Pages

Sunday, April 10, 2016

નિર્જરા ભાવના- મહેન્દ્ર પુનાતર

શરીર સાથેના તાદાત્મ્યને તોડવાની પ્રક્રિયા એટલે તપ
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


બાર ભાવનાઓ જીવનની બાર ધારાઓ છે. જુદી જુદી રીતે વહે છે અને સાથે મળે છે ત્યારે એક પવિત્ર ઝરણું બની જાય છે. ગમે તેવો પાપી પણ તેમાં ડૂબકી મારીને પવિત્ર બની શકે છે. આ ધારાઓ તન અને મનના મેલને દૂર કરીને આપણને શુદ્ધ બનાવે છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. અશરણ ભાવનામાં જાણ્યું કે અહીં કોઇનું શરણ કામ આવતું નથી.સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. એકત્વ ભાવનામાં આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ તે જાણ્યું. અન્યત્વ ભાવનામાં જાણવા મળ્યું કે આપણું પોતાનું જેને માનીએ છીએ તે પણ આપણું નથી. અશુચિ ભાવનામાં ખ્યાલ કર્યો કે દરેક વસ્તુ વહેલી કે મોડી ર્જીણ થવાની છે. રૂપ અને સૌંદર્ય પણ લાંબો સમય ટકવાનું નથી. આસ્ત્રવ ભાવનામાં જાણ્યું કે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મોના બંધનોમાં જકડાવું પડે છે. સંવર ભાવનામાં જોયું કે ઇન્દ્રિયોને વશ કર્યા વગર કર્મોને રોકી શકાય નહીં. હવે આપણે નિર્જરા ભાવના અંગે જાણવા પ્રયાસો કરીશું.

કર્મો આત્માની સાથે લાગેલા છે. તેને ખપાવવા, દૂર કરવા અને તેનો નાશ કરવો તેનું નામ નિર્જરા, પરંતુ આ કઇ રીતે થઇ શકે ? કર્મોના બંધનોમાંથી કઇ રીતે છૂટાય ? આ માટેનો માર્ગ છે તપશ્ર્ચર્યા. તેનો મુખ્ય હેતુ છે દેહશુદ્ધિ અને આત્મશુદ્ધિ. કષાયોને દૂર કરવા અને કર્મોને ખપાવવા માટે તપ જરૂરી છે. જેના વડે ક્ષમા પ્રગટે, વિનય પ્રગટે, સરળતા પ્રગટે, સંતોષ પ્રગટે, વૈરાગ્ય પ્રગટે અને જેના વડે સિદ્ધતા પ્રગટે એનું નામ સાધના. આવી સાધના એટલે તપશ્ર્ચર્યા. જેમ શરીરની સફાઇ માટે સ્નાન કરીએ, મેલ કાઢીએ તેમ મનની સફાઇ માટે આંતરધ્યાન કરવાનું છે. તપશ્ર્ચર્યા જ્ઞાનમય અને સાધનાપૂર્ણ હોવી જોઇએ. તેનો મુખ્ય ઉદ્દેશ મન પર કાબૂ મેળવવાનો છે. મનને ભટકતું રોકવાનો છે, પણ આમાં તપનું તેજ ન હોય તો અર્થ સરતો નથી. તપ એ આત્મદર્શન છે. તપશ્ર્ચર્યા આત્મકલ્યાણ માટે છે. તેમાં ત્યાગને છોડી દેવાની ભાવના હોવી જોઇએ. મન સ્થિર અને શાંત બનવું જોઇએ. માન, માયા, લોભ, ક્રોધ અને મોહ તેમ જ આસક્તિ દૂર થવી જોઇએ. વાસના દ્વારા મન અસ્થિર બને છે તેનો સંપૂર્ણ ક્ષય થવો જોઇએ. તપ આ માટે છે. તેમાં સંપૂર્ણ ચેતના અને જાગૃતિ હોવી જોઇએ. તપનું પ્રથમ સૂત્ર છે આ ભૌતિક શરીર હું નથી. શરીર સાથેના તાદાત્મ્યને તોડવાની પ્રક્રિયા એટલે તપ. આમાં શરીર સાથેનું વળગણ તોડીને પ્રાણ ઊર્જા સાથે કડી જોડવાની છે.

જૈન શાસ્ત્રમાં તપ ૧૨ પ્રકારના જણાવેલા છે. આમાં ૬ બાહ્ય તપ અને ૬ અંતરતપ છે. આ તપની પ્રક્રિયા સમજાય જાય અને સંકલ્પ દૃઢ થઇ જાય તો જીવનમાં અમૃતની યાત્રા શરૂ થાય છે.

બાહ્ય તપમાં પ્રથમ તપ અનશન-ઉપવાસ છે. ઉપવાસ એટલે ભોજનનો ત્યાગ. શરીર સાથેનો આપણો જે સંબંધ છે તે મુખ્યત્વે ભોજનનો છે. જેટલું વધુ ભોજન એટલો શરીર સાથેનો સંબંધ વધુ. અતિ ભોજન વાસના પ્રેરક છે. જરૂરથી વધારે ભોજનના કારણે મૂર્છા વધે છે અને માણસ ઇન્દ્રિયોને વશ થઇ જાય છે. ભોજનની વાસના છૂટી જાય તો શરીર સાથેની બધી વાસનાઓ છૂટી જાય.

ઉપવાસ પછીનું બીજુ બાહ્ય તપ છે ઉણોદરી. ઉણોદરીનો અર્થ છે અપૂર્ણ ભોજન. ભૂખ હોય તેના કરતા ઓછું ખાવું. ભોજનમાં સંયમ રાખવો. ભોજનની પરાકાષ્ઠા પર પહોંચ્યા પહેલા અટકી જવું. ભોજનનો છેલ્લો ભાગ વધુ રસમય તૃપ્તિપૂર્ણ હોય છે. આ બિંદુ પર અટકી જવુ. આમાં ભોજન પ્રત્યેની રૂચિ અને આસક્તિ ધીરે ધીરે છોડવાનો હેતુ છે. બાહ્ય તપનું ત્રીજુ ચરણ છે વૃત્તિ સંક્ષેપ. આમાં ઇચ્છાઓને કાબૂમાં રાખવા નિયમ અને અભિગ્રહણ ધારણ કરવાના હોય છે. વૃત્તિઓને કાબૂમાં રાખવા માટેનો આ સર્વોત્તમ ઉપાય છે. વૃત્તિઓ સંક્ષિપ્ત થઇ જાય તો બહારનો પરિગ્રહ પણ ઓછો થાય છે. બાહ્ય તપનું ચોથું ચરણ છે રસત્યાગ, જે વસ્તુમાં સ્વાદ હોય, રસ હોય અને મન લાગેલું હોય તેનો ત્યાગ કરવો. આમાં મન પર અંકુશની વાત છે. સ્વાદ માત્ર વસ્તુમાં હોતો નથી પરંતુ તેની સાથે મન જોડાયેલું છે. દુ:ખ-આફત, મુશ્કેલીના સમયમાં ગમે તેટલું સારું ભોજન હોય પણ તેનો સ્વાદ રહેતો નથી, કારણ કે મન તેમાં જોડાયેલું હોતું નથી. બાહ્ય તપનું પાંચમુ ચરણ છે કાયા-કલેશ એનો અર્થ છે શરીરને સુસ્ત રહેવા દેવું નહીં. પ્રમાદ કરવો નહીં જે પણ મુશ્કેલી -કષ્ટ આવે તે સહન કરવા. કાયા-કલેશની સાધનાની શરૂઆત કષ્ટના સ્વીકારથી થાય છે અને પૂર્ણ થાય છે, કષ્ટના વિસર્જનથી. કોઇ પણ દુ:ખ હસતા મોઢે સ્વીકારી લીધા પછી તે દુ:ખ રહેતું નથી. દુ:ખની મુક્તિનો આ ઉપાય છે. બાહ્ય તપનું છઠ્ઠું ચરણ છે સંલીનતા. તેનો અર્થ છે સંકોચ કરવો, સંવરણ કરવું અર્થાત્ અશુભ માર્ગે જતી ઇન્દ્રિયોને રોકવી. શક્તિઓને વ્યર્થ રીતે વેડફાઇ જતી અટકાવવી. સલીનતાનો અર્થ છે પોતાનામાં લીન થઇ જવું. ઊર્જાને સંકલિત કરી ભીતરમાં ઉતારવી. માણસ બહાર ભાગતો રહે છે આમાં અંદર ઊતરવાની વાત છે. આ બાહ્ય તપો શરીર શુદ્ધિ માટેના છે. અંતરતપમાં ઊતરવા માટેનો આ પાયો છે.

હવે આપણે અંતરતપ અંગે જાણીએ. અંતરતપનું પ્રથમ ચરણ છે પ્રાયશ્ર્ચિત્ત. પ્રાયશ્ર્ચિત્ત શું છે તે પ્રથમ સમજવું જરૂરી છે. પશ્ર્ચાત્તાપ અને પ્રાયશ્ર્ચિત્તમાં ફરક રહેલો છે. પશ્ર્ચાત્તાપનો સંબંધ બીજા સાથેનો છે, જ્યારે પ્રાયશ્ર્ચિત્તનો સંબંધ પોતાની સાથેનો છે. પશ્ર્ચાત્તાપ બહારનો છે, જ્યારે પ્રાયશ્ર્ચિત્ત ભીતરનું છે. પશ્ર્ચાત્તાપ એટલે ભૂલની કબૂલાત અને પ્રાયશ્ર્ચિત્ત એટલે ભૂલ ફરી ન થાય તેની પ્રતિજ્ઞા. પ્રાયશ્ર્ચિત્ત એ અંતરતપનું દ્વાર છે. અંતરતપનું બીજું ચરણ છે વિનય. મન જ્યાં સુધી બીજાના દોષો જોતું રહે ત્યાં સુધી વિનય સંભવિત નથી. માણસ જ્યાં સુધી એમ વિચારતો રહે કે હું કહું એ જ સાચું ત્યાં સુધી વિનય આવે નહીં. કોઇ પણ જાતના ભેદભાવ વગર, કોઇપણ જાતની સરખામણી વગર અસ્તિત્વના તમામ પદાર્થો પ્રત્યે આદર ઊભો થવો જોઇએ. જીવનની તમામ પ્રવૃત્તિમાં નમ્રતાનો ભાવ આવવો જોઇએ. અંતરતપનું ત્રીજુ ચરણ છે વૈયાવૃત્ય. આનો અર્થ છે સાધુ-સાધ્વીજીઓની સેવા કરવી ભક્તિ કરવી, પણ સાથે સાથે જ્યાં પણ સેવાની, મદદની જરૂર હોય ત્યાં પીડિતો અને દુ:ખીઓનો તન, મન અને ધનથી સેવા કરવી એવો આ પાછળનો ગર્ભિત અર્થ છે, પરંતુ આમા કશી અપેક્ષા રાખવાની નથી. કરીને છૂટી જવાનું છે. સેવા કરીને સુખને કે સ્વર્ગને શોધવાનું નથી. નમ્ર ભાવે કર્તવ્ય નિભાવવાનું છે. આમાં કશી અપેક્ષા ન રહે ત્યારે તે અંતરદીપ બને છે આમાં કશું મળશે નહીં પણ કર્મો છૂટશે. અંતરતપનું ચોથું ચરણ છે સ્વાધ્યાય. તેનો અર્થ છે શાસ્ત્રોનું, ધર્મગ્રંથોનું પઠન, અધ્યયન અને મનન, પણ અર્થ આટલો સીમિત નથી. સ્વાધ્યાય એટલે સ્વયંનું અધ્યયન. બેહોશીમાંથી જાગૃતિ તરફનું કદમ. અંતરમાં ઊતરવાની પ્રક્રિયા. અધ્યયન સાથે આચરણ. આનાથી જે સમજ ઊભી થાય તેને અંતરમાં ઉતારવાની પ્રક્રિયા. સમગ્ર ચેતના જે બહાર વહી રહી છે તેને અંદર તરફ વાળવી. ધર્મને સાચા અર્થમાં જાણવો અને સમજવો અને જાતનું નિરીક્ષણ કરતા રહેવાનું કે આપણામાં કશો ફરક પડ્યો છે કે ? પોથીમાંના રીંગણા જેવું તો નથીને ? સ્વાધ્યાય એટલે સતત જાગૃતિ.

અંતરતપનું પાંચમું ચરણ છે ધ્યાન. જૈન શાસ્ત્રમાં ચાર પ્રકારના ધ્યાન કહ્યા છે. આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધ્યાનનો ગર્ભીત અર્થ છે આપણી અંદર રહેલી ચેતનાને સહી માર્ગે વાળવી અને સ્વભાવમાં સ્થિર થવું. મનને બહાર ભટકવા દેવું નહીં. ધ્યાન કોઇના પ્રત્યે કરવાનું નથી. ધ્યાન બીજામાંથી ઉઠાવી લઇને પોતાનામાં સ્થિર કરવાનું છે. ભગવાન મહાવીરે તેનેે ‘સામાયિક’ નામ આપ્યું છે. આત્મા પ્રત્યે લીન બનવું તેનું નામ સામાયિક. શરીર અને મન બંને યાત્રા કરે છે. શરીર સ્થાનમાં અને મન સમયમાં યાત્રા કરે છે. ચેતનાની ગતિ સમય છે. મહાવીર ભગવાને ચેતનાને સમય કહ્યો છે અને ધ્યાનને સામાયિક. શરીરની સારી ગતિ અટકી જાય તેનું નામ આસન અને મનની સારી ગતિ અટકી જાય તેનું નામ ધ્યાન.

અંતરતપનું છેલ્લું ચરણ છે કાર્યોત્સર્ગ. કાર્યોત્સર્ગ એટલે શરીરથી છૂટી જવું. મૃત્યુનો સાહજિકતાથી સ્વીકાર કરવો. કાર્યોત્સર્ગ એટલે શરીરને છોડવાની ક્ષમતા. કાયાથી દૂર થઇ જવાની તૈયારી. હું શરીર નથી એવું જ્ઞાન અને હું આત્મા છું એવો બોધ એનું નામ કાર્યોત્સર્ગ. શરીર અને ચેતનાને જોડનારી મનની કડીને તોડવી એનું નામ કાર્યોત્સર્ગ.

આ બાર તપો કર્મોનો ક્ષય કરે છે અને તેને દૂર કરે છે. નિર્જરા ભાવનાનું ચિંતન મુક્તિ માટેનો માર્ગ ચિંધે છે

(હવે પછીની લોકભાવના)

No comments:

Post a Comment