‘માલિક તેરી રઝા રહે ઔર તૂ હી તૂ રહે બાકી ન મૈં રહૂં ન મેરી આરઝૂ રહે’ | |
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર | |
પર્યુષણ પર્વ એટલે અંતરમનને વિકસિત કરવાનો સાધનાનો મંગળ મહોત્સવ. આ પ્રસંગે થોડું આત્મચિંતન...
ક રાગ-દ્વેષ, માન, માયા, લોભ, તૃષ્ણા અને લાલસા હિંસાના સૂક્ષ્મ સ્વરૂપો છે. જીવનનું સાચું સુખ આપણા પોતાનામાં છે અને આપણા થકી તે મળવાનું છે. તેને બીજા પાસેથી પરાણે મેળવવાનો પ્રયાસ એટલે હિંસા. બીજાને દુ:ખી કરીને માણસ સુખી બની શકે નહીં. અસ્તિત્વનો નિયમ છે. આપણે જે કાંઈ કરીશું તે પાછું આપણા તરફ વળવાનું છે. ક પ્રભુ-પરમાત્મા એક યા બીજા સ્વરૂપે આપણી સમક્ષ વારંવાર આવે છે. પણ આપણે તેમને ઓળખી શકતા નથી. રાગ-દ્વેષ, ક્રોધ, માન-માયા અને લોભના આવરણોના કારણે તેમના દર્શન થતા નથી. સુખ તો દરેક માણસ પાસે છે પણ તેને શોધતા આવડવું જોઈએ. ઈચ્છા અને માયાના જગતમાં ધર્મનું સાચું અનુસરણ બંધનમાંથી મુક્ત થવાની ચાવી છે. ક બહારના સુખો જ્યાં સુધી મળતા નથી ત્યાં સુધી જ તેની મજા છે. મળી જાય પછી તેમાં રસ હોતો નથી. વધુ પડતું સુખ પણ માણસને થકવી નાખે છે. કોઈ પણ વસ્તુની પરાકાષ્ઠા આવે છે ત્યારે તે સુખદને બદલે દુ:ખદ બને છે. ક ક્રોધ, માન, માયા અને લોભ એ મનુષ્ય જીવનનું બંધન છે. માણસ આ જાળમાં વધુને વધુ જકડાતો જાય છે. ભગવાન મહાવીરે આ ચાર બંધનોને શત્રુ ગણાવ્યા છે. માણસ આ બંધનોમાંથી ઉપર ઊઠે અને કષાયોને દૂર કરે નહીં ત્યાં સુધી તેને આત્માનો કોઈ અનુભવ થતો નથી. પ્રભુએ કહ્યું છે બીજાને મિટાવવાની વાત છોડી દો. જે માણસ આ ભાવ છોડી શકશે તે જ સ્વયંને બચાવી શકશે. મારું-તારું, રાગ-દ્વેષ હિંસા છે. હું અને તું મટી જવાથી જે શેષ રહેશે તે અહિંસા છે. ક જગતમાં અશાંતિ અને ઉપદ્રવ છે તેનું કારણ દરેક માણસ પોતાના સત્ય માટે લડી રહ્યો છે. સત્ય હંમેશાં અઘૂરું પકડાય છે. ભાષાની, તર્કની, બોલનારની, સાંભળનારની એક સીમા છે અને સત્ય આ સીમાથી પર છે. દરેકની વાતમાં સત્યના થોડા અંશો રહેલા છે. અનેકાંતવાદ એટલે સમાધાન, સમજણ અને ખુલ્લું મન. વિચારોની સહિષ્ણુતા, પરસ્પરના મત માટે આદર અને સમન્વય દૃષ્ટિ. ક પાપ આપણે પોતે કરીએ અને બીજાને કરવા દઈએ એમાં કશો ફરક પડતો નથી. દુનિયામાં પાપ કરવાવાળા માણસો વધારે નથી પણ નિષ્ક્રિય રહીને પાપ કરવા દેવાવાળા માણસો વધારે છે. જેના કારણે પાપ અને દુષ્કૃત્યો વધ્યા છે. પાપ કરવું અને થવા દેવું બંનેમાં માણસ જવાબદાર છે. ક આ સંસારમાં સર્વે જીવો પોતાના કર્મોથી સુખી અને દુ:ખી છે. સારું કે ખરાબ જેવા કર્મો હોય તેવું ભોગવવું પડે છે. પાપ અને પુણ્યનો હિસાબ સરળ છે. તેમાં દરેક એકલા ભોગવવાનું હોય છે. તેમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. માતા-પિતા, ભાઈ-બહેન કે પરિવારજનો કોઈ આમાં સહાયભૂત થઈ શકતું નથી. કર્મો કર્તાની પાછળ હોય છે બીજા કોઈની પાછળ નહીં. ક કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. અતિ લોભ, અતિ ક્રોધ, અતિ ભોજન, અતિ નિદ્રા, અધિ ધન આ બધું ક્યાંયને ક્યાંય દુ:ખ અને મુશ્કેલી ઊભી કરે છે. માણસનું સમગ્ર જીવન બે અતિ પર અટવાયેલું છે. મન એક અતિ પરથી બીજા અતિ પર જલ્દીથી સરકી જાય છે. એટલે ઘડીક દોસ્તી, ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ, ઘડીક ઘૃણા, ઘડીક ક્રોધ તો ઘડીક ક્ષમાની લાગણી અને ભાવો ઊભા થયા કરે છે. મહાવીરની અહિંસાનો અર્થ છે કે આપણે આવી રીતે જીવીએ આપણી હસ્તીનો ખ્યાલ ન આવે. આપણે છીએ તેવો ખ્યાલ જ તમામ ઉપદ્રવોનું કારણ છે. દરેક માણસને હું છું એમ કહેવું પડે છે. બહાર દેખાવું છે એટલે દંભ અને દેખાવનો આંચળો ધારણ કરવો પડે છે. ક જૈન ધર્મમાં ત્યાગનું છોડવાનું અને ઈચ્છાના બંધનોમાંથી મુક્ત થવાનું કહ્યું છે. ત્યાગ એક મોટો ધર્મ છે. પરિગ્રહના પાપમાંથી મુક્તિ છે. છોડ્યા વગર કશું મળે નહીં. નકામું ગુમાવીને સાર્થક છે તે પ્રાપ્ત કરવાનું છે. દરેક માણસ ધારે તો કાંઈકને કાંઈક વસ્તુનો ત્યાગ કરી શકે. આ માટે સંયમ અને મન મોટું હોવું જોઈએ. ઈચ્છા અને એષણાનો ત્યાગ મુશ્કેલ છે. સ્વાર્થ, લોભ અને લાલચ કશું છોડવા દેતા નથી. બુદ્ધ સામ્રાજ્યનો ત્યાગ કરી શકે પણ ભિખારી શકોરું પણ નહીં છોડી શકે. ક અહંકાર અને અભિમાન કદી કોઈનું ટકતું નથી. સુખમાં છલકાવું નહીં. દુ:ખમાં ગભરાવું નહીં. સારો અને સમય ખરાબ આવ્યા કરે છે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્ર્વાસ તેમ જ પુરુષાર્થ હોય તો મુસીબતોને પાર કરી જવાય છે. ક મહાવીરનું સૂત્ર છે, ‘તમે પોતાના માટે જે ઈચ્છતા હો તે બીજાને માટે પણ ઈચ્છો’. આપણને જે મળવાનું છે એ બીજાને પણ મળવાનું હોય તો તેની મજા કઈ રીતે આવે? મારી પાસે હોય એવું મારા શત્રુ પાસે પણ હોય એમ કોણ ઈચ્છે? આવું ઈચ્છવાનું હોય તો ઈચ્છા જ ન રહે. ઈચ્છાના મૂળને કાપવાનો મહાવીરનો આ રાહ છે. પ્રભુ કહે છે તેમ બીજાને પણ તમારા જેવા જ ગણો અને તેમના સુખ- દુ:ખનો વિચાર કરો. ક માણસ ત્રણ રીતે જીવે છે. કાં તો સત્યના માર્ગે ચાલે છે. કાં તો અસત્યના માર્ગે ચાલે છે. ત્રીજો માર્ગ છે અર્ધસત્યનો. આ સૌથી ભયંકર છે. માણસો મોટે ભાગે તેને અનુસરે છે. તેમાં સલામતી લાગે છે. સત્ય બોલવાનું કઠિન છે. માણસ જાણવા છતાં અસત્યના માર્ગે ચાલે છે અને સાચા હોવાનો દેખાવ કરે છે. જીવન જ્યારે દંભ અને દેખાવ બને છે ત્યારે સત્યનો આંચળો ઓઢીને અસત્ય ગોઠવાઈ જાય છે. સત્ય એ તપ છે અને તેમાં માણસની કસોટી છે. ક માણસ કેવો દેખાય છે તેના કરતા કેવો છે. તેના પર તેના જીવનનો આધાર છે. હકીકતમાં માણસ જેવો છે તેવો બહાર દેખાતો નથી. અંદરનું અને બહારનું જુદું છે. ચહેરા પર અનેક મહોરા લાગેલા છે. માણસ જેવો ઘરમાં દેખાય છે તેવો બહાર દેખાતો નથી. મંદિરમાં તે જુદો, મિત્રો પાસે જુદો અને દુશ્મનો પાસે જુદો. આમ સમય અને સંજોગો મુજબ ચહેરાઓ અને મહોરાઓ બદલાયા કરે છે. ધર્મ બહારનો દેખાવ નથી. ભીતરનું પરિવર્તન છે. પ્રભુ પાસે બધા ચહેરાઓ ઉતારી દઈએ તો જ તેમનું સાંનિધ્ય પામી શકીએ. ક જીવન એ પ્રભુની સૌથી મોટી કૃપા છે માનવ દેહ મળ્યો છે તો તેનો સદ્ઉપયોગ થવો જોઈએ. આપણા થકી બીજાને દુ:ખ ન પહોંચે તેનો ખ્યાલ કરીને સારું, ભલાઈનું, પરોપકારનું કામ કરતા રહીએ તો તે પણ એક ધર્મ છે. કમળ કાદવમાં ઊગે છે છતાં કાદવથી અલિપ્ત રહે છે તેમ માણસે સંસારમાં રહેવા છતાં સંસારથી મુક્ત બનવાનું છે. હું કેવળ શરીર નહીં પણ આત્મા છું એવું ભાન થાય ત્યારે મોહ અને આસક્તિ રહેતા નથી. ક મહાવીર પ્રભુના વચનો છે કાળ નિર્દય છે, શરીર દુર્બળ છે એ સ્મરણમાં રાખીને માણસે જીવવું જોઈએ. કાળ એટલે સમય તે કોઈની રાહ જોતો નથી કે કોઈના માટે અટકતો નથી. જે ક્ષણો હાથમાં હોય તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. જીવન હંમેશાં વર્તમાનમાં ચાલે છે. કાલે શું થશે તેની કોઈને ખબર નથી. આપણે આ જગતમાં છીએ કે નથી તેનાથી સમયની ધારાને કોઈ ફરક પડતો નથી. એક તણખલું નદીમાં વહી રહ્યું હોય અને તે માને કે નદી મારે સહારે ચાલી રહી છે તો પછી કેવાનું શું? મારા વગર કશું થવાનું નથી એવું માનવાવાળા દુનિયામાંથી ચાલ્યા ગયા છે પણ દુનિયા ચાલતી રહી છે. કોઈના વગર કશું અટકતું નથી. માત્ર કાળ અને સમય મહત્ત્વનો છે. ક ભગવાન મહાવીરનું બધા જીવો પ્રત્યેનું કથન છે ‘તમે જ તમારા ભાગ્યવિધાતા છો’ સુખ- દુ:ખ, સારું- નરસું, સફળતા- નિષ્ફળતા બધું આપણા હાથમાં છે. આપણે આપણી રીતે ચાલવાનું છે. બીજાનું અનુકરણ કરવાથી કોઈ ફાયદો નથી. ચાણક્યે કહ્યું છે માણસે સુખી અને સમૃદ્ધ બનવું હોય તો આટલા પ્રશ્ર્નો જાતને પૂછીને ચિંતન કરવું જોઈએ. (૧) અત્યારે સમય કેવો છે. (૨) મારા સહાયકો કોણ કોણ છે (૩) કેવા વાતાવરણમાં હું રહું છું. (૪) મારી આવક-જાવક કેટલી છે (૫) હું કોણ છું. (૬) મારામાં કેટલી શક્તિ અને સામ્યર્થ છે. આ છ પ્રશ્ર્નને ધ્યાનમાં રાખીને જે આગળ વધે છે તેને જરૂર સફળતા મળે છે. સમય અને સંજોગો જોવા વગર અને પોતાની શક્તિનું માપ કાઢયા વગર જે ઊંચી છલાંગ લગાવે છે તે નીચે પટકાય છે. ધર્મ અને અધ્યાત્મના માર્ગે જવા માટે આપણે આપણી જાતને માત્ર ત્રણ પ્રશ્ર્નો પૂછવા જોઈએ. એક હું કોણ છું. બીજું હું ક્યાંથી આવ્યો છું અને ત્રીજું ક્યાં જવાનો છું. જીવન અને ધર્મનું આટલું જ્ઞાન જરૂરી છે. ક જીવનમાં પરમાત્માને પામવા માટે આંતરિક ચેતના ઊભી થવી જોઈએ. સારા ભાવો ઊભા થાય તો ભવને તરી જવાય. તન્મયતા અને એકાગ્રતા સાથેની આ સાધના છે. ભાવ દ્વારા માણસ બની શકે છે અને બગડી શકે છે. સારા ભાવો તારે છે, ખરાબ ડૂબાડે છે. ધર્મ સાધના માટે જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપ જરૂરી છે. આ ભાવના દૃઢીભૂત થાય તો પરમાત્માના સાંનિધ્યનો અનુભવ થઈ શકે છે. અહંમ ઓગળી જાય છે અને અહંકાર તિરોહીત થાય છે અને કોઈ જાતની ઈચ્છા- આકાક્ષા રહેતી નથી. પ્રભુ સાથેનું આ મિલન છે. આ સાચી ભક્તિ- બંદગી છે. કોઈ સાધકે કહ્યું છે તેમ... "માલિક તેરી રઝા રહે, ઔર તું હી તું રહે બાકી ન મેં રહું, ન મેરી આરઝુ રહે જબ તક તન મેં જાન, રગો મેં લહૂ રહે તેરા હી જિક્ર હો ઔર, તેરી જૂસ્તજૂ રહે હે માલિક પ્રભુ- પરમાત્મા એવું કર કે ફક્ત તારી ખુશી, તારી પસંદગીનો જ મહિમા ગવાતો રહે. સર્વત્ર તું, તું ને તું જ હોય. ન હું રહું, ન મારી કોઈ અભિલાષા રહે. ભગવાન એવું વરદાન આપ જ્યાં સુધી આ કાયામાં ચેતના રહે ત્યાં સુધી ફક્ત તારો જ મહિમા ગાતો રહું. તારું જ નામ મારા કર્ણોમાં ગૂંજતું રહે અને તારા જ દર્શનથી હું સુખ પામું. |
Pages
▼
No comments:
Post a Comment