાનો છે તો હેમાને એમાંથી સુખ મળશે? જેમને પાણીપૂરી ખાવાથી સુખ થતું હોય તેમને કહેવામાં આવે કે તમને હવેથી રોજ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સ્નેક્સમાં પાણીપૂરી જ આપવામાં આવશે તો શું તેને પાણી પુરીમાંથી સુખ મળશે? આ બધાનું તારણ એટલું જ કે આપણને સુખ આપણે માનીએ છીએ એ વસ્તુઓમાંથી, વ્યક્તિઓ પાસેથી કે સ્થિતિઓમાંથી નથી મળતું. આપણે જે અનુભવીએ છીએ એ સુખ ભ્રમણા નથી એ તો સત્ય જ છે, પણ ભ્રમણા છે આપણી એ માન્યતા કે આપણને સુખ અમુક વસ્તુ, વ્યક્તિ કે સ્થિતિમાંથી પ્રાપ્ત થયું. ઉપર જણાવેલાં બધાં જ ઉદાહરણોમાં તે-તે વ્યક્તિને એ-એ સંજોગો અને વસ્તુઓમાંથી સુખની અનુભૂતિ થઈ હતી. જેવી આપણને પણ અનેક વાર થાય છે પણ એ સુખનો સ્ત્રોત એ વસ્તુમાં નથી એટલું તો હવે સ્પષ્ટ થઈ જ ગયું હશે. તો પછી સુખ ક્યાં હતું? વેલ, આપણે પોતે જ્યારે-જ્યારે સુખનો અનુભવ કર્યો હતો ત્યારે એક્ઝેક્ટલી શું થયું હતું એને રિવાઇન્ડ કરીશું તો આ સવાલનો જવાબ મળી જશે. આપણને જ્યારે-જ્યારે સુખનો અનુભવ થાય છે ત્યારે એ ક્ષણ પૂરતું આપણું મન થંભી જાય છે. આપણા મનની બધી જ દોડ અટકી જાય છે અને જ્યારે-જ્યારે એવું થાય છે ત્યારે-ત્યારે આપણને સુખની અનુભૂતિ થાય છે. આ બાબત તરફ આપણે પોતે ધ્યાન નથી આપતા અને એવું કરવાનું આપણને કોઈ શીખવતું પણ નથી. એટલે જિંદગીભર આપણે એ વસ્તુઓ, વ્યક્તિઓ કે સ્થિતિઓ ફરી-ફરી ઝંખતા રહીએ છીએ જ્યાંથી આપણને સુખ મળ્યું હતું. જેમ કે તીખું ચટાકેદાર ખાવાથી સુખની અનુભૂતિ થાય છે એવું આપણા મનમાં એટલી હદે ઠસી ગયું હોય છે કે આપણે એ સુખ મેળવવા વારંવાર એ વાનગીઓ ખાઈ-ખાઈને તબિયત બગાડી બેસીએ છીએ અને જ્યાં આપણે સુખ મેળવવા જતા હતા ત્યાંથી દુ:ખ લઈને આવીએ છીએ. જ્યારે એ સમજણ આવે છે કે સુખ તો મનના થંભી જવાથી મળે છે અને બહારની વસ્તુઓ તો મનને ક્ષણભર માટે પણ ઓગાળી દેવા માટેનું નિમિત્ત છે ત્યારે આપણે સુખ શોધવા બહાર નથી દોડતા પણ અન્તર્યાત્રાના માર્ગ પર નીકળી પડીએ છીએ, કારણ કે સુખ આપણી ભીતર જ છે એનું જ્ઞાન થઈ જાય છે. એક વાર મનને થંભાવી દેતા આવડી જાય તો પછી જ્યારે, જે ઘડીએ, જે પરિસ્થિતિમાં હોઈએ ત્યાં સુખ જ સુખ થઈ પડે છે. મનને થંભાવીને સદૈવ, સર્વવસ્તુમાંથી, સર્વત્ર, શુદ્ધ અને સ્વતંત્ર સુખ પામવાની યુક્તિ તો કોઈ જ્ઞાની સંત, સદ્ગુરુ, મહાત્મા કે યોગી જ આપી શકે. |
Subscribe to:
Posts (Atom)