Pages

Sunday, July 24, 2016

મહાવીર દર્શન- મહેન્દ્ર પુનાતર

મહાવીર દર્શન એટલે જીવનનું સત્ય
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

ભગવાન મહાવીરે જીવનની એક મહત્ત્વની વાત કરી છે કે માણસના સુખ-દુ:ખનો કર્તા પોતે જ છે. સુખ અને દુ:ખ આપણી પોતાની સર્જક છે. તે કોઈને આપી શકાતું નથી અને છીનવી પણ શકાતું નથી. સમય અને સંજોગો આ માટે કેટલેક અંશે કારણભૂત હોય છે. આમ છતાં માણસ પ્રકૃતિ અને સ્વભાવ અનુસાર સુખ-દુ:ખ ભોગવે છે. માણસમાં રહેલી ઇચ્છાઓ, અપેક્ષાઓ, કામના, વાસના અને તૃષ્ણા તેને દુ:ખી કરે છે. માણસને સુખી થવું હોય તો આ બધા કષાયોને અંકુશમાં રાખવા જરૂરી છે. મહાવીરે આ માટે તપ અને સંયમનો માર્ગ બતાવ્યો છે. તપ પણ સમજપૂર્વકનું હોવું જોઈએ. ભોજનનો નિષેધ માત્ર તપ નથી. તપ સાથે જીવનમાં પરિવર્તન થવું જોઈએ. ઉપવાસથી મન અને શરીર પર અંકુશ મેળવી શકાય છે. પણ જો મન બીજી દુન્યવી ચીજોમાં ભટકતું હોય તો તેનો અર્થ સરે નહીં.

મહાવીરે એક બીજી મહત્ત્વની વાત કરી છે. તમારી પાસે જે હશે તે જ તમે બીજાને આપી શકશો. તમારી પાસે સુખ હશે તો સુખ અને દુ:ખ હશે તો દુ:ખ. તમારી પાસે જે નથી તે બીજાને આપી શકવાના નથી. કેટલાક માણસો વાતવાતમાં કહેતા હોય છે. મેં તેને સુખી બનાવવા ઘણા પ્રયાસો કર્યા પણ તેને સુખી થવું નથી. જરા વિચાર કરો તમારી પાસે ખરેખર સુખ છે કે? સુખ તમારી પાસે હોત તો તેના સુધી પહોંચી શક્યું હોત. આપણે સુખી નથી તો બીજાને કેવી રીતે સુખી કરી શકીએ? આપણે પ્રેમ વગર કચવાતે મને જાણે કે ઉપકાર કરતાં હોઈએ તેમ કોઈને સહાય કરીએ અને તેની લાચારીનો લાભ ઉઠાવીએ તો એમાં શી બરકત આવે? જીવતા આવડે તો આ દુનિયામાં દુ:ખ જેવું કશું નથી. સંજોગો અને પરિસ્થિતિ બદલાયા કરે છે. તમે આ બધી વસ્તુઓને મન પર કેવી રીતે લો છે તેના પર આ બધાનો આધાર છે. જીવનમાં સગવડતાના અભાવે કષ્ટ જરૂર પડે છે પણ આપણે તેને દુ:ખમાં ફેરવી નાખીએ છીએ. જે વસ્તુ આપણી ઇચ્છા અને મહેચ્છા વિરુદ્ધ બને અને જેનાથી આપણને મુશ્કેલી ઊભી થવાનો ભય ઊભો થાય તેને આપણે દુ:ખ સમજીએ અને જેનાથી સુખ-સગવડ અને એશઆરામ મળે તેને આપણે સુખ સમજીએ છીએ. જો આ જ સુખ હોત તો બધા શ્રીમંતો અને જેમને આવો બધો વૈભવ મળ્યો હોય તેમને સુખી જ ગણવા જોઈએ. શ્રીમંત માણસોને પણ પોતાના દુ:ખો છે. ગરીબ માણસના દુ:ખો શારીરિક છે, જ્યારે શ્રીમંત માણસોના દુ:ખો માનસિક છે. ગરીબ માણસોને થોડું મળી જાય તો આનંદનો પાર ન રહે અને શ્રીમંત માણસોને ગમે તેટલું મળે સંતોષ થતો નથી. તેમનું સુખ તેમના દુ:ખનું કારણ બની જાય છે એટલે જ બે અંતિમો પર પ્રભુ યાદ આવે છે. સુખમાં અને દુ:ખમાં દુ:ખી માણસને કહેવાતું સુખ જોઈએ છે અને સુખી માણસને જે કાંઈ મળ્યું છે તે ટકી રહે એવી ઇચ્છા છે. બંનેમાં સ્વાર્થ અને અપેક્ષા છે. એટલે ભક્તિ, પ્રાર્થના અને અરજ પ્રભુ સુધી પહોંચતી નથી.

મહાવીરે જગતના કલ્યાણ માટેનો માર્ગ બતાવ્યો છે. મહાવીરના વચનો આજે પણ યથાર્થ છે, કારણ કે જીવન સાથેનો મનુષ્યની મનોભાવના સાથેનો તેમાં સંબંધ છે. મહાવીર રાજઘરાનામાં જન્મ્યા હતા. સુખ-સમૃદ્ધિનો પાર નહોતો. તમામ પ્રકારના સુખ હતા. તેમણે આ બધાનો ત્યાગ કર્યો હતો. મહાવીરને સમજાયું હતું કે આ બધામાં સુખ અને શાંતિ નથી. આંતરિક સમૃદ્ધિ સિવાય બધું નકામું છે. લાંબા સમયની કઠિન સાધના અને તપશ્ર્વર્યા પછી તેમને જે જ્ઞાન ઉપલબ્ધ થયું હતું તે મહાવીર દર્શન છે.

રાગ-દ્વેષ, માન-માયા, લોભ, તૃષ્ણા અને લાલસા હિંસાના સૂક્ષ્મ સ્વરૂપો છે. જીવનનું સાચું સુખ આપણા પોતાનામાં છે અને તે આપણા થકી મળવાનું છે તેને બીજા પાસેથી પરાણે મેળવવાનો પ્રયાસ એટલે હિંસા. બીજાને દુ:ખી કરીને માણસ સુખી બની શકે નહીં. અસ્તિત્વનો નિયમ છે કે આપણે જે કાંઈ કરીશું તે પાછું આપણા તરફ વળવાનું છે. મહાવીર કહે છે, ‘જીવ વહો અપ્પ વહો.’ કોઈ પણ જીવની હત્યા એ આપણી પોતાની હત્યા છે. ‘જીવ દયા અપ્પણો દયા હોઈ.’ કોઈપણ જીવની દયા આપણી ખૂદની દયા છે. મહાવીરે અહિંસાને આધાર બનાવીને જીવન અને ધર્મનું સત્ય સમજાવ્યું છે. દુનિયાના કોઈ પણ ધર્મે અહિંસાને આટલું મહત્ત્વ આપ્યું નથી. મહાવીરે સમગ્ર સૃષ્ટિને આમાં આવરી લીધી છે. જૈન ધર્મમાંથી અહિંસા બાકાત થાય તો કશું બચે નહીં. ધર્મનો આ મૂળભૂત આધાર છે.

દુ:ખ અને યાતના ભર્યા આ સંસારમાં ચિરકાળનું સુખ કેમ મળે? દુ:ખનું મૂળ શું છે? તેને દૂર કરવાનો ઉપાય શો? એ અંગે મહાવીરે ઊંડું ચિંતન કર્યું હતું અને તેમને સમજાયું હતું કે દુ:ખનું મૂળ હિંસા છે. હિંસાના કારણે આ બધા ઉપદ્રવો છે. ‘અહિંસા’ શબ્દમાં સમગ્ર ધર્મનો સાર આવી જાય છે. અહિંસાનો ભાવ જો આપણા મનમાં આવી જાય તો જીવનના બધા અનિષ્ટો દૂર થઈ જશે અને જીવન જીવવાનો સાચો માર્ગ મળી જશે. આપણે આ બાબતને જરા ઊંડાણથી સમજીએ.

મહાવીરે અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. આના પાયામાં સર્વે જીવોની સમાનતા છે. મહાવીર કહે છે સર્વે જીવો આપણા જેવા છે. સર્વ પ્રત્યે મૈત્રીભાવ રાખો. મહાવીરે ‘અહિંસા’માં મૈત્રી, પ્રેમ, દયા અને કરુણા બધું સાંકળી લીધું છે.

કોઈ જીવને ઇજા પહોંચાડીએ કે મારી નાખીએ એ હિંસા છે એ આપણી સમજમાં આવે છે પણ મહાવીર કહે છે કોઈ જીવને દુ:ખ પહોંચાડીએ એ પણ હિંસા છે. રાગ-દ્વૈષ, ક્રોધ, માન-માયા, લોભ, તૃષ્ણા અને લાલસા પણ હિંસાના સૂક્ષ્મ સ્વરૂપો છે. આપણને પોતાને ત્રાસ આપવો આત્મપીડન પણ હિંસા છે. સ્વસ્થ માણસ કોઈ પણ જાતની હિંસાથી દૂર રહેશે. કેટલાક માણસો પોતાને દુ:ખ આપે છે. આમ કરીને બીજાને દુ:ખ આપવાનો તેમનો ઇરાદો હોય છે. કોઈ હઠાગ્રહ કરે, ભૂખ હડતાલ પર ઉતરે, ઘરમાંથી નાસી જાય કે આત્મહત્યાની ધમકી આપે એ બધામાં બીજા પર દબાણ લાવવાનો અને બીજાને મુશ્કેલીમાં મૂકવાનો ઇરાદો હોય છે. ગૃહ કંકાશમાં આત્મપીડનનું શસ્ત્ર અજમાવાતું હોય છે. આ પણ એક પ્રકારની હિંસા છે.

મહાવીરના વચનો છે કે સમગ્ર ચૈતન્ય એક સાથે સંકળાયેલું છે. એમાં જે કાંઈ ઘટના બને છે તે એક યા બીજા સ્વરૂપે વહેલી કે મોડી સર્વને અસર કરે છે. એક આત્માનો આ વિસ્તાર છે. આપણા જેવો જીવ અને ચૈતન્ય બીજામાં છે. સૌને જીવ વહાલો છે. સૌને સુખ ગમે છે. સૌ કોઈ દુ:ખ ટાળવા મથામણ કરે છે. પ્રેમમાં પણ કોઈને બાંધી રાખવાની અને સ્વામીત્વની ભાવના હોય તો પ્રેમ પણ હિંસામાં પરિણમે છે. પ્રેમમાં બંધન આવે ત્યારે પ્રેમ ખોવાઈ જાય છે.

‘તમે જેવું વર્તન બીજા પાસેથી ઇચ્છો એવું બીજા પ્રત્યે દાખવો’ એ ધર્મનો સાર છે. રાગ અને દ્વેષની ઉત્પતિ એટલે હિંસા. કોઈ વસ્તુ માટે રાગ ઊભો થયો એટલે હિંસાના બીજ વવાઈ ગયા. મોહ, માયા અને લોભ હિંસાના ઇંધણો છે. કોઈ વસ્તુ પ્રત્યે મોહ ઊભો થયો, લાલસા ઊભી થઈ તો માણસ તે મેળવવા કાંઈ પણ કરશે. તેને સારાસારનું ભાન નહીં રહે. હિંસાના બીજ વવાઈ ગયા પછી તેને વૃક્ષ બનતા કેટલી વાર લાગશે? ઇચ્છા અને આકાંક્ષા અંદર હશે તો બહાર આવ્યા વગર રહેશે નહીં.

મહાવીર કહે છે બીજાને મીટાવવાની વાત છોડી દો. જે માણસ આ ભાવને છોડી શકશે તે જ સ્વયંને બચાવી શકશે. મારું-તારું, રાગ-દ્વૈષ હિંસા છે અને ‘હું’ અને ‘તું’ મટી જાય એ પછી જે શેષ રહેશે એ અહિંસા છે. દુ:ખનું મૂળ હિંસા છે અને હિંસાનું કારણ જીવેષણા છે. સૌ કોઈ બીજાના ભોગે જીવવા માગે છે. બહારની હિંસાને જો રોકવી હોય તો પ્રથમ આપણી અંદર રહેલી હિંસાને દૂર કરવી પડશે. આપણી જીવવાની ખોટી આકાંક્ષામાંથી હિંસા જન્મે છે. આહાર, વિહાર, સૌંદર્ય પ્રસાધન અને મનોરંજન માટે કેટકેટલા જીવોની હિંસા થાય છે તેનો આપણને ખ્યાલ આવતો નથી.

ભગવાન મહાવીરે અહિંસા પછી સર્વ અધિક સત્ય પર ભાર મૂક્યો છે. સત્યના ત્રણ તબક્કા છે. સમજવું, જાણવું અને અનુભવવું. સત્યના અનેક પાસા છે. દરેક બાબતમાં કાંઈને કાંઈ સત્ય રહેલું છે. જગતમાં અશાંતિ અને ઉપદ્રવ છે તેનું કારણ દરેક માણસ પોતાના સત્ય માટે લડી રહ્યો છે. સત્ય હંમેશાં અધૂરું પકડાય છે. ભાષાની, તર્કની, બોલનારની, સાંભળનારની એક સીમા હોય છે. સત્ય આ બધી સીમાથી પર છે. દરેકની વાતમાં સત્યના થોડા અંશો રહેલા છે. અનેકાંતવાદ એટલે સમાધાન, સમજણ અને ખુલ્લું મન, વિચારોની સહિષ્ણુતા, પરસ્પરના મત માટે આદર અને સમન્વય દૃષ્ટિ.

મહાવીરની અહિંસાનો અર્થ છે આપણે એવી રીતે જીવીએ કે આપણી હસ્તીનો ખ્યાલ ન આવે. આપણે છીએ તેવો ખ્યાલ જ જીવનના તમામ ઉપદ્રવોનું કારણ છે. દરેક માણસને હું છું એમ કહેવું પડે છે. બહાર દેખાવું છે એટલે દંભ અને દેખાવનો અંચળો ધારણ કરવો પડે છે.

મહાવીર દર્શન એ જીવનના સત્યનું દર્શન છે. સુખ અને શાંતિ માટેનો માર્ગ છે.

No comments:

Post a Comment