સમ્યક્ત્વ એટલે આત્માનો ગુણ સમ્યગ્દર્શન એટલે સત્યનું દર્શન |
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર |
જીવનમાં સુખ-દુ:ખ, ચડતી-પડતી, આશા-નિરાશા, રાગ-દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું છે. જેના કારણે અશાંતિ અને બેચેની છે. માણસ સુખ કરતાં દુખનો વધુ અનુભવી કરી રહ્યો છે. જીવનમાં જે કાંઈ સુખ મળે છે તેને દુ:ખમાં પરિણમતા વાર લાગતી નથી. એકનું સુખ બીજાનું દુ:ખ બની જાય છે. માણસ વિરોધાભાસ વચ્ચે જીવી રહ્યો છે. બહાર કાંઈક છે અંદર કાંઈક જુદું છે. માણસ સુખ-દુખના તાણાવાણા વચ્ચે ખેંચાયા કરે છે. જીવન જીવવાની સાચી દૃષ્ટિ નથી. જેમની પાસે બધું છે તે પણ દુ:ખી છે અને જેમની પાસે કશું નથી એ પણ દુ:ખી છે. માણસ આમાંથી કઈ રીતે બહાર નીકળી શકે. સાચી શાંતિ અનુભવી શકે અને જીવનને અર્થસભર બનાવી શકે? સમ્યગ્દર્શનના આઠ સૂત્રો જો માણસને સમજાય અને તેનું અનુસરણ જીવનમાં થાય તો આધિ, વ્યાધિ અને ઉપાધિ સર્વ દૂર થાય અને જીવન સુખમય બને.
સમ્યક્ત્વ એટલે આત્માનો ગુણ, સમ્યગ્દર્શન એટલે સત્યનું દર્શન. સમ્યક્ત્વ એટલે નહીં વધુ નહીં ઓછું. યથાયોગ્ય સમ્યક્ત્વ એટલે વિવેક દૃષ્ટિ. જેમ બીજ વગર અંકુરો ફૂટે નહીં તેમ સમ્યક્તા વગર ગમે તેટલી ક્રિયાઓ કરવામાં આવે પણ પરિણામ આવતું નથી. સમ્યગ્દર્શનના આઠ સૂત્રો જીવન જીવવાની ચાવી છે. જીવનને સહજ, સરળ અને તરલ બનાવવાનો માર્ગ છે અભય, નિ:શંકા, સ્થિરતા, નિષ્કામભાવ, ગુણાનુ રાગ, તરલ દૃષ્ટિ, પ્રેમ-વાત્સલ્ય અને પ્રભાવના દ્વારા સત્યને જાણી શકાય છે અને જીવન પરિવર્તિત કરી શકાય છે. આ આઠ સૂત્રો સમજવા જેવા અને જીવનમાં ઉતારવા જેવાં છે. જીવનનું આ પરમ સત્ય છે. સમ્યગ્દર્શનનું પ્રથમ સૂત્ર છે અભય. જીવનમાં કોઈપણ જાતનો ભય નહીં હોવો જોઈએ. ભયના કારણે માણસ સાચું જોઈ શકતો નથી, સાચું બોલી શકતો નથી અને સાચું કરી શકતો નથી. સત્ય બોલવા માટે નિર્ભય બનવું પડે. જીવન અને ધર્મમાં સમજપૂર્વકનું સાહસ જરૂરી છે. માણસ જો ભયમાં હોય તો સાચું પગલું ભરી શકતો નથી. જીવનમાં અનેક પ્રકારના ભય છે. કોઈને આજીવિકાનો, કોઈને જે મળ્યું છે તે ચાલ્યું તો નહીં જાયને તેનો ડર છે. તો કોઈને પ્રતિષ્ઠાનો, માનહાનિનો, બીમારીનો ભય છે. માણસ કાંઈકને કાંઈક અસલામતીમાં જીવી રહ્યો છે. સૌથી મોટો ડર મૃત્યુનો છે. જીવનમાં મોટા ભાગના ભયો કલ્પિત છે અને આ ભયો આપણને વધુ પરેશાન કરે છે. થોડું પણ દુ:ખ આવે તો આપણે દૂરનું વિચારી લઈએ છીએ અને ભવિષ્યમાં શું બનશે તેની ચિંતામાં લાગી જઈએ છીએ અને હાલના દુ:ખને વધુ ઘેરુ બનાવીએ છીએ. જે માણસ ભયરહિત હશે તે આવો વિચાર નહીં કરે તે સ્વસ્થ રહીને પરિસ્થિતિને સ્વીકારી લેશે. સુખ-દુ:ખ સમયને આધીન છે. આ ચકડોળ જેવું છે. ઉપર-નીચે જાયા કરે છે અને તેમાં જ જીવનનો આનંદ છે. સમ્યગ્દર્શનનું બીજું સૂત્ર છે નિષ્કાંક્ષા. ઇચ્છા, આકાંક્ષા અને અપેક્ષામાં દુ:ખ સિવાય બીજું કશું નથી. આકાંક્ષા એટલે આપણને જે કાંઈ મળ્યું છે અથવા આપણે જે કાંઈ છીએ તેમાં રાજી નથી. અતૃપ્તિ અને અસંતોષ છે. આકાંક્ષાના બદલે શ્રદ્ધા અને વિશ્ર્વાસ પ્રગટ થવો જોઈએ. ઇચ્છાઓ અનંત છે તે કદી પૂર્ણ થશે નહીં. ઇચ્છીત વસ્તુ મળશે તો પણ એટલું સુખ નહીં મળે જેટલું ધાર્યું હતું, પણ નહીં મળે અથવા મળ્યા પછી હાથમાંથી ચાલી જશે તો પારાવાર દુ:ખ થશે. આપણે જુદી જુદી અપેક્ષાઓ રાખીને બેઠા છીએ એટલે દુ:ખના પોટલાઓ બાંધી લઈએ છીએ. અપેક્ષા નહીં હોય તો જે મળશે તેનો આનંદ અપાર હશે. નિષ્કામ ભાવ ઊભો થાય તો આ બધા વળગણમાંથી છૂટી શકાય. ઇચ્છા અને આકાંક્ષા સ્વપ્ન છે. સ્વપ્નમાં કદી સત્ય હોતું નથી. સમ્યગ્દર્શનનું ત્રીજું સૂત્ર છે નિર્વિચિકીત્સા- એટલે જુગુપ્સાનો અભાવ. પોતાના દોષો અને બીજાના ગુણો છુપાવવા તે અંગે ધ્યાન ન આપવું એનું નામ છે જુગુપ્સા. દરેક માણસ પોતાના દોષોને છુપાવે છે. કોઈપણ વસ્તુને ઢાંકવા માટે અથવા તેની પર પડદો લગાવવા માટે દંભ અને દીખાવટ કરવી પડે છે. જૂઠનો સહારો લેવો પડે છે. એક જૂઠને છુપાવવા માટે ઘણા જૂઠ આચરવા પડે છે. માણસે છુપાવવું પડે તેવું કોઈ કાર્ય કરવું નહીં. જીવન એકદમ પારદર્શક હોવું જોઈએ. આપણી નજર આપણા ગુણ પર જાય છે, પણ બીજાના ગુણ પર જતી નથી. બીજાનું સારું જોઈ શકતા નથી. બીજાના ગુણોનો પણ આદર કરવો જોઈએ. દરેક માણસમાં કાંઈકને કાંઈક સારું છે. બીજામાંથી દોષો નહીં પણ કાંઈ સારું શોધી કાઢવું જોઈએ અને તેની સરાહના કરવી જોઇએ. ગુણાનુરાગી બનવું જોઈએ. આવી દૃષ્ટિ ઊભી થશે તો કશું ખરાબ દેખાશે નહીં. ગુણોનો આદર કરતા થઈએ તો રાગ-દ્વેષ થશે નહીં. ઈર્ષા અને અદેખાઈ પણ દૂર થશે. બીજાનું શુભ ચિંતવીએ તો આપણું પણ શુભ થશે. સમ્યગ્દર્શનનું ચોથું સૂત્ર છે અમૂઢ દૃષ્ટિ. મૂઢતા એટલે ભ્રમ દૃષ્ટિ. આપણે ખોટા ભ્રામક ખ્યાલોમાંથી બહાર આવવાનું છે. માણસ મોટા ભાગે પોતાની રીતે ચાલતો નથી. શું સારું છે શું ખરાબ છે તેનો વિચાર કર્યા વગર ગાડરિયા પ્રવાહની જેમ તણાયા કરે છે. બધા કરે છે તેમ કર્યા કરે છે. બીજા કૂવામાં પડે તો આપણે પણ કૂવામાં પડવું એમાં મૂર્ખાઈ અને મૂઢતા સિવાય બીજું છે શું? ખોટી રૂઢિઓ, માન્યતાઓને અનુસરવાનું કારણ મૂઢતા છે. માણસ પોતાની દૃષ્ટિથી જોતા શીખે નહીં ત્યાં સુધી સાચું અને સારું શું છે તેનો ખ્યાલ આવશે નહીં અને તરલ દૃષ્ટિ ઊભી થશે નહીં. સમ્યગ્દર્શનનું પાંચમું સૂત્ર છે ઉપગૂહન એટલે પોતાના ગુણો અને બીજાના દોષો પ્રગટ કરવા નહીં. પોતાના ગુણગાન અને વખાણ કરવા નહીં અને બીજાના દોષોનો ક્યાંય ઉલ્લેખ કરવો નહીં. કોઈનું ખરાબ બોલવું નહીં. માણસ એક યા બીજી રીતે પોતાની બડાઈ ફેંકતો હોય છે. મેં આમ કર્યું અને મેં તેમ કર્યું. મારા વગર આ કામ થાત નહીં, આ ‘હું’ અને ‘મારું’ અહંકારનું ઇંધણ છે. આવા માણસો પોતાની ભૂલ થાય તો પણ દોષ બીજાનો કાઢે છે. આવા માણસો પોતે શું કરે છે તે જોતા નથી. આ સૂત્રનો મર્મ છે પોતાના પર દૃષ્ટિ રાખવી. પારકી ચિંતા કરવી નહીં. કોઈની બાબતમાં માથું મારવું નહીં અને આપણી કાંઈ ભૂલ કે દોષ હોય તો તેને સુધારવા પ્રયાસ કરવો. સમ્યગ્દર્શનનું છઠ્ઠું સૂત્ર છે સ્થિરતા, સ્વયંમાં સ્થિર થવું. સમતા ધારણ કરવી. ચંચળ મનને સ્થિર રાખવું, ભટકવા દેવું નહીં. સમભાવ કેળવવો, અતિ પર જવું નહીં. મધ્યમાં રહેવું જીવનનો બધો ખેલ મનનો છે. મનને વશમાં રાખવું જરૂરી છે. જીવનમાં આવી સ્થિરતા આવે અને મન શાંત બને તો એ સમાધી છે. મન પર સંયમ હોય તો કશું આપણને વિચલિત કરી શકે નહીં. જે સમ્યક્ વિચારમાં સ્થિર છે અને બીજા પ્રત્યે શુભ ભાવના રાખે છે તેના પર નકારાત્મક વિચારોનો કોઈ પ્રભાવ પડતો નથી. ઉપરથી સારું બોલતા હોઈએ અને અંતર સાફ ન હોય તો એ સારો પ્રેમવહેવાર નથી. આંતરશુદ્ધિ અને નિર્મળ ભાવો વગર પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકાય નહીં. આત્મા એ પરમાત્મા છે. જે બધી હલચલ છે તે ભીતરમાં છે તેનું કારણ આપણું મન છે. ભીતરના ઉપદ્રવો શમી જાય તો સુખ-શાંતિ છે. દરેક વસ્તુમાં આપણે મનના રંગો પૂરી લઈ છીએ એટલે સાચું દેખાતું નથી. સમ્યગ્દર્શનનું સાતમું સૂત્ર છે વાત્સલ્ય. પ્રેમ અને વાત્સલ્યમાં ફરક છે. પ્રેમમાં લેણદેણ છે. તેમાં તમે જેટલું આપો તેટલું મેળવો છો. જો કે, પ્રેમ આપ્યા વગર મળતો નથી, પરંતુ વાત્સલ્યમાં અનોખી ભાવના છે. તેમાં માત્ર આપવાનું છે. લેવાની કોઈ વાત નથી. તે માટેની કોઈ અપેક્ષા પણ નથી. જે છે તે મન મૂકીને આપવાનું છે. વાત્સલ્ય અંતરનો ભાવ છે. માતા બાળકને જે રીતે પ્રેમ કરે, વાત્સલ્ય ભાવના દર્શાવે તે રીતે બીજા પ્રત્યે પ્રેમ, દયા અને કરુણા વર્ષાવવાની છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર, કોઈપણ જાતના દેખીતા કારણ વગર આવી સંવેદના ઊભી થાય, આવો ભાવ ઊમટે ત્યારે સમજવું કે અંતર છલકાઈ ગયું છે. આવો પ્રેમ અને ભાવ અંતરનું સુખ આપે છે. નિ:સ્વાર્થ પ્રેમ હોય, તરલ દૃષ્ટિ અને બીજાને સુખ આપવાની ચાહના હોય ત્યારે માણસ બાળક જેવાં નિર્દોષ બને છે અને મનનો મેલ ધોવાઈ જાય છે. સમ્યગ્દર્શનનું આઠમું સૂત્ર છે પ્રભાવના. પ્રભાવનાનો અર્થ છે આપણે જે કાંઈ કરીએ તેમાં ધર્મની પ્રભાવના થવી જોઈએ. બેસીએ, ઊઠીએ કે કોઈપણ જાતની રોજિંદી ક્રિયા કરીએ ત્યારે તેમાં વિવેક હોય, સંયમ હોય, અનુશાસન હોય, કોઈને કશી તકલીફ ન થાય, કોની અવહેલના ન થાય તેની તકેદારી હોય તો તે ક્રિયા ધાર્મિક બની જાય. આપણી પાસે જે કાંઈ સારું છે એ બીજાને આપીએ, તેની પ્રભાવના કરતા રહીએ જેથી બીજાને પણ તેનો લાભ મળે. સારા કાર્યની માત્ર અનુમતીની નહીં પણ અનુમોદના કરીએ તેને તે માટે પ્રોત્સાહિત કરીએ તેનું નામ પ્રભાવના. પ્રભાવના એટલે પ્રેમપૂર્વક આપવું, ન્યોછાવર કરવું, ઉદાર બનવું, મન મોટું રાખવું. આ પ્રકારની ભાવનાથી માણસ સરળ અને નિખાલસ બને છે અને તેનામાં ઉદારતાના ગુણો વિકસે છે. આ આઠ સૂત્રોનું જ્ઞાન થઈ જાય તો સમજો કે જીવનનું રૂપાંતર થઈ ગયું. આમાં જીવન અને ધર્મના તમામ પ્રશ્ર્નોનું સમાધાન છે. આ સત્યનું દર્શન છે. બધાં આવરણો હટી જશે, દૃષ્ટિ પારદર્શક થશે અને જીવનયાત્રા ધર્મયાત્રા બની જશે. |
Pages
▼
No comments:
Post a Comment