Pages

Sunday, August 28, 2016

સાધના અને મુક્તિનો માર્ગ - મહેન્દ્ર પુનાતર

જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ સાધના અને મુક્તિનો માર્ગ
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

જ્ઞાન, દર્શન, અને ચારિત્ર્ય અને તપ એ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનથી માણસ જાણી શકે છે, સમજી શકે છે. દર્શનથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ચારિત્ર્યથી નિરોધ, નિષેધ અને ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે. ચારિત્ર્ય એટલે સંયમ, ત્યાગ અને તપથી શરીર અને મન વિશુદ્ધ થાય છે. આ એક સાધના છે. પર્યુષણ પ્રસંગે આ ભક્તિ-સાધના વધુ બળવતર બને અને આ ચેતનાનો પ્રકાશ અંતરમન સુધી પહોંચે એવા પ્રયાસો કરવાના છે.

જ્ઞાનથી આપણે વસ્તુને પદાર્થને જાણી અને સમજી શકીએ. પરંતુ માત્ર જાણવું પુરતું નથી. એમાં સંપૂર્ણ શ્રદ્ધા ઊભી થવી જોઇએ અને તે પ્રકારનું આચરણ ઊભું થવું જોઇએ. જાણવું એ ઉપરછલ્લી બાબત છે. માત્ર જાણી લેવાથી શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. જ્યાં સુધી આપણને પોતાને તેનું યથાર્થ દર્શન ન થાય. પ્રતીતિ ન થાય અને જ્યાં સુધી આપણે આપણી પોતાની આંખોથી જોવાનું શરૂ ન કરીએ ત્યાં સુધી સત્યદર્શન અને શ્રદ્ધા ઊભી થતી નથી. કોઇ બાબતમાં વિશ્ર્વાસ એ ઉભો થાય પરંતુ વિશ્ર્વાસ એ શ્રદ્ધા નથી વિશ્ર્વાસ એ ભરોસો છે. કોઇની પાસેથી જે અપેક્ષા હતી તે પૂર્ણ થાય એટલે વિશ્ર્વાસ ઊભો થાય છે અને આવું વારંવાર બને ત્યારે વિશ્ર્વાસ દૃઢ થાય છે.

આપણે ધાર્યું હતું તેવું થયું અને આપણે ધાર્યું હતું તેવું ન થયું એટલે વિશ્ર્વાસ તૂટી ગયો. આ એક શરત છે. શ્રદ્ધામાં એવી કોઇ શરત હોતી નથી. એમાં અપેક્ષા નથી. ગમે તે બને, સારું નરસું પણ શ્રદ્ધા ટકી રહે છે. આ આપણું પોતાનું દર્શન છે. આ આપણો પોતાનો અનુભવ છે. વિશ્ર્વાસ ઉપરનો છે. શ્રદ્ધા અંતરની છે. કોઇએ જોયું આપણે સાંભળી લીધું અને માની લીધું તેનાથી શ્રદ્ધા ઊભી નહીં થાય અને કદાચ ઊભી થશે તો એ જુઠ્ઠી હશે જે ઉપરથી થોપેલું છે. તેનાથી આંતરિક પરિવર્તન ઊભુ થશે નહીં. શ્રદ્ધા સ્વયંભૂ છે અને તેનો આધાર સત્યદર્શન, સમ્યગ્દર્શન છે.

આપણને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા હોય ત્યારે આચરણ એની મેળે આવી જાય. ધર્મ આપણને ત્યાગ કરવાનું કહે અને આપણે બધુ ભેગું કર્યા કરીએ અને પરિગ્રહ કરતા રહીએ. કશુ છૂટે નહીં. મનથી પણ મુક્ત ન બની શકીએ તો આપણી શ્રદ્ધા અધૂરી ગણાય.

જીવનનો આધાર માત્ર જ્ઞાન પર નથી. દર્શન અને દ્રષ્ટિ પર છે. તર્કથી, બુદ્ધિથી, વિચારથી જે વાત યોગ્ય લાગે તેને આપણે સ્વીકારી લઇએ છીએ. તર્ક એ દલીલ છે. મનને મનાવી લેવાની વાત છે. તર્ક અને દલીલ ખોટી વાતને સાચી ઠરાવી શકે છે. જે વાત હૃદય સુધી પહોંચતી નથી અને અંતરમનને આંદોલિત કરતી નથી એ શ્રદ્ધા બની શકે નહીં. ધર્મ એ તર્ક નથી સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવનાનો વિષય છે. આમાં શંકા ઊભી થાય તો ગાડી પાટા પરથી ઊતરી જશે. શ્રદ્ધા એ સમપર્ણ છે. જેના વગર જીવી ન શકીએ એ પ્રેમ અને શ્રદ્ધા. વિશ્ર્વાસ બીજા પર આધારિત છે અને શ્રદ્ધા આપણા પર. આમાં કશુ મેળવવાની વાત નથી. ત્યાગની વાત છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણને નવું બળ પૂરું પાડે છે. આમાં બીજાનો અનુભવ કામ લાગે નહીં. સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે જ તેને માતા હોવાનો ખરો અનુભવ થાય છે. બાળકને દત્તક લઇને પણ માતા બની શકાય છે પણ તેનાથી ખરા અર્થમાં જાણી નહીં શકાય કે માતૃત્વ શું છે. અનુભવ વગરનું જ્ઞાન એ સાચું દર્શન નથી.

ધર્મમાં શ્રદ્ધાથી ચાલવાનું હોય છે. જે બુદ્ધિથી તર્કથી ચાલે છે. તેઓ ભટકી જાય છે. આવા લોકો સાવધાનીથી ચાલે છે. એક એક કદમ હિસાબ માંડીને ચાલે છે. પરંતુ શ્રદ્ધાથી જેઓ ચાલે છે તેમાં કોઇ હિસાબ-કિતાબ હોતો નથી માત્ર સમર્પણ અને સ્વીકારની ભાવના હોય છે. ધર્મમાં શ્રદ્ધાથી જેઓ ચાલે છે તેમના માટે એક છલાંગ પૂરતી છે. પરંતુ આ આપણું પોતાનું દર્શન હોવું જોઇએ. અંધશ્રદ્ધા નહીં.

મહાવીર કહે છે જ્ઞાનથી સમજ, દર્શનથી શ્રદ્ધા, ચારિત્ર્યથી નિષેધ અને તપથી મનુષ્ય વિશુદ્ધ થાય છે. ધર્મને સમજવા માટે જ્ઞાન જરૂરી છે પરંતુ શ્રદ્ધાના સહારા શિવાય તે હૃદય સુધી પહોંચી શકશે નહીં. જેમાં શ્રદ્ધા ન હોય એ આપણા ચારિત્ર્યમાં ઊતરી શકે નહીં. શ્રદ્ધા વિનાની ક્રિયાનું યોગ્ય પરિણામ ઊભુ થાય નહીં. જ્ઞાન હોય, જાણકારી હોય પણ તેનો યોગ્ય ઉપયોગ ન થાય, જ્ઞાનની સાથે આચરણ ન હોય તો તેનો અર્થ સરે નહીં. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ એકબીજા સાથે સંકળાયેલાં છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ દ્વારા વ્યર્થને છોડવાનું છે અને સાર્થકને પકડવાનું છે.

ધર્મના આ ચાર સ્થંભો છે. તેના વગર જીવનને રૂપાંતરિત કરી શકાય નહીં અને સાચું સુખ પ્રાપ્ત થઇ શકે નહીં. આ સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. અહંકાર ઓગળે એટલે આપોઆપ બધી વૃત્તિઓ શાંત પડવા માંડે છે. રાગ-દ્વેષ અને અહંકારને દૂર કરવા મનને શુધ્ધ બનાવવું જરૂરી છે. આ બધો મનનો ખેલ છે. મન અંકુશમાં રહેશે તો બધી વાસનાઓ શમી જશે. મન પર ઇચ્છાઓ અને વાસનાઓના થર બાજેલા છે. એટલે માણસ સાચુ જોઇ શકતો નથી. કામ,ક્રોધ, લોભ અને મોહનું આવરણ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આત્માનું દર્શન થઇ શકશે નહીં. સ્વાર્થ, દંભ અને અભિમાન આપણને સાચે રસ્તે જવા દેતુ નથી. કષાયોના કારણે આપણે સતત ભય અને અસલામતી અનુભવી રહ્યા છીએ. ભગવાન મહાવીરના વચનો છે ‘વાસનાનો અગ્નિ, દ્વેષનો અગ્નિ અને અહંકારનો અગ્નિ જ્યારે બુઝાઇ જાય ત્યારે હૃદયને સુખ થાય છે.

જ્ઞાન અને દર્શનથી ધર્મને યથાર્થ રીતે સમજી શકાય છે. અજ્ઞાનથી માણસ અથડાતો રહે છે. જીવનનો સાચો માર્ગ મળતો નથી. મોટાભાગના પાપો અજ્ઞાનના કારણે થતા હોય છે. ચારિત્ર્ય એ સંસ્કારનો પાયો છે તેના પર જીવનનું ઘડતર થાય છે. ચારિત્ર્ય વગરનું જીવન સુગંધ વગરની અગરબત્તી જેવુ છે. ચારિત્ર્યથી આત્મા સુધી પહોંચી શકાય છે. રાખમાં અંગારો હોય અને જેમ આપણને દેખાતો નથી તેમ આત્મા પર આવરણો છવાયેલા છે એટલે તે આપણને દેખાતો નથી. રાખમાં ફૂંક મારીએ અને અંગારો દેખાય એમ આ બધા આવરણો ખરી પડે ત્યારે આપણને શુદ્ધ આત્માના દર્શન થાય છે. આ રાખ છે આપણી વાસનાની, રાગ-દ્વેષની અને અહંકારની. આ બધા પડળો જેમ જેમ દૂર થતા જાય તેમ આત્મા ચંદ્ર પરથી વાદળો જેમ જેમ દૂર થાય અને દેખાવા લાગે તેમ તેનો પ્રકાશ દેખાવા લાગે છે.

તપ દેહ શુદ્ધિ અને મન શુદ્ધિ માટે છે અને મન પર અંકુશ મેળવવાની આ સાધના છે. તપનો અર્થ છે જીવનમાં આવતા દુ:ખો અને મુશ્કેલીઓનો સહજતાથી સ્વીકાર કરવો. સુખ આવે તો પકડવું નહી અને દુ:ખ આવે તો ભાગવુ નહીં. સુખ આવે તો સમજવું કે આ પૂણ્યનું કર્મોનું ફળ છે. કર્મો સારા કે ખરાબ ભોગવવા પડે છે સુખ અને દુ:ખ બંને આવશે અને સમય પૂરો થતા ચાલ્યા જશે. જે આવે છે તે જવાના માટે હોય છે. એટલે એના પ્રત્યે રાગ કે મોહ રાખવાનું કોઇ કારણ નથી. જૈન ધર્મના ૧૨ તપ ૬ બાહ્ય અને ૬ અભ્યંતર તપ. તેના દ્વારા કષાયોને દૂર કરીને મુક્તિના માર્ગે જઇ શકાય છે. સમ્યક્ દર્શન વગર જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર્ય નહીં, ચારિત્ર્ય વગર આત્મદર્શન નહીં અને આત્મદર્શન વગર મોક્ષ નહીં અને મોક્ષ વગર પરમ આનંદ નહીં.

આચરણ વગરનું જ્ઞાન નકામું છે. આપણે બધી વાતને સમજીએ પણ જીવનમાં ઉતારીએ નહીં તો તેનો અર્થ સરે નહીં. વિચાર અને આચરણ એક યાત્રાના બે હિસ્સા છે. વિચાર પહેલું કદમ છે અને આચરણ અંતિમ કદમ. કોઇ વિચાર આચરણ ન બને તો માની લેવું કે તે વિચાર આપણો નથી. જે વિચાર આપણો નથી તે આચરણ બની શકે નહીં. જંગલમાં આગ લાગી હોય અને એક અપંગ માણસ બિલકુલ ચાલી શકતો નથી તે આગને જોઇ તો શકે છે પણ ચાલી નહીં શકવાના કારણે આગની લપેટમાં આવી જાય છે.

એક અંધ માણસ ચાલી શકે છે પણ જોઇ શકતો નથી તેથી આગથી બચી શકતો નથી. તે આગની સામે ઊભો રહી જાય છે. જેની પાસે સમજ છે પણ આચરણ નથી તે માણસ પંગુ છે અને જે માણસ પાસે આચરણ છે પણ જ્ઞાન અને સમજ નથી તે માણસ અંધ છે. તે ફાંફાં માર્યા કરે છે પણ રસ્તો જડતો નથી. જ્ઞાન અને આચરણ બંને સાથે હોય તો સંસારની આગમાંથી બચી શકાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ આ ચાર ધર્મ ચક્રો આપણને મુક્તિના માર્ગે લઇ જાય છે. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રે જેમ કહ્યું છે તેમ...

‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ

ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ’

No comments:

Post a Comment